ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને અશ્લીલતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સાહિત્ય અને અશ્લીલતા'''</span> : પ્રકૃતિથી સંસ્કૃ...")
(No difference)

Revision as of 05:29, 29 November 2021


સાહિત્ય અને અશ્લીલતા : પ્રકૃતિથી સંસ્કૃતિ તરફની વિકાસકૂચ દરમ્યાન માનવસમાજે જાણ્યે-અજાણ્યે સરળતાથી સંકુલતા અને નિખાલસતાથી ગોપનશીલતા તરફની ગતિ પણ સાધી છે. આરણ્યક અવસ્થામાં સહજ રીતે જીવતો મનુષ્ય આજે સભ્યતા અને સંસ્કૃતિના પ્રભાવ તળે સમાજનિર્ધારિત વિધિ-નિષેધોનું પાલન કરતો થઈ ગયો છે. અલબત્ત, સ્થળ અને કાળના ભેદથી સૂચિત વિધિનિષેધો અને તેનાં ધોરણો બદલાતાં પણ રહે છે. પ્રત્યેક સંસ્કૃત સમાજમાં ગ્રામ્યતા(Vulgarity), બીભત્સતા (obscenity) અને અશ્લીલતા(pornography)ભર્યા જાહેર ક્રિયાકલાપોનો નિષેધ હોય છે. આના સીધા પરિણામ રૂપે સંડાસ, સ્નાનઘર અને અલગ શયનખંડની સંસ્કૃતિ નીપજી છે. પરંતુ સંસ્કૃત સમાજની સૂચિત આચારસંહિતાનો સ્વીકાર કર્યા પછી ય મનુષ્ય તેની પ્રાકૃત અવસ્થાના સ્વૈરવિહારોને ભૂલી શક્યો નથી. વળી, જે દેખાતું નથી તેને જોવાનું અને જે પ્રતિબંધિત છે તેને ઉવેખવાનું ઊફરાપણું પણ મનુષ્ય સ્વભાવની લાક્ષણિકતા છે. આથી સમાજ દ્વારા જડબેસલાક કરી દેવાયેલાં સૂચિત વિધિ-નિષેધોને ઓળંગવા-અવગણવાની ખેંચતાણ માનવસમાજની રચના થઈ ત્યારથી જ મનુષ્ય કરતો આવ્યો છે. સમાજ વચ્ચે સર્જાતી કલા તરીકે સાહિત્યમાં પણ સૂચિત વિધિ-નિષેધો અને તેની આચારસંહિતાનું ખંડન ઊતરી આવ્યાં છે. સુસંસ્કૃત, સામાજિક તરીકે મનુષ્ય ભલે જાહેરમાં શૌચાદિ પ્રાત :કર્મો, નિર્વસ્ત્રસ્નાન, વસ્ત્રપરિવર્તન તેમજ સંભોગ અને સંભોગ પૂર્વેની કામક્રીડાઓની ચર્ચાવિચારણા ન કરી શકતો હોય પરંતુ તેને તેમ કર્યા વિના ચેન પડે તેમ ન હોઈને તે સાહિત્ય, શિલ્પ, ચિત્ર અને ફિલ્મ જેવી કળાઓમાં ઉપર્યુક્ત નિષિદ્ધ બાબતોનું સવિસ્તાર, વીગતપૂર્ણ તેમજ પુનરાવર્તિત નિરૂપણ કરે છે. જેના સેવન/ભાવનથી ભાવકની આદિમવૃત્તિ ઉશ્કેરાય છે. એવા સાહિત્યને અશ્લીલ કહેવામાં આવે છે. સંસ્કૃત શબ્દ અશ્લીલ(›¸ ¹d¸¡¸¿ ¥¸¸¹C) દ્વારા ગ્રામ્યતા, અભદ્રતા, અને જુગુપ્સાનો અર્થબોધ થાય છે. પાશ્ચાત્ય સાહિત્યમાં આ પ્રકારના સાહિત્યને પોર્નોગ્રાફી(Porno-graphy) કહે છે. પોર્નોગ્રાફી મૂળે બે ગ્રીક શબ્દ : Porne (વેશ્યા, Prostitute) અને Graphos(લખાણ Writing)ના સમન્વયથી બન્યો છે. પ્રાચીન ગ્રીસના વેશ્યાગૃહની દીવાલે લગાડેલી જાહેરખબરના મથાળે મુકાયેલી પંક્તિ : ‘writing about harlots /prostitute’ અનુસાર, વેશ્યાઓ સાથેની કામક્રીડાઓનું ઉઘાડું, ઉત્તેજક વર્ણન કરનારું લખાણ અશ્લીલ (pornography) ગણાયું છે. વળી, એક માન્યતા એવી પણ છે કે અશ્લીલ સાહિત્ય વાસ્તવિક જગતનું નિરૂપણ કરતું જ નથી અને તેથી અશ્લીલલોક (pornotopia)માં જાતીય પરાકાષ્ઠા સિવાયની બીજી કશી ઘટના જાણે કે ઘટતી જ નથી. અશ્લીલ સાહિત્યનો આરંભ સાહિત્યસર્જનની સાથોસાથ થયો હશે એવું અનુમાન થાય છે. પરંતુ તેની સૌપ્રથમ ભાળ ‘ઓલ્ડ ટેસ્ટામેન્ટ’માં મળે છે. પ્રત્યેક સમાજમાં એની નાની-મોટી સમસ્યાઓ અને તેના નિરાકરણ સંદર્ભે જહાલ અને મવાળ એવાં બે વિચાર-વલણો સંઘર્ષશીલ હોય છે. અશ્લીલ સાહિત્ય સંદર્ભે પણ રૂઢિવાદી તથા પ્રગતિવાદી સમૂહો વચ્ચે ખેંચતાણ રહી છે અને તેના પરિણામ રૂપે ડી.એચ. લોરેન્સકૃત ‘લેડી ચેટર્લીઝ લવર્સ’ જેવી કેટલીક કૃતિઓ કાયદાની જોગવાઈ તળે એક કાળે પ્રતિબંધિત ઠેરવાયેલી પરંતુ પરવર્તી સમયમાં દૃષ્ટિકોણ બદલાતાં તે કૃતિઓ મુક્ત પણ થઈ છે. આ પરિસ્થિતિમાં જેનું વિષયવસ્તુ સમાન હોય છે તેવાં, શૃંગારપ્રધાન સાહિત્ય (Erotic literature) અને અશ્લીલ સાહિત્ય વચ્ચે ભેદ શી રીતે કરવો તે સવાલ જન્મે છે. આ સમસ્યાની આસપાસ થયેલી ચર્ચા-વિચારણાને અનુલક્ષીને પોર્નોગ્રાફીના બે પ્રકારો : ૧, Erotic અને ૨, Exotica કલ્પાયા છે. આ ઉપરાંત સોફ્ટ પોર્નોગ્રાફી અને હાર્ડ પોર્નોગ્રાફી એવા ભેદ પણ થયા છે. અલબત્ત, કલાકૃતિનું ભાવન આખરે ભાવકસાપેક્ષ અર્થાત્ તેના રસરુચિગત મનોબંધારણ (Mental makeup) આધારિત પ્રક્રિયા હોઈને ભાવક પરનો તેનો સારો કે નઠારો તેમજ વત્તો-ઓછો પ્રભાવ એ નરી વૈયક્તિક બાબત બની રહે છે. જાતીયવૃત્તિના સંતોષ દ્વારા જ પ્રેમની પવિત્રતાનો સંપૂર્ણ અનુભવ થઈ શકે છે અને જાતીયવૃત્તિની એવી ઉત્કટતાનું નિરૂપણ કરનારી કોઈપણ ભાષાશૈલી ક્યારેય અશ્લીલ કે બીભત્સ ન હોઈ શકે – એવો મત લોરેન્સ અને તેની તરફેણ કરનારા લોકોએ અલબત્ત, વ્યક્ત કર્યો છે. પરંતુ ‘સરી જતી રેતી’ના નાયક કલ્યાણના અવનવી સ્ત્રીઓ સાથેના નરી સ્થૂળતામાં રાચતા દેહસંબંધોના પુનરાવર્તનપૂર્ણ અસાહિત્યિક નિરૂપણથી જન્મતી જુગુપ્સા અને મહાભારત યુદ્ધના અંતે કૃતવર્માના કપાયેલા હાથને છાતીએ વળગાડીને તેની રાણીએ ‘આ એ જ હાથ છે જેણે રમણીય કૂચમર્દન કરીને કેવો આહ્લાદક અનુભવ કરાવ્યો હતો – એવાં સ્મરણને વશ થઈને કરેલા કલ્પાંતના નિરૂપણથી નીપજતો કરુણ પૈકી કઈ કૃતિ બ્રહ્માનંદ સહોદરશા સાહિત્ય રસાસ્વાદનો અનુભવ કરાવે છે તે સ્વયંસ્પષ્ટ છે. વળી, કોઈપણ કૃતિ તેના વિષયવસ્તુ માત્રથી અભદ્ર-અશ્લીલ નથી નીવડતી. આ વિધાનના સમર્થનમાં યૌનવિજ્ઞાન સંબંધી, વાત્સ્યાયનરચિત કામસૂત્ર જેવા શાસ્ત્રીય ગ્રન્થોનું દૃષ્ટાંત લઈ શકાય. અંતે એમ જ કહેવું રહે કે કૃતિમાંની અશ્લીલતા, અભદ્રતા કે બીભત્સતા સંદર્ભે સામગ્રી કરતાં નિરૂપણ અભિગમ અને કૃતિની શૈલી તેમજ તેના ભાવનનાં સ્થળ-સમય તથા ભાવકની મન :સ્થિતિ વિશેષ જવાબદાર ઠરે છે. ર.ર.દ.