ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને લોકપ્રિયતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સાહિત્ય અને લોકપ્રિયતા'''</span> : સામાન્ય પ્રજાજ...")
 
No edit summary
Line 10: Line 10:
{{Right|મ.હ.પ.}}
{{Right|મ.હ.પ.}}
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>

Revision as of 09:10, 29 November 2021


સાહિત્ય અને લોકપ્રિયતા : સામાન્ય પ્રજાજનોનું મનોરંજન કરનારી કૃતિને આપણે લોકપ્રિય સાહિત્યના વર્ગમાં મૂકીએ છીએ. જે દેશની સાઠ ટકાથી પણ વધારે વસતિ અભણ હોય, વળી ભણેલી પ્રજામાં પણ સાહિત્યાદિમાં રુચિ ધરાવનારો વર્ગ માંડ પાંચ ટકા જેટલો મળતો હોય ત્યારે ‘લોકપ્રિયતા’ શબ્દ-સંજ્ઞામાં રહેલા ‘લોક’ શબ્દની વ્યાખ્યા કરવી અઘરી છે. પ્રજાનો મોટો વર્ગ જેમાંથી બાદ થઈ ગયેલો હોય, પછી બચેલો ને વાચનમાં થોડીકેય રુચિ ધરાવતો નાનકડો વર્ગ તે આપણો ‘લોક’ છે. એ લોકોનું રંજન થાય એવી સરળ ભાષામાં પરિચિત કે રોમાંચક સામગ્રીમાંથી કથાવાર્તા ઘડી કાઢનારા લેખકને આપણે લોકપ્રિય સાહિત્યકાર કહીએ છીએ. અક્ષરજ્ઞાન ધરાવતી પ્રજાના શક્ય એટલા મોટા વર્ગમાં જે સાહિત્ય રોજેરોજ વંચાતું હોય તે લોકપ્રિય સાહિત્ય. આ લોકપ્રિયતા અને સાહિત્યકળાને શો સંબધ છે તેની ચર્ચાઓ ભિન્નભિન્ન રીતે દરેક જમાનામાં થતી રહે છે. ‘સાહિત્ય’ અને ‘લોકપ્રિયતા’ બંને શબ્દો એકબીજાના વિરોધી નથી, પણ ઘણીવાર એવું માનવામાં આવે છે કે જે લોકપ્રિય છે તે સાહિત્યિક દૃષ્ટિએ ઊતરતી કોટિનું છે. એટલે કોઈ લેખકને ‘લોકપ્રિય’ એવું વિશેષણ લગાડીએ છીએ ત્યારે એમાં એને એનું અપમાન લાગે છે. સાહિત્યની કોઈપણ કૃતિનો ઉદ્દેશ મુખ્યત્વે તો આનંદ આપવાનો છે એ સ્વીકાર્યા પછી આપણે ‘આનંદ’ અને ‘મનોરંજન’ વચ્ચે ભેદ કરીએ છીએ. સાહિત્યિક ગુણવત્તા ધરાવતી કૃતિ આપે છે તે ‘આનંદ’ અને બજારુ કે સસ્તી કથાવાર્તાને કશાય સર્જક-ઉન્મેષ વગર, બલકે ભળતી રીતે અને સંસ્કાર કે સુરુચિની પરવા કર્યા વિના રજૂ કરી દેતી કૃતિ આપે છે તે ‘મનોરંજન’ – આવો કૈંક ખ્યાલ આજે દૃઢ થયેલો છે. એમાં તથ્ય નથી એવું નથી. ઘણીવાર લોકપ્રિય સાહિત્યકારો પ્રજાની રુચિને ઉશ્કેરવા કે ગલગલિયાં કરાવવા સારુ હલકી સામગ્રીને સાવ પ્રાકૃત રીતે રજૂ કરતા હોય છે. આવા લેખકોને મોટો વાચકવર્ગ મળી રહે છે કેમકે એમના લેખનમાં અર્થવિશેષ હોતો નથી કે વાચકોને કશો વિશેષ તારવવા મથામણ કરવી પડતી નથી. જે કહ્યું તે સીધું ને સપાટ છે ને એવું જ એ સમજાઈ જાય છે. જો કે આવું વાચન વાચકને સરવાળે કશો ફાયદો કરતું નથી. છેવટે તો એ વાચકની રુચિને વધારે પ્રાકૃત બનાવે છે. લોકપ્રિય લેખકોનો આશય પ્રજાને જીવનનાં અનેક પડળો બતાવીને જાગૃત કરવાનો નથી હોતો; એમનો આશય તો કામચલાઉ મનોરંજન પૂરું પાડવાનો હોય છે. એમને તો એમાંથી થતો અર્થલાભ જ મહત્ત્વનો છે ને લોકપ્રિયતાને નામે મળતી સસ્તી પ્રસિદ્ધિનો નશો પણ એમને ચઢતો હોય છે. સાહિત્યિક ગુણવત્તાવળી કૃતિનો સર્જક વાચકને આનંદ આપવા સાથે માનવજીવનનું કોઈ ને કોઈ ગંભીર દર્શન કરાવે છે, વળી, માનવનિયતિ કે જીવનના રહસ્યને સમજવા તરફનો સંકેત કરે છે. આવું સત્ત્વસમૃદ્ધ સાહિત્ય વાચકોની રુચિને ઘડે છે ને સંસ્કારોને સંકોરે છે. લોકપ્રિય સાહિત્યકૃતિનો લેખક આવું કશું સિદ્ધ કરતો નથી એવું સાહિત્યનો અને પ્રજાજીવનનો ઇતિહાસ કહે છે. સાહિત્યકૃતિઓને આપણે ત્રણ ભાગમાં વિભાજિત કરીને થોડીક વધારે ચર્ચા કરીએ. ૧, કળાત્મક કે સાહિત્યિક કૃતિઓ : આવી કૃતિઓને વિદ્વાનો, વિવેચકો અને સુરુચિસંપન્ન ભાવકોનો નાનકડો વર્ગ સમજી શકે છે. સર્જકની કળા એમાં એની પરાકાષ્ઠાએ હોય છે. ૨, લોકભોગ્ય સાહિત્ય કૃતિઓ : ભાવકો થોડાક પ્રયાસથી કે પોતાની ઓછીવત્તી કેળવાયેલી રુચિ વત્તા સમજથી આવી કૃતિઓને પામે છે. સર્જકે અહીં સાહિત્યિક ગુણવત્તા સાચવવા સાથે સહજતા અને સરળતા પણ સાચવ્યાં હોય છે. ૩, લોકપ્રિય સાહિત્યકૃતિ : જેને સામાન્ય વાચક મનોરંજન મેળવવાના આશયથી વાંચે છે એ કૃતિ એના ચિત્તમાં ખાસ ગુણવત્તાની છાપ પાડતી નથી. એ વાંચીને, રાજી થઈને, ભૂલી જવાની હોય છે. કેટલીક વાર લોકભોગ્ય લેખકના હાથે પણ લોકપ્રિય કૃતિઓ સરજાતી હોય છે. આપણે ત્યાં ધારાવાહિક સ્વરૂપે લખાતી-પ્રગટ થતી મોટા ભાગની કૃતિઓ લોકપ્રિયતાની છાપને ભૂંસીને લોકભોગ્યતાની સરહદોમાં ય પ્રવેશી શકી નથી એ ઘણું સૂચક છે. લોકભોગ્ય કૃતિ ક્યારેક ઊંચી કળાત્મકતા પણ દાખવતી હોય છે – તેમ લોકપ્રિય કૃતિનો લેખક જો સભાનપણે કામ કરે તો એ કૃતિ લોકભોગ્ય તો જરૂર બને. લોકપ્રિયતા સાહિત્ય-કૃતિનો માનદંડ નથી બનતી એમ લોકપ્રિય કૃતિમાં કદીયે ગુણવત્તા કે સાહિત્યિકતાના અંશો નથી જ હોતા એવું ય નથી. લોકપ્રિયતાનું આળ વ્હોરીને પણ પ્રજાનાં સુરુચિ-સંસ્કારને ઘડવાનું માથે લેનારા સર્જકો આપણે ત્યાં ઘણા ઓછા આવ્યા છે. નીચું નિશાન માફ ન કરનાર બળવંતરાયે ‘લોકપ્રિયતા’ના ઉપાસકોને બારણું બતાવી દીધેલું. લોકોનું માત્ર મનોરંજન કરવા સુધી નીચે ઊતરવું, સાહિત્યિક ધોરણોને બાજુ ઉપર મૂકવાં, લેખક તરીકેના દાયિત્વને ચૂકી જવું, સર્જકતાના નર્યા અભાવમાં ય લખ્યે જવું એ લોકપ્રિયતાને માથે લાગેલી કાળી ટીલીઓ છે. લોકપ્રિયતાનો હેવાયો લેખક ઘણીવાર તો સાહિત્યને નામે નર્યું સાહિત્યેતર લખ્યે જાય છે. એની સામે લોકપ્રિય રહીને સાહિત્યિક બનવા મથનારો સર્જક તો વિરલ વસ છે. કળાનાં ધોરણોથી પર હોવાથી ‘લોકપ્રિયતા’ સાહિત્યસંદર્ભે મૂલ્યવાચી સંજ્ઞા બની શકી નથી. મ.હ.પ.