ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/માર્કસવાદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માર્ક્સવાદ(Marxism)'''</span> : કાર્લ માર્ક્સે સૂચવેલી...")
(No difference)

Revision as of 09:41, 29 November 2021


માર્ક્સવાદ(Marxism) : કાર્લ માર્ક્સે સૂચવેલી ઇતિહાસની ફિલસૂફી અને ક્રાંતિનો કાર્યક્રમ. માર્ક્સવાદના સામાજિક દર્શનમાં જનસ્વામીત્વના સિદ્ધાન્ત પર આધારિત આર્થિક સેવાઓ અને ઉત્પાદનનાં ભૌતિક સાધનોનો પુરસ્કાર થયો છે. સમાજવાદને મળતું આવતું હોવા છતાં માર્ક્સનું સામ્યવાદી વલણ સમાજના ક્રમિક વિકાસને માન્ય નથી રાખતું અને નવી સમાજ વ્યવસ્થાની સ્થાપનામાં બલપ્રયોગ અને હિંસાત્મક સાધનોને ઉત્તેજન આપે છે. ઇતિહાસની ફિલસૂફી તરીકે માર્ક્સવાદ દ્વન્દ્વાત્મક ભૌતિકવાદને અનુલક્ષીને દર્શાવે છે કે મૂડીવાદ પોતાની ભીતર જ પોતાના હ્રાસનાં બીજ વહે છે અને તેથી ક્રાંતિ અનિવાર્ય બને છે. આમ માર્ક્સવાદનું માળખું સ્થાયિત્વની અપેક્ષાએ પરિવર્તનને અધિક મહત્ત્વ આપી વર્ગસંઘર્ષના સિદ્ધાન્તને આગળ ધરે છે. ૧૮૪૭માં બહાર પાડેલા ખરીતા દ્વારા માર્ક્સે જમીનસંપત્તિનું સ્વામીત્વ ખૂંચવી લેવા પર, ઊંચા અનેક સ્તરવાળા આયકર પર, વાહનવ્યવહારના રાષ્ટ્રીયકરણ પર, કામ કરવાની સહુની ફરજ પર, બધાં બાળકોને રાજ્ય તરફથી અપાનારા શિક્ષણ પર અને બાળમજૂરોની નાબૂદી પર ભાર મૂક્યો છે. માર્ક્સવાદનો નિષ્કર્ષ એ છે કે મનુષ્યની ચેતના એના અસ્તિત્વને નિર્ધારિત નથી કરતી પણ સામાજિક અસ્તિત્વ જ એની ચેતનાને નિર્ધારિત કરે છે. ચં.ટો.