ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યિક ઇતિહાસ: Difference between revisions
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સાહિત્યિક ઇતિહાસ'''</span> : સાહિત્યને વિષય કરીને...") |
(No difference)
|
Revision as of 10:10, 29 November 2021
સાહિત્યિક ઇતિહાસ : સાહિત્યને વિષય કરીને હાથ ધરાતાં વિદ્યાકીય કોટિનાં લખાણોને તેના સ્વરૂપ, પ્રયોજન અને પદ્ધતિને ધ્યાનમાં લેતાં નીચેની મુખ્ય શાખાઓમાં વહેંચી શકાય : ૧, સાહિત્યનો સિદ્ધાન્તવિચાર(Theory of Literature), ૨, સાહિત્યકૃતિનું પ્રત્યક્ષ વિવેચન(Practical criticism), ૩, સાહિત્યિક સંશોધન(Literary research), અને ૪, સાહિત્યિક ઇતિહાસ(Literary History) આ વિદ્યા-શાખાઓ પરસ્પર ગાઢ રીતે સંકળાયેલી છે, અને ઓછેવત્તે અંશે પરસ્પરને ઉપયોગી પણ છે. એક અલગ અને સ્વતંત્ર વિદ્યાશાખા લેખે સાહિત્યિક ઇતિહાસ, વિવેચન અને સંશોધનનાં લખાણોથી મૂળભૂત પ્રયોજનમાં જુદો પડે છે, એટલે એનું સ્વરૂપ અને એની લેખન-પદ્ધતિ ય મૂળથી જુદાં પડે છે. સાહિત્યિક વારસામાંની મુખ્ય-ગૌણ કૃતિઓને લગતા સ્વતંત્ર અને છૂટક વિવેચનલેખોનો સંચય માત્ર સાહિત્યિક ઇતિહાસ નથી, તેમ નાનામોટા સાહિત્યકારોના ચરિત્રનો અને તેમની દરેકની લેખનપ્રવૃતિનો સમયના ક્રમમાં પરિચય આપવાથી ય એવા સંકલનને સાહિત્યિક ઇતિહાસ લેખે ભાગ્યે જ કશું મહત્ત્વ પ્રાપ્ત થાય છે. સાહિત્યનો ઇતિહાસકાર દૂર ભૂતકાળથી વર્તમાન સુધી ખેડાતા રહેલા વિશાળ વૈવિધ્ય-ભર્યા સાહિત્યમાં અંતર્હિત રહેલી કોઈક પાયાની વ્યવસ્થા (order)ની તપાસ કરવા ચાહે છે. સાહિત્યના ભિન્ન ભિન્ન તબક્કાઓમાં અને ભિન્ન ભિન્ન સ્તરોએથી નાનામોટાં તંત્રો (systems)ની ઓળખ કરી તેમાંથી શક્ય તેટલા વ્યાપક તંત્રની સ્થાપના કરવાનો તેનો મુખ્ય હેતુ છે. ખરેખર તો સમગ્ર સાહિત્યને ‘સાતત્ય’(continuity) અને ‘પરિવર્તન’ (change)ની અતિસંકુલ ઐતિહાસિક ઘટના રૂપે તે જુએ છે અને સ્વીકારે છે. સાહિત્યક્ષેત્રમાં ‘વિકાસ’, ‘પ્રગતિ’ કે ‘ઉત્ક્રાંતિ’ની પ્રક્રિયાને સમજવા માગે છે. સમયેસમયે સાહિત્યિક પ્રવૃત્તિમાં જે કંઈ નવપ્રસ્થાનો થયાં છે, પરિવર્તનો આવ્યાં છે, વિવિધ દિશાઓમાં સંચલનો થયાં છે અને વિકાસ-વિસ્તાર સધાતો રહ્યો છે તેની પાછળના મૂળભૂત આશયોને અને સમગ્ર પરિવર્તન-પ્રક્રિયામાં પ્રગટ થતા વ્યાપક નિયમોને તે જાણવા ચાહે છે. એવા નિયમોનું જ્ઞાન સ્વયં સાહિત્યવિશ્વમાં અંતર્હિત રહેલા કોઈ વ્યાપક તંત્ર તરફ દોરી જશે એવી પાયાની આસ્થા તે ધરાવે છે. એવી આસ્થા લઈને તે નવું જ્ઞાનવિશ્વ રચવા ચાહે છે. સાહિત્યક્ષેત્રમાં પરિવર્તનની પ્રક્રિયા જુદાં જુદાં સ્તરોએથી સંભવે છે. સમયે સમયે રાજકીય અને સામાજિક જીવનમાં નાનામોટા પલટાઓ આવતા રહે છે. ધર્મ, સંસ્કૃતિ અને સાહિત્યકળાઓનાં ક્ષેત્રોને પ્રેરતી અને અસર કરતી નવી વિચારધારાઓ જન્મે છે. નવા આદર્શો અને નવાં મૂલ્યોની સ્થાપના થાય છે. જ્ઞાનવિજ્ઞાનનાં ક્ષેત્રોમાં નવાં સત્યો અને નવી અંતર્દૃષ્ટિઓ પ્રગટ થાય છે. આમ સમાજજીવનની મૂળભૂત પરિસ્થિતિ કોઈક રીતે બદલાવા માંડે છે. અને તે સાથે સાહિત્યજગતમાં નવા જ અનુભવો, નવા જ સંઘર્ષો અને નવા જ વર્ણ્યવિષયો(themes) રજૂ થવા ઝંખે છે. નવી સાહિત્ય-સામગ્રીને પર્યાપ્તરૂપ આપવાના પ્રયત્નોમાં પ્રચલિત સાહિત્ય-સ્વરૂપો, આકારો, શૈલીઓ અને રચનાગત પ્રયુક્તિઓ – પ્રણાલિઓમાં ઓછોવત્તો ફેરફાર આવે છે. અભિવ્યક્તિનાં સાધનો લેખે પરંપરાપ્રાપ્ત પ્રતીકોના વિનિયોગમાંય પરિવર્તન આવે છે, અને બદલાતાં જ્ઞાનવિજ્ઞાનના પ્રકાશમાં પુરાણકથાઓને નવું અર્થઘટન અને નવું સ્થાન મળે છે. પણ એ સાથે સમયે સમયે સાહિત્યકળા અને સૌન્દર્યની બદલાતી વિભાવના પણ સમગ્ર સર્જનપ્રવૃત્તિને કે તેના કોઈ એક પ્રવાહને સીધી અસર કરે છે. સાહિત્યપ્રવૃત્તિ, આમ પણ રમણીયતા સાધવાને કશાક નૂતનની, કશાક મૌલિકની અને કશાક અપૂર્વની ઝંખના કરે છે. એટલે કશાક અપૂર્વ નિર્માણની દિશામાં તે ગતિ કરવા પ્રવૃત્ત થાય એ સહજ છે. એટલે જુદા જુદા તબક્કામાં જે રીતે જૂનાં સર્જકવલણો વિરમે છે, અને નવાં જન્મ લે છે, જે રીતે જૂની સાહિત્યિક પરંપરા લુપ્ત પામે છે, નવસંસ્કરણ પામીને ટકી રહે છે કે તેના અમુક પ્રાણવાન અંશો નવી આકાર લેતી પરંપરામાં આત્મસાત થાય છે. અને નવી પરંપરા ય જે રીતે વિકાસની અમુક સીમાએ પહોંચીને સ્થગિત થવા માંડે છે અને વિઘટન પામવા માંડે છે – એ સર્વ સાહિત્યિકઘટનાઓમાં ‘સાતત્ય’ અને ‘પરિવર્તન’ પર ઇતિહાસકારની દૃષ્ટિ મંડાય છે. જે કંઈ ‘સત્ત્વ’ પ્રાણવાન અને ગતિશીલ હોઈ મૂળ રૂપમાં કે નવસંસ્કાર પામીને ટકી રહે છે, તેમાંય તેને ઊંડો રસ રહ્યો છે, તો યુગે યુગે, પેઢીએ પેઢીએ જે કંઈ નવપરિવર્તન આરંભાય છે. તેમાંય એટલો જ ઊંડો રસ તે ધરાવે છે. સાહિત્યનો ઇતિહાસકાર કૃતિ, સર્જકમાનસ અને યુગમાં સર્વ વિચારવલણો વચ્ચેનો આંતરસંબંધ સ્થાપવા ચાહે છે. એ વિશે જે કંઈ હકીકતો, સત્યો અને વિવેચનો–મૂલ્યાંકનો ઉપલબ્ધ થાય છે તેમને કાર્યકારણના સંબંધોથી સાંકળવામાં અને જે પરિવર્તનો અને રૂપાન્તરો સધાયાં હોય તેની પાછળ કામ કરતા નિયમો રચવામાં તેને વિશેષ રસ છે. સાહિત્યના બદલાતા પ્રવાહોને અને તેમાં આવતાં પરિવર્તનોને પ્રજાજીવનના ફેરફારો સાથે અમુક સંબંધો હોવાનું સમજાય છે, છતાં સાહિત્યિક ગતિવિધિઓમાં આવતા નાના-મોટા બદલાવોને સર્વસામાન્ય પ્રજાજીવનની બદલાતી ગતિવિધિઓ સાથે સાદ્યંત કાર્યકારણભાવે સાંકળવાની મુશ્કેલીઓ પણ છે. સાહિત્યપ્રવૃત્તિ પ્રજાજીવનનાં વહેણોથી સ્વતંત્ર અને સ્વાયત્તપણે ચાલે છે, અને એના વિકાસપરિવર્તનના આગવા નિયમો સંભવે છે – એમ માનનારો વર્ગ સાહિત્યિક ઇતિહાસની રચના પરત્વે સંશય પ્રગટ કરે છે. એટલે, સાહિત્યિક ઇતિહાસની અલગ વિદ્યાશાખાનો જેઓ સ્વીકાર કરે છે તેઓ સાહિત્યપ્રવૃત્તિને સામાજિક સાંસ્કૃતિક – પ્રવાહો સાથે માર્મિક સંબંધનો સ્વીકાર કરીને ચાલે છે. પણ બીજી બાજુ, સાહિત્યિક ઇતિહાસનું મૂળભૂત રીતે એક અને અખંડ તંત્ર રચી શકાય નહિ, એમ નવ્ય ઇતિહાસવાદીઓ કહેવા માગે છે. એવી પરિસ્થિતિમાં, સાહિત્યિક ઇતિહાસના સમર્થકો એમ પ્રદિપાદિત કરે છે કે એવું એક અખંડ તંત્ર રચવાનું ભલે મુશ્કેલ હોય, સાહિત્યનો ઇતિહાસકાર સર્જનવિવેચનની પ્રવૃત્તિમાં દરેક તબક્કે દરેક નાનામોટા ખંડકો(segments)માં પ્રગટપણે તંત્ર નિર્માણ કરવાની દિશામાં મૂળભૂત વૃત્તિવિશેષ કામ કરી રહ્યો હોવાનું સમજાશે. ઇતિહાસકારે સાહિત્યના ઇતિહાસના લેખન અર્થે શક્ય તેટલાં નાનાંમોટાં તંત્રો નિર્માણ કરવા પ્રવૃત્ત થવું જોઈએ. સાહિત્યના ઇતિહાસની રચના અર્થે ઉપલબ્ધ સામગ્રી ઘણું કરીને નીચેનાં ક્ષેત્રોમાં તંત્ર રૂપે પ્રમાણમાં સરળતાથી યોજી શકાય છે : ૧, દરેક સાહિત્યકારનું સાહિત્યવિશ્વ : દરેક સર્જકની પ્રતિભા નિરાળી હોય, તેનું વિશ્વદર્શન આગવું હોય, તેનું સંવેદનતંત્ર યુગનાં વિશિષ્ટ વિચારવલણોથી પ્રભાવિત હોય અને સાહિત્યકળા અને સૌન્દર્યનિર્માણ વિશે આગવી સૂઝસમજ તેણે કેળવી હોય તો તેની સમગ્ર સાહિત્યસૃષ્ટિમાં ક્યાંક મૂળની સજીવ એકતા અને અખિલાઈ પ્રાપ્ત થાય છે. એમાં કોઈ તબક્કે નાનું કે મોટું પરિવર્તન આવ્યું હોય તો તેની પાછળનું ચોક્કસ તર્કસૂત્ર પણ મળી આવતા સંભવ છે પોતાનું લેખન તે ચોક્કસ સાંસ્કૃતિક-સાહિત્યિક પરંપરાઓ વચ્ચે આરંભે છે, ત્યારે એ પરંપરાઓનો ઓછોવત્તો સ્વીકાર કરે છે, અને તેનું નવસંસ્કરણ કરે છે, એ ઘટના પણ ઘણે અંશે સમજાય છે. એ રીતે કોઈ એક સાહિત્યકારના વિશ્વમાં તંત્રની ઓળખ એટલી મુશ્કેલ નથી. ૨, સાહિત્યિક યુગની રચના : સાહિત્યિક પ્રવૃત્તિઓમાં સમયેસમયે આવતાં મોટાં પરિવર્તનો કે મોટા વળાંકોને લક્ષમાં રાખી ચોક્કસ સાહિત્યિકયુગની રચના કરી શકાય. પ્રજાના ઇતિહાસમાં આવતા પલટાઓ સાથે સાહિત્યિક યુગ તંતોતંત બંધ બેસે એમ હંમેશાં બનતું નથી. એ ખરું કે રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિ બદલાતાં સાહિત્યક્ષેત્રમાં ય તેનો અમુક પ્રભાવ વરતાવા લાગે છે, પણ સાહિત્યિક યુગના આરંભ અને અંતની સમયરેખા વિશિષ્ટ સાહિત્યિક પ્રવાહોના આરંભઅંત સાથે સાંકળવામાં આવે છે. જે સમયખંડમાં સાહિત્યકળા અને સૌન્દર્ય વિશે કોઈ સર્વથા નવી વિચારણા આંદોલિત થાય છે, સાહિત્યક્ષેત્રમાં નવા વિષયો, નવા આકારપ્રકારો અને નવી શૈલીઓ ખેડાય છે અને કૃતિવિવેચનનાં નવાં મૂલ્યો અને નવાં ધોરણો પ્રચારમાં આવે છે ત્યારે એ સમયખંડ અલગ સાહિત્યિક યુગ રચે છે. આમ તો દરેક સાહિત્યિક યુગમાં આગલા યુગના પ્રવાહોનું ય અમુક સાતત્ય જળવાઈ રહે છે. અને અનુગામી યુગમાં એના નવા પ્રવાહો વિસ્તરે છે. છતાં દરેક સાહિત્યયુગ એનાં કેટલાંક અપૂર્વ વિચારવલણો અને એના વિશેષ મૂલ્યતંત્રથી નોખો ઊપસી આવે છે. સાહિત્યિક યુગની રચનામાં સમયની અનુકાલિક(diachronic) રેખા પરથી ગતિવિધિઓનો તેમ સમકાલિક(synchronic) રેખાની ગતિ-વિધિઓનો ય વિચાર કરવાનો રહે છે. એક જ સમયખંડમાં ઊપસેલા વર્ણ્યવિષયો, સાહિત્યસ્વરૂપો, આકારો અને શૈલીઓ આદિ પરસ્પરને કેવી રીતે પ્રેરે છે કે પ્રભાવિત કરે છે તે ય લક્ષમાં લેવાનું રહે. ૩, સાહિત્યસ્વરૂપનો ઉદ્ભવ વિકાસ : દરેક સાહિત્યના ઇતિહાસમાં મુખ્યગૌણ અનેક સાહિત્યસ્વરૂપો ખેડાતાં રહ્યાં છે. એ દરેક સ્વરૂપ વિશિષ્ટ સામાજિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક સંયોગો વચ્ચે ઉદ્ભવ્યું હોય, અનુકૂળ સંયોગોમાં ‘વિકાસ’ પામીને અમુક પરાકાષ્ઠાએ પહોચ્યું હોય, એમાં આંતરિક પરિવર્તનો રૂપાન્તરો સધાયાં હોય, સમય જતાં સ્થગિત થઈને લોપ પામ્યું હોય કે તેનું ગૌણ સ્વરૂપોમાં વિઘટન થવા પામ્યું હોય. એ આખો ક્રમ લક્ષમાં લઈ તેનું આગવું તંત્ર રચી શકાય છે. જો કે દરેક યુગમાં મુખ્યગૌણ સ્વરૂપોની સહોપસ્થિતિ સ્વયં એક ગતિશીલ સંરચના સંભવે છે. દરેક સ્વરૂપ પ્રવર્તમાન અન્ય સ્વરૂપો સાથે ક્રિયાપ્રતિક્રિયાથી સંકળાય છે, અને સાહિત્યિક યુગ બદલાતાં એ સંરચનાગત માળખું બદલાતું રહે છે, અને સ્વરૂપો વચ્ચે નવેસરથી ઉચ્ચાવચ ક્રમ રચાય છે. સાહિત્યિક સામગ્રી યોજવામાં સ્વરૂપગત તંત્ર ઘણું મોકળાશ આપે છે, પણ એ કોઈ એક જ સર્જકપ્રતિભા કે કારણ પૂરતું સીમિત રહેતું નથી. ૪, સાહિત્યનિર્માણમાં પ્રેરક બનતી વિચારધારાઓ, વાદો હિલચાલોનેય એનું આગવું તર્કસૂત્ર સંભવે છે. વર્ણ્યવસ્તુ લેખે સ્વીકારાતી પૌરાણિક, ઐતિહાસિક કે લોકકથારૂપ સામગ્રી પરંપરાપ્રાપ્ત પ્રતીકો આદિરૂપો અને લોકકથારૂપ સાહિત્યનાં કથાઘટકો, કથનરીતિઓ, શૈલીઓ, અભિવ્યક્તિના ઢાંચાઓ એ સર્વ વિષયોને ય ચોક્કસ તંત્રમાં ઢાળવાનું એટલું મુશ્કેલ નથી. ૫, સાહિત્યસર્જન સાથે ગાઢ સંબંધ રાખતું કાવ્યશાસ્ત્ર અને કૃતિવિવેચનની નાનીમોટી પરંપરાઓને ય આગવું તર્કસૂત્ર હોય છે. એ જ રીતે શિષ્ટ સાહિત્યકૃતિઓ વિશે દરેક પેઢીના-ભાવકો વિવેચકોએ વિવેચનમૂલ્યાંકન રૂપે જે કંઈ પ્રતિભાવો દર્શવ્યા હોય અને અનુગામી પેઢીના ભાવકોવિવેચકો પર એ પ્રતિભાવોના જે સંસ્કાર પડ્યા હોય કે રસરુચિના વિકાસમાં એનો જે પ્રભાવ કે આગલી પેઢીના વિવેચન સામે પ્રતિવાદ રૂપે નવી પેઢીના વિવેચકોએ જે પુનઃવિવેચન કર્યુ હોય તે સર્વ વિવેચનસાહિત્ય પણ આગવાં વલણો દાખવે છે, અને તેમાં ય કળાત્મક રુચિ-દૃષ્ટિ પાછળનું આંતરસૂત્ર પકડી શકાય. સાહિત્યિક ઈતિહાસના લેખન અર્થે આવાં નાનાંમોટાં તંત્રો રચવાની દિશામાં ઇતિહાસકાર પ્રવૃત થાય છે ત્યારે તેની સામે સૌથી મોટી મુશ્કેલી એ છે કે આવું દરેક તંત્ર પરસ્પરથી અલગ બની, સ્વાયત્ત અને સ્વકેન્દ્રી બનવાનું વલણ ધરાવે છે. એ કારણે સાહિત્યના પ્રવાહોમાં પરિવર્તનપ્રક્રિયાઓ પ્રચ્છન્ન બની રહે એવો ભય છે અને છેવટે પડકારરૂપ પ્રશ્ન તો આવાં નાનાં મોટાં તંત્રો નીચે કોઈ વ્યાપક તંત્ર શોધવાનો છે. ઇતિહાસકારે એ માટે કૃતિ, કર્તા અને તેની સાથે સંબંધિત જેટલી જેટલી સંગીન અને શ્રદ્ધેય માહિતી એકત્ર કરી હોય અને તેને લગતું જે કંઈ વિવેચનમૂલ્યાંકન ઉપલબ્ધ થયું હોય તેમાં સાતત્ય અને પરિવર્તનની વ્યાપક પ્રક્રિયાને અનુરૂપ વિગતોનું સ્થાન નક્કી કરવાનું રહે. આગલા યુગના સાહિત્યની પ્રેરણા અને પ્રભાવ પણ સૂક્ષ્મ વિવેકદૃષ્ટિથી નિર્ણિત કરવાનો રહે તો પૂર્વાપર ઘટનાઓ વચ્ચે કાર્યકારણનો કોઈ અનિવાર્ય સંબંધ છે કે કેમ તેનો ય વ્યાપક ભૂમિકાએથી વિવેક કરવાનો રહે. વળી, એક જ સમયખંડમાં સર્જનવિવેચન ક્ષેત્રે પરસ્પર વિરોધી કે વિસંવાદી વલણો સક્રિય હોય તેનું ય સ્પષ્ટીકરણ કરવાનું રહે અને આગળ પાછળના સાહિત્યમાં જે દ્વન્દ્વાત્મક પ્રક્રિયા ચાલે છે તેને ય તાર્કિક રીતે સમજાવવાની રહે. સાહિત્ય જગતમાં જુદેજુદે તબક્કે પ્રાચીન પરંપરાઓ તરફ પાછા વળવાનું કે નવેસરથી વિનિયોગ કરવાનું વલણ દેખા દે છે. આ સર્વ ઘટનાઓને યથાર્થ રૂપે ગોઠવવા માટે ઇતિહાસકાર પાસે સૌથી વિશાળ પરિપ્રેક્ષ્ય જોઈએ. પ્ર.પ.