ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સૌંદર્યશાસ્ત્ર: Difference between revisions
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સૌંદર્યશાસ્ત્ર(Aesthetics)'''</span> : અઢારમી સદીમાં સૌન...") |
(No difference)
|
Revision as of 11:34, 29 November 2021
સૌંદર્યશાસ્ત્ર(Aesthetics) : અઢારમી સદીમાં સૌન્દર્યશાસ્ત્રી બોમગાર્ટને સૌપ્રથમ સૌંદર્યશાસ્ત્ર(Aesthetics) સંજ્ઞાને આધુનિક અર્થમાં પ્રચલિત કરી. આ શાસ્ત્ર દર્શન, વિજ્ઞાન, સંસ્કૃતિ વગેરેની સહાય લે છે. સૌંદર્યશાસ્ત્ર મુખ્યત્વે ત્રણ સમસ્યાઓ સાથે કામ પાડે છે : ૧, સૌંદર્યશાસ્ત્ર બધી જ કળાઓના અનુભૂતિ-અભિવ્યક્તિવિશ્વને એક જ અર્થ-સંદર્ભ દ્વારા અભિવ્યંજિત તથા સંપ્રેષિત કરી શકાય તેવી ભાષાના નિર્માણમાં વિશેષ રસ ધરાવે છે. ૨, અસુંદર, આતંકપૂર્ણ, કુરૂપ તેમજ કુત્સિતને પણ રમણયોગ્ય ગણી સૌંદર્યશાસ્ત્રની ક્ષેત્રમર્યાદામાં સામેલ કરવાનો પ્રયત્ન કરે છે. ૩, કલાના અનુભવનું વિવેચન, આસ્વાદન તેમજ દર્શન એમ ત્રણે પાસાંઓનો સમન્વય કરવા માટે સૌન્દર્યશાસ્ત્ર પ્રયત્નશીલ છે. આધુનિક સૌન્દર્યશાસ્ત્ર કૃતિને વિશે નહિ પણ તેને અનુલક્ષીને થયેલાં વિધાનોની પદ્ધતિઓ અને પ્રક્રિયાઓની પ્રમાણભૂતતા તપાસવામાં રસ ધરાવે છે. આ શાખા ‘વિવેચનના તત્ત્વજ્ઞાન’ તરીકે પણ ઓળખાય છે. સૌન્દર્યશાસ્ત્રના તુલનાત્મક, મનોવૈજ્ઞાનિક, સમાજવૈજ્ઞાનિક વગેરે અભિગમો જાણીતા છે. બોમગાર્ટન, ક્રૉચે, જોન ડ્યૂઈ, અર્ન્સ્ટ કાસીર, મન્રો બીર્ડ્ઝલી, સુઝાન લેન્ગર, મૉરિસ વિટ્સ, મેર્લો પોન્તી વગેરે સૌન્દર્યશાસ્ત્રના મુખ્ય પુરસ્કર્તાઓ છે. હ.ત્રિ.