ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રસવિરોધ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રસવિરોધ'''</span> : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં રસસિ...") |
(No difference)
|
Revision as of 13:15, 29 November 2021
રસવિરોધ : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં રસસિદ્ધાન્તક્ષેત્રે વિવિધ રસના પારસ્પરિક વિરોધાવિરોધની વ્યવસ્થિત ચર્ચા થયેલી છે. વિશ્વનાથ અને જગન્નાથે એનું વિશેષ રીતે વિષયનિરૂપણ કર્યું છે. વિશ્વનાથે રસના પારસ્પરિક વિરોધાવિરોધની ત્રણ ભૂમિકા દર્શાવી છે : કેટલાક રસ એવા હોય છે જે એક આશ્રયમાં હોવાથી વિરુદ્ધ હોય છે; કેટલાક રસ એવા હોય છે જે એક આલંબનમાં હોવાથી વિરુદ્ધ હોય છે અને કેટલાક એકબીજાની આગળપાછળ કોઈ વ્યવધાન વગર તરત જ આવવાને કારણે વિરુદ્ધ હોય છે. આ ભૂમિકા મનોવૈજ્ઞાનિક રીતે ઉચિત અને સંગત લાગે છે. મનમાં એક જ ભાવનું પ્રાધાન્ય ટકે છે. અનુકૂલ ભાવ એકબીજાને ગતિ આપે છે. વિરોધી કે પ્રતિકૂળ ભાવ એકબીજાનું ખંડન કરે છે. આમ, ભાવોની એકબીજા પરત્વેની પ્રતિકૂળતા કે અનુકૂળતાની ભૂમિકાએ સામ્યવૈષમ્ય લક્ષમાં લઈ વિવિધ રસ અંગેની મિત્રતા કે શત્રુતાની અભિધારણા તર્કસંગત છે. આ સંદર્ભમાં જોઈએ તો કરુણ, બીભત્સ, રૌદ્ર અને ભયાનક રસ શૃંગારના વિરોધી છે. અને કરુણ તેમજ ભયાનક રસ હાસ્યના વિરોધી છે. તો હાસ્ય અને શૃંગાર કરુણરસના વિરોધી છે. રૌદ્રરસ હાસ્ય, શૃંગાર કે ભયાનક સાથે નભી ન શકે અને વીર રૌદ્ર, ભયાનક, શૃંગાર કે હાસ્ય, શાંત સાથે જઈ ન શકે. આમ જુઓ તો અદ્ભુતને કોઈની સાથે વિરોધ નથી. આ વિવિધ રસના પારસ્પરિક સંબંધની ભૂમિકાની જાણકારીને કારણે સારો કવિ એને યત્નપૂર્વક ટાળી શકે છે. ચં.ટો.