ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લોકકથા: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લોકકથા'''</span>: લોકકથાની મૂળભૂત આવશ્યકતાઓ ચાર :...") |
(No difference)
|
Revision as of 08:38, 30 November 2021
લોકકથા: લોકકથાની મૂળભૂત આવશ્યકતાઓ ચાર : કથક, શ્રોતા (‘હોંકારીઓ’), વાતનો પ્રસંગ અને ત્યારે સ્ફુરતું કથાવસ્તુ. એનું કથન પણ આ ચાર આવશ્યકતાઓમાંથી આવે. ‘એક હતો ચકો ને એક હતી ચકી’ કે ‘એક રાજા હતો. એને બે રાણી : એક માનીતી ને બીજી અણમાનીતી’ એમ ગદ્યમાં હોય; કે પછી ‘વાડી રે વાડી!’ / ‘બોલો, દલા તરવાડી!’ / ‘રીંગણાં લઉં બેચાર?’ / ‘લો ને દસબાર’ એમ પદ્યમાં હોય કે વ્રતકથા જેવામાં ચોક્કસ લય-લઢણમાં હોય કે દુહાસોરઠા-ગીતમાં પણ હોય. એની કથનરીતિ વિવિધ હોય, જેવી પેલી ચતુર્વિધ આવશ્યકતાઓ. પણ, બધી જ કહેવા માટેની લઢણો ને પરંપરાઓ પ્રયોજાય. દા.ત., આરંભે ‘વારતા રે વારતા....’ જેવું કોઈ આરંભિયું (જોડકણું) હોય કે અંતે ‘ગોખલામાં ગોટી....’ જેવું સમાપણિયું (જોડકણું) હોય પણ કથામાંની ઘટના તો કાળક્રમ પ્રમાણે જ કહેવાતી આવે એમાં આઘાપાછી ન થાય. લોકકથાનું સૌથી આગવું લક્ષણ તત્ક્ષણ-રૂપક્ષમતા. કેટલાક નાટ્યપ્રયોગોમાં અને આપણા ભવાઈના પ્રયોગોમાં પણ, સુધારાવધારા થઈ શકે એવો અવકાશ હોય છે, પણ ‘અવકાશ’ જ; અહીં તો ઊપજ એ જ આધાર. તત્ક્ષણ સૂઝે તે જ જીભેથી નીસરે. કથાબીજ મનમાં હોય, એ ફૂટતાં-ફાલતાં-ખીલતાં-લ્હેરતાં જાય. ‘ઊપજ’ એક પ્રકારની સર્જનાત્મક મુક્તિ છે. પરંપરાગત વસ્તુને જાળવીને પરંપરાનુસાર જ થતો કલ્પનાનો વિનિયોગ છે. સંગીત સિવાય, ‘ઊપજ’ને જેટલો અવકાશ લોકકથામાં છે એટલો બીજે ભાગ્યે જ જોવા મળશે. એનો આધાર હોય છે બહાર : શ્રોતા ને પ્રસંગ. એ વાતને બહેલાવે છે! લોકકથા વાતપ્રધાન પ્રકાર છે; ‘વાત’ શબ્દ અહીં જરાક, તાત્ત્વિક અર્થમાં પ્રયોજ્યો છે. ‘વાત’ એટલે ‘discourse’. એમાં ‘વાર્તા’ (story) અનિવાર્ય નથી. વાત તો નિકટતા અનુભવાય એ પ્રકારનો વાણી-વ્યવહાર. એકવાર નિકટતા સ્થપાય પછી જ કથક ખીલે, ને તે પછી પણ કથન તો એને આધારે જ ચાલે. વાતમાં પછી રસ પડે. અહીં કથક-શ્રોતાને એક કરનાર તત્ત્વ ‘વાત’ છે. વાતનો આધાર વાર્તા છે ને વાતનું કોઈ કારણ પ્રસંગ છે. આ દૃષ્ટિએ વિચારતાં લોકકથા ‘સ્વરૂપ’(Form)ના નથી, એક એવી ઘટના છે જેના ઘટકો આંતરસંબંધે એકરૂપ બનીને લોકકથા-ઘટનાનું રૂપ લે છે. ઘટકો આ પ્રમાણે છે : શ્રોતા; કથક; પ્રસંગ(Context); પ્રસ્તુતિ કે પ્રયોગ (Performance) વાત(discourse); કથાકથન(Narration); વાર્તા (Story) અને સંરચના(Structure) આ આઠેયનો મેળ ખાય ત્યારે લોકકથા નામે ઘટના બને. એવી બીજી વાર, પાછી એવી ને એવી જ, એવે જ રૂપે, એવી જ વાણીમાં ન જ બને. એટલે લોકકથા અનિબદ્ધ રહે છે. બંધાય છે તે તો તેનું એક સમયે અનુભવવા મળેલું એક રૂપ જ. લોકકથાનાં સ્વરૂપો મુખ્ય ત્રણ છે : દંતકથા-ઇતિહાસકથા (Legends and traditions); પુરાકલ્પનકથા(Myth) અને ઘરગથ્થુ કહાણીઓ-પરીકથા કે અદ્ભુતકથા(Folktales). ઘરગથ્થુ કહાણીઓમાં ઘણા ઘણા પ્રકારની કથાઓ આવશે : માનવકથા, પ્રાણીકથા, ચાતુરીકથા, અડવાકથા, વ્રતકથા, બોધકથા, દૃષ્ટાંતકથા, પરીકથા વગેરે. કેટલાક વિદ્વાન આ ત્રણને સ્થાને પાંચ મુખ્ય સ્વરૂપ બતાવે છે : દંતકથા(legend); મિથ (Myth); અદ્ભુતકથા(Fairy tales), પ્રાણીકથા(animal tales) અને બોધકથાદૃષ્ટાંતકથા(Fables-Parables). ક.જા.