ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિચારપ્રધાન કવિતા: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વિચારપ્રધાન કવિતા'''</span> : ગુજરાતી સાહિત્યમાં બ. ક. ઠ...") |
(No difference)
|
Revision as of 10:40, 30 November 2021
વિચારપ્રધાન કવિતા : ગુજરાતી સાહિત્યમાં બ. ક. ઠાકોરે ઠાલા ભાષાવેડા બતાવતી ઊર્મિલતાના અતિરેકવાળી અને શ્રવણરંજની કવિતાની સામે ચિંતનપ્રધાન, વિચારપ્રધાન કવિતાનો, દ્વિજોત્તમજાતિની કવિતાનો પુરસ્કાર કરેલો. એમણે વ્યાખ્યા આપેલી કે કવિતાનો આત્મા તો વિચારપ્રવાહ છે. અલબત્ત એમને વાંધો ઊર્મિપ્રધાનતા સામે હતો. ઊર્મિવત્તાને તો તેઓ સ્વીકારે જ છે, પણ ઊર્મિવત્ હોવું અને ઊર્મિમય કે ઊર્મિપ્રધાન હોવું એ બે વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે. આનો અર્થ એ થયો કે બ. ક. ઠાકોરે ‘વિચાર’ શબ્દ વિશિષ્ટ અર્થમાં પ્રયોજ્યો છે. એમણે વિચારના અર્થને વિશાળ બનાવી તેમાં રસ, કલ્પના આયોજનકલા વગેરે ઘટકોનો પણ સમાવેશ કર્યો છે. આથી તેઓ કહી શકે છે કે ‘સર્જક કવિતાને માટે કલ્પનાપ્રધાન કે બીજું વિશેષણ યોજવાને બદલે તેને વિચારપ્રધાન કહેવાનું વિશેષ પસંદ કરું છું.’ કદાચ, એટલે જ વિચારકેન્દ્રી લખાયેલા ઘણા પદ્યનિબંધોને નકારતાં એમણે જાહેર કરેલું કે ફિલસૂફીનું સ્થૂલ પદ્યીકરણ કવિતા નથી. એમનો આગ્રહ રહ્યો છે કે વિચારપ્રધાન કવિતા વિચારાનુસારી લયવાળા પદ્યમાં રચેલી હોવી જોઈએ.આથી એમણે સળંગ અગેય પ્રવાહી પદ્યરચનાને નીપજાવવા પ્રયત્ન કર્યો અને એ માટે ‘પૃથ્વી’ જેવા છંદને કાર્યક્ષમ રીતે પ્રયોજ્યો. એમણે સ્પષ્ટ કર્યું કે ભાષામાં આવતા પ્રસાદનું મૂળ તો તેનામાં આલેખ્યમાન બનતા વિચારના પ્રસાદમાં છે. આ પ્રકારની ‘પારદર્શક વિચારશુદ્ધિ’નો બ. ક. ઠાકોરને મન મહિમા હતો. અલબત્ત, પ્રસાદવિષયક એમની આ વિચારણા સંસ્કૃત કરતાં પાશ્ચાત્ય સાહિત્યમીમાંસા પર વધુ આધારિત છે. એવું પણ લાગે છે કે એમણે વિચારપ્રધાન કવિતાની શાસ્ત્રીય ચર્ચા કરી છે એથી વધુ એના પર ફિદાગીરીના ઉદ્ગારો કાઢ્યા છે.
ચં.ટો.