ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિશ્વસાહિત્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિશ્વસાહિત્ય(World Literature)'''</span> : જર્મન કવિ ગ્યોથે ૩...")
(No difference)

Revision as of 12:12, 30 November 2021


વિશ્વસાહિત્ય(World Literature) : જર્મન કવિ ગ્યોથે ૩૧ જાન્યુઆરી ૧૮૨૭ના રોજ પોતાના સેક્રેટરી એકરમાન સાથેની વાતચીત દરમ્યાન યુરોપીય સાહિત્યને બદલે ‘વિશ્વસાહિત્ય’નો પ્રયોગ કરેલો. આ પ્રયોગના સગડ ફ્રીડરિક શ્લેગલના ‘વિશ્વકાવ્ય’ના ખ્યાલમાં જોઈ શકાય છે. હર્ડર ઓહાન ગોટફ્રીડે પણ વિશ્વસાહિત્યની વિભાવના દૃઢ કરવામાં પુરુષાર્થ કરેલો. ગ્યોથ અને શ્લેગલ – બંનેએ સાહિત્યને રાષ્ટ્રીય ઘટનાને બદલે વૈશ્વિક ઘટના તરીકે સ્વીકારેલું. જગતમાં વિજ્ઞાનને કારણે વિકસેલી વિશાળ દૃષ્ટિએ સ્પષ્ટ કરી આપેલું કે આંતરરાષ્ટ્રીય સંપર્ક વગર પ્રગતિ વિશેનો વિચાર અશક્ય છે. આથી જ રાષ્ટ્રીય સીમાઓની મર્યાદા વિના આખા જગતને સાહિત્યિક ઉદ્યમનું ક્ષેત્ર માનવા તરફ ગતિ હતી. ખંડિતતા, અણુવાદ અને વિચ્છિન્નતાના વિરોધમાં સમગ્રતા અને એકતા વિશ્વસાહિત્યનાં પ્રેરકબળ બન્યાં. મનુષ્ય અને મનુષ્યજાતિના સમગ્ર ઇતિહાસના ભાગરૂપ વિશ્વસાહિત્યની સમજનો પુરસ્કાર થયો. રાષ્ટ્રો એકબીજા માટે સભાન થાય, એકબીજાને સમજે, એકબીજાને ચાહી ન શકે તો છેવટે પરસ્પરને માટે સહિષ્ણુ બને એવી એમાં નિહિત ભૂમિકા હતી. વૈયક્તિક સાહિત્યોની ઓળખ અને ભિન્નતાઓ સાહિત્યના અનુભવની એકતમાં ઓગળી જાય, વર્ગથી નગર સુધી, નગરથી રાષ્ટ્ર સુધી અને નગર તેમજ રાષ્ટ્રથી વિશ્વ-માનવતા પર્યંત સામાજિક જીવનનો ક્રમશ : વિકાસ થાય એવો એનો પ્રમુખ સૂર હતો. સંકુચિત થતા જતા રાષ્ટ્રવાદની સામેના આ આદર્શના કેટલાક પડઘાઓ અંગ્રેજી વિવેચક મેથ્યૂ આર્નલ્ડનાં લખાણોમાં પણ જોવા મળે છે. આનો અર્થ એવો નથી કે રાષ્ટ્રીય સાહિત્યોને એમની ઓળખ અને એમની જીવનરીતિ ગુમાવવાની છે. વિશ્વસાહિત્ય રાષ્ટ્રીય સાહિત્યનો છેદ નથી ઉડાડતું. વિશ્વસાહિત્યનું કાર્ય તો રાષ્ટ્રીય સીમાઓને ઉલ્લંઘવાનું છે; વિવિધ સાહિત્યના સમન્વયનું છે; સમસ્ત સાહિત્યના સર્વ-સામાન્ય સાંસ્કૃતિક આધારને શોધવાનું છે. અનિવાર્ય આદાનપ્રદાન, પરસ્પરાલંબન અને મનુષ્યજાતિની મૂળભૂત એકતા વિશ્વસાહિત્યના કેન્દ્રમાં છે. બધાં રાષ્ટ્રો અને બધી પ્રજાઓનું સાહિત્ય વિચારવિનિમય દ્વારા અને વિશ્વપ્રણાલીની સાથેના અનુસન્ધાન દ્વારા છેવટે મનુષ્યની ચેતનાને સમૃદ્ધ કરે છે. ટૂંકમાં, જેમ રાષ્ટ્રીય સાહિત્યમાં રાષ્ટ્રીય ઇતિહાસ પ્રતિબિંબિત થાય છે તેમ વિશ્વસાહિત્યમાં સંસ્કૃતિની આપકથા છે. ગ્યોથના વિચારોથી વિશ્વસાહિત્ય આજે અનેક રીતે આગળ વધ્યું છે અને ફંટાયું છે. ‘આંતરરાષ્ટ્રીય સાહિત્ય’ તરીકે એ ઉલ્લેખાય છે ત્યારે એમાં એકતા કરતાં બૃહદતાનું પરિમાણ વિશેષ હોય છે. વિશ્વસાહિત્યની સાથેસાથે ‘વ્યાપક સાહિત્ય’નો ખ્યાલ પણ વહેતો થયો છે. પરંતુ એમાં ભાષાકીય સીમાઓની નિસ્બત વગર સાહિત્યનો અભ્યાસ એટલું જ અભિપ્રેત છે. તો, વિશ્વસાહિત્યની સમજમાંથી કાલક્રમે જે ‘તુલનાત્મક સાહિત્ય’ની વિભાવના વિકસી છે, તે અત્યંત કીમતી છે. વિશ્વસાહિત્ય અને તુલનાત્મક સાહિત્ય એક જ સંજ્ઞા નથી. વિશ્વસાહિત્ય તુલનાત્મક સાહિત્ય માટેની આવશ્યક સામગ્રી છે. વિશ્વસાહિત્ય અનુવાદના મહત્ત્વના ઉપકરણ દ્વારા કાચી સામગ્રી અને માહિતી પૂરી પાડે છે જેને આધારે તુલનાત્મક સાહિત્ય તુલનાના ઉપકરણ દ્વારા ઐતિહાસિક અને વિવેચનાત્મક સિદ્ધાન્તને આધારે એનું ગ્રથન કરે છે. ચં.ટો.