ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વૈષ્ણવ સંપ્રદાય: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વૈષ્ણવ સંપ્રદાય'''</span> : ‘ધર્મ’ અને ‘સંપ્રદાય...") |
(No difference)
|
Revision as of 09:12, 1 December 2021
વૈષ્ણવ સંપ્રદાય : ‘ધર્મ’ અને ‘સંપ્રદાય’ વચ્ચે તાત્ત્વિક ભેદ છે એ વાત સર્વસામાન્ય તો ઠીક, ભલભલા વિદ્વાનોની પણ નજર બહાર ગઈ છે. હકીકતમાં ન્યાયનીતિમય જીવનપદ્ધતિ એ ‘ધર્મ’ છે, જ્યારે પોતાના ઇષ્ટનું અર્ચન-પૂજન વગેરે કર્મકાંડવાળી ઉપાસના પદ્ધતિ એ ‘સંપ્રદાય’, ‘માર્ગ’, ‘પંથ’, ‘મઝહબ’, ‘રિલિજ્યન’ છે. વૈષ્ણવ સંપ્રદાયની વાત કરીએ ત્યારે આ અર્ચન-પૂજન-સેવા આદિથી મંડિત ચોક્કસ પ્રકારની ઉપાસનાપદ્ધતિની એ વાત હોય છે. વૈદિકયુગમાં જ્યારે હિંસામય યજ્ઞોની બોલબાલા થઈ અને એવાં યજ્ઞાદિકાર્ય કરનારને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે એવી માન્યતા પ્રબળ બની એ સાથે સ્વર્ગમાં પુણ્યોનો ઉપભોગ કર્યા પછી પુણ્યો ક્ષીણ થતાં ફરી જગતમાં જન્મ લેવાની વાત પ્રચલિત થઈ ત્યારે એની સામે આત્યંતિક મોક્ષપર્યવસાયી ઉપાસના પદ્ધતિનો આવિષ્કાર થયો. જેમાં ‘નારાયણ’ અને બીજા નામ ‘વિષ્ણુ’ને કેન્દ્રમાં રાખી એના મહત્ત્વના અવતારોની અર્ચાપદ્ધતિનો આજથી ત્રણ-સાડાત્રણ સહસ્રાબ્દીના વચગાળામાં આવિષ્કાર થયો. ધ્યાનમાં રાખવા જેવું એ છે કે વૈદિકસંહિતાઓમાં ‘નારાયણ’ શબ્દ મળતો નથી, જ્યારે ઋગવેદસંહિતામાં મુખ્યત્વે સૂર્યના પર્યાય તરીકે જ ‘વિષ્ણુ’ શબ્દ ખૂબ જાણીતો છે. પાછળથી આ શબ્દ ‘નારાયણ’નો પર્યાય થઈ બ્રહ્મા-વિષ્ણુ-મહેશની ત્રિપુટીમાં પ્રજાના પાલક તરીકે જાણીતો થયો છે, જે મહાસાગરમાં શેષની શય્યા ઉપર સૂતેલા તરીકે અર્ચિત થાય છે. મહાભારતના શાંતિપર્વના નારાયણીય ઉપાખ્યાનમાં આ માર્ગની સંજ્ઞા ‘પાંચ રાત્ર’ તરીકે જોવા મળે છે. આ માર્ગના મૂળ સાત્વતો-યાદવોનું યોગપ્રદાન હોવાથી એની એક સંજ્ઞા ‘સાત્વત સંપ્રદાય’ છે, તો ભગવાન વિષ્ણુ-નારાયણ કેન્દ્રમાં હોવાને કારણે એની સંજ્ઞા ‘ભાગવત માર્ગ’ વધુ વ્યાપક બની છે. પાંચરાત્ર-સાત્વત-ભાગવતમાર્ગની અઢીસોથીયે વધુ સંહિતાઓ જાણવામાં આવી છે. ‘વિષ્ણુ’ કેન્દ્રમાં હોઈ આ માર્ગના અનુયાયીઓ માટે ‘વૈષ્ણવ’ સંજ્ઞા સંહિતાઓમાં નોંધાયેલી છે. છતાં આદ્ય ઇતિહાસકાળ અને મધ્યઇતિહાસકાળમાં ‘ભાગવત’ શબ્દ વ્યાપક હતો. ગુપ્તકાળના રાજવીઓની ‘પરમ ભાગવત’ સંજ્ઞા ખૂબ જાણીતી છે. ભલે ‘સંહિતા’ કહેવામાં આવતી ન હોય, પરંતુ ભાગવતમાર્ગના સિદ્ધાન્તોનો આદિગ્રન્થ તો ‘ભગવદ્ગીતા’ છે. આ ગ્રન્થમાં વિષ્ણુના દસ મુખ્ય અવતારોમાંના આઠમા પૂર્ણપુરુષોત્તમ શ્રીકૃષ્ણે વિકસાવેલા ‘શરણમાર્ગ’નાં પ્રથમવાર દર્શન થાય છે. આદિશ્રીશંકરાચાર્યજી(આઠમી શતાબ્દી)ના સમય સુધી આ માર્ગ ભારતીય ઉપખંડમાં પ્રભુત્વ ધરાવતો હતો. એમના પછી થોડા જ સમયમાં શ્રીરામાનુજાચાર્ય તથા શ્રીવિષ્ણુસ્વામીના માર્ગ અસ્તિત્વમાં આવ્યા. શ્રી રામાનુજ સંપ્રદાયમાં ચતુર્ભુજ વેંકટ (सं. वैकुंठ) બાલાજીની ચર્ચા-ઉપાસના પ્રધાન બની, તો શ્રીવિષ્ણુ સ્વામીએ નરસિંહની ચર્ચા-ઉપાસના વ્યાપક કરી. જે સંપ્રદાયમાં પાછળથી ‘ગોપાલકૃષ્ણ’ ઇષ્ટદેવ તરીકે સ્વીકારાયા. શ્રીરામાનુજાચાર્ય તામિલનાડુ, કેરલ અને આંધ્રપ્રદેશમાં ભક્તિમાર્ગ-વૈષ્ણવમાર્ગનો પ્રસાર કરવામાં સફળ થયા. તો શ્રીવિષ્ણુસ્વામી કર્ણાટકમાં. થોડા સમયમાં ‘ગોપાલકૃષ્ણ’ના અર્ચક નિમ્બાકોચાર્ય ઉત્તરહિંદમાં ભક્તિમાર્ગની એક શાખાના પ્રચારક બન્યા તો શ્રીરામાનુજ સંપ્રદાયની સમાંતર શ્રીમધ્વાચાર્ય પણ ગોપાલકૃષ્ણનો સ્વતંત્ર વૈષ્ણવમાર્ગ પ્રચલિત કરવામાં સફળ થયા. એ પછી પંદરમી શતાબ્દીમાં આંધ્રના મૂળવતની, જન્મ પામ્યા મધ્યપ્રદેશના રાયપુર નજીક ચંપારણ્યમાં અને શિક્ષા પામ્યા કાશીમાં – એ શ્રીવલ્લભાચાર્યે પણ ગોપાલકૃષ્ણનો ઇષ્ટદેવ તરીકે સ્વીકાર કર્યો. તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ સ્માર્ત વૈષ્ણવ કહી શકાય તેવા શ્રીશંકરાચાર્ય અને શ્રૌત વૈષ્ણવ કહી શકાય તેવા શ્રીરામાનુજાચાર્ય, શ્રીનિમ્બાકાચાર્ય, શ્રીમધ્વાચાર્ય અને શ્રીવલ્લભાચાર્યના ‘કેવલાદ્વૈત’, ‘વિશિષ્ટાદ્વૈત’, ‘દ્વૈતાદ્વૈત’, ‘દ્વૈત’ અને ‘શુદ્ધાદ્વૈત’ શાખાઓનો વિકાસ કર્યો. શ્રીવિષ્ણુસ્વામીનો તત્ત્વજ્ઞાનનો સિદ્ધાન્ત ગ્રન્થોના અભાવે જાણીતો નથી. પણ શ્રીવલ્લભાચાર્ય એમના પિતાશ્રી શ્રીવિષ્ણુસ્વામીના અનુયાયી હોવાથી પુત્રને એ માર્ગની દીક્ષા આપેલી. જેમાં ‘અખંડ બ્રહ્મવાદ’ સંજ્ઞાથી પછીથી સંજ્ઞા પામેલા શુદ્ધાદ્વૈત સિદ્ધાન્તના પ્રચારક બન્યા. શ્રીશંકરાચાર્યથી લઈ શ્રીવલ્લભાચાર્ય સુધીના આચાર્યોએ ‘વેદ’ (તત્ત્વત : પ્રાચીન ઉપનિષદો ૨૦ જેટલાં) ‘ભગવદ્ગીતા’ અને ‘બાદરાયણ વ્યાસનાં બ્રહ્મસૂત્રો’ને પ્રમાણગ્રન્થ તરીકે સ્વીકાર્યાં. શ્રીમદ ભાગવત તરફ આદર બતાવવાનો આરંભ કર્યો શ્રીમધ્વાચાર્યે, કિન્તુ તેને પ્રથમનાં ત્રણ ‘પ્રસ્થાનો’ની સમકક્ષ ચોથું પ્રસ્થાન શ્રીવલ્લભાચાર્યે સ્થાપિત કર્યુ. આમ છતાં પાંચેય વૈષ્ણવાચાર્યોએ ભગવાનના ગીતોક્ત શરણમાર્ગને જ પ્રાધાન્ય આપી પોતાના ઇષ્ટતત્ત્વની અર્ચાઉપાસના-સેવા પદ્ધતિઓને વિકસાવી આપી. મહત્ત્વના આ પાંચ સંપ્રદાયોની શાખા કહી શકાય તેવા પેટા-સંપ્રદાયો પણ ઊભા થયા, જેમાં શ્રીરામાનુજાચાર્યજીના તત્ત્વજ્ઞાનમાં શ્રદ્ધા ધરાવનાર શ્રી રામાનંદ રામના અર્ચક તરીકે આગળ આવ્યા. તત્ત્વજ્ઞાન તરફ લક્ષ્ય આપ્યા સિવાય આમાંથી ‘રામસનેહી’ શાખા વિકસી. તો શ્રીમધ્વાચાર્યના સિદ્ધાન્તનો સમાદર કરતા શ્રી ચૈતન્યમહાપ્રભુ બંગાળમાં આગળ આવ્યા. વ્રજપ્રદેશમાં જ કાંઈક સ્વતંત્ર કહી શકાય તેવો, ‘રાધા’ને કેન્દ્રમાં રાખીને ‘રાધાવલ્લભીય’ સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યો. ભક્ત કવયિત્રી મીરાં ઉપર એ સંપ્રદાયની અસર છે. આવો જ સ્વતંત્ર સંપ્રદાય આ પહેલાં મહારાષ્ટ્રમાં લગભગ અગિયારમી-બારમી શતાબ્દી આસપાસ દક્ષિણ ગુજરાતના એક વૈષ્ણવ રાજચક્રધરે વિકસાવેલો. શ્રી વિષ્ણુસ્વામી તથા શ્રી વલ્લભાચાર્યજીની કુંકુમનું તિલક ધરાવતી પ્રણાલીમાં પંઢરપુરના વિઠોબાની ભક્તિમાં રાચતો ‘મહાનુભાવ’ સંપ્રદાય વિકસ્યો. જેના સંતોની છાયામાં ગુજરાતનો સુપ્રસિદ્ધ ભક્તકવિ નરસિંહ મહેતો જૂનાગઢમાં પ્રસિદ્ધ થયો, જેણે કોઈ સંપ્રદાય સ્થાપ્યો નહીં. સ્વતંત્ર રીતે શ્રીરામાનુજાચાર્યના તત્ત્વજ્ઞાન સન્માન કરતો અને વ્રતો-ઉપવાસો વગેરેના વિષયમાં ઓગણીસમી શતાબ્દીમાં, ઉત્તરપ્રદેશના છપૈયામાં જન્મેલા અને સૌરાષ્ટ્રમાં લોએજમાં શ્રી રામાનંદ નામના સંતની દીક્ષા પામેલા સહજાનંદ સ્વામીએ ‘ઉદ્ધવ સંપ્રદાય’નો વિકાસ હાથ ધર્યો. જે ‘સ્વામીનારાયણ સંપ્રદાય’ તરીકે વિખ્યાત થયો. એમનાં ઇષ્ટદેવ ‘નર-નારાયણદેવ’ અને ‘લક્ષ્મીનારાયણ’ હતા અને એમનાં મંદિરો એમણે વિકસાવ્યાં. તપ અને ત્યાગને એમણે પ્રાધાન્ય આપ્યું. વધુ નોંધપાત્ર વાત એ છે કે ભક્ત નાનકે શરૂ કરેલો અને ‘ગોવિંદસિંહ’ જેવા સંતોએ વિકસાવેલો શીખ સંપ્રદાય એ હરિ-ગુરુસંતનાં ગાન ગાનારો જ્ઞાનમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાય છે. બધા વૈષ્ણવ સંપ્રદાયો પરાત્પર તત્ત્વ તરીકે વિષ્ણુના કોઈ અવતારનો સ્વીકાર કરી એની ભક્તિનો સમાદર કરે છે. આ વૈષ્ણવ સંપ્રદાયોએ અનેક સંતો આપ્યા છે. જેમણે પોતાનાં રચેલાં ભજનો અને કીર્તનો દ્વારા ભક્તિમાર્ગનો શરણનો સિદ્ધાન્ત અમલમાં મૂક્યો છે. કે.શા.