ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને સમૂહમાધ્યમો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 10: Line 10:
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
|previous= સાહિત્ય અને સમાજ
|next= સાહિત્ય અને સંસ્કૃતિ
}}

Latest revision as of 08:41, 9 December 2021


સાહિત્ય અને સમૂહમાધ્યમો : ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે થયેલાં ઔદ્યોગિકીકરણ (Industrialization), શહેરીકરણ(Urban-ization) અને આધુનિકીકરણ(Modernization)ને લીધે એક વિશિષ્ટ પ્રકારનો સમૂહસમાજ(Masssociety) અસ્તિત્વ-માં આવ્યો. વ્યવસાયી પ્રત્યાયન, યાંત્રિક માધ્યમ અને પ્રતનું બાહુલ્ય ધરાવતાં સમૂહ-માધ્યમો આધુનિક જીવનને વ્યાપી વળ્યાં. સમૂહમાધ્યમોનો પ્રારંભ ૧૪૦૩માં કોરિયન લોકોએ ધાતુના ટાઈપ બનાવ્યા, અને મેટ્રિક્સનો ઉપયોગ કર્યો ત્યારથી થયેલો ગણાય. પહેલાં મુદ્રણમાધ્યમ એટલેકે અખબાર, સામયિક, પુસ્તક, પેમ્ફલેટ વગેરે પ્રસાર પામ્યાં. ત્યારબાદ વીજાણુ-માધ્યમમાં ચલચિત્ર, રેડિયો, ટેલિવિઝન અને વીડિયોનો સમાવેશ થાય છે. હજી આમાં નવાં નવાં વીજાણુ-માધ્યમો શોધાઈ રહ્યાં છે. આ સમૂહ-માધ્યમોએ સાહિત્ય પર પ્રભાવ પાડ્યો છે, અને સાહિત્ય પાસેથી સમૂહ-માધ્યમોએ સામગ્રી મેળવી છે. એમાં સમૂહમાધ્યમ તરીકે પત્રકારત્વનું અને સાહિત્યનું સ્વરૂપ જુદું હોવા છતાં ક્યારેક એમની વચ્ચેની ભેદરેખા લોપાઈ જાય તેવી અભિન્નતા બંને વચ્ચે પ્રવર્તે છે. પત્રકારત્વે અને તેમાંય સાહિત્યિક પત્રકારત્વે સાહિત્યને કાચી સામગ્રી પૂરી પાડી છે. કોઈ પ્રસંગની ચોટને તત્કાળ વ્યક્ત કરવા માટે સાહિત્યકાર અખબારનો આશરો પણ લે છે. ઘણીવાર આજનું અખબારી લખાણ આવતી કાલે સાહિત્ય બનતું હોય છે. પત્રકારત્વે ઘણા સમર્થ સાહિત્યકારો આપ્યા છે, વળી, સાહિત્ય અને પત્રકારત્વ બંનેમાં અભિવ્યક્તિનું માધ્યમ શબ્દ હોવાથી બંને ભાષા પરત્વે સભાનતા ધરાવે છે. ગાંધીજી, ઝવેરચંદ મેઘાણી, અમૃતલાલ શેઠ, સ્વામી આનંદ વગેરેએ પત્રકારત્વમાં પ્રયોજેલી ભાષાઓએ સાહિત્યસમૃદ્ધિમાં ઉમેરો કર્યો છે. ધારાવાહી નવલકથા, લઘુકથા, નવલિકા, કટાક્ષકાવ્યો, હાસ્યનિબંધ, લલિતનિબંધ પ્રવાસવર્ણન, ચિંતન અને પ્રસંગાનુસારી કાવ્યોના વિકાસમાં આપણે ત્યાં પત્રકારત્વે ફાળો આપ્યો છે. સાહિત્ય પર વીજાણુ-માધ્યમોનો પણ પ્રભાવ પડ્યો છે. નવલકથા કે નવલિકાને ચલચિત્ર રૂપે રજૂ કરવામાં આવ્યાં છે. ચલચિત્રના જીવંત, વ્યાપક, ચેતનવંતા અને પ્રભાવશાળી માધ્યમે શરૂઆતમાં કથાસામગ્રી માટે સાહિત્ય પર ઘણો મોટો મદાર રાખ્યો હતો. અનેક સર્જકોની કૃતિઓ કુશળ દિગ્દર્શકોના હાથે રૂપેરી પડદા પર રજૂ થઈ છે. બીજી બાજુ ગુજરાતી નવલકથાઓ પર પણ વ્યવસાયી ચલચિત્રોની અસર જોઈ શકાય છે. કેટલાક સર્જકો તો ચલચિત્રનિર્માણના સ્પષ્ટ હેતુથી નવલકથા-લેખન કરવા લાગ્યા. ગુજરાતી નવલકથાસાહિત્ય તેમજ ગીત અન ગઝલ પર ચલચિત્રના માધ્યમે પ્રભાવ પાડ્યો છે. રેડિયોના માધ્યમને કારણે રેડિયોનાટક, રેડિયો-એકાંકી વગેરે અસ્તિત્વમાં આવ્યાં. એ પછી આવેલું ટેલિવિઝન માહિતી, મનોરંજન અને શિક્ષણ આપતાં સમૂહમાધ્યમોમાં સૌથી વ્યાપક અને સૌથી ઝડપી માધ્યમ તરીકે સ્થાન પામ્યું. કેટલીક સાહિત્યિક કૃતિઓ ટેલિવિઝન પર રજૂ થઈ. ટેલિવિઝન-નાટકો અને ટેલિવિઝન-એકાંકી જેવાં સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યાં. રેડિયો અને ટેલિવિઝન પર આવતાં કવિસંમેલનો, કવિઓ અને સર્જાતી રચનાઓનો પરિચય કરાવવા લાગ્યાં. સમૂહમાધ્યમોને કારણે ઉચ્ચરિત શબ્દની નવી સૃષ્ટિ ઊભી થઈ. વાક્કલા, સંગીતકલા અને દૃશ્યકલા એ ત્રણેયનો સાહિત્ય સાથે સુમેળ કરીને દૃશ્ય-શ્રાવ્ય કાર્યક્રમો થયા. આ સમૂહ-માધ્યમોનો બહોળો પ્રચાર સાહિત્યનું ફલક સાંકડું કરી દેશે ખરો, સાહિત્યનો ભાવકઆસ્વાદક વર્ગ મર્યાદિત બની જશે ખરો, આપણા શિષ્ટ સામયિકોની કરુણ પરિસ્થિતિ પાછળ સમૂહ-માધ્યમોનો વ્યાપક પ્રચાર કારણભૂત છે ખરો, આવા ઘણા પ્રશ્નો માધ્યમના પ્રભાવને કારણે જાગે છે. મુદ્રણ, કાગળ બાઇન્ડિંગ વગેરેની કિંમત વધતી જાય છે. જ્યારે બીજી બાજુ વીજાણુ-માધ્યમોનાં ઉપકરણોની કિંમત ઘટતી જાય છે. ટેલિવિઝનના પ્રસારના કારણે વાચન અને લેખનની શક્તિ થોડી ક્ષીણ થશે કે કેમ એ વિશે શંકા રહે છે. ભાવકના ચિત્તની સર્જનાત્મક શક્તિ અને સંવેદનશીલતા આ સમૂહમાધ્યમો બુઠ્ઠી કરી નાખશે, એવો ભય પણ કેટલાક સેવે છે. જો સાહિત્ય માધ્યમોની સર્વોપરિતા સ્વીકારશે અથવા તો પ્રજાની રુચિને વશ થઈ જશે તો સાહિત્ય પર એની અવળી અસર થવા સંભવ છે. પરંતુ જો માનવીય સંવેદનાને સર્જક આગવી દૃષ્ટિથી જોતો રહેશે અને એને શબ્દરૂપ આપતો રહેશે તો સાહિત્યની ધારા અવિચ્છિન્નપણે વહેશે અને સર્જકચિત્ત પણ આ સમૂહ-માધ્યમોમાં નવાંનવાં સ્વરૂપો સિદ્ધ કરતું રહેશે. પ્રી.શા.