આત્માની માતૃભાષા/31: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ગ્રીષ્મનો ‘મધ્યાહ્ન’|પ્રસાદ બ્રહ્મભટ્ટ}} <poem> હતી ક્ષિતિજ...")
(No difference)

Revision as of 11:24, 16 December 2021


ગ્રીષ્મનો ‘મધ્યાહ્ન’

પ્રસાદ બ્રહ્મભટ્ટ

હતી ક્ષિતિજ હાંફતી, પ્રખર ધોમ ધખતો હતો.
અઘોર અવધૂત-શી હતી છટા જ મધ્યાહ્નની.
વિલાઈ ભયદૂબળી નહિ-શી છાંયડી સૌ બની.
અને અખિલ રોમ રોમ અવકાશ બળતો હતો.
હતો પવન એહ? કે ભભૂકતો શું ભડકો હતો?
ઝળેળી ઊઠતાં અરણ્ય તરુઝુંડ ને ઝાંખરાં,
જરી છણછણી ઊઠ્યાં ઝરણનાં મૂંગાં ઝાંઝરાં,
નિરગ્નિ દવ સૃષ્ટિને પટ અફાટ ભમતો હતો.
હતું સકલ શાન્ત, છાતી મહીં મેંય નિ:શ્વાસ તો
હતો દીધ દબાવી, ત્યાં લઘુક એક વંટોળિયો
ઊઠ્યો કહીંથી ને પૂંઠે પકડવા જ જાણે જતો
ન હોય ત્યમ, વાડ પાછળથી કોઈ ખર ભોળિયો
પડ્યો સૂકલ ખેતરે ગજબ હોંચી હોંચી કરી.
સજીવ થઈ સૃષ્ટિ હાશ! અવનીની મૂર્છા સરી.
અમદાવાદ, ૪-૬-૧૯૪૫

વિશ્વના પ્રત્યેક ભાષાસાહિત્યમાં પ્રકૃતિકવિતાની સમૃદ્ધ પરંપરા દૃષ્ટિગોચર થાય છે. કોઈ પણ દેશકાળની, કોઈ પણ ભાષાની કવિતાને આ સનાતન વિષય વિના ચાલ્યું નથી. અર્વાચીન ગુજરાતી સાહિત્યના એક અગ્રણી કવિ ઉમાશંકર જોશીએ સૌંદર્યધામ માઉન્ટ આબુમાં ઑક્ટોબર ૧૯૨૮માં રચેલી પોતાની પ્રથમ કવિતા ‘નખી સરોવર ઉપર શરત્પૂર્ણિમા’ નામક સૉનેટની અંતિમ પંક્તિમાં મંત્રદીક્ષા જેવી પંક્તિ મૂકી છે: ‘સૌંદર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે.’ આ પંક્તિ એક દૃષ્ટિએ કવિતાની ગંગોત્રીનો નિર્દેશ કરે છે. વિશ્વભરમાં કાવ્યનિઝર પ્રસ્ફુટિત થયું છે પ્રકૃતિસૌંદર્યના પાનથી. પ્રકૃતિસૌંદર્યપાન અને પ્રકૃતિસૌંદર્યગાન આદિકાળથી કવિઓની ઇષ્ટ પ્રવૃત્તિ રહી છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો દલપત-નર્મદથી માંડી આજ સુધીના બધા જ મહત્ત્વના કવિઓએ પ્રકૃતિકવિતા રચી છે. પ્રકૃતિકવિતામાં ઋતુઓ અને દિવસના વિવિધ પ્રહરો મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ઉમાશંકરની આ રચના મધ્યાહ્ન, વિશે છે. કાવ્ય પર દૃષ્ટિપાત કરતાં ખ્યાલ આવે છે કે આ ઉનાળાનો બપોર છે, ગ્રીષ્મનો મધ્યાહ્ન છે. પોતાનું પ્રથમ કાવ્ય — પ્રકૃતિકાવ્ય સૉનેટમાં રચનાર ઉમાશંકરનું સૉનેટ પ્રિય સાહિત્યસ્વરૂપ છે. સાક્ષરયુગના સમર્થ સાક્ષર કવિ બ. ક. ઠાકોર દ્વારા પ્રસ્થાપિત થયેલ આ કાવ્યસ્વરૂપ ઉમાશંકરનું પણ લાડકું સ્વરૂપ છે. ઉમાશંકરે સંખ્યાબંધ નમૂનેદાર સૉનેટો લખી સૉનેટસાહિત્યને સમૃદ્ધ કર્યું છે. ‘મધ્યાહ્ન’ ઉમાશંકરનું નોંધપાત્ર સૉનેટ છે. સૉનેટના ત્રણ પ્રકારો પૈકી પેટ્રાર્કશાઈ સૉનેટ પ્રત્યે કવિને પક્ષપાત લાગે છે. તેમણે આ પ્રકારનાં સૉનેટો વધુ સંખ્યામાં લખ્યાં છે. આ પ્રકારના સૉનેટમાં અષ્ટક અને ષટ્ક એવું વિભાજન હોય છે. પેટ્રાર્કશાઈ સૉનેટનો સર્જક અષ્ટકમાં વિષયની માંડણી કરતો હોય છે. આ સૉનેટમાં કવિ અષ્ટકમાં ગ્રીષ્મના મધ્યાહ્નનું તાદૃશ ચિત્ર ખડું કરે છે. પ્રથમ પંક્તિમાં જ સજીવારોપણ અલંકાર દ્વારા કવિ પ્રકૃતિની જીવંતતા, સજીવતા નિર્દેશે છે. દ્વિતીય પંક્તિમાં સમુચિત ઉપમા દ્વારા મધ્યાહ્નની અઘોર અવધૂત સાથે સરખામણી સૂચવાય છે. ગ્રીષ્મના મધ્યાહ્ને સૂર્યનાં સીધાં કિરણો પૃથ્વી પર પડતાં હોઈ પડછાયો ટૂંકામાં ટૂંકો, નહિવત્ પડે એ પ્રાકૃતિક વિગતને કવિ કવિત્વમય રૂપે રજૂ કરતાં પડછાયાને ‘છાંયડી’ (અહીં કોઈને ‘બાયડી’ યાદ આવે!) કહી તે ‘વિલાઈ', ‘ભયદૂબડી’ ‘નહિ-શી’ બની એમ કહે છે. સર્વ દેશકાળની સ્ત્રીઓમાં પાતળા (દૂબળા) થવાનો ક્રેઝહોય છે એ આપણે જાણીએ છીએ. ‘છાંયો'ને સ્ત્રીલિંગનું રૂપ આપી કવિ સ્ત્રીઓની એ મનોવૃત્તિનો સંકેત કરતા હોય એવું કોઈને લાગી શકે. પ્રથમ પંક્તિમાં ‘પ્રખર ધોમ ધખતો હતો.’ કહી કવિ ચતુર્થ પંક્તિમાં ‘અને અખિલ રોમ રોમ અવકાશ બળતો હતો.’ એમ કહે છે. આ રીતે પ્રથમ અને ચતુર્થ પંક્તિમાં સીધા વિધાન કરનાર કવિ દ્વિતીય અને તૃતીય પંક્તિમાં આલંકારિક રીતે મધ્યાહ્નની બે સ્થિતિઓને સહોપસ્થિત (juxtapose) કરે છે. અષ્ટકના પ્રથમ ચતુષ્કમાં કવિએ ગ્રીષ્મના મધ્યાહ્નનું જે રૂપ દર્શાવ્યું તેને બીજા ઍંગલથી બીજા ચતુષ્કમાં આલેખે છે. ગ્રીષ્મના મધ્યાહ્નની ઓળખ લૂ વાતા વાયરા દ્વારા થાય છે. આ ચતુષ્કમાં એનું બલિષ્ઠ આલેખન થયું છે. ‘હતો પવન એહ?’ એવો સાદો પ્રશ્ન પૂછી કવિ પ્રતિપ્રશ્નથી એનો ઉત્તર આપે છે. ‘ભભૂકતો ભડકો’ ગ્રીષ્મના વાયરાને ચાક્ષુષ કરી આપે છે. આવા ભભૂકતા ભડકા સમા વૈશાખી વાયરાની પ્રકૃતિનાં અન્ય તત્ત્વો પર શી અને કેવી અસર થાય છે એ કવિ પછીની બે પંક્તિઓમાં દર્શાવે છે. ‘અરણ્ય તરુઝુંડ ને ઝાંખરાં’ શબ્દો દ્વારા કવિ સમગ્ર વનસ્પતિસૃષ્ટિનો નિર્દેશ કરે છે. આ સૃષ્ટિ ગ્રીષ્મના દાહક વાયરાથી ‘ઝળેળી ઊઠે’ છે એમ કવિ કહે છે. ઝળેળવું એટલે બળવું. ઉપરની પંક્તિમાં ગ્રીષ્મના પવન માટે ભભૂકતા ભડકાની ઉત્પ્રેક્ષા કર્યા પછી કવિ તેને લીધે સમગ્ર વનસ્પતિ બળી રહી છે એમ કહે એ સ્વાભાવિક જ છે. ગ્રીષ્મની ઉષ્ણતાથી વનસ્પતિસૃષ્ટિ સળગી રહી છે તો જળની શું સ્થિતિ છે? ઉપર અરણ્યનો, વનનો ઉલ્લેખ આવ્યો. વનમાં ઝરણાં વહેતાં હોય. ડુંગરાની વચ્ચે ઘેરાયેલા ઈડરમાં માધ્યમિક શિક્ષણ લેનાર અને પોતાને ઇડરિયા પથ્થરો તરીકે ઓળખાવનાર તથા ‘ભોમિયા વિના’ ડુંગરા ભમવાની ઇચ્છા રાખી ‘રોતાં ઝરણાંની આંખ લ્હોવા’ માંગનાર ને સૂતાં ઝરણાંને જગાડનાર આ કવિ અહીં ગ્રીષ્મની આ મધ્યાહ્ને ‘ઝરણનાં મૂંગાં ઝાંઝરાં', ‘જરી છણછણી ઊઠ્યાં’ એમ કહી એક આસ્વાદ્ય દૃશ્ય-કલ્પન સર્જે છે. ‘ઝરણનાં મૂંગાં ઝાંઝરાં’ કહી કવિ ઝરણને ઉશનસ્ની ‘પ્રિયવચનમંદસ્મિતવતી’ નવોઢા કલ્પતા ન હોય? ‘જરી છણછણી ઊઠ્યાં'માં શ્વસુરગૃહમાં અકળાઈ ઊઠેલી નવોઢાનો રોષ પ્રગટી ઊઠતો નથી અનુભવાતો? ‘છણછણી'માં ‘છણકા'નો ધ્વનિ સંભળાય છે. આ પંક્તિનો સજીવારોપણ પણ પ્રકૃતિની જીવંતતાનો નિર્દેશ કરી રહે છે. આ ચતુષ્કની ત્રણ પંક્તિઓમાં ગ્રીષ્મના મધ્યાહ્નની ઉષ્ણતાની જે કલ્પના કરી છે તેમાં થોડીક અતિશયોક્તિ જણાય તો ચતુર્થ પંક્તિમાં કવિ થોડી પાછી પાની કરી જાણે સ્પષ્ટતા ન કરતા હોય એમ કહે છે ગ્રીષ્મમાં સ્થૂળ રૂપમાં અગ્નિ નથી હોતો પણ એની અસર અગ્નિથી જરાય ઓછી નથી. ‘નિરગ્નિ દવ'નો વિરોધાભાસ ગ્રીષ્મની ઉષ્ણતાને સુપેરે સૂચવી રહે છે. ‘સૃષ્ટિને પટ અફાટ'ની સ્વરવ્યંજન સંકલના, આંતરપ્રાસ ગ્રીષ્મની ઉષ્ણતાની ઉગ્રતા ઉપસાવી આપે છે. આ રીતે સૉનેટના અષ્ટકમાં ગ્રીષ્મના મધ્યાહ્નની ઉષ્ણતાની ઉગ્રતા પ્રખર રીતે, પ્રબળ રીતે ઉપસાવી આપી ષટ્કમાં જીવસૃષ્ટિ પર, ખાસ તો પ્રાણીસૃષ્ટિ પર તેનો પ્રભાવ કેવો પડે છે એ એક દૃષ્ટાંત દ્વારા કવિ સહેજ વળાંક સાથે વર્ણવે છે. ઉનાળાના બળબળતા બપોરે આકાશમાંથી અગ્નિવર્ષા થતી હોય ત્યારે સૃષ્ટિમાં શી સ્થિતિ છે તે સ્પષ્ટ કરતાં ષટ્કના આરંભે જ કવિ કહી દે છે, ‘હતું સકલ શાન્ત.’ આપણે જાણીએ છીએ કે ગ્રીષ્મની ગરમી જ્યારે તીવ્રતમ સ્તરે પહોંચે છે ત્યારે પશુ-પક્ષી સહિત મનુષ્યો પણ શક્ય હોય ત્યાં સુધી તડકામાં બહાર નીકળવાનું ટાળે છે. સાંજે માનવમેદનીથી છલકાતા રસ્તા ભર બપોરે તો જાણે કે સંચારબંધી ન હોય એમ સૂમસામ લાગે છે. કવિએ તો ત્રણ શબ્દોમાં જ આ આખી સ્થિતિ સૂચવી દીધી છે. આ પરિસ્થિતિનો પ્રભાવ માનવસમાજ પર શું પડે છે તે કવિ પોતાના સંદર્ભે જ દર્શાવે છે: ‘છાતી મહીં મેંય નિ:શ્વાસ તો હતો દીધ દબાવી.’ પરિસ્થિતિ એટલી બધી અકળામણી છે, અસહ્ય નહીં તો દુષ્કર તો છે જ તેથી મનુષ્ય નિ:શ્વાસ નાંખવા સિવાય બીજું કરી પણ શું શકે? પરંતુ બધા મનુષ્યોની દશા એકસમાન હોય ત્યાં કોણ કોની સમક્ષ નિસાસો નાંખે? એટલે તો કવિ કહે છે કે નિ:શ્વાસ પણ મનુષ્યો છાતીમાં દબાવી રાખે છે. કંઈક વિચારશીલ, સમજદાર મનુષ્ય તો અનિવાર્ય પરિસ્થિતિનો, મને-કમને સ્વીકાર કરે છે. પશુ-પક્ષીઓ પણ કંઈક આવી જ સમજદારી પ્રદર્શિત કરે છે. પરંતુ પ્રાણી-સૃષ્ટિમાં એક પ્રાણી તો એવું છે જેનામાં સમજદારીનો અભાવ છે. તેથી તો જે મનુષ્યમાં સમજદારીનો અભાવ હોય એને આપણે ‘ગધેડો’ કહેતા હોઈએ છીએ. કવિને તો આ ઓછી અક્કલવાળા પશુ પ્રત્યે પણ સહાનુકંપા છે તેથી તેને માટે ‘ખર ભોળિયો’ એવા સમભાવયુક્ત શબ્દો પ્રયોજે છે. આ ભોળો કે મૂરખો ખર, ગર્દભ, વૈશાખનંદન ગ્રીષ્મના મધ્યાહ્ને કરે છે શું? સમજદાર મનુષ્યોથી સાવ વિપરીત વર્તન તે કરે છે. સમજદાર મનુષ્ય નિ:શ્વાસ પણ દબાવી રાખે છે, આ ભોળિયો ખર હોંચી હોંચી કરી સૃષ્ટિને ગજવી મૂકે છે. અલબત્ત ગર્દભ પણ સાવ મૂરખ તો નથી જ. ગ્રીષ્મની ગરમીમાં તે પણ ખેતરની વાડ પાછળ કદાચ કોઈ ઝાડ નીચે છાંયામાં આરામ કરતો હશે, પણ વૈશાખી વાયરા ક્યારેક વાવંટોળનું રૂપ પણ ધારણ કરતા હોય છે. એવો એક નાનો વંટોળિયો ક્યાંકથી ઊઠે છે ત્યારે બાળ હનુમાન જેમ સૂર્યના ગોળાને ઝાલવા ઊડ્યા હતા અને નાનાં બાળકો રાત્રે ચાંદો લેવા માટે મા આગળ જીદ કરતા હોય છે તેમ બાળકબુદ્ધિનો ભોળો ખર વંટોળિયાને પકડવા આમથી તેમ દોડાદોડ કરે છે અને અંતે થાકીને, હારીને ખેતરમાં હોંચી હોંચી કરી પોતાનો નિ:શ્વાસ પ્રગટ કરી પડે છે. સમજુ મનુષ્ય જે ઉકળાટ, અકળામણ, નિ:શ્વાસ દબાવી રાખે છે એ આ અણસમજુ કે અલ્પસમજું ભોળિયો ખર મુખરપણે વ્યક્ત કરી દે છે. ‘પડ્યો સૂકલ ખેતરે'માં આવતું ‘સૂકલ’ વિશેષણ દહેલીદીપક ન્યાયે ખર અને ખેતર બંનેને લાગુ પડે એવું છે. વર્ષાવિહોણું, જળવિહોણું ખેતર સુકાયેલું હોય એ સ્વાભાવિક છે. પણ ‘સૂકલ'ના અન્ય અર્થો ‘કૃશ', ‘દૂબળું’ પણ થાય છે. તેથી તે ગર્દભ માટે પણ લાગુ પાડી શકાય. આઘાત અને પ્રત્યાઘાત સૃષ્ટિનો નિયમ છે. ગ્રીષ્મની ગરમીના આઘાતે સૃષ્ટિ પર પ્રગટાવેલા પ્રત્યાઘાતને કવિ સૉનેટમાં વર્ણવે છે, ખાસ તો અષ્ટકમાં. ષટ્કમાં મુખ્યત્વે ખરનો પ્રત્યાઘાત વર્ણવાયો છે. પણ એ પ્રત્યાઘાતનો પણ પ્રત્યાઘાત (પડઘાનો પ્રતિધ્વનિ?) પણ પડવાનો તો ખરો જ. સૉનેટની અંતિમ પંક્તિમાં કવિ એ પ્રગટ કરે છે: ‘સજીવ થઈ સૃષ્ટિ હાશ!’ આ સાંભળી આપણને પ્રશ્ન થાય કે શું સૃષ્ટિ નિર્જીવ હતી? સૃષ્ટિ નિર્જીવ તો હોઈ જ ન શકે. અષ્ટકમાં તો કવિએ સજીવારોપણ દ્વારા સૃષ્ટિની સજીવતા વ્યંજિત કરી છે. તો ‘સૃષ્ટિ સજીવ થઈ’ એવું કવિને કેમ કહેવું પડ્યું? આવો પ્રશ્ન પુછાશે જ એનું અનુમાન કરી કવિ સ્પષ્ટતા કરી દે છે: ‘અવનીની મૂર્છા સરી.’ અવની, પૃથ્વી, સૃષ્ટિ ગ્રીષ્મમાં નિર્જીવ નથી થતી. હેમંત, શિશિરમાં ઠંડીથી ઠૂંઠવાઈ ગયેલી, મૂરઝાઈ ગયેલી અવની, પૃથ્વી વસંત ઋતુમાં તો નવજીવનથી પલ્લવિત થાય છે, પુષ્પિત થાય છે, પ્રફુલ્લિત થાય છે. આ અવની વસંત પછી તરત આવતા ગ્રીષ્મમાં નિર્જીવ, નિષ્પ્રાણ તો નથી થતી પણ મૂર્છિત થાય છે. જે પૃથ્વીને બુદ્ધિશાળી મનુષ્ય કે પક્ષીઓ ચેતનવંતી કરી શકતા નથી તેને આ એક ભોળિયો ખર એની મૂર્ખતાપૂર્ણ ભાસતી હરકત દ્વારા સજીવ કરી રહે છે એમ કહી કવિ જગતમાં આવા અબુઝ, મૂર્ખ જણાતા પ્રાણીનો પણ મહત્ત્વનો રોલ છે એમ સમભાવપૂર્વક સૂચવે છે. ઉમાશંકરનું આ સૉનેટ તેમના કાવ્યસંગ્રહ ‘આતિથ્ય'માં સમાવિષ્ટ છે. કવિની કાવ્યયાત્રાના દ્વિતીય સ્તબકનો આ સંગ્રહ, સ્વયં કવિએ કહ્યું છે તેમ એમના અન્ય સંગ્રહોથી જુદો પડે છે. ૧૯૪૫ની ૪થી જૂને અમદાવાદમાં આ સૉનેટ સર્જાયું છે. મે-જૂનનો અમદાવાદનો ઉનાળો જેણે અનુભવ્યો છે એને આ રચનાની અનુભૂતિ પોતાની હોય એમ લાગશે. ત્રણેક અઠવાડિયાં પહેલાં ઉમાશંકરે ‘ગ્રીષ્મગીતા’ પણ લખ્યું છે જેમાં વૈરાગ્યના અનાહત નાદ સંભળાય છે. આ કાવ્યમાં કવિએ ઉનાળાના ગ્રામસમાજનું ચિત્ર ગૂંથી લીધું છે. ‘આતિથ્ય’ (૧૯૪૬) પછી કવિ ‘વસંતવર્ષા’ (૧૯૫૪) નામક સંગ્રહ આપે છે એ પરથી છ ઋતુઓ પૈકી વસંત અને વર્ષા (ઋતુઓનાં રાજા-રાણી) કવિની પ્રિય ઋતુઓ છે એ સમજાય છે. આમ હોવા છતાં ગ્રીષ્મની પણ કવિએ અવગણના નથી કરી એ આ કાવ્ય પરથી જોઈ શકાય છે. ‘ગંગોત્રી’નું ‘મારી ઋતુઓ’ સૉનેટ પણ જોવા જેવું છે. ‘નિશીથ’ સંગ્રહ આપનાર કવિને દિવસના પ્રહરો પૈકી સવાર, સાંજ, રાત વધુ આકર્ષે છે એ સાચું પણ મધ્યાહ્નને પણ કવનવિષય બનાવી તેમણે યાદગાર બનાવ્યો છે. રાજેન્દ્ર શાહે જે રીતે ‘શ્રાવણી મધ્યાહ્ને’ દ્વારા મધ્યાહ્નનું ઋજુ-રમ્ય રૂપ અંકિત કર્યું છે તેમ ઉમાશંકરે અહીં ગ્રીષ્મના મધ્યાહ્નનું ઉગ્ર-ઉષ્ણ રૂપ સુપેરે કંડાર્યું છે. પ્રથિતયશ કવિએ આ સૉનેટમાં ભાવને અનુરૂપ છંદ (પૃથ્વી) યોજ્યો છે અને આવશ્યક અલંકારો, સમુચિત શબ્દો દ્વારા, પેટ્રાર્કશાઈ સૉનેટ માટે જરૂરી ભાવપલટા, ઊથલા દ્વારા નમૂનેદાર સૉનેટ સર્જ્યું છે. કવિનું આ બલિષ્ઠ કાવ્ય ગુજરાતી સાહિત્યનાં નોંધપાત્ર પ્રકૃતિકાવ્યોમાં સ્થાન પામે તેવું સમૃદ્ધ બની શક્યું છે