આત્માની માતૃભાષા/49: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અનેક સૌંદર્યોના સંયોગે વિકસિત કવિચેતના|રઘુવીર ચૌધરી}} <poem>...") |
(No difference)
|
Revision as of 04:41, 18 December 2021
રઘુવીર ચૌધરી
માઈલોના માઈલો મારી અંદર પસાર થાય છે.
દોડતી ગાડીમાં હું સ્થિર, અચલ.
પેલા દૂર ડુંગર સરી જાય અંદર,—ડૂબી જાય
મજ્જારસમાં, સરિતાઓ નસોમાં શોણિતના
વહેણમાં વહેવા માંડે, સરોવરો
પહોળી આંખોની પાછળ આખાં ને આખાં
ડબક ડબક્યાં કરે. લહેરાતાં
ખેતરોનો કંપ અંગઅંગે ફરકી રહે.
જાણે હથેલીમાં રમે પેલાં ઘરો,
ઝૂંપડીઓ, — આંગણાં ઓકળી-લીંપેલાં,
છાપરે ચઢતો વેલો… ત્યાં પાસે કન્યાના ઝભલા પર
વેલબુટ્ટો થઈ બેઠેલું પતંગિયું…
સ્મૃતિને તાંતણે એટલુંક ટીંગાઈ રહે.
માઈલોના માઈલો મારી આરપાર પસાર થયાં કરે.
વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થાય છે.
ઘૂમતી પૃથ્વી ઉપર હું માટીની શૃંખલાથી બદ્ધ.
એકમેકની આસપાસ ચકરાતા ક્વાસાર, નિહારિકાઓ,
આકાશગંગાઓ, નક્ષત્રોનાં ધણ,—ચાલ્યાં આવે.
હરણ્ય મારી ભીતર કૂદી. પૂંઠે વ્યાધ, લાંબોક વીંછુડો…
અવકાશ બધો પીધાં કરું, તરસ્યો હું. ઝંઝાનાં તાંડવ,
ઘુર્રાતાં વાદળ, વીંઝાતી વિદ્યુત, ઉનાળુ લૂ,
વસંતલ પરિમલ — અંદર રહ્યું કોઈ એ બધુંય ગટગટાવે.
અનંતની કરુણાનો અશ્રુકણ? — કોઈ ખરતો તારો;
ધરતીની દ્યુતિ-અભીપ્સા? — કોઈક ઝબૂકતો આગિયો;—
સ્મૃતિના સંપુટમાં આટલીક આશા સચવાઈ રહે.
વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થયાં કરે.
દિલ્હી, ૧-૯-૧૯૭૯