નિરંજન/૧૮. વંટોળ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૮. વંટોળ|}} {{Poem2Open}} એ જવાબ સાંભળીને કેટલાય છોકરા નાચી ઊઠ્યા....")
(No difference)

Revision as of 07:34, 20 December 2021


૧૮. વંટોળ

એ જવાબ સાંભળીને કેટલાય છોકરા નાચી ઊઠ્યા. દરેક પોતપોતાની ઓરડીએ જલસો જમાવવાની ઇચ્છા દેખાડી નિરંજનને ખેંચવા લાગ્યો. પણ એમાંના એકે કહ્યું: ``વધુ હક મારો છે. સુનીલાએ ને નિરંજને એની સામે નજર કરી ઓળખ્યો: તે દિવસે બાલ્કનીમાંથી સુનીલાની છાતી પર ઈંડું ફેંકનાર! ``ચાલો, એમની રૂમ પર. સુનીલાએ સંમતિ આપી. દોડતો એ જુવાન પોતાની ઓરડી પર પહેલો પહોંચી ગયો. મંડળી ત્યાં પહોંચી ત્યારે મેલાં કપડાંનો જથ્થો છુપાવી દેવાનાં તાજાં ચિહ્નો નજરે પડ્યાં. બીડી-સિગારેટનાં ખોખાં બારીના સળિયા વાટે પછવાડે ફેંકાયાં હતાં. બિછાનાની મેલી ચાદરો ને ગંધાતાં બાલોશિયાં ઉપર ઓઢવાની કામળો સિફતથી ઢાંકી દેવાઈ હતી. પાણીના માટલા પર ટુવાલ બિછાવાઈ ગયો હતો. ચોપડીઓ ને નોટબુકોની સરખી થપ્પી મુકાઈ ગઈ હતી. એ ઝટપટ થયેલી ઉપરટપકેની ટાપટીપ જુવાનોના માનસમાં એક ઊંડો ફેરફાર સૂચવતી હતી. સૌંદર્યનો પ્રાણ તેઓએ જાણે પારખ્યો હતો. સુંદરની સમીપે તેઓનું અસુંદર તત્ત્વ, પોતાની કદરૂપતા શરમાતાં હતાં. મનમાં ને મનમાં જુવાનો સુનીલાની સુંદરતા જોડે પોતપોતાની અસુંદરતાને સરખાવતા હતા. એના સાદા ઓળેલા કેશમાં રેશમની કુમાશ નહોતી છતાં સ્વચ્છતા તો હતી જ. એની સાડી પહેરવાની ઢબમાં કોઈ નવી છટા ન હોવા છતાં એક એવો ઢંગ હતો કે જુવાનોને પોતાના લેંઘા, ઝભ્ભા તેમ જ ધોતિયાં શરીર જોડે કલહ કરતાં જ ભાસે. ``પેલા બે ભાઈઓ કેમ દેખાતા નથી? સુનીલાએ પેલી રાતે મળવા આવનારાઓને શોધવા આંખો દોડાવી. ``કોણ બે? સુનીલાએ નામ આપ્યાં. જવાબ મળ્યો: ``સિનેમા જોઈને મોડા આવેલા એટલે સૂતા હશે. ચાનાં પ્યાલા અને રકાબી દરેક જણ જાતે જ માંજી ચકચકિત કરી લઈ આવ્યો. નિરંજને આ બધી નવીનતા નિહાળી. વિગતોમાં નાની લાગતી આ અસર તત્ત્વત: નાનીસૂની નહોતી. વસંતની બહાર જેમ વૃક્ષોની ઝીણી ઝીણી ટશરોમાંથી જ ડોકાય છે, તેમ સૌંદર્યનો નવજાગ્રત આત્મા પણ મનુષ્યની નાનીમોટી અભિરુચિની અંદર પગલીઓ પાડે છે. હોસ્ટેલના તરુણજીવનમાં આજે સાચી શ્રી – સૌંદર્યદેવી લક્ષ્મીનું શતદલ ઊઘડતું હતું. એ અડધો કલાક ચુપકીદીથી જ વીત્યો. ચોખ્ખા વાદળમાં શરદની સફેદ વાદળીઓ છવાય તે રીતે એ નીતરતાં પ્યાલા રકાબીના આછા રણકાર અને એથીયે આછાં સ્મિત મલકી રહ્યાં. ``હવે ચાલીશું? સહુને વાંચવું હશે. કહીને સુનીલાએ સહુનાં મોં તપાસ્યાં. કેટલાંક માથાં નીચે ઢળી ગયાં. તેમને સુનીલાના બોલમાં ટકોર લાગી. દરવાજા સુધી સહુ વળાવવા ગયા. નિરંજન-સુનીલાના પગ આગળ ધપતા હતા, પણ કાનના તાર તો પછવાડે જ સંધાઈ રહ્યા હતા. પછવાડેથી તો માત્ર નવો મધપૂડો રચતી માખોના ગણગણાટ જેવો જ માનવ-રવ સંભળાતો હતો. એથી વધુ કશું જ નહીં. રસ્તામાં સુનીલા તદ્દન ચૂપ હતી, એની ચુપકીદી નિરંજનને મૂંઝવતી હતી. એને તરેહતરેહની શંકાઓ સતાવવા લાગી: ન બોલવાનું શું કારણ હશે? માર્ગે એક નિર્જન રસ્તો આવ્યો. બનેનાં પગલાં તાલમાં પડતાં હતાં. ઊંચા લીમડા પર બેઠેલ કબૂતર જાણે કે એ બેઉની એકતાલ ગતિ વિશે ચાડી કરતુંકરતું ઘૂઘવતું હતું. નીરવતા અસહ્ય બની. નિરંજને વાત ઉચ્ચારી: ``અજબ વાત, આજે આપણી પાછળ પેલાઓમાંથી કોઈએ હાસ્ય કર્યું નહીં. ``હં. સુનીલાએ ટૂંકોટચ ઉત્તર આપ્યો. ``વાતાવરણ બદલાઈ જતું દેખાય છે. સુનીલા કશું બોલી નહીં. ``હવે એ વાતાવરણને હાથમાં લેવાનો મોકો છે. કૉલેજ-જીવનની કેટલીય ગંદકીને ધોઈ સ્વચ્છ કરી શકાશે. કૉલેજની તમામ પ્રવૃત્તિઓમાંથી સૌ પહેલાં તો પ્રોફેસરોનો ટાંટિયો કાઢી નાખવાની જરૂર છે. અને સામુદાયિક આત્મશાસન પણ કંઈ સહેલું નથી. ધૂર્તો, વાચાલો, ખાયકી કરી જાણનારાઓ જ સહેલાઈથી પ્રતિનિધિઓ બની બેસે છે. કામ અટપટું ને મૂંઝવનારું છે. પણ તમારો સાથ હશે તો શું નહીં બની શકે? સુનીલાએ મૌન તોડ્યું: ``તમારે આ છેલ્લી ટર્મ છે ને? ``હા. ``બે'ક વધુ વર્ષો ગાળવાની સગવડ છે? ``કેમ એમ બોલો છો? ``કેમ કે કૉલેજ-જીવનને પાવન કરવા તમારે એટલો સમય તો જોઈશે જ. નિરંજન મૂગો રહ્યો. સુનીલાએ કહ્યું: ``વધુ વર્ષ રહેવું હોય તો માર્ગ છે. ``શો? ``મારા જ હાથમાં છે. ``પણ શો માર્ગ? ``દીવાનકાકા તમને તમે કહો તે ખર્ચ દેવા તૈયાર છે. તમારે ફક્ત એક જ વાતનો સ્વીકાર કરવાનો છે. ``સુનીલા, આવી મશ્કરી મને પસંદ નથી. ``તો પછી બીજાઓને સુધારી નાખવાની મહત્ત્વાકાંક્ષા છોડીને પરીક્ષા માટે તૈયારી કરો. આમ નવલકથાનું જીવન ક્યાં સુધી જીવવું છે? આટલી વાત થઈ ત્યાં એ નિર્જન વીથિકાને બેઉએ વટાવી નાખી હતી. રાજમાર્ગની ગિરદીમાં બેઉ પ્રવેશી રહ્યાં હતાં. નિરંજનને પણ સાન આવી કે સુનીલાએ તો એ નિર્જન વીથિમાર્ગની રમ્યતાનો દાટ વાળી નાખ્યો હતો. બેઉ બાજુએથી સામસામી ડાળીઓના હસ્તમેળાપ કરી ઊભેલાં એ લીલાંછમ તરુવરો નીચે, પ્રકૃતિની એ એકલતા વચ્ચે, કેટલાંકેટલાં પ્રેમીજનોએ પ્રણયગોષ્ઠિઓ કરી હશે! આ તરુવરો કેટલાં પ્રણયોચ્ચારનાં, ધગધગતા નિ:શ્વાસનાં, ઊના અશ્રુપાતોનાં, રિસામણાં અને મનામણાંઓનાં મૂક સાક્ષી હતાં! કથાલેખકોએ કેટલી જુદીજુદી વાર્તાઓમાં આ નીલુડા રસ્તાને પોતાનાં પાત્રોની લીલાભૂમિ તરીકે વાપર્યો હતો! એવા અદ્ભુતરંગી રસ્તાને સુનીલાએ પરીક્ષાનાં હૃદયહીન ટાયલાં માટે પસંદ કર્યો. સરસ્વતી-સેવાના મનોરથો જે મારગનાં તરુવરોની ઊંચી ડાળીઓએ હિંડોળા બાંધીને હીંચવા માગતા હતા, તે માર્ગ પર તો સુનીલાએ પરીક્ષાનાં સ્મરણોના પથ્થરો વેરી નિરંજનના પગને ઠોકર વગાડી. ``તમારી વાત સાચી છે, નિરંજને કહ્યું, ``તમને પરીક્ષાની તૈયારીમાં આટલો વિક્ષેપ પડાવ્યો તે મારી ભૂલ થઈ છે. ક્ષમા ચાહું છું. ``વાતવાતમાં ભૂલનો સ્વીકાર અને ક્ષમાની ચાહના અતિશય નબળા મનની નિશાનીઓ છે. સુનીલા હસતી હતી. સુનીલાનાં ટોણાં વધતાં ગયાં, તેમતેમ નિરંજનને ડર લાગતો ગયો. સુનીલાનું મન આટલું તંગ શાથી થયું તે કંઈ સમજાયું નહીં. નિરંજન પેલી જૂની વાર્તા માંહેના સિંહની પેઠે જાળમાં વધુ ને વધુ અટવાતો ગયો. એણે પૂછી જોયું: ``મારું મન વ્યગ્ર રહે છે. તમે કહો તો તમારી જોડે થોડું થોડું વાંચવા આવતો જાઉં. ``નહીં, મને કોઈની જોડે વાંચવું ફાવતું જ નથી. બેઉના રસ્તા જુદા ફંટાતા હતા. સુનીલાએ કહ્યું: ``હું રજા લઈશ. ``હું મૂકવા આવું? ``કશું જ પ્રયોજન નથી. ``મારાથી કશું... અનુચિત બોલાઈ ગયું હોય તો ક્ષમા... એ શબ્દોનો કશો હોંકારો પણ ન દેતી સુનીલા ઝડપથી ટોળામાં અદૃશ્ય થઈ. પ્રબલ કોઈ ઝંઝાની પેઠે સુનીલાએ નિરંજનને ઢંઢોળી નાખ્યો. જીવનનાં નીલાં-પાકાં અનેક પાંદડાંને એ વાવાઝડીએ ખંખેરી નાખ્યાં. થોડા દિવસ તો એનાથી ન વાંચી શકાયું. રૂઠેલી સુનીલા સામે ને સામે તરવરે. મૂએલી બહેન રેવાના પણ ભણકારા વાગે. જે મનુષ્યનો ચહેરો જોઈને પોતાના ભાવિ ભરથારના ભયથી રેવા ફાટી પડી, તે મનુષ્ય ઉપર, તે મનુષ્ય જેનો સાળો થાય છે એ દીવાન ઉપર, અને તે મનુષ્યને રેવાના જીવનમાં લાવવાનું નિમિત્ત બનનારી જે છોકરી, તે રાક્ષસી સરયુ ઉપર એના દાંત કચકચવા લાગ્યા. પરંતુ એ તો બધાં બહાનાં હતાં, કચકચાટનું ખરું કારણ તો સુનીલાનું શુષ્ક વર્તન હતું. પછી તો સર્વથી વધુ કઠોર સત્યસ્વરૂપી પરીક્ષાને જ એણે સામે આવતી દીઠી. દીવાનકાકા પાસેથી પૈસા અપાવવાના સુનીલાએ મારેલ ટોણા ઉપર એને ધિક્કાર છૂટ્યો. અને ગાંઠ બંધાઈ ગઈ કે પરીક્ષાને ચૂક્યા પછી કોઈ કિનારો હાથ નહીં લાગે. મનમાં ને મનમાં સુનીલાનો આભાર માની એણે છેલ્લા બે મહિનાની માનસિક મજૂરી ખેંચી. કોઈપણ મેળાવડામાં, મંડળીમાં, પાર્ટીમાં કે નાટકમાં તે ન ગયો. એણે મનને આ રીતે મનાવ્યું: પરીક્ષા ખરાબ હો વા સારી, શિક્ષણ વિઘાતક હો વા નહીં, પણ જો એ પરીક્ષાનાં પલ્લાંમાં જ જોખાવા હું અહીં આવ્યો છું, તો મારું બધું બળ એ પરીક્ષા પર જ એકાગ્ર બનવું ઘટે. પ્રેમની નિષ્ફળતા, સ્વજનનો શોક, પરીક્ષકોની હરામખોરી પરનો પુણ્યપ્રકોપ, જાહેર જીવનમાં ચમકવાનો મોહ, એ કે એના જેવા બીજા કોઈ જ ભાવને આ એકધ્યાનતામાં ભંગ પાડવા દેવો એ મારી કર્તવ્યભ્રષ્ટતા જ છે. પરીક્ષા પ્રત્યે તિરસ્કાર સેવતા બેઠા રહેવું એ એક આત્મવંચના છે; મને મોકલનાર વડીલ પ્રત્યેનો દ્રોહ છે. `હટો! સુનીલા, રેવા, સર્વ મારી કલ્પના સામેથી હટી જાઓ! `સારું જ થયું કે સુનીલાએ મારો ત્યાગ કર્યો. હું કેવળ બેવકૂફીને જ માર્ગે હતો. સુનીલા કેવળ મને બનાવતી હતી. સ્ત્રીનો મન:પ્રદેશ નિગૂઢ, અતલ, એક ઇંદ્રજાલ જેવો છે.' એક રાતે બેસી, આવી આવી ગાંઠો અંતરમાં વાળી, ભેજું સાફ કરી ફરી નિરંજન તૈયારીમાં પડી ગયો.