નિરંજન/૧૦. ઝાંઝવાનાં જળ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૦. ઝાંઝવાનાં જળ|}} {{Poem2Open}} તે દિવસનાં ત્રણેત્રણ લેક્ચરમાં ન...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
કેવા બેવકૂફો! સમજી બેઠા કે હું સૂઈ ગયો હતો. | કેવા બેવકૂફો! સમજી બેઠા કે હું સૂઈ ગયો હતો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૯. પ્રો. શ્યામસુંદર | |||
|next = ૧૧. નવો તણખો | |||
}} |
Latest revision as of 10:22, 20 December 2021
તે દિવસનાં ત્રણેત્રણ લેક્ચરમાં નિરંજનનું દિલ બેધ્યાન રહ્યું. સુનીલાએ કંઈક પણ પૂછ્યું હોત? અરે, એટલું પણ કહ્યું હોત કે આવી શકાય તો આવજોને, તોપણ પોતે સરયુ અને સુનીલા જોડે મોટરમાં બેસીને મુંબઈનગરીને નિહાળવાની તક જવા દેત નહીં. પણ આ તો પ્લેટફોર્મ પર આવી પહોંચ્યા પછી જ ફાસ્ટ ગાડી ચૂકી ગયા જેવું થયું. પણ દુ:ખ કંઈ એટલેથી જ અટકતું નહોતું. એની કલ્પનાએ દુ:ખના તાકા ને તાકા વણવા માંડ્યા. હવે પેલો દુષ્ટ તેઓને સહેલગાહ કરવા લઈ જશે. કોને ખબર, મોટરમાં એ હરામી ક્યાં બેસશે! શોફરની બાજુએ બેઠક લેશે? કે પાછલી બેઠકમાં ચડી બેસશે? પેલી બંને યુવતીઓની જોડેની બેઠકમાં જ ઝુકાવશે તો? પણ સુનીલા એને ત્યાં બેસવા નહીં આપે. પણ તો પછી એની દુષ્ટતા ક્યાં કમ છે? એ કંઈ સુનીલાના કહેવા ન કહેવાની વાટ નહીં જુએ. એ તો વગર કહ્યે જ પડખામાં આસન લઈ લેશે. પછી કંઈ સુનીલા એને થોડી જ એમ કહેવાની છે કે મિસ્ટર, તમે સામે બેસો અથવા આગલી સીટમાં બેસો? ને વળી સંભવ છે કે સરયુ મહેમાન હોવાથી એને જ સુનીલા જમણી ગમની પહેલી બેઠક આપશે, પોતે વચ્ચે બેસશે, ને આ પાપીને ત્રીજું સ્થાન મળી રહેશે. ને પછી તો મોટરના વેગની વધઘટના આંચકા લાગતાં એકબીજાનાં શરીર વચ્ચે અંતર પણ શાનું રહેવાનું? વાતો પણ શી શી થશે, ને શી નહીં થાય? મારી બાબત પણ વાર્તાલાપમાં આવ્યા વગર થોડી રહેવાની છે? પછી સરયુ-સુનીલાના કાનમાં મારા વિશે ભરીભરીને ઝેર રેડવાનો અવસર આ ભાઈસાહેબ થોડા ચૂકવાના છે? ને ઝેર રેડવાની આવડત તો એનામાં કેટલી બધી છે! અણુયે નહીં હોય ત્યાં એ મેરુ ઊભો કરશે. ટીપુંય નહીં હોય ત્યાં એ મુશળધાર પાણી વરસાવશે. એક કાંકરીમાંથી સહરાનું રણ સરજે તેવો એ જાદુગર છે! પછી મારો બચાવ કરવા ક્યાં જવાનો છું? સુનીલા ક્યાં મને પૂછવા આવવાની છે? પૂછવા જેવું પ્રયોજન પણ શું છે? ને મારે એવું કોઈ પ્રયોજન કલ્પવાનોય હક નથી જોઈતો. મને ફક્ત એટલું જ રહ્યા કરે છે, કે આ જગતમાં એકાદ માનવીના સારામાઠા અભિપ્રાયની ચિંતા મને થોડા સમયથી સતાવી રહી છે. કયા પ્રારબ્ધને જોરે એ માનવીનું સ્થાન સુનીલાએ લીધું છે તે તો નથી જાણતો. આ એક જ મુદ્દાને બાદ કરતાં મારી લવલેશ આકાંક્ષા નથી કે એ મારા જીવનમાં કશું નિકટનું આસન સ્વીકારે. ઝાંઝવાનાં જળ જેવી એ દૂર ને દૂર છો સળગ્યા કરે ને સળગાવ્યા કરે. મારા જેવા પામર મૃગને માટે તો સરયુ જેવો એક વીરડો જ સંતોષની વાત હોઈ શકે. કેમ કે મારા લગ્ન ઉપર બહેન રેવાનું તકદીર અવલંબી રહેલ છે. મારું લગ્ન તો સરયુ મને ગમે કે ન ગમે તોયે એક સોદાની વસ્તુ બનશે. રેવા – રેવાને યાદ કરતાં નિરંજનને ભાઈબીજ યાદ આવી. રેવા મારું વ્રત ઊજવવાની તૈયારી કરતી હશે. માટીના લીંપણને માટે રેવા આગણું વાળતી હશે. સારી રાત સ્વપ્નમાં સળવળતી રેવા પરોઢે ઊઠીને લીંપશે, સાથિયા પૂરશે, ને ઘીનો દીવો કરશે. પ્રભાતનાં કિરણો ફૂટશે ત્યારે રેવા પોતાના યૌવનનું અકલ-અગમ પાતક પુરજનોની નજરથી છુપાવવા માટે પાછી ઘરમાં લપાશે. ક્યાં સુધી? રેવાને આમ ક્યાં સુધી છુપાવવાનું રહેશે? મારો નિર્ણય થતાં સુધી! હું નિર્ણય કરી નાખું તો? તોયે હવે તો સરયુના અભિપ્રાયોમાં આ કાળમુખો રવિવાર કેવું ડહોળાણ ઉત્પન્ન કરશે! સરયુ જ એના બાપને ઘસીભૂંસી ના કહી દેશે તો? સરયુમાં એવી નિશ્ચયબુદ્ધિ નથી એ વાત ખરી, પણ સુનીલા જ દીવાનસાહેબનું હૃદય ડહોળી નાખશે તો? ઓહ! દુષ્ટ પેલો સેક્રેટરી જ મારા ભાગ્ય-નિકંદનનું, રેવાના દુર્દૈવનું મૂળ બનશે. છેલ્લા પિરિયડના ડંકા પડ્યા ત્યારે જ નિરંજન આ દિવાસ્વપ્નની સાળ પરથી ઊઠ્યો. પોતે ઊઠ્યો ત્યારે સહુ એની સામે જોઈ હસતા હતા. પ્રોફેસર પણ એ ટીખળમાં સામેલ હતા. પ્રોફેસરે ટકોર કરી: ``રાતે બહુ ઉજાગરા ખેંચો છો, મિ. નિરંજન? કોઈક વિદ્યાર્થીએ વળી ગીતાસૂત્ર ટાંક્યું: ``...सा निशा पश्यतो मुने:।। કેવા બેવકૂફો! સમજી બેઠા કે હું સૂઈ ગયો હતો.