પરિષદ-પ્રમુખનાં ભાષણો/૪.: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શ્રી રણછોડભાઈ ઉદયરામ દવેનું ભાષણ|ચોથી ગુજરાતી સાહિત્ય પ...") |
(No difference)
|
Revision as of 15:47, 20 December 2021
ચોથી ગુજરાતી સાહિત્ય પરિષદઃ
વડોદરા એપ્રિલ: ૧૯૧૨
આજથી સો ઉપરાંત વર્ષ પૂર્વે રણછોડભાઈ જન્મેલા. એમના સમયમાં શિક્ષણ મેળવવું અને વિકાસ સાધવો એ કેટલું મુશ્કેલ હશે તેની તો આજે કલ્પના પણ ઘણાને નહિ આવે. છતાં એમના જમાનાનાં સાધનોનો અને બળોનો બને તેટલો લાભ લઈ રણછોડભાઈએ પ્રગતિ સાધી. એમનું જાહેર જીવન અમદાવાદમાં શરૂ થયેલું.
ગુજરાત આજે એમને ઓળખે છે રંગભૂમિ અને નાટકને લોકપ્રિય બનાવવાના પ્રયાસ કરનાર સાહિત્યકારના આદિપુરુષ તરીકે. એમણે જાતે પણ ‘લલિતા દુઃખદર્શક નાટક’, ‘જયકુમારી વિજય નાટક’ આદિ ઘણાં નાટકો લખ્યાં છે અને એ બધાંમાં પણ વિષયની વિવિધતાનું અને જનસમાજને ઉન્નત બનાવવાની એમની વૃત્તિનું દર્શન થાય છે.
સાહિત્ય પરિષદને પ્રમુખપદે તો તેઓ ૧૯૦૭માં બીજી પરિષદ મળી ત્યારે આવ્યા હોત. પણ એમને સંયોગ અનુકૂળ ન હતા એટલે એમની ચૂંટણી ફરીને ચોથી પરિષદ વખતે થઈ અને એમણે એ પ્રમુખસ્થાનેથી ગુજરાતી સાહિત્યના તત્કાળ ધ્યાન ખેંચતા પ્રશ્નોની ચર્ચા કરી.
એમણે ગુજરાતને ઘણું આપ્યું છે. સતત પ્રવૃત્તિમાં જીવન ગાળનાર રણછોડભાઈની શક્તિ અને ઉત્સાહ આજે પણ એમના સાહિત્યવિસ્તારમાં મૂર્તિમન્ત છે.
આજના સાહિત્ય સંમેલન સમયે પ્રમુખસ્થાન સ્વીકારવાને જ્યારે મને પૂછવામાં આવ્યું ત્યારે, પ્રથમ તો મેં વિરામી જવાની ધારણા કરી હતી; તે એવા વિચારથી કે, વિશેષ યોગ્યતાવાળા અને વિશેષ ઉત્સાહવાળા પુરુષોને આગળ કરીને, મારા જેવા વૃદ્ધે તો તેમની પીઠ ઠોકીને બની શકે તે પ્રમાણે તેમને સહાયભૂત થવું એ જ ઘટિત છે. કારણ કે હવે પછી પરિષદ ભરાઈ ત્યાં સુધી કરવાનાં કાર્યોનું જોખમ પ્રમુખને શિર રહેવું જોઈએ. તે પ્રમાણે કાર્યસિદ્ધિ થઈ શકે નહિ તો અવસ્થાભાર વહન કર્યો ગણાય. પણ લાગલું જ મારા મનમાં એમ સ્ફુરી આવ્યું કે, આપણને તો મહાસમર્થ શ્રીમંત મહારાજાસાહેબનો આશ્રય મળવાનો છે. તેથી તેમની સહાયને લીધે આપણા કાર્યમાં કોઈ પણ પ્રકારની ન્યૂનતા આવવાનો સંભવ જ નથી. તો બેધડક આવા શુભ કાર્યમાં આપણે ઊભા રહેવું, એ જ ઉત્તમ માર્ગ છે. મહાશયો! આવા જ વિચારથી મેં પ્રમુખસ્થાન સ્વીકાર્યું છે અને તેમ કરવાનો મારો મુખ્ય હેતુ એ છે કે, જો હું હવે વૃદ્ધ થયો છું, તથાપિ ગુર્જરગિરાના વાઙ્મયનો વિસ્તાર વધેલો જોવાની મારી તીવ્ર તૃષ્ણા અતિ બળવતી થતી જાય છે. માટે તેના કાર્યમાં ઉત્સાહથી ભાગ લેવો એ મારા અંતઃકરણે આનંદદાયક માન્યું છે. તેથી, સજ્જનો! આપે સર્વેએ એકમતે પ્રમુખ થવાનો પ્રસંગ મને આપ્યો છે, એટલા માટે આપ સર્વનો હું અંતઃકરણપૂવક આભાર માનું તેના પહેલાં, જે ઐશ્વર્યસંપન્ન મહાવ્યક્તિ અહીં બિરાજમાન છે, અષ્ટદેવના અંશે અહીં પ્રત્યક્ષ મૂર્તિમાન છે, એવા મહારાજાધિરાજ શ્રીમંત સયાજીરાવનો આપણે સર્વેએ પ્રથમ આભાર માનવો એ યોગ્ય છે. મહાશયો! આ મહામંડળને યોગ્ય મહત્તા આપી ઉત્સાહી કરનાર આ દેવાંશી પુરુષની ઉદારવૃત્તિ કેટલી છે તે તો જુઓ! એઓશ્રી સર્વત્ર અધિપતિ છતાં આવા જનસમૂહના કાર્ય આપણે સ્વતંત્રતાથી કેવી રીતે કરીએ છીએ, તે પોતાની નજરે જોવાને, આપણને ઉત્તેજન આપવાની ખાતર પોતાની સમક્ષ આપણને આટલી બધી છૂટ આપે છે! તેમાં વિશેષ કરીને મારે એઓશ્રીનો આભાર કેવા શબ્દોમાં માનવો એ સૂઝી આવતું નથી.
રાજશ્રીના પ્રતાપી તેજમાં અંજાઈ જવાય તે સ્વાભાવિક છે. રાજાના પ્રતાપનો મહિમા કાલિદાસ જેવા મહાકવિને અસર કરનારો લાગ્યો છે, તો તેના આગળ મારું તે શું ગજું? તો પણ આભારનું કાંઈક લૌક્કિ ચિહ્ન બતાવવા, મહાશયો! મારી સાથે એક અવાજે સર્વ બોલો કે–
હૃદયકમળ ફૂલવાથી આદરફૂલડાં વધાવતાં ધરીએ,
નજર રખી પરિષદ પર કૃપા કરીને સ્વીકાર તે કરીએ.
શ્રી ગુર્જરીગિરાના ઉત્કર્ષમાં સતત ઉત્સાહ રાખનાર અને તેમાં પ્રવૃત્તિ કરનાર સજ્જનોનું આ ચોથી વારનું સંમેલન વર્તમાનકાળમાં, ભારતના નૃપતિઓના અનેક રીતે અગ્રણી ગણાતા, શ્રીમંત મહારાજાધિરાજ શ્રી. સયાજીરાવ ગાયકવાડના રાજ્યની રાજધાનીરૂપ અનેક રીતે પ્રસિદ્ધ એવા આ વટપદ્ર–વડોદરામાં થયું. એ સર્વને અભિનંદનીય છે. પ્રાચીનકાળમાં લાટ. આનર્ત અને સુરાષ્ટ્ર એ દેશો નિરનિરાળા હતા. તેવા સમયમાં ઉત્તર પંજાબ તરફથી આ તરફ ગૂર્જરો આવ્યા અને તેઓએ જેટલો ભાગ જીતી લીધો, તેટલો ગુર્જરાષ્ટ્ર અથવા ગુજરાત અથવા એવા નામથી ઓળખાવા લાગ્યો. આ ભાગમાં બોલાતી ભાષા ગૂર્જર અથવા ગુજરાતીગિરાના નામની પ્રસિદ્ધિ પામી. પ્રારંભમાં તો આ ભાગની ભાષા અપભ્રંશ કહેવાતી હતી, પણ તે વાગ્વ્યાપારાદિ કારણોથી ઉત્તરોત્તર અધિક ન્યૂત વિકૃતિ પામી. તેણે હમણાં જેમ બોલાય છે તેવી સ્થિતિનું રૂપ ધારણ કર્યું. જેમ એક સુન્દર સ્ત્રી વિવિધ જાતના ભિન્ન વસ્ત્રાલંકારોથી અલૌકિક સૌન્દર્યવતી જણાય તેમ, આપણી ગુજરાતી ભાષા જુદા જુદા સમર્થ લેખકોએ અર્પેલાં, ભાષા અને વિચાર આદિ વસ્ત્રાલંકારોથી સુશોભિત બની આપણાં તેમ જ અન્ય ભાષાભક્તોનાં મન હરવા શક્તિમાન થઈ છે. આવી ગૂર્જરી ગિરા જેઓની માતૃભાષા છે, તેવા લોકોના નિવાસસ્થળની મર્યાદા, ઉત્તરમાં કચ્છ–કાઠિયાવાડ અને દક્ષિણમાં મુંબઈ ગણી શકાય. એ બંને વિભાગની રાજધાનીઓ મુંબઈ અને રાજકોટમાં આપણી બીજી અને ત્રીજી પરિષદો ભરાઈ. એ ઉભયની મધ્યમાં જે ચારુતર દેશ છે, તે એક પ્રકારે બે મહાન સત્તાથી વિભક્ત છે. તેના અમુક ભાગમાં બ્રિટિશ સત્તા છે અને અમુક ભાગમાં શ્રીમંત ગાયકવાડ સરકારનું શાસન પ્રવર્તે છે. પ્રથમની રાજધાની અમદાવાદમાં આપણી પ્રથમ પરિષદ ભરાઈ, દ્વિતીયની રાજધાની આ સુશોભિત વટપદ્ર–વડોદરી નગરીમાં ક્રમે કરી, વર્તમાન ચોથી પરિષદ ભરવાનો લાભ આપણને પ્રાપ્ત થયો છે.