પરિષદ-પ્રમુખનાં ભાષણો/૬.: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| શ્રી હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળાનું ભાષણછઠ્ઠી ગુ...") |
(No difference)
|
Revision as of 11:14, 22 December 2021
એપ્રિલ: ૧૯૨૦
છઠ્ઠી સાહિત્ય પરિષદને પ્રમુખપદે સ્વ. હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા બિરાજ્યા હતા. ગુજરાત તેમને ઓળખે છે ‘સાહિત્ય’ માસિકના સંસ્થાપક અને સંચાલક તરીકે “‘સાહિત્ય’ એટલે આમવર્ગનું માસિક” એ ધોરણે એમણે સંપાદન કરેલું. એમના પછી એમના પુત્ર મટુભાઈએ પણ એ નીતિ જ ચાલુ રાખેલી.
વડોદરા રાજ્યે ગુજરાતી સાહિત્યને વેગ મળે તેવી ઘણી પ્રવૃત્તિઓ કરેલી છે એ તો સર્વવિદિત છે. આ પ્રવૃત્તિઓમાં એક કે બીજે સ્વરૂપે હરગોવિંદદાસભાઈ સંલગ્ન હતા. અને ‘પ્રાચીન કાવ્યમાળા’ના સંપાદકોમાંના તેઓ એક હતા એ તો સમસ્ત ગુજરાત જાણે છે.
કાવ્યો અને વાર્તાઓ એ બંને ક્ષેત્રોમાં, એમણે સર્જેલું સાહિત્ય આજે ઉપલબ્ધ છે. તે ઉપરાંત શિક્ષણના ક્ષેત્રમાં પણ એમણે ઘણું ઉપયોગી કાર્ય કર્યું છે. પ્રકૃતિ અને પ્રવૃત્તિથી વેપારી ગણાય એવા આ સાહિત્યકારને ગુજરાતે પોતાની અમદાવાદ ખાતે મળેલી છઠ્ઠી સાહિત્ય પરિષદનું સુકાન સોંપ્યું હતું.
સાહિત્યનો સામાન્ય જીવનવ્યવહાર સાથે સંબંધ વિચારી સાહિત્યને પણ વ્યવહારુ બનાવવું એ એમનો ઘણે સ્થળે વ્યક્ત થતો આશય છે. અને આ આશયના પ્રચારમાં ‘સાહિત્ય’ માસિકે પોતાના જીવન દરમ્યાન ઘણું કાર્ય કર્યું છે.
વડોદરા રાજ્યે એમની સાહિત્યસેવાનો કરેલો સરવાળો, રાજ્ય તરફથી એમને બક્ષાયેલા “સાહિત્યમાર્તંડ”ના ખિતાબમાં આપણી દૃષ્ટિએ પડે છે. જીવનવ્યવસાયના અનેક ક્ષેત્રોમાં ગૂંથાયેલા આ સાહિત્યકારે સાહિત્ય સાથેનો પોતાનો સંબંધ આજીવન જીવતો રાખ્યો હતો. એમની સરળતા એમના સર્વ વ્યવહારોમાં ભૂષણરૂપ બનતી હતી. આવા સરળ સાહિત્યકાર હતા સ્વ. હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા.
સાહિત્ય પરિષદ જેવા વિદ્વજ્જનોના મહામંડળનું પ્રમુખપદ અતિ માનવંતું ને જોખમ ભરેલું છતાં તેને માટે સત્કારમંડળીના જે સભ્યોએ, તથા જે પત્રકારોએ, સંસ્થાઓએ અને અન્ય ગૃહસ્થોએ મારા લાભમાં સંમતિ આપવાની કૃપા કરી છે, તેમનો હું ખરા અંતઃકરણથી આભાર માનું છું. મારી પૂર્વે એ પદને જે સુપ્રસિદ્ધ સાક્ષરોએ શોભાવ્યું છે, તેમની સાથે સરખામણી કરતાં મારી યોગ્યતા ઊતરતી છે, અને મારા કરતાં વધારે લાયક વિદ્વાનો ઘણા છે એમ હું માનું છું. તેમ છતાં મારી જ પસંદગી કરવામાં આવી છે, તો હું મારું કર્તવ્ય બજાવવા પ્રયત્ન કરીશ. પ્રમુખ તરીકે મારી ફરજ અદા કરવા માટે અને સાહિત્યના હિતની ખાતર, કદી કોઈને અપ્રિય લાગે એવું કથન કરવું પડે, તો તેને માટે હું ક્ષમા ચાહું છું.
બીજી બાબત મારે નિવેદન કરવાની એ છે, કે સાહિત્ય શબ્દને વાઙ્મયના અર્થમાં વાપરીને આ પરિષદનું ક્ષેત્ર વિશાળ કરવું જોઈએ. સાહિત્યમાં કાવ્યો, કાદંબરીઓ ને નાટકોનો જ નહિ, પણ બીજા સર્વ વિષયોનો સમાવેશ કરવો; એટલે તે સર્વ જાતિના ને સ્થિતિના લોકોને ઉપયોગી થઈ પડે, એવો આશય રાખવો જોઈએ.
ત્રીજી બાબત હું નમ્રપણે એ જણાવું છું, કે આ વખત જેમ લોકસમૂહને માટે ભાષણો આપવાની યોજના કરી છે, તેમ આપણી પરિષદમાં તેઓ ભાવથી ભાગ લેતા થાય એવા ઇલાજ લેવા જોઈએ. એટલે આ પરિષદ એકલા સાક્ષરમંડળ માટે જ નહિ, પણ ગુજરાતી બોલનારા સર્વને માટે સમજવી જોઈએ. સરસ્વતીદેવીનાં મંદિર સર્વને માટે ખુલ્લાં રહે, અને આપણે જનસમૂહને સાથે રાખીએ, તો જ સાહિત્યનો ખરો ઉપયોગ થઈ દેશની ઉન્નતિ થવાની છે.
ભાષાના ઇતિહાસ વગેરેના સંબધમાં વિદ્વાનો ઘણું લખી ચૂક્યા છે; પરંતુ નવાં નવાં સાધનો મળી આવવાથી જે નવી નવી બાબતો પ્રકાશમાં આવતી જાય તે દર્શાવવાના તથા જુદા જુદા વિચારોની સરખામણી કરી બતાવવાના હેતુથી મેં એ વિષય છોડી દીધો નથી.
ભાષણ શરૂ કરતાં અગાઉ મારે અતિ દિલગીરી ભરેલી નોંધ લેવાની ફરજ બજાવવી પડે છે, તે એ કે ગઈ સાહિત્યપરિષદ ભરાયા પછી પાંચ વર્ષના ટૂંકા અરસામાં આપણે કેટલાક સારા લેખકો ખોયા છે. રણજીતરામ વાવાભાઈ, ભોગેન્દ્રરાવ દીવેટિયા, ચીમનલાલ દલાલ, ગણપતરામ ત્રવાડી, અમૃતલાલ પઢિયાર, શિવુભાઈ બાપુભાઈ, મલયાનિલ, ખુરશેદજી ફરામરોજ, તારાપુરવાળા, ભાગળિયા અને જહાંગીર પોલીસવાળાનો સ્વર્ગવાસ બહુ ખેદજનક છે. પડેલી ખોટ જલદીથી પૂરાતી નથી એ કમનસીબની વાત છે.