વેરાનમાં/થોડુંક અંગત: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|થોડુંક અંગત|}} {{Poem2Open}} ૧૯૨૨ માં હું દિશાશૂન્ય હતો. કલકત્તાની...") |
(No difference)
|
Revision as of 12:53, 31 December 2021
૧૯૨૨ માં હું દિશાશૂન્ય હતો. કલકત્તાની નોકરી છોડીને કાઠિયાવાડમાં આવ્યો હતો. સ્થિર થવું હતું. ખેતીના ઉધામા ચડ્યા, વ્યાપારી સ્વજનો વ્યાપાર તરફ ખેંચવા લાગ્યા. દેશી રજવાડાની નોકરી પણ બહુ દૂર નહોતી. સહુ કોઈ ભાંગ્યાના ભેરુ જેવી શિક્ષણની નોકરી તો સામે જ ઊભી હતી. ખરાબે ચડેલા નાવને મારા બેત્રણ લેખોએ બચાવ્યું. અમર રસની પ્યાલી, ચોરાનો પોકાર વગેરે લેખો ‘સૌરાષ્ટ્ર' પત્ર પર ગયા, છપાયા, અને તે પરથી ભાઈશ્રી અમૃતલાલ શેઠે મારો ડૂબતાનો હાથ ઝાલ્યો. અમૃતલાલ શેઠ પત્રકાર બન્યાને ત્યારે નવ જ મહિના થએલા. એમના સ્વયંસ્ફૂરિત પત્રકારત્વે ગુજરાતમાં નવી ભાત પાડી હતી, સૌરાષ્ટ્ર લેખન-શૈલી આજે જૂની થઈ છે. ચવાઈ ચવાઈ છોતાં જ રહ્યાં છે એનાં; એમાંથી સ્વાભાવિકતાનો આત્મા ગયો છે, પણ ૧૯૨૧-૨રમાં એ શૈલી લોકોને મુગ્ધ કરતી. આવી નવીનતા ભાઈ અમૃતલાલની કલમમાં કોણે પૂરી હતી? દેશી રાજ્યોની આપખુદી જોડે બાખડનાર લડાયક જુસ્સાએ? મહાસભાની નવપ્રદીપ્ત નિર્ભયતાએ? ના, મને તો લાગે છે કે એ નવીનતા સાહિત્યસેવનમાંથી નીપજી હતી. શ્રી. શેઠ પત્રકાર બન્યા, તે પૂર્વે ઘણા વર્ષના જૂના સાહિત્યસેવી હતા. કવિ પણ હતા — ‘ચાલો વ્હાલી જગતભરના ભોગમોજો ત્યજી દો!’ એ મંદાક્રાન્તા કાવ્યના કર્તા શેઠ છે એવું તો એ કાવ્ય પર અનુરાગ થયા પછી મેં આઠેક વર્ષે જાણેલું. આ સાહિત્યપ્રેમે જ શેઠના પત્રકારત્વને ભાષાવૈભવ, ઊર્મિરંગો અને કલ્પનાયુક્ત કલાવિધાન ચડાવ્યું. એ સાહિત્યદ્રષ્ટિથી જ શ્રી. શેઠે પોતાની મદદે પ્રાસાદિક લેખક ભાઈ સુશીલને તેડ્યા હતા. હું જોડાયો ત્યારે મે જોયું કે માટીનાં જીર્ણ ભીંતડાં વચ્ચે બેસીને અમૃતલાલ શેઠ અને સુશીલ સૌરાષ્ટ્રનાં પાનાં પર સાહિત્યરંગી સાથિયા પૂરતા હતા. રોજીંદા અથવા અઠવાડિક દુનિયાના, રાજકારણના કે હરકોઈ ક્ષેત્રના અલ્પજીવી બનાવ ઉપર તે ભાઈઓ સાહિત્યનો ઝરી-કસબ કરતા. તેઓનું આ કસબકામ ખીજડાના ઝાડને છાંયે, અને કાગળોની પેટીઓ ઉપર ચાલતું. રજવાડાનું રાજકારણ પણ પ્રવાસ-પત્રો આદિના રૂપમાં શિલ્પવિધાન પામતું. પહેલા પાન પરની ભાવોદ્દગાર-પ્રથા પણ સૌરાષ્ટ્રે ચાલુ કરી. આંતરરાષ્ટ્રીય આંદોલનો ય સૌરાષ્ટ્રની લાક્ષણિક બાનીમાં બહાર પડતાં. આનું નામ પત્રકારત્વનો Literary Tone: સાહિત્યરંગી તોર. મને તેડ્યો હતો સાહિત્યની શાખા ચલાવવા. પણ પત્રકારત્વથી નિર્લેપ રહી શકું તેવી બંધિયાર કુંડીએ બાંધેલી એ બન્ને પૃથક શાખાઓ નહોતી. હું બેઉ ક્ષેત્રમાં રમણ કરતો થયો. નવો મોહ પાતળો પડી જતાં ક્રમે ક્રમે પત્રકારત્વ મને વેરાનરૂપ લાગ્યું. એ વેરાનમાં રેતીના વંટોળ ચડતા હતા. આાંખો અંધી બનતી હતી. પગદંડીઓ નહોતી જડતી. કોને માટે, શાને માટે, કયા લોકશ્રેયાર્થે હું અગ્રલેખો ને નોંધો, સમાચારો ને પત્રો લખતો હતો તેનો આજે વિચાર કરૂં છું ત્યારે જવાબ ફક્ત એટલો જ જડે છે કે લખવાનું હતું માટે લખતો હતો. એ વેરાનમાં બત્તી હતી કેવળ સાહિત્યરસની. એના ઝાંખા પ્રદીપે સાચી દિશાનો દોર ન ચૂકવા દીધો. અમૃતલાલભાઈના સાહિત્યલક્ષી પત્રકારત્વે સૌરાષ્ટ્રની મુફલિસ વેળામાં પણ એક સરસ નાનું પુસ્તકાલય વસાવી કાઢ્યું હતું. અઠવાડિકના હરએક અંકમાં એ પુસ્તકોના વાચન પરથી અક્કેક બબ્બે સાહિત્યલેખનું શિલ્પ મૂકવાનો એમનો આગ્રહ હતો. એ નિયમ અમારી પાસે પોતે અચૂક પળાવતા. મારા લખેલા એવા લેખો માંહેલો એક લેખ મને આજે પણ યાદ આવે છે. ‘એશિયા જાગે છે.' ‘Rising Temper of The East' નામના પુસ્તકનો એ ચાર કટારોમાં પૂરેલો નિચોડ. સૌરાષ્ટ્રની એ નાજુક પુસ્તકશાળા આજે ય મારા હૃદયને રાણપુર તરફ એક આછા પાતળા હીર-તાંતણે ખેંચતી રહી છે. શુક્ર, શનિ ને રવિઃ એ ત્રણ હતા પુસ્તક-લેખનના દિવસો, સોરઠી ગીતો-કથાઓને ગોતવા જવાના પ્રવાસ-દિવસો. એ દિવસોનો ય જે ફાલ ઊતરતો, તેના વિવિધ રસવંતા ખંડોનો અમે અઠવાડિકમાં થાળ ભરતા: નાટકોના પ્રવેશો, વાર્તાનાં પ્રકરણો, જગત ઇતિહાસનાં ઉજળાં પાનાં, મિસર, કોરીઆ, આયરલેન્ડ અને હંગેરીની યશોજ્જવલ નવરચનાની તવારીખો : ટાગોર, દ્વિજેન્દ્રલાલ ઈત્યાદિ બંગાળી સાહિત્યસ્વામીઓની વાનીઓ : (તેની તો બંગાળી ભાષાના રસિક અભ્યાસી ભાઈ સુશીલે જ પહેલ કરી દીધેલી.) ચોથે વર્ષે મેં સૌરાષ્ટ્રના પત્રસંપાદનમાંથી મુક્તિ માગી. કેમકે એની અંદર આવશ્યક લેખાતા મતાગ્રહો, દુરાગ્રહો, પૂર્વગ્રહો, ને દાઝેભર્યા આવેગોને સહેવા જેટલું પાકું રીઢું મારું મનોબળ ન બની શક્યું. વેરાનમાં વંટોળા અને આાંધીઓ વધતાં જતા’તાં. પ્રચારલક્ષી, કેવળ વિઘાતક પ્રચારલક્ષી વિચારદાવાનલની રોશની વધુ ને વધુ આંખો આાંજતી હતી. મેં મારી સાહિત્યદીવી લઈને જુદી વાટ ઝાલી. એ ઝાંખી બત્તીએ મને દિશાદોર ચૂકવા દીધો નથી: મારાં ગીતો, વાર્તાઓ અને વિવેચનોનાં નવાં નવાં ફૂટ્યે જતાં ચાંદરણાંનું પણ મને એ ઝાંખી બત્તીએ જ દર્શન કરાવ્યું. સાહિત્યના પ્રદેશમાં મારું આજનું જે કંઈ સ્થાન છે, કેટલીક નવપગલીએ મારાથી પડી શકી છે, ને હજુ ય જે વણચૂક્યું દિશાપ્રયાણ મારૂં ચાલુ છે, તે બધાની પાછળ પ્રતાપ એ નાની બત્તીના છે. એ બત્તીને ચેતાવનાર સૌરાષ્ટ્રના પત્રકારત્વની સાહિત્યરંગી જ્યોત. ‘સૌરાષ્ટ્ર' બંધ પડ્યું, ને ‘ફૂલછાબ’ નીકળ્યું, ‘ફૂલછાબ’ના સંચાલનમાં મને સાથે લેનારા સંચાલક ભાઈઓએ પણ મારી ઝાંખી બત્તીને આદર દીધો. ‘ફૂલછાબ’નું કામ કોઈ પણ અમૂક વાદના વિજળી પ્રચારની પેટીમાં ન પૂરી દેતાં અમે એનાં પાનાંને મોકળાણ આપી — આપણી માનવતાનાં સર્વ અંગોને સ્પર્શે તેવાં બહુરંગી લખાણો ઝીલવાની. કાળ બળે એય બદલી ગયું. ‘ફુલછાબ' ને સૌરાષ્ટ્રના રાજરંગોમાં ઝબકોળવાનું ઠર્યું. મેં ખસી મારગ આપ્યો. કાળસંયોગે અઢી વર્ષ પર મુંબઈ લઈ આવ્યા. હું સિનેમાના ધંધાનાં બારણાં ઠોકતો હતો એવી વાતમાં વિકૃતિ હતી. મારાં ગીતો અને કથાઓને મારા જ કંઠથી પર્દા પર ઉતારવાનો એક પ્રયોગ, એક દિલસોજ ચિત્રપટકાર સ્નેહીની જોડે વિચારી રહ્યો હતો, પણ આજે તો એ વિચાર અભરાઈ પર છે. આથી વિશેષ કશું પ્રયાણ મેં ચિત્રપટના પ્રદેશમાં કર્યું નથી. બારણાં ઠોક્યાં નથી. જીવતર પર એક હિમ પડ્યું હતું. આાંગળાનેય એ હિમે થિજાવ્યાં હતાં. એ હિમ ઉપર મિત્રોનાં સ્નેહ-કિરણો ચમકતાં રહ્યાં, ને ફરીથી મારાં છુટાં થએલાં અાંગળાંએ કલમ લીધી. ‘પ્રતિમાઓ' ને ‘પલકારા'ની વાર્તાઓ લખી. દરમ્યાન અમૃતલાલ શેઠે ‘જન્મભૂમિ’ની તૈયારી કરી. ‘દેશમાં તને નહિ ગમે, અહીં કામે લાગી જા.' કહીને એણે મને ‘જન્મભૂમિ’ના દૈનિક સંપાદન પર જોડ્યો. એમાં ય એમણે મને મારી ઝીણી બત્તી અજવાળી શકે તેટલા પૂરતો જ સાહિત્ય ખુણો પકડવાની અનુકૂલતા કરી આપી. કેમકે સૌરાષ્ટ્ર સાપ્તાહિક જેને વેરાન જણાયું તેને દૈનિક ‘જન્મભૂમિ’ની મરુદશા તો કેટલી વધુ લાગી જશે! પણ ઉલટી સ્થિતિ દીઠી. રાજસ્થાની રાજરંગોથી મોકળો પુષ્કળ અવકાશ આ દૈનિકમાં દેખાયો. રોજીંદા સમાચારોના અહીં ખાતેના સંપાદકોએ સાહિત્ય પ્રદેશને એકદેશીય ન માન્યો. અહીં પણ પહેલા દિવસથી માંડીને નાનાં ગીતો, પ્રેરણાત્મક ઉદ્બોબોધનો સ્વાનુભવે સૂઝેલી માર્મિક ઘટનાઓ તેમજ નવનવી વાંચાતી ચોપડીઓમાંથી જડતા ચિત્રાત્મક શૈલીના પ્રસંગો દોરી આપવાનું પ્રિય કાર્ય કરવા મળ્યું. દૈનિક અખબારના પંથહીન વેરાનમાં ઝીણી સાહિત્ય-બત્તીએ માર્ગ દાખવ્યા. આજે તમારી સન્મુખ જે ધરી રહ્યો છું તે બધાં પેલી ઝીણી બત્તીએ દેખાડેલી પગદંડીનાં જ પગલાં છે. એક દિવસ પુસ્તકાકારે મૂકવા થશે એવી ચોખ્ખી નેમ રાખીને જ હમેશાં અથવા અઠવાડીએ આ લખ્યાં હતાં. દૈનિક વર્તમાનપત્રની પસ્તીમાં તણાઈ જવા દેવાની ઉપરછલી ગણતરીથી એ નહોતાં દોરાયાં, અને વિષય એના દેખીતી રીતે જૂજવા જૂજવા છતાં એ તમામની આરપાર પરોવાએલો છે મારી એક જ ભાવનાનો દોરો, કે આપણી માનવતાને જગાડનારો સાહિત્ય-રસ એમાં હોવો જોઈએ. વિશાલ પટ ઉપર હું ધુમ્યો છું. વીક્ટર હ્યુગોના ‘ધ લાફીંગ મેન' પરથી ‘હું કોણ છું ‘નો ઉઠાવ કર્યો, રશિયન લેખક રોમાનોવ ‘વીધાઉટ ચેરી બ્લૉસમ્સ' પરથી ‘જીવન-વાટ' ઉતાર્યું; ‘દીકરાની મા' દોર્યું ગોર્કીના ‘મધર' પરથી. 'રોજ સાંજે,' ‘જાતભાઈઓ,' ‘રંગમાં ભંગ,' ‘એના પગની પાની,' ‘જાનત હે દરદી દરદીકી' જેવાં મર્મચિત્રો જે નિજ આાંખે જોયું તેમાંથી નીપજ્યાં. દરિયાપારનાં દૈનિકો સાપ્તાહિકોનો ઢગબંધ કૂચો અહીં એકઠો થતો તેની અંદર દૈનિકના ખ૫જોગું સનસનાટીભર્યું ચરોમાંચક બધું ઉઠાવાઈ ગયા પછી મારે ભાગે જે વધતું તેમાંથી ‘મારા પુત્રની ઈજ્જત' ‘ચોપડીઓનો ચોર' ‘જીવતો દફનાએલો' ‘મૃત્યુની અંધારગલી' અને ‘નવને વળાવ્યા' જેવાં વાર્તાચિત્રો આલેખવાનું મને ગમતું. બીજા અનેક ચિત્રો આમાં ‘કલમ કિતાબ'ના પાનાંએ આપ્યાં છે. એ પાનાંને સાહિત્યના ચાલુ ચીલામાં ચલાવી કેવળ પુસ્તકોના અવલોકનોથી જ ભરવાની મારી યોજના નહોતી. સાહિત્યના સાંકડા સીમાડાને ભેદી પુસ્તકોના કરતાં એ પુસ્તકોની પાછળ રહેલાં લેખક-જીવનનાં નિગૂઢ બળોને મારે બહાર આાણવાં હતાં, એટલે જ એમાં ‘માનવપ્રેમી સાહિત્યકાર' ‘પત્નીના પ્રણયસુખને ખાતર' ‘ તમારી પત્નીઓ લખે તો' ‘વડવાંગડું' ‘વીણાને નહિ વેચું' વગેરે જીવન-રહસ્યો દોરાયાં હતાં. ચિત્રપટો-કોઈ કોઈ વાર જોવા મળતાં. (ચિત્રપટો જ જોયા કરવાની લતે ચડ્યો હતો. એ પણ એક ગપ્પ જ હતી.) ને એ હું મારી વિશિષ્ટ દૃષ્ટિથી જોતો. કઈ એ દૃષ્ટિ? ‘કલાકારનું વેર’ વાંચનારને જણાઈ આવશે. એવાં તે કેટલાંય વિવેચનો જન્મી શકે તેવી રહસ્યાવસ્થાઓ અમુક અમુક ચિત્રપઓમાં પડી હોય છે. મેં એ રહસ્યમંથનને મારા સાહિત્યનું એક પ્રિય અંગ માન્યું હતું, ને તેથી જ ‘પ્રતિમાઓ' ‘પલકારા’નાં જીવન-ધબકતાં ચિત્રો મેં દારેલાં. રોજીંદા પત્રકારત્વને ઉતારી પાડવાને માટે તો મેં ‘વેરાનમાં' નામ યોજ્યું નથી ને? એનો જવાબ આ પુસ્તકમાંથી ‘વડવાંગડું' આપશે. હમેશાં સાંજના એકાદ બે કલાકના જીવન પછી પસ્તીના ઢગલામાં પડી જતું દૈનિક પત્રકારત્વ પોતાના ધ્વંસ ઉપર જાહેર પ્રજાની રસવૃત્તિ ચણે છે. એના એકેએક આાંદોલનના રંગે પ્રજા રંગાય છે, એ ચડાવે તો પ્રજા ચડે છે, ને એ પછાડે તો પ્રજા નિઃશંક પડે છે. એવા સામર્થ્યની ઉપેક્ષા કે મશ્કરી જે મૂર્ખ હોય તે જ કરે. એવી ચેતના-વિધ્યુતનું વહન કરનાર દૈનિક પત્ર એકલા ફોજદારી મુકદમાઓના અહેવાલોને માટે, એકલી સભાઓની વિગતો માટે, એકલા વ્યાપારભાવ અને એકલા રાજસ્થાની પ્રજાના પીડતોના ‘દેકારા’ને માટે ન હોઈ શકે. આગળ કહ્યું તેમ એનાં પાનાં પર માનવીની માનવતા જાગૃત કરનારાં સંસારમંથનો રજુ થાય, સંસારની દિશે દિશને અજવાળતી વાદમુક્ત કલમો એમાં ઠલવાય, તો એની શક્તિ સોગણી વધી જાય. એનો પ્રજા પરનો પ્રભાવ, ચોકસ માપ નીકળી શકે તેટલો ઘનિષ્ટ બની જાય. આજનું આપણું રોજીંદુ પત્રકારત્વ દેકારાની દશાને પામ્યું છે તે તો એના સંચાલકો માલિકોની ટૂંકી દૃષ્ટિને પ્રતાપે. તેઓ ‘આજ' માં રમે છે, ‘આવતી કાલ’ની નવરચનામાં નહિ. તેઓ માનતા જણાય છે કે રાજદારી છમકલાં છાપવાથી અને લીંબરડી પીપળડી ગામોની ખળાવાડોના હવાલદારની ખબર લઈ નાખવાથી જ લોકો વાંચવા લોભાય છે: સાહિત્યનું પાનું તો જાણે કે પચીસ પચાસ વ્યક્તિઓના વિલાસની વસ્તુ છે. આવી માન્યતાઓ જ દૈનિક પત્રકારત્વને એક શુષ્ક, શૂન્ય, સળગતા વેરાનનું સ્વરૂપ આપનારી છે. આવી માન્યતાઓએ જ પત્રકારત્વની ચેતના-વિધુતને કેવળ સંહાર માટે, તમતમાટને માટે, ભજીઆં તળવાના તાવડા તપાવવા માટે નિયોજી છે. એ એક વિકૃત અને વિઘાતક માન્યતા છે. રતિભાર સત્ય અને ખાંડી ખાંડી પ્રચારવેગ : પ્રજાના ચિરસ્થાયી વિચારભાવોને ઉવેખી કેવળ ક્ષણિક આવેશોનો જ ભડકો : સ્વતંત્ર તુલનાશક્તિનો હ્રાસ કરી ઉત્તેજના મૂકવાની જ રમણલીલા : એ કંઈ રોજીંદા પત્રકારત્વના ન નિવારી શકાય તેવા અનર્થો નથી. સાહિત્યદૃષ્ટિ પત્રકારત્વની શત્રુ નથી. દરેક લખાણ, છાપાંનું કે ચોપડીનું, જેટલું સાહિત્યરંગી બનશે, તેટલી એની ચોટ વધશે, એની માર્મિકતાને નવી ધાર ચડશે. એ ધારને સાહિત્યનું પાણી પાનાર નવો લેખકવર્ગ આપણા પત્રકારત્વમાં જોશભેર દાખલ થઈ રહેલ છે. એટલે થોડાં જ વર્ષોમાં આજના પત્રકારત્વના અનેક દુર્ગુણોમાંથી છુટકારો સંભવિત લાગે છે.