વેરાનમાં/નવને વળાવ્યા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|નવને વળાવ્યા|}} {{Poem2Open}} “મંદિરનાં પગથિયાં પર ઊભાં ઊભાં મોટી...")
(No difference)

Revision as of 08:47, 1 January 2022


નવને વળાવ્યા


“મંદિરનાં પગથિયાં પર ઊભાં ઊભાં મોટી બા ડબલું ધરીને ભીખ માગતાં હતાં તેમાં એ લપસીને પડી ગયાં, એમનો પગ ભાંગ્યો, ને હવે એ ગુજરી ગયાં છે. અમે એને કબ્રસ્તાને લઈ ગયા ત્યારે મૈયતમાં આવનારા ફક્ત ભિખારીઓ જ હતા. મોટી બા એ બધાને બહુ વહાલાં હતાં તેથી તેઓ રડતા હતા. મોટા બાપુજી પણ રડ્યા હતા. અને મોટી બાને દફન કરી દીધા પછી અમને સહુને ચાલ્યા જવાનું કહી પોતે એકલા મોટી બાની કબર પર ઊભા હતા, ને આંસુ પાડતા હતા. તે અમે વાડ્ય પછવાડે છુપાઈને જોયું. મોટા બાપુજી પણ હવે તો થોડા દી’માં જ ગુજરી જશે.” અઢાર વર્ષના વિદ્યાર્થીને પોતાના ગામડિયા ઘેરથી એક પણ અલ્પવિરામ વગરનો આ કાગળ જ્યારે શહેરમાં મળ્યો ત્યારે એની મોટી બાને ગુજરી ગયાં પોણાબે મહીના વીતી ગયા હતા. પોતાના જીવનચરિત્રમાં એણે લખ્યું છે કે– “ખબર મળ્યા પછી આઠ દિવસે મારા અંતરમાં શોક જાગ્યો – પછી મને મોડી મોડી જાણ થઈ કે મારા બે ભાઈઓ, મારી એક બહેન, બહેનનાં છોકરાં, વગેરે તમામ સાજાં તાજાં ને સશક્ત હોવા છતાં ડોશીને માથે પડેલાં હતાં અને એ સહુનાં પેટ ભરવા સારું જ ડોશી દેવળને પગથિયે ભીખ માગવા જતાં હતાં. એ બધાંમાંથી કોઈને દાકતર બોલાવવાનું પણ સૂઝ્યું નહિ!” અઢાર વર્ષના છોકરાને ઘરમાંથી વિદાય લીધાનો દિવસ યાદ આવ્યો, શહેરની મોટી નિશાળમાં ભણીને મોટા માણસ બનવાની લાલચ “જ્યારે મેં એક આગબોટમાં બેસી ગામનો કિનારો છોડ્યો, ત્યારે સ્ટીમરની ડેક ઉપરથી હું મોટી બાને ધક્કાની છેક કોર પર ઊભેલાં જોઈ રહ્યો હતો. એક હાથે ડોશી પોતાના હૈયા ઉપર મારે માટે દેવરક્ષાનો સ્વસ્તિક દોરતાં હતાં અને બીજે હાથે પોતાના લીરા લારા થઈ ગયેલ જૂના ઓઢણાને છેડે ભીની આંખો લૂછતાં હતાં.” શહેરના એક ભઠિયારખાનાના ઊંડા ભેજવાળા ભંડકમાં પાંઉ રોટી વણતો વણતો પોતાની મુએલી દાદીને યાદ કરનાર આ કંગાળ વિધાર્થી અત્યારે ‘ગોર્કી' નામના તખલ્લુસથી જગતભરમાં જાણીતો બન્યો છે. ને પોતાના વિરાટ રાષ્ટ્ર રશિયાના યુગપ્રવર્તક સાહિત્યકાર તરીકેનું મહાન બિરૂદ પામ્યો છે. તે દિવસે માસિક સિક્કા ત્રણના પગારથી એક ભઠિયારાને ઘેર મજૂરી કરતાં કરતાં એને મોટીબાના મૃત્યુ પર રડવા બેસવાની વેળા નહોતી. એ ફકત એટલું જ લખે છે કે: “મને રડવું નહોતું આવ્યું. પણ મારાં મોટીબા કેવાં સાચુકલાં ને ડાહ્યાં હતાં, અમારી આખી વસ્તીની અંદર કેવાં વહાલસોયાં ગણાતાં હતાં, તે વાત કોઈકની કને કહેવા મારું દિલ તે રાત્રિએ તલપી ઊઠ્યું. પણ કોને કહું? કહું એવું કોઈ માનવી ત્યાં નહોતું. એ જંખના તો અણકથી જ રહી અને ધીરે ધીરે અંતઃકરણની અંદર ખાક બની ગઈ ” “તે પછી ઘણે વર્ષે વાર્તાકાર ચેહોવની એક વાર્તામાં મારા વાંચવામાં આવ્યું કે એક ગાડીવાળો પોતાના પુત્રના મૃત્યુની વાતો પોતાના ઘોડાને સંભળાવતો સંભળાવતો ગાડી હાંક્યા કરતો હતો. આ વાંચ્યું ત્યારે મને અફસોસ થયો કે મારા જીવનના એ દુઃખભર્યા દિવસોમાં મારું હૈયું ઠાલવવા માટે મારી નજીક ન કોઈ ઘોડો હતો કે ન હતું એકાદ કૂતરું. ઉંદરો તો ત્યાં ભંડકમાં ઘણાં હતા, મારા દિલજાન દોસ્તો હતા, પણ મોટી બાની વાતો તેમને સંભળાવવાનું તો મને મુરખાને સઝ્યું જ કાં નહિ!” “મારા જીવનનાં વિદ્યાલયો” એ મથાળાથી ગોર્કીએ લખેલી આત્મકથા વાચતાં વાચતાં આ ‘મોટી બાના મૃત્યુનો ખંડ કેમ વધુ વાર થાંભાવી રાખે છે? એની ગરીબીનો ચિતાર આપે છે તે માટે? ના, એની જીવનયાત્રામાં તોતે આથી ઘણાયે વધુ કઠિન બનાવો અને સંજોગો પડેલા છે. ગરીબ ખેડુતને ઘેર એનો જન્મ થાય છે. પાંચ વર્ષની વયે એનો પિતા ગુજરી જાય છે: માના બાપને આશરે રહેવું પડે છે. ખિજાળ બુઢ્ઢો દાદો સોટીએ મારી મારીને એને બાઈબલ ગોખાવે છે. મા પણ મુઈ: થોડો કાળ ભણતરઃ નવમા વર્ષે તો એક મોચીની દુકાને નોકરી લઈને પેટગુજારો કરવા ફરજ પડી. પંદર વર્ષની વય સુધીમાં તે એક જરીફ, એક ચિતારો, એક સ્ટીમરનો બબરચી, અને એક માળી, એમ જુદા જુદા ચાર પાંચ માલેકોને ઘેર આ બાળકે નોકરીઓ બદલી. પછી શહેરમાં જઈ ભણતાં ભણતાં ભઠિયારાને ઘેર રાતભરની મજૂરી ખેંચી: થરથરતી ટાઢમાં ઠુંઠવાઈ ઠુંઠવાઈ ભૂખે તરસે મજૂરી કરીને તૂટી પડતાં, છેવટે એક દિવસ ધીરજ ગુમાવી બેસી રીવોલ્વર વડે આપઘાત કરવાની કાશીશ કરી: ગોળી લમણામાં વાગવાને બદલે ફેફસા તરફ ગઈ. જખ્મ રૂઝાયો, જિંદગીની દોરી તૂટી ન શકી. (માનવ–જાતિનું એ અહોભાગ્ય હતું.) પછી વોલ્ગા નદીની ગોદીઓમાં વહાણોની અંદર માલ ચડાવવા ઉતારવાનું મજૂર–કામ મળે છે. લાકડાં ફાડવા રહે છે. રેલ્વે સ્ટેશન ઊપર ચોકીઆત બને છે : વીસમા વર્ષે લશ્કરી નોકરી માટે પરીક્ષા આપવા જાય છે પણ નાપાસ થઈ અસ્વીકાર પામે છે : એક વકિલનો સેક્રેટરી બને છે. રઝળુ પ્રકૃતિએ, સ્વતંત્ર જીવન જીવવાના મિજાજે, નિરાધારીએ અને અલગારી સ્વભાવે આ જુવાનને પછી તો જીવનના સીધા રાહ પરથી ક્યાંયે ફગાવી નાખી દુનિયાના રેઢીઆાર ગણાતા મવાલીઓ તથા ગુંડાઓની સોબતમાં ઝીંકી દીધો. (જેઓએ ગોર્કીને એની અનેક કથાઓના પાત્રાલેખનની સામગ્રી પૂરી પાડી.) મુએલાં કોહેલાં બિલાડાંકૂતરાંથી ગંધાતી ગટરોને ને ઊકરડાનો પાડોશી: વેશ્યાઓથી તેમ જ ગરીબ ક્ષયગ્રસ્ત વિદ્યાર્થીઓથી વસેલાં ઘરોનો નિવાસી લબાડી: રંડીબાજીમાં નિષ્ણાત એવા વિદ્યાર્થીંઓનો સોબતીઃ ઓરતોના ફાંસલામાં ફસાતો ફસાતો રહી ગયેલો અને પ્રથમવારના પ્રેમ-લગ્નમાં અનુભવોનો વિષ-કટારો પીનારો ભગ્નહૃદય નૌજવાનઃ જગતનો એટલો બૂરો પરિચય પામ્યો કે પોતે પોતાને stepson of humanity (માનવ-જીવનનો ઓરમાયો બાળક) કહી ઓળખાવે. એટલી હદ લગીની કટુતા દુનિયાએ એના હૃદયમાં પેસાડી દીધી કે પોતાનું લેખક તરીકેનું તખલ્લુસ પસંદ કરવામાં પણ એને Gorky (=કડવો ) શબ્દ જ સુઝે. સંસારની આટલી બધી બુરાઈનું દર્શન કરનાર માણસ જ્યારે કલમ ઉઠાવે, ત્યારે વિશેષે કરીને એનો હાથ કઈ શાહીના ખડીઆ તરફ વળે છે? ધિક્કાર, કિન્નાખેરી, અથવા તે અશ્રદ્ધા અને નિરાશાવાદની જ શાહીમાં એ કલમ બોળાય છે. જીવનમાં અનુભવેલી એક નાની શી કડવાશ પણ લેખકની કૃતિઓને બુરા ભાવોથી ખરડી નાખતી આપણે ક્યાં નથી દીઠી? ઘરને આાંગણે જ નજર કરો. એ ધિક્કાર કિન્નાખોરી, અને શ્યામ સંસાર-દૃષ્ટિથી ગોર્કીને કોણે બચાવ્યો? પોતે વિપ્લવી સાહિત્યનો અગ્રણી છતાં, ક્રાંતિના ઝંઝાવાતોમાં પાંખો ફફડાવનાર ગરુડ–માનવ હોવા છતાં, ઉથલપાથલનો જીવતો જાગતો અવાજ બનેલો છતાં એની લખેલી કૃતિઓ ગંભીર માનવ–પ્રેમ વડે કાં મહેકી રહી છે? Mother–મા–નામને એનો ગ્રંથમણિ પીડિત રશિયાના પીડક વર્ગ સામેનો મરણિયો સંગ્રામ આલેખનાર અજોડ નવલ તરીકે–જગત–સાહિત્યને શોભા આપી રહેલ છે, તેમાં પણ ક્રોધ, ઉશ્કેરાટ અને ડંસીલી વૃત્તિઓને બદલે માનવપ્રેમભર્યું ઠંડું વીરત્વ વિલસે છે તેનું શું કારણ? ગોર્કીનાં એ બધાં સર્જનોની પછવાડેથી મને તો એક ગંભીર સ્વરના ભણકારો સંભળાય છે. એ સ્વર તે એનાં બુઢ્ઢી મોટીબાનો વિદાયસ્વર. દોહિત્રને એની પંદર વર્ષની ઉંમરે શહેરને માર્ગે વળાવતી આ ડોશીએ કહેલા છેલ્લા શબ્દો ગોર્કીએ પોતે જ સંઘરી લીધા છે. “જો ભાણા, લોકો જોડે ગુસ્સો કરીએ નહિ હો કે? રોજ રોજ જો ખિજાયા જ કરીશ ને, તો તું કઠોર અને ગર્વિષ્ઠ બની જશે. તારા દાદાને દુનિયા માથે ખિજાવાની જ ટેવ હતી તો એની શી વલે થઈ છે જુએ છે ને? અવતાર કાઢ્યો તોએ ડહાપણ ન આવ્યું, ને હવે બુઢ્ઢાપણમાં જીવતર કડવાશે ભરાઈ ગયું. એક વાત યાદ રાખજે ભાઈ! કે ખુદ ઈશ્વર પણ મનુષ્યોને જોખાજોખ કર્યા નથી કરતો, એ કામ તો છે સેતાનનું. લે ત્યારે હવે આવજે હો ભાણા!” એમ કહીને ડોશીમાએ પોતાના ત્રાંબાવરણા ગાલ ઉપરથી ઊનાં આાંસું લૂછ્યાં ને ઉમેર્યું, “તું તો વેગળો વેગળો ચાલ્યો જશે, ને હું—મરી જવાની.” ગોર્કી લખે છે : “મારા હૈયાનું સૌથી વધુ વહાલસોયું આ માનવી હવે મને કદી મળવાનું નથી એવા ક્ષણભરના વિચારે એ વિદાય–ઘડીએ મારા કલેજાને ચીરી નાખ્યું હતું.” 'Mother' ના વાંચકો સહેલાઈથી સમજી શકશે કે ‘મા'નું પાત્ર પૂરું પાડનાર આ મોટીબા જ હોવાં જોઈએ. ડોશીનો પરમ સુંદર આત્મા ગેાર્કીના એ ગ્રંથમણિ ઉપર છવરાઈ રહેલ છે, પાને પાને એ વૃદ્ધાના છેલ્લા બોલ ગુંજી રહેલ છે. અને એ મોટીબાનો વિદાય–સંદેશનો જ પડઘો ઝીલીને ગોર્કી પોતાનો મુદ્રાલેખ લખી ગયો છે કે ‘જીવનની જનેતા પ્રેમ છે. ધિક્કાર નથી.' એ મુદ્રાલેખે જ જગતને ‘Mother' ની અમર કૃતિ આપી. એ એક જ વાક્યમાં એ ગ્રંથનાં મૂલ મુલવાઈ જાય છે. ગ્રંથકારની જીવનદૃષ્ટિ પણ એ પુસ્તકમાં ખુલ્લી થાય છે. એ જીવનદૃષ્ટિ આ રહી : “While still subjecting many of his fellow countrymen to scathing criticism, he is no longer at odds with life. There is greater calmness and repose in his outlook on the world…, pessimist if he needs must since he deals with life at his lowest most degraded level, it is not the pessimism of despair. His work filled with a great love for humanity, a deep sympathy human failings and a quick response to the beauty of Nature.” (જીવન સાથે એ રૂસણું લઈને નથી બેઠો. જગત પ્રત્યેની એની દૃષ્ટિમાં સમતા તથા સહિષ્ણુતા છે. સંસારના અધમમાં અધમ માનવોનું આલેખન કરતો હોઈ સ્વાભાવિક રીતે એ ઉદાસી તો છે જ; છતાં તે ઉદાસી દૃષ્ટિમાં નિરાશાવાદ નથી. એની કૃતિઓની અંદર માનવજાતિ પરનો અથાક અનુરાગ, મનુષ્યોનાં દૂષણો પ્રતિ ઊંડી સહાનુકમ્પા, તેમજ કુદરતનું સૌંદર્ય પ્રત્યે ત્વરિત પ્રત્યાઘાત સભર ભરેલાં છે.)