વેરાનમાં/ખંડેરો બોલે છે: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ખંડેરો બોલે છે|}} {{Poem2Open}} મહાપુરુષોની મહત્તા સલામત છે. એમની પ...") |
(No difference)
|
Revision as of 09:15, 1 January 2022
મહાપુરુષોની મહત્તા સલામત છે. એમની પત્નીઓ ચુપ બેસે છે ત્યાં સુધી. સાહિત્ય–જગતના મહાજનો એમની કૃતિઓમાં જ દેવતાઓ દેખાય છે. એમના સત્ય જીવનની માટી તો એમની સ્ત્રીઓના પગે અફળાય છે. કલ્પનામૂર્તિઓ અને ભાવનાસૃષ્ટિઓ વચ્ચે જીવનારા સાહિત્યકાર ધરતી પર પગ મૂકે ત્યારે કેવા છબરડા વાળે છે! ગુજરાતણોએ, હિન્દવાણીઓએ હજુ સ્વામીઓનાં ચરિત્રો લખવા માંડ્યાં નથી. આથમણી દુનિયામાં વિધવા પત્નીઓએ પતિઓના જીવનગ્રંથો આપ્યા છે. એવી છેલ્લી જીવનકથા તાજેતરમાં જેસ્સીએ આપી છે: જેસ્સી એટલે વર્તમાન સદીના શિરોમણિ અંગ્રેજી નવલ–કાર જોસેફ કોનરેડની વિધવા.
આ વિધવાએ પોતાની વેદનાઓનાં છાજીઆાં લેવા માટે પતિનું ચરિત્ર નથી લખ્યું. પૂરાં અઠ્ઠાવીસ વર્ષો સુધીનું જે પરણેતર, તેમાં સાહિત્યમણિ સ્વામીનું પોતે કેવું સર્વાંગી દર્શન કર્યું છે, તેનો એ માર્દવભર્યો, ક્ષમાવ તો સમજણો ને સાફ દિલનો ચિતાર છે.
પોતે તો છે અગ્રેજ : ને કોનરેડ હતો પોલેન્ડનો વતની. વિધવા પોતાના સ્વામીની સાહિત્ય–સિદ્ધિને વંદન કરે છે. લખે છે કે ૧૮૭૮ ના જુન માસની ૧૮ મી તારીખે જોસેફ જ્યારે પ્રથમ પહેલીવાર બ્રિટનને કિનારે ઊતર્યો ત્યારે અંગ્રેજી ભાષાના જૂજ શબ્દ જ તેને આવડતા હતા.
આ શબ્દો એણે વહાણના ખલાસીઓ કનેથી અને ઉગમણી કંઠાળના માછીમારો તેમજ વહાણ મરામત કરનારાઓ કનેથી શીખી લીધેલાં. નૌકામાં રહ્યે રહ્યે ત્યાં મળી આવેલી ‘સ્ટાન્ડર્ડ' પત્રની એક જૂની પ્રત અને એક ચીંથરેહાલ બાઈબલમાંથી મહામહેનતે એણે થોડાંક પાનાં ઉકેલ્યાં હતાં. પોતે નૌકાપતિના હોદ્દા પર હતો.
અંગ્રેજી ભાષાના એક રત્નમણિ બનનાર સાહિત્યસ્વામીનું પ્રથમ બીજારોપણ આ રીતે થયું. અંગ્રેજી જબાનના માધુર્યને, શબ્દઝંકારને એણે અહીંથી પકડ્યા. પણુ શબ્દપ્રયોગોનો ઇલમી ગણતો એ લેખક મરતાં સુધી શુદ્ધ અંગ્રેજી ઉચ્ચારો નહોતો કરી શક્યો.
એના વાણીપ્રભાવનું ને એના લટ્ટુવેડાનું તો અંગ્રેજ તરૂણીઓ ઉપર એક જાદુ જ છંટાઈ ગયું. કદાચ જેસ્સી પણ એ વશીકરણમાં જ ઝલાઈ ગઈ હશે.
યુવાવસ્થાની શૂન્ય એકલ ઘડીઓમાં, ન ભેદી શકાય તેવી એની અતડી અને એકલ પ્રેમી પ્રકૃતિમાં એને ઊર્મિઓ ઠાલવવાના સાથીઓ કોણ? એની કૃતિઓની હસ્તપ્રતો–એ હસ્તપ્રતો જ એની રહસ્યસંગિનીઓ બની રહેલી.
કેમકે એ તો એક ખલાસી હતો. દરિયાની અનંત એકાંતમાં એને મહિનાઓ સુધી જીવવાનું હતું. પ્રકૃતિથી મિત્રહીન હતો. જગતના તીરે તીર પર એ ભમ્યો ને ભમતાં ભમતાં એણે પોતાની કથાનાં પાત્રોને આલેખ્યાં, ચાહ્યાં, સ્વજનો બનાવ્યાં. ધરતી પર તો તે પછી એ ધણે કાળે ઊતર્યો. દરિયો છોડીને કલમ તો એણે તે પછી પકડી.
આવા તરંગી પતિની પરણેતરને સંસાર–જીવનમાં ધણું ઘણું વેઠવું પડેલું. પત્નીના જીવનમાં કોનરેડ એક અતિ લાડવેલા, બગડેલા, છેક ગાંડપણની હદે જઈ પહોંચેલા બાલક જેવો બન્યો હતો. કોઈ કોઈ વાર એ હદ પણ વટાવી જઈ દિવસોના દિવસો સુધી એ ગાંડો રહેતો.
પત્ની એક પ્રસંગ ટાંકે છે: હું પથારીવશ હતી. ધરની દાસી પણ માંદી પડીને દવાખાને ગઈ હતી. મહાન સાહિત્યકાર પત્નીને પડતી મૂકી આ દાસીને મળવા ગયા. તમે કોણ છો? દર્દીનું નામ શું છે? એ પ્રશ્નોના જવાબ આપવાની એણે સાફ ના પાડી. છોકરીને મળ્યા વિના જ ભાઈ સાહેબ ધુવાંફુંવાં થતા ઘેર આવ્યા. છોકરી મરી ગઈ, કોનરેડ મેડી ઉપરના પોતાના ખંડમાં જઈ વીસ દિવસ સુધી પથારીમાં પડ્યો રહ્યો; ને ત્યાંથી મને કાગળ લખે–“ઓ વહાલી! તારાં દર્શન માટે હું ઝૂરૂં છું.”
કોઈને લાગે કે એ કેટલા જોજન દૂર પડ્યા હશે! ખરી રીતે એ હતા તો એ જ મકાનમાં: મારાથી એક જ માળ ઊંચે. હું તો એના લાડ જાણતી હતી એટલે ન જ ગઈ.
પત્નીનાં બેઉ ઘુંટણ ઉપરના હાડકાં ભાંગેલાં. વળતા દિવસે જ ઓપરેશન કરાવવાનું ઠરે છે. ને બીજી બાજુ આ ભાઈસાહેબ કહ્યા કારવ્યા વિના તે જ રાતે ત્રીસ નામાંકિત મહેમાનોને વાળું માટે નિમંત્રી લાવે છે!
ને એ તો વાળુમાં કેવી ઊંધી ખોપરીના અતિથિઓ! એચ. જી. વેલ્સને તો ક્વીનાઈનના પાણીમાં ધોએલ સુકા પાંઉના ટૂકડા સિવાય બીજું કશું ખપે જ નહિ; ને ભાઈ બર્નાર્ડ શૉને કોપરૂં તથા સૂકી બિસ્કીટ જ બસ થઈ ગયાં. વાળુ ગેરવલ્લે ગયું. પતિનું ભેજું વિફરી ગયું.
કોનરેડનો સંધીવા, કોનરેડના મિજાજો, કોનરેડની બેવકુફીઓ, કોનરેડની ધુનો ને પ્રતિભા: એ બધાના પાને પાને છલોછલ રસપ્રસંગો આલેખીને અંતે પત્ની પતિને ક્ષમા આપે છે: ‘શું કરે એ બાપડા! એ મહાન સર્જનનું મન મારા જેવી સામાન્ય ગૃહિણીથી ન સમજાય એવા કોઈ અગમ નિગમમાં રમતું હશે એટલે જ તો!'