માણસાઈના દીવા/૨. ‘ક્ષત્રિય છું’: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨. ‘ક્ષત્રિય છું’|}} {{Poem2Open}} બેઠકમાં દાખલ થઈ ઠાકોરને નમસ્કાર...") |
(No difference)
|
Revision as of 09:26, 4 January 2022
બેઠકમાં દાખલ થઈ ઠાકોરને નમસ્કાર કર્યા પણ ઠાકોરે કશો આવકાર ન દીધો. મહારાજ ભોંય પર બેસી ગયા. થોડી વારે એક મુસલમાન પોલીસ-અમલદાર આવ્યો તેને ઠાકોરે ચાકળાનું આસન આપી માન દીધું. પછી ઠાકોરે મહારાજને કહ્યું : “અહીં ચ્યમ આયા છો?” મહારાજ : “હૈડિયાવેરો સરકારને ન આપવો એવું કહેવા આવ્યો છું. તમને પણ કહેવા આવ્યો છું કે, લોકોને હૈડિયાવેરો ન આપવા સલાહ દેશો.” આ સાંભળીને ચિડાયેલા ઠાકોરે કહ્યું : “વારુ : જાવ અહીંથી. ફરી આ ગામે ન આવતા.” “કેમ ના આવું?” “કેમ શું? ઢેડને અડકો છો, આચારવિચાર પાળતા નથી …” વગેરે વગેરે ઠાકોર બોલવા માંડ્યા ત્યારે મહારાજથી ન રહેવાયું. એમણે સામે કહ્યું : “ઠાકોર સાહેબ! આ બધું તમે કોને કહી રહ્યા છો તે તો વિચારો! આ તો બધું તમે અમારું બ્રાહ્મણોનું પઢાવ્યું પોપટિયું બોલી રહ્યા છો. ઉપદેશ આપવાનો અધિકાર તો અમારો બ્રાહ્મણોનો છે, ને ઊલટા તમે મને ઉપદેશ દેવા લાગ્યા છો?” “અમે ક્ષત્રિય છીએ.” એટલું ઠાકોર બોલ્યા કે તરત મહારાજે બારી તરફ હાથ લંબાવીને કહ્યું ઃ ‘તમારા બંગલાની સામે જ આવેલી પેલી લવાણાની દુકાન જે દા'ડે બાબર દેવાએ લૂંટી તે દા'ડે તમારી ક્ષત્રીવટ ક્યાં ગઈ હતી, ઠાકોર સાહેબ!” “સારું, જાવ.” એવો જાકારો સાંભળીને મહારાજ બહાર નીકળ્યા. ભાગોળે દરવાજાની અંદર એક ધર્મશાળા હતી. એ નિર્જન સ્થાનમાં પોતે એકાકી બેઠા. રાત પડી ગઈ હતી. કોઈ માણસ ત્યાં આવે એવી આશા રાખવાની નહોતી.