માણસાઈના દીવા/હરાયું ઢોર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 142: Line 142:
એમ એક પછી એક નીચલી કચેરી કને એ હુકમનો કાગળ લઈ જઈ, એક જ દિવસમાં નોંધણી કરાવી, જેને વટાદરે પહોંચતાં મહિનોમાસ લાગત તે હુકમ પોતાની સાથે લઈને બ્રાહ્મણે ફરી ચોવીશ ગાઉની વળતી મજલ આદરી. રાતમાં ભાદરણ પહોંચીને ફોજદારને સૂતા જગાડ્યા; અને રાતમાં ને રાતમાં નોંધણી કરાવી કાગળ લઈ પોતે વટાદરા પહોંચ્યા, ત્યારે પ્રભાતનો સૂર્ય હજુ તપ્યો નહોતો.
એમ એક પછી એક નીચલી કચેરી કને એ હુકમનો કાગળ લઈ જઈ, એક જ દિવસમાં નોંધણી કરાવી, જેને વટાદરે પહોંચતાં મહિનોમાસ લાગત તે હુકમ પોતાની સાથે લઈને બ્રાહ્મણે ફરી ચોવીશ ગાઉની વળતી મજલ આદરી. રાતમાં ભાદરણ પહોંચીને ફોજદારને સૂતા જગાડ્યા; અને રાતમાં ને રાતમાં નોંધણી કરાવી કાગળ લઈ પોતે વટાદરા પહોંચ્યા, ત્યારે પ્રભાતનો સૂર્ય હજુ તપ્યો નહોતો.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = હાજરી
|next = અમલદારની હિંમત
}}


-------------------------------
-------------------------------

Latest revision as of 06:48, 5 January 2022


હરાયું ઢોર


રાતના નવેક વાગ્યાના સુમારે ઢોલ પિટાયો. થોડીવારમાં તો સરકારી ચૉરાની સામે ટોળાબંધ ગામલોકો આવી આવી ભોંય પર બેસવા લાગ્યાં. એક બાજુ સ્રીઓ બેઠી : બીજી બાજુ મરદો બેઠા. સરકારી ચૉરાના ઓટા ઉપર એક ફાનસને અજવાળે એક પત્રક અને ખડિયો–કલમ લઈને બેઠેલ માણસને સૌ આવનારાં નમ્રતાથી રામરામ કરતાં હતાં.એ રામરામ ઝીલવાની પરવા કર્યા વગર એ માણસ ચૉરાની પરસાળમા એક ખુરશી પર બેઠેલા પોતાના મહેમાનની સામે વારંવાર જોતો હતો. મહેમાન પર પોતાની સતા અને સાહેબીની કેવી છાપ પડી રહી છે તે ઉકેલવામાં એની નજર રોકાઈ ગઈ હતી. મહેમાનની બાજુમાં એક ઢોલિયો પણ પથરાયેલો હતો. ગાદલું પોચું, પહોળું ને ધિંગું હતું. ચાદર દૂધ જેવી સ્વચ્છ હતી. બાલોશિયું મુલાયમ હતું. પત્રકવાળો માણસ પત્રકમાંથી નામો પોકારતો ગયો; અને સામા ‘હાજર', ‘હાજર', ‘હાજર' એવા જવાબો મળવા લાગ્યાઃ

‘કરસન પૂંજા' :::: ‘હાજર'
‘મોતી દેવા'  :::: ‘હાજર'
‘ગુલાબ કાળા' :::: ‘હાજર'

‘હાજર' કહી કહીને એ કહેનાર કાં ઊઠીને ચાલતો થતો, અથવા સ્વેચ્છાથી બેઠો રહેતો. વચ્ચે સ્રીઓનાં નામ પોકારાયાં; સ્ત્રીઓનો ‘હાજર' શબ્દ વિધવિધ પ્રકારના ઝીણા કંઠે ટહુકતો થયો :

‘જીવી શનિયો' :::: ‘હાજર'
‘મણિ ગલાબ'  :::: ‘હાજર'

એ છેલ્લે ‘હાજર’ શબ્દ એક સ્ત્રીના ગળામાંથી પડતો સાંભળતાં તરત જ આ પત્રક પૂરનાર ગરાસિયા જેવા આદમીએ પત્રકમાંથી માથું ઊંચક્યું, અને સ્ત્રીઓ તરફ જોઈને કહ્યું :

“એ કોણ ‘હાજર' બોલી?”
“હું મણિ." સ્ત્રીનો જવાબ આવ્યો.

“જૂઠી કે? મણિ જ છે કે? મને છેતરવો છે? આમ આવ; તારું રઢિયાળું મોં બતાવ જોઉં, મણકી!” “આ લોઃ જોવો મોં!" બાઈ એ ઊભી થઈને પોતાનો પડી ગયેલો ચહેરો ફાનસના પ્રકાશમાં આગળ કર્યો. “વારુ! જા." એમ કહીને અમલદારે મહેમાન તરફ વળીને સ્પષ્ટતા કરી : “એકને બદલે બીજી રાંડો હાજરી પુરાવતી જાય છે. મનમાં માને કે, મુખીને મૂરખાને શી ખબર પડવાની હતી! પણ જાણતી નથી કે એકોએકનો સાદ હું ઓળખું છુ : હું કાંઈ નાનું છૈયું નથી!” એટલી ટીકા સાથે ગરાસિયો મુખી પત્રકમાંથી નામો પોકારવા લાગ્યો; અને અહીં ખુરસીએ બેઠેલા પરોણાના સ્વચ્છ, સ્વસ્થ મોં ઉપર ગરમ લોહીએ દોડધામ મચાવી દીધી. રોષ, શરમ, હતાશા અને કાળા ભાવિનો ભય એ ચહેરાને ચીતરવા લાગ્યા. હાજરી પૂરી કરીને મુખીએ પત્રક બંધ કરી ફરી પાછું પોતે મહેમાન તરફ જોઈને ઉદ્ગાર કાઢ્યો : “અત્યાર પૂરતી તો નિરાંત થઈઃ રાતોરાત કોઈ કંઈ ન કરે તો પાડ! બાકી, આ હાળાં કોળાંનું કંઈ કહેવાય છે! અહીં હાજરી પૂરાવીને પછી પચીસ ગાઉ પર જતાં ઘર ફાડે! ‘બૈરાં!" મહેમાનથી પ્રશ્નરૂપે પુછાઈ ગયું. “બૈરાં! એની શી વાત કરો છો! ચોટ્ટાની છોકરીઓ ને ચોટ્ટાની જ બૈરીઓ! અમસ્થી જ કંઈ શ્રીમંત સરકારે ગુનેગાર કોમનો કાયદો આ કોમને લાગુ કર્યો હશે! ઠરડ અને ઠોંશ જુઓ તો દરબારો જેવાં, અને કૃત્યો ચોરોનાં. બૈરું પણ એક જ મગની બે ફાડ, હો! ને પાટણવાડીઆનું બૈરું એટલે વાત જ ન પૂછવી! આખર તો જાત કોળાંની ના!” “લગાર આ બધાંને રોકશો? મારે થોડી વાતો કરવી છે." મહેમાને એવે ને એવે ઝીણે, સમતા–ભરપૂર સ્વરે મુખીને પૂછ્યું. “કેમ નહિ રોકું!… અલ્યા એઈ! નાસો છો ક્યાં? બેસો, બેસો; આ તમારો બાપ (મહેમાન તરફ હાથ બતાવીને) અહીં આવેલ છે એ જાણતા નથી? બેસો, ને એની શિખામણનાં બે વેણ સાંભળતાં જાવ.” બૈરાં તો ચાલ્યાં ગયાં હતાં. પુરુષો ઊઠેલા તે ફરીવાર, સરકસનાં કેળવેલાં પશુઓની પેઠે, ભોંય પર બેસી ગયા. ખુરસી પર બેઠેલા પણ કંઈક ઉચક બનેલા મહેમાને એમની સામે અત્યંત વિવેકી અને મિષ્ટ સ્વરે કહ્યું : “અલ્યા ભૈઓ! આ તમારી હાજરી રોજ થાય છે?” “રોજ બે વાર." મુખીએ જ જવાબ વાળ્યો. ને હાથ હળવેક રહીને પોતાની મૂછ તરફ વળી ગયો. એ તરફ કશું લક્ષ જ આપ્યા વગર મહેમાને લોકોને પૂછ્યું : “અલ્યા આ હાજરી તમને ગમે છે?” “ગમે કે ના ગમે : શું કરીએ, બાપજી!" થોડી વારની સૌની ચૂપકીદી પછી ત્યાં બેઠેલાઓમાંથી એકે ઉત્તર આપ્યો. મહેમાન કહે : “બૈરાંની હાજરી પુરાય તે પણ તમને પસંદ છે, અલ્યા!” “હોવે! બહુ જ ગમે છે.” એવો એક અવાજ નીકળ્યો; અને મહેમાન ચમકી ઊઠ્યા. એણે એ જવાબ વાળનાર એક જુવાન તરફ નજર ઠેરવીને સ્વસ્થતાથી પૂછ્યું : “શાથી?” “શાથી શું! હાજરી ન'તી તાણે અમે આવી આ રાંડોને ડોંગારતા, તો રાંડો રીસૈને દોડી જતી એને માવતર! અને હવે તો પીટી પીટીને કણક જેવી કૂણી કરી નાખીએ, તે છતાં થોડી ઘર છોડી શકે છે રાંડો! હાજરીમાં મીડાં મુકાય તો મરી જ રહે ના! હવે તો ડોંગાટીડોંગાટીને ઢેઢાં ભાંગી નાખીએ તો પણ ચૂં–ચાં કરી નથી શકતી હાળીઓ! ઠીક જ થયું છે હાજરીનુ.” આ સાંભળીને હાજર પુરુષોમાંના ઘણા ખરા હસ્યા, કેટલાક ચૂપ રહ્યા, અને બે ત્રણે બોલનારને ઠપકો આપ્યો : “બેસ, બેસ, મારા હારા હેવાન! આવું બોલાય કે? આ તો હારો ગૉડીઓ છે. બોલતાંયે આવડતું નથી.” મુખી મહેમાન સામે જોઈને હસ્યા, મહેમાનનો જીવ ઊંડે ઊતરી ગયો. એમણે થોડી વારે લોકોને પૂછ્યું : “અલ્યા તમારામાંથી કોઈ મને તમારે ઘેર સૂવા ન લઈ જાવ!” “અરે વાહ!" મુખી ચમકીને બોલી ઊઠ્યા : “આ કોળાંને તાં શા માટે જવું? અહી ઢોલિયો ઢરાવ્યો છે : નિરાંતવા સૂઈ રો'ને!” “ના,ના; અહીં મને ઊંઘ નહિ આવે.” બસ ફક્ત એટલું જ બોલીને મહેમાન પોતાનાં બે કપડાંની ઝોળી હતી તે ઊંચકીને એકદમ ઊભા થયા, અને મુખી એના આશ્ચર્યમાંથી જાગે તે પૂર્વે તો મહેમાન એ લોકો પૈકીના એક જણની સાથે પાટણવાડીઆઓના બિહામણા વાસમાં ચાલતા થયા. મુખીનું માન મહેમાન પ્રત્યે સદંતર ઊતરી ગયું : બ્રાહ્મણનું ખોળિયું કોળાંને ઘેર, ચોર–ડાકુઓને ઘેર, રાતવાસો રહેવા ચાલ્યું! થોડાક મહિના પર જિલ્લાનાં ગામોમાં ‘હૈડીઆ વેરા' [1] સામેની લોક–લડતમાં એક ગામે મેળાપ થએલો : ઓચિંતા અહીં આવી ચડેલા દીઠા : આગ્રહ કરીને રાત રોક્યા. ઈચ્છા હતી કે પોતાની સત્તા અને સાહેબી બતાવું : પોતે એકલો આદમી આ સેંકડો વાઘ દીપડા સરીખાં મનુષ્યો પર જે કડપ બેસારી શક્યો હતો તે બતાવવાના કોડ હતા. મહેમાનને માનભેર સરકારી ચૉરે ઉતારો આપ્યો, તે બધું અપાત્રે પિરસાયું સમજીને મુખી ફાનસ ઉપડાવી રોષમાં ઘેર ચાલ્યા ગયા. અધરાત થવા આવી હતી. મહેમાન જે ખોરડે રાતવાસો રહેવા ગયા ત્યાં કોઈના પણ કહ્યા વગર આખા ગામના પાટણવાડીઆ એકઠા થઈ ગયા. તેમની સામે ખાટલે બેઠેલ મહેમાનનો હૃદિયો તો ઉપર–તળે થઈ રહ્યો હતો : અરે! આનું નામ હાજરી! માણસની અધોગતિને છેલ્લે તળીએ પહોંચાડનારી આ હાજરી! આ કોમનો એકએક માણસ માના પેટમાંથી નીકળતાં વાર જ ગુનેગાર ઠરી ચૂક્યો? મરદ તો ઠીક, પણ ઓરત સુધ્ધાં! ઓરતોની હાજરી પોકરાય; અને ‘હાજર' કહેનાર સ્ત્રીના સ્વર માત્ર પરથી શંકા જતાં આટલા ટોળા વચ્ચે આ ત્રણ બદામનો સરકારી મુખી એનો ઘુમટો ઊંચો કરાવી મોં જોઈ સાચ–જૂઠ નક્કી કરે! અને એ બધાંની ટોચે, ખુદ પોતાની ઓરતોની હાજરી લેવાય એથી આ મરદોને મલકવાનું કારણ મળે! અંતરના આવા ઉકળાટ પર એ અધરાતે એને થોડી ટાઢક વળી. એકઠાં થયેલાં સ્ત્રી–પુરુષો વચ્ચે એને પોતાપણું લાગ્યું, પોતાનાં આત્મજનો મળ્યાં હોય તેવું લાગ્યું. જાણતા હતા પોતે કે, આમાંનાં ઘણાં ચોરી–લૂંટના કૃત્યો કરનારાં છે; ઈશ્વરને, ધર્મને, પુણ્ય અને નીતિ વગેરે ગુણોનો સુધારેલો સમાજ જે અર્થમાં ઓળખે છે તે અર્થમાં આ લોકો એ સર્વ ગુણોથી સેંકડો ગાઉ વેગળાં પડ્યાં છે. તેમ છતાં આ માણસો એને પોતાનાં લાગ્યાં, હૈયાં–સરસાં જણાયાં. લાંબી વાતો તો એણે કશી કરી નહિ; પણ એણે એટલું જ પૂછ્યું : “આ હાજરી તમને ગમે છે?” “ગમતી નથી, બાપજી! પણ શું કરીએ? છેક ખેતરોમાં ઘર હોય છે ત્યાંથી બે વાર ગામમાં હાજરીએ આવવું પડે છે; છૈયાં નાનાં હોય તેને રડતાં મૂકીને, ઘરડાં–બુઢ્ઢાંને માંદાંને પણ આવવું પડે છે.” “ને તમારી બાઈઓનાં આવાં અપમાન!…” લોકો કશો જવાબ વાળી ન શક્યાં. શરમથી સૌ ભોંયદિશે જોઈ રહ્યાં. ત્યાં ઠઠ્ઠા–મશ્કરી કે ઉડામણીનો ઉચ્ચાર સરખોયે કોઈની જીભ ઉપર ફરક્યો નહિ. મહેમાનને હૈયે આશા ઊગી : આ માણસોમાં હજુ માણસાઈ રહી છે ખરી! “તો પછી તમે હાજરીમાં જાવ નહિ.” એવી સલાહ આપીને એ સૂતા; પણ એને પાછો વિચાર ઉપડ્યો : ‘આ સલાહ ગેરવાજબી હતી. ઉતાવળ થતી હતી. એ માર્ગે આ લોકોનું કલ્યાણ નથી. આ તો બાળકો છે!'

[૨]

સવારે ઊઠીને એણે ચાલવા માંડ્યું. ગામ પછી ગામ વટાવતા ચાલ્યા. એને થાક, તાપ, ટાઢ, ભૂખ, તરસ—કશાનું ભાન નહોતું. વાહનમાં બેસવાનું તો એને નીમ લીધું હતું. પગપાળા એ પહોંચ્યા—સીધા વડોદરે. વડોદરાના પોલીસ-વડા સાથે એમને નહિ જેવી ઓળખાણ હતી. અમલદાર એક સમજદાર આદમી હતા. જઈને સમજાવ્યા કે, “આ લોકોની હાજરી કાઢી નાખો.” અમલદારે આ લોક-સેવકોની ઉતાવળી રીત પ્રત્યે આછું સ્મિત ફરકાવ્યું, અને પછી કહ્યું : “હું તો એક જ હુકમે સૌની હાજરી કાઢી નાખું તેમ છું; પણ તેનાથી તમને કશો લાભ નહિ થાય.” “ત્યારે?” “એવો માર્ગ ગ્રહણ કરો કે જેથી એ લોકો પર તમારો ઉપકાર રહે, ફરી તમારું કહ્યું કરે, અને તમે એમની કનેથી વિશેષ સારાં કામ કરાવી શકો.” “શું કરું તો એમ થાય?” “એ લોકોને એમ લાગવું જોઈએ કે તમે જેની હાજરી કઢાવો તેની જ નીકળી શકે છે. તમે એ લોકોમાંથી જેમની ભલામણ કરો તેમની અરજી અમે ધ્યાનમાં લઈએ, એટલે બીજા આપોઆપ તમારી કને આવશે.” એ સલાહ અને એ વચન લઈને બ્રાહ્મણ પાછા વળ્યા : પગપાળા, એક પછી એક ગામ વટાવતા, ટાઢ, તડકા અને થાકનું ભાન ભૂલીને. પ્રથમ તો તેણે સારાં પાંચ ગામ પસંદ કર્યાં. પહેલું ગામ વટાદરા. એણે પાટણવાડીઆઓને ઢંઢોળ્યા : “ચાલો પેટલાદ; હું તમારી હાજરીઓ કઢાવી આલું.” એને કહ્યે કોઈ કરતાં કોઈ ન સળવળ્યું. હાજરીના ત્રાસમાં ડૂબંડૂબા માણસોએ આ માણસની વાતને એક કાનેથી કાઢી નાખી; તમાકુ પીતા પીતા બેઠા રહ્યા. અહીં એને કોઈ ઓળખતું નહોતું. એના વચનમાં વિશ્વાસ આવે તો પણ આ હાજરી એટલી તો સ્વાભાવિક જીવનક્રમ જેવી બની ગઈ હતી કે એના ફેરફારની કોઈને પડી નહોતી. માંડ માંડ કરીને વટાદરામાંથી પાંચ–સાત પાટણવાડીઆઓને પૂંછડાં ઉમેળી ઉભા કરી, સાથે લઈ પેટલાદ–થાણે પહોંચ્યા, અને ફોજદારને એમની હાજરી કાઢવાનું ટિપ્પણ આપ્યું. પોલીસ-ફોજદાર ત્રાડો પાડી ઊઠ્યો : “શાનું ટિપ્પણ? હાજરી કાઢવાનું? આ હરામી કોળાંઓની…" અને ફોજદારે જીવનભર જેટલી કંઠાગ્રે કરી હતી તેટલી ગાળોનો ત્યાં ઢગલો કરી દીધો. “જુઓ, ફોજદાર સાહેબ!" મહારાજે જણાવ્યું : “આપણે એ બધી વાતોની કંઈ જરૂર નથી હું કહું તેમ કરો; આ ટિપ્પણ તમેતારે સરસુબા સાહેબને મોકલી આપો. પછી એને ઠીક પડશે તેમ એ કરશે.” થોડા જ વખતમાં તો ફોજદાર ચમકી ઊઠ્યા. વટાદરા તથા બીજાં ગામની સ્ત્રીઓની તો તમામની હાજરી એકી સાથે રદ્દ થયાનો, અને જેમણે અરજી કરી હતી તે બધા મરદોની હાજરી પણ નીકળી ગયાનો, હુકમ વડોદરેથી એના હાથમાં આવી પડ્યો! ફોજદાર તો ચમકે, પણ ગ્રામપંચાયતોયે ચમકી : પાટણવાડીઆની હાજરી નીકળી જાય, એટલે તો ચોરી–લૂંટોનો સદર પરવાનો મળે! અને પંચાયતોમાં વેપારીઓ પણ હતા. હાજરી નીકળે તો તો વેપારીનાં હિતો પર પ્રચંડ ફટકો પડે. સીમમાં વેરણછેરણ રહેતા ખેડૂતો કને ઉઘરાણીએ ભટકવાનો ત્રાસ ફરી ઊભો થાય! હાજરી હતી, તો સગવડ હતી. હાજરી ટાણે ઉઘરાણીદારો, મુડદાંમાથે ગીધડાંનાં ટોળાં ઝળુંબે તેમ, સરકારી ચોરે ચોપડા લઈ ખડા થતા. ગ્રામપંચાયતોએ સરકારમાં લખાણ કર્યું : ‘આ લોકોને ગામમાં આવીને રહેવાની ફરજ પાડો.' ફરી હાજરીઓ શરૂ થઈ છે, એવા ખબર ગામડાંમાં ફરતા મહારાજને મળ્યા; ને એના પગરખાં વિનાના પગોએ વળતી જ સવારે વડોદરાની વાટ લીધી. પોલીસ–ઉપરીને બંગલે જઈ એ ઊભા રહ્યા. “છોટા સાહેબ, આમને સૂબા સાહેબ પાસે લઈ જાવ." ઉપરીએ પોતાના મદદનીશ સાહેબને કહ્યું. “ચાલો, આવી જાવ." છોટા સાહેબે બ્રાહ્મણને પોતાની ઘોડાગાડીમાં ચડી જવા કહ્યું. મહારાજે જવાબ દીધો : “હું ગાડીમાં તો નહિ બેસું.” “ત્યારે?” “હીંડતો આવું છું. તમે પધારો.” “હીંડતા હીંડતા તમે ક્યારે પહોંચશો?” “દોટ મૂકીશ.” અમલદારને આ બ્રાહ્મણ જંગલીનો અવતાર લાગ્યો : શહેરના માર્ગ પર આ માણસ દોટ મૂકશે! ને સાચેસાચ એણે છોટા સાહેબની ગાડી પછવાડે દોટ કાઢી. બ્રાહ્મણ સૂબા સાહેબને બંગલે પહોંચ્યા ત્યારે એણે પોતાની આગળ ગાડીમાં પહોંચેલા અમલદારને અંદર પ્રવેશ કરી જતા જોયા. સાહેબની ગાડી અને બ્રાહ્મણની ‘ગૂડિયાવેલ' (પગ) વચ્ચે ફક્ત અરધી મિનિટનો ફરક પડ્યો. આ ઉઘાડપગા ભિક્ષુકને પહેરેગીરે અંદર જતો અટકાવ્યો. બ્રાહ્મણે એને સમજાવ્યો : “ભાઈ, તું અંદર જઈ ખબર તો આપ! સાહેબે જ મને તેડાવ્યો છે; અને આ પળે જ સાહેબ પાસે મારું કામ છે.” “હીંડતો થા હીંડતો. પોલીસ–નાયબ સૂબા સાહેબ અંદર છે, ત્યાં સુધી બીજા કોઈની વરધી અપાય નહિ.” બ્રાહ્મણને ઝાલી રાખીને પહેરેગીરે અટકાવ્યા. છેવટે બેઉ અમલદારો બહાર નીકળ્યા, અને બ્રાહ્મણને જડ જેવો ઊભેલો દેખીને ખોટો મિજાજ કરી કહ્યું : “ત્યાં કેમ ઊભા રહ્યા છો?” “આ આવવા દે ત્યારે આવું ને!” “આવવા દે એને." પહેરેગીરને હુકમ થયો. “શું ભણ્યા છો?" સૂબા સાહેબે તિરછી આંખે, તિરસ્કારયુક્ત મિજાજ કરી બ્રાહ્મણને પૂછ્યું. “કશું નહિ." જવાબ મળ્યો. “આ ઠાકરડાઓને તમે જાણો છો? તેઓ સૌથી ઉતાર જાત છે, એ તો ખબર છે ને?” “ના.” “તો પછી શી રીતે તેમને સુધારવાનું કામ કરી શકશો?” “મને ખબર નથી.” “એ લોકો વચ્ચે કામ કરીને તમે તો દારૂ ઊલટો વધારી મૂક્યો છે!” “તો રાજને ફાયદો થયો હશે ને!” આવા લાપરવાહ જવાબોથી આશા ગુમાવીને કંટાળેલા સૂબાએ કહી દીધું: “જાવ, બાર વાગે કોરટમાં આવજો.” બપોરે જ્યારે મહારાજ કચેરીએ સાહેબની સમક્ષ હાજર થયા ત્યારે સાહેબે કાગળિયા પરથી માથું ઊંચકીને એને પૂછ્યું : “જરા ઘડિયાળમાં જૂઓ : કેટલા વાગે તમે આવ્યા છો?” “સવા વાગે." બ્રાહ્મણે ઘડિયાળમાં જોઈને જવાબ વાળ્યો. “અને મેં તમને કેટલા વાગે અહીં આવવાનું કહેલું?” “શું કરું! પારકે ઘેર જમવાનું હતું.” “વારુ જાવ; હુકમ મોકલાઈ ગયો છે.” “હુકમ મોકલાઈ ગયો છે" એ શબ્દોમાં પાટણવાડીઆઓની હાજરી રદ થવાના હુકમની વાત સમજીને બ્રાહ્મણે ઉમંગના ઊમળકા સાથે વળતી પગપાળી મુસાફરી ચાલુ કરી; અને રાતે ચોવીસ ગાઉનો એકધારો પંથ કાપીને પોતાના પ્રિય ગામ વટાદરામાં પહોંયા. તપાસ કરી : “કેમ! હાજરી રદ કર્યાનો હુકમ આવી ગયો છે ના?” “નારે, બાપજી!" અગાઉ જેમનાં નામો રદ્દ થયેલાં તેઓએ કહ્યું : “અમારાં નામ તો હાજરીમાં ફરીથી પાછાં ઘાલવાનો હુકમ આવ્યો છે.” બ્રાહ્મણ પાસે ત્યાં બેઠા બેઠા બળતરા કરવા કે પત્રવ્યવહારથી કામ લેવાની વેળા નહોતી. વળતા જ પ્રભાતે ફરી પાછા એના લોખંડી પગ વડોદરાની ચોવીસ ગાઉની મુસાફરીએ ચાલ્યા; અને ત્યાં પહોંચી પોતે પોલિસ–અધિકારીને મળ્યા. ત્યાંથી સ્નાનના સમાચાર મળ્યા : “સૂબા સાહેબને તમારી વાતમાં કશો સાર ન લાગવાથી ફેર હાજરીઓ શરૂ કરવાનો હુકમ આપ્યો છે.” સૂબા સાહેબની મુલાકાત માટે રોજરોજ કચેરીનાં પગથિયાં ઘસતા આ બ્રાહ્મણને સૂબાનો ભેટો કદી થયો નહિ; પણ સૂબાના ચિટનીસે એક દિવસ કુતૂહલથી એને પૂછ્યું : “તમે કોણ છો? વકીલ છો?” “ના.” “ત્યારે તમારે આ લોકોની હાજરી કઢાવવામાં શો સ્વારથ છે?” “કશી ખબર નથી; પણ મારે હાજરીઓ કઢાવવી છે, એ તો ચોક્કસ છે.” ચિટનીસે કપાળ પર ચડાવેલાં ચશ્માં પાછાં આંખો પર ગોઠવીને આ બ્રાહ્મણને તિરછી આંખે નિહાળી જોયો : ‘સ્વારથ' વગર તે શું માણસ ચોવીસ–ચોવીસ ગાઉની એકાંતરી મજલો ખેંચે! અને સ્વારથ વગર સૂબાની કોરટનાં, રોજ બાર વાગ્યા સુધી, કોઈ પગથિયાં ઘસે! એવાં સત્યને કે ચમત્કારને ચિટનીસની દુનિયાના ચાર છેડા વચ્ચે ક્યાંય સ્થાન નહોતું. ‘લાલો કાંઈ અમસ્થો લોટે! ‘માણસ રોજ સવારે આવી ધોયેલ મૂળા જેવો ઊભો રહી, બાર વાગે કચેરી ઊઠે ત્યાં સુધી કેવળ ખંભ—શો ખોડાઈ રહી પાછો મૂંગો મૂંગો ઘેર ચાલ્યો જાય—એક દિવસ નહિ, બે દિવસ નહિ, પણ દિવસોના દિવસો સુધી; અને એ બધું સ્વારથ વગર! એવી મૂર્ખાઈભરી માન્યતાને તાબે થવા ચિટનીસના મને ચીટનીસને ના પાડી. રોજ બ્રાહ્મણ ઊભો હોય, અને રોજ પાછા સૂબા કચેરીમાં આવતા હોય. પાછા સાહેબ બાર વાગે જાય ત્યારે એ–નો એ જ બ્રાહ્મણ પરસાળમાં થાંભલા–શો ઊભો હોય! જતા–આવતા સૂબા વિચારતા હશે કે, નથી એ મારી પાસે દોડતો આવતો, નથી એ અવાજ કરતો, અને નથી એ મારી સામે સુધ્ધાં જોતો! એક દિવસ સૂબા આવ્યા. રોજની માફક બ્રાહ્મણને ઊભેલ દીઠો. મેડી પર ચડી તો ગયા; પણ થોડીક વારે બ્રાહ્મણની પાસે પટાવાળો આવી કહે કે, ‘ચાલો, સાહેબ બોલવે છે.” “શું ભણ્યા છો?" ફરી સૂબાએ પોતાની સામે ઊભેલા મૂંગા બ્રાહ્મણને એ–નો એ જ પ્રશ્ન પૂછ્યો. “કશું નહિ." એ જ જવાબ આવ્યો. “ત્યારે આ લોકોમાં તમે શું કરશો?” “મને ખબર નથી.” “વારુ, જાવ : હું હાજરી કઢાવવાનો હુકમ મોકલું છું." બ્રાહ્મણ ત્યાંથી નીકળીને સાહેબના ચીટનીસ પાસે રાહ જોતા બેઠા. થોડી વારે સૂબા સાહેબનો હુકમ ચિટનીસ પાસે આવ્યો, એટલે ચિટનીસે કહ્યું: “હવે તમતમારે જાવ. હુકમ ગામડે આવશે.” “કેમ કરીને આવશે?” “કેમ કરીને વળી? નીચલી ઓફિસમાં નોંધણી થતો થતો શિરસ્તા મુજબ આવશે તમારે ગામડે.” “ના, એમ નહિ." બ્રાહ્મણે ઠંડે કલેજે ઉત્તર વાળ્યો. “ત્યારે કેમ!" ચિટનીસ ઊંચાનીચા થઈ ગયા. “તમેતારે નોંધણી કરીને એ હુકમ મને જ દઈ દો.” બ્રાહ્મણ હુકમ કરે છે કે અરજ, એ એક સમસ્યા બની. “હાં–હાં, તમે શું કરશો?" ચિટનીસે કટાક્ષ કર્યો. “હું એ નીચલી કચેરીએ લઈ જઈશ; અને ત્યાં નોંધાવી લઈશ.” ચિટનીસને આ માણસની બિનસ્વાર્થી ઉતાવળ વધુ ને વધુ અકળ લાગી. એણે લપને વળાવવા હુકમનું પરબીડિયું આપ્યું. એ લઈને બ્રાહ્મણ નીચલી કચેરીએ ગયા. ત્યાંના અમલદારે પણ કહ્યું કે, “વારુ, તમે હવે જઈ શકો છો.” “ના, એમ જવું નથી. તમેતારે હુકમ નોંધીને મને આપો.” “તમે શું કરશો?” “હું તમે કહો તે કચેરીએ લઈ જઈને નોંધાવીશ.” એમ એક પછી એક નીચલી કચેરી કને એ હુકમનો કાગળ લઈ જઈ, એક જ દિવસમાં નોંધણી કરાવી, જેને વટાદરે પહોંચતાં મહિનોમાસ લાગત તે હુકમ પોતાની સાથે લઈને બ્રાહ્મણે ફરી ચોવીશ ગાઉની વળતી મજલ આદરી. રાતમાં ભાદરણ પહોંચીને ફોજદારને સૂતા જગાડ્યા; અને રાતમાં ને રાતમાં નોંધણી કરાવી કાગળ લઈ પોતે વટાદરા પહોંચ્યા, ત્યારે પ્રભાતનો સૂર્ય હજુ તપ્યો નહોતો.





  1. ‘હૈડીઆ વેરો' એવા નામથી લોકોમાં ઓળખાતો ‘પ્યુનિટિવ ટેક્સ' સરકારે ખેડા જિલ્લાની તમામ વસ્તી પર ‘બાબર દેવા વગેરે બહારવટિયાને આશરો આપો છો' તેવું કહીને નાખેલો.