૨: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|'''[૨]'''|}} {{Poem2Open}} મને કોઈ લોટો પાણી દેશો?” એ ક્ષીણ અવાજ ઢોરની ની...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
(One intermediate revision by the same user not shown) | |
(No difference)
|
Latest revision as of 10:10, 5 January 2022
મને કોઈ લોટો પાણી દેશો?” એ ક્ષીણ અવાજ ઢોરની નીરણ ભરવાના ઓરડાના ઊંડાણમાંથી આવતો હતો. બાજુના ઓરડામાંથી કોઈ જવાબ દેતું નહોતું. ફરીથી એનો એ જ સાદ નીકળેઃ “વહુ, બેટા, મને એક લોટો પાણી રેડશો? તરસ બહુ લાગી છે.” ફળીમાં બીજાં ત્રણચાર ઘર હતાં. ત્યાંનાં રહીશો આ પાણીની માગણી સાંભળતાં હતાં ને અંદરઅંદર વાત કરતાં હતાં કે, ‘કોઢણી બોકાસાં નાખે છે, વહુ ઘરમાં લાગતી નથી. શું કરવું બાઈ! રોજનું થિયું : એનો ઓછાયોય ભેંકાર કે'વાય, માડી!' આટલી વાતો પતાવીને પછી પાછાં પાડોશીઓ પોતપોતાને કામે લાગતાં હતાં. કોઈક સ્ત્રી બોલી ઊઠતી : “ઠીક સાંભર્યું, મારી વાછડી ક્યારની ભાંભરડા દિયે છે. તરસી થઈ હશે, તે પાણી પાઉં.” એમ બોલીને એ પોતાની વાછડીને પાણી પાવા દોડતી હતી. પરસાળ ઉપરના પાણિયારાની નીચે ત્રણચાર સડેલાં તેમ જ સાજાંતાજાં કૂતરાં આવી કુંડામાંથી પાણી પી જતાં હતાં, નીચે પડેલ હાંડાની અંદર પણ જીભ નાખતાં હતાં. એ સહુને પાણી મળી રહેતું, પણ ઘાસના અંધારા ઓરડામાંથી ‘કોઈ પાણી દેશો' ના અવાજની સંભાળ લેવા કોઈ ત્યાં નહોતું ડોકાતું. "લાલા, બેટા, વહુ ક્યાં ગઈ છે? કોઈ પાણી દેશો?” એવા ચોથી વારના અવાજે બાજુના ઓરડાનું ઘોડિયું સળવળાવ્યું. અંદરથી એક ત્રણેક વર્ષનો છોકરો મહેનત કરીને નીચે ઊતર્યો. સાદ જ્યાંથી આવતો હતો તે ઓરડાની બહાર ઊભો રહ્યો. પૂછ્યું : “કોણ છે?" "લાલા, બેટા, હું છું.” “મા છે?" “હા બેટા.” "મા, શું છે?" "મારે પાણી પીવું છે, કોઈ ઘરમાં નથી?” “હું છું.” "બહાર કૂંડામાં પાણી છે?" “નથી.” “ઠીક ત્યારે, કંઈ નહીં બેટા! તારી બાને આવવા દે.” “મા, તમે અંધારે અંધારે કેમ બેઠાં છો? તમે ખડ ખાવા બેઠાં છો મા? તમે બહાર આવોને મા!” “લાલા, બેટા, મારાથી બહાર અવાય નહીં. કોઈને મોં દેખાડાય નહીં.” “મા, મારે તમારું મોં જોવું છે.” "ના બેટા, મારું મોં બહુ વહરું છે. મારું નાક ને મારા હોઠ ખવાઈ ગયા છે. તું મને ભાળીને બી જા, બેટા!” “નહીં બીઉં મા. તમને અહીં કોણે રાખ્યાં છે મા? બાએ? બાપુએ? બાને હું મારું? બાપુને હું મારું? મા. તમે મને રમાડો. તમે મને વાર્તા કહો, તમે મને હીંચોળો, મને હાલાં કરો.” જવાબમાં કશો અવાજ આવ્યો નહીં. ફક્ત એક નિઃશ્વાસ સંભળાયો. “મા, તમારું નાક ખવાઈ ગયું છે? મારે જોવું છે. કોણ ખાઈ ગયું?" "નહીં બેટા, ન જોવાય. આવતો ના હો.” નાનો બાલક આ નકારને ગણકાર્યા વગર અંદર ચાલ્યો. એની ઝાંઝરી ખખડી એટલે અંદરથી અવાજ થયો : "ન અવાય બેટા લાલા! બહાર રે'જે! બહાર રે'જે! મને ન અડાય.” આટલું કહેતાં તો નાનો બાલક છેક પાસે પહોંચી ગયો. જ્યાં પહોંચ્યા ત્યાં અસ્પષ્ટ અજવાસ હતો. જઈને એ ત્યાં બેઠેલાં દાદીમાના ખોળામાં ચડી બેસી ગયો. દાદીમાએ મોં ઉપર ઓઢી લીધું. હાથનાં આંગળાં છુપાવી દીધાં. ઉપરાઉપરી પોકાર કરવા લાગી : “તને વળગશે! બેટા, તને વળગશે! તું ન અડતો મને.” “હી–હી–હી–હી મા,” નાના બાળકને જાણે કે ઘણા દિવસ પછી પોતાનું કોઈ ગુમ થયેલું રમકડું જડી ગયું. દાદીમાનો ઘૂમટો પણ ખોલાવવા એ ખેંચાખેંચ કરવા લાગ્યો : “ઉઘાડો, મા. ઉઘાડો. મોઢું ઉઘાડો!” "લાલા, બેટા, કોઈને કહી ન દે તો ઉઘાડું.” “નહીં કહી દઉં. ઉઘાડો.” દાદીમાએ ઘૂમટો ખોલ્યો. એ મોં ઉપરથી મૃત્યુએ બટકાં ભરી લીધાં હતાં. રસી અને લોહી ટપકતાં હતાં. દુર્ગંધની મિજબાની ઉડાવતી માખીઓ બણબણવા લાગી. બાળકે એક નવીન જ ચહેરો દીઠો. એણે દાદીમાને વેશપલટો કરીને બેઠેલ દીઠાં. મા, મા કરતા એ ભેટી પડ્યો. બરાબર એ જ વખતે રત્નેશ્વરની ગુફાએથી કેદાર આવી પહોંચ્યો ને રક્તકોઢણી માતાના ઓરડા પાસે જતાં જ એણે ભયાનક દ્રશ્ય જોયું : પોતાના એકના એક પુત્ર લાલાને જ એ ડાકિની જાણે કે ખાઈ જઈ રહી હતી. “ડોકરી!” એણે બૂમ પાડી : “મારો છોકરો ભરખવો છે? હજુય તને જીવવાનું ગમે છે? રત્નાકર તારી વાટ જુએ છે. હવે તો ભલી થઈને જા!” છોકરાને ખેંચી લઈને છાણ વતી સ્નાન કરાવ્યું, ખૂબ માર માર્યો. છોકરો ઊંઘી ગયો ત્યારે એ ઊંડા ઘરમાંથી ડોશીએ પૂછ્યું : “ભાઈ, મુરત જોવરાવીશ, બેટા?”