સમરાંગણ/૩૦ માતાના આશીર્વાદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૦ માતાના આશીર્વાદ|}} {{Poem2Open}} “કારણ બીજું કાંઈ નથી. મારે પણ કે...")
 
(No difference)

Latest revision as of 06:26, 10 January 2022

૩૦ માતાના આશીર્વાદ

“કારણ બીજું કાંઈ નથી. મારે પણ કેટલા દિવસ ભોગવવાનું છે એ કેને આષાઢનો મેઘાડમ્બર તૂટ્યો હતો. વીજળી આકાશના ખોળામાં આળોટતી તોફાને ચડી ગઈ હતી. મેઘ વિરમ્યો, પણ વીજળીને જંપ ​ નહોતો. ધ્રોળને પાદર રાત પડી હતી. એ વખતે બે જણાં ભૂચર મોરી રજપૂતને ખોરડેથી બહાર નીકળ્યાં. નાગ આગળ ચાલતો હતો. પાછળ રાજુલ હતી. બેઉ અબોલ હતાં. બેઉએ આજે કહેવાતી ‘ભૂચર મોરી’વાળી ધારને વળોટીને થોડે છેટે એક ઝૂંપડી ફરતા વાડાને ઝાંપે પગ થંભાવ્યા. નાગે પાછા ફરીને રાજુલ સામે નિહાળ્યું. વીજળીના એક સબકારાએ એ મોંની રેખાએ રેખા પ્રકટ કરી. “હજી વિચાર કરવાનો વખત છે, રાજુલ.” નાગે કહ્યું : “એક મહિનો વાટ જોઈ જાને, શો ભરોસો છે?” “આ બધું ડહાપણ તે દી રાતે મને ઘોડા માથે ઉપાડી બથમાં ભીંસી ને મારા ગાલ અભડાવ્યા ત્યારે ક્યાં ગિયું’તું?” એમ બોલીને રાજુલે પગ પાસે ગારાળા પાણીનું ખાબોચિયું ભરેલું હતું તેમાં છબછબિયાં બોલાવ્યાં. નાગ આખે શરીરે કાદવિયા પાણીથી છંટકોરાયો. “આ શું કરછ?” “ફૂલદડે રમું છું.” “પરણ્યા પહેલાં? અવળચંડી?” “તો મને ખીજવો છો શીદને? ઠેઠ આંહીં સુધી લાવીને પછી ફરીથી વિચાર કરવાનું કહો છો? લાજતા નથી?” “તારાં બલોયાં સામે જોઈને કહેવું પડે છે. ચૂડો ભાંગવાની તૈયારી છે ને?” “પહેરી જાણતું હશે એને ભાંગવાનીય ત્રેવડ હશે. હાલો છો અંદર, કે હાક મારીને ફજેત કરું?” વીજળીના ઉપરાઉપરી થતા સળાવા બેઉ કદાવર અને સાગના સોટા સરીખાં જુવાનને માથે જાણે કે હીરાકણીઓ મઢેલી ઝૂલાડીઓ લપેટતા હતા. “રાજુલ!” વરસી રહીને પછી નીતરતા મેઘમાં ઝીણી ઝરમરે ​ ભીંજાતો એ બોલ્યો ત્યારે એના કંઠમાં ધ્રુજારી હતી : “જો સાંભળ. પંદર જ દીમાં આંહીં પડ ભેળાશે એ નક્કી છે...” “હવે મને ખબર છે ખબર, રોતલ! ઊભા રો’ તમે.” એમ કહી રાજુલે કાંટાળી વાડ્યની ઝાંપલી ખોલી અને હાક મારી : “કોઈ છે કે કૂબામાં?” દોડતા જઈને નાગે એના મોં આડો હાથ ભીંસી દીધો. કાકલૂદી કરી : “ભલી થઈને... હવે નહિ બોલું. હાલો.” બેઉ અંદર ચાલ્યાં ત્યારે આડો ઊતરીને એક કાળો લિસોટો વીજળીના ઝળેળાટમાં પરખાયો. એ સાપ હતો. નાગે રાજલની સામે જોયું. રાજુલ હસીને બોલી : “એય જાતો હશે એની કોકને જ ગોતવા. એ પણ જીવ છે ને બચાડો.” ઝૂંપડીમાં નાગની માતા જોમાબાઈ બેઠાં હતાં. જોગીઓની જમાત ભેળાંભેળાં એ પણ પેલી અબોલ યુવતીને લઈ આંહીં આવ્યાં હતાં. નાગ આંહીં વારંવાર જતો-આવતો. રાજુલની વાત માને કહી રાખી હતી. રાજુલ અને નાગ બેઉ એ બુઢ્‌ઢી પાસે બેઠાં. બુઢ્‌ઢીએ રાજુલને ચુપચાપ નીરખ્યા કરી. નીરખતું મોં ચિંતા, અધીરાઈ, શંકા, કરુણા અને આકાંક્ષાના ભાવોના એક સામટા ઘૂંટણમાંથી ઘોળાયેલો રંગ દાખવતું હતું. માતા જાણે કે આ બેય જણના વિધિ-લેખે વાંચવા મથતી હતી. ઘણી વાર પછી એણે રાજુલના માથા પર હાથ મૂક્યો ને સહેજ મોં મલકાવ્યું. ભૂચર મોરીની ધાર માથેથી તે વખતે મોરલાની ગળક ઊઠતી હતી. ઝૂંપડીના એક ખૂણામાં બેઠીબેઠી બીજી જુવાન બાઈ પણ આ બે જણાંને પથ્થર-શી અચલ આંખે તાકી રહી હતી. એ મોં ઉપર શૂન્યતાનો જાણે શોષાયેલો દરિયો હતો. અબોલ માતાના હાથનો આશીર્વાદ પૂરો થયો. બેઉ ઊઠીને બહાર નીકળ્યાં. “કોણ છે એ ડોશીમા?” રાજુલે પૂછ્યું. ​ “આજ નહિ, આખર કહીશ.” ત્રીજે દિવસે જામનગરમાં નાગ અને રાજુલનાં લગ્ન થયાં. એકત્ર થયેલી ફોજની યુદ્ધ-સજાવટમાં આનંદ અને ઉજવણીનો, મોજ અને મશ્કરીનો એક જબરો પ્રવાહ આવ્યો. પરણી ઊતર્યા પછી કુંવર અજોજી દફેદારી દોસ્તને પ્રથમ બાપુની પાસે પગે લગાડીને પછી હડિયાણે જેસા વજીર પાસે લઈ ગયા. વજીરે કુંવરને એકાંતે તેડાવીને અંતર ખોલ્યું : “જુવાનને જણાવશો? હું એને મારે ખોળે બેસારવા માગું છું. મારે હવે વાંસે કોઈ નથી. રાજે આપેલું બધું ભોગવનાર કોઈ કરતાં કોઈ નથી રહ્યું. એને માથે મારું મન ઢળે છે.” કુંવર તો ખુશખુશાલ બનતા નાગ પાસે દોડ્યા. વધામણી દીધે : “આખી હાલાર આનંદ પામશે. વજીરનું વાંઝિયાપણું મટ્યું. વીરતાનાં મૂલ મૂલવાણાં.” નાગ બે હાથ જોડીને ઊભો રહ્યો. એટલું જ કહ્યું : “નહિ બની શકે.” “પણ શા માટે? આ નકાર કયા કારણે?” ખબર?” કોઈ વાતે નાગે ન કબૂલ્યું. વજીરની પાસે કુંવરે ના સંભળાવી ત્યારે એ બુઢ્‌ઢો આદમી એકીટશે જોતો જોતો કેટલી વાર સુધી બેસી રહ્યો. કશું જ બોલ્યા વગર એણે ફરી પાછા ફોજની ભરતી માટે ગામો ભમવા ઘોડો પલાણ્યો; ને એના એક કાનમાં એક ભણકારો બોલતો રહ્યો કે “તારું ઘરની તો ચણ્ય પણ ચકલાં નહિ ચણે.”