દરિયાપારના બહારવટિયા/પ્રયોજકનું નિવેદન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પ્રયોજકનું નિવેદન|}} {{Poem2Open}} ઍશ્ટન વુલ્ફનું પુસ્તક ‘ધિ આઉટલ...")
(No difference)

Revision as of 13:02, 11 January 2022


પ્રયોજકનું નિવેદન


ઍશ્ટન વુલ્ફનું પુસ્તક ‘ધિ આઉટલૉઝ્ ઑફ મોડર્ન ડેઝ’ મારા હાથમાં મુકનાર શામળદાસ કૉલેજના તરુણ પ્રોફેસર ભરૂચા છે. છેલ્લાં છ વર્ષોથી પ્રસંગોપાત્ત ત્યાં મંડાતા મારા લોકસાહિત્યના દાયરાઓમાં એ ભાઈ અચૂક હાજર હોય છે. રસિક અને અભ્યાસી, એ બન્ને પ્રકારની દૃષ્ટિએ એમણે આ સાહિત્યનો સમાગમ કર્યો છે. મને આ પુસ્તક મોકલવામાં પણ એમની દૃષ્ટિમાં રસિકતા તેમજ તુલનાલક્ષી અભ્યાસીનો સંયોગ હતો. હું તો આ પુસ્તકના લેખન પર મુગ્ધ બનીને અને મારો એક સમાનધર્મી યુરોપમાં થઈ ગયો છે એટલી વાતનો સંતોષ લઈને કદાચ પતાવી લેત. પરંતુ ભાઈશ્રી ભરૂચાનું નિશાન એટલું જ માત્ર નહોતું. પુસ્તક પરથી આ ચાર કથાઓ મારે દોરવી - અને મારે જ દોરવી - એ એમન આગ્રહને જ આ ચોપડીનો જન્મ આભારી છે, એટલે હું એમનો આભારી છું. યુરોપી બહારવટિયાઓનાં આ ચરિત્રો ખૂબ ભરોસાદાર છે, કારણ કે એક તો એ તાજેતરમાં બનેલા હોઈ કલ્પનાના કે લોકકથાના પોપડા એના પર ચડ્યા નથી; બીજુ, એનો લેખક એક ગુના પકડનાર ચોક્કસ બુદ્ધિનો જબ્બર અમલદાર હતો; ને ત્રીજું, એ તમામ બહારવટિયાની સાથે લેખકનો જીવતો સંપર્ક થયો હતો. એશ્ટન વુલ્ફની દૃષ્ટિ આ અપરાધીઓ પ્રતિ કેવી હતી તે તો એણે એના નિવેદનમાં કહી આપ્યું છે, તે સિવાય એની દૃષ્ટિ તો આ ચરિત્રોની લખાવટમાં જ વણાઈ ચૂકી છે. મારે બહારવટિયાના સમગ્ર વિષય પર જે કહેવાનું તે મેં ‘સૌરઠી બહારવટિયા’ (ભાગ ૩)ના લાંબા ઉપોદ્ઘાતમાં [1] [૧] કહી દીધું છે. ‘બહારવટિયા’ને એક વિદ્યાના વિષય તરીકે તપાસનારાઓ ઍશ્ટન વુલ્ફના આ પુસ્તકની પડખોપડખ ‘સોરઠી બહારવટિયા’ના ત્રણેય ભાગ જરૂર તપાસી જાય એવો આગ્રહ કરું છું અને એવી સમીક્ષાની પરવા જેને ન હોય તેને સારુ તો ખુદ આ ચરિત્રોની જ મોહિની ક્યાં ઓછી છે! ગુજરાતીમાં આ ચરિત્રો ઉતારવામાં હું ઍશ્ટન વુલ્ફની હકીકતોને વફાદારીથી વળગી રહ્યો છું. દૃષ્ટિ પણ એની જ પકડવા પ્રયત્ન કર્યો છે. ભાષામાં ઊતરેલી પ્રેરકતા પણ એની જ છે. મારું કંઈ હોય તો તે છે મુગ્ધતા. ઍશ્ટન વુલ્ફ ઇંગ્લંડના જગપ્રસિદ્ધ જાસૂસીખાતા ‘ધ સ્કૉટલૅન્ડ યાર્ડ’ના એક માતબર અધિકારી હતા. યુરોપની અનેક ભાષાઓ બોલનાર તરીકે દેશદેશની અદાલતો–કચેરીઓમાં એમનું સ્થાન એક ધુરંધર દુભાષિયાનું હતું. એમણે લખેલા ‘ધિ અન્ડરવર્લ્ડ’ નામે પુસ્તકમાં એની અનેક ભયંકર ગુનેગારો સાથેની આપવીતીનો, પોતાના મસ્ત સાહસ-પ્રેમનો અને અપરાધીઓ પ્રત્યેની દિલસોજ સમજબુદ્ધિનો ચિતાર છે. એમ પણ સાંભળ્યું છે કે એક વાર એક ખૂનના તહોમતદાર કને જઈને આ બાપડાએ પેલાને વકીલાતફકીલાત કરવાનું કે બચાવફચાવનો અટપટો માર્ગ ત્યજાવી પોતાના પાપનો સીધો એકરાર કરી નાખવાનો બોધ આપેલો. વિલાયતના ધારાશાસ્ત્રીઓએ વુલ્ફની આવી માનવતાભરી દરમિયાનગીરી ઉપર તડાપીટ બોલાવી હતી પરિણામે વુલ્ફને સ્કૉટલેન્ડ યાર્ડમાંથી દૂર થવું પડેલું.


[બીજી આવૃત્તિ]

ચૌદ વર્ષો પરની આ ચોપડીનું, ‘વર્તમાનયુગના બહારવટિયા’ એવું મૂળ અંગ્રેજી પરથી રાખેલું નામ હતું. તેને આ વેળા ફેરવવાનું કારણ એ છે કે, આગલું નામ વિભ્રમકારી હતું: નામ માત્ર પરથી ખરીદનારને વિભ્રમ એવો થાય કે આ તો વર્તમાન યુગના કોઈ દેશી કે પરદેશી રાજદ્વારી બળવાખોરોની વાતો હશે. બીજી બાજુ, નામ ફેરવવાથી મારી કૃતિઓના ચાહક વર્ગને હું નુકસાન તો નથી કરતો ને? – એ પણ વિચારી જોયું છે. નુકસાન થવાનો ભાગ્યે જ સંભવ છે. ચૌદ વર્ષો પર જેની ફક્ત એક જ હજાર પ્રતો કાઢી હતી તે ચોપડીની આ નવી આવૃત્તિ આજે જેમના હાથમાં જનાર છે તે વાચકસમૂહ તો લગભગ નવી પેઢીનો હશે.

  1. ‘બહારવટાની મીમાંસા’ એ નામે આ ઉપોદ્ઘાતને મેં ‘ધરતીનું ધાવણ’ (‘લોકસાહિત્ય’ ખંડ ૨)માં શામિલ કરેલ છે.