પરકમ્મા/સાચા વૃત્તાંતો દેનાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સાચા વૃત્તાંતો દેનાર|}} {{Poem2Open}} કહેનાર પોતે જેમાં સામેલ હતા ત...")
 
(No difference)

Latest revision as of 10:47, 12 January 2022

સાચા વૃત્તાંતો દેનાર

કહેનાર પોતે જેમાં સામેલ હતા તે ધીંગાણાનું આ એણે શબ્દશઃ કરેલું વર્ણન છે. રાણાભાઈની કાવ્ય કે અલંકાર, વર્ણન કે ભભક વિહોણી, એક પોલીસ ડાયરી જેવી કહેણી પણ પ્રાણવંત ચિત્ર આપે છે. મેં હમેશાં માન્યું છે, કે જૂના વખતના કાઠિયાવાડી પોલીસખાતાના માણસો એ આ પ્રકારનું સાહિત્ય મેળવવાનાં સારાં સાધન છે. બહારવટિયા ને ડાકુઓ સાથે હાથોહાથ ધીંગાણાં ખેલેલા, તેમને પત્તો મેળવવા માથું કોરે મૂકીને ભયંકર જગ્યાઓમાં ભટકેલા, યુક્તિપ્રયુક્તિઓ ને પ્રપંચો વાપરીને તેમનાં રહેઠાણમાં જઈ પહોંચેલા, અને છેવટે તો બધો જ જશ પોતાના ગોરા ઉપરીને જ ખાટી જવા દઈ રૂપિયા બે પાંચનાં ઈનામો અગર નજીવાં પ્રમોશનથી સાંત્વન લેનારા આ દેશી પોલીસ નોકરોમાં કાંટીઆ વર્ણના લોકો હતા તેટલા જ પ્રમાણમાં બ્રાહ્મણો વાણિયાઓ હતા. આવાં પાત્રોનો સંપર્ક મને સારા પ્રમાણમાં થયો છે. તેનું એક મહત્વનું લક્ષણ એ છે કે બહારવટિયા લૂંટારાની વાતોમાં પોતે સામા પક્ષને ઉતારી પાડી પોતાની જ શેખી ગાતા નથી હોતા, પણ સામા પક્ષની બહાદુરી, નેકી, ઈમાનદારી વગેરે પણ ચીતરે છે. એક જ ધરતીનાં સંતાનો દૈવગતિથી બે સામસામી છાવણીઓમાં વહેંચાઈ ગયાં અને માથે આવેલી કડવી ફરજ બજાવવાની જ હતી, એ આ લોકોની વૃત્તિ હતી.