ભૂંસાતાં ગ્રામચિત્રો/૧૯. શૈશવની કવિતા: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૯. શૈશવની કવિતા}} {{Poem2Open}} આજે બરાબર સમજાય છે કે આપણું આખું શૈ...") |
(No difference)
|
Revision as of 10:05, 13 January 2022
આજે બરાબર સમજાય છે કે આપણું આખું શૈશવ નરી કવિતાથી ભરેલું હતું. આપણામાંથી મોટા ભાગના એને ભાગ્યે જ પામી શકીએ છીએ. અરે, કેટલા બધાને તો આજેય હવે પ્રૌઢ થયેલ — શૈશવની એ સહજ કવિતાનું કશું પ્રમાણ નથી. બાળપણ પોતે જ એક ચંચલ ભાવોર્મિ ભરેલું ગીત-કાવ્ય છે. શિશુના ચહેરાનું સંમોહક સ્મિત કેવું તો સરળ-નિર્દોષ હોય છે. એના બોખા મોંમાંથી નીકળતું અરવ ગીત એના સુકોમળ ચહેરાને ભરી દે છે. ખરા ગીતમાં આવી નજાકત અને નરવાઈ હોય છે. આજે તો ગીતને નામે ગદ્યાળુતામાં આળોટનારા ગીતકવિઓ વધ્યા છે. ને એને ગાતા કે ગવડાવનારાઓના મનમાં પણ ગીતકવિતાની પરખ તથા માધુર્યને બદલે વેપારીકરણના સંદર્ભો જ વધારે હોય છે. ચારે બાજુ ગાનારાનો રાફડો ફાટ્યો છે. પણ એમાં ખરું ગીત તથા સાચો ગાનાર કો કોઈક વાર જ આપણને મળે છે. સંગીતશાસ્ત્રને જાણ્યા વિના પણ એ સાંભળવાની ફૅશન ચાલી છે. નવી પેઢી તો ગીત-સંગીતને પણ ‘ફાસ્ટ ફૂડ’ની આઇટેમ માનવા લાગી છે. આવા વર્તમાનના ઘોંઘાટ વચ્ચે મને શૈશવનું કાવ્યસ્વરૂપ સાંભર્યા કરે છે.
પ્રકૃતિ એનો જાદુ કદી ગુમાવતી નથી. એ તો એનાં બધાં નકરાં-નરવાં રૂપો સાથે આપણી સામે જ હોય છે. ફળિયાનું ફલક અને એમાં ઊભેલાં વૃક્ષો ઉપર ઢોળાતાં રાતદિવસનાં રૂપોને નહોતા સમજતા તોય આશ્ચર્યથી જોયા કરતા હતા. ઘણી વાર દિગ્મૂઢ થઈને, સૂસવતા વાયરામાં ધૂણતાં — બેવડ વળી જતાં ને પાછાં બેઠાં થઈ જતાં વૃક્ષો જોતા હતા. એ જ વૃક્ષો વરસાદ ઝીલતાં ને ટપ ટપ ટપક્યાં કરતાં ત્યારે કેટલાં ડાહ્યાંડમરાં લાગતાં. પાંદડાં ખરી જતાં હોય એ ક્ષણના લીમડા નીચે હજીય આંગણામાં શૈશવ લઈને હું દરેક પાનખરમાં ઊભો હોઉં છું. ને પછી કૂંપળો, મંજરીઓ અને લીંબોળીઓથી છલકાતા એ બાળભેરુ લીમડાને હજીય ગોખ્યા કરું છું. ખરી કવિતા તો એમના સાંનિધ્યમાં જ જિવાઈ હતી. એવી જ માયા લાગી હતી આંબા-મહુડા-રાયણની. સાગ-ખાખરાને કલાડી-કણજી પણ વહાલાં રહેલાં. આ પેન્ડુલા-ગરમાળા-ગુલમોર-કેસિયાં તો મોડેથી માર્ગમાં આવેલાં. મારા ગ્રામજીવનમાં શૈશવકાળથી કવિતા ગાવામાં એ બધાં મારી સાથે નહોતાં. એ તો આજે મને જીવતરની કવિતા શીખવી રહ્યાં છે ને હું આદરપૂર્વક વૃક્ષો પાસેથી બધું શીખવા જાઉં છું.
તડકાને ગણકાર્યા વિના પાદર વચ્ચે શાંતિથી ઊભેલો ઘટાદાર વડ કેટકેટલાં રૂપો ધારતો રહેતો. ચાંદનીમાં ડૂબેલું ગામ. અંધારામાં ત્રમત્રમતી સીમ, સારસોના અવાજ ભરેલી નદી, અધમધરાતે જાગી જતી કેડી, સાંજના તડકામાં મોલ ઝુલાવતાં ખેતરો, શિયાળાની સવારે તડકો ખાવા ખળે ખળે બેઠેલું ગામ — કંઈ કેટકેટલાં કાવ્યરૂપોની વચ્ચે શૈશવ પસાર થતું હતું. અરે, આંખ સામે જ, ખાલી કેતરના ચાસ અંકુરિત થતા ને જોતજોતામાં હારબદ્ધ છોડથી લીલછાઈ જતું ખેતર. વાડ ઉપર કંકોડાં મોટાં થઈ જતાં ને મકાઈના છોડ ઉપર ડોડાની કૂણી કૂણી મૂછો દેખાતી. ગભરુ કંટીઓ ધીમે ધીમે ડાંગરના ખેતરમાં અંગો ઉકેલતી, ચાંદની છલકાવતાં પોયણાં ખાબોચિયાને રૂપાળું બનાવી દેતાં, ગાય વિયાતી અને આંગણામાં વાછરડી કૂદાકૂદ કરી મૂકતી, થોરને ફૂલ આવતાં ને સાંજની ધૂળ સોનાવરણી થઈ જતી — આવા કાવ્યમય વાતાવરણમાં સમજ્યે-વણસમજ્યે ભણતા અને કવિતા (પદ્યો) ગાતા થઈ ગયા હતા!
શૈશવે તો દલપતરામની કવિતાનો જ પ્રભાવ હતો. ‘શિયાળે શીતળ વા વાય/પાનખરે ઘઉં પેદા થાય.’ અમારી આંખો સામે સ્તો એ કવિતા રોજેરોજ જિવાતી રહેતી. ‘ઉનાળે ઊંડાં જળ જાય/નદી સરોવર જળ સુકાય’ એના પર આપણે બધા સાક્ષી. ‘ચોમાસું તો ખાસ્સું ખૂબ/ દીસે દુનિયા ડૂબાડૂબ’ તો વરસતા વરસાદે તો નદીનાં ચઢતાં પાણી જોતાં જોતાં સહજ રીતે હોઠેથી સરી પડતી. કવિતા અને જીવતર જુદાં નથી — એવો શશવમાં અને શૈશવની કવિતામાં અનુભવ થાય છે એવો પછી ઓછો થાય છે. પેલાં ઘેરા પ્રભાવો પછી ઘટી જાય છે. શૈશવમાં તો જે કવિતા જીવતા હતા મોટપણે પછી એને સમજવાનોય ઓછો વખત રહે છે. દલપતરામે લય-પ્રાસ સાથે ભાષાની લેહ લગાડી હતી. એટલે તો ‘આસપાસ આકાશમાં/અંતરને આવાસ/ઘાસચાસની પાસ પણ/વિશ્વપતિનો વાસ’, પંક્તિઓ આજેય વાંચતાં વર્ગમાં કે જાહેરમાં મારું મોં ભરાઈ જાય છે ને ડિલમાં શૈશવનો પેલો રોમાંચ જાગે છે — જરાક વાર!
દલપતરામે તો ‘રમતગમત કરતાં કદી નહીં કરવું નુકસાન’ના પાઠ ભણાવેલા. ઊંટની શેખીની વાર્તા કવિતામાં મૂકીને પણ આપવડાઈ નહીં કરવાની શીખ બંધાવેલી. હસતાં હસતાં એ કવિએ કહેલી ‘પૂરી એક અંધેરી ને ગંડુ રાજા’ની કવિતા તો આજેય સાચી પડી છે. (નહીં તો ડુંગળી સાઠ રૂપિયે કિલો તથા ખાંડ અઢાર રૂપિયે કિલો કેમ હોઈ શકે, ભલા!) મુછાળી માની કે રમણલાલ સોનીના ગબલા શિયાળની, જીવરામ જોશીના મિયાં ફૂસકીની વારતાઓ પણ હતી, પણ કવિતા તો દલપતરામની. મનમાં થતું કે આ ખરો કવિ છે — જે જોયું તે કવિતામાં કહી આપે!
વરસાદમાં અમે નેવાંની કવિતા ઝીલતા. ઘાસ ઉપર જળકણોને જોતાં ને માટીમાંથી ઊઠતી ગંધને શ્વસતા. તાજી કૂંપળો ચાખતા. આની સાથે સાથે જ બાળવર્ગની કવિતા પણ વાંચતા. પેલી બે કવિતાઓ હજી નથી ભુલાઈ તે તો છે — બપ્પોરની અને મહાસાગરની. ‘બળબળતા જામ્યા બપ્પોર’ના બધાં જ રૂપો અમે સીમ-વગડે માથે કરેલાં. વંટોળ અને બપોરમાં અમે એ કવિતા ગાતાં ગાતાં દોડતા હતા. કેવું સાયુજ્ય હતું એ!
દરિયો જોયો નહોતો ત્યારે એનું કાવ્ય વાંચતાં ત્યારે ચકિત થઈ જતા — ‘તાડ જેવાં ઝાડ ડૂબે/મોટા મોટા પ્હાડ ડૂબે/કિલ્લાની કિનાર ડૂબે/મહેલ ને મિનાર ડૂબે’ — આવો મહાસાગર — ‘ગાંડો થઈને રેલે તો તો આખી દુનિયા જળબંબોળ જળબંબોળ!’ વર્ગમાં મોટા અવાજે ‘જળબંબોળ’ ગજાવતા ને આખા ગામમાં સંભળાતું ને લોકોને લાગતું કે ‘નેંહાળ બરોબર ચાલે સે—’
અજવાળી રાતોમાં ગામના મોટિયાર અને વહુવારુઓ-બેનદીકરીઓ મળીને ઘૂમર માંડતાં-ગાતાં :
‘શેરડીએ વેર્યાં ફૂલ મોહન મટકાળા
મારા ઘેરે તે પરભુ પરોણલા–
એને શાનાં ભોજન દેશ, મોહન મટકાળા—
એને તાજા ઘીની લાપસી
કાંઈ ભરભરિયો કંસાર મોહન મટકાળા
મારા ઘેરે તે પરભુ પરોણલા
એને શાનાં પોઢણ દેશ મોહન મટકાળા
સાગે સીસમના ઢોલિયા
કાંઈ રેશમિયા ઓછાડ મોહન મટકાળા…
ઢળતી રાતોમાં; ચાંદની ચીતરેલા ફળિયામાં ગવાતી આ ઘૂમરના લયતાલ ગમી ગયેલા. પછી તો એવાં લોકગીતો ભેગાં કરતા — ‘આઠે કૂવા ને નવ વાવડી રે—’ ‘ગાંમના પટેલી વીરા વેનવું રે—’ વચલી સૈયર શેણે દૂબળી રે — એનો પરણેત લાવે બીજી શોક્ય, મારા વાલા…’ જીવતરનાં સુખદુઃખની કથા કહેતી આ લોકકવિતાની સાથે સાથે બાળકવિતા અને પછી કિશોરવયની કવિતા પણ મોઢે રટણા થઈ લાગી હતી.
‘મારી મેંદીનો રંગ ઊડી જાય રે, સૂરજ ધીમા તપો!’ ગાવાનુંય ગમતું પણ ‘દરિયાને તીરે એક રેતીની ઓટલી, ઊંચી અટૂલી અમે બાંધી જી રે… પહેલા મહેમાન તમે આવો સૂરજદેવ, પગલું સોનાનું એક પાડજો જી રે, પગલામાં વાત લખો પરીઓના દેશની, ફૂલડાંની ફોરમ પૂરજો જી રે—’ ગીતે તો કામણ જ કર્યું હતું. આજેય આ ગીતો ગમે છે.
આષાઢ બેસતો, વાદળો આવતાં ને વીજ ચમકતી — મારે મોઢે તરત બાદરાયણનું કાવ્ય નીકળતું — ‘ઝબકી ઝબકીને જરી વિશ્વને ઉજાળતી વીજળી વ્યોમમાં છુપાઈ જાય ક્યાં?’ આજેય દર અષાઢે આ કાવ્ય ગાઉં છું — બસની બારીએ કે યુનિવર્સિટીના રસ્તે વરસાદમાં જતાંવળતાં! રોજ સવારે ન્હાવાનું પાણી ગરમ કરવા માટે ચૂલો સળગાવવો પડતો. લાકડાં ના સળગે ત્યારે પ્રાર્થના જ યાદ આવતી ‘એક જ દે ચિનગારી, મહાનલ! ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો/સળગી આભ અટારી/ના સળગી એક સગડી મારી/વાત વિપત ભારી/મહાનલ’ સાચી વાત છે. આજે પણ મહાનલને મારે તો એ જ પ્રાર્થના કરવાની રહે છે! કવિતા જીવનનો સાથ નથી છોડતી તે આ અર્થમાં. આપણી સગડી હજી સળગી નથી.
‘એક ઈડરનો વાણિયો’ કવિતા તો ઈડરમાં રહીને પણ જીવ્યો છું. પણ પેલી ‘મીઠી માથે ભાત’વાળું કાવ્ય આજેય ગમગીન કરી દે છે. એ મીઠી તે મારી બેન અને પેલાં ખેતરો-વગડો એ તો મારાં જ વતન ખેતરો છે. તો વળી રવીન્દ્રનાથ ટાગોરની ‘સાંથાલની નારી’ — મેઘાણી કલમે અનૂદિત થઈને છેક મારા શૈશવ સુધી વહી આવી હતી, શાંતિનિકેતન જતાંવળતાં એ જ સાંથાલની નારીઓને જોઈય ખરી. હજી એમના દુર્દિન પૂરા થયા નથી, એમની શ્યામળી કાયાનું રૂપ જોઈને એ જ પંક્તિઓ પાછી સાંભરે છે :
‘આષાઢી મેઘ અને થોડી-શી વીજળી
લઈને બેઠેલ હશે બ્રહ્મા…
ભૂલકણા દેવ! તમે પંખીડું વીસરી
ઘડી કેમ માનવીની કન્યા?’
આ પંક્તિઓ આગળ આજે પણ ઉદાસ થઈ જવાય છે. પછીની કાવ્યયાત્રા પણ જીવન સાથે જ ચાલી છે… પણ શૈશવ અને કવિતાનો સંવાદ અપૂર્વ રહ્યાં છે એની ના નહીં!
[૧૭-૧૨-૯૮]
પ્રગટ ૨૦-૬-૯૯