ભૂંસાતાં ગ્રામચિત્રો/૨૧. બરોબરી ના રૈયે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૧. બરોબરી ના રૈયે}} {{Poem2Open}} ‘ગામડાંમાં માણેલાં કેટલાંક દૃશ્...")
(No difference)

Revision as of 10:43, 13 January 2022

૨૧. બરોબરી ના રૈયે


‘ગામડાંમાં માણેલાં કેટલાંક દૃશ્યો કદીય ભુલાતાં નથી. એવાં કેટલાંક દૃશ્યો તે લગ્નપ્રસંગોનાં ને શુભ અવસરોનાં છે. ખાસ તો છોકરીઓ વત્તા વહુવારુઓ બે પક્ષમાં જાતે વહેંચાઈ જઈને ગાણાં-ફટાણાં ગાતી હોય છે તેવાં દૃશ્યો. નવા ઘરનું ‘ખાતમૂરત’ કરવાનું હોય ત્યારે બ્રાહ્મણ આવે ને બધી વિધિ થાય. મોટાભાઈ-ભાભી કે બા-બાપા આ પ્રસંગે વિધિમાં બેસે — પાસપાસે બે પાટલા મૂક્યા હોય કે કંતાન-કોથળાં પાથર્યાં હોય. ભાઈએ (પુરુષે) કેલિકો મિલનું રાતી કોરનું સફેદ ધોતિયું, લાંબી બાંયનું બગલાની પાંખ જેવું ખમીસ પહેર્યું હોય, માથે ઊંચી દીવાલની ને ધોઈ ગળી કરેલી સફેદ ટોપી મૂકી હોય. કપાળ કંકુચોખાથી શોભતું હોય ને બ્રાહ્મણ વિધિ કરાવતાં હથેલીમાં દહીંપાણી આપતો હોય, સંપુટમાં પૈસો-સોપારી રખાવી વિધિ કરતો હોય ત્યારે બાજુમાં ભાભી (સ્ત્રી) ભાઈને ડાબે પડખે બેઠાં બેઠાં એમનો જમણો હાથ ભાઈને ખભે અડકાડી રહ્યાં હોય… એમણે માથે, વિવાહટાણું પત્યા પછી થાંભલે ભેરવેલો મોડ ઉતારીને પહેર્યો હોય, એમનું કપાળ પણ કંકુચોખાથી શુભ ભાસતું હોય, પેટીમાંથી કાઢીને રાતો ગવન કે રાતા રંગનાં ફૂલોવાળો પીળો કોસંબો પહેર્યો હોય. એમાંથી જુદી જ સુવાસ આવતી હોય… ને એ મંદમંદ મલકાતાં હોય! ત્યારે મને થતું કે આ પરણેલાંને ગોર મહારાજ ફરીથી કેમ પરણાવતાં હશે! ને આવા પ્રસંગે વિધિમાં બેસનારાંનો ઉમંગ પણ વરકન્યા જેવો જ! એટલે તો વધારે ભાઈઓવાળા ઘરકુટુંબમાં ગ્રહશાંતિ, ગણેશપૂજા ને લગ્ન કરાવવા ટાણે કોણ બેસે એ માટે પડાપડી કે મનદુઃખ થતાં હોય છે! એમાંય ભાઈ કે બેનને લગ્ન ટાણે ‘ગોતેડો’ (ગોત્રજ) ભરવા માટે તો વડીલોએ દરમિયાનગીરી કરીને સૌને વારા કરી આપવા પડતા. નદી કે કૂવે બેડું ભરવા સૈયરો સાથે ગયેલી વહુવારુને સામે લેવા એનો પતિ વર જેવો જ સજીધજીને ઢોલવાજાં સાથે જાય… બંનેની વચ્ચે, નજીક આવવાનાં મનામણાં થાય… નવાંસવાં જુવાનિયાં હોય તો વધારે મદે ચઢે. વરરાજા કહે  : ‘એને કહો, પાસે આવે’ તો વહુ માથે બેડું હોવા છતાં નમતું ના મૂકે… ઉનાળાનો તાપ હોય, છોકરીઓ બેઉ પક્ષે ફટાણાં ગાતી હોય  :

‘ઘયડી ઢેફાંમાં શું ઊભી, ઘયડી આવ રે લગોલગ…
તારા છેડલા ગંઠાડું ઘયડી આવ રે લગોલગ…!’

વરપાઠમાં આવી ગયેલા ભાઈ ઢોલી રમાડતા હોય ને માથે ધોતિયું ફેલાવી બેઉ પક્ષે છાંયડો કર્યો હોય… છેવટે વડીલો આવે ને પટાવીને છેડા ગાંઠે ને એમ ગોતેડો ભરીને બધાં ઘેર આવે… નણંદને દાપું મળે… ભાભીને ગાળો (ફટાણામાં કહેલી) ગૉળ જેવી લાગી હોય, તો ભાઈને પુનઃ પરણ્યા જેટલો વડ પડ્યાનો સંતોષ હોય! મારા ભાગેય આવો એક ગોતેડો ભરવાનો આવેલો… ને મેં કશીય હઠ વિના વાતને પતાવી દીધેલી — એથી ગાનારાં-જોનારાંને ભારે નિરાશા થયેલી. છોકરીઓએ ગાયેલું એ ફટાણું આજેય યાદ છે — મારો પક્ષ લઈને ભાભીને ગાળો દેવાની મજા પડવાથી ગાનારીઓ ખુશ હોય છે  :

‘છેક છેનાળની, છેક પાતરની, તારું કોઈ નથી રે!
આગળ છે મારા મનુભૈ તને ખેંચોટીને લેશે રે!’

આ ગાણાંમાં નર્યો આનંદ છે… મજાક માટે ગવાતાં આ ગાણાં છે. જોકે એમાં માબાપ અને કુળની સામે દેવાતી ગાળો અમસ્થી મશ્કરી-ગમ્મત હોવા છતાં ક્યારેક કોઈક ‘સંવેદનશીલ’ વહુને કે ભાઈને દુઃખી કે ગુસ્સે કરી દે એવુંય બને છે.

નવું ઘર કરવાનું હતું ત્યારે ‘ખાતપૂજા’ માટે ભાઈભાભી બેઠેલાં. ભાભીનાં પિયરની બીજી વહુવારુઓએ ભાભીનો પક્ષ લઈને ગાણું ઉપાડેલું :

‘બરોબરી ના રૈયે, બેની! બરોબરી ના રૈયે…
એ તો નેંચોના ના લાજે, મોટોનાં બરોબરી ના રૈયે…
આપણાં સમરથ સગાં દેખે મોટોનાં બરોબરી ના રૈયે…’

તો ભાઈને પક્ષે કુટુંબની કુંવારકાઓ ભાભીને ગાળો, મીઠી ગાળો ભાંડવની તક કેમ જવા દે! એમણે તો ત્રણચાર ગાણાં ગાયેલાં :

‘પાટલા ઉપર પોપટ નાચે હાર્યા ના જાંવ મારા ભીખાભૈ…
શેનાળની છોરીને ગબગોધો ઘાલજો, ધરુસકે—
રોવડાવજો, હાર્યા ના જાંવ મારા મોટાભૈ…
ચણા આલજો, સબ છાંની સાખજો… હાર્યા ના જાંવ—’

ગ્રહશાંતિ કરવા વેળાય આવાં પાટબેસણાં તો હોય જ. ત્યારે વળી નવાં ગાણાં ગવાય  :

જોડ્યે ના બેસીએ વીરા! જોડ્યે ના બેસીએ…
આપણ મોટોના વીરો, એ તો ભંજ્યોની છૉરી
જોડ્યે ના બેસીએ…

અચાનક મોટીભાભીઓ પણ ગાવા માંડે  :

‘મનફાવે તો બેસજો રે! મોટાંનાં બ્હેની!
ઓરડે ઊઠી આવો રે! મોટાંનાં બ્હેની!
બિલાડીનું બચ્ચું રે! મોટાંનાં બ્હેની!
અમને નથી ગમતું રે! મોટાંનાં બ્હેની!
ઘરમાં ઊઠી આવો રે! મોટાંનાં બ્હેની!’

નામ ફેરવીને આ ગાણાં સ્ત્રી-પુરુષ બંને પક્ષે ગવાય છે. ગણેશબેસણું, મંડપ ઉગાડવો, ગોરમટી લાવવી, ઉકરડી નૂતરવી — આ બધી વિધિઓ લગ્નની સાથે જોડાયેલી છે. એમાંય સ્ત્રીની કે પતિપત્ની બેઉની જરૂર પડે છે. આ દરેક પ્રસંગે ગવાતાં ગાણાં છે. આજે તો બધાં ભણીગણીને ‘સુધરી’ ગયાં છે… ‘રુદાલી’ના જમાનામાં હવે તો ભાડૂતી ગાનારાં લાવી શકાય છે. ગરબા જેવા કાર્યક્રમો રાખીને લગ્નની અસલિયતને કૈંક બજારું બનાવી દેવાનું અળવીતરું લાગે છે. રેડિયો-ટીવીનાં માધ્યમોએ ગીતો-ગાણાંના રાગ-લય પણ બદલી નાખ્યા છે. હવે પેલાં ફટાણાં-ગાણાંને બદલે ફિલ્મી ગીતોની એંઠી ધૂનો ઉપર કૃતક ને અણઘડ ગીતો ગાનારી ‘નવી પેઢી’ આવી ગઈ છે… ત્યારે, મારે મન પેલાં અસલ દૃશ્યોનું મૂલ્ય વધી જાય છે… પેલાં ગાણાંની મીઠાશ ને હલક પણ કાનમાં સંભળાયા કરે છે.

[૬-૭-૯૫]