ચિલિકા/ગંગાજીના: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગંગાજીના|}} {{Poem2Open}} હમણાં દસ-બાર દિવસ દિલ્હી રહી આવ્યો. ઑફિસન...") |
(No difference)
|
Revision as of 05:21, 31 January 2022
હમણાં દસ-બાર દિવસ દિલ્હી રહી આવ્યો. ઑફિસની ટ્રેનિંગ હતી. ખુલ્લા પહોળા રસ્તા, નવી દિલ્હીના બગીચાઓ, જૂની દિલ્હીનાં પ્રાચીન સ્થાપત્યો, અનેક કેન્દ્રીય સંસ્થાઓ, આ બધું હોવા છતાં દિલ્હી જચતું નથી. આ શહેર જાણે તેના ભૂતકાળને અંદર સંઘરી તેના સાર, સત્ત્વ, તત્ત્વને લોહીમાં વહેતું રાખતું નથી. ભૂતકાળને તે ભૂલી ગયું છે તેવું નથી. દિલ્હી તો ભૂતકાળને મરેલ માટીનો ટીંબો માની તેના પર બેસી ચાઇનીઝ ડિશ ખાય છે કે કોકાકોલાએ સૉરી ‘કોક' પીએ છે. દિલ્હી પાસે આટલું બધું હોવા છતાં તેનો કોઈ આગવો નાકનકશો ચહેરો બનતો નથી, જે ચહેરો મુંબઈ, કલકત્તા, મદ્રાસ કે પૂના, લખનઉ પાસે છે. પચ્યા વગરની સત્તા લોકોના દિમાગમાં ચડી ગઈ છે. શહેરમાં રહેવા છતાં ય જાણે શહેરની, શહેરના લોકોની હૂંફ નથી. દિલ્હીમાં પંજાબીઓ, શીખો, હરિયાણવીઓ, પહાડી લોકો, ઉત્તરપ્રદેશ અને પ્રાંતપ્રાંતના લોકો વસ્યા છે. દિલ્હીના પોતાના મૂળ રહેવાસીઓ લઘુમતીમાં છે. દિલ્હીની રાજકીય આઇડેન્ટિટી ભલે હોય તેની આગવી કોઈ સાંસ્કૃતિક કે પ્રજાકીય અસ્મિતા નથી. દિલ્હીમાં રહેવા છતાંય એક રીતે ઊખડેલા ઊખડેલા રહેવાય છે. દિલ્હીના રોકાણમાં વચ્ચે એક રવિવાર આવતો હતો. રવિવાર દિલ્હીમાં બગાડાય નહીં; તેને તો ક્યાંક ફરવા જઈ સુધારવો જોઈએ. પહેલેથી પ્લાનિંગ હતું કે હરદ્વાર જવું – દાદાજીનાં અસ્થિવિસર્જન માટે. મારી નાડીઓમાં જેમનું લોહી વહે છે, મારા જીન્સમાં જેમના જીન્સ છુપાયા છે અને જેમના વગર પૃથ્વીના સુંદર ગ્રહ પર મારું અવતરણ ન થયું હોત તે દાદા પ્રત્યે ઋણસ્વીકાર પ્રગટ કરવા કરતાંય વિશેષ તેમની પ્રત્યેની કૃતાર્થતા પ્રગટ કરવા હરદ્વાર તેમના અસ્થિ વિસર્જન માટે જવું. ને રવિવારે રાત્રે જ દિલ્હી પાછું આવી જવું હતું એટલે શનિવાર રાતની જ બસમાં હરદ્વાર જવાનું નક્કી કર્યું. અગિયાર વાગ્યાની સેમિ લક્ઝરી મળી, હતું કે સવારે સાડા પાંચ-છ વાગે હરદ્વાર પહોંચાડશે, પણ ગાઝિયાબાદ છોડ્યા પછી ભુરાઈ ભેંસની જેમ દોડતી એ બસે સવારના ચાર વાગે જ હરદ્વારમાં ઉતારી મૂક્યો. જાન્યુઆરી મહિનો અને હિમાલયમાંથી આવતો ઠંડો પવન, હાથ અને ચહેરાનો ભાગ ઠંડા પવનના નોરિયાથી ઉઝરડાયા કરે. બસ સ્ટૅન્ડ પર ગલૂડિયાની જેમ ગોટમોટ ભરાઈને સતેલા ગોમડાના માણસો. સિમેન્ટના ખાલી બાંકડા પર બેસવા જાઉં ને ઠંડો ડામ દીધો હોય તેમ ઊભો થઈ જાઉં. જાણે હમશિલા કે બરફની પાટ પડી હોય તેવા ઠંડા બાંકડા. અહીં બેસવા કરતાં તો બહાર ચાના ગલ્લે વરાળ નીકળતા લોકોના મોં જોતાં જોતાં ફળફળતી ગરમાગરમ ચા પી હર કી પેડી તરફ ધીમે ધીમે ચાલતા થવું સારું. ચા પીધા પછી ગરમાટો આવ્યો. શાલની બહારવટિયા જેવી બુકાની બાંધી સરિયામ રોડ પર ચાલી નીકળ્યો. પહોંચવાની કોઈ જ ઉતાવળ ન હતી. જોગિંગ કરીને દોડતા જવાનો અને ગામના કૂતરા પાછળ દોડાવવાનો અર્થ ન હતો. હું તો સવારના પ્રહરની જેમ, લલિત, ભૈરવ કે તોડીના આલાપની જેમ ધીમે ધીમે ટહેલતો ટહેલતો ચાલતો હતો. હરદ્વારના એસ.ટી. બસ સ્ટૅન્ડથી હર કી પેડી જવાનો સીધો જ રસ્તો હતો. કોઈને પૂછવું ન પડ્યું. સવારના સાડા ચાર વાગ્યે મારા જેવા બેચાર યાત્રાળુઓ તે તરફ જતા હતા. હું તેમનાથી અંતર રાખી તેમની પીઠ પાછળ. રસ્તામાં ઓસવાલ, પાલીવાલ, સોની, અગ્રવાલ, મારવાડીઓની ધર્મશાળાઓ જોતો જતો હતો. એ બધી ધર્મશાળાઓ એટલે નકશીદાર હવેલીઓ, કાષ્ઠકારીગરીવાળો ડેલો, ઝરૂખાની નકશીદાર જાળીઓ, છાપરાની કાંગરીઓ, બારીના જાળિયા, પેઢલીઓ, થાંભલીઓ... આ બધું હવેલીને સોળ સાજે શણગારતા હતા. આજથી પચાસ-સો વર્ષ પહેલાં જ કેવા સુંદર આગવા વ્યક્તિવાળાં મકાનો બનતાં હતાં અને તેમાં લોકોની કળાદૃષ્ટિ કેવી રીતે પ્રતિબિંબિત થતી હતી તે જોઈ આશ્ચર્યચકિત થઈ જવાયું. કેટલીક ધર્મશાળાઓ નાની પડતી હશે તેથી તેનો ઉપર નવો માળ ચણેલો દેખાતો હતો. નવો માળનો વરવો સીધો સપાટ વાંસો આખા મકાનના શાલીન કલાત્મક આકાર સાથે વિરોધાભાસ રચતો હતો. અમદાવાદની સુક્કી રેતાળ સાબરમતી અને રાજકોટની પથરાળ ખાલીખમ આજી નદીને જોઈ જોઈને ઊછરેલા લુખી નદીના દેશમાંથી આવનારા મારા જેવાને તો ગંગાદર્શન ખરેખર આહ્લાદક હતું. સવારના પાંચ વાગે ત્યાં પહોંચ્યો ત્યારે હર કી પેડીના પુલ પર, વચ્ચેના ટાપુ પર કોઈ કરતાં કોઈ ન હતું. સોડિયમ લાઇટના પ્રકાશમાં ધસમસતાં પાણી ચમકતાં હતાં. ગંગામૈયાના મંદિરના કે બીજા મંદિરનાં દ્વાર ઉઘડ્યાં ન હતાં. શિયાળાની સવારે એ બરફ જેવા ઠંડા પાણીમાં પડી ઝટપટ ખંખોળિયું ખાવાનું મન નહોતું થયું. ત્યાં તો સામે ઘાટે કેટલાક શ્રદ્ધાળુઓને નાહવાની તૈયારી કરતા જોયો. હુંય હિંમત એકઠી કરવા ત્યાં ગયો. કપડાં કાઢ્યાં ત્યાં તો ઠંડા પવનની થપાટો. ઝટપટ પગથિયાં ઊતરી સાંકળ પકડી માથાબોળ ડૂબકી મારી. મને આટલા હીમ જેવા પાણીમાં નહાવાની હિંમત અમસ્તી જ નહોતી આવી. એક સિત્તેરેક વર્ષના માજીને મેં કોઈના ટેકે ગંગાજીમાં ઊતરતાં અને નહાતાં જોયાં. થોડી ક્ષણ તો એમ થયું કે મારી હિંમત મને ભારે પડી ગઈ. છેક હાડકા સુધી ધ્રુજારી વ્યાપી ગઈ. હાથમાં અસ્થિની ડબી હતી તે જેમતેમ ગંગાજીમાં ઠલવી ફરી ખંખોળિયું ખાધું. માથા પર કોઈ બોથડ પદાર્થનો પ્રહાર થયો હોય તેમ માથું સુન્ન થઈ ગયું. શરીર આખું થરથર ધ્રૂજે. પગનાં તળિયાં તો મરેલા માણસ જેવા ટાઢા હીમ. ડિલ લૂછ્યા પછી શરીર એટલું તો ઠંડું કે ઠંડો પવન પણ હૂંફાળો લાગવા માંડ્યો. બૂટ, મોજાં, મફલર, શાલથી શરીરને ઢબુર્યું, ગરમાગરમ ચાના બે ડોઝ લીધા તોય પગના તળિયાની ઠંડી ન જ ગઈ. નાહ્યા પછી ચાલતો ચાલતો પંડાઓની લૂંટ જોવા ગયો. હવે એક વાગે શ્રાદ્ધ કરવા આવેલા બે-ચાર શ્રદ્ધાળુઓ વાળ ઉતરાવતાં, શ્રાદ્ધના મંત્રો બોલતાં કે ગંગાજીમાં અંજલિ આપતાં નજરે પડતા હતા. રાજસ્થાનથી આવેલા બે ગરીબ મારવાડીઓને પાછા જવા માટે ભાડાના પૈસાય માંડ માંડ નીકળે તેમ હતા. સવારે મને મળ્યા ત્યારે આવા પંડાઓની ચુંગાલમાં પડવાને બદલે ભક્તિ અને શ્રદ્ધાથી જાતે જ ગંગાજીમાં અસ્થિ પધરાવવા મેં સલાહ આપી હતી. આખી જિંદગી શ્રદ્ધા કહો કે અંધશ્રદ્ધા કહો, તેને આધારે જ જીવનારા અને ટકનારા એ ભોળા માણસો મારી સલાહ સારી અને સાચી હોય તોપણ ક્યાંથી માને? તેમના માટે તો આ મોટો પ્રસંગ હતો. તેમની જીવનધારક શ્રદ્ધાનો સવાલ હતો. છએક વાગે એ મારવાડીઓનેય મુંડિત શિરે બ્રાહ્મણના પઢાવેલા મંત્રો બોલતા જોયા. આમ જુઓ તો મારુંય ક્યાં મારા મન પર ચાલ્યું હતું? પિતાજીએ તો નવા જમાના પ્રમાણે મને છૂટ આપેલી કે ગંગાજીમાં નહાવાનું જરૂરી નહીં તે ગેસ્ટ હાઉસ નાહીને જાય અને અસ્થિ પધરાવી દે તોપણ ચાલે. મને પણ ગંગાજીમાં ઊતરી ખંખોળિયું ખાવાની હિંમત ન હતી છતાં મારામાં એક હિન્દુ તરીકે રહેલા સામૂહિક અજ્ઞાત, કલેક્ટિવ અનકોન્શિયસ મને, એક શ્રદ્ધાએ મને દોર્યો અને બ્રાહ્મમુહૂર્તની એ થીજવી નાખતી ઠંડીમાં હીમ જેવા જળમાં હું નાહ્યો અને નાહ્યા બાદ જ દાદાજી-બાપુજીના અસ્થિ વિસર્જિત કર્યા. હરદ્વાર હર કી પેડી પરથી જ સામેની હિમાલયની તળેટી તરાઈની ડુંગરમાળ દેખાતી હતી. આ વખતે અહીં સુધી આવ્યો છું તો હૃષીકેશ અવશ્ય જઈશ તેવી ઇચ્છાથી સવારે આઠેક વાગે જ દાદાજીના અસ્થિને પોતાના અત્યંતરમાં વહાવી ખળખળતી ગંગા માતાને પ્રણામ કરી હૃષીકેશની બસમાં. રાતની અપૂરતી ઊંઘ, સવારનો ચાલવા નાહવાનો શ્રમ અને બસના હડદા. ઊંઘરેટાયેલી આંખે હૃષીકેશ પહોંચ્યો. પાઘડીપને વિસ્તરેલું ગામ હવે તો બીજા ગામ જેવું જ થઈ ગયું છે. લક્ષ્મણ ઝૂલા જવા માટે છકડો રિક્ષામાં બેઠો. ગામ પૂરું થયા પછી વચ્ચે વચ્ચે ગંગાજી દેખાય. સામે કાંઠે વૃક્ષઆચ્છાદિત પર્વત, મંદિરો, આશ્રમો, ધાર્મિક સંસ્થાઓની હારમાળા. આ કાંઠે હૉષીકેશ ગામ અને વચ્ચે ધસમસતો પ્રવાહ. ફોટામાં જોયેલ લક્ષ્મણ ઝૂલા પુલ પરથી પસાર થતાં રોમાંચ ન થયો, કદાચ ૨૦-૨૫ વર્ષ પહેલાં આવ્યો હોત તો થાત. સામે કાંઠે પહોંચ્યો ને ટી.-સિરીઝવાળા ગુલશનકુમારની ભજનોની કૅસેટોના વીડિયો મોટેમોટેથી સંભળાયા. અહીં પણ યાત્રિકોને ખરીદી કરવા માટેના એમ્પોરિયમ, ચા-નાસ્તાની દુકાનો, ભક્તિ માટે મંદિરો, રહેવા માટે આશ્રમો. બધું અજબનું ભેળસેળ. દૃશ્ય મનોરમ પણ આ બધાંને લીધે થોડું વેરવું. હું આશાભંગ થઈ ગંગાના કાંઠે ગયો. કમાનાકારે વળાંક લેતી નમનીય ગંગા, વચ્ચે મોટી શિલાઓ સાથે અથડાઈને રૂપેરી શીકરોમાં ઊડતું પાણી, રૂપેરી ફીણના લિસોટાઓ, ભીની રેતી અને નાદ કરતી જતી નદીનો કલકલ ધ્વનિ. પર્વતોના ઢોળાવ ઊતરી પહેલી જ વાર મેદાનમાં ઊતરતી ગંગાની એ ચંચળતા, ગતિ અને ખળખળતા અવાજની વચ્ચે શાંત શિલા પર બે-ચાર મિનિટ બેઠો અને યાત્રાની સફળતા-કૃતાર્થતા લાગી. ગંગાના તોફાની વહેણથી હજારો પથ્થરોને અહીં જાતજાતના ઘાટ મળ્યા છે. અનેક રંગના નાના-મોટા ગોળ, લંબગોળ, ઈંડા આકારના, ડિઝાઇનવાળા, સાદા, અંદર શીરાઓવાળા, ટપકી રંગ છાંટણાવાળા, અમથી એવી રંગઝાંયવાળા પથ્થરો. કલાક દોઢ કલાક એ પથ્થરોની શંકર સૃષ્ટિમાં જ ખોવાઈ ગયો. બાવડામાં બળ હતું અને થેલામાં મજબૂતાઈ હતી એટલા પથ્થરો વીણી વીણીને ભર્યા. હરદ્વાર હૃષીકેશથી ગંગાજળ મેં ન લીધું પણ ગંગાજીના ખોળામાં રમેલાં દડેલાં, આકાર પામેલાં ઘનીભૂત ગંગાજીને હું પથ્થર રૂપે મારા ઘરમાં લઈ આવ્યો.