ચિલિકા/ઋણના: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ઋણના|}} {{Poem2Open}} થોડાં વરસો પહેલાં ગાંધી જયંતી પ્રસંગે ગાંધીજ...")
(No difference)

Revision as of 05:27, 31 January 2022

ઋણના

થોડાં વરસો પહેલાં ગાંધી જયંતી પ્રસંગે ગાંધીજીના જન્મસ્થાન કીર્તિમંદિર પોરબંદરમાં યોજાયેલી સર્વધર્મ પ્રાર્થનાના પ્રસારણ અર્થે ગયેલા. પોરબંદર જઈએ એટલે નરોત્તમ પલાણને મળવાનું હોય જ. ફરંદા આદમી. આ આખો મલક ખૂંદી વળેલા. સમય હોય તો આસપાસની જોવાલાયક જગ્યા બતાવવા અમે વિનંતી કરી. ગળાડૂબ કામમાં હતા તોય રખડવાની વાત આવી એટલે તૈયાર. બરડા ડુંગરની તળેટીમાં રાણાવાવ પાસે આવેલી જાંબુવાનની ગુફા જાતે બતાવી. એક નાના એવા બાકોરામાંથી નીચે ઊતરવાનું. નીચે ઊતરવા જાવ એટલે ઘોર અંધારું આવતું જાય. સાતમા પગથિયે તો ગળાડૂબ અંધારામાં. ‘ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા.’ પ્રાર્થના યાદ આવી ગઈ. થોડે નીચે ઊતર્યા અને આંખ અંધકારથી ટેવાઈ અને નીચેનાં પગથિયાં કળાયાં. નીચે પ્રકાશ વધતો ચાલ્યો. છેલ્લે પગથિયે જઈ ઊભા તો અધધ.. એક મોટો વિશાળ ખંડ. ઠંડો, ભેજ, માટી અને અવાવરું ગંધથી ભરેલો. જાણે અંડરગ્રાઉન્ડ નાનકડું સભાગાર. ઉપર વચ્ચે એક બાકોરું. તેમાંથી ગુફાખંડમાં જાણે સ્પૉટ લાઇટ પડે. ચૂનાના પથ્થરોની આવી ગુફા આપણે ત્યાં વિરલ. ચૂનાના પાણીએ ઝમી ઝમી પછી જામી જઈ અનેક શિવલિંગો બનાવેલાં. અંદરની રેતી અબરખના ચળકાટવાળી. નરોત્તમભાઈ ન હોત તો આ ગુફા ન જોઈ હોત. બપોરે રાજકોટ પાછું ફરવાનું હતું. નરોત્તમભાઈ કહે, ‘રસ્તામાં ખંભાળા ડેમ જોતા જજો. પોરબંદરને પાણી પૂરું પાડવા રાણાસાહેબે વરસો પહેલાં બનાવેલો. ચારે તરફ બરડાના ડુંગરો અને ડૅમ પાસે એક ડુંગર પર રાણાસાહેબનો શિકારમહેલ છે. સમય હોય તો ચૂકશો જ નહીં.” નરોત્તમભાઈએ આંગળી ચીંધી હોય તે જગ્યા જરૂર જોવા જેવી હોવાની જ. વળતાં અમે ગાડી તે તરફ લીધી. મેદાન છોડી મેટાડોર બરડાની ગિરિમાળામાં પ્રવેશી. ડૅમની હેઠવાસનાં બે-ચાર ગામ લીલીનાઘેર જેવાં – થોડે ઉપર જ ડૅમ છે તેની એંધાણી આપતા હતા. આગળ જતાં બે ડુંગરો ને વચ્ચે ડૅમની ધાર દેખાણી. એક બાજુના રસ્તેથી ગાડી ઉપર ચડાવી તો સીધી ડૅમ ઉપર પંપિંગ સ્ટેશન ઉપર ઊભી રહી અને જાણે પેલી તરફની બીજી દૃશ્યાવલિ ઊઘડી. ડૅમની આ તરફ બરડાની ડુંગરમાળનાં તોરણ, ડુંગર પરનાં જંગલ ઝાડવાં પાછળ ઉપર એક ટેકરી પર સહેજ કાળો પડી ગયેલો, ખડકો સાથે ભળી ગયેલો શિકારમહેલ અને ડૅમની બીજી તરફ હેઠવાસની લીલી નાઘેર, આકાશવાણીની ઓળખાણથી આવકાર સારો મળ્યો. મહેલને બહારથી જોઈને જ અંદરથી જોવા માટે લલચાયા હતા. અમારી અંદરની ઇચ્છા જાણે પામી જઈ ત્યાં રહેલા એક મરદ મુછાળા પડછંદ પુરુષે કહ્યું, ‘રાણાસાહેબનો શિકારમહેલ જોવો છે? આમ તો પબ્લિક માટે બંધ છે પણ તમે આકાશવાણીવાળા. જોવો હોય તો હાલો બતાવું. તમારી ગાડી આંયાં રેવાં દ’યો. ઈ ઉપર નંઈ ચડે. મારી ગાડીમાં બેસી જાવ.’ સાથીદારોમાંથી બેચાર સાથે આવ્યા ને બેચાર નીચે જ રહ્યા. પહેલાં તૈયાર થનારામાં હું એકલો જ હતો. સાથે જવાની હા પાડ્યા પછીય એક ખરાબ વિચાર ઝબકી ગયેલો કે આવી અંતરિયાળ જગ્યામાં જાતને સાવ અજાણ્યાને હવાલે કરી દેવી ઠીક નહીં. ઉપર લઈ જઈ ગોંધી, પતાવી દાટીય દે. આજના સમયમાં કોઈ વિશે કાંઈ કહેવાય નહીં. ફરી પાછું થયું ‘એવો નાગરી વિચાર રહેવા દે. જો તો ખરો. વણ કહે સામેથી ઇજન આપનારના મોં પર કેવા ખાનદાનીના ને મહેમાનનવાઝીના ભાવ છે. માણસજાત પર આટલો અવિશ્વાસ ન રાખ. લૂંટી લૂંટીને એ બાપડો બસો રૂપઈડીની ઘડિયાળ સિવાય શું લૂંટી લેવાનો છે? અને તને પતાવીને કરે ય શું. આવા ઉમદા આદમી પર અવિશ્વાસ રાખવાનું પાપ ન કર. વિશ્વાસ રાખ.’ હાથમાં મોટું કડું પહેરેલો એ પડછંદ, નાકે નમણો જુવાન અહીંની ખડતલ અને ખુમારીભરી મેર કોમનો હતો. નામ પ્રવીણભાઈ. અમારા સ્ટાફના સિનિયર એનાઉન્સરે પોરબંદરના તેમના જ્ઞાતિબંધુ ગિરીશભાઈ કેશવાળાની ઓળખાણ ગર્વથી કાઢી. મહેલ દેખાડવાના તેના ઉત્સાહમાં જ કશુંક અપ્રતિરોધ્ય તત્ત્વ હતું. અમે તેમની જીપમાં ચડ્યા. સમથળ જમીન તો હતી નહીં. ટેકરીના ઢાળ પર ઊભેલી જીપ કાચા રસ્તે જ સીધી ડુંગર પર ચડવા લાગી. સીધો ઢાળ ને રસ્તો કાચો. કાંકરા, પાણીએ કોરેલી નીકોથી બિસ્માર રસ્તે બે મિનિટમાં ઉપર તો પહોંચ્યા પણ જીવ તાળવે ચોંટી ગયેલો. તે તો હાઈવે પર ચલાવતો હોય તેવા વિશ્વાસથી ચલાવતો હતો. તેના મજબૂત કાંડા જ સ્ટીયરિંગને સેકંડે સેકંડે આમથી તેમ વાળી શકે. મહેલ પાસે પહોંચ્યા ને જીપનું હૉર્ન સાંભળી અંદરથી એક આધેડ આદમીએ દરવાજો ખોલ્યો. એ દરવાજાની જાળી નકશીદાર. દરવાજા પછી વચ્ચે સરસ ગાર્ડન સર્કલ. ફુવારો અને રોમન મૂર્તિ. ઓહ! વિનસ, ક્યુપિડ, જ્યુપિટર તમે અહીંયાં આ અમારા કાઠિયાવાડના માયાળુ મલકમાં? રાણાસાહેબ નટવરસિંહજીની માયા જ તમને અહીં લઈ આવી. મહેલની પોર્ચમાં જીપ ઊભી રહી. બે તરફ વળાંક લેતી. લહેરિયા લેતી ઢોળાવદાર પગથી અને ઘાટીલાં પગથિયાં, પગથિયાં પાસે આંખને રોકતી બીજી એક રોમનમૂર્તિ. એ મૂર્તિએ તો મનનો છેડો પકડ્યો. કહે, ‘મારા કુંતલકેશ. મારા વસ્ત્રોના ઢળતા સળ. મારા માંસલ ઘાટીલા હાથ, મારી ડોકનો વળાંક જોતા જાવ.’ મૂર્તિ મનોહર હતી – મન હરી લેતી. માંડ નજર સંકોરી અંદર ગયા. મીઠો આવકાર મળ્યો સામંતભાઈ પાસેથી. હવે મહેલ તેમણે દેખાડવાનો હતો. પહેલા ખંડના જ ઝુમ્મર લૅમ્પ શેઇડ. ફર્નિચર, ડેકોરેશન પરથી મહેલના વૈભવની ઝાંખી થઈ. પછી તો પટપટાંતર ખોલતા જતા હોય તેમ વિશાળ ઓરડાઓ. અગાશીઓ, પોર્ચ-પોર્ટિકો બતાવતા ગયા. રંગીન ડિઝાઇનના મઢેલા નમનીય વળાંકવાળા નકશીદાર સોફા. નમણી હરણી જેવા પાયાવાળી ખુરશીઓ, અબુનસનાં ચળકતાં ટેબલ, સોનેરી નકશીદાર ફ્રેમમાં મઢેલાં ઑઇલકલર્સના લૅન્ડ સ્કેપ, સ્ટીલ લાઇફ, પોર્ટ્રેઇટ્સ શું શું જોવું! આ રાણાસાહેબનો પિયાનો. ખણકતો સુરીલો પણ અત્યારે ચુપ, ચળકતું ઢાંકણ ખોલી કોઈ આંગળીઓ ફેરવે તો રણકવા તૈયાર. મઢેલાં ચિત્રોના ચકાચક સાફ કાચ, રીડિંગરૂમમાં જગત-સાહિત્ય અને ઇતિહાસ-સંસ્કૃતિનાં પુસ્તકોમાં રાણાસાહેબની રુચિ ડોકાય. બે તરફ કાચવાળો પોર્ચરૂમ. સફેદ ફ્રેમ, લંબચોરસ કાચ બ્રિટિશ સ્થાપત્યની યાદ અપાવે. અહીં રાણાસાહેબ, બાસાહેબ ચા પીતાં. તાજગીભરી સવારની લહેરખી માણતાં, સામે ફેલાયેલા સરોવરની જળરાશિ અને તેને ફરતી વીંટળાયેલી બરડાની ડુંગરમાળાને નીરખી રહેતાં. પોર્ચરૂમમાં પડેલી ખુરશીઓ જોઈ એવું લાગે કે જાણે રાણાસાહેબ હમણાં જ ચા પીને અહીંથી ઊઠ્યા છે. કાં તો હમણાં આવવા જ જોઈએ. વિશાળ ખંડોનો એક એક ખૂણો સૂઝપૂર્વક સજાવેલો. ફ્લાવરવાઝમાં તાજાં ફૂલોય ગોઠવેલાં. એ જમાનાના રેકર્ડ પ્લેયર અને કૅબિનેટમાં વ્યવસ્થિત ગોઠવેલી હિન્દુસ્તાની અને ઇંગ્લિશ રેકર્ડો, શિકાર કરેલાં પ્રાણીઓનાં મઢેલાં મહોરાં, વૈભવ અને કળાના સંગમમાં સામંતભાઈની ચીવટ ભળતાં ત્રિવેણીસંગમ રચાયો હતો. લીલી રેલિંગવાળી ખુલ્લી અગાશી બતાવી. સાંજે અહીં નિરાંતે બેસતા હશે, રાત્રે આકાશનાં ઝુમ્મરો, આકાશગંગાને જોતાં હશે. બગીચો આજેય ફૂલોથી ભરેલો, મેંદીની વાડ આડેધડ વધેલી નહીં પણ વ્યવસ્થિત કાપેલી... જાણે લીલી જાળીદાર દીવાલ! ઇટાલિયન આરસની ફર્શ, ચોખ્ખી ચણાક. રાણાસાહેબને સિધાવ્યાને વરસો થયાં. અત્યારના રાજાસાહેબ તો પરદેશ જ રહે, પ્રસંગે દેશમાં આવે. તેમને આ સ્થળની તેટલી માયા નહીં હોય. મનમાં પ્રશ્ન થયો કે જેના અત્યારના માલિક હજારો કિલોમીટર દૂર છે. જ્યાં કોઈ જતું-આવતું નથી, તેવા આ મહેલની આટલી પ્રેમભરી સંભાળ સામંતભાઈ શું કરવા લેતા હશે? ક્યાંય કોઈ જગ્યાએ રજ, ધૂળ, બાવા-જાળાં નહીં. એક ડાઘ નહીં. ‘ટુ લવ ઇઝ ટુ કેર” એ ઉક્તિનો મર્મ અહીં સમજાયો. ચાહવું એટલે માત્ર ચાહવું નહીં પણ સંભાળ લેવી, દરકાર લેવી. અમે સામંતભાઈને પૂછ્યું, ‘અહીંયાં આવી અંતરિયાળ જગ્યામાં તો અત્યારના રાણાસાહેબ ક્યારેક જ આવે. આવે તોય અચાનક ન જ આવે. તો બારેમાસ આટલી બધી ચીવટભરી સંભાળ કેમ લો છો?’ તેમણે માત્ર એક જ વાક્ય કહ્યું, ‘ઈમ અવાવરું તે કેમ રે'વા દેવાય – લૂણ ખાધુંસ રાણા સાહેબનું.’ પછી તેમણે પંચતારક હોટલમાં હોય તેવો વિશાળ વૈભવી બાથરૂમ, રાણીસાહેબાની પ્રસાધન-કૅબિનેટ... જબરું રસોડું બતાવ્યું. એક વખતે એ રસોડું રસોયા, બાવર્ચી, ખાનસામા, શેફથી ધમધમતું હશે. અમારા માટે આ બધા ઓરડાઓ, વસ્તુઓ હતી. તેમના માટે અનેક યાદગાર પ્રસંગો. વરસાદમાં બગડતા ગાલીચાઓ, કારપેટો ખૂણામાં વીંટાળી સાચવી રાખ્યાં હતાં. ગાલીચાનો વીંટો કેટલાય પ્રસંગોને વીંટાળીને ખૂણામાં બેઠો હશે. ત્યાંથી અમને ડાઇનિંગ હૉલમાં દોરી ગયા. લાંબાં, ચળકતાં, વિશાળ ટેબલો, તેની આસપાસ સુંદર એકસરખી ખુરશીઓ. અડધી દીવાલ સુધી જડેલો ઇટાલિયન માર્બલ; યુરોપિયન, ચાઇનીઝ ક્રૉકરી, ડિશ, બાઉલ, છરીકાંટા, ગ્લાસ, કપ પર સ્ટેટની રાજમુદ્રા, એ ક્રોકરીને આગવી ઓળખ અને ગરિમા આપતાં હતાં. બધું વ્યવસ્થિત લાગે જાણે કે હમણાં મિજલસના મહેમાનો આવશે. ફળફળતા સૂપની, ખાણાંની સોડમ આવશે. જેટલો આનંદ મહેલની કળા, સ્થાપત્ય અને જાહોજલાલી જોતાં થયો તેટલો જ આનંદ આ બધું પ્રેમ અને જતનથી સાચવનારા સાચા અર્થમાં રખેવાળ એવા સામંતભાઈને મળીને થયો. આજે તો એકબીજાથી આગળ નીકળી જવા માગતા, ગમે તે રસ્તો અપનાવતા, ઑફિસે મોડા આવીને, બે કલાકની પાકી રિસેસ ભોગવને વહેલા ભાગી જતા, વચ્ચેના કલાકોમાં ટોળટપ્પા મારતાં, કૂથલી કરતાં, પોલિટિક્સ રમતાં અગણિત નોકરિયાતોને જોઉં છું ત્યારે આ અદનો આદમી અંતરનો ઉજળિયાત લાગે છે. આજેય ખંભાળાના શિકાર મહેલને એમ જ જતનથી સાચવતાં હશે. ધૂળ ઝાપટતાં, કાચ લૂછતાં, કપડાંની સળ સરખી કરી ગોઠવતાં હશે. આવા માણસો છે ત્યાં સુધી કાળની યારી ફાવશે નહીં, સામંતભાઈ નહીં હોય ત્યારે તેમના પછી એમના જેવો, એ મહેલને પ્રેમ કરનાર, તેની જાહોજલાલીનો અફસોસ કરનાર, એ મહેલને જીવતો રાખનાર પણ કોઈ નહીં હોય. આવી અંતરિયાળ જગ્યામાં એકલો માણસ માત્ર ભૂતકાળમાં જીવતો જ નથી પણ એ કાળને વર્તમાન સુધી લંબાવી આપે છે. આવા માણસો ન હોય તો મહેલો ક્યારના ય ખંડેર થઈ ગયા હોય. આવા વિચારો ચાલતા હતા ત્યાં જ મહેલની પરિક્રમા પૂરી થઈ. અમે બહાર નીકળ્યા ત્યારે સામંતભાઈએ વિદાય આપવા અભિજાત નમન કર્યું. મારા લળવાથી કે નમવાથી એ નમનનો જવાબ વાળી શકાય તેમ ન હતું. લોહી સિવાય કશુંક એવું છે જે તેમની રાગોમાં દોડે છે.