ચિલિકા/સ્વામીઆનંદના: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સ્વામીઆનંદના|}} {{Poem2Open}} અલ્મોડાથી કૌસાની દ્વીપ માટે અમે જે જ...")
(No difference)

Revision as of 05:49, 31 January 2022

સ્વામીઆનંદના

અલ્મોડાથી કૌસાની દ્વીપ માટે અમે જે જીપ કરી હતી તે આકાશવાણી અલ્મોડાએ કરી આપેલી અને તેય ક્રેડિટ પર. તેનું સાચું ભાન તો અમને ‘અનાસક્તિ આશ્રમ' આંટો મરાવી ડ્રાઇવરે કૌસાનીની બજારમાં મશીન બંધ કરી જીપ ઊભી રાખી. “ઉતર કે જહાં જાના હો વહાં હો આઈએ, જીપ યહાં સે આગે કહીં નહીં જાયેગી” તેમ સાફ શબ્દોમાં સૂપડાઝાટક સંભળાવી દીધેલું ત્યારે થયું. કૌસાની તો નાનું પહાડી ગામ. રિક્ષા ટપ્પો, ગાડી મળે નહીં. સ્વામી આનંદ જે ઘરે રહેતા તે ઘર ટૂરિસ્ટ બંગલો પાસે રોડ પર જ પોસ્ટ ઑફિસની નજીક આવેલું. બજારથી બેએક કિ.મી. દૂર પહાડી ઢાળઢોળાવવાળા રસ્તે ચાલીને પાછા આવતાં સહેજેય બે-અઢી કલાક જતા રહે. એક-દોઢ કલાકમાં તો અમારી ટ્રીપ પાછી અલ્મોડા જવાની હતી. આમ સ્વામી આનંદનું ઘર ત્યાં જ હોવા છતાં અને મોહન કાંડપાલ જો અલ્મોડાથી આવ્યો હોય તો તેને મળી નહીં શકાય તેનો અફસોસ કરતો હતો. મનમાં થયું કે હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલે હાથ દઈ આવ્યો. અમારા બીજા સાથીદારો સુમિત્રાનંદન પંતજીના ગૃહસ્મારકે બેઠક જમાવી બેઠા હતા. આટલી વારમાં ત્યાં જઈ અવાય તો સારું. અમારી પાસે બે જીપ હતી. અમારી જીપના ડ્રાઇવરે તો ઘસીને ના પાડી દીધી હતી. તેથી તેને કાંઈ કહેવાય તેમ ન હતું. બીજી જીપનો ડ્રાઇવર છોકરો જરા સુંવાળો લાગ્યો. જમાનાનું ઝેર હજી ઓછું ચડ્યું હોય તેવું તેના ચહેરા પરથી લાગે. તેને વળી પૂછવાની હિંમત કરી જોઈ. મારા સાથીદારોએય સમજાવ્યો અને મેંય અરજ-આજીજી કરી. તેને કહ્યું કે, ‘આપકે લિયે સિર્ફ ચાર-પાંચ કિ.મી. કા સવાલ હૈ મગર હમારે લિયે તો એક રેર મૌકા હૈ. પહાડી લોગ તો અચ્છે દિલવાલે હોતે હૈ.” વગેરે વગેરે. અંતે ડ્રાઇવર પીગળ્યો. મારા પર મહેરબાન થયો. ફરી શરત કરી. ‘વહ ઘરસે આગે જીપ કહીં નહીં જાયેગી બસ!' મેં કહ્યું, “કબૂલ, મગર જલદી ચલિયે તો સહી.” ડ્રાઇવર છોકરાએ જીપ પલાણી અને પીગળેલા મીણની જેમ જીપ ઊતરવા લાગી. જિંદગીનો એક અદ્ભુત અનુભવ મળ્યો. ઘણી વાર કોઈ ઇંગ્લેન્ડ-ફ્રાન્સ જઈ આવ્યું હોય અને શેક્સપિયરના ઘરની કે વિક્ટર હ્યુગો, વાન ગૉગના ઘરની વાતો અહોભાવથી કહેતું હોય ત્યારે મને તે બધું થોડું વેવલું અને વ્યક્તિપૂજક લાગતું. પણ કૌસાનીમાં સ્વામી આનંદના ઘરના સરનામા માટે મેં અલ્મોડાથી છેક તીથલ અશ્વિનભાઈને ફોન કર્યો ત્યારે મને આવી ઇચ્છા કેવી માનવસહજ અને અદમ્ય હોય છે તેનો ખ્યાલ આવ્યો અને કૃતિમાં નહીં પણ કૃતિ બહાર સર્જકને કે કોઈ વ્યક્તિને તેના સમયના, તેના પરિવેશના પરિપ્રેક્ષ્યમાં સમજવા તે ઉપકારક નીવડે છે તેનો ખ્યાલ આવ્યો. મારો સ્વામી આનંદનો એ ઘર જોવાનો અનુભવસ્મરણ દાબડીમાં હંમેશ માટે ઝળકતો અનુભવ રત્ન બની રહ્યો. મને સ્વામી આનંદનો પરિચય ‘મોનજી રૂદર' થકી થયો. મોટાભાઈએ ધરતીના હીર જેવા ખમીરવંતા મોનજી રૂદરનો પરિચય કરાવેલો તે તો સ્વામીજીની ‘ધરતીની આરતી’ના સંકલિત લેખોમાં. તે પછી તો તેમનું ‘નઘરોળ', ‘મોતને હંફાવનારા', ‘માનવતાના વેરી’ અને ‘અનંતકળા’ સ્વતંત્ર પુસ્તકો જ વાંચેલાં. ઓજ અને ઓઘથી ભર્યુંભર્યું આવું લખલખતું-લસલસતું પ્રાણવાન પ્રવાહી ગદ્ય વાંચેલું નહીં. ભાષાનું બળ અને તળ આતમ સાથે વળ ચડાવી તેમાં તંતોતંત હાજર. ગદ્ય, પદ્ય કે કોઈ શૈલી તે માત્ર શૈલી નથી, એક જીવનશૈલી છે અને સ્વભાવ વ્યક્તિત્વની એક ઝાંખી — ઝલક-આયનો છે તેવી મારી માન્યતા. આ માન્યતાને સારા સર્જકો ઉપરાંત કેટલાક ઉપરછલ્લા લેબલિયા ચિંતક નિબંધકારોનો વરખિયા વરણાગી નિબંધોએ પણ પોષેલી. સ્વામીજીને મળ્યો નથી પણ તેમના ગદ્યમાં તેમના વ્યક્તિત્વની રેખાઓ જોઈ શકું છું. તેમના ગદ્યની ફક્કડાઈ અને ચોટ કબીર જેવા સંતસાધકો જેવી. હું તો તેમને વાંચું. સમજું તે પહેલાં તો ૧૯૭૬માં ચાલ્યા ગયેલા. પછી તેમને વિશે જે સાંભળેલું, વાંચેલું તેના જ વિચારો ચાલ્યા કર્યા. સ્વામી આનંદનો પૂર્વાશ્રમ તો તેમના પૂર્વજન્મ જેવો જ કહેવાય. તેના વિશે જાણતાં મારામાં ખૂણેખાંચરે પડી રહેલું જાત્યાભિમાન અને જાતિ સભાનતા પોરસાતી કે સ્વામી આનંદ પણ અમારી નાતના ઝાલાવાડી ઔદીચ્ય સહસ્ર બ્રાહ્મણ અને એ પાછા દવે. સ્વામીજી વિશે અને તેમના લેખો વાંચતાં ખ્યાલ આવ્યો કે તેમની વર્ણાશ્રમ પૂર્વાશ્રમની સભાનતા કેવી રીતે ખરી પડી હશે અને કેવી રીતે તેઓ ભૂભારતીના સેવક અને આ ધરતીના છોરુ થઈને રહ્યા હશે. મારી અંદર પણ ક્યાંક ક્યાંક સુકાઈને ચોટી રહેલાં જાતિ-સભાનતાનાં ભીંગડાં તેમણે ખેરવ્યાં. પૂર્વાશ્રમનું નામ હિંમતલાલ દવે, કિશોર વયે લગ્નની બેડીમાંથી છૂટવા હિંમત કરી ભાગી ગયેલા. સાધુસંતો, બાવા ચેલકાંવની જમાતમાં બાણભટ્ટની જેમ ભળી ગયેલા. હિમાલય અને દેશમાં રખડી આવેલા. “સાધુ તો ચલતા ભલા' એ સૂત્ર આચરણમાં ઉતારેલું. બંગાળના ક્રાંતિકારીઓના સંપર્કમાં આવેલા. મહારાષ્ટ્ર તો તેમનું બીજું ઘર. ત્યાં લોકમાન્ય ટિળકના સંપર્કમાં આવેલા. મરાઠી તો તેમની બીજી માતૃભાષા. આઝાદીના જુવાળમાં એક પછી એક મોજા પર સવાર થઈ મહારાષ્ટ્રમાં અનેક સભાઓ મરાઠીમાં ગજાવી છે. તે વખતે પ્રજાની નાડ સમાં ‘કેસરી’ અને ‘રાષ્ટ્રમત' પત્રોમાં તેમણે કામ કરેલું. પ્રવૃત્તિની આ સપાટી પરથી ફરી હિમાલય-બોલાવે ને વળી હિમાલયમાં ડૂબકી. હિમાલય જ તેમનું સાચું પિયર. જોકે ફરી પ્રવૃત્તિ તેમને શોધતી આવે. તેઓ પોતે જ કહેતા, “પ્રવૃત્તિની કંબલ આ બાબાને છોડે તેમ ન હતી.” ઍની બેસન્ટની ‘હિલ બોય્‌ઝ' સ્કૂલમાં જોડાયા. ફરી પાછા સક્રિય જીવનમાં ગુજરાત. ગાંધીજીના ચુંબકીય સંપર્કમાં આવ્યા ને ત્રણ વરસ પલાંઠી વાળીને ૧૯૧૯-૨૨ ‘નવજીવન’, ‘યંગ ઇન્ડિયા'નું કામ સંભાળ્યું. એક એક કામનો અનુભવ. ત્રણ ત્રણ રાતના ઉજાગરા મટકુંય માર્યા વગર ખેંચી કાઢે. પ્રકાશનપત્રોને લીધે જ સરકારી રજા – ‘જેલ’નો લાભ લીધો. સરદારના બારડોલી સત્યાગ્રહ વખતે તેમના સેક્રેટરી તરીકે તેમના જમણા હાથ બની રહ્યા. થાણામાં ગાંધી આશ્રમ સ્થાપ્યો. આઝાદીમાં ભાગલાની વિભીષિકા વખતે હરદ્વાર દહેરાદૂનમાં નિર્વાસિતોની છાવણીમાં કામે લાગી ગયા. રવિશંકર રાવળે સ્વામીજીને અગ્નિવેશ તેજોદીપ્ત ભગવાં વસ્ત્રોમાં યુવાવસ્થામાં જોયેલા. એ ભગવો ભેખ ઉતારી સફેદ શુભ્ર વસ્ત્રો ક્યારે ધારણ કર્યાં હશે? કાકાસાહેબે ૧૯૨૨માં ‘નવજીવન’માં એક લેખમાં લખેલું. (કાકાસાહેબ અને સ્વામીજીએ સાથે હિમાલયયાત્રા કરી તે પછી લખ્યું હશે?) “હિમાલયમાંથી પાછા આવ્યા ત્યારે સ્વામી એક જુદા જ માણસ બન્યા. તેમણે જોઈ લીધું કે માણસમાં સાધુતા હોય છતાં સાધુનો વેશ ન હોવો જોઈએ. માણસ અપરિગ્રહવ્રતનું પાલન કરે પણ ભિક્ષા માગતો, ઉપદેશ કરતો ન ફરે. દુનિયામાં રહે છતાં નિઃસ્પૃહતા કેળવે. અમર્યાદ પ્રવૃત્તિમાં પડે છતાં અનાસક્ત રહે. તો જ માણસ આજે દેશની કંઈક સેવા કરી શકે. લોકો આપણને સાધુ તરીકે ઓળખે એટલે મૂઆ પડ્યા. લોકો જોડે દુનિયાદારી માણસ જેવા જ રહીએ, તેમની જ ભાષા બોલીએ, તેમના જેવી જ પ્રવૃત્તિ આદરીએ અને છતાં તેની અંદર મોહ-મમતા ન રાખીએ તો જ સંન્યાસીનું કર્તવ્ય પાર પાડ્યું ગણાય.” સ્વામીજી રામકૃષ્ણ મતના સાધુ. આવા સાધુઓની લાક્ષણિકતા કઈ? સ્વામીજી પોતે જ કહે છે, “આ જમાતના સાધુઓના ત્રણ ગુણઃ નિર્વ્યસન, કેળવણી, જનસેવા. અભણ અવળચંડો એક ન જડે. બસ ત્યારથી જ આતમખોજ, શ્રદ્ધા, આસ્થા. સંતોની ચરણસેવા દુઃખી જનતાની સેવાભક્તિ, સર્વધર્મસમભાવના સંસ્કાર સિંચાયા. ન્યાલ થઈ ગયા.” સક્રિય લોકસેવા. તેઓ માનતા કે સાધુ તો એક લોટી ને દો લંગોટીનો હકદાર. તેથી અદકું કશું ન ખપે. સમાજનું ઋણ સંસારી દશગણું ફેડે અને સાધુ સહસ્રગણું ફેડે ત્યાં સુધી તો અદાયગી જ કરી. અદકું કશું ન કર્યું. તેમણે સક્રિય લોકસેવા, રાષ્ટ્રસેવા અને સાહિત્યસેવા કરી ભાષાને અજવાળી. સમાજના ઋણમાંથી ઉઋણ થયા, ઋણમુક્ત થયા. વ્યક્તિ સિદ્ધાંતમાં, વિચારમાં, સર્જનમાં મહાનથી મહાનતમ મહાનતર થઈ શકે છે, પણ અઘોળ આચરણમાં કેટલું મૂક્યું તેનાં લેખાંજોખાંમાં પાછી પડે છે. સિદ્ધાંતમાં ‘વસુધૈવકુટુંબકમ્’ કહી સ્કૅન્ડીનેવિયનને ભાઈ ગણી શકાય છે, પણ ખરી કસોટી તો જ્યાં સ્વાર્થ, રાગ, દ્વેષ અને માનવીય વ્યવહારો જોડાયેલા હોય, ત્યાં નજીકના માણસો સાથે કે પડોસીઓ સાથે થાય છે. ઈશુ ભગવાને અમસ્તું જ નહીં કહ્યું હોય ‘લવ ધાય નેઇબર'. એક માણસ તરીકેની છબી ત્યાં જ વધારે સારી મળે છે. સ્વામીજીની આ છબી જોવા જ અહીં કૌસાની આવ્યો છું. જ્યાં સ્વામીજી પંદર-વીસ વરસ રહેલા અને ધ્યાન, મનન, ચિંતન, હિમાલય સેવન, સાહિત્ય, સાધના સાથે સાથે આસપાસના લોકોની મૌન સેવા કરેલી. આજે સ્વામીજીના અવસાનને લગભગ ૧૯ વરસનાં વહાણાં વાઈ ગયાં છે. તેમને કૌસાની છોડ્યાંય ૨૫-૩૦ વરસ થયાં હશે. મેં તેમને જોયાં સુધ્ધાં નથી. માત્ર તેમના શબ્દ અ-ક્ષર એવા, અક્ષરની જ આછી એવી ઓળખાણથી અહીં લગી ખેંચાઈ આવ્યો છું. એ ઘરમાં અત્યારે રહેતા મકાનમાલિકને કેવું લાગશે? કેવો રિસ્પોન્સ આપશે? આવી આશંકાઓ ઊઠતી હતી. જોકે ત્યાં જવા જોવાની ઇચ્છા જ એટલી હતી કે તેના સ્વાર્થમાં આવા વ્યાવહારિક પ્રશ્નો દેખાયા જ નહીં. અમારી જીપ તો આવા વિચારો મનમાં ચાલતા હતા ત્યાં જ અચાનક આવીને ઊભી રહી. કૅપ્ટને હોશિયારસિંગને ઘેર. “કૅપ્ટન હોશિયારસિંગ યહીં રહતે હૈં” એમ મેં પૂછ્યું. આગંતુકના ધાડિયાને જોઈ અંદરથીય સત્કારમાં યજમાનોનું ધાડિયું બહાર આવ્યું. “હા, મૈં હી કૅપ્ટન હોશિયારસિંગ.” આધેડ પાતળો મિલિટરીમૅન ઝભ્ભા-લેંઘામાં. આધેડ સ્ત્રી, બેચાર જુવાનો અને જુવાન સ્ત્રીઓ અને બેચાર ટાબરિયાં ભેગાં થઈ ગયેલાં. અમને બહાર ઊભેલાં જોઈને કહ્યુંઃ ‘આઈયે.’ મેં કહ્યું, સ્વામી આનંદ કે દેશમેં સે આયે હૈં. ઉનકે ઘરકા દર્શન કરને ઔર આપ કો મિલને કે લિયે આયે હૈં.” આટલો જ પરિચય પૂરતો હતો. તરત જ આવકાર બેવડાયો. “આઈયે આઈયે. અંદર આઈયે” અમારો પ્રવેશ માત્ર તેમના ઘરમાં પ્રવેશ ન હતો, તેમના હૃદયમાં પ્રવેશ હતો. અમારો પ્રવેશ તેમના સ્વામી આનંદ સાથેના સંબંધવિશ્વમાં પ્રવેશ હતો.