ચિલિકા/સ્વામી: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સ્વામી|}} {{Poem2Open}} વસ્તુઓનો વ્યક્તિઓ સાથેનોય સંબંધ અજબનો હોય...") |
(No difference)
|
Revision as of 06:12, 31 January 2022
વસ્તુઓનો વ્યક્તિઓ સાથેનોય સંબંધ અજબનો હોય છે. વ્યક્તિ તો ગીતાના અધ્યાયો પચાવી, સ્થિતપ્રજ્ઞ થઈ વસ્તુઓને છોડીને ચાલી જાય, વ્યક્તિઓ ભૂલી પણ જાય – વસ્તુઓ તેમ ન કરી શકે. વસ્તુઓ તો એ વ્યક્તિની, એ સંબંધની હૂંફ જાળવી રાખે. એ વ્યક્તિ મહાન હોય કે નહીં તેની સાથે જોડાયેલી નાની-મોટી વસ્તુઓ તેના હૃદયમાં એ સ્મરણને જાળવી રાખે છે. સ્વામી આનંદનું એ ઘર પંતજીના અહીંના કૌસાનીના ઘરની જેમ સ્મારક નથી, છતાં પચ્ચીસેક વરસ પહેલાં ભાડૂત તરીકે રહેલા આ મકાનના સાચા માલિક હજીય સ્વામીજી જ છે. હજીય તે ઘર ‘સામીજી કા ઘર' તરીકે જ ઓળખાય છે. આ ઘરની સામે પર્વતી ઝરણું, નાનકડી ખીણ, પહાડ, જંગલ અને દૂરની હિમગિરિમાળા હતી, નિસર્ગશ્રી હતી તેના એક અર્થમાં સાચા માલિક તેઓ જ હતા. મારી સાથે જે મિત્રો આવ્યા હતા તે ઘરની સ્ત્રીઓ અને ચંપાબહેન સાથે વાતોએ વળગ્યા ત્યારે કૅપ્ટન મને બાજુમાં જ સ્વામીજીનું ઘર જોવા લઈ ગયા. એક રોડ સાઇડને છોડી બાકી ત્રણે સાઇડ નકશીદાર જાળીના કઠેડાવાળું ખુલ્લા વરંડા રવેશવાળું કૉટેજ ટાઇપ મકાન. ઉપરનો આખો માળ સ્વામીજીનો હતો. ઉપરના ચારે ઓરડા એ ત્રણે તરફના રવેશમાં પડે. ઉપરથી અદ્ભુત દૃશ્ય દેખાય. કૅપ્ટન મારી સાથે આવ્યા એટલે અત્યારે ત્યાં રહેતા ભાડૂતોને ય કૌતુક થયું. અત્યારના આ ભોળા પહાડી ભાડૂતોએય સાલસ સેવાભાવી સ્વામીજીની દંતકથાઓ સાંભળેલી. ચારે રૂમોમાં બપોરે માંડ જપેલાં બાળકો અને સ્ત્રીઓ આરામ કરતાં હશે. કૅપ્ટને સ્વામીના રૂમોને ખોલાવી જોવાનો મને આગ્રહ કર્યો પણ કોઈના અંતરંગમાં ઘૂસી જઈ તેમની શાંતિમાં વ્યવસ્થામાં ભંગ નહોતો પાડવો તેથી બહાર રવેશમાં જ ઊભો રહ્યો – સામે ‘અવનિ' પર અતુલ હિમાલયો નામ નગાધિરાજને જોતો. સ્વામીજી અહીંયાં જ ખુરશી ઢાળી કલાકો બેઠા રહેતા, વાંચતા, લખતા, પ્રાર્થના કરતા. જંગલ ખીણમાં ખૂલતો એ મોટો રવેશ હિમાલયમાં તેમનો ખોળો હતી, તેમનું સાચું ઘર હતો. સ્વામીજીનું ઘર જોઈ પાસે કૅપ્ટનના ઘરે પાછા જતા ઘરના આંગણામાં એક વૃદ્ધ બાઈ ઘાસ કાપતી હતી. કૅપ્ટને પરિચય કરાવ્યો, “યે મેરી સૌતેલી મા હૈ.” કૅપ્ટને તેની માને કહ્યું, “સામીજી કે આદમી આયે હૈ.” તેને ય સંસ્મરણો કહેવા સાથે લઈ લીધા. બાઈ તો ઘાસમાટીવાળા હાથ છંટકોરી સાડલાથી લઈ અમારી સાથે આવી. મૅજર મારકણાએ દીકરા-દીકરી દેખતાં રાતોરાત ધરાર એક નિરાધાર પરગામની બાઈને પકડીને ઘરમાં બેસાડી દીધેલી હતી તે આ જ માજી. માજીને હું પૂછું તો તે ઓછું સાંભળતા હતા તેથી મૂંઝાઈ ગયા હતા, ખાસ સમજે નહીં. છોકરાએ કુમાઉની બોલીમાં પૂછ્યું ત્યારે સમજ્યાં. સહેજ હસ્યાં, સ્મૃતિ સળવળી ને આંખમાં ચમક આવી. સ્વામીજીને દૂધ દોહીને સવાર-સાંજ એક એક લીટર-બશેર દૂધ પોતે જ આપતાં અને ‘સામીજી કુછ નહીં ખાતે’ તેમ કહ્યું. સ્વામી આનંદને ‘સામીજી સામીજી' કહે. હવે ઊભરાતી વાતોનો ઊભરો ઠાલવવાનો આવ્યો મૅજર મારકણા કૅપ્ટન દૌલતસિંગના દીકરા, મારા યજમાન, રિટાયર્ડ મિલિટ્રીમૅન ઉત્સાહી એવા કૅપ્ટન હોશિયારસિંગનો. તેમની વાતચીતમાં તેમના શૈશવની શરારત ડોકાય. કૅપ્ટન કહે, “મૈં બહોત શેતાન થા, સ્વામીજી કે દૂધ મેં સે પાવભર દૂધ ચોરી કરકે મૈં ભી પી લેતા થા. ગરીબોંકો બાંટને કે લિયે વે જો કપડે દેતે થે મૈં કુછ ચુરા લેતા થા. ખીર અચ્છી બનાતે થે. મુઝે કહતે થે, ‘તેરા બાપ તો કૅપ્ટન હો ગયા. તૂ ક્યા બનેગા? તૂ તો બદમાશ હૈ ઔર તેરે બાપને નામ તો રખ દિયા હૈ હોશિયારસિંગ.' મેં કહતા, ‘મેં તો સ્વામીજી કા દૂધ જો ચોરી કરકે પીતા હું મૈં ભી સ્વામીજી બનૂંગા. પર ઉનકા બૉડીગાર્ડ થા મૈં. ઉનકે પીછે પીછે હી રહતા થા. કોઈ આદમી આયે, કોઈ સી.આઈ.ડી., ગુંડાગર્દી, પુલીસ આયે, હમ પાંચ-છે લડકે ઉનકી સેવા કરતે થે! વાતવાતમાં મોરારજી દેસાઈનું નામ લે. તેમને મુંબઈમાં ફૅક્ટરી, મોટાં મોટાં કારખાનાં અને તેમાં કૅપ્ટનના ભાઈને-સગાને નોકરીએ રખાવેલા. અહીં ગરીબ જરૂરિયાતવાળા લોકોમાં વહેંચવા જે કપડાં આવતાં તે તેઓ જ મોકલાવતા. “મોરારજી દેસાઈ કી કિતની ફૅક્ટરિયાં થી. આપકો નહીં માલુમ, આપ નહીં જાનતે સ્વામીજી કે સાથે ઉનકે બહોત અચ્છે સંબંધ થે!' આ મોરારજી તે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ નહીં પણ બીજા મોરારજી મિલવાલા તે તેમને કેમ સમજાવું? તેમની વાતવાતમાં અનાસક્ત આશ્રમનાં સરલાબહેન અને સરકારી બંગલામાં રહેતો અંગ્રેજ શિલ્પકાર હોક્સમૅનની દોસ્તીનો ઉલ્લેખ આવે. તેણે કંઈક નવાઈભરી વાત કરી, કેપ્ટન હોશિયારસિંગ કહે, ‘યહાં કુછ હેન્કી-ફેન્કી ભી હુઆ હૈ. કુછ સી.આઈ.ડી. ચલી. આપકો નોલેજ નહીં હોગી. યહાં વે કિતાબ લિખતે રહતે થે, ગુજરાત મેં છપતી થી, પિતાજી કી ભી છપતી થી કિ કૅપ્ટન દૌલતસિંગ ઐસી ખેતીબાડી મહેનત-મજદૂરી કર રહૈ હૈં. ગુજરાત સે છપ કે આતી થી. કિસી કો હુઆ કિ કૌસાની મેં બૈઠકે યે ક્યા લિખતે રહતે હૈં, કહા જા રહા હૈ? અમરિકા જા રહા હૈ, પાકિસ્તાન જા રહા હૈ, જાપાન જા રહા હૈ...સી.આઈ.ડી. ફેઈલ હો ગઈ. ઇતના કુછ હુઆ ઉન દિનો, તબસે મૈં ઉનકા બૉડીગાર્ડ થા. બહોત અચ્છે આદમી થે. શામ કો પ્રાર્થના કરતે થેઃ ‘રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામહમ બચ્ચે ભી બૈઠ જાતે છે. ઔર ક્યા કહેં ઉનકે બારે મેં પૂજ્ય હૈ.' કૅપ્ટન હોશિયારસિંગ અને તેમની બહેન ચંપાબહેને સ્વામીજીને એવી રીતે યાદ કર્યા જાણે તેમના સગા દાદા જ હોય. ચાપાણી, બિસ્કિટની સરભરા ચાલી. અમે આવ્યા ત્યારે જેમ અમને પૂછ્યું હતું કે ‘જમીને આવ્યા છો કે નહીં, જમી જ લો, અહીંયાં જ જમવું જોઈએ.’ તેવી જ રીતે નીકળતી વખતે સાચો આગ્રહ કરીને કહ્યું કે અહીંયાં જમીને જ જજો. રાતે નિરાંતે રહીને જાવ, અહીંયાં જ રોકાવું જોઈએ, ફરીવાર અહીં જ આવજો અને નિરાંતે આવજો.” મને પણ આ આગ્રહ-આમંત્રણ ઉપાડી લેવા જેવું લાગ્યું. જ્યાં સ્વામીદાદા ૧૫-૨૦ વરસ રહ્યા હોય ત્યાં જ એકાદ રાત જો આમ સામેથી કોઈ પ્રેમથી રહેવા દેતું હોય તો સારું જ ને! અમારા સાથીદારો અમારી રાહ જોઈ પંતજીને ઘરે બેઠા હતા અને રાત પડી જાય તે પહેલાં અમારે અલ્મોડા પહોંચી જવાનું હતું, તેથી ઉતાવળ હતી અને મનમાં મોહન કાંડપાલ સળવળતો હતો. એકાદ ફર્લાંગ જ ટૂરિસ્ટ રેસ્ટહાઉસ હતું. પણ ડ્રાઇવરે શરત કરી હતી કે અહીંથી જરાય આગળ જીપ નહીં ચાલે. તેથી તે તો જીપમાં બેઠો હતો. મારા વતી કૅપ્ટન હોશિયારસિંગે ડ્રાઇવરને કુમાઉનીમાં સમજાવી શરમમાં નાખ્યો, પણ અહીંયાં સુધી આવવા માંડ માંડ મહેરબાન થયેલો ડ્રાઇવર ના પાડી નફ્ફટ થઈ ઊભો રહ્યો. મેં તેની રાહ ન જોઈ. ચંપાબહેન તેમના ઘરે આવવા આગ્રહ કરતાં હતાં તેથી મારા સાથીદારો તેમના ઘરે ગયો અને હું ઢાળ પર દોડતો ઉપર ટૂરિસ્ટ બંગલા તરફ. મારે તો ભલે પાંચ મિનિટ પૂરતુંય મોહનને મળી લેવું હતું. હું હાંફતો-શોધતો, પૂછતો-દોડતો ટૂરિસ્ટ બંગલે પહોંચ્યો ત્યારે કોઈએ કહ્યું મોહન છે. તો આશા બંધાઈ. ત્યાં કોઈએ કહ્યું હજી અલ્મોડાથી નથી આવ્યો. ‘એ નથી’નો નકાર સાંભળી થાકેલા પગ વળી થોડા વધુ ભારે થઈ ગયા. ટૂરિસ્ટ બંગલા બહાર અને રોડ પર મારી આ ગાંડી દોટને લોકો આશ્ચર્યથી જોઈ રહેલા. હા, એક સમાચાર મળ્યા કે તે અલ્મોડાથી પાણીના મોટા કાળા બૅરલવાળી લાલ સ્વરાજ મઝદામાં આવશે. આ એંધાણીથી તેને મળવાની ફરી આશા બંધાઈ. હું ફરી નીચે કૅપ્ટનના ઘરે જીપ ઊભી હતી ત્યાં સુધી દોડતો દોડતો ગયો. કૅપ્ટન અને પાર્વતીબહેન મારી રાહ જોઈ ત્યાં જ ઊભાં હતાં. મને તો બોલવાનાય સોં ન હતા. ધમણની જેમ હાંફતો હતો. મેં તરસના માર્યા પાણી માંગ્યું તો કહે, ‘લાતી હૂં મગર કુછ દેર બાદ પીજિયે' પાણી સાથે પીપરમેન્ટ જેવા શંકુ આકારના ગોળના ચોસલા ય ભેગા લેતાં આવ્યા. પ્રેમથી કહે, “ખા લેના... થકાન દૂર હો જાયેગી ઔર પ્યાસ નહીં લગેગી.” મેં પ્રેમથી ગોળના દડબાઓ ખાઈ શુકન સંચરી વિદાય લીધી. કૅપ્ટન તો અમારી સાથે થોડે જ દૂર નીચે બહેનનું ઘર બતાવવા જીપમાં જ ચડી ગયા. રોડથી સહેજ અંદરની સાઇડમાં ચંપાબહેનનું ઘર હતું. ચંપાબહેન તો તેમના ઘરમાં મહેમાનોને બોલાવી અડધાં અડધાં થઈ ગયાં હતાં. સરભરા કરવાનો જરાયે સમય ન હતો, તેથી તેમના જ બગીચામાં ઉગાડેલી ચાની પત્તી તોડી આપી અને દોથો ભરીને અખરોટ આપ્યા. ચંપાબહેન અને મારા સાથીદારો અંજુ, મંજુબહેન વરુણ રોડ પર મારી રાહ જ જોતાં હતાં. બધાંએ જીપમાં બેસી કૅપ્ટન હોશિયારસિંગ અને તેમનાં બહેન ચંપાબહેનને હાથ ફરકાવી આવજો કર્યું અને સ્વામીજી જે ઘરમાં જે મનમાં જીવતા હતા અને જ્યાં હજીય જીવી રહ્યા છે, તેમને મનોમન પ્રણામ કર્યા. મારા બીજા સાથીદારો હજી પંતજીને ઘરે જ બેઠક જમાવી બેઠા હતા. હું ચોકમાં અલ્મોડા તરફથી આવતી લાલ સ્વરાજ મઝદાની રાહ જોતો રહ્યો. દૂર બીજા ગામથી જાન ભરેલી હીચકતી બસ આવી. આખી બસ છાકે ચડેલી. દેશી દારૂની કોથળીમાં કાણું પાડી ગટ ગટ મોંમાં રેડી એક કુમાઉની ભવાયો સ્ત્રીવેશે સજ્જ ભાયડા છાપ અવાજે બાયડી જેવા નાચનખરા કરતો જાય. સાજિંદાય સાથે, હાર્મોનિયમ, પહાડી વાદ્ય ઢોલક અને ડફની ધૂને કોઈ ગળાની નસ ફુલાવી ગાતું જાય ને પેલો ભવાયો ખિખિયાટા કરતો નાચતો જાય. કોલા, ફેન્ટા, પેપ્સીની બૉટલો ગટગટાવી બસ આગળ ચાલી. થોડી વારમાં ચૉક ખાલી. મારા સાથીદારો આવ્યા ને અમે ય જીપ ઉપાડી અલ્મોડા તરફ, મારા ડ્રાઇવરને કહી રાખ્યું હતું કે કોઈ લાલ સ્વરાજ મઝદા જુએ તો રસ્તામાં તેને રોકી દેજે. એકાદ મિનિટ મોહનને મળી લેવું છે. પાછા વળતાં જૂનાં ફિલ્મી ગીતો ગાવામાં રસ ન હતો. ખીણો, ખેતરો, પર્વતો, તડકો, સાંજ કાંઈ જોવામાં રસ ન હતો. ધ્યાન માત્ર લાલ સ્વરાજ મઝદામાં હતું. રસ્તામાં હું એક એક વાહન જોતો હતો. ડ્રાઇવરે મને કહ્યું નહીં અને મારું ધ્યાન સહેજ દૂર વળાંક પર દેખાતી લાલ સ્વરાજ મઝદા તરફ ગયું ત્યારે મોડું થઈ ગયું. બંને વાહનો સડસડાટ ક્રૉસ થઈ ગયાં. એ જ મઝદામાં મોહન હતો. પહાડના સાંકડા વળાંકદાર રસ્તાઓમાં વાહન રિવર્સમાં થાય નહીં અને બૂમ સંભળાય નહીં. અઠવાડિયાથી મોહનને મળવાની રટણા મનમાં જ રહી. અલ્મોડા આવી ફોન પર બીજા દિવસે તેની સાથે વાત કરી ત્યારે બંનેને એ અફસોસ કંઈક ઓછો થયો અને નિરાંત થઈ. મન ખુશ થયું કે આટલાં વરસે ય કોઈ યાદ રાખે છે ખરું. કેમ ન રાખે. સ્વામી આનંદને પચ્ચીસ વરસ પછી ય કૅપ્ટનના ઘર અને પરિવારે કેવા જીવતા રાખ્યા છે! સાંજના સોનેરી નરમ તડકાથી અને લંબાતા પ્રેમાળ પડછાયાઓથી સૃષ્ટિ સ્વપ્નિલ થઈ ગઈ હતી. એક તરફ મોહનને ન મળાયાનો અફસોસ હતો તો બીજી તરફ સ્વામી આનંદને સૂક્ષ્મ રીતે મળ્યા, સ્પર્શ્યાનો સભર આનંદ અહેસાસ હતો.
’૫૦ના દાયકા દરમ્યાન શ્રી ઉદયશંકરની નૃત્યમંડળીના વિશ્વપ્રવાસ દરમ્યાન બર્લિનમાં લીધેલો વિરલ ફોટોગ્રાફ જેમાં શ્રી ઉદયશંકર, પત્ની નૃત્યાંગના અમલા શંકર વચ્ચે બાલ આનંદ શંકર અને ટોપીમાં છે ચિરંજીલાલ શાહ.