ચિલિકા/ખજાનચી: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ખજાનચી|}} {{Poem2Open}} અલ્મોડામાં હતો ત્યારે મન જેમનાં ઘૂંઘરું પા...") |
(No difference)
|
Revision as of 06:33, 31 January 2022
અલ્મોડામાં હતો ત્યારે મન જેમનાં ઘૂંઘરું પાંચેય ખંડમાં બજી આવ્યાં છે તેવા મહાનર્તક ઉદયશંકરની નૃત્યશાળા શોધતું હતું. જ્યારે એમ ખબર પડી કે ઉદયશંકર સાથે જેમણે દશકાઓ સુધી કામ કર્યું છે તે બ્યાંસી-ચોર્યાસી વરસના ચિરંજીલાલ શાહ અહીંયાં જ રહે છે અને નિવૃત્ત જીવન ગાળી સ્મરણો વાગોળી રહ્યા છે ત્યારે એમ થયું કે એ આખો જમાનો ઉજાગર કરવા તેમને મળવું જોઈએ. તેઓ ઓળખતા નથી તો શું થયું? નવી ઓળખાણ થશે અને આવી તીર્થક્ષેત્ર સંસ્કારધામ જેવી વ્યક્તિઓની મુલાકાત વગર તો અહીંની યાત્રા અધૂરી જ રહે. મેં સરનામું લીધું. અલ્મોડાના ખજાનચી મહોલ્લામાં તેમનું ઘર હતું. માલરોડની પૅરેલલ ઉપલાણે જૂના અલ્મોડામાં ખજાનચી મહોલ્લો. અલ્મોડા એ કાચબાની પીઠ જેમ પર્વતના બંને ઢોળાવે વસ્યું છે. પશ્ચિમ ઢોળાવે વસવાટ વધુ, પૂર્વ ઢોળાવે થોડો ઓછો. આ પહાડની પીઠ પર અલ્મોડાની જૂની બજાર અને ખજાનચી મહોલ્લો. ત્યાંની સ્થાનિક બજાર જોતો, રૂપાળા, નમણા પહાડી ચહેરાઓ જોતો જોતો પૂછતો પૂછતો નીકળ્યો. ખજાનચી મહોલ્લો ઘરાનેદાર રઈસ અમીરોનો, ગર્ભશ્રીમંત વેપારી લોકોનો મહોલ્લો. પેઢી દર પેઢીથી અહીં લક્ષ્મીનો વાસ છે તેની શાખ તો અહીંના લાકડાનાં નકશીદાર બારી, બારણાં, ઝરૂખા, કઠેડા, બારશાખ પૂરે. પરંપરિત કુમાઉની કાષ્ઠકલાના અનુપમ નમૂના. દેશી લોકો આ ઊભી બજારમાંથી પાધરા સોંસરવા નીકળી જાય ને કોઈ પરદેશી કલાપારખુ ઘરે ઘરે બારીએ, ઝરૂખે ‘કેમેરાના ઍંગલ ફેરવતો ક્લિક ક્લિક કરતો જાય. પૂછતાં પૂછતાં ઘર જડ્યું. એક પગથિયાવાળી શેરીમાં આઠ-દસ પગથિયાં ચડી ઉપર પહોંચ્યો તો નાનકડું શેરી-મંદિર દેખાયું. ઉપર જ ઢળતા એક છાપરા પર એક ગલૂડિયું ભસી ભસીને મને બિવરાવે. ઘરમાંથી એક જુવાને બહાર નીકળી ગલૂડિયાને ટપાર્યું અને મારા વતી ચિરંજીલાલને સાદ દીધો, “શાહજી, આપ કો મિલને કે લિયે કોઈ આયે હૈં.” પાસેના નીચા ખોરડાવાળા ઘરના નીચા બારણામાંથી વૃદ્ધ પડછંદ ગૌર કાયા નમીને બહાર આવી. ઓળખાણ-પિછાણ વગરેય મને સહેજ ઝૂકીને શાલીનતાથી નમસ્કાર કર્યા. મેં મારી ઓળખાણ આપી અને બસ એમ જ મારી નિર્હૈતુક મુલાકાતનો હેતુ જણાવ્યો. ચિરંજીલાલ કહે, “આપ હમેં યાદ કરકે યહાં આયે વો હી બહોત બડી બાત હૈ, નહીં તો પૂછતા કૌન હૈ!” મારે તો ઉદયશંકરનો એ જમાનો એમની વાતોમાં જીવતો જોવો હતો. શાહજી કહે, “આઈયે નીચે બૈઠતે હૈં.” મને એમ થયું કે જે માણસ એના ઘરમાંય નથી લઈ જતો તે તેના અંતરંગમાં કેમ લઈ જશે? પણ તેમ ન હતું. તેમને કોઈના લગ્નમાં જમવા જવું પડે તેમ હતું અને હું પહોંચ્યો ત્યારે આઠેક તો વાગી જ ગયા હતા. નીચલા માળે રોડ પરની દુકાનની નાનકડી પરસાળનાં પગથિયે અમે બેઠા. બજારમાં સામેનાં મકાનો પર ધ્યાન સ્થિર કરી વાતો કરતા હતા ને લાગતું હતું કે અદૃશ્ય નેજવું કરી એ તો દૂર દૂરની સ્મૃતિઓને જોતા હતા. આ સ્થળકાળમાંથી વાતવાતમાં તેમની પડછંદ કાયામાંનું ઋજુ મન ક્યાંક ખોવાઈ જાય. વારે વારે ધ્રુવવાક્ય જેમ કહે, “ઉદયશંકર જૈસા નાચ નહીં દેખા “આજ હૈ કોઈ ઐસા નાચનેવાલા?” વાત તો સાચી. ઉદયશંકર અંદરબહાર થનગનતા પ્રયોગશીલ લાલિત્યપ્રવણ, ઉદ્યમી, નૃત્યકાર. હાથની છટા, દેહભંગિ, ભાવભંગિ, નૃત્યસંયોજનમાં તેમનો જવાબ નહીં. ભારતીય મિનિયેચર પેઇન્ટિંગ, અજંતાના ફ્રેસ્કોના વસ્ત્ર, અલંકાર, આભૂષણ, અંગભંગ, સંયોજનાનો અભ્યાસ કર્યો, સમસ્ત ભારતીય કલાવારસાને આત્મસાત કર્યો, ભારતની શાસ્ત્રીય નૃત્ય-શૈલીઓની તાલીમ લીધી તેનો પોતાના નૃત્યમાં સમન્વય કરી કલ્પનાપ્રવણ ઉપયોગ કરી પોતાની આગવી શૈલી ઊભી કરી. યુરોપ જઈ ત્યાંની નૃત્ય શૈલી – બેલે આત્મસાત્ કરી. યુરોપમાં જ જગવિખ્યાત હંસ જેવી નજાકત મરોડ ધરાવતી નાજુક, નમનીય, અદ્વિતીય ચાપલ્યમયી, આનો પાવલોવાના સંપર્કમાં આવ્યા. આ સદીના પહેલા-બીજા દસકાઓમાં તો રશિયાની એ પ્રાઈમા બેલેરિનાએ યુરોપ-અમેરિકાને ધમરોળી નાખ્યું હતું. નૃત્યનો જાણે દિગ્વિજય આરંભ્યો. મહત્ત્વાકાંક્ષી સ્વયંકેન્દ્રી અદ્ભુત આ નૃત્યાંગના પ્રથમ વિશ્વયુદ્ધની ઘોષણા અને ધણધણાટી વચ્ચે જર્મનીમાંથી છટકીને ઇંગ્લૅન્ડ ઊતરી ત્યાંથી અમેરિકા — દક્ષિણ અમેરિકામાં તેની ટ્રુપને લઈ નીકળી પડતી. એક શહેરથી બીજે શહેર ભરચક શો ગોઠવાયા કરતા. ઘણી વાર તો સમયના અભાવે આરામને બદલે ટ્રેનમાં જ રીહર્સલ ચાલતા. ટફ માસ્ટર હતી. ધન્ય હશે તે લોકો કે જેમણે તેનું ‘ડાઇંગ સ્વાન’, ‘કૅલિફોર્નિયા પોળી’ કે ‘ડ્રેગોન ફ્લાય’ નજરે જોયું હશે. ભારતીય કથાવસ્તુ લઈ તેણે ‘રાધાકૃષ્ણ’ અને ‘ઓરિએન્ટલ ઇમ્પ્રેશન’, અજંતા' જેવાં સંમોહક સંયોજનો ઉદયશંકરની સાથે રચ્યાં. ભારતીય ઇજીશિયન, ચાઇનીઝ વિષયવસ્તુ વસ્ત્ર-અલંકાર સેટ ડિઝાઇન, સંગીત લઈ બેલેમાં, કોરિયોગ્રાફીમાં રજૂઆત કરી, એકેઝોટિક વાતાવરણ ખડું કરી એક પ્રાયોગિકતા દાખવી. ટી.વી. પર હમણાં એ જ નામની “આના પાવલોવા’ રશિયન ફિલ્મ જોઈ ત્યારે તેમાં કામ કરતી ઍડ્રેસ નર્તકીએ આના બનીને રજૂ કરેલ ડાઇંગ સ્વાન' જોયું ત્યારે થયું કે આ જો માત્ર અભિનય હોય તો હળવી જળલહેર જેમ હાથ લહેરાવતી, નજાકતથી અમળાતી, છટપટતી સાચી આના કેવી લાગતી હશે? આમ તો આના ઇંગ્લેન્ડમાં સ્થાયી થઈ અને છતાં હંમેશાં રશિયા માટે ઝૂરતી રહી. ૧૯૩૧માં ર૩મી જાન્યુઆરીએ હોલૅન્ડમાં એક શો પહેલાં જ તેનું આકસ્મિક મૃત્યુ થયું. કહે છે કે તોય એ દિવસે એ જ નાટ્યગૃહમાં શો થયો. પડદો ઊંચકાયો. આના જ્યાં નાચતી તે જગ્યાએ સ્પૉટલાઇટ-પ્રકાશવર્તુળ થયું. જે બેલે તે રજૂ કરવાની હતી તેની ધૂન પશ્ચાદ્ભૂમાંથી રેલાઈ અને શ્રોતાઓએ મૌન ઊભા રહી તેમની કલ્પનામાં નાચતી આનાને કાર્યક્રમના અંત સુધી ઊભા રહીને મૌન અંજલિ આપી. કલાપારખુ શ્રોતાઓની એ ભવ્ય અંજલિ હતી. આવી ધુંઆધાર, અગ્નિજ્વાલા વિદ્યુતલતા જેવી નૃત્યાંગના સાથે ઉદયશંકરનો પરિચય થયો. આનાની ટ્રુપમાં એય જોડાયા. આના હતી – સ્વકેન્દ્રી. તેના બધા બેલે, નૃત્યસંયોજનોમાં તે મુખ્ય પાત્ર. ઉદયશંકર સ્ટેજ પર આવે માત્ર થોડા સમય માટે જ. ગમે તે થીમમાં યા મુખ્ય ભૂમિકા આનાની જ હોય. ઉદયશંકરને નાનકડી ગૌણ ભૂમિકા ભજવવાની આવતી. અંતે ઉદયશંકરને લાગ્યું કે તેમની કળાને પૂરતો અવકાશ નથી. આના પાવલોવાથી છૂટા પડી તેમણે પોતાની ટ્રુપ શરૂ કરી. થોડા જ સમયમાં ખ્યાતિ મેળવી. સિદ્ધિ એમ કાંઈ રાતોરાત જ નથી મળી જતી. કારમા સંઘર્ષ કરવો પડ્યો. લંડનમાં તો સ્ટુડિયોના ભાડાના પૈસા કાઢવા માટે તેમણે ક્લબમાં કેબ્રેય કરવું પડ્યું. ૧૯૨૦માં કોલોનિયલ એક્ઝિબિશનમાં નૃત્યની ટ્રિપો કરી. આ દરમિયાન શિલ્પી મિસ એલિસ બોનરની મદદ મળતી રહી. ફરી ભારત આવ્યા. ગુરુવાયુરમાં ભવ્ય કથકલિ જોઈ, દક્ષિણના ભરતનાટ્યમ્ની વિદ્યુતસમ ચપળતા, લય અને સંવાદિતાથી પ્રભાવિત થયા. લોકનૃત્યોનો ઊંડો અભ્યાસ કર્યો. ૧૯૩૦માં ફરી પારિસ. ત્યાં ‘કંપની ઑવ હિન્દુ ડાન્સીઝ'ની સ્થાપના કરી. આના પાવલોવા સાથે જે કામ કર્યું તેમાંથી તેમણે ઘણો પ્રભાવ ઝીલ્યો હશે. ઉદયશંકરમાં રહેલી પ્રયોગધર્મિતાને એક દિશા મળી હશે. પશ્ચિમનું બેલે, રંગમંચનું જ્ઞાન, કથાનકની પસંદગી અને અટપટી શાસ્ત્રીયતા ગાળી નાખી, તેના લાલિત્ય પર ભારનું અપૂર્વ સંયોજન એ તેમની વિશેષતા હતી. ત્રીસીના દશકામાં તો ઉદયશંકર વિશ્વવિખ્યાત નૃત્યકાર બની ગયા હતા. ૧૯૩૮માં હિન્દુસ્તાન પાછા આવ્યા ત્યારે દિગ્વિજયી પુત્રનો જેમ રાજા વાજતેગાજતે આદરસત્કાર કરે તેમ જૈફ કવિ રવીન્દ્રનાથે તેમને આવકારતાં લખ્યું, “નૃત્યકળાને તમે જીવનભરની સાધના-સહચરી બનાવી છે. એ દ્વારા તમે પશ્ચિમ તરફથી પ્રશંસા અને કીતિ બન્ને પામ્યા છો, લાંબા ગાળા પછી તમે ભારત પાછા ફર્યા છો. આપણી માતૃભૂમિ પ્રેમપૂર્વક તમારું સ્વાગત કરી આશીર્વાદ આપે છે. બંગાળનો આ કવિ માતૃભૂમિ વતી તે તમને પહોંચાડે છે તે સ્વીકારશો. જીવનના સત્ત્વ સમી કોઈ પણ કેળા, નૃત્યકળા જેમાં તેની અભિવ્યક્તિ જોઈ શકાય, તેના વિકાસ કે ઊંડાણને કશા બંધન નથી નડતાં.. એક સ્થગિત આદર્શમાં તેને બંધિયાર ન રાખવી જોઈએ. તેને ભારતીય, પૌરસ્ત્ય, પાશ્ચાત્ય કહી સીમિત ન કરવી જોઈએ. કારણ કે, આવી મર્યાદા જીવનના સ્વાતંત્ર્યને હણે છે. રવીન્દ્રનાથે ઉદયશંકરની સર્ગ કલ્પનશક્તિ, પ્રયોગશીલતા અને દૃષ્ટિની વિશાળતાને બિરદાવી. ઉદયશંકર યુરોપમાં હતા ત્યારે શું આ જ ગાળામાં શાસ્ત્રીયતાને ફગાવી જીવનનો આદિમ રસ પી ઇસાડોશ ડંકન આકાશ તરફ હાથો ફેલાવી ઢળતા હળવા ગ્રીક વસ્ત્રો પહેરી ઍથેન્સનાં ખંડેરોમાં ડાયોનિસિયન પાગન નાચ ઉત્કટતાથી નાચી હતી? આવી જગતવ્યાપી સિદ્ધિપ્રસિદ્ધિ પછી ઉદયશંકર બીજા વિશ્વયુદ્ધના ગાળામાં ઉથલપાથલભર્યા યુરોપને છોડી અહીં શાંત અલ્મોડામાં લાંગર્યા. ૧૯૩૯માં અહીં ‘ઉદયશંકર કલ્ચરલ સેન્ટર'ની સ્થાપના કરી. અહીં આવતા પહેલાં તેમણે ઘણાં સ્થળો જોયાં હતાં પણ સારા રસ્તે બહારની દુનિયા સાથે જોડાયેલું શાંત આ પ્રાકૃતિક સ્થળ તેમને ગમી ગયું અને અલ્મોડા પર કલાકળશ ઢોળાયો. આ સેન્ટરના બાંધકામનો કૉન્ટ્રાક્ટ અપાયો અહીંના શ્યામજીલાલ શાહને. આ સમયે આપણા આ ચિરંજીલાલ શાહ એ કૉન્ટ્રાક્ટરના સાઇટ મૅનેજર હતા. ઉદયશંકરજીને ચિરંજીલાલની વ્યવસ્થાશક્તિ, સૂઝ, સ્વભાવ ગમી ગયાં અને એ સેન્ટરમાં જ સ્ટેજ મૅનેજર તરીકે માગી લીધા. લગભગ ૧૯૩૮થી ૧૯૭૨ સુધી ઉદયશંકર સાથે તેઓ સંકળાયેલા રહ્યા. ખજાનચી મહોલ્લાની બજારમાં તેમની દુકાનને પગથિયે અમે બેઠા છીએ. આવતા-જતા લોકો શાહજીકાકા શાહજીચાચાને નમન સલામ કરતા જાય છે. એ પડછંદ ગૌરકાયાની વયસ્ક આંખમાં કેટલીય યાદોની માછલીઓ સળવળે છે. પહેલી મુલાકાતે તેમને વધુ હેરાન કરવા સારા નહીં અને તેમનેય લગ્નપ્રસંગે જમવા જવાનું હોવાથી મેં તેમની ‘ફરી આવીશ’ કહી રજા લીધી. ખૂણામાં પડેલા માણસને આવી રીતેય કોઈ યાદ કરે છે તેમ અનુભવતા તેમણે પ્રેમથી કહ્યું, “જાને સે પહલે જરૂર આના. સમય લેકે આના બાતેં તો બહોત સી હૈ, કોઈ સુનનેવાલા હો તો બતાવે ન!” ખજાનચી મહોલ્લાનાં નકશીદાર બારી-બારણાં-ઝરૂખા જોતાં જોતાં મેં વિદાય લીધી. તેમણે તેમનો સ્મૃતિ-ખજાનો બીજી મુલાકાતે ખોલ્યો.