ચિલિકા/ચિરંજીલાલના: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ચિરંજીલાલના|}} {{Poem2Open}} લક્ષ્મીશંકર, અમલાશંકર માટે તો ચિરંજી...")
(No difference)

Revision as of 06:47, 31 January 2022


ચિરંજીલાલના

લક્ષ્મીશંકર, અમલાશંકર માટે તો ચિરંજીલાલ ઘરના પ્રેમાળ વડીલ જેવા જ હતા. અમલાશંકરે એક પત્રમાં ફરી એક વાર ટ્રુપ લઈ અલ્મોડા કૌસાનીમાં બેલે નૃત્યના શો ગોઠવવા તેમની મદદ માગેલી. અમલાશંકરે તો એક પત્રમાં લખેલું, ‘You have been a part of our life.' તે પત્રમાં ‘શંકર' શબ્દ ગાળીને માત્ર ‘અમલા’ એમ જ સહી કરેલી એ પત્રમાં અંગતતાની મહોર મારેલી. મમતાશંકરને તો ઘરના હુલામણા નામ ‘મમ્મો' તરીકે જ ચિરંજીલાલ અને અમલાશંકર કે ઉદયશંકર ઉલ્લેખતા. પોતાના ખોળામાં જ ઊછરેલ આનંદશંકર માટે તો તેઓ શાહજીકાકા હતા. આનંદશંકરનાં જ્યારે લગ્ન થયાં ત્યારે કંકોતરી મોકલી હતી ત્યારે આનંદશંકરે પોતે જ કંકોતરીમાં શાહજીકાકાને ખાસ ટાંક મારી હતી અને લગ્નમાં આવવા આગ્રહ કરેલો. ‘I really miss you, as one of my own uncle. Please bless us. ચિરંજીલાલજી એ પરિવાર સાથે એટલા તો ભળી ગયા હતા કે પતિ-પત્ની ઉદયશંકર અને અમલાશંકર તથા પિતા-પુત્ર ઉદયશંકર-આનંદશંકર તેમની વચ્ચેનાં મનદુ:ખ, વિયોગ અને દુ:ખની વાતોય હૈયું ઠાલવવા તેમના દુ:ખમાં ભાગીદાર થવા પત્રોમાં કરતા. બધાંનો પ્રેમ, આદર, સ્નેહ અને વિશ્વાસ પામેલા. સબ કા પ્યાર પાયા હૈ પતા નહીં. મૈં નહીં જાનતા, કોઈ ખાસ બાત તો મેરે મે થી નહીં. મેરા કોઈ ખાસ નહીં થા, સેવા સબકી કરી લેતા થા.” તેમ છતાં ઉદયશંકર પ્રત્યેનો પક્ષપાત દેખાડતાં કહે, “સબ સબ કર જગહ હૈ, ફિર ભી શિવ હૈ તો પાર્વતી હૈ, ઉદયશંકર હૈ તો અમલાજી હૈ.” અંગત મિત્ર તરીકે ઉદયશંકર-અમલાશંકરના ઝઘડાની વાત ન કહી. મિત્ર વડીલની એબ સાચવી. માત્ર એટલું કહ્યું, ‘ઉનકા મતભેદ થા તો આપસી થા. ઉસસે મેરા કોઈ મતલબ નહીં.' ચિરંજીલાલે ૭૧માં કલકત્તા છોડ્યું. એક વરસ પછી ઉદયશંકરે તે સંસ્થા છોડી. પછી પં. રવિશંકર ઉદયશંકરની જયંતી ’૭૪, ’૭૫માં મનાવી હતી ત્યારે છેલ્લે કલકત્તા ગયા હતા. ઉદયશંકરના મૃત્યુના સમાચાર છાપા મારફત જ તેમને મળ્યા હતા. હા, પહેલાં આનંદશંકરની ચિઠ્ઠી આવી હતી કે તેમની તબિયત સારી નથી રહેતી. શ્રાદ્ધ વખતે ચિઠ્ઠી આવી હતી પણ ગયા ન હતા. છેલ્લાં વીસ-બાવીસ વરસથી ચિરંજીલાલ અહીં અલ્મોડામાં જ છે. ક્યારેક નૈનિતાલ કે હલ્દવાની દીકરી-દીકરા પાસે જાય તે જ. બાકી કૂંડામાંના છોડને જતનથી ઉછેરે અને એ દિવસોને જતનથી જાળવી રાખે. અત્યારે ઉત્તરપ્રદેશ સરકાર તેમને વૃદ્ધ કલાકારના રૂપમાં પ૦૦ રૂ. પેન્શન આપે છે. એક હજાર રૂપિયાની સ્કીમ માટે ફૉર્મ ભર્યું છે. ભારત સરકારની નજર કેમ નથી ગઈ તેનો રોષ નથી પણ આશ્ચર્ય છે! “યુ.પી. ગવર્નમેન્ટ કી સ્કીમ કે લિયે કુછ ફૉર્મ વૉર્મ ભરકે દિયા હૈ. મુજે તાજુબ યે હો રહા હૈ કિ ઉત્તરપ્રદેશ કે લિયે તો મૈંને કુછ કિયા નહીં. મૈંને તો પૂરે ઇન્ડિયા કે હિસાબ સે કામ કિયા હૈ ન? ઇન્ડિયા ગવર્નમેન્ટ ક્યું નહીં દે રહી.” ઉદયશંકર સાથેનો કોઈ યાદગાર પ્રસંગ સંભારવા કહ્યું. તેમને કશું જ ખાસ યાદ કરીને કહેવાનું યાદ ન આવ્યું. જ્યાં અનેક પ્રસંગો ઊભરાતા હોય ત્યાં એક બે કેમ કહે? અને તેના કરતાં ય વધારે તો એ બે પ્રસંગો તો તમારાથી દૂરના કોઈના પરોક્ષ પરિચયમાં આવ્યા હોય તેના હોય. જ્યાં દોરડાના વળની જેમ જીવન એકમેકમાં ગૂંથાઈ ગયું હોય ત્યાં સંબંધો રગરગમાં વહેતા હોય ત્યાં તેની વાત કેમ કહે? તેમણે તો માત્ર કહ્યું, “ઉનકે સાથ કોઈ ખાસ બાત નહીં. ઘરેલુ ટર્મસ હો ગયે થે. પૂરે ફૅમિલી કે સાથ એબ્સોલ્યુટલી ઘરેલુ ટર્મ્સ. એબ્સોલ્યુટલી ઘરેલુ ટર્મ્સ.” વાત સાચી છે. આજે મારાં માબાપ સાથેના ચાલીસ વરસના જીવનમાંથી કોઈ ઉતાવળિયો ધડ દઈને બે-ત્રણ યાદગાર પ્રસંગો ગણાવવા મને પૂછે તો હું શો જવાબ દઉં. મને મારા એ કલીશે જેવા પ્રશ્નની શરમ આવી.. તેમની ફાઈલો ઉથલાવતાં તેમણે લખેલી કવિતા નીકળી આવી. કવિતા લખતાં માત્ર સ્વત: સુખાય નિજી મસ્તી માટે. તેમની કવિતાને અહીં કૌસાનીના વતની વિખ્યાત હિન્દી કવિ સુમિત્રાનંદન પંતજીએ પ્રેમથી મઠારી આપેલી તેમ તેમણે કહ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે પંતજી સાથેય તેમને અંગત સંબંધ હશે. એ સંબંધવિશ્વ ઉખેળવાની લાલચ હતી પણ સમય ન હતો તેથી તે પટારો અકબંધ એમ ને એમ જ રહેવા દીધો. માત્ર કવિતા વાંચી. કવિતામાં કાચું કોરું ઘણું હતું પણ તેમાં પ્રગટ થતું સમસંવેદન ને ચિંતા, આક્રોશ જેન્યુઇન હતાં. છૂટા પડતી વખતે તેમના ફોટો-ખજાનામાંથી મને બહુ ગમી ગયેલો, ઉદયશંકર કુટુંબ સાથેનો બર્લિનનો ફોટો માગ્યો. તેમણે જરાયે હિચકિચાટ વગર પ્રેમથી તે આપ્યો. તેમની જગ્યાએ હું હોત તો તેવો અમૂલ્ય ફોટો મેં ન આપ્યો હોત. એ સાધુપુરુષને વંદન કરી હું નીકળ્યો. ઉદયશંકરના નુપૂર મનેય સંભળાવા લાગ્યા.