ચિલિકા/ઉત્કલ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઉત્કલ|}} {{Poem2Open}} ચિલિકા કાંઠે ઓરિસા સાહિત્ય અકાદમીનું કવિ સં...") |
(No difference)
|
Revision as of 07:22, 31 January 2022
ચિલિકા કાંઠે ઓરિસા સાહિત્ય અકાદમીનું કવિ સંમેલન શરૂ થાય, અમે ચિલિકાનાં દર્શન કરીએ તે પહેલાં આગલી સાંજે એક યાત્રા અનાયાસ થઈ ગઈ. જોકે યાત્રા નહીં, જાત્રા. કાર્યક્રમ શરૂ થવાના આગલા દિવસે બધા અતિથિ કવિઓને બાલુગાવ ઉતાર્યા હતા. આ બાલુગાવ પણ ચિલિકા કાંઠે જ. કાર્યક્રમનું સ્થળ બરકુલ ૧૦-૧૨ કિલોમીટર દૂર. હું એક દિવસ વહેલો પહોંચી ગયેલો તેથી સાવ નવરો હતો. જમીને ઊભી બજારે આંટો મારી આવ્યો. ચિલિકા તરફ માછીમારોના ધક્કા સુધીય આંટો લગાવ્યો. નાનું એવું ગામ. કલાકમાં તો પગે વીંટળાઈ ગયું. સાંજે આસામનો કવિ જૂનો મિત્ર સમીર તાંતી અને છોકરડો કવિ સૌરવ સાઈકિયા આવી ગયા, અહીંની સ્થાનિક સમિતિના સભ્યો પાસેથી સાંભળ્યું કે નજીકમાં બનપુરમાં પંચદળ મેળો ભરાયો છે. પંચદળ મેળો એટલે હોળી પછીની પાંચમે ભરાતો મેળો. આ મેળો માનવીનો નહીં દેવદેવીઓનો. બનપુરની મા ભગવતી, અહીંની બડી ઠાકુરાઇન આસપાસના પ્રાંતરનાં મંદિરનાં દેવદેવીઓને અહીં આમંત્રે. બેત્રણ દિવસ સુધી અધિષ્ઠાત્રી દેવી ભગવતીના યજમાનપદ હેઠળ મોટા મેદાનમાં દેવોની સભા ભરાય. ત્રીજે દિવસે સાંજે પાલખીએ ચડી દેવો પાછા પોતપોતાનાં મંદિરે પધારે. ઓરિસામાં વારતહેવારે વિશિષ્ટ દિવસે દેવોને જનસમુદાય, ભાવિકો અને સૃષ્ટિ-પ્રકૃતિ વચ્ચે લઈ જવાની વિશિષ્ટ પરંપરા છે. ઉત્કલ દેવતા જગન્નાથજીની રથયાત્રા તેનું જ એક જાણીતું ઉદાહરણ પંચદળ મેળામાં. અહીં ભાવિકો એકસાથે આખા જનપદનાં બધાં દેવદેવીનાં દર્શનનો લાભ લે તો સામા પક્ષે મંદિરમાં જકડાઈ ગયેલા દેવો સુંદર સૃષ્ટિનો, માનવ-ભક્તિસાગરનો પ્રસાદ પામે. એકમેકનાં સુખદુઃખની વાતો કરે. સમીર-સૌરવને વાત કરી. તે તો તરત તૈયાર. સમીર તાતી તો આસામ ટૂરિઝમમાં ઑફિસર એટલે આવી વિશિષ્ટ વાતમાં તરત રસ પડે. બાલુગાંવથી બનપુર મેળા માટે જ શટલ રિક્ષા ચાલે. અહીંથી હીંચકતી ભરાય, ત્યાં ઠલવાય. ત્યાં વળતી તરત જ ભરાય ને અહીં ઠલવાય. એક જ રિક્ષામાં આઠ જણ બેસે. આવી ગિરદીનો લાભ લેવાય પડાપડી થાય તેવું મેળાનું માતમ. અમારો ગાઇડ હતો બનપુરનો જ અમૂલ્ય પલાઈ – સતત હસતો, મોટી આંખમાંથી ભોળો ભાવ વરસાવતો વિનીત છોકરો. રસ્તો આખો વાહનો, માણસોથી ભરેલો. રસ્તાની બંને બાજુ લીલાં ખેતરો, કેવડાની વાડો, નારિયેળીનાં ઝુંડો. સામે જ પશ્ચાદ્ભૂમાં બંકિમ પર્વતમાળા, બનપુરની બહાર મોટા મેદાનમાં મેળો યોજાયેલો. બનપુરથી મેદાન સુધી પહોંચવાનો રસ્તો પોતેય જાણે કે મેળો. આપણા દરેક લોકમેળા, ધાર્મિક મેળાની જેમ અનેક પ્રકારના સ્ટોલો, રંગબેરંગી વસ્તુઓ, ચિત્રવિચિત્ર અવાજો, ધૂળ, ઘોંઘાટ અને હેલારે ચડેલો માનવસમુદાય. તટસ્થ રહેવા માગો તોય એ ઉલ્લાસના છાંટા ઊડ્યા વગર ન રહે. રસ્તાના બે કાંઠે ઊભરાતો લોકનાદ મોટા ચોગાનમાં ઠલવાતો હતો. કાટખૂણે બે તરફ કતારબંધ દેવોની પાલખીઓ. દરેક દેવની બેઠક નિશ્ચિત. સિમેંટના નાનકડા ઓટલા જેવા પ્લૅટફૉર્મ પર પાલખીની સ્થાપના. પ્લેટફૉર્મ પર તકતીમાં દરેક દેવનું અને ગામનું નામ પણ લખેલું. દરેક પાલખીનો આગળનો મોરો દેવના વાહનના આકારનો કોતરેલો હોય. રામ, કૃષ્ણ કે વિષ્ણુના બીજા અવતાર હોય તો નમસ્કાર મુદ્રામાં તીક્ષ્ણ નાસિકાવાળા ગરુડરાજ હોય, જો શંકર હોય તો બે પગ ઊંચા કરી દોડતો વૃષભ, જો ગણપતિ હોય તો કળશ ઢોળતો ગજરાજ ને જો દેવીમૂર્તિ હોય તો સિંહ. પાલખીનો માફોય રંગબેરંગી કાપડથી, ભરતગૂંથણથી શણગારેલો. કોઈક તો આખી પાલખી જ નકશીદાર. મા ભગવતીના આમંત્રણથી કેટકેટલા દેવો આવ્યા હતા! નહીં નહીં તો ય સાંઠેક દેવદેવીઓ પાલખીએ ચડી આવ્યાં હતાં. હરિચંદનપુરના ગોપાલદેવ, પારી કંસારીના દધિ વામનદેવ, પુંજિયામા શાસનની દુર્ગામાદેવી, ભીમપુરની કનકદુર્ગા, બરકુલના ચંદ્રશેખરદેવ, બણપુરના રંકનાથદેવ, બોરપટનાના બાંકનિધિદેવ, ભીમપુરના અનંતસ્વામીદેવ. બસ, દેવો જ દેવો! રાત્રે કોલાહલ-મેદની શમી જતાં હશે પછી પૂજારીઓને ઊંઘતા છોડીને આ દેવો શું પાસેના ખેતરમાં કે સામેના પર્વત શિખરે ભેગા મળી સુખદુ:ખની વાતો કરતા હશે? કરતા હશે કદાચ. અત્યારે તો નામરૂપ ધરી પૂજારીને અધીન દેવો શ્રદ્ધાળુઓને નમન સ્વીકારતા આશીર્વાદ આપતા ઊભા છે. મેદાનની એક તરફ બાંધેલા સ્ટેજ પરથી પુરીના રાજા ગજપતિ દીપદેવસિંગ સુસંસ્કૃત ઊડિયામાં પ્રવચન આપતા દેવોનું મહિમાગાન કરતાં લોકોની શ્રદ્ધાને સંકોરી રહ્યા છે. કલમના ઘસરકે રાજાશાહી ભલે ગઈ હોય. અહીં પુરીના રાજા ગજપતિનું લોકહૃદયમાં અનેરું સ્થાન. આ પંચદળ મેળામાં યજમાનદેવી મા ભગવતી બડી ઠાકુરાઈનનાં દર્શન કરવાની ઇચ્છા થઈ. પૃચ્છા કરી તો ખબર પડી કે દેવી તો બનપુરના મંદિરમાં જ બિરાજે છે. અહીં તો લઈ અવાય છે દેવીના પ્રતીકરૂપ ધ્વજદંડ. એ મોટા ધ્વજદંડને જ શ્રદ્ધાળુઓ નમન કરે. અમે પણ કર્યાં. પંચદળ મેળાનો છેલ્લો દિવસ હતો. થોડી જ મિનિટોમાં મેળો ઊઘલવાનો હતો. દેવો પોતપોતાના ગામ, પોતપોતાના મંદિરે પાછું પ્રસ્થાન કરવાના હતા. મેળો ઊઘલે ને ગિરદી થાય તે પહેલાં અમારે નીકળી જવું હતું અને બનપુરમાં મા ભગવતીનાં દર્શન પણ કરવાં હતાં. પાછા ફરતાં સામા ‘માણસોના' પૂરે ચાલવાનું હતું. ઘૂઘવાતા માનવસમુદ્રને જોતાં જોતાં બનપુર ગામની શાંત શેરીઓમાંથી ચાલતા અમે પહોંચ્યા મા ભગવતીના મંદિર. મંદિરમાં કશી ભીડભાડ નહીં. અમે ચાર ગયા એ જ ભાવિકો. જે દેવી, દેવોનો આ મેળો ભરી માનવસમુદાય ઉમટાવે છે તેના મંદિરમાં અમે જ માત્ર દર્શનાર્થીઓ! હા, જો મૂર્તિ પ્રતીક હોય દેવીનું તો મા ભગવતીનો ધ્વજદંડ પણ પ્રતીક. દેવી તો ત્યાં જ બિરાજે છે. મેળામાં લોકોના હૃદયમાં. ગર્ભગૃહમાં પીળો, ઘીનો દીવો બળે છે. રંગરંગનાં છાંટણાં જેવાં ફૂલોનો ઢગલો છે. ધૂપની-ઘીની સુગંધ છે. મા ભગવતીની શ્યામ કાષ્ઠમૂર્તિ અમને આશીર્વાદ આપતી ઊભી છે. મંદિરનું સ્થાપત્ય ઓરિસાનાં જાણીતાં મંદિરો જેવું શિલ્પખચિત નહીં પણ આકાર કલિંગશૈલીનાં મંદિરો જેવો. મા ભગવતીને વંદી, પ્રસાદી રૂપે ચડાવેલી રાતી હીંગળોક ચૂડીઓ લીધી. બહાર ભગવતીની છબી મળતી હતી. અષ્ટભુજાધારી ભૈરવીરૂપ કાળીનું ચિત્ર આદિમ રેખાઓથી દોરાયેલું બળકટ હતું અને રંગસંયોજન પણ કાળા અને પીળા કલરનું. યાદગીરી માટે છબી ખરીદી. ફરી પાછા હકડેઠઠ રિક્ષામાં. આગલા અનુભવને આધારે આગળપાછળ થઈ, મોં ફેરવી બેસી વાંસા ભટકાડતા દોઢે ચડીને બેઠા. એક રિક્ષામાં દસ જણ. ફરી ખેતરો, કેતકીની વાડો, ચોખાના લહેરાતા ક્યારાઓ, નારિયેળી-તાડનાં ઝુંડ, દીપદંડવાળાં ગામનાં તળાવો-પુકુરો, સાળે ય નદીની નહેરો અને સમીસાંજનું ગાઢ થતું જતું જાંબલી-કથ્થાઈ અંધારું. અમારી જેમ દેવોય પોતપોતાના ગામ પાછા ફરી રહ્યા હતા. પાલખીની આગળ મંજીરા, ડફ, ખંજરી, ઢોલના તાલે ભક્તવાદકો દેવોની જાણે છડી પોકારતા. પાલખી-કહારોની ઉતાવળી ચાલ, પાલખીની વાગ્યા કરતી ઘંટડીઓ — આમ એક પછી એક ટોળીઓ દેવોને લઈ પસાર થતી જતી. ગેસ્ટહાઉસના રૂમમાંથી ક્યાંય સુધી એ પ્રસ્થાન કરતી ઉત્થાપન ટોળીનો નાદ સંભળાયા કર્યો. દેવોની જેમ અમનેય આશા હતી આવતી સાલના પંચદળ મેળાની.