વાસ્તુ/2: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બે|}} {{Poem2Open}} ખટ્... એક પથ્થર પર સંજયે શ્રીફળ પછાડ્યું. જરાસરખી...") |
(No difference)
|
Revision as of 04:56, 1 February 2022
ખટ્... એક પથ્થર પર સંજયે શ્રીફળ પછાડ્યું. જરાસરખી જ તડ પડી. હથેળીમાં થોડો ચચરાટ થયો. ખટ્ટ… ફરી શ્રીફળ પછાડ્યું. મોટી તડમાંથી જળની ધાર થઈ. ઝટ દઈને એક કાળી મજૂરણે ધાર નીચે ખોબો ધર્યો. ખોબામાં ઝિલાતું ટોપરાનું પાણી બે હથેળીઓની વચ્ચેથીય થોડુંક દદડ્યું કે તરત બીજી, ઉંમરમાં નાની મજૂરણે એ ખોબાની નીચે ખોબો ધર્યો. બેયની આંખોમાં દર્પણ પર પડતા તડકા જેવી ચમક અને કાળા ચહેરા પર મીઠડું હાસ્ય – ટોપરાના મીઠા જળ જેવું. એ બેયના ખોબા પોતપોતાના હોઠ પાસે પહોંચ્યા. ચમકતી આંખોએ વધુ ચમકીને જાણે કહ્યું – ખૂ...બ મીઠું છે. એક ટીપુંય નીચે ઢળ્યું નહોતું. સંજયને થયું – જીવનજળ પણ હવે આમ જ પીવું જોઈએ. એક ટીપુંય બગાડવું ન જોઈએ. મારા ભાગ્યમાં હવે કેટલું હશે જીવનજળ? આ શ્રીફળમાં હતું એટલું?! ‘મરીઝ'નો પેલો શેર મગજમાં ચમકી ઊઠ્યો –
‘જિંદગીના રસને પીવામાં કરો જલદી ‘મરીઝ’
એક તો ઓછી મદિરા છે ને ગળતું જાય છે!
‘લો, શાએબ, શેષ!’ ચમકીને સંજય વિચારોમાંથી બહાર આવ્યો. મીઠા જળની ભીનાશવાળો ટોપરાનો ટુકડો, એના પર ચમકતા વાસંતી સવારના તડકા સાથે મોંમાં મૂક્યો. ટોપરું કેવું મીઠું! કુદરતે જાણે એમાં થોડી સાકર ન મેળવી હોય! પ્લૉટ તો ઘણા સમયથી હતો, પણ ઘર બાંધવા જેટલા બજેટની જોગવાઈ થાય તેમ નહોતું. વળી કૉલેજથી નજીક જ સરસ ક્વાર્ટર મળેલું ને પગારમાંથી ન-જેવી રકમ જ કપાતી. એટલે ઘરનું ઘર કરવાની કશી ઉતાવળેય નહોતી. ને ધારો કે ઘર કરે તોય ત્યાં રહેવું કેટલું દૂર પડે? કૉલેજથીય દૂર ને નગરથીય. પણ હવે ઘર કર્યા વિના છૂટકો નહોતો. સંજયે દૃઢ સંકલ્પ કરેલો કે પત્ની અને બાળકો માટે કમસે કમ એક ઘર તો પાછળ મૂકતા જવું… સંજયને મન બાકી રહેલાં અનેક કામોમાં સૌથી અગ્રક્રમે હતું – જેમ બને તેમ જલદી ઘર તૈયાર કરી દેવું. જોકે, અમૃતાને આ બાબતનો સખત વિરોધ હતો. એ કહેતી – ‘બધા જ પૈસા ઘરમાં રોકવા માટેનો આ સમય નથી.’ ‘લોન આવી જશે પછી તકલીફ નહિ પડે.’ ‘પણ અત્યારે ક્યાંય કહેતાં ક્યાંય પૈસા રોકાય નહિ. સૌથી પહેલી પ્રાયોરિટી તારી સારવાર, ધારો કે ઘરનું ઘર હોય તોય તારી સારવાર માટે હું વેચી મારું. ને તારે મન સારવાર કરતાં પહેલી પ્રાયોરિટી છે ઘર?!' પણ ધારો કે હું નહિ હોઉં કે તરત ક્વાર્ટર ખાલી કરવું પડશે. પછી? પછી ક્યાં જઈશ બાળકોને અને બાને લઈને?’ ‘શહેરમાં કુલ કેટલા લોકો ભાડે રહે છે, ખબર છે?’ ‘અત્યારે ભાડાં કેટલાં છે, ખબર છે? અત્યારે જો આ ક્વાર્ટરને બદલે બહાર ભાડે રહેવું પડે તો ન પોસાય. જ્યારે હું નહિ હોઉં ત્યારે તો…’ ‘પ્લીઝ સંજય, ડોન્ટ ટૉર્ચર મી… વાતવાતમાં, હું નહિ હોઉં ત્યારે… હું નહિ હોઉં ત્યારે – બોલીને શું કામ જીવતેજીવ ઉતારી લે છે મારું મંગળસૂત્ર? આઈ હેટ ઇમોશનલ ટૉર્ચર… સંજય.’ ‘લાગણીથી નહિ, બુદ્ધિથી કામ લેતાં શીખ, અ-મૃ-તા…’ પછી સંજયે અમૃતાના ગળામાંના મંગળસૂત્રના લંબગોળ ચકતાને ચૂમી ભરી, પછી અમૃતાના કપાળ પરના ચાંલ્લા પર. અને એ દ્વારા સંજયે જાણે પોતાના જ સમગ્ર અસ્તિત્વને ચૂમ્યું. ‘અમૃતા.' ‘હં?’ ‘મારા કપાળ પર ચૂમી કરીને હરી લે મારી બધી જ ચિંતાઓને...' ‘કવિતાવેડા બંધ કર.’ ‘આ કવિતાવેડા નથી.’ ‘તો શું છે?’ ‘તું મારી લાગણી સમજવાનો પ્રયત્ન કર, અમૃતા.' ‘લાગણીથી નહિ, સંજય, બુદ્ધિથી કામ લેતાં શીખીએ.' ‘તો, ઘર બાંધવાના કામને પહેલી પ્રાયોરિટી?’ ‘ના, પહેલી પ્રાયોરિટી તારી સારવારને. એ માટે જરૂર પડ્યે હું મારું મંગળસૂત્ર પણ વેચીશ. કદાચ સારવાર અર્થે પરદેશ જવું પડે તોય હું ગમે તેટલું દેવું કરીનેય, છેવટે ભીખ માગીનેય પૈસા એકઠા કરવાનું પસંદ કરીશ.' ‘પણ એ બધું કર્યા પછીય.. અંતે? ના, અમૃતા, ના, મારે તારા માટે એક પૈસાનુંય દેવું મૂકીને નથી જવું. આ રોગ સંપૂર્ણ મટવાની જરીકેય આશા હોત તો જુદી વાત હતી.’ ‘આશાનો એકાદ તાંતણોય અમારે સ્ત્રીઓ માટે તો કોક અનંત વસ્ત્ર બરાબર છે…’ ‘અમૃતા, તું વધારે ભાવુકતામાં સરતી જાય છે.’ ‘ભાવુકતા શું ખરાબ છે?’ ‘ભાવુકતા જ નહિ, વધારે પડતી દરેક ચીજ ખરાબ.’ ‘તો તમારી આ બુદ્ધિ અને વધારે પડતી સભાનતા પણ ખરાબ જ ને?’ ‘તું ખૂબ ચબરાક થઈ ગઈ છે.’ ‘પ્લીઝ સંજય, માની જા. અત્યારે ઘર બાંધવામાં પૈસા ન રોકાય. તારી સારવારને જ પ્રાયોરિટી હોય એ સિવાય બીજા કશાયને નહિ.’ ‘તું સમજતી કેમ નથી, અમૃતા. બચવાની જરીકેય શક્યતા હોત તો હું તારી વાત ચોક્કસ માનત.’ ‘ટીબીની દવા શોધાઈ એમ નજીકના ભવિષ્યમાં જ આ રોગની દવાય નહિ શોધાય એની શી ખાતરી?’ ‘આ દવા જો શોધાશે તો, ઘર બંધાઈ ગયા પછીય, ‘ઑન’ લઈને વેચી શકાશે.’ ‘તું ખૂબ જિદ્દી છે, સંજય.’ ‘જિદ્દી નહિ, હું સંકલ્પોનો માણસ છું.' ‘વિસ્મય જન્મ્યો ત્યારેય તેં જીદ કરેલી ને મારે નોકરી છોડવી પડેલી. અત્યારે તને સમજાય છે ને કે મારી નોકરી હોત તો તારે કહેવું ન પડત કે અમૃતા, મારા કપાળ પર ચૂમી ભરીને હરી લે બધી ચિંતાઓને.’ ‘હા, અમૃતા, તારી નોકરી હોત તો સારું હતું… પણ નોકરી તો ફરીય મળશે.’ ‘નોકરીઓ એમ રસ્તામાં પડી છે, નહિ?’ ‘તારી દલીલોનો ક્યારેય અંત નહિ આવે.’ ‘તો માની જા, સંજય, પ્લીઝ, અત્યારે ઘર બાંધવાનું માંડી વાળ.’ ‘અ...મૃ...તા... સંજયે ધીમા, ભારે ને ભીના સાદે કહ્યું. ‘શું?' જાણે ખૂબ ઊંડા કૂવાના પાતાળમાંથી અવાજ આવતો હોય એવા અવાજે સંજયે કહ્યું – મારી અંતિમ ઇચ્છાઓમાંની એક છે – તારા અને બાળકો માટે ઘરનું ઘર મૂકતા જવું.’ ‘સારું. કરો તમારે જે કરવું હોય તેમ. તમે કોઈનુંય કહ્યું માનો એવા નથી. અંતિમ ઇચ્છાની વાત લાવીને તમે ચતુરાઈથી મારા મર્મસ્થાને આઘાત આપીને તમારો કક્કો સાચો કરાવો છો. હું જીદ નથી કરતી. પણ ઘર બાબતનો મારો વિરોધ સાચો છે, છે અને છે.’ છેવટે સંજયે ઘર બાંધવાનું નક્કી કર્યું. વહેલામાં વહેલું મુહૂર્ત જોયું – વસંતપંચમી. વસંતપંચમી આવી ગઈ. શ્રીફળ વધેરાયું ને પાયા ખોદવાની શરૂઆત પણ થઈ ગઈ. ઘર દૂર તો ખાસ્સું પડશે. અહીં શહેરનો લગભગ છેડો. અહીંથી આગળ બેએક સોસાયટીઓ બને છે ને એની પાછળ છે ખેતરો. ખેતરોની પાછળ મીટરગેજની રેલવેલાઇન ને એની પાછળ થોડાં ખેતરો ને પછી સૂકુંભઠ વેરાન. પેલા ખેતરમાં રાતો-જાંબલી રાજગરો દેખાય છે. એ સિવાય ક્યાંય દેખાતી નથી વસંતપંચમી. મફલર વીંટ્યું છે તોય ઠંડી લાગે છે. આ તીવ્ર પવન શિયાળાનો છે; હિમાચલમાં બરફવર્ષા થઈ છે એનો. એમાં વાસંતી વાયરાનો અણસાર સુધ્ધાં નથી. ક્યાંયથીયે એકાદી કોયલનો એકાદ ટહુકોય વહી આવતો નથી. રડ્યાંખડ્યાં વૃક્ષો પર પણ વસંતનો અણસાર હજી નથી. પ્રકૃતિ સાથે માણસ ચેડાં કરતો રહે છે તે ઋતુઓનો ક્રમ પણ હવે જળવાતો નથી. માત્ર કૅલેન્ડરમાં છે વસંતપંચમી. ના, માત્ર કૅલેન્ડરમાં જ કેમ? મકાન માટે ખોદાતા જતા આ પાયામાં છે વસંતપંચમી. ઢોંઓઓઓ… કરતું ડીઝલ એંજિન રેંક્યું. પેલાં ખેતરો પાછળથી ચાર-પાંચ ડબ્બાની ટ્રેન પસાર થવા લાગી. કોલસાથી ચાલતાં એંજિનની, વ્હીસલ સરસ વાગતી. કાનને ગમતી. ઘર બંધાઈ જશે પછી એની અગાસી પરથી દૂર ખેતરો પાછળથી પસાર થતી ટ્રેન જોવાની મઝા પડશે. પણ… કદાચ હું નહિ હોઉં… પણ વિસ્મય તો ટ્રેનનો અવાજ સાંભળતાં જ રમત પડતી મૂકીને દોડશે ટ્રેન જોવા. મનેય ખૂબ ગમે છે પસાર થતી ટ્રેનનું દૃશ્ય. જીવનને અને સમુદ્રને કશોક સંબંધ છે એમ ટ્રેનને અને જીવનની ગતિનેય જાણે કશોક સંબંધ છે. સંજયને મન થઈ આવ્યું – બાળકની જેમ દોટ મૂકવાનું ને ટ્રેનની સાથે સાથે દોડ્યા કરવાનું ને ટ્રેનના મુસાફરોને હાથ હલાવીને ‘આવજો... આવજો...’ કરવાનું. ટ્રેનના બધાય કથ્થઈ ડબ્બામાંની બધીયે બારીઓમાંથી અનેક હાથ મનેય કહેતા હોય – ‘આવજો…’, ‘આવજો’ ‘આવજો'. ચિત્રવત્ ઊભી છે સંજયની છાયા, એની પાછળ દૂ૨ પસાર થતી ટ્રેન ને એની પાછળ ક્ષિતિજ પર ઊંચે ચઢતો સૂરજ.. ટ્રેન જોવા માટે સંજયનો ચહેરો ફરતો રહ્યો… વળાંક લેતી ટ્રેન દૂર ને દૂર સરતી ગઈ… છેવટે નાનું ને નાનું ટપકું થતી ગઈ ને અંતે જાણે ક્ષિતિજમાં ઓગળી ગઈ.. સંજયને એ જોઈ ગાંડા જેવો વિચાર આવ્યો – પસાર થઈને ક્યાંય દૂર ચાલી ગયેલી ટ્રેનને જો આ…મ હાથ લંબાવીને પકડી-જકડી શકાય તો?!