મેઘાણીની સમગ્ર નવલિકા 2/ઘૂંસાલાલ ઠૂંઠો: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઘૂંસાલાલ ઠૂંઠો|}} {{Poem2Open}} ચોપડી ઉઘાડીને હજી તો અમે વાંચવાનો આ...") |
(No difference)
|
Revision as of 05:55, 16 February 2022
ચોપડી ઉઘાડીને હજી તો અમે વાંચવાનો આદર કરતા હતા ત્યાં પછી ચર્ચાઓ ને તકરારો ચાલુ થઈ ગઈ. અમે એકબીજાની સામે જોયું; અને બબડ્યા: “આ વખતની જેલજાત્રામાં અભ્યાસને તો ગરદને જ મારવાનું નિર્માયું જણાય છે.” “શું છે વળી?” એક જણે આવીને કહ્યું: “કૂકાભાઈ અને છોકરાઓની વચ્ચે જામી પડી છે.” “શી બાબત?” “કૂકાભાઈની પત્રિકા બાબત. એમણે છપાવ્યું છે ને, કે જે રીતે લડત ચાલે છે તે રીત બરાબર નથી. ‘સિક્રસી’ (ખાનગી)ના માર્ગ પર આ લડત ન ચાલવી જોઈએ; એટલે હવે છોકરાઓ ચડી બેઠા છે, કે તો પછી આ પત્રિકા જ તમે કેમ ખોટી પ્રેસ-લાઈન આપીને છપાવી છે? અને તો પછી આ પત્રિકા દૂધવાળા જોડે કેમ છૂપી રીતે અહીં જેલમાં મોકલી હતી?” “લોહી ઉકાળ્યાં આમણે તો!” એમ કહેતા અમે ચોપડીઓ બંધ કરીને પાછા કૂકાભાઈ પાસે જઈ ઊભા. એ પેલા છોકરાઓને જવાબ દેતા હતા કે “અમુક હદમાં સિક્રસી ચાલી શકે.” સામે વિનોદ ઊકળી ઊઠ્યો કે “એ ‘સિક્રસી’ની હદ નક્કી કરનાર તમે કોણ?” જવાબ કાંઈ મળ્યો નહિ એટલે છોકરાઓએ હો હો કરી મૂક્યું. એ-ના એ ધમરોળ ફરી પાછા પ્રાર્થનાને વખતે! કૂકાભાઈનું મંડળ સાયંપ્રાર્થના કરવા બેસે એટલે છોકરા કહે કે ‘નહિ, અમારે ગરબા ગાવા છે’. પેલા રાતે વહેલા સૂવાના મતના, તો છોકરાઓને મોડી રાત સુધી જાગવાની જીદ. પેલા પરોઢિયે ઊઠવાનું ઠરાવે, તો છોકરા કહે કે પરોઢિયાની ગુલાબી ઠંડીમાં તો અમને ઊંઘવાની લહેર પડે છે! તોબાહ છે આ ૧૯૪૨-૪૫ની જેલ! અમારાં પુસ્તકો રઝળી પડ્યાં છે. ઉર્દૂના વર્ગો ચલાવી શકાતા નથી. વ્યાખ્યાનોની વેળા નથી. અમે છોટા ચક્કરમાં સૌ ઘીંઘરની સાથે ક્યાંથી પુરાયા? અગાઉ ‘એ’ ને ‘બી’ વર્ગો અલગ હતા તે જ બહેતર હતું. આ તો શંભુમેળો મળ્યો છે. બિચારા ગનુભાઈ પકડાયા અને પેલો ઘૂંસાલાલ પકડાયો એ બેઉ અહીં એક સાથે ઓરાઈ ગયા. આ તો એક દાખલો દઉં છું. ગનુભાઈએ પરોઢિયે ઊઠી ઘરમાં સ્નાન કર્યું, પ્રાર્થના કરી, રામધૂન બોલાવી, ને પોલીસ આવે તેની રાહ જોતા બેઠા રહી પકડાયા; ત્યારે ઘૂંસાલાલ ઊંડામાં ઊંડી પોળના ઊંડા વેરાન એક ઘરની અંદર બૉમ્બ બનાવતો હતો, બૉમ્બ ફૂટી ગયો, ગોટમગોટ ધુમાડાની વચ્ચે પોલીસે એને કબજે કર્યો, ને સબ ઇન્સ્પેક્ટર એનો જમણો હાથ ઝાલવા ગયા તો એ હાથ જ છેક કોણીથી ઊડી ગયો હતો — પકડવા જતાં અમલદાર છોભીલા પડ્યા. પછી ડાબો હાથ પકડ્યો. એને બહાર કાઢ્યો ત્યાં તો એક આંખ પણ મળે નહિ! ગમનભાઈ અને ઘૂંસાલાલ બંનેને રાજકેદીઓ ગણ્યા છે, બંને છોટા ચક્કરમાં, બંનેનાં રૅશન એકત્ર, બંનેને એક જ રસોઈ જમવાની, બેઉ જુદા વાતાવરણના જીવડા, પણ અહીં તો એક જ દ્વારકા-છાપવાળી જમાતમાં! એમાં પણ અમારું ગમનભાઈનું મંડળ પચાસ-સોનું, ને ઘૂંસાલાલની જમાત એક હજાર જેટલી બહુમતી ધરાવી રહી છે. આ એક હજારથી છૂટવાની કોઈ બારી નથી રહી. સૂર્ય ઊગ્યા વિના રહે તો જ દા’ડો કંઈ ને કંઈ લોહીઉકાળા વિનાનો જાય. કાં તો કહે કે બસ આજે ધ્વજવંદન કરવું છે: કાં વળી હુજ્જત કરે કે બરાકમાં નહિ પુરાઈએ. કાં તો રાતની ગિનતીનો કોઈ મેળ ન મળવા દ્યે, અને જેલર જબરદસ્તીથી પૂરવા આવ્યો એટલે ઘૂંસાલાલ પોતાનો કોણી સુધીનો કપાઈ ગયેલો હાથ ઉલાળતો ઉલાળતો આગળ આવીને જેલરને કહે છે — “પૂરીને પછી શું, તાળાં લગાવવાં છે ને? વારુ, એ તાળું લાવો જોઉં!” તાળું જેલરે બતાવ્યું, ઘૂંસાલાલ કહે, “બંધ કરી દો જોઉં!” જેલરે તાળું ચાવી વડે બંધ કર્યું, પછી ઘૂંસાલાલે પોતાની ટોપી ઉતારી અંદરથી કશુંક લોઢાનું કાઢી એ તાળામાં ભરાવી ટપ દઈ ઉઘાડી નાખ્યું. જેલરને કહે: “જુઓ, અમારે અંદર ન પુરાઈને કંઈ નાસી જવું નથી, નાસવું હોય તો અંદર પૂરશો તે પછી પણ આટલી જ વાર છે. અમે તો અહીં રહેવા આવ્યા છીએ. માટે શીદ નાહક હવા ખાતા રોકો છો?” જેલર બાપડો આભો બનીને પૂછે છે: “આ ખોલવાનું બનાવ્યું શામાંથી?” “આ રેંટિયાની ત્રાકમાંથી ને તકલીમાંથી સ્તો!” એ જવાબ દેનાર ઘૂંસાલાલની બાડી સૂરત સામે અને એના હાથની બેડોળ છૂંદાઈ ગયેલી કોણી સુધીની ભુજા સામે અમે તો જોઈ જ રહ્યા. ત્રાક ને તકલીનો ઉપયોગ તાળાં ખોલવાની તરકીબ માટે થયો એ તો કૂકાભાઈ અને ગમનભાઈ માટે ઉપવાસ કરવાને પાત્ર બાબત હતી, પરંતુ તે દિવસોમાં ફ્રૂટ, ગાયનું દૂધ અને ઘી તો આવી ગયાં હતાં એકસ્ટ્રા રૅશન તરીકે, અને એ બધું બગડે તેમ હતું. ઘૂંસાલાલ કંઈ છોકરાઓનો આગેવાન નહોતો. એ તો આટલું રોનક કરી બતાવ્યા પછી પાછો ઠૂંઠો હાથ ઉલાળતો ઉલાળતો ચાલ્યો ગયો. એને ત્રણ વર્ષની સજા હતી. એ તો ‘કન્વિક્ટ’ હતો. બીજી એકેય બાબતમાં એ કદી આગળ આવ્યો નહોતો. ઘણી વાર એ ગમનભાઈ કૂકાભાઈની પ્રાત:પ્રાર્થનામાં તેમ જ સાયંપ્રાર્થનામાં જઈ લપાઈને બેસતો અને ગાવા પણ લાગતો. શરૂ શરૂમાં તો ગનુભાઈને એના પર શંકા હતી કે પ્રાર્થનાનું ટીખળ કરવા આવી બેસે છે, પણ એક દિવસ એની આંખોમાંથી પ્રાર્થના દરમ્યાન પાણી વહેતાં હતાં. મને લાગ્યું કે પેલી બૉમ્બ ફૂટતાં જખમી બનેલી આંખની કશીક પીડાને લીધે હશે, પણ પછી બીજી આંખે સાક્ષી પૂરી કે ના, ઘૂંસાલાલ ખરેખર રડતો હતો. અને રામધૂન લેતાં લેતાં બધા જ્યારે તાળીઓ પાડતા હતા ત્યારે હું જોઈ રહ્યો હતો કે એનો કોણીથી ભાંગલો હાથ તાલબદ્ધ હલતો હતો. એને જાણે કે તાળી પાડવી હતી, પણ પાડે શા વડે? એક દિવસ સવારે એણે કૂકાભાઈને ધોયેલ કપડાં પહેરીને તૈયાર થયેલા જોયા. સુંદર ઝભ્ભો, તે પર જવાહર-જાકીટ, માથે ટેડી ખાદીટોપી ને હાથમાં બગલથેલી. ગનુભાઈ વગેરે અમે કેટલાક એમને કવરવાળા કાગળો આપતા હતા તે પોતે કબજાના અંદરના ગજવામાં સેરવતા હતા. “ચાલો ત્યારે,” કૂકાભાઈએ કહ્યું: “જઈ આવું.” મેં ધીમે રહી કહ્યું: “પત્રિકા જરૂર....” “વારુ.” કહી એ જેલ દરવાજા તરફ ચાલ્યા. ઘૂંસાલાલે મને પૂછ્યું: “ક્યાં ગયા?” “શહેરમાં — સિવિલ ઇસ્પિતાલમાં.” “કેમ?” “લિવર બગડ્યું છે તેથી લિવર એક્સ્ટ્રેક્ટનાં ઇન્જેક્શન લેવાની સુપરિન્ટેન્ડેન્ટે સલાહ આપી છે. એને પોલીસવાનમાં સિવિલ ઇસ્પિતાલે લઈ જશે.” ઘૂંસાલાલ એક આંખે પણ કોઈક હિંસક પશુની પેઠે એ ચાલી નીકળેલા કૂકાભાઈની પાછળ તાકી રહ્યો. બપોરે કૂકાભાઈ પાછા આવ્યા અને એકાક્ષ ઘૂંસાલાલની નજરથી એ અછતું ન રહી શક્યું કે કૂકાભાઈએ મને, ગનુભાઈને વગેરેને એક્કેક બબ્બે પરબીડિયાં આપ્યાં. એ અમારા પરના ઘરના કાગળો હતા. મારો કાગળ ઘણો મહત્ત્વનો હતો. મારે એક આંટો શહેરમાં સિવિલ હૉસ્પિટલ જઈ આવવાની તત્કાલ જરૂર ઊભી થઈ હતી. બે-ત્રણ દિવસ મને પ્રયાસ કરતાં થયા. પણ છેવટે હું સુપરિન્ટેન્ડેન્ટને ખાતરી કરાવી શક્યો કે મારામાં આવી રહેલી વિટામિન ‘બી’ની ‘ડેફિશ્યન્સી’ (ન્યૂનતા) ઘણી હાનિ ઊભી કરશે. મને પણ એણે ઇન્જેક્શનો લેવા જવા વળતે દહાડે શહેરમાં મોકલ્યો. જેલવાસી સાથીઓનાં પરચૂરણ કામકાજ હું પણ સાથે લેતો ગયો. પણ મારું મુખ્ય કાર્ય તો ત્યાં જુદું જ હતું. ઇન્જેક્શન અપાતાં પહેલાં મારી પેઢીના મૅનેજરને અને એની સાથે આવેલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર મિ. જોગિયાને મેં મળી લીધું. વાત તો નાની હતી પણ મારી ગેરહાજરીને કારણે ગંભીર સ્વરૂપ ધારણ કરી બેઠી હતી. અમારા ક્વોટાના ચારેક ગાંસડી કાપડને વિશે ચૂંથણાં ચાલતાં હતાં. મૅનેજરે કાળું બજાર કર્યું હશે, પણ એ પોલીસને ‘મૅનેજ’ ન કરી શક્યા એટલે જોગિયો ઊછળતો હતો. એને શાંત પાડી હું બપોરે પાછો આવી ગયો. પછી તો હું ત્રણ-ચાર વાર ઇન્જેક્શન લેવા ગયો. એનો તો આખો ‘કોર્સ’ પૂરો કરવાનો હોય છે ખરો ને! વળી આમેય પાછાં ‘હાર્મલેસ’ ઇન્જેક્શન, એટલે આખો કોર્સ લેવામાં કશી હાનિ નહોતી. ત્યાં દર વખતે મૅનેજર આવીને દરેક બાબતનું ‘ગાઇડન્સ’ લઈ જતા. મિ. જોગિયા પણ આવી જતા ને કહેતા કે ‘કશી ફિકર ન રાખશો’. મારી સાથે કવિ રાજપાલ પણ જેલમાંથી ‘સિવિલ’માં આવતા. એની આંખોમાં ખીલ ભારી ઊબળી પડ્યા હતા એટલે એને ખીલ ઠોલાવવા મોકલવામાં આવતા. ખીલ ઠોલાવીને પછી એ પાછળી પરસાળમાં બાંકડા પર સૂતા, અને ત્યાં પત્ની ચંદ્રલેખાબહેન આવીને એની પાસે, મોં-માથું પંપાળતાં બેસતાં. એમને બેઉને ત્યાં મળવાની સગવડ કરી આપનારો દાક્તર જ પાછો અમારી કને આવીને એમનું ટીખળ કરતો. મારે તો એવી કશી ઉપાધિ નહોતી, કારણ કે મારી પત્ની છેલ્લા એક દસકાથી ગાંડી છે; ને છોકરું તો એક પણ નથી. ફક્ત મારી પેઢીને કાપડનો ક્વોટા મળતો તેનો જ નિકાલ કરવાનો રહેતો. ને તે દરેક વખતે થઈ જતો. અમે જોઈ શકતા હતા કે અમારા કેટલાકના વારંવારના શહેરગમનથી ઘૂંસાલાલ ઊંચોનીચો થઈ રહ્યો છે. હું એને પૂછતો પણ ખરો કે “ઘૂંસાભાઈ, તમારું કંઈ કામ કરી લાવવાનું હોય તો કહો.” એણે ઘણી સબૂરી પછી એક વાર મને છાનાંમાનાં કહ્યું: “ના, એ તો હું જાતે જ જવાનો.” મને મનમાં રમૂજ ઊપજી. આ બાપડો આવી કઢંગી શરીરસ્થિતિમાં એનાં બૈરીછોકરાંને મળવાના ઉમળકા શે સેવતો હશે! મારી આવી હાલત હોય, તો હું તો, ભાઈ, એવી ઉત્કંઠાને અહીં બેઠો બેઠો છૂંદી જ નાખું. મેં પૂછ્યું: “તમારાં બાળબચ્ચાંને મળવા અહીં કેમ નથી તેડાવતા?” એ કહે, “એને તે અહીં રાખું કે? આની બે મહિના અગઉથી જ અમારે ગામડે વળાવી આપેલાં.” ‘આની અગઉ’ એનો અર્થ સમજાવવા વળી એણે એ જમણા હાથનું ઠૂંઠું હલાવ્યું. મને એ દેખી દર વખતની જેમ ચીતરી ચડી. ઘણુંય કહેવા મન થયું કે એમ વારંવાર હાથ નહિ ડોલાવો! પણ ન કહેવાયું. પશુનાં કાન અને પૂંછડીની પેઠે ઘૂંસાલાલનો ઠૂંઠો હાથ હર્ષ શોક અગર તો હરકોઈ હૃદય-સંવેદનની સાથે હલી ઊઠતો. કોઈ વાર એમ થાય કે બૉમ્બ ફેંકવા માટે એ હાથ ઉઠાવતો હશે, કોઈ વાર કોઈને તમાચો લગાવવા માટે અગર કદાચ કોઈકને શિરે હાથ ફેરવવા પંપાળવા માટે. પણ કોણી સુધીનો હાથ કઈ ચેષ્ટા કરવા ઊછળતો હશે એની ખબર શી પડે! “છોકરું છે?” મેં પૂછ્યું. “હા,” એમ કહી પ્રથમ એણે જમણો ભાંગેલો હાથ હલાવ્યો. પણ પછી એને પણ ભોંઠાપણ થયું હોય તેવું લાગ્યું. પછી એણે, થયેલ ભૂલ સુધારતો હોય એમ, ડાબે હાથે જમીન પર બતાવ્યું: “મારો છોકરો આવડોક થયો હશે.” એ રીતે માળી લોકો ફૂલરોપનું સંવર્ધન સમજાવતા હોય છે. “બોલો,” મેં પૂછ્યું, “ક્યારેક શહેરમાં જવા ઇચ્છા છે?” “રહો, બે દિવસ પછી કહીશ.” એ બે દિવસ સુધી હું જોતો હતો કે ઘૂંસાલાલ અમારા માંહેના જે ‘ડીટેન્યુ’ કેદીઓ સિગારેટ પીનારા હતા (તેમને બહારથી મળતી) તેમની પાસેથી પાંચ-પાંચ મેળવતો હતો. પછી ત્રીજે દિવસે મને એક કેદીએ આમ વાત કરી કે ‘ઘૂંસાલાલે પંદરેક સિગારેટો વેચી’. “વેચી?” “હા, ને રૂપિયા પાંચ કમાયો.” તલબથી મરતા જેલવાસી ક્રિમિનલો અક્કેક બીડીનાં પણ મોટાં દામ ચૂકવતા હોય છે અને એ માટેનાં નાણાં ઘેરથી અનેક તરકીબો દ્વારા મેળવતા હોય છે તેની મને ખબર હતી. સાંજે પ્રાર્થના પછી ઘૂંસાલાલે મને કહ્યું કે પોતે આવતી કાલે સિવિલમાં જવાની જોગવાઈ કરી લીધી છે. વળતે દિવસે કવિ રાજપાલને પોતાની આંખો માટે ચશ્માં લેવા જવાનું હતું. એની સાથે ઘૂંસાલાલ પણ પોલીસવાનમાં ચડ્યો. એણે પણ આંખનું કારણ ઊભું કર્યું હતું. બપોરે કવિએ આવીને અમને વર્ણન આપ્યું કે ઘૂંસાલાલે તો અવધ કરી, ભાઈ! પોલીસને પાંચ રૂપિયા આપ્યા ને કહે કે બીજું કાંઈ નહિ, રિચી રોડ પર એક વાર લઈ જા, યાર, ને ત્યાં ચા-નાસ્તો કરવા દે! મારે ચશ્માં લેવા જવું હતું એટલે પોલીસને અનુકૂળતા હતી, મને ઘૂંસાલાલે ઘણું કહ્યું કે ચાલો, ચમન-હૉટલમાં ચા-નાસ્તો કરાવું, પણ મારું જિગર તો ચાલ્યું નહિ. હું સામી લાઇનમાં ચશ્માં લેતો ઊભો રહ્યો, ને ઘૂંસાલાલે ચમન-હૉટલમાં ચા ચડાવી, પાનપટી ખાઈ, સિગારેટ સળગાવી, બહાર રિચી રોડની ફૂટપાથ પર ઊભા રહી ચારેય બાજુ જોતેજોતે ધુમાડા કાઢ્યા. મને કહે કે કવિશ્રી! બસ આટલી ઉત્કંઠા હતી, કે કે’ દા’ડે જઈ રિચી રોડ પર ઊભોઊભો ચા પીને સિગારેટ ફૂંકું! બસ, એ એક જ તમન્ના હતી. “ઊભો ઊભો! બહાર રસ્તા પર ઊભો ઊભો!” અમે સૌ ચોંકી ઊઠ્યા. “નહિ ત્યારે! પાદશાહી અદાથી.” મારું કુતૂહલ ન શમ્યું. હું અંદર ગયો. ઘૂંસાલાલના શબ્દો સંભળાતા હતા: “લો દોસ્ત! લો આ સિગારેટો, ને લો આ પાનપટ્ટી: ખાસ દિલખુશ કાથાવાળાને ત્યાંથી જ આણી છે, યાર! તમારી સૌની સારુ. હું તો ભારી ટેસ કરી આવ્યો, ભાઈ! રિચી રોડ પર ઊભાં ઊભાં સિગારેટ પીધી. પણ કલેજું તૃપ્ત થઈ ગયું. ચાલો, હવે કહો તો આજે રાતે જેલ તોડું.” “હા-હા-હા-હા,” એ હસાહસ સાંભળતો હું પાછો ફરી ગયો. સારું થયું કે કૂકાભાઈએ ને ગનુભાઈએ આ કશું જોયું કે સાંભળ્યું નહિ, નહિ તો તેઓની છાતી બેસી જાત. સાંજે પ્રાર્થનામાં મેં એ ઠૂંઠો હાથ ડોલતો દીઠો. મારી તો પ્રાર્થના બગડી.