પરિષદ-પ્રમુખનાં ભાષણો/૩૩: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શ્રી કે. કા. શાસ્ત્રી|}} {{Poem2Open}} કે. કા. શાસ્ત્રીનો જન્મ ૨૮ જુલા...") |
(No difference)
|
Revision as of 06:56, 25 February 2022
કે. કા. શાસ્ત્રીનો જન્મ ૨૮ જુલાઈ, ૧૯૦૫ના રોજ માંગરોળમાં થયો હતો. તેઓ બહુશ્રુત વિદ્વાન હતા. શાળાનું મૅટ્રિક સુધીનું શિક્ષણ અને પિતા કાશીરામ શાસ્ત્રી પાસેથી સંસ્કૃત વ્યાકરણ, કાવ્ય અને વેદાંતનું શિક્ષણ લીધું. એમના પિતાશ્રી સંસ્કૃતની પાઠશાળા ચલાવતા હતા. પાઠશાળામાં તેઓ ખંડસમય માટે અધ્યાપન કરાવવા જતા. કોરોનેશન હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે અગિયાર વર્ષ કામ કર્યું. તેમને સંશોધનમાં ઊંડો રસ. તેમણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધનનું મહત્ત્વનું કામ કર્યું છે. ૧૯૩૬થી અમદાવાદમાં સ્થિર વસવાટ કર્યો. તેમણે ‘પ્રજાબંધુ’ સાપ્તાહિકના તંત્રી ખાતામાં સેવા આપેલી. ગુજરાત વિદ્યાસભામાં સંશોધક તરીકે દાખલ થયેલા. અનુસ્નાતક કક્ષાએ અપભ્રંશ અને જૂની ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભણાવતા. મુંબઈ યુનિવર્સિટીમાં તેમને એમ.એ.ના વર્ગો લેવાની માન્યતા ૧૯૪૪થી મળેલી. ગુજરાતી વ્યાકરણ, ભાષાશાસ્ત્ર અને કોશના ક્ષેત્રે તેમનું મહત્ત્વનું પ્રદાન છે. ‘ગુજરાતી ક્રમિક વ્યાકરણ’, ‘ગુજરાતી વ્યાકરણશાસ્ત્ર’, ‘ગુજરાતી પારંપરિક વ્યાકરણ’, ‘ગુજરાતી માન્યભાષાનું લઘુવ્યાકરણ’ – તેમનાં ગુજરાતી વ્યાકરણોનાં પુસ્તકો છે. ‘સંસ્કૃત ભાષા’, ‘વાગ્વિકાસ’, ‘ગુજરાતી ભાષાનો વિકાસ અને અર્વાચીન ગુજરાતી ભાષાનું સ્વરૂપ’, ‘ભાષાશાસ્ત્ર અને ગુજરાતી ભાષા’, ‘ભાષા અને ગુજરાતી ભાષા’ – એમનાં ભાષાશાસ્ત્રનાં ખેડાણનાં પુસ્તકો છે. ‘ગુજરાતી અનુપ્રાસકોશ’, ‘પાયાનો ગુજરાતી કોશ’, ‘લઘુ જોડણીકોશ’, ‘ગુજરાતી લઘુકોશ’, ‘અમરકોશ’, ‘બૃહદ ગુજરાતી કોશ’ (ભાગ-૧-૨), ‘દસ ભાષાનો વનૌષધિકોશ’ – તેમના કોશ ક્ષેત્રનાં પુસ્તકો છે. કે. કા. શાસ્ત્રીએ બીજું જે મહત્ત્વનું કાર્ય કર્યું તે સંક્ષિપ્ત કરવાનું. તેમણે મહાભારતના ‘ભારતસંહિતા’ જે ૨૪,૦૦૦ શ્લોકોની રચના છે તેમાંથી ૮,૮૦૦ શ્લોકો અલગ તારવીને ‘જયસંહિતા’ નામ આપ્યું. ‘ગીતા શતશ્લોકી’ અને ‘હરિવંશ’નો પણ સંક્ષેપ કરી આપ્યો છે. ૧૯૫૨માં મુંબઈમાં તેમણે ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાન આપેલું, વડોદરા યુનિવર્સિટીના સંગીત મહાવિદ્યાલય તરફથી ‘ભરત નાટ્યશાસ્ત્ર અને આચાર્ય અભિનવગુપ્ત’ ઉપર ૭ વ્યાખ્યાનો તથા ‘ભાણ : એક નાટ્યપ્રકાર’ ઉપર ત્રણ વ્યાખ્યાનો આપેલાં. કે. કા. શાસ્ત્રી વિવિધ પદવીઓથી પણ સન્માનિત થયા છે. ‘મહામહિમોપાધ્યાય’, ‘ભાષાભાસ્કર’, ‘વેદવેદાંત-ચક્રવર્તી’, ‘ડૉક્ટર ઑવ્ લેટર્સ’, ‘શુદ્ધાદ્વૈતાલંકાર’, ‘ધર્મભાસ્કર’, ‘બ્રહ્મર્ષિ’, ‘ભારત-ભારતીરત્ન’, ‘પ્રભાસરત્ન’, ‘વાચસ્પતિ’, ‘ભારતમાર્તંડ’ અને ‘જ્ઞાતિરત્ન’ વગેરે. તેમને મળેલા પુરસ્કારોમાં રણજિતરામ સુવર્ણચંદ્રક, ગોકાણી સુવર્ણચંદ્રક, પ્લેટિનમ ઍવૉર્ડ, પદ્મશ્રી ઉપરાંત કેટલાંક કાગળ ઉપર, કેટલાંક તામ્રપત્રો, પિત્તળપત્રો, કાંસ્યપત્રોનો પણ સમાવેશ થાય છે. ગુજરાતી સાહિત્ય પરિષદનું ૨૫મું અધિવેશન જૂનાગઢમાં ભરાયેલું. એ વખતે ભાષા-સાહિત્ય-પુરાતત્ત્વ એ વિષયનો એક વિભાગ હતો. એ વિભાગના તેઓ અધ્યક્ષ હતા. ૧૯૭૫માં ગુજરાત ઇતિહાસ પરિષદ પાટણમાં ભરાયેલી, ત્યારે તેના પ્રમુખ હતા. તેમણે મુંબઈ ‘આકાશવાણી’ ઉપરથી હવેલીસંગીતના વિષય ઉપર વાર્તાલાપો આપ્યા હતો. ત્યાર પછી અમદાવાદ કેન્દ્ર ઉપરથી તેમણે અનેક વાર્તાલાપો આપ્યા છે. જેની સંખ્યા દોઢસોથી પણ વધુ છે. કે. કા. શાસ્ત્રીના ૨૫૦થી વધુ ગ્રંથો છપાયા છે. તેમના છપાયેલા લેખોની સંખ્યા હજારથી પણ વધુ છે અને સંશોધનના લેખોની સંખ્યા ત્રણસોથી અધિક છે. ૧૯૮૩માં પુણેમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું ૩૩મું અધિવેશન ભરાયું, ત્યારે તેઓ તેના પ્રમુખ હતા. તેમનું અવસાન ૯ સપ્ટેમ્બર ૨૦૦૬ના રોજ અમદાવાદમાં થયું હતું. વક્તવ્ય मङ्गलम् स्मृतापि तरुणातपं करुणया हरन्ती नृणा- मभङ्गुरननुत्विषां वलयिता शतैर्बिद्युताम् । कलिन्दगिरिनन्दिनीतटसुरद्रुमालम्बिनी मदीयमतिचुम्बिनी भवतुं कापि कापि कादम्बिनी ।। (कविराज जगन्नाथ, रसगङ्गाधर) સ્મરતમાત્ર જન-તરુણ તાપ હરતી કરુણાએ, અભંગ તનને તેજ વીજ બહુથી ઘેરાયે કાલિંદીતટ-પારિજાત-અવલંબે ફરતી, મેઘમાલ કો હો મુજ મતિને ચુંબન કરતી. नत्वा सारस्वतान पूर्वान् समर्प्य च कराञ्जलिम् । तेषामेव कृपापुष्टः किचित्प्रासङ्गिकंब्रुवे ।। ગુજરાતી સાહિત્ય પરિષદના નિવૃત્ત થયેલા પ્રમુખ પ્રો. યશવંતભાઈ, સ્વાગતસમિતિના આદરણીય પ્રમુખશ્રી, સભ્યો તેમજ પરિષદના સર્વ પ્રકારના આદરણીય સભ્યો અને નિમંત્રિત મહેમાનો! પુણેમાં આપણી ગુજરાતી સાહિત્ય પરિષદનું ૩૩મું સંમેલન થઈ રહ્યું છે તેમાં પ્રમુખસ્થાનની પાત્રતા મારા જેવા, ચાર ભાગના વિતાવેલા જીવનકાલના ત્રણ ભાગથીયે થોડા વધુ સમય માટે ધૂળધોયાનો ધંધો કરી ચૂકેલા અને જીવનના આરે આવીને ઊભા રહેલા સાહિત્યોપાસકને મળી છે એને હું મારું પરમોત્કૃષ્ટ ભાગ્ય ગણું છું. સંસ્કૃતક્ષેત્રે ન ધારેલી કદર થઈ, ગુજરાતીક્ષેત્રે પણ મારી જે યોગ્યતા જણાઈ તેના પરિપ્રેક્ષ્યમાં ન ધારેલી કદર થઈ. ખુદ, ગુજરાતી સાહિત્ય પરિષદે પણ ૧૯૬૯ના જૂનાગઢ-સંમેલનમાં ભાષા-સાહિત્ય-ઇતિહાસ-પુરાતત્ત્વના સંયુક્ત વિભાગના અધ્યક્ષસ્થાને મૂકી મારું ગૌરવ કર્યું એનાથી મને સંતોષ હતો. એનાથી વધુ માનની મારી અપેક્ષા નહોતી અને આજે પણ એ અપેક્ષા અપેક્ષા તરીકે નથી, છતાં મારા તરફ આદર ધરાવનારી સંસ્થાઓ તેમ સભ્યોએ બબ્બે વાર મારું નામ પ્રમુખપદ માટે સૂચવીને ઉપકૃત કર્યો તેથી આનંદપૂર્વક આ વખતે સંમતિ આપી, પરંતુ આ સ્થાન પર આવવાનું સાચું શ્રેય તો મારા અન્ય આત્મીય સ્વજનો ડૉ. જયંત પાઠક, ડૉ. રમણલાલ જોશી, ડૉ. હરિવલ્લભ ભાયાણી અને કવિવર્ય રાજેન્દ્ર શાહે આ સ્થાનનો લેશ પણ આગ્રહ ન રાખી મને બિનહરીફ રીતે સ્વીકારવા, એક પ્રકારે કહું તો, માર્ગ સરળ કરી આપ્યો તેમને છે. હું એ મિત્રોનો તેમજ આપ સૌનો પરમ ઋણી છું. માન ક્ષણિક સમયનું છે, પરંતુ ભાવ-પ્રેમ-સૌહાર્દ ચિરકાલનાં છે. એને પાત્ર બન્યો છું એ મારું સદ્ભાગ્ય છે. હું સારી રીતે સમજું છું કે આવી પડેલી ફરજ બજાવવી સહેલી-સૂતરી નથી. આવી ખૂબ ખૂબ વિસ્તરેલી, અનેક શાખાઓ ધરાવતી, અનેક પ્રવૃત્તિઓ કરતી સંસ્થાના સંચાલનમાં મારે આગલી હરોળને મોખરે રહી કામ કરવાનું આવી રહ્યું છે, પરંતુ મારા પુરોગામી મહાનુભાવોએ જે કેડી પાડેલી છે અને એના માનાર્હ કાર્યકર મહાનુભાવો અને વૈતનિક કર્મચારીઓ પૂરાં દિલ-દિમાગથી કામ કરી રહ્યા છે તેમની સાથે જ જોડાઈને આગળ વધવાનું હોઈ મારે માટે પ્રમાણમાં હળવાશ પણ ઓછી નથી. ‘मह वीर्यं करवावहै’ એ શ્રુતિવાક્ય આપણને બળ આપશે. વક્તવ્ય શરૂ કરું એ પૂર્વે મારે મારા બે વડીલો સ્વ. મુનિશ્રી જિનવિજયજી અને સ્વ. પ્રો. રસિકલાલ પરીખને એ માટે યાદ કરવા જરૂરી બને છે કે બંને મહાનુભાવ આજથી ૬૬ વર્ષ ઉપર પુણે સાથે સંકળાયેલા હતા. ૧૯૧૯માં મુનિશ્રીના સત્પ્રયત્ને ‘ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ની સ્થાપના થઈ અને એ વર્ષની આગળપાછળ પ્રો. રસિકભાઈએ અહીં પોતાનો કીમતી અભ્યાસ સાધ્યો અને ઇન્સ્ટિટ્યૂટની સ્થાપનાના પણ સહભાગી બન્યા. એમને હાર્દિક વંદન કરી હવે હું આવેલી ફરજના અનુસંધાનમાં કંઈક કહીશ. સંમેલનના આરંભમાં પ્રમુખસ્થાનેથી વ્યાખ્યાન આપવાનો શિરસ્તો છે અને એ શિરસ્તા પ્રમાણે અહીં મારે કેટલીક વાતો આપને કહેવાની છે. અર્વાચીન સાહિત્યનું મારું જ્ઞાન ગમે તેટલું હોય તોપણ હું એનો અધિકારી હોવાની મારી જાતને માનતો નથી. એ રીતે હું નીચેના ૯ મુદ્દાઓ પર આપની સમક્ષ મારા વિચાર વ્યક્ત કરવાનું યોગ્ય માનું છું. આ મુદ્દા તે : ૧. આર્યભાષા અને બોલનારી પ્રજા ૨. આર્યભાષા અને એનો વંશવિસ્તાર ૩. ગુજરાતી ભાષાનો ઉદ્ગમ ૪. મધ્યકાલીન ગુજરાતી ભાષાનો વિકાસ ૫. અર્વાચીન ગુજરાતીની ભૂમિકાઓ ૬. ગુજરાતી વ્યાકરણ ૭. ગુજરાતી જોડણી ૮. ગુજરાતી કોશ ૯. ઉપસંહાર અનેક વિષયોનો હું વિદ્યાર્થી છું, આમ છતાં મારો પ્રિય વિષય તો ભાષા અને વ્યાકરણ છે અને એમાં પણ ઇતિહાસ પણ મારો ગમતો વિષય હોઈ હું ભાષાના ઐતિહાસિક વિકાસનો ચાહક છું, એટલે જ પહેલો મુદ્દો મેં તદ્વિષયક રાખ્યો છે. ૧. આર્યભાષા અને બોલનારી પ્રજા ભારતવર્ષે ગઈ પેઢીના ત્રણ મહાપંડિતો – યુનિવર્સિટીની કેળવણી પામેલા અને સંસ્કૃતભાષાના પ્રકાંડ પંડિતો આપ્યા તે સ્વ. ડૉ. રામકૃષ્ણ ગોપાળ ભાંડારકર મહારાષ્ટ્રના, સ્વ. ડૉ. ગંગાનાથ ઝા ઉત્તરપ્રદેશના અને કે. વા. ડૉ. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ ગુજરાતના. આ ત્રણમાંના ડૉ. ગંગાનાથ ઝાએ સ્વ. ડૉ. રામકૃષ્ણ ગો. ભાંડારકરના સ્મૃતિગ્રંથ ‘આચાર્ય પુષ્પાંજલિ’ (૧૯૪૦)માં રજૂ થયેલા પહેલા, માત્ર દોઢ પાનાના, લેખમાં ટકોર કરી છે કે “આપણા બચપણમાંથી આપણને શીખવવામાં આવ્યું છે કે માનવોનું ઉચ્ચ સંસ્કૃતિના શિખર ઉપર પહોંચેલું કુલ – કદાચ એ કારણે ‘आर्य’ (ખાનદાન, સંસ્કારી) સંજ્ઞા પામેલું – ક્યાંય દૂર દૂરની મધ્ય એશિયાની ભૂમિમાંથી વાયવ્ય સરહદના ઘાટોમાં થઈને ભારતવર્ષમાં આવ્યું.” આ વિચાર આપણા મનમાં જળોની જેમ ચોંટી ગયો છે અને આપણા ઉચ્ચ કોટિના શિક્ષિત લોકોને છોડી દેવાની ના પાડે છે. મને હંમેશાં લાગ્યા કર્યું છે કે જે આપણી આ ભૂમિને – ભારતવર્ષને કહેવાતા ‘ખાનદાન’ કુલનું માતૃસ્થાન બનવાને માટે પોતાને અપાત્ર બનાવે છે.” (પૃ. ૧) આ લેખને અંતે ડૉ. ઝાએ ગંગા અને જમનાના દોઆબના પ્રદેશને એ પ્રાચીન પ્રજાના મૂલસ્થાન તરીકે બતાવવાનો નાનો પણ અનાગ્રહી પ્રયત્ન કર્યો છે. પ્રજાઓનાં ઉત્થાન કઈ દિશામાં થયાં એ વિશે ૧૮મી સદીના ઉત્તરાર્ધથી યુરોપમાં વિચાર શરૂ થઈ ચૂક્યો હતો. આઇઝેક ટેઇલર નામના એક વિદ્વાને પોતાની ‘ધી ઓરિજિન ઑફ ધી આર્યન્સ’ (લંડન. ૧૮૯૮, પૃ. ૯) એ ગ્રંથમાં તુલનાત્મક ભાષાશાસ્ત્રના જનક મનાતા, ૧૮૦૬માં અવસાન પામેલા, જર્મન વિદ્વાન એડેલુંગનો અભિપ્રાય નોંધતાં જણાવ્યું છે કે, “તુલનાત્મક ભાષાશાસ્ત્રના જનક એડલુંગે (અવસાન ઈ. સ. ૧૮૦૬) માનવજાતિના ઘોડિયાને કાશ્મીરની ખીણમાં મૂક્યું હતું, જે કાશ્મીરને એણે સ્વર્ગ તરીકે નિર્દેશ્યું હતું. માનવકુલનો જન્મ પૂર્વના દેશમાં થયો એવા વ્યાપક થયેલા મતનું એડેલુંગનું આપણા ઉપર ઋણ છે. એ પ્રમાણે તદ્દન પશ્ચિમી સાઇબેરિયનો અને કેન્ટ લોકોએ માતૃભૂમિનો સૌથી પ્રથમ ત્યાગ કર્યો હોવો જોઈએ. સમર્થ ભાષાશાસ્ત્રી જેકૉબ ગ્રિમે સ્પષ્ટ અભિપ્રાય આપેલો કે પ્રજાઓનાં ઉત્થાન પૂર્વમાં થયાં છે અને ત્યાંથી નીકળી પશ્ચિમમાં ફેલાયેલી : “થોડાઓને શંકા રહેશે કે યુરોપની બધી જ પ્રજાઓ પ્રાચીનતમ સમયમાં એશિયામાંથી આવી રહેલી. એઓની કૂચ પૂર્વમાંથી પશ્ચિમમાં થઈ. જેનું ખરું કારણ તદ્દન અંધકારમાં છુપાઈ રહેલું છે.” (ગ્રિમ : Deutsche Sprache (૧૮૪૮), પૃ. ૬ અને ૧૬૨; આઈ. ટેઈલરનો ઉપર્યુક્ત ગ્રંથ, પૃ. ૧૧) આના ઉપર મોરછાપ મારી પ્રો. મૅક્સમ્યૂલરે એના ‘હિસ્ટરી ઑફ એન્શિયન્ટ સંસ્કૃત લિટરેચર (૧૮૫૯, પૃ. ૧૩)’માં. આ ગ્રંથ લખવાનો આરંભ એણે ૧૮૪૯માં, એટલે કે ગ્રિમના જર્મન ગ્રંથને બીજે વર્ષે જ શરૂ કરેલો. એમાં એ જણાવે છે કે, “આર્ય પ્રજાઓનો મૂળ પ્રવાહ હંમેશાં વાયવ્ય દિશા તરફ વહ્યે રહ્યો છે. કોઈ પણ ઇતિહાસવિદ કહી શકે એમ નથી કે એ સાહસિક ગોપાલકો એશિયામાં થઈ યુરોપના ટાપુઓ અને સમુદ્રતટ તરફ કયા ભાવથી (આકાંક્ષાથી) આવ્યા.” મારે અહીં કહેવાતા આર્યોનું મૂલ સ્થાન કયું એની ઊંડી વિચારણામાં લઈ જવાની ઇચ્છા નથી; એ વિશે મેં મારા એક વિસ્તૃત લેખ ‘આર્યપ્રજા : મૂલસ્થાન અને પ્રસાર’ (કે. કા. શાસ્ત્રી અમૃતમહોત્સવ : અભિનંદન ગ્રંથ, ૧૯૮૨, પૃ. ૧૧૪-૧૩૯માં છપાયેલ જે ‘પથિક’ના મે-જૂન, ૧૯૭૨, પૃ. ૭૩-૯૬માં છપાયેલામાં સુધારા-વધારા-ઉમેરા કરીને પુનર્મુદ્રિત કર્યો તે)માં ખૂબ વિગતે ચર્ચા કરી હોવાથી અહીં લેશ પણ વિસ્તાર કરવા માગતો નથી. મારે એ બતાવવું છે કે પ્રજા અને ભાષા એ બેઉ માટે ‘આર્ય’ શબ્દ ક્યારથી વપરાવા લાગ્યો. મારી ખોજમાં એનો આરંભ કદાચ મૅક્સમ્યૂલરથી થયો છે અને એના ‘હિસ્ટરી ઑફ એન્શિયન્ટ ઇન્ડિયન લિટરેચર (૧૮૫૯)’માં જે ગ્રંથ લખવાનો આરંભ તો ૧૮૪૯માં થઈ ચૂક્યો હતો અને ૧૮૫૧માં તો એનો થોડો ભાગ છપાઈ પણ ગયો હતો. ૧૮૪૯માં સાયણભાષ્ય સાથે ઋગ્વેદસંહિતાનો પદપાઠ સાથેનો પ્રથમ ખંડ છપાયો તેની પ્રસ્તાવનામાં આ ગ્રંથના સંસ્કરણનો નિર્દેશ બીજી આવૃત્તિ (૧૮૯૦)ની પદપાટીમાં સૂચવાયો છે. (પૃ. ૭). મૅક્સમ્યૂલરે ઋગ્વેદને આર્યભાષાઓનો સચવાયેલો પ્રાચીનતમ ગ્રંથ કહ્યો છે તે ઋગ્વેદમાં ‘આર્ય’ શબ્દ જ્યાં જ્યાં વપરાયેલો છે ત્યાં એ પ્રજાવાચક-જાતિવાચક-વંશવાચક નહિ પણ કુલીનતા-ખાનદાનીનો અર્થ બતાવતા વિશેષણ તરીકે વપરાયેલો છે. ‘એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા (૧૮૭૫, ૯મી આવૃત્તિ)ના બીજા ખંડ (પૃ. ૬૬૫-૬૭૨)માં મૅક્સમ્યૂલરે ઋગ્વેદની સંખ્યાબંધ ઋચાઓનો અનુવાદ નોંધ્યો છે. જ્યાં ક્યાંય પણ એ પ્રજાવાચક-જાતિવાચક – વંશવાચક નથી. એણે પોતાનો અભિપ્રાય બહુ સ્પષ્ટ રીતે આપ્યો છે.’ “ઉતારેલા સંદર્ભોથી તદ્દન સ્પષ્ટ છે કે आर्य એક એવી સંજ્ઞા છે કે જે પોતાના શત્રુઓને પોતાથી જુદા પાડવા આ મોટા ભાષાકુલને વરેલી પ્રજાને માટે હતી. એક જ પ્રજાના સચવાઈ રહેલા બીજા કોઈ પણ સાહિત્યિક દસ્તાવેજ કરતાં પ્રાચીનતામાં ક્યાંય પૂર્વકાલીન હોવાને કારણે ભાષાકુલને માટે પણ બીજી સંજ્ઞા મેળવવી મુશ્કેલ છે એવા સંયોગમાં આર્ય સમગ્ર ભાષાકુલને માટે પણ આ आर्य સંજ્ઞા ઠીક છે (પૃ. ૬૭૩).” આ કુલની મથાળભાષા માટે ‘ઇન્ડો-જર્મનિક’ અને ‘ઇન્ડો-યુરોપિયન’ બે સંજ્ઞા વહેતી મુકાયેલી તેમાંથી વિદ્વાનોએ સામાન્ય રીતે ‘ઇન્ડો-યુરોપિયન’—‘ભારત-યુરોપીય’ એવી સંજ્ઞા વ્યાપકતાથી સ્વીકારેલી, પણ મૅક્સમ્યૂલરે તો મથાળભાષાની ‘આર્ય’ સંજ્ઞા જ હોવાનો અભિપ્રાય એના ઉત્તર જીવનમાં આપ્યો : “શાસ્ત્રીય ભાષામાં आर्य શબ્દ પ્રજા(race)ને લાગુ પાડી ન જ શકાય તેવો છે. એ માત્ર ભાષા અને ભાષા જ બતાવે છે. જો આપણે आर्यकुलની કોઈ રીતે વાત કરવા માગતાં હોઈએ તો આપણે એ સમજી રાખવું જોઈએ કે એનો અર્થ ‘એક્સ +स आर्यवाणी’થી બીજો કાંઈ અર્થ થતો નથી. (બાયોગ્રાફીઝ ઑફ વર્ડ્ઝ ઍન્ડ ધ હોમ ઑફ ધી આર્યઝ, નવી આવૃત્તિ, ૧૮૯૮, પૃ. ૯૦; ૧લી આવૃત્તિ ૧૮૮૭માં બહાર પડેલી.) ઋગ્વેદની ઋચાનું પેલું સુપ્રસિદ્ધ વાક્ય ‘कृण्वन्तो विश्वमार्यम्’ (ઋ. ૯-૬૩-૫) ‘સમગ્ર વિશ્વને સંસ્કારી બનાવનારા’ જ. એટલું સ્પષ્ટ છે કે आर्य શબ્દ પ્રજા-જાતિ-કુલ(Race)નો વાચક નથી. અહીં થોડું એ પણ વિચારવું જોઈએ કે એશિયા અને યુરોપમાં आर्य શબ્દ સાથે વાંશિક સંબંધ હોય તેવાં દેશવાચક નામ મળે છે કે જેવું आर्यावर्त. આ आर्यावर्त તે મનુસ્મૃતિ (૨-૨૨) પ્રમાણે “હિમાલય અને વિંધ્ય વચ્ચેનો પૂર્વ સમુદ્ર અને પશ્ચિમ સમુદ્રના અંતરાલમાં આવેલો પ્રદેશ.” આ વિશે પણ યુરોપીય વિદ્વાનોએ વિચારણા કરી છે અને ‘આયલૅંડ’ અને ‘ઈરાન’ જેવા શબ્દોમાં आर्य શબ્દનો સંબંધ જોતાં પણ એમાંથી પ્રજા-જાતિ-કુલવાચક અર્થ નથી નીકળતો. ઈરાનની જૂની ઝન્દાવેસ્તા ભાષામાં પણ એ ‘સંસ્કારી-ખાનદાન-ઉમદા’ના અર્થમાં જ જોવા મળે છે. મૅક્સમ્યૂલરે સ્પષ્ટ કહ્યું છે કે, “મારા તરફથી વારંવાર જાહેર કરવામાં આવ્યું છે કે જો હું आर्य કહેતો હોઉં તો મારો આશય નથી લોહી વિશે કે નથી હાડકાં વિશે, નથી વાળ વિશે કે નથી ખોપરી વિશે. હું એટલું જ માનું છું કે જેઓ आर्य ભાષા બોલે છે તેઓ. હિંદુઓ, ગ્રીકો, રોમનો, જર્મનો, કેલ્ટો અને સ્લાવ લોકોને એ લાગુ પડે છે. એમના વિષયમાં હું કહેતો હોઉં છું ત્યારે શારીરિક (પ્રાકૃતિક લાક્ષણિકતાઓ હોવાની ભૂલ કરતો નથી.” (બા. ઑફ વ. ઍન્ડ હો. ઑફ ધી આ., પૃ. ૧૨૦) મને લાગે છે કે आर्य સંજ્ઞાના વિષયમાં આટલી સ્પષ્ટતા પર્યાપ્ત છે. પ્રજાના વિષયમાં વિચાર કરતાં એક વસ્તુ મને લાગી છે કે એશિયામાં ‘ગૌરાંગ’ ‘પીતાંગ’ અને ‘શ્યામાંગ’ ત્રણ પ્રકારની વિભિન્ન પ્રજા-જાતિ-વંશ જોવા મળે છે. આજની પરિભાષામાં આની શાસ્ત્રીય સંજ્ઞાઓ ‘કૉકેસૉઇડ’, ‘મૉંગોલૉઇડ’ અને ‘ઑસ્ત્રાલૉઇડ’ છે. બેશક ભારતવર્ષની જ વાત કરીએ તો કાશ્મીરમાં ‘ગૌરાંગ’ પ્રજા, આસામ વગેરે પૂર્વના દેશ અને ચીન વગેરેમાં ‘પીતાંગ’ પ્રજા, તથા વિંધ્યની નીચેના પ્રદેશો તેમ હિંદી મહાસાગર અને પ્રશાંત મહાસાગર વચ્ચેના દ્વીપોમાં ‘શ્યામાંગ’ પ્રજા જોવા મળે છે. આફ્રિકાના ‘કૉંગોઇડ’ અને ‘કૅમ્પોઇડ’થી આ પ્રજાનો તદ્દન જુદી પડી જાય જાય છે. આ પાંચે સંજ્ઞા યુરોપીય વિદ્વાનોએ આપી છે. ‘કૉકેસોઇડ’નો અર્થ એ થયો કે કૉકેસસ ગિરિમાળામાં વિકસેલી ગૌરાંગ પ્રજા આ ‘કૉકેસાઇડ’. જ્યારે ચીન વગેરે તો હજી બરફ નીચે તદ્દન ઢંકાયેલા હતા ત્યારે આસામ-બંગાળથી લઈ પ્રશાંત મહાસાગર સુધીના પ્રદેશો અને દ્વીપોમાં હતી એ પ્રજા ‘મૉંગોલૉઇડ’. આ બંને પ્રજાના શરીરના રંગોમાં એટલું પાર્થક્ય છે કે આપણે જોઈને જ ભેદ પાડી શકીએ, તો ‘ઑસ્ત્રાલૉઇડ’ પ્રજાને પણ તારવી લઈએ છીએ. આ ત્રણ પ્રજા માટે સાચી અને શુદ્ધ પરિભાષા જોઈતી હોય તો એ ‘ગૌરાંગ’, ‘પીતાંગ’ અને ‘શ્યામાંગ’ સરળતાથી સમજાય એવી છે. મારા મિત્ર, ઉજ્જૈન યુનિવર્સિટીના ડૉ. વાકણકર સાથે વાત કરતાં એમણે કહ્યું કે ‘इन्दो-तीबेती’ વર્ગ પણ છે. મારે કહેવું જોઈએ કે આ સંજ્ઞા જ ‘ગૌરાંગ’ અને ‘પીતાંગ’ના સંમિશ્રણની છે. ભારતીય પુરાણોમાં ‘ચંદ્રવંશ’ અને ‘સૂર્યવંશ’ સંજ્ઞાઓ ખૂબ જાણીતી છે. સ્વરૂપ ઉપરથી જ સમજાય છે કે ‘ગૌરાંગ’ એ ‘ચંદ્રવંશી’ અને ‘પીતાંગ’ એ ‘સૂર્યવંશી’. કલકત્તાની વરિષ્ઠ અદાલતના એક વખતના ન્યાયમૂર્તિ પાર્જિટરે એના ‘એન્શિયન્ટ ઇન્ડિયન હિસ્ટોરિકલ ટ્રેડિશન’ (૧૯૨૯, પૃ. ૨૯૮-૩૦૦)માં વિચારણા રજૂ કરતાં ‘ચંદ્રવંશ’ને ‘આર્ય’ કહ્યો છે અને ‘સૂર્યવંશ’ને ‘દ્રવિડ’ કહ્યો છે. મને આ પાછલું બરોબર નથી લાગ્યું. આ મત સ્વીકારવામાં આવે તો ‘સૂર્યવંશ’ને ‘શ્યામાંગ’ માનવો પડે. પૌરાણિક માન્યતા પ્રમાણે તો વિવસ્વાન (એટલે કે સૂર્ય) અને એનો વૈવસ્વત મનુ. આ મનુનો ઇક્ષ્વાકુ, તેથી ઇક્ષ્વાકુનો વંશ સૂર્યવંશ. દ્રવિડ દેશવાસીઓનો રંગ ભીનો છે, એટલે કે શ્યામાંગ છે. શ્યામાંગ ‘ઑસ્ત્રાલૉઇડ’ પ્રજા છે. અમેરિકાના મારા અઢી માસના નિવાસ દરમ્યાન (તા. ૧ જુલાઈથી ૧૭ સપ્ટેમ્બર, ૧૯૮૨) અમેરિકન રેડ ઇન્ડિયન્સ વિશે મેં જે કાંઈ અભ્યાસ કર્યો, ‘મેક્સિકન માઇથૉલૉજી’નો ગ્રંથ વાંચ્યો અને અપ્રાપ્ય હોઈ એનો મહત્ત્વનો ભાગ ઉતારી લીધો ત્યારે જાણવામાં આવ્યું કે અમેરિકાના પ્રાચીનતમ વસાહતીઓ ‘મૉંગોલૉઇડ’ પ્રજા છે અને એમનો દેવ સૂર્ય છે. ઉત્ખનનો દ્વારા તેમજ જમીન ઉપર ખંડેરો તરીકે ઊભેલાં સમચોરસ બાંધકામો – કોઈ કોઈ તો ૨૫૦ ફૂટ સુધીની ઊંચાઈનાં – ઉપર સૂર્યનું મંદિર અને પરંપરાથી ઊતરી આવેલ ગુરુનો ત્યાં નિવાસ રહેતો અને ગુરુ સૂર્યનો અવતાર ગણાય. આ સમીકરણનો વિચાર કરીએ તો ‘પીતાંગ મૉંગોલૉઇડ’ પ્રજા સૂર્યના સંબંધે ‘સૂર્યવંશી’ તે જ રીતે ભારતવર્ષનો પૂર્વોત્તર ભારતમાં રાજ્ય કરતો બતાવાયેલો વંશ તે ‘સૂર્યવંશ’ અને એ પૂર્વના પ્રદેશો અને પ્રશાંત મહાસાગરના પૂર્વ તરફના દ્વીપોમાં વસતી ‘મૉંગોલૉઇડ’ પ્રજાનો ભારતવર્ષમાં આવી વસેલો સમૂહ. દ્રવિડદેશવાસીઓ શ્યામાંગ હતા તે ‘ઍસ્ત્રાલૉઇડ’. આમ ભારતવર્ષમાં ચંદ્રવંશ અને સૂર્યવંશનું સંમિશ્રણ થયું. ઉપરાંત એમાં દ્રવિડદેશવાસી શ્યામાંગનું પણ સંમિશ્રણ થયું. ગૌરાંગ—‘કૉકેસૉઇડ’ – ચંદ્રવંશીઓનું મૂલ સ્થાન કયું એ વિશે વિચાર કરવામાં આવે તો જેઓને વિદ્વાનોએ, ભલે ભૂલથી આર્યો કહ્યા તેઓનું સ્થાન આપણે શોધી કાઢવું જોઈએ. મૅક્સમ્યૂલર જ્યારે પ્રજાવાચક ‘આર્ય’ કહે છે ત્યારે વિવિધ રંગો વર્ણોના બોલનારાઓને માટે પ્રયોજે છે, છતાં આવા આર્યોનો નિવાસ એશિયામાં ક્યાંક અને વધુ સ્પષ્ટતા કરતાં પામીરની ગિરિમાળાથી લઈને ઉપર મધ્ય એશિયા સુધીમાં કહ્યો. એડેલુંગે કાશ્મીર કહેલું જ અને નકશામાં પામીરની ગિરિમાળા (ભલે એ જે એક પટ્ટી પૂર્વમાં વધી કાશ્મીર ઉપર અફઘાનિસ્તાનની સત્તા નીચે હોય છતાં) હકીકતે કાશ્મીરનું જ મથાળું થયું. પાર્જિટરે પોતાના અભ્યાસના ફલ રૂપે આર્યોનું મૂલ સ્થાન Mid-Himalayan – હિમાલયનો મધ્ય પ્રદેશ કહ્યો છે એ આ રીતે સંગત થઈ રહે છે. એ તો ત્યાં સુધી કહે છે કે, ‘દ્રુહ્યુ’ઓ આ પ્રદેશમાંથી પશ્ચિમ તરફ પશ્ચિમ એશિયામાં અને ત્યાંથી સમગ્ર યુરોપમાં ફેલાયા. હું ઉમેરું કે અરબસ્તાનમાં પણ એ જ વંશ. પૌરાણિક રાજવંશાવલીઓમાં ચંદ્રવંશી યયાતિ રાજાના ‘કુરુ’ ‘પુરુ’ ‘અનુ’ ‘તુર્વસુ’ અને ‘દ્રુહ્યુ’ પાંચ પુત્રો કહ્યા છે. ઋગ્વેદમાં ‘યયાતિ’નું નામ (૧-૩૧-૧૭, ૧૦-૬૩-૧) આવે છે. પણ પાંચ પુત્રો તરીકે જોવા ન મળતાં એઓ વિભિન્ન કુળો તરીકે જોવામાં આવે છે. અર્થાત્ કે પ્રચીનતમ સમયમાં હિમાલયના પ્રદેશમાંથી ‘ચંદ્રવંશી’ ગૌરાંગ દ્રુહ્યુઓ પશ્ચિમના પ્રદેશમાં આગળ વધતા ચાલ્યા. ‘દ્રુહ્યુ’ નામ ઋગ્વેદમાં અનેક વાર જોવા મળે છે : ૧-૧૦૮-૮માં તો यदु तुर्वसु अनु અને पुरु સાથે મળે છે જે ઋગ્વેદના સમયની પાંચ પ્રજા હતી. મૅકડોનલ અને કીથ ‘વેદિક ઇન્ડેક્સ’(પૃ. ૩૮૫)માં કહે છે કે દ્રુહ્યુઓ વાયવ્યમાં રહેતી પ્રજા હતી અને મહાભારતમાં ગાંધાર અને દ્રુહ્યુઓનો સંબંધ છે. આ અભિપ્રાય ત્યાં એમણે પાર્જિટર લુડવિગ અને પોતામાંના મૅકડોનલના મતોને ઉલ્લિખિત કરી કર્યો છે. વેદનો વિસ્તાર કરનારા – વેદની ઋચાઓના ઘડવૈયા ચંદ્રવંશીઓ પણ નીચે પંજાબમાં ઊતર્યા અને સપ્તસિંધુના આ પ્રદેશમાં સૂર્યવંશીઓ અને દ્રવિડદેશવાસી શ્યામાંગો સાથે એકાત્મક બન્યા. વેદની ઋચાઓ જુદા જુદા સમયે સપ્તસિંધુના પ્રદેશમાં પ્રકાશમાં આવી. પૃથ્વી ઉપરના દેશોમાં હજી સંસ્કૃતિનાં દર્શન થવા હજારો વર્ષોની વાર હતી તેવા યુગમાં બ્રહ્માવર્તને અને મધ્ય દેશને પોતામાં સમાવી લેતા પ્રદેશને આ લોકોએ ‘આર્યાવર્ત’ એવી સંજ્ઞા આપી, પ્રજા-જાતિ-કુલવાચક આર્ય નહિ. પણ સંસ્કારી લોકોએ. વૈદિક સંહિતાઓના વિભિન્ન ખંડ જુદે જુદે સમયે રચાતા રહ્યા છે. ઋગ્વેદમાં પણ જૂના અને નવા ભાગ સંકલિત થયા છે. અથર્વવેદનું સંકલન મોડે થયું હોવા છતાં એમાં ભાષાની દૃષ્ટિએ પ્રાચીન અંશો જોવા મળે છે. સામવેદ તો ઋગ્વેદમાંથી જ મોટા ભાગની ઋચાઓ તારવીને ગાવા માટે સંકલિત કરવામાં આવ્યો છે. શુક્લ યજુર્વેદ ભાષાવિકાસમાં ઉત્તરકાલનો છે, જ્યારે કૃષ્ણ યજુર્વેદ કિંવા તૈત્તિરીયસંહિતા પછીના બ્રાહ્મણકાલમાં આવી રહે છે. સપ્તસિંધુના પ્રદેશમાં વૈદિક ભાષાનું મહત્ત્વપૂર્ણ સાહિત્ય સર્જાતું રહ્યું હતું તેની ભાષાને યુરોપીય વિદ્વાનો आर्य શબ્દનો અર્થસંકોચ કરીને ઈરાનની इन्दो-इरानियन – ભારત-પાસસીક અને વેદોની ભાષા इन्दो-आर्यन – ભારત – આર્ય કહે છે. આ પાછલીને કોઈ વિદ્વાનો भारतीय आर्य કહે છે. પૂર્વ અને ઉત્તરના બેઉ શબ્દોના અર્થનો સંકોચ એમના હૃદયમાં છે, પણ મને પૂર્વ શબ્દનો અર્થ પણ સ્વાભાવિક લાગે છે અને ઉત્તર શબ્દોનો પણ. એશિયા અને યુરોપના દેશોમાંની ભાષા તે મૅક્સમ્યૂલરના મત પ્રમાણે आर्य. એમાંથી ભારતવર્ષની ભાષા તે भारतीय आर्य. યુરોપની ભાષાઓને જુદી પાડવા युरोपीय आर्य. હકીકતમાં આ જ વાત સંગત છે અને સંગત રીતે જ કહેવું હોય તો પાર્જિટરના મતે જે દ્રુહ્યુઓ ભારતવર્ષના વાયવ્ય પ્રદેશ ગાંધારમાંથી પશ્ચિમના દેશોમાં ફેલાયા તે લોકો आर्यभाषाને ત્યાં ત્યાં લઈ ગયા. એ ગૌરાંગ-ચંદ્રવંશી હતા. એમણે સ્થાનિક ભાષાઓને નેસ્તનાબૂદ કરીને आर्यभाषाનું પ્રભુત્વ જમાવ્યું. સ્થાનિક ત્યાં ત્યાંની પ્રજા કોઈ હોય તો એની સાથે એમનું સંક્રમણ પણ થયું અને પરિણામે અન્ય લોહીના લોક પણ ત્યાં ત્યાં आर्यभाषाનું સ્વરૂપ વાપરતા થઈ ગયા. આ ગૌરાંગ પ્રજાને મૅક્સમ્યૂલરના મતે પામીરથી લઈ મધ્ય એશિયાના પ્રદેશમાં અથવા એણે Some Where in Asia – એશિયામાં ક્યાંક (બા. ઑફ વ. ઍન્ડ ધ હો ઑફ ધી આ., પૃ. ૧૨૦) એમ કહ્યું છે તેનો આશય વિચારી કહીએ તો અને પામીરની ગિરિમાળાના નીચેના પ્રદેશને પણ સ્વીકારીએ તો જે કાશ્મીર અને હિમાલયનો મધ્ય પ્રદેશ તેમાં आर्यभाषाનો ઉદ્ગમ તેમ વિકાસ. આ ગૌરાંગો નીચે પંજાબમાં સપ્તસિંધુના પ્રદેશમાં વિસ્તર્યા અને પૂર્વ-પશ્ચિમ સમુદ્રોની વચ્ચે તેમ ઉત્તરના હિમાલય અને દક્ષિણના વિંધ્ય પર્વતોની વચ્ચે आर्यभाषा બોલનારા आर्य – સંસ્કારી ખાનદાન ઉમદા લોકોને કારણે आर्यावर्त સંજ્ઞા આપનારા થયા. આ भारतीय आर्यનું સમગ્ર સાહિત્ય છેક વૈદિક કાલથી અહીં વિકસ્યું છે. ઋગ્વેદનો સમય મૅક્સમ્યૂલરે ઈ. પૂ. ૧૫૦૦નો કહ્યો છે. યાકોબિ ઈ. પૂ. ૪૦૦૦ સુધી લઈ જાય છે, તો લોકમાન્ય તિલક મહારાજ જૂના અંશોને ઈ. પૂ. ૮૦૦૦થી ૧૦૦૦૦ વર્ષ સુધીની વાત કરનારા કહે છે. ખુદ ઋગ્વેદની જૂના થરની પછીના થરની ભાષાની સરખામણી કરવામાં આવે તો એ બંને સ્વરૂપોમાં વિકાસ નહિ, પણ હ્રાસ અનુભવાય છે. આને કારણે સહજ રીતે પ્રશ્ન ઊપજે છે કે એનું ઘસારો ન પામેલું અકબંધ સ્વરૂપ કેટલું જૂનું હશે. અમેરિકામાં ઓછાંમાં ઓછાં ૨૫૦૦૦ વર્ષ ઉપર એશિયામાંથી ગયેલા પીતાંગ – ‘મૉંગોલૉઇડ’ શિકારી ગોપાલકો હિમયુગમાં બેરિંગની એ સમયે હતી તે સંયોગીભૂમિ દ્વારા પ્રશાંતના પશ્ચિમ કિનારેથી નીકળી અલાસ્કામાં દાખલ થયા અને હજારો વર્ષોના વ્યાપમાં સમગ્ર અમેરિકામાં પથરાઈ ગયા. તેઓની ધાર્મિક માન્યતાઓ અને ભાષામાં જો आर्यत्वનાં દર્શન થતાં હોય તો आर्यभाषाનો સમય કેટલો પ્રાચીન હશે એ વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ. ‘માયા’ ‘આઝતેક’ ‘ઇન્કા’ ‘નવાજો’ વગેરે અમેરિકન ઇન્ડિયન્સની ધાર્મિક માન્યતાઓમાં જેમ મુખ્ય દેવ સૂર્ય છે તે પ્રમાણે ઋગ્વેદના પાંચ દેવ ઇન્દ્ર, અગ્નિ, વરુણ, વાયુ અને યમ નામફેરથી છે. આ સામ્ય જેમ વિચારણીય છે તે પ્રમાણે થોડા વૈદિકી ભારતી ભાષાના શબ્દ પણ પકડાય છે. મેક્સિકો – યુકાતાનના માયાઓની ભાષામાં મને નકારાત્મક मा શબ્દ મળ્યો છે. (આલ્ફ્રેડ એમ. ટોઝર, ‘એ માયા ગ્રામર’, પૃ. ૨૯૮), તો કૅલિફૉર્નિયાની પૂર્વ સરહદે રહેતા નવાજો કે નવાહો અમેરિકનોની વર્તમાન ભાષામાં પાણીને માટે To (સં. तोय) એ પ્રાથમિક શબ્દ અને માણસને માટે Hastiin (સં. हस्तिन् – હાથવાળો) એ इन् પ્રત્યય લાગ્યો છે તેવો દ્વૈતીયિક શબ્દ મળે છે (ગૅરી વિધરસ્પૂન, ‘લૅંગ્વેઇજ ઍન્ડ આર્ટ ઇન નવાજો યુનિવર્સ’, પૃ. ૬૪-૬૬, ૭૩, ૭૫, ૭૯). હજી મને તદ્દન સ્વલ્પ સામગ્રી – બે જ ગ્રંથ – ભાષાવિષયક મળેલ છે, બીજા મેળવવાનો મારો પ્રબળ પ્રયાસ છે. ખાસ કરીને માયા અને નવાજોની ભાષાનાં વ્યાકરણ, ગદ્ય તેમજ કોશ પ્રસિદ્ધ થયેલા છે તે. આ જે કાંઈ સામ્ય મળે છે તે आर्यभाषाનો, એમાં પણ भारतीय પ્રત્યયાત્મિકી आर्यभाषाનો, સમય કેટલો પ્રાચીન છે એમ કહેવા આપણને મજબૂર કરે છે. એ સાથે એ પણ સૂચવે છે કે પીતાંગ ‘મૉંગોલૉઇડ’ લોકોને પણ आर्यभाषा સાથે સંબંધ હતો. જે ગૌરાંગો અને પીતાંગો બેઉ વધુ નજીક આવી રહેલા હતા એમ બતાવે છે. પૃથ્વીના પટ પર બીજાં ભાષાકુળ અસ્તિત્વમાં આવ્યાં તે પહેલાં आर्यभाषा એના પ્રત્યયાત્મિક સ્વરૂપમાં ૨૫૦૦૦ વર્ષથી પણ જૂના સમયમાં હિમાલયના વાયવ્ય પ્રદેશમાં હતી એવું માનવા આ સમીકરણ કહી જાય છે. યુરોપીય વિદ્વાનો ભારતવર્ષમાં આવ્યા તે પૂર્વગ્રહને લઈને આવ્યા હતા. એમની સામે તો બાઇબલમાં ઈ. પૂ. ૪૦૦૪માં પૃથ્વીની ઉત્પત્તિ થઈ એ ગ્રહ હતો એટલે જે કાંઈ હતું તે એ સમય પછીનું. એનાથી ઊલટું, અમેરિકામાં જે યુરોપિયનો ગયા તેઓ ચોક્કસ પ્રકારના પૂર્વગ્રહ વિનાના હતા અને અમેરિકાના જૂના વસાહતી ‘મૉંગલૉઇડ’ લોકોનો અભ્યાસ અશ્મીભૂત અવશેષોને આધારે કરતા રહ્યા એને કારણે ૨૫,૦૦૦થી ૪૦,૦૦૦ વર્ષોના અંતરાલમાં એ વસાહતીઓ અલાસ્કામાં આવ્યા એમ ઉદારતાથી કહી ગયા. ભારતવર્ષના વાયવ્ય પ્રદેશમાં વૈદિક પ્રજાનો વાસ ૨૫,૦૦૦થી પણ પહેલાંનો હતો. એ आर्य સંસ્કારી પ્રજા હતી અને એટલા જૂના સમયમાં ગૌરાંગ, પીતાંગ અને શ્યામાંગ ત્રણે પ્રજા-જાતિ-કુળ એકબીજાના સંક્રમણમાં આવી ચૂક્યાં હતાં, જેમની ભાષા आर्य હતી, જે ભાષા વધુ જૂના સમયમાં દ્રુહ્યુઓ પશ્ચિમના પ્રદેશોમાં ગોપાલકો તરીકે આગળ વધ્યે ફેલાઈ ગઈ. લિથુઆનિયામાં જઈને ઠરેલો એક ફાંટો ત્યાં સ્થિર થયો અને બહારનાં આક્રમણ ન આવ્યાં એને કારણે વૈદિકી ભાષાને ત્યાંની ભાષા વધુ નજીક રહી એ સૂચન છે. ૨. આર્યભાષા અને એનો વંશવિસ્તાર आर्यभाषाનું ઉદ્ગમસ્થાન ક્યાં હતું અને એને કઈ પ્રજાએ વિકાસ આપ્યો એનું વિવરણ આ પૂર્વે હું કરી ચૂક્યો છું. इन्दो-युरोपियन કે इन्दो-जर्मनिक સ્થાને आर्य જેવી સંજ્ઞાનો સમાદર કરવાનો મૅક્સમ્યૂલરનો પ્રયત્ન હતો એ પણ આ પૂર્વે મેં કહ્યું છે. आर्यभाषा ભારતવર્ષમાં (તદ્દન દક્ષિણના કર્ણાટક તુળુ મળયાલમ તામિળ અને આંધ્રપ્રદેશોના તથા મુન્ડા અને મોનખ્મેરના અપવાદે) પ્રચારમાં હતી. આ आर्यभाषा બોલનારા ગૌરાંગ ચંદ્રવંશી દ્રુહ્યુઓ પશ્ચિમના પ્રદેશોમાં પોતાની ભાષાને લઈ ગયા ત્યાં સર્વત્ર એણે પ્રબળ વર્ચસ સ્થાપ્યું અને આપણે જાણીએ છીએ કે યુરોપના મોટા ભાગમાં (તુર્કસ્તાનના અપવાદે) અને જીવતી અને નાશ પામેલી ભાષાઓ आर्यकुलની છે અને હતી. વીસમી સદીના ૧લા દસકાના અંતભાગમાં એશિયા-માઇનોરમાંના અંકારાથી પૂર્વમાં આશરે ૧૩૬ કિ.મી.ના અંતરે આવેલા બોઘાઝકૂએઈમાં થયેલા ઉત્ખનનમાં સુમેરિયન અને એકાડિયન કીલકલિપિ (ક્યુનિફોર્મ લિપિ)માં હજારો નાની નાની તક્તીઓના અભિલેખ મળી આવ્યા, જેના વાચનના પરિણામે હિત્તાઇત્ત સત્તાધીશોના એ લેખ હોવાનું જાણવામાં આવ્યું. ઈ. પૂ. ૧૫મી – ૧૪મી સદીઓમાં હિત્તાઇત્ત સામ્રાજ્ય અ પ્રદેશમાં હોવાનું પકડાયું. આ સામ્રાજ્યની ભાષાનું જે સ્વરૂપ જોવામાં આવ્યું તે અત્યાર સુધી મળેલા इन्दो-युरोपियन કિંવા आर्यभाषाનું જૂનામાં જૂનું રૂપ હોવાનું કહેવાયું. જે કાંઈ પાર્થક્ય જણાયું તેને કારણે સ્તુર્તેવાં જેવા વિદ્વાને તો તેને इन्दो-हित्ताहित्त – ભારત-હિત્તી એવા સંજ્ઞા પણ નિર્દેશી. ગમે તે હો, इन्दो-युरोपियनના शतम् અને केन्तुम् એવા બે વિભાગ પશ્ચિમ યુરોપ અને પૂર્વ યુરોપને ઉદ્દેશી પૃથક્ પડાયા તેમાં शतम् – વિભાગના પશ્ચિમ પ્રદેશમાં હિત્તી પ્રદેશ હોવા છતાં એમાં લક્ષણ केन्तुम् – વિભાગનાં જોવા મળ્યાં. અહીં એના ઊંડાણમાં જવાની જરૂર નથી; માત્ર એટલું જ કે યુરોપની ભૂમિ ઉપર आर्यभाषाનો વધુ એક જૂનો નમૂનો હિત્તી પ્રદેશમાં હતો. મોડેથી તોખારિયન ભાષા વિકસતી તેનો સંબંધ આ भारत-हित्ती સાથે હોવાનું જાણવામાં આવ્યું. शतम्–તાલવ્યપ્રધાન અને केन्तुम्–કંઠ્યપ્રધાન એવા બે મુખ્ય વિભાગ इन्दो-युरोपियन કિંવા મથાળ आर्यभाषाના વ્યાપક બન્યા તેમાં शतम् સમૂહમાં ૧. હિત્તી, ૨. તોખારિયન, ૩. ગ્રીક, ૪. લાતીન, ૫. જર્મન અને ૬. કેલ્તિક; જ્યારે केन्तुम् – સમૂહમાં ૧. ભારત-આર્ય, ૨. સ્લાવ, ૩. બાલ્તિક, ૪. આર્મેનિયન અને ૫. આલ્બેનિયન. शतम् અને केन्तुम् એવા ભેદ લાક્ષણિક દૃષ્ટિએ જુદા પાડ્યા છે, આમ છતાં भारतीय आर्यમાં दिश् तादश् જેવા શબ્દોમાં રૂપાખ્યાનોમાં આપણને બંને લક્ષણોનો અનુભવ થાય છે, જેવાં કે दिक्-दिग् તો दिशी વગેરે, तादक्-तादग् તો तादशी વગેરે કે જે ભાષાની વિશાલ સમૃદ્ધિનો ખ્યાલ આપે છે ભાષાશાસ્ત્રીઓએ इन्दो-ईरानियन કિંવા भारत-पारसीक અને इन्दो-आर्यन કિંવા भारत-आर्य એવા ભેદ પાડ્યા હતા, પણ વાસ્તવમાં તો એક મગની બે ફાડની જેમ भारत-आर्यના જ પ્રધાન બે ભેદ (ईरानियन કે पारसीक-आर्य અને भारतीय-आर्य એવી બે પૃથક્ સંજ્ઞાની ઉદ્દિષ્ટ કરવા જોઈએ મારા તરફથી અગાઉ ‘આપણા કવિઓ – ખંડ-૧’ના ઉપોદ્ઘાતમાં (પૃ. ૧૦)ના ત્રણ પેટા ભેદ બતાવતાં ૧. ગાથા-અવેસ્તા (ઈરાનિયન), ૨. પૈશાચ (દાર્દરિક) અને ૩. ભારતી (વૈદિક) એવા ત્રણ ભેદ સૂચવ્યા હતા તેમાં भारतीय आर्य ન કહેતાં હવે भारत-आर्य કહેવું જોઈએ. भारतीय आर्यથી હું હવે ભારતવર્ષની જ આર્યકુળની ભાષા કહેવા માગું છું. આ ‘વૈદિકી ભારતી’. યુરોપીય વિદ્વાનો આ ‘વૈદિક ભારતી’ને ‘વૈદિક સંસ્કૃત’ કહે છે એ સંજ્ઞા મને બરોબર લાગતી નથી. આજથી આશરે પંદરસો વર્ષ ઉપર થયેલા મનાતા અમરસિંહે પોતાના नामलिङ्गाशासन કિવાં ‘अमरकोश’માં “ब्राह्मी तुं भारती भाषा गीर्वाग् वाणी सरस्वती (૧-૬-૧)” એમ ભારતવર્ષની પ્રધાન ભાષાનાં ૭ નામ આપ્યાં છે. આમાં ક્યાંય ‘સંસ્કૃત’ ભાષાનામ નથી, એ તો मेदिनीकोशમાં संस्कृत શબ્દના ૬ અર્થ આપ્યા છે ત્યાં ‘એ નામની સંસ્કારી ભાષા ભારતી’ એવો છઠ્ઠો અર્થ આપ્યો છે. भारतीय आर्य ભાષાનો ‘સંસ્કૃત’ તરીકેનો નિર્દેશ સૌથી પ્રથમ તો ‘વાલ્મીકીય રામાયણ’નાં ‘સુંદરકાંડ’માં જોવા મળે છે. “व चं चोदाहरिष्यामि मानुषीमिह संस्कृताम् – ૩૩૦-૧૦.” જે ઈ. પૂ. ૨જી – ૩જી સદીથી આગળ જઈ શકતું નથી. ઈ. સ.ની ૨જી સદી આસપાસના ભરત-નાટ્યશાસ્ત્રમાં संस्कृत प्राकृतं चैव यत्र पाठय़ं प्रयुज्यते (નિર્ણયસાગર-આવૃત્તિ, ૧૭-૨૫ વગેરે) સ્પષ્ટ નિર્દેશ છે. महाभाष्यकार પતંજલિ ભાષ્યના નહાદ્નિકમાં ‘संस्कृत’ અને એનાથી ભ્રષ્ટ થયેલ શબ્દોને ‘अपभ्रंश’ કહે છે. મજા એ છે કે સંસ્કૃત ભાષાના મહાન વૈયાકરણ પાણિનિએ પોતાની એ ભાષાને માત્ર भाषा કે लोक(भाषा) કહી છે અને એનાથી જુદી પાડવા વૈદિકી ભાષાને માટે छन्द्रस् સંજ્ઞાનો પ્રયોગ કર્યો છે. આથી જ સ્પષ્ટ થશે કે અમરસિંહે એક પર્યાય भाषा આપ્યો છે એની પાછળ પાણિનિનો શબ્દપ્રયોગ નિયામક સમજાય છે. मेदिनीकोश ‘छन्दस्’નો એક અર્થ ‘વૈદિક સાહિત્ય’ કરે છે. જે પણ પાણિનિના શબ્દપ્રયોગનું પરિણામ લાગે છે. આમ વૈદિકી ભાષાનું સંગત એક નામ આપવું હોય તો એને ‘इन्दो-आर्य’ કહેવા કરતાં ‘भारतीय आर्य’ કે સર્વસામાન્ય ‘भारती’ સંજ્ઞા આપવી તર્કશુદ્ધ થઈ રહેશે. આ ‘भारती’નું ઠીક ઠીક ઘસાઈ ગયેલું સ્વરૂપ પાણિનિએ ‘भाषा’ તરીકે સૂચવ્યું. ‘સુંદરકાંડ’ અને ‘નાટ્યશાસ્ત્રે’ એને ‘संस्कृत’ કહ્યું. આ વૈદિક भारतीय भाषाનું અસલ પ્રત્યયાત્મક સુશ્લિષ્ટ સ્વરૂપ કેવું હશે એ જાણવાનું કોઈ સાધન આપણી પાસે નથી. એનું ઘસાતું આવતું રૂપ આપણને અનુક્રમે ઋગ્વેદના પ્રાચીન ભાગો અને અથર્વવેદના એવા ભાગોમાં પ્રાચીન ઉપનિષદો અને તૈત્તિરીય સંહિતામાં જોવા મળે છે. એ સમય પણ ઈ. પૂ. ૧૦૦૦થી આ બાજુનો તો નથી જ. પાલી અને અન્ય પ્રાકૃતોનો વિકાસ થયો છે તે આ વૈદિકી भारतीમાંથી, નહિ કે संस्कृत ભૂમિકામાંથી. બેશક, પાલી અને પ્રાકૃત ભાષાના વૈયાકરણોએ संस्कृत મૂલ છે એમ માનીને પછી વિકાસ સૂચવ્યો છે. અહીં એક જ ઉદાહરણ લીએ : भद्रं कर्णेभिः शुणुयामમાંના कर्णेभिःનો વિકાર પોલીમાં कज्ञेभि અને પ્રાકૃત-મહારાષ્ટ્રીમાં कणेहि કે कन्नेहि, અપભ્રંશમાં પણ कन्नेहिं. આ ‘भि’ ને ‘हि’ કાંઈ વિકસેલા રૂપ कर्णैःનો વિકાસ નથી. મહારાષ્ટ્રી પ્રાકૃતના સ્ત્રીલિંગના साला વગેરે શબ્દોના ૧લી બહુવચનમાં सालाओ રૂપ મળે છે તે शालांનો વિકાર નહિ, પણ જૂના शालासःનો વિકાર છે. વૈદિકી भारतीમાંથી પ્રથમ જે પ્રાથમિક પ્રાકૃત રૂપનો વિકાસ થયો તેના કોઈ નમૂના આપણી પાસે નથી, પરંતુ આપણને ઉટ્ટંકિત કે લિખિત સ્વરૂપમાં મળ્યા છે તે તો દ્વૈતીયિક પ્રાકૃતોના મળ્યા છે. એટલે એક બાજુ संस्कृत भाषा ઊતરી આવી તો બીજી બાજુ દ્વૈતીયિક કોટિની ‘પાલી’, ‘માગધી’, ‘અર્ધમાગધી’, અને ‘અશોકની પશ્ચિમ ધમ્મલિપિની ભૂમિકા’ આમાંની ‘માગધી’ આવી રહે છે. વિકાસની દૃષ્ટિએ ‘પાલી’માંથી ‘શૌરસેની’, એમાંથી ‘મહારાષ્ટ્રી પ્રાકૃત’ અને એમાંથી ‘અપભ્રંશ’ ભૂમિકા, તો ‘અર્ધમાગધી’ શુદ્ધમાંથી જૈન સૂત્રાંગોની ‘અર્ધમાગધી’ અને એમાંથી મહારાષ્ટ્રી પ્રાકૃતના સાહચર્યે ‘જૈન મહારાષ્ટ્રી’ વિકસી આવી છે. ‘અપભ્રંશ’ એ એવું રૂપ છે કે જેને ‘જૈન મહારાષ્ટ્રી’ અને ‘અશોકની પશ્ચિમી ધમ્મલિપિની ભૂમિકા’નાં ધાવણ મળ્યાં છે. હું વ્યાકરણકારોએ બતાવેલી ‘પ્રાકૃત ભાષાઓ’, ‘પ્રાકૃત વિભાષાઓ’ અને અપભ્રંશોમાં અહીં ઊંડે ઊતરવા નથી ચાહતો, એ બધાં પ્રાદેશિક રૂપ છે. ‘અપભ્રંશ’ તો દેશભેદે ૨૭ જેટલા જાણવામાં આવ્યા છે, જેમાંથી ‘નાગર’, ‘ઉપનાગર’ અને ‘વ્રાચડ’ એને મહત્ત્વ આપવામાં આવ્યું છે. પણ આનાથી પ્રાદેશિકતાને ટાળી શકાય એમ નથી. સત્તાવીસે સત્તાવીસ અપભ્રંશ થોડાઝાઝા ભેદે તે તે પ્રદેશમાં પ્રચારમાં હતા તેમાંનો ‘ગૌર્જર અપભ્રંશ’ ગુર્જરોના પ્રદેશમાં વ્યાપક હતો કે જે ગુજરાત-સૌરાષ્ટ્રમાં પણ પ્રચલિત બન્યો, જેમાં અશોકની પશ્ચિમી ધમ્મલિપિની ભૂમિકાના અવશેષ છાના રહેતા નથી. આના ઊંડાણમાં આપને હું લઈ જવા માગતો નથી, મારે માત્ર એટલું જ સૂચવવું છે કે મારવાડ-મેવાડ મેવાત જયપુર કોટા પશ્ચિમ-માળવા, વ્રજભૂમિની પશ્ચિમ સીમા, નિમાડ અને ગુજરાત-સૌરાષ્ટ્રની વર્તમાન ભાષા-બોલીઓનું મથાળ ‘ગૌર્જર અપભ્રંશ’માં રહેલું છે, એટલું જ નહિ, આચાર્ય હેમચંદ્રે જે ‘અપભ્રંશ’નું સ્વરૂપ सिद्धहेमशब्दानुशासनના છેક છેડે વિસ્તારથી આપ્યું છે તે પણ ‘ગૌર્જર અપભ્રંશ’નું છે. એ પોતાના પ્રદેશમાં જે વ્યાપક હતું તે છે, જેવું એમણે ‘પ્રાકૃત’ કહી વિસ્તારથી વ્યાકરણ આપ્યું તે ‘મહારાષ્ટ્રી પ્રાકૃત’નું તો છે જ, પણ વિશિષ્ટતાઓને કારણે એ ‘જૈન મહારાષ્ટ્રી’ પ્રાકૃતનું છે, છતાં નામ ન પાડ્યું તેમ. આવો અભિપ્રાય આપતી વખતે હું સભાન છું. ધારાનો ભોજ એના કાવ્યશાસ્ત્રના ગ્રંથ सरस्वतीकण्ठाभरणમાં એક મીઠી ગાળ આપે છે કે, ‘शृण्वन्ति लटभं लाटाः प्राकृत संस्कृतद्विषः । अपभ्रंशेन तुष्यन्ति स्वेंन नान्येन गुर्जराः ।।’ ‘સંસ્કૃતનો દ્વેષ કરનારા લાટવાસીઓને સુંદર પ્રાકૃત ભાષા સાંભળવી પસંદ છે. જ્યારે ગુર્જરો તો એવા છે કે જેઓ માત્ર પોતાનો જ અપભ્રંશ પ્રયોજી સંતોષ પામે છે, બીજા કોઈ અપભ્રંશમાંથી નહિ.’ (सरस्वतीकण्ठाभरण, નિર્ણયસાગર પ્રેસ, ૨-૧૩) આ ટકોર ઉત્તર ગુજરાતના ચૌલુક્યોને ઉદ્દેશીને જ છે. તેથી જ તો પછીથી સિદ્ધરાજે ભોજને નામે રચાયેલા સંસ્કૃત ગ્રંથોની હરીફાઈમાં આચાર્ય હેમચંદ્ર પાસે સંસ્કૃત ભાષાની એકથી વધુ શાખાઓના ગ્રંથોનું સર્જન કરાવ્યું. ૩. ગુજરાતી ભાષાનો ઉદ્ગમ ચૌલુક્ય કાળમાં ગુજરાતે સંસ્કૃત ઉપરાંત પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાં પણ અનેકસંખ્ય અનેકવિધ ગ્રંથ મેળવ્યા એ સમયથી ‘ઉત્તર ગૌર્જર અપભ્રંશ ભૂમિકા’માં અનેક નાનીમોટી પદરચનાઓ અને થોડી થોડી ગદ્યરચનાઓ પણ વાસ્તવમાં આવી. લગભગ અઢારસોથી ત્રણસો વર્ષના ગાળામાં રચાયેલી કૃતિઓમાં રાસપ્રકારનાં કાવ્યોનું બાહુલ્ય હોવાથી એ સમયગાળાને મારા તરફથી ‘રાસયુગ’ સંજ્ઞા આપવામાં આવી છે. બેશક આ સમયગાળામાં મારવાડ-મેવાડની મારવાડી, મેવાતની મેવાતી, જયપુરની ઢૂંઢાળી, કોટાની હાડૌતી, વ્રજભૂમિની પશ્ચિમ સીમાએ અહીરવટી, પશ્ચિમ-માળવાની માળવી, નિમાડની નિમાડી અને ગુજરાત-સૌરાષ્ટ્રની ગુજરાતી બોલીઓ વિકાસને પંથે હજી, જે ઉભયાશ્રયી યૂથના ગૌર્જર અપભ્રંશમાંથી વિકસતી રહી હતી. બધીની પોતીકી લાક્ષણિકતાઓનાં બીજ આમાં વવાઈ ગયાં હતાં, જે ૧૫મી સદીના અંત સુધીમાં પલ્લવિત સ્વરૂપના છોડ તરીકે વિકસી આવ્યાં હતાં. ‘રાસયુગ’ એ આ ગાળાનો પરિપાક છે. આ લાક્ષણિકતાઓ આ સર્વ બોલીઓ માટે લગભગ સમાન હતી, જેવી કે ૧. સ. તત્સમ શબ્દોનો વધતો જતો વાપર, ૨. બેવડા વ્યંજનોનો હ્રાસ અને પૂર્વના સ્વરની પ્રાયઃ દીર્ઘતા, છતાં હ્રસ્વતા પણ પ્રસંગવશાત્ રહે, અને ૩. વિભક્તિપ્રત્યયો ઘસાતા ચાલતાં નામયોગીઓનું પ્રાધાન્ય. ‘રાસયુગ’નો પ્રધાન સાહિત્યપ્રકાર ‘રાસ’ છે. સંજ્ઞા ઉપરથી જ સ્પષ્ટ છે કે આ મૂળમાં नृत्तप्रकार હતો. ઈ. પૂ. ૩જી સદી આસપાસના જાણવામાં આવેલા પહેલા નાટ્યકાર કવિ ભાસના ‘બાલચરિત’ પંચાંકી નાટકમાં બાલક કૃષ્ણની પોતાની ઉંમરની નાની બાળકીઓ સાથેની हळळीसअ-हल्लीसक સમૂહ નૃત્તાત્મક ગેય ક્રીડાનો જૂનામાં જૂનો નિર્દેશ મળે છે. એ પછી થોડા સમયમાં અસ્તિત્વમાં આવેલા हरिवंश (પૂના – ભાંડારકર ઑરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સમીક્ષિત વાચના, અ. ૧૩)માં કૃષ્ણની ક્રીડાને અંતે ‘ગોપીઓના चकवालोથી શોભા પામેલા કૃષ્ણ ચંદ્રવાળી શારદી રાત્રિઓમાં આનંદ કરી રહ્યાં,’ એવો (શ્લો. ૩૫માં) નિર્દેશ છે. અહીં નીલકંઠ ટીકાકાર આ हल्लीसक પ્રકારની નૃત્તક્રીડા હોવાનું કહે છે, हरिवंशમાં કશો નિર્દેશ નથી. એ પછી તો ગુપ્તકાલમાં રચાયેલા ‘વિષ્ણુપુરાણ’માં પ્રથમ વાર रास નામક ક્રીડાનો ઉલ્લેખ થયેલો છે, જેનો સારો વિસ્તાર ભાગવતપુરાણ (૧૦માં સ્કંધની રાસપંચાધ્યાયી)માં જોવા મળે છે. ૭મી-૮મી સદીના ભાગવતમાં હજી એ नृत्तविशेष છે. કાવ્યશાસ્ત્રના ગ્રંથોમાં પછી रासक એક પ્રકારનાં ઉપરૂપક-નાટકપ્રકારને માટે સ્વીકારવામાં આવેલ છે. આ રૂપકો गेय કહ્યાં છે. વાગ્ભટે એના ‘કાવ્યાનુશાસન’માં ૧૧ ઉપરૂપક કહ્યાં છે તેમાં ૮મું हल्लीसक છે અને ૧૦મું रासक છે. ૧૨મી સદીના એમની પછી તરત થયેલા આચાર્ય હેમચંદ્રે પોતાના ‘કાવ્યાનુશાસન’માં ૧૨ ઉપરૂપક આપ્યાં છે તેમાં हल्लीसक ૮મું અને रासक ૯મું ગેય ઉપરૂપક છે. વાગ્ભટે (પૃ. ૧૮૦) रासकની વ્યાખ્યા આપતાં જણાવ્યું છે કે “નર્તકીઓ અનેક હોય, જેમાં અનેક પ્રકારના તાલ અને લય હોય. પણ જેમાં ૬૪ સુધીનાં યુગલ હોય તેવું કોમળ અને ઉદ્ધૃત જે તે ગેયરૂપક તે રાસક.” વસ્તુસ્થિતિએ ગેય રૂપકનો વાચક બન્યા પછી વસ્તુમાં કાવ્યગત રસનું સંમિશ્રણ અનિવાર્ય બન્યું, માટે જ નાનાં સંભવિત ગેય ઊર્મિગાનોમાંથી ‘વર્ણનાત્મક-નિરૂપણાત્મક રાસ’ કાવ્યો રચાતાં ચાલ્યાં. ‘ફાગુ’ કાવ્યોમાં એક છંદ તરીકે रासक આવે છે; સંભવ છે કે એટલો ભાગ સમૂહનૃત્ય માટે ઉપયોગમાં આવતો હોય. ઐતિહાસિક ક્રમે ખ્યાલ કરતાં ‘રાસ’ સમૂહનૃત્યમાં ઉપયોગી કાવ્યપ્રકાર તરીકે વિકાસ સાધતો થયો, પણ એ સમૂહમાં રમવાનો પ્રકાર પણ હતો જ. ‘રેવંતગિરાસુ’ (ઈ. સ. ૧૨૩૨)ના અંતભાગમાં ‘રંગિહિ એ રમઈ એ રાસુ’ (૪-૨૦) એ સ્પષ્ટ કરી આપે છે. અપભ્રંશ ભાષામાં ‘ચર્ચરી’ અને ‘રાસક’ના પ્રબંધ રચાવા શરૂ થઈ ગયા હતા, જે કવિતા ગેય પ્રકારની હતી અને જિનદત્તસૂરિના ‘ઉપદેશસારાયનરાસ’ (અપભ્રંશ કાવ્યના ટીકાકાર જિનપાલ ઉપાધ્યાયે એના વિશે કહેતાં લખ્યું છે કે आयं सर्वेषु रागेषु गीयते गीतकोविंदैः (અપભ્રંશકાવ્યત્રયી, પૃ. ૨૯) – વિદ્વાન ગાયકો આ ‘રાસ’ કૃતિને બધા રાગોમાં ગાઈ શકે છે. આ રાસપ્રકાર કથાકાવ્યો, ઇતિહાસમૂલક કાવ્યો, ઉપદેશના રૂપનાં કાવ્યો એમ વિષયો પ્રત્યે વિવિધતાવાળો પણ રચાતો ગયો. ધીમે ધીમે એનું કદ પણ વધતું ગયું કે જેમાં એની રમણક્ષમતા ઓસરતી ગઈ. ‘રાસયુગ’ની સમાપ્તિએ પહોંચતાં આ અનુભવી શકાય છે. ‘રાસયુગ’નો બીજો રમણીય પ્રકાર કાવ્યફાગુઓનો વિકસ્યો છે, જે વાસ્તવમાં ઋતુકાવ્ય છે. મોટેભાગે વસંતઋતુને કેન્દ્રમાં રાખી વિપ્રયોગ-સંયોગ રસના ઉત્તમ નમૂનારૂપ, એક જ છંદમાં તો વળી એકથી વધુ છંદો અને ઢાળોમાં પણ વર્ષાઋતુને કેન્દ્રમાં રાખી રચાયેલો તો એકમાત્ર જિનપદ્મસૂરિકૃત ‘સ્થૂલિભદ્રફાગુ’ (ઈ. સ. ૧૩૩૪-૧૪૩૪) છે. ત્રીજો પ્રકાર ‘લૌકિક કથાનકો’નો છે, જે બહુ વિકાસ પામ્યો નથી. બંધની દૃષ્ટિએ સળંગ ચોપાઈઓ હોય છે. આ ઉપરાંત વિરહાત્મક ‘બારમાસી’ તેમ ‘માતૃકા’ અને ‘કક્ક’ અને છંદોબદ્ધ જૂજ કાવ્યો પણ મળ્યાં છે. ‘રાસયુગ’માં અસાઇત જેવાના એકમાત્ર અપવાદે જૈન સાધુઓની રચનાઓ મળી છે, જૈનેતર રચનાઓ નહિ હોય એમ તો ન જ કહી શકાય, પરંતુ સચવાયેલી જાણવામાં આવી નથી. ‘રાસયુગ’નો એ પ્રકાર તો ‘રાસો’ની દૃષ્ટિએ ૧૯મી સદી સુધી ચાલુ રહ્યો છે. આમ છતાં બીજા સાહિત્યપ્રકાર પ્રબળતાથી બહાર આવ્યા ને જૈનેતર કવિઓ જોવામાં આવ્યા તેથી ‘રાસયુગ’ની સમાપ્તિ માની અને નરસિંહ મહેતાને કારણે ‘આદિભક્તિયુગ’ અસ્તિત્વમાં આવ્યો કે જેમાં ‘નરસિંહ’ ‘ભાલણ’ ‘મીરાં’ અને ‘માંડણ’ ‘ભીમ’ જેવા ભક્તિપદોના રચયિતા પ્રકાશમાં આવ્યા. ૪. મધ્યકાલીન ગુજરાતી ભાષાનો વિકાસ ગુજરાતી સાહિત્ય પરિષદના ૧લા અધિવેશનના પ્રમુખસ્થાનેથી સ્વ. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીએ ભક્તિની જ્વાળા ક્યાંથી ફૂટી એ વિશે પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા અને કૈ. વા. આનંદશંકર ધ્રુવે પણ એ વિશે વિચારણા રજૂ કરી હતી. મોડેથી સ્વ. કનૈયાલાલ મા. મુનશીએ પણ એ ચર્ચામાં ઝંપલાવી નરસિંહના સમયને ૬૦ વર્ષ આ બાજુ મૂક્યો હતો. આજે હવે આ બધી વાતો રહી નથી. નરસિંહના સમય વિશે, ભાલણના સમય વિશે તેમ મીરાંના સમય વિશે આજે બધા મતભેદ ઓગળી ગયા છે, ભક્તિની જ્વાળા ક્યાંથી ફૂટી એ પ્રશ્ન પણ હવે ચર્ચાવો બાકી રહ્યો નથી. નરસિંહ મહેતા પર દક્ષિણી સંત નામદેવની અને ભાલણ ઉપર પુષ્ટિમાર્ગીય અષ્ટછાપ કવિઓમાંના સૂરદાસાદિની અસર પકડી શકાય છે. મીરાંને પણ એ લાભ મળ્યો જ હતો. નરસિંહ વગેરે ભક્તિકવિઓએ વિપુલતાથી પદસાહિત્ય રજૂ કરી આપ્યું છે. આ મુખ્ય પ્રકાર હતો તેથી જ એને ‘આદિભક્તિયુગ’ એવી સંજ્ઞા આપવાનું મને સમુચિત લાગ્યું છે, જેનો અત્યાર સુધીમાં ક્યાંયથી વિરોધ થયો નથી. આ યુગમાં બીજો સાહિત્યપ્રકાર વિકસ્યો તે તો ‘આખ્યાનો’નો, સળંગ બંધનાં તેમ કડવા બંધનાં; આનાં બીજ નરસિંહમાં છે, પણ વીરસિંહ, કર્મણ, માંડણ વગેરે આખ્યાનકારો આગળ આવ્યા, જેમના પદબદ્ધ અને વર્ગબદ્ધ પણ થોડાં કાવ્ય અસ્તિત્વમાં આવ્યાં. આ પ્રકારમાં મહાભારત, રામાયણ અને પુરાણોમાંથી વસ્તુ લઈ જુદા જુદા દેશી રાગોમાં ગાઈ શકાય તેવી રીતે પ્રકાર ખીલ્યો. આ યુગમાં રાસોની વિપુલતા છે, પરંતુ ‘રાસયુગ’ની જેમ જ ફાગુઓની સંખ્યા પ્રમાણમાં ઓછી છે. આ યુગમાં ‘લૌકિક કથાનકો’ની સંખ્યા પણ મર્યાદિત છે. જૂના ‘વિસલદેરાસો’ અને ‘ચંદરાસો’ની જેમ ‘રણમલ્લછંદ’ નાના સ્વરૂપમાં ‘રાસયુગ’ના અંતભાગમાં મળ્યો હતો. એનાથી ક્યાંય આગળ વધી ગયેલો ઐતિહાસિક પ્રબંધ ‘કાન્હડદેપ્રબંધ’ (ઈ. સ. ૧૪૫૫) જોવા મળ્યો છે, તો ‘વિમલપ્રબંધ’ (ઈ. સ. ૧૫૧૨) એવા જ પ્રકારનો કાવ્યગ્રંથ છે. આ યુગમાં જ્ઞાનાશ્રયી કવિતાનાં બીજ નરસિંહ મહેતાનાં થોડાં તત્ત્વજ્ઞાનીય પદોમાં છે, પણ ઉપદેશાત્મક લક્ષણ ધરાવતી માંડણની ‘પ્રબોધબત્રીશી’ની બત્રીશી વીશી આઠચરણી ચોપાઈની રચનાઓ છે, જેનું અદલોઅદલ અનુકરણ ‘આખ્યાનયુગ’માં અખાએ અનેક છપદીઓમાં કર્યું છે. જૂનાગઢના શ્રીધર અડાલજા મોઢનો ‘રાવણમંદોદરીસંવાદ’ (ઈ. સ. ૧૫૦૦ આસપાસ) એ જ પ્રકારે અનેક કહેવતોથી સમૃદ્ધ રચના છે. અહીં ભાષાના વિકાસની દૃષ્ટિએ પણ થોડું કહેવું ઠીક થઈ પડશે. ‘ઉત્તર ગૌર્જર અપભ્રંશ’ ઈ. સ. ૧૩૫૦ આસપાસ હવે અર્વાચીનતા તરફ ઢળે છે અને એ સમય લગભગથી શરૂ થઈ લખાયેલી હસ્તપ્રતોમાં હવે ગુજરાતીપણું સારી રીતે અનુભવાય છે, જેને કારણે એને ‘જૂની ગુજરાતી’ કહેવી હોય તો કહી શકાય, પરંતુ ‘ઉત્તર ગૌર્જર અપભ્રંશ’ને આપણે ત્યાં ‘પ્રાચીન ગુજરાતી’ કહેલ છે એટલે આ વિકસી આવેલા સ્વરૂપને ‘મધ્યકાલીન ગુજરાતી’ નામ આપવામાં આવ્યું છે, જેમાં પણ મારા તરફથી ચાર ભૂમિકા બતાવવામાં આવી છે : ૧. શુદ્ધ, ૨. મિશ્ર, ૩. શુદ્ધ અને ૪. મિશ્ર. સંધિસ્વરાત્મક ઉચ્ચારણો તો વ્યાપક હતાં છતાં લેખનમાં ‘અ + ઇ’ ‘અ + ઉ’ સ્વર અલગ લખવામાં આવતાં. રજી મિશ્ર ભૂમિકામાં એને સ્થાને સંકોચ થયો, ‘ઇ’ અને ‘ઉ-ઉં’ વિકલ્પે લખાવા લાગ્યા : જે ૩જી શુદ્ધ ભૂમિકામાં સિદ્ધ રીતે થયા. ૪થી મિશ્ર ભૂમિકામાં વિકલ્પે સંધિસ્વર શરૂ થયા, જે અર્વાચીન ગુજરાતીમાં સ્વીકારાયા છે. આ ‘મધ્યકાલીન ગુજરાતી’ ભૂમિકા ‘આખ્યાનયુગ’ના મધ્યકાલ સુધી લેખનમાં હતી. ‘આખ્યાનયુગ’નો ઉત્તરાર્ધ ‘અર્વાચીન ગુજરાતી’ની પહેલી ભૂમિકાનું ભાષાસ્વરૂપ આપે છે, એ દૃષ્ટિએ આ સંજ્ઞા આપું છું. એ માટે કે એમાં યુરોપીય ભાષાઓના તત્સમ કે તદ્ભવ શબ્દ દેખાતા નથી. ૫. અર્વાચીન ગુજરાતીની ભૂમિકા સાહિત્યપ્રકારની પ્રધાનતાને કારણે ‘આદિભક્તિયુગ’ના અનુસંધાનમાં ‘આખ્યાનયુગ’ આવી રહે છે, જેમાં નાકરથી લઈ પ્રેમાનંદ સુધીના આખ્યાનકારોએ વિપુલ સંખ્યામાં મોટેભાગે કડવાબદ્ધ આખ્યાન આપી સંજ્ઞાની સાર્થકતા કરી આપેલી જોવા મળે છે. આ યુગમાં ‘રાસ’, ‘ફાગુ’, ‘લૌકિકકથાસાહિત્ય’ તેમ ‘જ્ઞાનાશ્રયી કવિતા’ થોડી ઝાઝી સંખ્યામાં વિકસ્યા કરી છે. ઈ. સ. ૧૭૧૦ આસપાસ આમાં ઓટ આવે છે અને પદકાર ભક્તો અગ્રસ્થાન લઈ ભક્તિકવિતાને પ્રાધાન્ય આપી દે છે, જેને કારણે આ નવા યુગની ‘ઉત્તરભક્તિયુગ’ એવી સંજ્ઞા મારા તરફથી આપવામાં આવી છે. આમાં પણ ‘રાસ’ તો રચાયે જતા હતા, ‘ફાગુ’ ખાસ હવે નહિ, લૌકિકકથાસાહિત્યના પણ શામળ અને સુંદરજી જેવા ટચલી આંગળીના વેઢામાં સમાય તેટલા જ કવિ મળ્યા. ‘ઉત્તરભક્તિયુગ’માં રામકૃષ્ણ, રાજે, રણછોડ, રુઘનાથ, વલ્લભ, ધોળા, ધીરો, પ્રીતમ, નિરાંત, ભોજો, સ્વામિનારાયણ સંપ્રદાયના આઠ ભક્તકવિઓ અને ‘બંસીબોલ’નો ભક્તિકવિ દયારામ સેંકડોની સંખ્યામાં પદો-ગરબા-ગરબીઓ આપી ગયા છે. ત્રણ યુગોના ત્રણ નામી કવિઓએ ગુજરાતી ભાષાને ઉજમાળી તે ‘આદિભક્તિયુગ’નો નરસિંહ મહેતો, ‘આખ્યાનયુગ’નો પ્રેમાનંદ ભટ્ટ અને ‘ઉત્તરભક્તિયુગ’નો દયારામ. ભાષાની દૃષ્ટિએ અખો, પ્રેમાનંદ અને પછી ‘ઉત્તરભક્તિયુગ’ના કવિઓએ અર્વાચીન ગુજરાતીની પ્રથમ ભૂમિકાનો વિકાસ આપ્યો. હસ્તપ્રતોમાં પણ એ ભાષા ગુજરાતી, આજના જેવી, વ્યાપક થઈ ચૂકી હતી. જે સાહિત્યરચનાઓમાં તો ઈ. સ. ૧૮૫૦ને પહોંચી ચૂકી હતી. ૧૮૧૮ પછી ગુજરાતનો પ્રદેશ પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તા નીચે આવ્યો. મુંબઈથી લઈ ગુજરાતનાં અનેક મોટાં નગરોમાં સરકારી પ્રાથમિક શાળાઓ અસ્તિત્વમાં આવી અને માધ્યમિક કક્ષાની શાળાઓ પણ સ્થપાતી ચાલી. આને કારણે અને રાજ્યના વહીવટને કારણે થોડા ડચ અને ફ્રેન્ચ, જ્યારે વિપુલ પ્રમાણમાં અંગ્રેજી શબ્દો દેશમાં ચલણી બનતા ચલ્યા. ૧૮૫૭ પછી મુંબઈમાં યુનિવર્સિટી સ્થપાતાં અનેક ગુજરાતીઓ મૅટ્રિક્યુલેશનની પરીક્ષા પસાર કરી કૉલેજોમાં અભ્યાસ કરવા લાગ્યા અને ધીમે ધીમે પશ્ચિમના સાહિત્યપ્રકારોનો લાભ લેવા લાગ્યા, જેના પરિણામે મધ્યકાલના સાહિત્યપ્રકાર વિલુપ્ત થતા ચાલ્યા અને અંગ્રેજી સાહિત્યના પ્રકારોની છાયામાં, ગુજરાતી ભાષામાં પણ નવા સાહિત્યપ્રકાર અસ્તિત્વમાં આવ્યા. કવિતાક્ષેત્રે પણ ભારે પરિવર્તન આવ્યું. દલપત – નર્મદ જેવા કવિઓએ ગદ્ય અને પદ્યને વેગ આપ્યો અને ઉત્તર ભૂમિકાને ભારે પ્રબળ માર્ગ મળ્યો. અહીં ગુજરાતી ગદ્યનો કાયા-પલટો થયો. આ પહેલાં પણ આપણે ત્યાં ગદ્ય હતું તો ખરું જ. પણ ટબા-બાલાવબોધો-અનુવાદો-પત્રો અને દસ્તાવેજોના રૂપમાં. આમાં જૈન સાધુઓએ વિકસાવેલા ‘બાલાવબોધ’ મધ્યકાલીન ગુજરાતીના ભાષાવિકાસનો પણ સારો ખ્યાલ આપે છે. એમાં વાર્તાઓ પણ વણાઈ ગઈ છે, જે પણ દૃષ્ટાંતકથાઓ માત્ર હોઈ કોઈ વિશિષ્ટ સાહિત્યપ્રકાર તરીકે સ્થાન મેળવતી નથી. આ ‘બાલાવબોધો’ પ્રમાણમાં ઘણા થોડા છે, પણ શબ્દસમૃદ્ધિની દૃષ્ટિએ પણ ખૂબ મહત્ત્વના છે. અર્વાચીન ગુજરાતી ભાષાના કોશકારને પણ આ બાલાવબોધો પુષ્કળ ભાતું આપે તેવા છે. ૬. ગુજરાતી વ્યાકરણ ગુજરાતને ગૌરવ અપાવે તેવું વ્યાકરણ – ગૌર્જર અપભ્રંશનું વ્યાકરણ – આચાર્ય હેમચંદ્રે એમના સિદ્ધહેમ સં. વ્યાકરણના છેલ્લા ૮મા અધ્યાયના છેલ્લા ૪થા પાદમાં આપ્યું છે તે આપણી પહેલી મૂડી છે. શા માટે હું એને ‘ગૌર્જર અપભ્રંશ’નું વ્યાકરણ કહું છું એ વિશે આ પહેલાં સૂચન કરી ગયો છું. એમના વ્યાકરણના આધારે ત્રિવિક્રમનું પ્રાકૃત વ્યાકરણ અને એના આધારે લક્ષ્મીધરની ‘ષડભાષાચંદ્રિકા’ આ બેઉ પ્રાકૃત વ્યાકરણોમાં આ. હેમચંદ્રના અપભ્રંશ વ્યાકરણનું જ અનુસરણ છે. માર્કંડેયે એના ‘પ્રાકૃતસર્વસ્વ’માં ત્રણ મુખ્ય અપભ્રંશોની ચર્ચા કરી બાકીના અપભ્રંશોનાં લક્ષણ આપ્યાં છે જેમાં ‘ગુર્જરી’ અપભ્રંશનો પણ નિર્દેશ કર્યો છે. સિંહરાજનો ‘પ્રાકૃતરૂપાવતાર’ ત્રિવિક્રમોપજીવી છે, એના ઉપર આ. હેમચંદ્રની અસર પણ પકડાય છે. આપણને સંગ્રામસિંહની ‘બાલશિક્ષા’ અને કુલમંડનગણિનું ‘મુગ્ધાવબોધિ ઔક્તિક’ બંને સંસ્કૃત ભાષાનાં પ્રાથમિક કક્ષાનાં વ્યાકરણ મળ્યાં છે, જેમાં માધ્યમ મધ્યકાલીન ગુજરાતી ભાષાનું છે, જે ગુજ. વ્યાકરણને માટે પણ સામગ્રી પૂરી પાડે છે. ગુજરાતી ભાષાને કેન્દ્રમાં રાખીને તો છેક ૧૯મી સદીના આરંભકાળમાં આવવું પડે છે. ‘ગ્લૉસરી’ના કર્તા ફા. ડ્રમન્ડે ‘કોશ’ની પહેલાં ગુજરાતી પ્રારંભિક વ્યાકરણ આપ્યું છે તેમાં મરાઠી અને અંગ્રેજી પર્યાય પણ રૂપાખ્યાનો વગેરેમાં આપ્યા છે. ગુજરાતી વ્યાકરણક્ષેત્રે આ પહેલો પ્રયત્ન છે, જેનો ઢાંચો અંગ્રેજી વ્યાકરણનો છે. આ પછી તો અંગ્રેજી વ્યાકરણનો જ ઢાંચો આપણે ત્યાં વ્યાપક બન્યો. આશ્ચર્ય છે કે સંસ્કારી ગુજરાતી ગદ્યનો પરિચય જેમણે લગભગ પહેલો આપ્યો છે તે મહારાષ્ટ્રીય વિદ્વાન ગંગાધર શાસ્ત્રી ફડકેએ સૌથી પહેલું ગુજરાતી લઘુ વ્યાકરણ આપેલું મળ્યું છે અને એ ૧૮૩૯માં. એ પછી ૧૮૪૨માં એચ.એન. રામસેનું ‘ગુજરાતી વ્યાકરણના સિદ્ધાંતો’, ૧૮૪૫માં વિલિયમ ફૉર્બ્સે અને ૧૯૪૭માં વિલિયમ ક્લાર્કસને ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ’ અલગ અલગ આપેલ છે. પુસ્તક પ્રસિદ્ધ કરનારી કોઈ મંડળીએ ૧૮૫૨માં આ સંજ્ઞાથી એક વ્યાકરણ બહાર પાડ્યું હતું. તો એડવર્ડ લેડીએ ૧૮૫૦માં ‘ગુજરાતી વ્યાકરણના સિદ્ધાંતો’ બહાર પાડેલ, જ્યારે ગુ.પ્રા.એ. ઇન્સ્પેક્ટરનો હોદ્દો ધરાવનાર કોઈ અંગ્રેજ અમલદારે ૧૮૫૮માં ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ’ પ્રસિદ્ધ કરેલું. ગુજરાતી વિદ્વાનોમાં જાણવામાં આવેલો પહેલો પ્રયત્ન તો ૧૮૬૫માં કવિ નર્મદાશંકરે ‘નર્મવ્યાકરણ’ શીર્ષકથી કર્યો, જેનો બીજો ભાગ ૧૮૬૬માં બહાર પડેલો. વળતે વર્ષે જાણીતા વ્યાકરણકાર જૉસેફ વૉન ટેલરનું ‘ગુજરાતી વ્યાકરણ’ પ્રસિદ્ધ થયું. જેની બીજી આવૃત્તિ ૧૮૬૮માં અને ત્રીજી આવૃત્તિ ૧૮૯૩માં બહાર આવી. આ એક પ્રૌઢ પ્રયત્ન હતો. ૧૮૬૯માં વડોદરાના કેળવણીકાર હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા અને શ્રી લાલશંકરે મળીને ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ’ બહાર પાડ્યું. આ પછી ‘ગુજરાતી વાચનમાળા’થી જાણીતા થયેલ ટી.સી. હોપે ૧૮૭૦માં ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ’ આપ્યું, જેની પછી એકથી વધુ આવૃત્તિઓ થઈ, કારણ કે એ પાઠ્યપુસ્તક હતું. એક ‘ગુજરાતી વ્યાકરણ’ ખંડુભાઈ નાગરભાઈ દેસાઈએ ૧૮૭૬માં આપ્યું. ૧૮૮૯માં આપણને બે વ્યાકરણ મળે છે. જેમાંનું પૂર્ણાનંદ મહાનંદ ભટ્ટનું ‘ગુ. ગ્રામર’ અંગ્રેજીમાં હતું, તો ડી.ડી. દલાલનું ગુજરાતીમાં હતું. ‘ગુજરાતી વ્યાકરણ’ શીર્ષકથી ૧૮૯૨માં ટીસડોલનું વ્યાકરણ આવ્યું, તો (પ્રેમચંદ રાયચંદ) ટ્રેઇનિંગ કૉલેજના આચાર્ય મહિપતરામ રૂપરામ નીલકંઠે ‘ગુજરાતી ભાષાનું નવું વ્યાકરણ’ ૧૮૯૩માં આપ્યું. ગુજરાતી વ્યાકરણના સિદ્ધાંતો ૧૮૯૭માં મંચેરશા પાલનજી કૈકોબાદે આપ્યા, તો જે.પી. ટેલરે અંગ્રેજીમાં ગુજરાતી વ્યાકરણ ૧૮૯૮માં વિસ્તારથી આપ્યું. મોટા ટેલર અને નાના ટેલર સિવાયના વિદ્વાનોના પ્રયત્ન પ્રાથમિક કોટિના કહી શકાય. આ પછી વીસમી સદીમાં તો અત્યાર સુધી પ્રયત્ન મોટા ભાગે શાળાકીય કક્ષાના થયા કર્યા છે, પરંતુ સબળ પ્રયત્ન થયો તે તો પ્રે.રા.કૉ.ના જ આચાર્ય કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદીનો, વ્યવસ્થિત રીતે એમણે ત્રણ કક્ષાનાં વ્યાકરણ આપ્યાં : ૧૯૧૬માં ‘ગુજરાતી ભાષાનું લઘુ વ્યાકરણ’, ૧૯૧૭માં ‘ગુજરાતી ભાષાનું મધ્ય વ્યાકરણ’ (માધ્યમિક કક્ષા માટે) અને ૧૯૧૯માં ‘બૃહદ વ્યાકરણ’. આ છેલ્લો પ્રયત્ન ‘ઐતિહાસિક પદ્ધતિ’ની કોટિનો કહી શકાય, બાકીના બધા પ્રયત્ન ‘વર્ણનાત્મક કોટિ’ના હતા. તુલનાત્મક પ્રયત્ન ફા. ડ્રમન્ડે એની ‘ગ્લૉસરી’માં કર્યો, પણ એ પહેલો અને એકાદ-બે અપવાદે છેલ્લો જ કહી શકાય. ‘ભારતીય આર્ય’નો ભારતવર્ષની વિભિન્ન પ્રધાન ભાષાઓનો તુલનાત્મક અભ્યાસ આપવાનો પ્રયત્ન કરવા જેવો છે. ગુજરાતની યુનિવર્સિટીઓ અને ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સંસ્થાઓ ધારે તો આવો પ્રયત્ન કરી શકે, પણ એ લાંબા ભવિષ્યની વાત છે. આપણે ત્યાં ભાષાશાસ્ત્ર અને ભાષાવિજ્ઞાનનો અભ્યાસ યુનિવર્સિટીકક્ષાએ શરૂ થઈ ચૂકેલો છે અને દૃષ્ટિ પણ વિકસી છે. અત્યારે જાણવામાં આવેલી ભાષાવિજ્ઞાનની ત્રણ પદ્ધતિઓનો વિકાસ થયો છે તેમાંની ‘વર્ણનાત્મક પદ્ધતિ’, વર્તમાન ભાષાસ્વરૂપને જ લક્ષ્યમાં રાખીને વ્યાકરણ આપે છે. આપણે જોઈએ તો સંસ્કૃત ભાષાના મહાન વૈયાકરણ પાણિનિએ પણ વર્ણનાત્મક પદ્ધતિનો જ આશ્રય લીધો હતો. વૈદિકી ભારતીનાં એમણે ‘છાંદસ’ પ્રકાર કહી રૂપ નોંધ્યાં, પણ એમાં ‘ઐતિહાસિક પદ્ધતિ’ ન કહી શકાય. પાલી અને પ્રાકૃતોનાં વ્યાકરણોમાં આપણને ‘ઐતિહાસિક પદ્ધતિ’નો થોડો લાભ મળે કારણ કે એ વ્યાકરણકારોએ સંસ્કૃત શબ્દોના વિકારરૂપ તે તે ભૂમિકાનો સીધો ખ્યાલ આપ્યો, એમાં એકથી વધુ ભૂમિકા સૂચિત થઈ નથી. મારા તરફથી ‘ગુજરાતી વ્યાકરણશાસ્ત્ર’ અપાયું તે પણ વર્ણનાત્મક કોટિનું કહેવાયું, પરંતુ ‘ગુજરાતી ભાષાશાસ્ત્ર’ મથાળે ‘ગુજરાતી ભાષાનું પારંપરિક વ્યાકરણ’ આપ્યું તેમાં ક્રમિક ભૂમિકાઓ તરફ નિર્દેશ કરવામાં આવ્યો છે, પણ એ માત્ર પરિચયાત્મક કોટિનો છે. વિદેશી વિદ્વાનને હાથે થયેલો અર્વાચીન પ્રયત્ન એ અમેરિકન ભાષાવિદ જ્યૉર્જ કાર્ડોનાનો : Reference Grammer of Gujarati Language (૧૯૬૫ A.D.)એ શુદ્ધ ‘વર્ણનાત્મક પદ્ધતિ’ છે અને અદ્યતન પ્રકારનું વિશ્લેષણ આપે છે. પરંતુ અહીં સુધીના પ્રયત્ન થયા છે તે બધા લિખિત ભાષાને જ ‘ભાષા’ તરીકે ગણીને થયા છે. ઉચ્ચારણને એક પણ વિદ્વાને લક્ષ્યમાં લીધેલું નથી, ક્વચિત્ લીધેલું છે તો અછડતું, લખેલી-છાપેલી ભાષાને કારણે કેવી ગરબડ થાય છે એનો એક જ નમૂનો આપું. ‘હું ગામ જાઉં છું’ આ વાક્યમાં કમળાશંકરભાઈએ કહ્યું કે ક્રિયાપદ ગતિવાચક છે તેથી સંસ્કૃતની જેમ ‘ગામ’ બીજી વિભક્તિનું એકવચન છે. આપણે આ વાક્યને ઉચ્ચારીએ તો તરત જ લાગશે કે ‘હું ગ્રામ્ય જઉં છું’ એમ અંત્ય ‘મ’માં ‘યશ્રુતિ’ કિંવા લઘુપ્રયત્ન ‘ય’ છે, જે અપભ્રંશ અને મધ્યકાલીન ગુજરાતીના સપ્તમીના इનો વિકાસ છે. આપણે એક વખતે ‘હું વડોદરે જાઉં છું’ કહેતા. અત્યારે ‘વડોદરા જાઉં છું’ કહેતા થયા છીએ. ‘હું મુંબઈ જાઉં છું’ આ વાક્ય જોવાથી સ્પષ્ટ થશે કે આવા સંયોગોમાં એ લુપ્તસપ્તમ્યંત પદ છે. હું દૃઢતાથી માનું છું કે કોઈ પણ જીવંત ભાષાનું વ્યાકરણ આપતી વેળા જીવતી ભાષાની ઉપેક્ષા ન થવી જોઈએ. એ જ કારણે સ્વરોના અને વ્યંજનોના આપણે લેખન-મુદ્રણમાં સંકેત પ્રયોજતા ન હોઈએ તોપણ વ્યાકરણમાં એનું સ્થાન હોવું જોઈએ. આપણે સ્વરભાર વિશે પણ ઉદાસીન છીએ. આ સ્વરભાર – બલાત્મક સ્વરભારનો સ્વરોચ્ચારણમાં પ્રબળ ફાળો છે. અહીં તો એટલું જ નોંધવા માગું છું કે આ દિશામાં ગુજરાતી માન્ય ભાષાનું ‘લઘુવ્યાકરણ’ ખાસ કરીને ગુજરાત યુનિવર્સિટીના બી.એ.ના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમને અનુસરી, મારા તરફથી પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમાં જ્યાં જ્યાં જોડણીમાં ઉચ્ચારણ સચવાતું નથી ત્યાં ત્યાં એને શબ્દપદની બાજુમાં કૌંસમાં આપવામાં આવેલ છે અને સ્વરભાર પણ નોંધ્યો છે. ‘બૃહદ્ ગુજરાતી કોશ’ મારા દ્વારા તૈયાર કરાવવામાં આવ્યો તેમાં પણ શબ્દની બાજુમાં કૌંસમાં ઉચ્ચારણ નોંધવાનો મારો પ્રયત્ન છે. પ્રાથમિક શાળાઓમાં ‘ઘોડો દોડ્યો’માં ‘ડ’ મૂર્ધન્યતર છે ત્યાં ‘ઘોડો દોડ્યો’ ઉચ્ચારણ સાંભળવા મળે છે. અહીં ‘યશ્રુતિ’ની પણ બૂરી દશા થઈ છે. ‘આવ્યો’નું ‘આવ્યો’ કહેનારા આપણે ત્યાં મળી આવે છે, કારણ કે એમની સામે છાપેલું ‘આવ્યો’ જાણે કે સંસ્કૃત પ્રકારનાં સંયુક્ત વ્યંજન છે એમ. કમળાશંકરભાઈએ ‘બૃહદ્ વ્યાકરણ’માં જૂની ગુજરાતી ભાષાનાં ઉદ્ધરણ નોંધવાનો પ્રયત્ન અવશ્ય કર્યો છે, પણ એનાથી વ્યાકરણના પ્રયોગોની જોઈએ તેવી સ્પષ્ટતા થતી નથી. આ ઊણપ ટાળવાને માટે આપણે ‘ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ’ પ્રયોગોથી પુષ્ટ થયેલું તૈયાર કરવું પડશે. આ માટે ગુજરાતી ભાષાનો છેલ્લાં આઠસો-હજાર વર્ષનો વિકાસ કેવી રીતે થયો છે એનું જ્ઞાન ધરાવનાર વિદ્વાનોની જરૂર રહેશે. વળી ‘જૂની ગુજરાતી’ સંજ્ઞા નરસિંહરાવભાઈએ આપી હતી તે યુગ-નરસિંહયુગ-થી લઈ શબ્દપ્રયોગો તેમ કારકના પ્રયોગોનું સ્વરૂપ આપણી સામે હોવું જરૂરી બનશે. અર્વાચીન યુગની પહેલી ભૂમિકાના ગ્રંથ તેમ જ અંગ્રેજી સાહિત્યના સંપર્કે ભાષામાં વાક્યરચનાઓ કેવી રીતે અસર પામી એ વગેરેના અને નર્મદ – દુર્ગારામ મહેતાજી તથા દલપતરામના જમાનાથી આજ દિવસ સુધીના પ્રસિદ્ધ થયેલા સાહિત્યમાંથી પણ સૂચક પ્રયોગો આપતાં ઉચ્ચારણોની પણ એટલી જ આવશ્યકતા રહેશે. વાક્યરચનામાં કારક ભારે મહત્ત્વનો ભાગ ભજવે છે તેમ વિશેષણ – વિશેષ્યના સંબંધ પણ મહત્ત્વ ધરાવે છે. આપણી માંડણી ભલે ‘વર્ણનાત્મક’ બને, પરંતુ સ્થિર થયેલાં રૂપોની પૂર્વપરંપરા પણ વ્યાકરણકારની નજર બહાર ન જવી જોઈએ. હકીકતે સ્વરો-વ્યંજનોનાં સ્વાભાવિક ઉચ્ચારણ, સ્વરભાર, નામ-સર્વનામ-ક્રિયાપદોનાં પ્રાપ્ત થયેલાં વિભક્તિ અને કાળનાં રૂપ આપણે parts of speech – શબ્દોના પ્રકાર ભલે આઠ સ્વીકાર્યા, એ જરૂરી છે, એને પણ આપણે બહુ સ્પષ્ટ રીતે સોદાહરણ આપવાં પડશે. ટૂંકમાં કહું તો ૧. ગુજરાતી જીવંત ભાષાનો ધ્વનિવિચાર, ૨. ગુજરાતી જીવંત ભાષાની રૂપરચના, ૩. વાક્યવિન્યાસ, ૪. સમાસવિચાર. આટલા મુદ્દા સોદાહરણ સ્પષ્ટ થાય ત્યારે પ્રામાણિક વ્યાકરણ બની શકે. રખે ભુલાય કે એ જીવંત ભાષાનું, નહિ કે લખાયેલી-છપાયેલી ભાષાનું. આમાં ‘સેમેન્ટિક્સ’-અર્થવિચાર અને વિરામચિહ્નોનો પણ સમાવેશ કરી શકાય. ‘વિરામચિહ્નો’ વિશે આપણે ત્યાં ખૂબ જ અરાજકતા છે. મારા વ્યાકરણગ્રંથોમાં તેમ સ્વતંત્ર લેખોમાં આ વિશે ખૂબ વિચાર કર્યો છે, આમ છતાંયે એમાં મને હજી પણ અપૂર્ણતયા જણાય છે. ‘વાક્યપૃથક્કરણ’ પણ ઉપયોગી જ છે. વાક્યોનો વિચાર કરતાં અહીં મને કર્તરિ-કર્મણિ-ભાવે રચનાઓ વિશે કાંઈક કહેવાનું મન થાય છે; આ જ્યારે આપણે વર્ણનાત્મક પદ્ધતિથી વ્યાકરણ આપતાં હોઈએ છીએ ત્યારે સવિશેષ. એમાં પણ આપણને ભૂતકાલ કરવા માટે ભૂતકૃદંતો જ મળ્યાં છે તેથી વધુ સાવધાન રહેવું પડે છે. ભાવે રચનાની કોઈ ગરબડ આપણે ત્યાં નથી, પણ ભૂતકાલે કર્તરિ-કર્મણિરચનાની મૂંઝવણ છે. ઉ. ત. ‘હું લાડુ જમ્યો’, ‘હું લાપસી જમ્યો’, ‘હું ઢોકળું જમ્યો’ અને ‘મેં લાડુ ખાધો’, ‘મેં લાપસી ખાધી’, ‘મેં ઢોકળું ખાધું’. અહીં બંને પ્રકારનાં વાક્યોમાં કર્મ છે. એકમાં કૃદંતરૂપ ક્રિયાપદ ‘કર્તા’ પ્રમાણે પોતાનું રૂપ બદલે છે, જ્યારે બીજામાં ‘કર્મ’ પ્રમાણે રૂપ બદલે છે. અંગ્રેજીમાં આ છયે ઉદાહરણનો કર્તાઆવવાનો, પણ ગુજરાતીમાં એકમાં ‘હું’ છે, તો બીજામાં ‘મેં’ છે. આમ એકમાં ‘કર્તા’ પર આધાર છે. બીજામાં ‘કર્મ’ પર આધાર છે. આપણે પરિભાષા ‘કર્તરિ-કર્મણિ‘ સંસ્કૃતની સ્વીકારી છે તેથી જ્યારે ક્રિયારૂપ આધાર ‘કર્તા’ ઉપર હોય ત્યારે ‘કર્તરી’=કર્તામાં પ્રયોગ અને જ્યારે ક્રિયારૂપનો આધાર ‘કર્મ’ ઉપર હોય ત્યારે ‘કર્તરિ’=કર્મમાં પ્રયોગ. આ એટલું બધું સ્પષ્ટ છે કે ‘મેં લાડુ ખાધો’, ‘મેં લાપસી ખાધી’, ‘મેં ઢોકળું ખાધું’ એને કર્તરિ પ્રયોગ કહેવાનું કોઈ કારણ જ રહેતું નથી. થોડા સમયથી આ વિષયમાં વિસંવાદ ઊભો કરવામાં આવ્યો છે એની સ્પષ્ટતા-રૂપે આ આટલું કહેવું ઉચિત સમજું છું. કેટલીક વાર પરિભાષાના વિષયમાં ભ્રમ ઊભો કરવામાં આવે છે. આપણે ત્યાં સં. પરંપરાથી ‘પ્રત્યય’ હંમેશાં ‘પ્રતિ+અય’ શબ્દને છેડે આવે છે. જ્યારે ‘ઉપસર્ગો’ અને ‘પૂર્વગો’ શબ્દોની પૂર્વે આવે છે. આવી સ્પષ્ટ પરિભાષા આપણી પાસે હોવા છતાં ‘પૂર્વપ્રત્યય’ અને ‘પરપ્રત્યય’ એવી પરિભાષા ઊભી કરવાનો કોઈ અર્થ નથી. ‘અનુનાસિક ઉચ્ચારણ’ અને ‘અનુસ્વાર’ના વિષયમાં તો ભારે ગેરસમજ પ્રવર્તે છે. ‘અનુનાસિક’ એ વિશેષણ છે તેથી જ્યારે સ્વર ‘અનુનાસિક’ ન હોય ત્યારે એ ‘અનુનાસિક’ છે, આ પરિભાષા પાણિનિ જેટલી જૂની છે. આનો ખ્યાલ ન રહેતાં મારા તરફથી ‘સાનુનાસિક’ અને ‘નિરનુનાસિક’ સંજ્ઞાઓ પૂર્વે પ્રયોજાયેલી; આજે મને સ્પષ્ટ છે કે એ ભૂલ છે. બેશક, આપણે સ્વરની પછી ‘અનુસ્વાર’ હોય તો ‘અનુસ્વાર’ નામ હોઈ સમાન બનતાં ‘સાનુસ્વાર’ અને ન હોય ત્યારે ‘નિરનુસ્વાર’ કહીએ, એ સ્વાભાવિક છે. અહીં ધ્યાન દોરવું છે એ તો એ છે કે ‘અનુનાસિક’ એ સ્વધર્મ છે. અનુનાસિક અને અનુનાસિક સ્વરના ઉચ્ચારણમાં સમયમાન સરખું જ છે, જ્યારે ‘અનુસ્વાર’ એ સ્વતંત્ર ઉચ્ચારણ છે અને સ્વર પછી વધી પડે છે. ભાષામાં અનુસ્વાર માત્ર શ-ષ-સ-હ પૂર્વે જ ઉચ્ચરિત થાય છે, જ્યારે વ્યંજનોની પૂર્વે તો યથાસ્થાન ઙ-ઞ-ણ-ન-મ રૂપે લખાય છે, જેમાં હકીકતમાં વર્ગીય વ્યંજન ત્રીજાની પૂર્વેનો સ્વર અનુનાસિક ઉચ્ચરિત થતો હોય છે તેથી માત્રામાન વધે છે ‘વાઙ્મય’ શબ્દ જુઓ, ‘વાંગ્મય’ લખો તોય ઉચ્ચારણ સરખું છે. જોડણીમાં આપણે અનુનાસિક સ્વરોચ્ચારણ અને અનુસ્વારને માત્ર ‘બિંદુ’થી વ્યક્ત કરીએ છીએ, આથી બધાં ‘અનુનાસિક સ્વરોચ્ચારણ’ને પણ ‘અનુસ્વાર’ જ કહે છે. કહેવું હોય તો એમ કહેવાય કે ‘અનુનાસિક ઉચ્ચારણ’ અને ‘અનુસ્વાર’ને લિપિમાં વ્યક્ત કરવા આપણે માત્ર બિંદુનો જ ઉપયોગ કરીએ છીએ. વર્ગીય અનુનાસિકો ન બનાવતાં પણ એના પ્રતિનિધિ તરીકે ‘બિંદુ’ લખીએ-છાપીએ છીએ. શાસ્ત્રીય ગ્રંથોમાં અહીં પોલું મીડું, ભેદ બતાવી શકે, પણ આપણે એ હજી પ્રચલિત કર્યું નથી, માત્ર પ્રો. બળવંતરાય ક. ઠાકોર એ યોજતા. યશ્રુતિ-હશ્રુતિનો પ્રશ્ન પણ ધ્યાનમાં લેવા જેવો છે. મારે આ પછી ગુજરાતી જોડણી ઉપર કહેવાનું છે ત્યાં આ વિશે સ્પષ્ટતા કરીશ, અસ્વરિત ‘અ’નો વિષય પણ વિચારણીય છે. હિંદીમાં મૂર્ધન્યતર ‘ડ઼-ઢ઼’ નીચે નુકતો કરી બતાવાય છે. ગુજરાતીમાં આપણે ત્યાં સુધી ગયાં નથી. ૭. ગુજરાતી જોડણી ૧૯૨૯માં ગૂજરાત વિદ્યાપીઠ મહાત્મા ગાંધીજીના નિર્દેશ હેઠળ ગુજરાતી ભાષાના શબ્દોની જોડણીમાં એકવાક્યતા લાવવા માટે ૩૩ જેટલા નિયમ બાંધી ‘જોડણીકોશ’ બહાર પાડ્યો ત્યાં સુધીના પોણા સૈકાના ગાળામાં મહત્ત્વના આઠ પ્રયત્ન થયેલા. કૈ. વા. ડૉ. આનંદશંકર બા. ધ્રુવના તંત્રીપદે પ્રસિદ્ધ થતા ‘વસંત’ માસિક (વર્ષ ૩૧, અંક ૭-૮, શ્રાવણ-ભાદ્રપદ, સં. ૧૯૮૮-સને ૧૯૨૨)માં ‘ગુજરાતી સાહિત્ય પરિષદ મંડળની જોડણી’ એ શીર્ષકના આરંભમાં પ્રયત્નોનો ઉલ્લેખ કરતાં મારા તરફથી જણાવવામાં આવેલું કે ‘જોડણીકોશ’ પહેલાં આઠ પ્રયત્ન થઈ ચૂકેલા અને ‘જોડણીકોશ’નો પ્રયત્ન ૯મો ગણાય. ૮મો પ્રયત્ન ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ (હાલની ગુજરાત વિદ્યાસભા – અમદાવાદ)નો હતો અને ગુજરાતી સાહિત્ય પરિષદ મંડળનો ૭મો હતો. સન ૧૮૫૮માં ગુજરાતી નિશાળોમાં ચલાવવાને માટે વાચનમાળા તૈયાર કરવાનો આરંભ થયો. ગુજરાતી શબ્દોની જોડણી એકધારી રહે એ માટે ભોગીલાલ પ્રાણવલ્લભદાસ, મોહનલાલ રણછોડદાસ, મહીપતરામ રૂપરામ, કવિ દલપતરામ ડાહ્યાભાઈ, મયારામ શંભુનાથ અને પ્રાણલાલ મથુરદાસની સમિતિએ ૭૦૦૦ શબ્દોની જોડણી નક્કી કરી આપી. હોપ વાચનમાળામાંની જોડણી આમ અસ્તિત્વમાં આવી. ૧૮૬૮ના ડિસેમ્બરના ‘શાળાપત્ર’ના અંકમાં નક્કી કરેલ નિયમ મહેતા દુર્ગારામ મંછારામ, કવિ નર્મદાશંકર લાલશંકર, કવિ દલપતરામ ડાહ્યાભાઈ અને શાસ્ત્રી વ્રજલાલ કાલિદાસ તરફથી બહાર આવ્યા. આમાંના એકમાત્ર કવિ નર્મદાશંકરે જોડણીને પ્રાણપ્રશ્ન કર્યો અને ‘નર્મકોશ’ની તૈયારીમાં ચોક્કસ નિયમો બાંધ્યા, જ્યાં ‘નર્મકોશ’ના ૧૮૭૩માં પ્રસિદ્ધ થયેલા છેલ્લા ખંડની પ્રસ્તાવનામાં આપ્યા. જોડણીના પ્રશ્નને વિષય તરીકે ચર્ચવાનું માન તો આમ કવિ નર્મદાશંકરને જ મળે છે એ નોંધપાત્ર છે. આ પછી નવલરામ પંડ્યાએ નિયમ ઘડ્યા ને એક ધોરણ વહેતું કર્યું કે ‘ઈ એટલા દીર્ઘ અને ઉ એટલા હ્રસ્વ’. બીજા પ્રયત્નોમાં વડોદરા કલા મંડળનો અને કેશવ હર્ષદ ધ્રુવનો પ્રયત્ન પણ મહત્ત્વપૂર્ણ છે. કેશવ હર્ષદ ધ્રુવ પાસે તો મધ્યકાલીન ગુજરાતી ભાષાસાહિત્યનું મજબૂત ભાતું હતું અને તેથી એમની દૃષ્ટિ ઐતિહાસિક હતી. શરૂમાં મારું વલણ પણ એમની જોડણીના આદર તરફનું હતું. પણ અર્વાચીન ગુજરાતી ભાષાનાં વર્તમાન ઉચ્ચારણોનો ઊંડો અભ્યાસ કરવાનો અમદાવાદમાં આવ્યા પછી યોગ મળ્યો એને કારણે મારું વલણ વર્તમાન ઉચ્ચારણો તરફ થયું. ગુજરાતી સાહિત્ય પરિષદ મંડળને જોડણીનો પ્રશ્ન મૂંઝવતો હતો એટલે એના મોવડીઓએ ૧૮ નિયમોમાં સમગ્ર નિયમોને સમાવી લીધા. આ એક સાધિકાર આદરણીય પ્રયત્ન હતો, પણ એ સર્વસામાન્ય બની શક્યો નહિ. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો ૧૯૨૯નો પ્રયત્ન તો ખરડાના રૂપમાં રહ્યો. એ આપણે નિઃસંકોચ સ્વીકારવું જોઈએ કે ગૂજરાત વિદ્યાપીઠના નિયમોથી જોડણીમાં એકવાક્યતા લાવવામાં સફળતા મળી. ૧૯૩૬માં અમદાવાદમાં મહાત્મા ગાંધીજીના પ્રમુખપદે પરિષદનું ૧૨મું સંમેલન થયું ત્યારે વિષયવિચારિણીમાં ગૂ. વિદ્યાપીઠની જોડણીને માન્ય કરવાનો ઠરાવ કનૈયાલાલ મુનશીએ મૂક્યો. સમિતિના હાજર રહેલા ૧૧ સભ્યોમાં આ વિશે ચર્ચા ચાલી હતી. એ વખતે અડધો કલાક મારા તરફથી વ્યવસ્થિત રીતે સપ્રમાણ વિરોધ રજૂ કરવામાં આવ્યો હતો. ચર્ચાને અંતે મત લેવાતાં વિરોધમાં છ સભ્યોના હાથ ઊંચા થયા. પરંતુ મુનશીજીએ બે સભ્યોની સામે કરડી આંખ કરતાં બે હાથ નીચે પડી ગયા અને ૬ x ૫ ને બદલે ૭ x ૪થી ઠરાવ પસાર થયો. આ સમયે મહાત્માજીના ઉદાર હૃદયનાં મને દર્શન થયાં. ‘હવે પછીથી સ્વેચ્છાએ જોડણી કરવાનો કોઈને અધિકાર નથી’ એવું ‘જોડણીકોશ’ના મુખપૃષ્ઠ પર છપાયેલું તેને મઠારતાં તેઓશ્રીએ કહ્યું : “શાસ્ત્રીજી! આનાથી જોડણી-સુધારનાં દ્વાર બંધ થતાં નથી.” ૩૧ વર્ષના ઊગતા જુવાનને ‘શાસ્ત્રીજી’ એવું સંબોધન મળ્યું એ પણ આ જુવાનનું પરમ ભાગ્ય. કાકાસાહેબ સાથે એકથી વધુ વાર ચર્ચાઓ થયેલી. એમનું હૃદય સુધારા કરવામાં સહમત હતું. એઓ યોગ્ય વિકલ્પો દ્વારા સત્ય તરફ જવાના મતના હતા. પણ પછી કૉંગ્રેસ સત્તા ઉપર આવતાં ૧૯૩૮થી સરકારી શિક્ષણતંત્રે માન્યતા આપતાં પાઠ્યપુસ્તકોમાં ગૂજરાત વિદ્યાપીઠની જોડણી સ્વીકારાઈ. વર્તમાનપત્રો તેમ જ સંસ્થાગત તેમ વ્યક્તિગત પ્રસિદ્ધ થતા ગ્રંથોમાં એકવાક્યતાનાં દર્શન થતાં ચાલ્યાં. એક જ સ્વાભાવિક અપવાદ સિવાય મારા લેખો અને ગ્રંથોમાં તેમ જ ગુજરાત વિદ્યાસભાના અને બીજી સંસ્થાઓનાં પ્રકાશનોમાં પ્રૂફરીડિંગ મારી પાસે હતું ત્યાં તો સર્વાંશે ‘જોડણીકોશ’ની જોડણીને મારા તરફથી માન આપવામાં આવ્યું છે. ભાષાના ક્ષેત્રમાં હું ન પડ્યો હોત તો મારે પણ આ વિષયને સ્પર્શવાનું ન બન્યું હોત, પરંતુ ભાષાશાસ્ત્ર એ મારો અભીષ્ય વિષય છે એટલે જીવંત ભાષાના વિષયમાં સતત જાગ્રત રહેવા ટેવાયેલો છું. આપણે એ ભૂલી જઈએ છીએ કે ભાષા એ ‘ભાષા’ છે, બોલાતું સ્વરૂપ છે; એને આપણે દૂર દૂર પહોંચાડવા માટે લિખિત સ્વરૂપમાં અને મુદ્રણ શરૂ થયા પછી સાથોસાથ મુદ્રિત સ્વરૂપમાં રજૂ કરીએ છીએ. આજે આપણે એવું માનતા થઈ ગયા છીએ કે આ આંખ સામે છપાઈને આવી રહેતું જ ભાષાસ્વરૂપ છે. બોલાતા સ્વરૂપનો આપણને ખ્યાલ જ નથી. સ્વરોના હ્રસ્વદીર્ઘોચ્ચારણ, સંવૃત-વિવૃત સ્વરોચ્ચારણ, સ્વભારવિહીન કે સ્વ-ભારવાળાં ઉચ્ચારણ, લઘુપ્રયત્ન સ્વરોચ્ચારણ કે સંધિસ્વરાત્મક ઉચ્ચારણ, અનુનાસિક ઉચ્ચારણ કે અનુસ્વાર, મૂર્ધન્યતર ‘ડ઼-ઢ઼’, જિહ્વામૂલીય ‘ળ’, યશ્રુતિ કે લઘુપ્રયત્ન ‘ય’, એવી જ વશ્રુતિ કે લઘુપ્રયત્ન ‘વ’, કહેવાતી હશ્રુતિ કે મહાપ્રાણિત સ્વરોચ્ચારણ. આ બધાં જીવંત ભાષાનાં ઉચ્ચારણ છે. લિપિમાં આ બધાં જ વ્યક્ત કરવાને આપણી પાસે પૂરતા સંકેત નથી. ભાષાશાસ્ત્ર અને ભાષાવિજ્ઞાનના શાસ્ત્રીય ગ્રંથોમાં રોમન લિપિમાં ખૂટતા વર્ણોને Transliteration પદ્ધતિથી નજીકના ઉચ્ચારણવાળા વર્ણોમાં ‘નુકતા’, ‘stroke’, ‘સીધી કે હલતી નાની લીટી’ વગેરેની મદદથી પ્રત્યેક ઉચ્ચારણને અલગ સંકેતથી બતાવવામાં આવે છે. આપણી લિપિઓમાં આના કરતાં પણ વિશેષ ક્ષમતા છે, પણ આપણે એ વિશે વિચારતાં નથી, આ સંદર્ભમાં પણ જોડણીનો વિચાર કરવાનો છે. લેખન અને ઉચ્ચારણમાં એકરૂપતા જ્યાં ક્યાંય પણ ન હોય તેનો વિચાર કરી બિનજરૂરી અપવાદોને આપણે દૂર કરવા જોઈએ. નિયમોના વિષયમાં કયો નિયમ ‘નિયમ’ છે અને કયો નિયમ ‘અપવાદ’ છે એનો પણ ખ્યાલ નિયમો બાંધનારા વિદ્વાનોને હોવો જોઈએ. ઉ. ત. ‘જોડણીકોશે’ આપણને ૩૩ નિયમ આપ્યા છે, પણ એને શાસ્ત્રીય છતાં સરળ રીતે મૂકવામાં આવે તો નિયમ ૧૩ માત્ર થાય છે. કોઈ કોઈ નિયમને એના ખંડોથી જુદા પાડીએ તો એની સંખ્યા બહુ તો ૧૭ થાય, અપવાદોને જુદા નિયમ ન કહેવાય. અહીં એના ઊંડાણમાં જવાની જરૂર નથી, પરંતુ ‘જોડણીકોશ’ના નિયમોમાં જ્યાં ઉચ્ચારણ અને લેખન વચ્ચે અંતર છે તેમ નિયમોમાં ખુદમાં વિસંવાદ છે તે વિષે જ મારે ધ્યાન દોરવું છે. આપણે ત્યાં ‘યશ્રુતિ’, ‘હશ્રુતિ કિંવા મહાપ્રાણિત સ્વરોચ્ચારણ’ અને ‘હ્રસ્વ-દીર્ઘ-લઘુપ્રયત્ન ઇ-ઉ’ એ જોડણીનાં મહત્ત્વનાં ભયસ્થાન છે. આમાં ‘યશ્રુતિના વિષયમાં તો એકંદરે સારી વ્યવસ્થા સ્થિર થઈ ગઈ છે. મૂળમાં હ્રસ્વ ‘ઇ’ દીર્ઘ ‘ઈ’ ધરાવતા શાંત કે દ્રુત કે લઘુપ્રયત્ન अ જે સ્ત્રીલિંગ શબ્દોને અંતે ગુજરાતીમાં લખાય છે તે અને આજ્ઞાર્થ બીજા પુરુષ એકવચનમાં એવા જ આકારવાળાં રૂપોમાં ઉચ્ચારણમાં ‘યશ્રુતિ’ હોવા છતાં લેખન અને મુદ્રણની દૃષ્ટિએ સરળતા સાચવવા ’યશ્રુતિ’ જતી કરી છે, પણ એનો એ અર્થ નથી કે ‘યશ્રુતિ’ ઉચ્ચરિત કરવી જ નહિ. આનો આપણે કોઈ વિવાદ કરવો નથી; માત્ર એક જ સ્થાન આપણી નજર બહાર ગયું છે અને ‘જોડણીકોશ’ના ૨૭ क નિયમના પૂર્વાર્ધમાં ‘કરીએ, છીએ, ખાઈએ, ધોઈએ, સૂઈએ, જોઈએ, હોઈએ, મારીએ એવાં ક્રિયાપદનાં રૂપો બતાવ્યા પ્રમાણે લખવાં.’ ૨૬મા નિયમમાં દીર્ઘ ઈકારાંત શબ્દોને ‘વિભક્તિ કે વચનના પ્રયત્નો લગાડતાં કે સમાસ બનાવતાં શબ્દની મૂલ જોડણી કાયમ રાખવી’ એ વિધાનના અનુસંધાનમાં ૨૭ क નિયમ છે. આપણે સારી રીતે જાણીએ છીએ કે હિંદી ભાષાની વર્તની = જોડણીમાં આ રૂપોમાં પૂર્વ સ્વર હ્રસ્વ રાખીને યશ્રુતિ સ્વીકારવામાં આવી છે. આપણે સ્વાભાવિકતાને ભોગે અપવાદ ઊભા કર્યા છે. સાચું કારણ તો અહીં બલાત્મક સ્વરભારના અજ્ઞાનનું છે. ‘કરીએ’, ‘નદીઓ’ વગેરે ઉચ્ચારવા જતાં પ્રાથમિક સ્વરભાર પહેલી શ્રુતિ ઉપર અને દ્વૈતીયિક સ્વરભાર છેલ્લી શ્રુતિ પર આવતો હોઈ વચ્ચેની શ્રુતિ પૂરી એક માત્રાની પણ નથી; આને આપણે લેખનમાં દીર્ઘ લખીએ છીએ. વહેલામાં વહેલી તકે અપવાદ રદ કરવો જોઈએ. શબ્દોને પ્રત્યયો લાગ્યા પછી બની જતાં પદોમાં પ્રત્યયોને સ્વતંત્ર સ્થાન રહેતું જ નથી. કાકાસાહેબ કાલેલકરે ‘જોડણીકોશ’ની પ્રસ્તાવના (૫મી આવૃત્તિ, પૃ. ૨૪)માં સૂચક રીતે કહ્યું છે કે, “જેમણે ભાષાની કીમતી સેવા કરી છે અને શાસ્ત્ર, રૂઢિ અથવા લોકમાન્યતાની દૃષ્ટિએ જેમનો પક્ષ સમર્થ છે, તેમને વિકલ્પો દ્વારા બની શકે તેટલી માન્યતા આપવી એ જ ભાષાવ્યવસ્થાનો એકમાત્ર ઉપાય છે.” અહીં ‘વશ્રુતિ’ વિશે પણ પ્રસંગપ્રાપ્ત સૂચન કરી લેવા જેવું છે. ‘સૂએ’-‘સૂઓ’, ‘મૂઓ’માં ‘ધુએ’ – ‘ધુઓ’, ‘જુએ’-‘જુઓ’ જેવા ઉચ્ચારણમાં ‘વશ્રુતિ’ છે. ‘વશ્રુતિ’ આપણે લેખનમાં સ્વીકારી નથી અને પાછલાં રૂપોમાં સ્વર હ્રસ્વ સ્વીકાર્યો છે, તો ‘સૂએ’-‘સૂઓ’, ‘મૂઓ’માં પણ ઉ હ્રસ્વ જ કરી લેવો જોઈએ. ‘જાઓ’-‘ખાઓ’ વગેરે ‘જાવ’-‘ખાવ’ની નજીક છે. જોડણીના આરંભથી માંડી અત્યાર સુધીમાં ‘હશ્રુતિ’ કિંવા ‘મહાપ્રાણિક સ્વરોચ્ચારણ’ વ્યક્ત કરવાની અનેક રીતો બતાવાઈ છે. કવિ નર્મદાશંકરે પ્રથમ અર્ધા વ્યંજન કે સ્વર જ માત્ર હોય તો ‘અ’ અર્ધો લખી સ્વર સાથે ‘હ’ લખવાનો ઉપાય બતાવી, પછીથી ‘હ’ને સ્થાને તે તે વ્યંજન કે સ્વર નીચે નુકતો કરવા સૂચવેલું. નવલરામ પંડ્યાએ સ્વર પછી વર્ણલોપદર્શક ચિહ્ન (apostrophe) લખવા નિર્દેશેલું, પછીથી ‘હ’ને રાખવાનું વલણ લીધું. ગોવર્ધનરામ ત્રિપાઠીએ નર્મદાશંકરની પહેલી પદ્ધતિનો સમાદાર કર્યો, તો નરસિંહરાવે સ્વરને અડધો ન કરતાં ‘હ’ જ લખવાનું પ્રચલિત કર્યું. ‘હમે’, ‘હમારું’ વગેરે. વ્યંજન હોય તો વ્યંજન અડધો : ‘ત્હમે’, ‘ત્હમારું’, ‘ત્હેને’, ‘જ્હેને’, ‘ક્હેને’ વગેરે. મને એમ લાગ્યું છે કે મહાપ્રાણ સ્વરોચ્ચારણ હોઈ સરળતા થવા સ્વર પછી વિસર્ગનું ચિહ્ન યોજવું જોઈએ. જેને કારણે ‘જોડણીકોશ’માં ‘હ’ રાખવાનું કહ્યું છે અને ‘હ’ ન લખવાનું કહ્યું છે એ પ્રસંગો જ નિર્મૂલ બની જાય. અત્યારે આ મોટો ફેરફાર લાગે છે. પણ શુદ્ધ ઉચ્ચારણને એ રીતે સંપૂર્ણ સાચવી આપે છે. પ્રશ્ન ‘ઢ’ વિશે શેષ રહે છે. સૌરાષ્ટ્રના ઉચ્ચારણમાં સરળતા છે, કારણ કે ત્યાં તો ‘ઢ’ શુદ્ધ મૂર્ધન્ય જ ઉચ્ચરિત થાય છે. હા, ‘ચડવું’ – ‘ચઢ઼વું’ – એવી વૈકલ્પિક જોડણીમાં ‘ચડવું’ એ સૌરાષ્ટ્રીય ઉચ્ચારણ છે. જ્યારે ‘ચઢ઼વું’ મૂર્ધન્યતર ઉચ્ચારણ સૌરાષ્ટ્ર-કચ્છ સિવાયના ગુજરાતમાં – સવિશેષ મધ્ય ગુજરાતમાં છે. અહીં એક બેહૂદા નિયમ વિશે ધ્યાન દોરું. સંયુક્ત વ્યંજનોમાં એક જ વર્ગના બે ઘોષ કે અઘોષ હોય ત્યારે સં. તત્સમ શબ્દોમાં વિકલ્પ છે, પણ આપણે ફરજિયાત ‘અલ્પપ્રાણ + મહાપ્રાણ’ કરીએ છીએ, જ્યારે ગુજરાતી જોડણીમાં ‘મહાપ્રાણ + મહાપ્રાણ’ કરીએ છીએ. વારુ સંસ્કૃતમાં જો ‘શ્રધ્ધા’ ‘શ્રદ્ધા’ પણ થઈ શકે તો આપણે ત્યાં ‘શ્રદ્ધા’ ‘અલ્પપ્રાણ + મહાપ્રાણ’ને કાંઈ ‘મહાપ્રાણ + મહાપ્રાણ’ કરે તો એને કેમ રોકી શકીએ? એ જ પ્રમાણે તદ્ભવ ‘સધ્ધર’ ‘મહાપ્રાણ + મહાપ્રાણ’ને ‘સદ્ધર’ ‘અલ્પપ્રાણ + મહાપ્રાણ’ કરીએ તો એને કેમ અશુદ્ધ કહીએ? જોડણીમાં ભારે ગૂંચવણ કરનારો તો હ્રસ્વ-દીર્ઘ-લઘુપ્રયત્ન ‘ઇ ઊ’નો પ્રશ્ન છે. અગાઉ સૂચવ્યું છે તેમ નવલરામે તો ‘ઇ’ એટલાં દીર્ઘ અને ‘ઉ’ એટલા હ્રસ્વ આવો સરળ નિયમ આપી દીધેલો. ઉચ્ચારણની દૃષ્ટિએ જોઈએ તો આપણી ભાષામાં, વિશિષ્ટ કારણે સ્વર પર ભાર કે વ્યંજન ન હોય તો. ‘ઇ-ઉ’ હ્રસ્વ જ ઉચ્ચરિત થાય છે, પણ આપણે તદ્ભવ શબ્દોમાં પણ વ્યુત્પત્તિથી પ્રાપ્ત થતાં ‘ઇ-ઊ’ દીર્ઘ રાખવાનું પ્રાથમિક શબ્દોમાં વલણ રાખ્યું છે. પછી સાધિત દશામાં દીર્ઘના હ્રસ્વ થાય. ‘स्थितमय समर्थनं’ ન્યાયે આપણે આનો સમાદર કરીએ, પરંતુ જોડણીના નિયમોમાં બે શ્રુતિવાળા—ત્રણ શ્રુતિવાળા—ચાર શ્રુતિવાળા શબ્દોમાં ઉચ્ચારણ વિરુદ્ધ કૃત્રિમ નિયમો બનાવી જટિલતા સરજી છે. આ પહેલાં ‘કરીએ’ ‘નદીએ’ જેવાં ઉદાહરણોમાં આ બતાવવામાં આવ્યું છે. આ વિષયને અહીં હું વધુ ઊંડાણમાં લઈ જવા માગતો નથી; મારે અહીં અનુનાસિક દીર્ઘ ‘ઈ-ઊ’ અને અનુનાસિક દીર્ઘ ‘ઈ-ઊ’ તરફ જ ધ્યાન દોરવું છે. ઝાઝાં ઉદાહરણ પણ નહિ આપું. ‘મૂકવું’ ‘લૂંટવું’ આ બે ધાતુઓનાં સાધિત રૂપોમાં ‘મુકાવું’માં હ્રસ્વ કરી લેવામાં આવે છે. પણ ‘લૂંટાવું’માં નહિ. એ તદ્દન ભુલાઈ ગયું છે કે અહીં ‘લૂંટવું’માં અનુસ્વાર નથી, પણ સ્વરોચ્ચારણ અનુનાસિક છે, એટલે સ્વરભાર ખસી જતા જેમ ‘મુકાવું’, હ્રસ્વ ઉકારવાળું ઉચ્ચરિત, થાય છે તે પ્રમાણે ‘લૂંટાવું’માં પણ હ્રસ્વ અનુનાસિક ઉ છે. તેથી જ તો ‘મૂંઝવવું’-‘મૂંઝાવું’ ‘ખૂંચાવું’ જેવા બધા જ અનુનાસિક દીર્ઘ ‘ઊં’ વાળા શબ્દોમાં સ્વરભાર પછીની શ્રુતિમાં હોઈને ઉચ્ચારણ હ્રસ્વ અનુનાસિક છે. અહીં સ્વરભારના જ બળે ‘મૂકવું’નું ‘મૂકેલું’ કરતાં ‘મૂ’ અસ્વરિત હોવાથી હ્રસ્વ ઉચ્ચરિત થાય છે. સિદ્ધાંત તરીકે તેથી એ સ્પષ્ટ છે કે અસ્વરિત સ્વર તો કોઈ પણ સ્થિતિમાં દીર્ઘ નથી. એવા જ કારણે ‘કોઈ’ ‘કાંઈ’ ‘જોઈ’ ‘રોઈ’ ‘જનોઈ’ ‘રસોઈ’ સંધિસ્વરાત્મક ઉચ્ચારણ હોઈ ‘ઇ’ હ્રસ્વથી પણ વધુ ટૂંકો ઉચ્ચરિત થાય છે, જેવા ‘ગાઉં’ ‘ખાઉં‘ વગેરે. નામો અને વિશેષણો ઉપરથી સધાતાં ભાવવાચક વગેરે નામોમાં પણ સ્વરભાર ખસી જતાં ઉચ્ચારણ હ્રસ્વ જ થાય છે. ‘મીઠું’ પરથી મીઠાઈમાં દીર્ઘ ઉચ્ચાર ક્યાં છે, તો ‘ગરીબ’ ઉપરથી ‘ગરીબાઈ’માં પણ ક્યાં છે? ‘ઈ-ઉ’ વિશે ઘણું કહેવાનું છે, પણ એનો વિસ્તાર નહિ કરું; મારા ‘બૃહદ્ ગુજરાતી કોશ’ની પ્રસ્તાવનામાં મેં ધ્યાન દોર્યું છે કે ‘કબૂલવું’ ઉપરથી ‘કબુલાવવું’-માં હ્રસ્વ ‘ઉ’ સ્વીકારાય, છતાં ‘ખરીદવું’ ઉપરથી ‘ખરીદાવવું’ ન સ્વીકારાય, ‘જીવવું’નું ‘જિવાડવું’માં હ્રસ્વ ‘ઇ’ કરી લેવાય અને છતાં ‘દીપવું’ ‘પીડવું’ના ‘દીપાવવું’ ‘પીડાય’ વગેરેમાં ‘ઈ’ દીર્ઘ શાને રાખવામાં આવે? મારા એ તદ્વિષયક લેખોમાં આ વિશે વિસ્તારથી વિસંવાદોનો વિચાર કરવામાં આવેલો છે. મારો આશય એ કે ભાષાનાં ઉચ્ચારણ યથારૂપ વ્યક્ત કરી શકવાની સુવિધા હોય તો શા માટે એને જોડણીમાં વ્યક્ત થવા ન દેવાં? અને અપવાદ પણ સ્વાભાવિક હોવા જોઈએ, અસ્વાભાવિક નહિ, ઉચ્ચારણથી વિરુદ્ધના તો નહિ જ. આપણે એ પણ સારી રીતે જાણીએ છીએ કે અંગ્રેજી જોડણીની જટિલતા દૂર કરવાનો પ્રયત્ન ઉત્તર અમેરિકાના સંયુક્ત પ્રાંતોનાં અંગ્રેજી શબ્દોમાં થયો છે. અરે, આપણે આપણાં રીત-રિવાજ, રહેણી-કરણી, ખાન-પાન સુધ્ધાંમાં આનંદથી ફેરફાર કરી રહેલા છીએ, અરે થઈ પણ ચૂક્યા છે ત્યારે જોડણીના વિષયમાં જડતાને તજવા તૈયાર નથી, ભાષાવિદો એ વખતે નહોતા, હતા તો પ્રાથમિક દશામાં હતા, જ્યારે આજે તો ભલે આંગળીઓના થોડા વેઢા ઉપર ગણાય તેટલા, હોવા છતાં છે જ અને એ અધિકારી વિદ્વાનો છે. આવા વિદ્વાનોની સમિતિ નીમી વિચારણાને વેગ આપી શકાય. અહીં એખ વાત ઉમેરું : સર્વનામોમાં ‘એ’ અને ‘તે’ તેમ જ એ બેઉ ઉપરથી આવતા અન્ય શબ્દોના પ્રયોગમાં ભારે અવ્યવસ્થા છે. આપણે વાતચીત કરતા હોઈએ, ભાષણ કરતા હોઈએ ત્યારે ભૂલ નથી કરતા. જેવા લખવા બેઠા કે ‘એ’ અને ‘એ’ના વંશવેલાને અશુદ્ધ ગણી ‘તે’ અને ‘તે’ના વંશવેલાને શુદ્ધ ગણી પ્રયોજીએ છીએ. હકીકતે ‘જે’ અને ‘જે’ના વંશવેલાના પ્રયોગમાં ‘તે’ અને ‘તે’નો વંશવેલો વાપરી ન જ શકાય, કૃત્રિમ રીતે માત્ર દક્ષિણ ગુજરાતમાં જ પ્રાંતીય રીતે જ ‘એ’ અને ‘એ’નો વંશવેલો ન વાપરતાં ‘તે’ અને ‘તે’નો વંશવેલો વપરાય છે. મારા તદ્વિષયક લેખો અને ગ્રંથોમાં, વ્યાકરણ-કોશ વગેરેમાં પણ આ વિષયમાં સ્પષ્ટતા કરવાનો મારા તરફથી પ્રયત્ન થયો જ છે. ૮. ગુજરાતી કોશ શબ્દકોશો તેમ શબ્દસંગ્રહો કરવાની પરિપાટી આપણે ત્યાં પ્રાચીનતમ સમયથી ચાલી આવે છે. ‘નિઘંટુ’ એ વૈદિક શબ્દોનો સંગ્રહ છે. ઐતિહાસિક સમયમાં આવતા સંસ્કૃત ભાષાના મહાન વૈયાકરણ પાણિનિના ધાતુપાઠ અને ગણપાઠ એ આવા જ શબ્દસંગ્રહ છે. પછીથી સંસ્કૃતના પર્યાયકોશો તેમ અનેકાર્થકોશો ઠીક ઠીક પ્રમાણમાં મળ્યા છે. ગુજરાતની જ વાત કરતાં આચાર્ય હેમચંદ્ર(૧૨મી સદી)ને યાદ કરીએ તો એમણે ૧. અભિધાનચિંતામણિ, ૨. અનેકાર્થસંગ્રહ, ૩. વનસ્પતિઓનો નિઘંટુશેષ અને ૪. દેશી પ્રાકૃત શબ્દોનો દેશી શબ્દસંગ્રહ એ ચાર મહત્ત્વના કોશ આપ્યા. બીજા પણ થોડા પ્રયત્ન આ ક્ષેત્રમાં થયા છે. આમાં ગુજરાતીની જ વાત કરીએ તો ઈ. સ. ૧૨૮૦માં ઠક્કર સંગ્રામસિંહે રચેલા સંસ્કૃત બાલવ્યાકરણ ‘બાલશિક્ષા’ના પરિશિષ્ટ તરીકે સં.ગુ.નો શબ્દસંગ્રહ તત્કાલની ઘડાતી આવતી ગુજરાતી ભાષાનો આપ્યો જાણવામાં આવ્યો છે. પછી રચાયેલા ઔક્તિકો (બધાં સં. બાલ વ્યાકરણ તત્કાલીન દેશભાષાના માધ્યમવાળા)માં પણ પરિશિષ્ટ તરીકે શબ્દાવલીઓ આપવામાં આવેલી મળે છે. ઈ. સ. ૧૩૯૪માં કુલમંડનગણિ નામના જૈન સાધુએ મધ્યકાલીન ગુજરાતીની ૧લી ભૂમિકાના મધ્યમાંથી રચેલા નાના સં. વ્યાકરણ ‘મુગ્ધાવબોધ ઔક્તિક’ને અંતે પણ સૂચક શબ્દાવલી આપવામાં આવેલી આપણને મળી છે. અર્વાચીન પદ્ધતિએ જાણવામાં આવેલો સૌથી પહેલો પ્રયત્ન એક પાદરી ફા. ડ્રમન્ડનો છે. જેની ‘ગુજરાતી અંગ્રેજી ગ્લૉસરી’ ઈ. સ. ૧૮૦૮માં બીબાંમાં છપાઈને પ્રસિદ્ધ થયેલી. આના પહેલા ખંડનો અંગ્રેજી વ્યાકરણની પદ્ધતિએ નાનું ગુજરાતી વ્યાકરણ પણ આપવામાં આવેલું, જે વિશે આ પૂર્વે સૂચવાયું જ છે. શબ્દસંગ્રહમાં ૪૬૮ શબ્દ અંગ્રેજીમાં સમજૂતી સાથે આપવામાં આવ્યા છે. જેને ‘ડિક્શનેરી’ (શબ્દકોશ) સંજ્ઞા આપવામાં આવી છે તેવી ‘ડિક્શનેરી ઑફ ગુજરાતી ઍન્ડ ઇંગ્લિશ’ તો ખંભાતના મિરઝા મહોમદ કાવઝિમે ઈ. સ. ૧૮૪૬માં મુંબઈમાં પ્રસિદ્ધ કરેલી, જેને શુદ્ધ કરવાનું અને પુનરાવૃત્ત કરવાનું કાર્ય નવરોઝજી ફર્દૂનજીએ કર્યું હતું. સંપાદકે મરાઠી હિંદુસ્તાની ઝન્દ તર્કિશ પોર્ટુગીઝ ફ્રેન્ચ, ગ્રીક, હિબ્રુ અરબી અને ફારસી પર્યાયો પણ યથાવકાશ નોંધ્યા છે. પછી આ પ્રકારનો વિશાળ પ્રયત્ન થયો જાણવામાં આવ્યો નથી. મારી અહીં નાના નાના અનેક દ્વિભાષી અને એકભાષી શબ્દસંગ્રહો-શબ્દાવલીઓ-શબ્દકોશો વિશે કહેવાની અત્યારે વૃત્તિ નથી, વિશિષ્ટ પ્રયત્નો જ આપીશ અને એ પણ ‘ગુજરાતી’ને પ્રધાનતા આપી એના ગુજરાતી પર્યાય અપાયા હોય તેવા જ. આ દિશામાં સૂચક અને સમર્થ પ્રયત્ન કવિ નર્મદાશંકરનો છે. ૧૮૬૧માં શરૂ કરી ટુકડે ટુકડે આપતાં ‘નર્મકોશ’ એમણે ૧૮૭૩માં પૂરો કર્યો, જેમાં ૨૫૦૦૦ શબ્દ આપવામાં આવ્યા હતા. વિદ્વાનને છાજે તેવો આ પ્રયત્ન હતો. ૧૮૮૫માં કાશીદાસ બ્રિજભૂષણદાસ અને એના ભાઈ બાલકૃષ્ણ વકીલ (રાજકોટ) તરફથી ૧૧૨૨ પાનાંનો કોશ ‘ગુજરાતી ઍન્ડ ગુજરાતી-ઇંગ્લિશ’ બહાર પડ્યો હતો. આમાં પૂર્વના એકભાષી અને દ્વિભાષી કોશોનો લાભ એમણે લીધો હતો. એક સારો કોશ ‘શબ્દાર્થસિંધુ’ મુંબઈથી વિઠ્ઠલ રાજારામ દલાલે આપેલો. આ જ વિદ્વાને રત્નેશ્વરનો ‘ભાગવત-દશમ સ્કંધ’ પણ સંપાદિત કરી છપાવેલો. ૧૮૯૮માં એક નોંધપાત્ર કોશ બહાર આવ્યો. સુરતના જયકૃષ્ણદાસ ગંગાદાસ ભક્તે ‘શુદ્ધ-શબ્દ-પ્રદર્શન’ એ શીર્ષક નીચે વ્યુત્પત્તિકોશ આપ્યો, જેમાં સંસ્કૃત, ફારસી, અરબી, અંગ્રેજી, પોર્ટુગીઝ વગેરે ભાષાના શબ્દોમાંથી બદલીને આવેલા શબ્દોનો ખ્યાલ આપવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિક અભિગમવાળો આ કોશ હતો એ એની વિશિષ્ટતા. નડિયાદના લલ્લુભાઈ ગોકુલદાસ પટેલે ‘ગુજરાતી-અંગ્રેજી’ અને ‘અંગ્રેજી-ગુજરાતી ડિક્શનેરી’ ઉપરાંત ૧૯૦૯માં ૧૦૫૪ પૃષ્ઠોનો ગુજરાતી-પર્યાયકોશ આપ્યો, જેમાં સાહિત્યના ગ્રંથોમાંથી ઉદ્ધરણો આપીને તે શબ્દના તે તે અર્થને સ્પષ્ટ કર્યો. આ પ્રકારનો પ્રયત્ન પ્રથમ હતો એ આ કોશની નોંધપાત્ર વસ્તુ છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (હાલની ગુજરાત વિદ્યાસભા) તરફથી મણિલાલ છબારામ ભટ્ટે ૧૯૧૨માં ‘ગુજરાતી શબ્દકોશ’નો આરંભ કર્યો; ટુકટે ટુકડે ૧૯૨૩માં એ પૂરો છપાઈને બહાર આવ્યો. આમાં પ્રયોગો, વ્યુત્પત્તિ અર્થ અને રૂઢિપ્રયોગો પણ આપવામાં આવ્યા. આ પણ એ રીતે નોંધપાત્ર પ્રયત્ન થયો. મહાત્મા ગાંધીજીને ગુજરાતી લેખનમાંની જોડણીમાંની અરાજકતા ખૂંચતી હતી તેથી પ્રથમ તો ૧૯૨૯માં ‘જોડણી નિયમ’ નક્કી કરી ‘જોડણીકોશ’ મથાળે શબ્દાવલી પ્રસિદ્ધ કરાવી. એ પછી એની બીજી આવૃત્તિ ‘સાર્થ જોડણીકોશ’ બની અને ચોથી આવૃત્તિમાં વ્યુત્પત્તિ આપવાનો પણ પ્રયત્ન થયો. આમાં કૌંસમાં ઉચ્ચારણ પણ જરૂર જણાઈ ત્યાં આપવામાં આવ્યાં. એક અતિ મહાન કહો, ભગીરથ કહો. એવો પ્રયત્ન ગોંડળ રાજ્યના મહારાજા ભગવતસિંહજીએ શરૂ કરાવ્યો. ૧૯૨૮માં આરંભાયેલા સત્કાર્યનો ૧લો ગ્રંથ સન ૧૯૩૪માં અને છેલ્લો ૯મો ગ્રંથ ૧૯૫૫માં બહાર આવ્યો. આ કોશનાં ૯,૨૭૦ પૃષ્ઠોમાં ૨,૮૧,૩૭૭ શબ્દ; ૫,૪૦,૪૫૫ અર્થ અને ૨૮,૧૫૬ રૂઢિપ્રયોગ આપવામાં આવ્યા છે. એમાં પ્રયોગો બતાવવા સાહિત્યિક ગ્રંથોમાંથી ઠેર ઠેર ઉદ્ધરણો પણ આપવામાં આવ્યાં છે તેમ વ્યુત્પત્તિનો પણ પોતાના ગજા પ્રમાણે આશરો લેવામાં આવ્યો છે. સંપાદકો એ વિષયના તજ્જ્ઞ નહિ હોવાથી આ કોશ ભવિષ્યના કોશકારને માટે કાચી સામગ્રીના ભંડાર તરીકે ખૂબ ઉપયોગી છે. શબ્દોની મોટી સંખ્યા એ કારણે વધી છે કે ગુજરાતીમાં પ્રચારમાં નહિ તેવા પણ સેંકડોની સંખ્યામાં સંસ્કૃત તેમ જ વિદેશી ભાષાઓના શબ્દ પણ સંગ્રહાયા છે. યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ – અમદાવાદ તરફથી એક પ્રામાણિક કોશ તૈયાર કરાવવાને સમિતિ નિમાઈ. એ સમિતિએ આવો કોશ તૈયાર કરવાનું કામ મને સોંપ્યું. મેં મહત્ત્વના જૂના કોશો તેમ જોડણીકોશ અને ભગવત્ગોમંડળ કોશ તથા સરકારી ભાષાતંત્ર તરફથી છપાયેલા પારિભાષિક કોશ અને ગુજરાત વિદ્યાસભાના પારિભાષિક કોશની સહાયથી ૧૯૬૯માં એ કામ શરૂ કર્યું. એ કોશના પરામર્શકો પણ નીમવામાં આવ્યા. પણ એ વિદ્વાનોનો સહકાર ન મળ્યો. સમિતિએ એક બીજા સહૃદય વિદ્વાનને સ્વરવિભાગ તપાસવાનું સોંપ્યું. એમણે આપેલી સૂચનાને અનુસરી કામ આગળ વધારવામાં આવ્યું. ૮૦૦ પૂરા દિવસે કાર્ડ્ઝ બનાવવાનું કાર્ય પૂરું થયું. સમિતિને મેં વિનંતિ કરી કે છેલ્લાં ચાળીસેક વર્ષોના શિષ્ટ ગ્રંથોમાંના શબ્દોમાંથી પણ નવા જણાતા શબ્દ લેવા દો, વળી મને સ્વરભાર પણ શબ્દોમાં નોંધવા દો. વ્યુત્પત્તિ તો આપવાની જ હતી એટલે એ શબ્દોમાં મતભેદ નહોતો. આ ત્રણમાંથી પહેલા બેને માટે એ રીતે ના પાડવામાં આવી કે પહેલું કામ કરવા જતાં સમય વેડફાશે; બીજું કામ કમ્પોઝની દૃષ્ટિએ થોડી મુશ્કેલી ઊભી કરશે. કૌંસમાં જોડણીથી જુદાં પડતાં ઉચ્ચારણ નોંધવાની અનુજ્ઞા મળી અને વ્યુત્પત્તિ આપવામાં મારે માટે સ્વાતંત્ર્ય રહ્યું. ૨૩૨૭ પૃષ્ઠોના આ કોશનો ૧લો ગ્રંથ ૧૯૭૬માં પ્રસિદ્ધ થયો. જ્યારે ૨જો ગ્રંથ ૧૯૮૧માં બહાર આવ્યો. આ પ્રકાશન સામે એકબે ઠેકાણેથી ઊહાપોહ થયો. પણ એ હવામાં ઊડી ગયો. કારણ બહુ સ્પષ્ટ હતું કે આ કામ કરવા જુદાં જુદાં કારણોએ એના અધિકારી વિદ્વાનો તૈયાર નહોતા. એક જ પલાંઠીએ બેસી, ચિત્તની પૂરી સ્વસ્થતા રાખી, અનેક કોશોને ફેંદી, ખરી વ્યુત્પત્તિ માટે પણ સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ અને મધ્યકાલીન ગુજરાતી ભાષાના ગ્રંથ તપાસી બની શકે ત્યાં સુધી સાચાં મૂળ ક્રમિક રીતે આપવાનો સમય ફાળવી આપવા કોણ તૈયાર થાય? સમિતિનો હું એક સભ્ય હતો અને સમિતિના ડૉ. ઉમાશંકર જોશી વગેરે વિદ્વાનોએ મને જ એ કામ સોંપવાનો ઠરાવ કર્યો અને મારે મારાં બધાં જ મહત્ત્વનાં કામ સ્થગિત કરીને બેસી જવું પડ્યું. એકલે હાથે કોશ તૈયાર થયેલો હોઈ એમાં જે ખામી રહી હોય તે મારી છે અને તેથી જ મજાકમાં મેં આ કોશ ‘કેશવકોશ’ છે એમ પ્રસ્તાવનામાં કહેલું. કોશનાં પણ પંચાંગ છે : ૧. શબ્દ, ૨. ઉચ્ચારણ, ૩. પ્રકાર (parts of speech), ૪. વ્યુત્પત્તિ અને ૫. અર્થ. આ વિશે મારું જે કાંઈ અલ્પસ્વલ્પ ગજું હતું તે પ્રમાણે એ કાર્ય સંપન્ન કર્યું. એની ૪૪ પૃષ્ઠોની પ્રસ્તાવનામાં ‘જોડણીકોશની જોડણી’ના નિયમોમાં જે વિસંવાદ છે તે બતાવવાનો પ્રયત્ન કર્યો. કદાચ આને કારણે જ એક પ્રશ્ને ઊહાપોહ કરેલો. આ વિશે મારે કાંઈ કહેવાનું નથી. હું તો कर्मण्येवाधिकरस्तेમાં માનનારો છું અને કોઈના પણ આક્ષેપો કે વિરોધોને મનમાં કદી લેતો નથી. भिन्नरूचिर्हि लोकः । ગુજરાતી ભાષાનો સમપ્રમાણ કોશ કરવો હજી બાકી છે અને એને માટે મારા દસેક ભાષાવિદ વિદ્વાનોની ટુકડી પસંદ કરવી જોઈએ કે જે ‘ઉત્તર ગૌર્જર અપભ્રંશ’થી લઈ આજ દિવસ સુધીની વિકસતી આવતી ગુજરાતી ભાષાના ચૂંટી કાઢેલા ગ્રંથોમાંથી શબ્દો નોંધી એના અર્થ વિભિન્ન ઉદાહરણો દ્વારા પ્રમાણિત કરતા જાય. કેવી રીતે અર્થોનો વિકાસ થયો છે એ પણ ક્રમિક અર્થો આપીને બતાવવું જોઈએ. વળી ઘસાઈ ગયેલા શબ્દો અને રૂઢિપ્રયોગો તેમ ટકી રહેલા અને યુગે યુગે ઉમેરાયે જતા શબ્દો અને રૂઢિપ્રયોગો પણ નોંધવા જોઈએ. આ કામ કોઈ એક સંસ્થા પોતાના જોર ઉપર ન કરી શકે. એને માટે સરકાર અને દીપતા નાગરિકો તરફથી આર્થિક બળ મળવું જોઈએ. ગુ. સા. પરિષદ અત્યારે ‘સાહિત્યકોશ’ તૈયાર કરાવી રહી છે. એ પૂરું થયે પ્રેસમાં જતાં જ ‘શબ્દકોશ’ને માટે પ્રવૃત્ત થવું જોઈએ. કૉલેજોમાંથી ૬૦ વર્ષ પૂરાં થયે નિવૃત્ત થયેલા વિદ્વાન અધ્યાપકોને આ કામ માટે પસંદ કરવા જોઈએ કે જેઓમાંના ત્રણેક ભાષાશાસ્ત્રજ્ઞ પણ હોય. બાકીના સાહિત્યશાસ્ત્રીઓ અનુભવી વિદ્વાનો જ હોવા જોઈએ એ ઘણું જ જરૂરી રહેશે. વ્યુત્પપ્તિકોશનો મારો પ્રયત્ન છે જ, સંખ્યાબંધ કાપલીઓ બનાવી પણ છે, પણ કોઈ વિદ્વાન સહાયક તરીકે ધ્યાનમાં આવ્યો નથી તેથી કામ હાલપૂરતું થંભેલું છે. ૮૧મે વર્ષે પહોંચ્યો છું. જીવન કેટલું લંબાશે અને શરીર તથા આંખોની શક્તિ ક્યાં સુધી જળવાયેલી રહેશે એના પર એનો આધાર છે. ૯. ઉપસંહાર મારા વ્યાખ્યાનનો ઉપસંહાર કરતી વેળા મને થોડું અછડતું, પણ મહત્ત્વનું કહેવાનું મન થાય છે. આજે ગુજરાત અધ્યયન-સાધનો અને અભિનવ સામગ્રીથી સજ્જ છે. ઉત્તરોત્તર વધુ સજ્જતા ધારણ કર્યે જાય છે. મધ્યકાલીન ગુજરાતી ભાષાની મુદ્રિત અને એનાં કરતાંયે અમુદ્રિત સામગ્રી ભારે વિપુલ સંખ્યામાં સુલભ છે. આ સર્વનો આપણે સંશોધન કરનારા વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગ કરીએ, એટલું જ નહિ, સંશોધકીય પદવી પ્રાપ્ત કર્યા પછી પણ એમને સતત કામ કરવાની પ્રેરણા આપ્યા કરીએ. ભાષાશાસ્ત્ર અને ભાષાવિજ્ઞાનને ક્ષેત્રે પણ આપણી પાસે વિદ્વાનો હવે છે. વ્યાકરણ અને કોશમાં જેમ એમનો ખપ છે તે પ્રમાણે ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છની પ્રાદેશિક તેમ જ્ઞાતિગત બોલીઓનો અભ્યાસ પણ વ્યવસ્થિત રીતે કરવાના દરવાજા ખુલ્લા થાય છે. બોલીઓના અભ્યાસમાંથી આપણે ઇતિહાસલેખકને સામાજિક ઇતિહાસની પણ સામગ્રી પીરસી શકીએ. આ દિશામાં વ્યાપક પ્રયત્ન કરી, નવી શિક્ષાપદ્ધતિને કારણે ભૂંસાયે જતી પ્રાદેશિક તેમ જ જ્ઞાતિગત બોલીઓને કચકડામાં પણ ઉતારી અને મરતાં પહેલાં સાચવી લઈએ. આપણા વિદ્વાનો શબ્દકોશોની ચર્ચા કરતાં પ્રાદેશિક શબ્દોથી ગભરાય છે અને એને અશિષ્ટતાનું લેબલ લગાવી એના તરફ અરુચિ રાખે છે. હું અહીં કહું કે સંસ્કૃત ભાષાનો श्वेत શબ્દ કયા દેશમાં પહોંચ્યો છે? આપણે ત્યાં છે? આપણે તો धवल રાખ્યો ને ‘ધોળું’ શબ્દ મેળવ્યો. જ્યારે ઈરાનમાં ‘સફેદ’ સ્થિર થયો. સંસ્કૃત સર્વનામો क्यम् અને यूयम् છેક ઇંગ્લૅન્ડ પહોંચ્યાં, ‘We’ અને ‘You’ના રૂપમાં, તો વૈદિક ભારતીના ‘अस्मे’માંથી આપણે ત્યાં ‘અમે’ રૂપ આવ્યું. તો શક્ય तुष्मे ઉપરથી ‘તમે’ આવ્યું. આપણે અરુચિ બતાવતાં પહેલાં વિચારવું જોઈએ. હકીકતે માન્ય ભાષા પ્રાદેશિક ભાષાઓમાંથી જ વિકસી આવે છે. કોઈના મનમાં એ પ્રશ્ન ઊઠે છે કે વર્તમાન ગુજરાતી શિષ્ટ ભાષા કયા પ્રદેશની બોલીનો સીધો અવતાર છે? એ ઉત્તર ગુજરાતની છે? મધ્ય ગુજરાતની છે? દક્ષિણ ગુજરાતની છે? અરે, સમગ્ર સૌરાષ્ટ્રની છે? આપ થોડો જ વિચાર કરશો તો જોઈ-જાણી શકાશે કે એ ઝાલાવાડની પ્રાદેશિક બોલીમાંથી વિકસી આવી છે અને એનું શ્રેય કવીશ્વર દલપતરામને જાય છે. અમદાવાદની ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં બેસી ‘બુદ્ધિપ્રકાશ’ માસિક ચલાવ્યું અને હોપ વાચનમાળા દ્વારા કવિતાક્ષેત્રે સેવા આપી, ઉપરાંત સ્વતંત્ર ગદ્યપદ્ય રચનાઓ પણ આપી. ટ્રેઇનિંગ કૉલેજ અમદાવાદમાં હતી એટલે એના મુખપત્ર ‘શાળાપત્ર’ની પણ સુરતથી આવેલા વિદ્વાનોએ ‘ડાંડિયો’ની નહિ. ‘બુદ્ધિપ્રકાશ’ની ભાષાને પકડીને હોપવાચનમાલા’માં આ ભાષાસ્વરૂપ મૂર્ત થયું. અંગ્રેજી ભાષાના સંપર્કે આપણે જૂના સાહિત્યપ્રકારોને લગભગ તિલાંજલિ આપી અને નવા સાહિત્યકારોને આત્મસાત્ કરી આ દરેક નવા પ્રકારમાં ઉચ્ચ શિખર સર કર્યાં. કવિતાક્ષેત્રે, નવલકથાક્ષેત્રે, નાટ્યક્ષેત્રે, પત્રક્ષેત્રે, પ્રવાસક્ષેત્રે તો આગળ વધ્યાં, એમાં લઘુવાર્તા કિંવા નવલિકા પણ પુરજોસથી વિકસી અને આજે વિપુલતાથી લખાયે જાય છે, તો બીજી બાજુ વિવેચનક્ષેત્રે પણ આપણે ભારતવર્ષની બીજી ભાષાઓની આગલી હરોળમાં છીએ. હા, એ સત્ય છે કે આપણી અર્વાચીન પેઢી થોડી પાછી હઠી છે. આ વાત આપણે બરાબર સમજીએ અને આપણે પ્રાપ્ત કરેલું ગૌરવ ટકાવી રાખીએ. આપણે એ પણ વિચારતાં થઈએ કે આપણે આપણી આગલી પેઢીનાં પેગડાંમાં પગ ઘાલવા જેટલી શક્તિ પ્રાપ્ત કરી છે, પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ છીએ? એ પેઢીને સાધનસામગ્રી જેટલી સુલભ હતી તેનાથી આજે અનેકગણી સુલભ છે. સંસ્થાકીય અને યુનિવર્સિટીઓનાં પુસ્તકાલયોમાં અદ્યતન સામગ્રી સંગ્રહાયે જાય છે. આપણા નવલોહિયા જુવાનો માત્ર ગુરુજનોનાં વ્યાખ્યાનોથી ઉપર આવી પોતાના જ્ઞાનનું ભાતું સ્વતંત્ર રીતે પણ વધારવાનો ઉદ્યમ કરે. નવોદિત સાહિત્યકારો – લલિત કે લલિતેતરના-ને મારી વિનંતી છે કે એકદમ લખવા બેસી ન જાઓ, પૂર્વસૂરિઓના ગ્રંથોનું વાંચન તેમ અધ્યયન કરવા સદા પ્રયત્ન કરતા રહો. ગમે તેટલું ભણ્યા હોઈએ એમ છતાં આપણા તે તે વિષયનું આપણું જ્ઞાન હજી અપૂર્ણ છે એ ભાવનાથી એની વૃદ્ધિ માટે પ્રયત્નશીલ રહીએ. આ આજના સમયની તાતી જરૂર છે. ફરી આભારની લાગણી વ્યક્ત કરી અહીં વિરમું છું. इतिशम् ।