પરિષદ-પ્રમુખનાં ભાષણો/૪૨: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શ્રીમતી ધીરુબહેન પટેલ| }} {{Poem2Open}} ધીરુબહેનનો જન્મ ૨૯ મે, ૧૯૨૬...") |
(No difference)
|
Revision as of 06:54, 26 February 2022
ધીરુબહેનનો જન્મ ૨૯ મે, ૧૯૨૬ના રોજ વડોદરામાં થયો હતો. પિતા ગોરધનભાઈ ધંધાદારી વાણિજ્યના પત્રકાર હતા. માતા ગંગાબહેન સામાજિક કાર્યકર હતાં. માતા ગંગાબહેને સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લીધેલો. ધીરુબહેનનું પ્રાથમિક શિક્ષણ સાન્તાક્રૂઝમાં, ઉચ્ચશિક્ષણ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં. મુખ્ય વિષય અંગ્રેજી સાથે ૧૯૪૫માં સ્નાતક થયાં. ૧૯૪૮માં અનુસ્નાતક થયાં. તેમને આગળ અભ્યાસ કરવાની ઇચ્છા હતી, પણ સંજોગવશાત્ ન ભણી શક્યાં. ૧૯૪૯માં મુંબઈની ભવન્સ કૉલેજમાં અંગ્રેજીનાં અધ્યાપિકા રહ્યાં. ૧૯૬૩-૬૪માં મુંબઈ પાસેની દહીંસર કૉલેજમાં અધ્યાપન કરાવ્યું. તેમણે ‘આનંદ પબ્લિશર્સ’ નામની પ્રકાશકસંસ્થા શરૂ કરેલી. એ સંસ્થા દ્વારા છ-એક પુસ્તકો પણ પ્રગટ થયાં. ધનસુખલાલ મહેતા અને હીરાબહેન પાઠકનાં પણ પુસ્તકો એ સંસ્થા દ્વારા પ્રગટ થયાં. ત્યાર પછી એ સંસ્થા બંધ થઈ અને ‘કલ્કિ પ્રકાશન’ શરૂ કર્યું. એ સંસ્થા દ્વારા સાહિત્ય અકાદમીનાં પણ ઘણાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. ધીરુબહેનનું લેખનકાર્ય નાની ઉંમરે શરૂ થઈ ગયેલું. ‘સંદેશ’ના દિવાળી અંકમાં તેમની પ્રથમ વાર્તા પ્રગટ થઈ. એમનું પ્રથમ પ્રગટ પુસ્તક ‘અધૂરો કોલ’ જે ૧૯૫૫માં પ્રગટ થયો, તે ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. ત્યાર પછી ‘એક લહર’ (૧૯૫૭), ‘વિશ્રંભકથા’ (૧૯૬૬), ‘ટાઢ’ (૧૯૯૪) તેમના વાર્તાસંગ્રહો પ્રગટ થયા છે. આ વાર્તાઓમાં નારીહૃદય અને માનવમનનું આલેખન થયું છે. તેમને યશ મળ્યો નવલકથાઓ અને લઘુનવલોથી, ‘વડવાનલ’ (૧૯૬૩), ‘શીમળાનાં ફૂલ’ (૧૯૭૬), ‘વાવંટોળ’ (૧૯૭૯), ‘વમળ’ (૧૯૭૯) તેમની વિવિધ વિષયોનું નિરૂપણ કરતી નવલકથાઓ છે. તેમની નવલકથાઓના વિષયવસ્તુમાં સમાજજીવન, નારીજીવન, સ્ત્રી-પુરુષસંબંધો કેન્દ્રસ્થાને રહ્યાં છે. ‘પરદુઃખભંજન પેસ્તનજી’ (૧૯૭૮) અને ‘ગગનનાં લગન’ (૧૯૮૪) હાસ્યકથાઓ છે. તેમની લઘુનવલો પણ ધ્યાન ખેંચે તેવી છે. ‘વાંસનો અંકુર’ (૧૯૬૮), ‘આંધળી ગલી’ (૧૯૮૩), ‘એક ભલો માણસ’ (૧૯૭૯), ‘કાદંબરીની મા’ (૧૯૮૮), ‘આગંતુક’ (૧૯૯૫), ‘હુતાશણી’ (૧૯૯૩), ‘અનુસંધાન’ (૨૦૦૨) તેમની જાણીતી લઘુનવલો છે. તેમની આ લઘુનવલોમાં સાંપ્રત પરિસ્થિતિનું આલેખન થયેલું જોવા મળે છે. ‘પહેલું ઇનામ’, ‘પંખીનો માળો’, ‘વિનાશને પંથે’ તેમણે લખેલાં નાટકો છે. ‘નમણી નાગરવેલ’ એકાંકીસંગ્રહ છે. ‘અંડેરીગંડેરી ટીપરીટેન’ બાળનાટક છે. ‘બતકનું બચ્ચું’ બાળવાતો અને ‘મિત્રાનાં જોડકણાં’ તેમણે લખેલાં બાળકાવ્યોનો સંગ્રહ છે. ધીરુબહેને અનુવાદો પણ આપ્યા છે. માર્ક ટ્વેઇનની કિશોરકથાઓના અનુવાદો ‘ટૉમ સૉયર’ ભાગ-૧, ૨ અને ‘હકલબરી ફિનનાં પરાક્રમો’ (૧૯૬૭) ઉલ્લેખનીય છે. ધીરુબહેન ‘જન્મભૂમિ’ ગ્રૂપનાં પત્રો સાથે સંકળાયેલાં હતાં. તેમણે ‘સુધા’ સાપ્તાહિકનું તંત્રીપદ ઘણાં વર્ષો સુધી સંભાળેલું. ૧૯૭૫ પછી તેમણે ફિલ્મો માટે લખવાનું શરૂ કર્યું. ‘ઘેર ઘેર માટીના ચૂલા’, ‘વેરની વસૂલાત’ અને ‘ભવની ભવાઈ’નાં ગીતો અને સંવાદો તેમણે લખ્યાં છે. તેમણે અંગ્રેજીમાં કાવ્યસંગ્રહ આપ્યો ‘Kitchen Poems’ નામે. ધીરુબહેનને ગુજરાતી ચલચિત્ર ‘ઘેર ઘેર માટીના ચૂલા’ માટે ઉત્તમ લેખિકાનો ઍવૉર્ડ ૧૯૭૯માં મળ્યો. ‘ભવની ભવાઈ’ના સંવાદો લખ્યા તે માટે ૧૯૮૧માં ઍવૉર્ડ મળ્યો. ૧૯૮૧માં રણજિતરામ સુવર્ણચંદ્રકથી પણ તેઓ સન્માનિત થયાં છે. ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ પ્રદાન માટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનનો ૧૯૯૨નો પુરસ્કાર, ૧૯૯૬માં દર્શક ઍવૉર્ડ, ૧૯૯૭માં કે. એમ. મુનશી સુવર્ણચંદ્રક, ૧૯૯૮માં નંદશંકર મહેતા સુવર્ણચંદ્રક, ૨૦૦૧માં દિલ્હી સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યાં છે. તેઓ ૨૦૦૩માં ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રમુખ બન્યાં હતાં. વક્તવ્ય યા કુન્દેન્દુતુષારહારધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેત પદ્માસના યા બ્રહ્માચ્યુતશંકર પ્રભૃતિભિર્દેવૈઃ સદા વંદિતા સા મામ્ પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષજાડ્યાપહામ્ મંચ પરના મહાનુભાવો અને સાહિત્યરસિક શ્રોતાઓ. આજનો આ પ્રસંગ મારે માટે મહામૂલો છે. ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી અગ્રણી સંસ્થાનું પ્રમુખપદ ગ્રહણ કરવું અને તે પણ તેની પ્રથમ શતાબ્દીને આરે, એ કંઈ જેવીતેવી જવાબદારી ન ગણાય, તેમ છતાં એ અંગે મારા મનમાં કશી અવઢવ કે સંકોચ નથી તેનું મુખ્ય કારણ એ કે હું જાણું છું કે આપ સર્વે મારી સાથે છો. ભેગાં મળીને આપણે સૌ શું ન કરી શકીએ? લોકો જોતા રહી જાય એવા અનેક ચમત્કારો સર્જી શકીએ અને તે પણ હળવે હૈયે અને સંપૂર્ણ શાંતિથી – કારણ કે આપણે જાણતા હોઈએ કે આમાં કોઈ એક વ્યક્તિનું કર્તૃત્વ નથી એટલે અભિમાનને અવકાશ નથી. આપણને સૌને સાંકળતી એકમાત્ર કડી તે માતા સરસ્વતીની આરાધના. એ દેવીની કૃપાને કારણે જ માનવજાત પશુપંખીથી ભિન્ન છે અને અનેક સિદ્ધિઓ મેળવી શકી છે. જરા વિચારો, આપણને જો વાણીનું વરદાન ન મળ્યું હોત તો આપણે કેટલા એકલાઅટૂલા પડી ગયા હોત! એકબીજાના અનુભવનો, વિચારોનો લાગણીઓનો આપણને કશો જ ખ્યાલ ન આવત. પુરોગામી પેઢીઓના સંચિત જ્ઞાનનો આપણને જરાયે લાભ ન મળત. દરેક માણસે જન્મ સાથે જ નવેસરથી એકડો ઘૂંટવો પડત અને તે બાથોડિયાં મારીને થોડુંઘણું સમજતો–વિચારતો થાત એટલામાં તો જીવનનો અંત આવી જાત એટલે આજે આપણી આસપાસ અનેક ક્ષેત્રે જે આશ્ચર્યજનક પ્રગતિ જોઈએ છીએ તેનું તો સ્વપ્ન પણ દુર્લભ બની જાત! પણ જે નથી બન્યું તેની ચિંતા શા માટે કરીએ? હકીકત એ છે કે આપણા પર વાગ્દેવીની કૃપા છે અને એના રૂડા પ્રતાપે જ આપણે સૌ રળિયાત છીએ. તેમાંયે આપણે તો વિશેષ ભાગ્યશાળી કે આપણને ગુજરાતી જેવી મધુર, સૌમ્ય અને સદા વિકાસશીલ ભાષા મળી. આપણે એને જે રીતે જાણીએ છીએ એ રીતે ભલે એને લગભગ છસો વર્ષ જૂની ગણીએ પણ તે પહેલાંયે એના બે અવતાર થયા હતા. અપભ્રંશ અને પ્રાચીન ગુજરાતી. એ ઇતિહાસમાં ડૂબકી મારવાનું સામાન્ય પ્રજાજનને ન પોસાય પણ એટલું જાણવું જરૂરી ખરું કે દેવભાષા સંસ્કૃતમાંથી અવતરેલી આપણી આ મનોહર ભાષાનો વિકાસ ઘણો રસપ્રદ છે અને એને સમજનારા તથા સમજાવનારા વિદ્વાનો પણ આપણી પાસે છે. જેમના નામાભિધાનથી શોભતા આ નગરમાં આપણે સૌ અત્યારે બેઠા છીએ તે ડૉ. હરિવલ્લભ ભાયાણી જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિદ્વાન એમાંના એક. સાક્ષરોનો અક્ષરદેહ જ આપણી મૂડી ગણાય અને તે આપણી પાસે છે એટલે મેં બોલવામાં કશી ભૂલ નથી કરી. વળી ભાયામીસાહેબે માત્ર પુસ્તકોનો નહીં, ડૉ. ઊર્મિ દેસાઈ જેવાં વિદ્યાર્થિનીનો વારસો પણ આપણને આપ્યો છે એટલે અહીં બેસીને આપણે તેમનું કૃતજ્ઞભાવે સ્મરણ કરીએ એ યોગ્ય છે. વળી આપે બીજું પણ એ નોંધ્યું હશે કે અહીંના પ્રવેશદ્વારને આપણા લોકપ્રિય સંપાદક અને લેખક હરકિસન મહેતાનું નામ અપાયું છે. આમાં એ બંને મહુવાના એ હકીકત તો છે જ, પણ ખરી ખૂબી એ છે કે આપણું ધ્યાન ખેંચવામાં આવ્યું છે કે પ્રવેશદ્વારમાં થઈને જ નગરમાં પહોંચાય એ રખે ભૂલી જતા. સાહિત્ય કોનું? એટલે કે એનો ઇજારો કોનો? એ ચર્ચા જેટલી પુરાતન છે એટલી જ નિત્યનૂતન છે. એનો સર્વમાન્ય ઉત્તર શોધવો અઘરો છે. અહીંની સ્વાગતસમિતિએ આપણું ધ્યાન માર્મિક રીતે એ પ્રશ્ન તરફ દોર્યું છે તો ચાલો, વિચાર કરી લઈએ. વર્ષો પહેલાં મેં ગંગોત્રીની યાત્રા કરી હતી. ઉત્તુંગ હિમશિખરોમાંથી પ્રગટ થતી કલકલ નિનાદ કરતી અતિ શીતળ સ્વચ્છ જલધારાનાં દર્શન માત્ર આપણને મોહિત કરે. સ્પર્શ અને અવગાહનનું તો પૂછવું જ શું? જાણે આપણે નવે અવતાર આવ્યા! પરંતુ માત્ર એટલેથી ચાલે? અનેક સરિતાઓના સંગમથી ઐશ્વર્યમયી બનતી ભાગીરથી એ નીચે ન ઊતરે અને જલધિજલમાં વિલીન થઈ જતાં પહેલાં ભારતના અનેક પ્રદેશોને તૃપ્ત અને સમૃદ્ધ ન કરે તો ચાલે? આપણે એને મલિન કરીએ એ આપણી મૂર્ખાઈ – પણ એનો ધર્મ તો વહેવાનો – નીચાં મેદાનોથી એ ડરે નહીં; ભૂમિને શસ્યશ્યામલા બનાવવાનો, જીવંત સૃષ્ટિની તૃષા મટાડવાનો, જંગલોને જિવાડવાનો એનો સ્વભાવ એ ભૂલે નહીં – આવી પરમ ઉપકારિણી ગંગાનો ઋણસ્વીકાર આપણે ન કરવો પડે? અને જવાબ આપવો અઘરો છે – અઘરો રહેવાનો. હિમશિખર સમા દુરારાધ્ય વિદ્વાનોની આપણને જરૂર છે. એમના થકી જ વિદ્યાનું ઝરણું પ્રગટ થાય છે. ઉદ્ગમ વિના પ્રવાહ ન સંભવે, અને બીજે પક્ષે એ વાત પણ એટલી જ સાચી છે કે એ નિર્મલશીતલ સ્વલ્પ જલબિંદુઓથી માણસની તરસ નહીં છીપે, એ ખેતી નહીં કરી શકે, એને માથે વૃક્ષઘટા ચામર નહીં ઢોળે – એને તો જોઈશે એક ધસમસતો વિશાળ જલપ્રવાહ કે જે ધરાના અણુએઅણુમાં વ્યાપી એને રસાળ બનાવે. સાહિત્ય જો લોકભોગ્ય ન બને તો જનતા એનાથી વિમુખ જ રહેવાની. એમાં એનો દોષ શો? તો પછી શું કરવું? દીવાન-એ-આમ અને દીવાન-એ-ખાસ બંને સ્વીકારી લેવા અને બેયની વિશિષ્ટતા ધ્યાનમાં રાખી આપણો રાજકારભાર આગળ ધપાવવો? મને તો લાગે છે કે એમ કર્યા વગર આપણો છૂટકો નથી. ‘મણિના વલયં, વલયેન મણિ, મણિના વલયેન વિભાતિ કરં’ વાત સાચી છે ને? તો પછી કાળજી એ રાખવાની કે આપણાં રત્નો સાચાં અને પાણીદાર હોય, આપણું સોનું સો ટચનું હોય. ગુજરાતી સાહિત્યનો જયજયકાર સાંભળવો હોય, શું શાંની કિંમત પૈસા ચારમાંથી બાર હજાર કરવી હોય તો આટલી ખેવના રાખ્યા વગર છૂટકો નથી. તમને એમ થશે કે અમે ક્યાં લખીએ છીએ? સ્તર જાળવવાની જવાબદારી અમારી નથી. પણ એ બહાનું નહીં ચાલે. જાણો છો ને? આ ૨૦૦૩નું વરસ છે. જોતજોતામાં ૨૦૦૪ શરૂ થશે. આ જમાનો ગ્રાહકને દેવતા બનાવે છે, એ જે માગે તે એને આપવું પડે નહીંતર ઉદ્યોગધંધા ઠપ થઈ જાય. અમુક સ્તરથી નીચો માલ તમે નથી જ સ્વીકારવાના એવી જો ખાતરી થઈ જાય તો વેપારી એ વેચે નહીં અને ઉત્પાદક એ બનાવે નહીં. ખોટનો ધંધો કોણ કરે? ‘લોકોને આવું જ જોઈએ છે, અમે શું કરીએ?’ એવી દલીલ કેટલી પોકળ છે તે આપણે બતાવી આપવું પડે. આ જ રીતરસમ સાહિત્યેતર મનોરંજનક્ષેત્રે અપનાવવામાં આવે છે અને એનાં માઠાં ફળ આપણે જોઈએ છીએ ને અફસોસ અનુભવીએ છીએ. સાહિત્યની બાબતમાં આપણે સજાગ ન રહેવું જોઈએ? નહીંતર આનું આ વિષચક્ર ચાલ્યા કરશે અને એક દિવસ એવો આવશે કે આપણી સરસ્વતી આપણાથી દુભાઈને મોં ફેરવી લેશે. એનાથી વસમું સંકટ કયું? માટે આપણે આજથી, આ ઘડીથી સંકલ્પ કરી લઈએ કે આપણાં તમામ રત્નો તેજસ્વી જ હોવાં જોઈએ, આપણું સોનું શુદ્ધ જ હોવું જોઈએ ને એ અલંકારોમાં રાચતી અને રાજતી સરસ્વતીની પ્રતિમાનું ઘેરેઘેર સ્થાપન અને પૂજન-અર્ચન થવું જોઈએ. એ પૂજા કંઈ આપણે એકલા કરીશું? આપણાં બાળકો એમાં નહીં જોડાય? ઘરમાં કોઈ સારો અવસર આવે છે ત્યારે આખો કુટુંબમેળો ભરાય એવી હોંશ આપણને નથી થતી? તો બાળકોને ટાળીને કરાતી સરસ્વતીપૂજા આપણને કે આપણી આરાધ્ય દેવીને આનંદ ક્યાંથી આપી શકવાની? અફસોસ કે આપણી ગમે એટલી પ્રબળ ઇચ્છા હોવા છતાં આપણે આપણાં બાળકોને આપણી આ સરસ્વતી-પૂજામાં સામેલ નથી કરી શકવાના. કારણ કે એમને ગુજરાતી નથી આવડતું અને આ પરિસ્થિતિ ઊભી કરનાર આપણે એથી ભોંઠપ અનુભવવાને બદલે ગૌરવ અનુભવીએ છીએ. શું થાય? જમાનો જ બદલાઈ ગયો છે. બાળકોને અંગ્રેજી બરાબર ન આવડે તો તેઓ ઉચ્ચશિક્ષણ ન મેળવી શકે, ધંધાદારી કે અન્ય કારકિર્દીમાં આગળ ન વધી શકે… આવા બળાપા હું ને તમે રોજ સાંભળીએ છીએ. તેમાંનો તથ્યાંશ મજબૂરીથી સ્વીકારી લઈએ તોપણ આ વિચારસરણી સર્વથા યોગ્ય છે એમ શું કબૂલ કરી શકીશું? ઝીણી નજરે જોઈએ તો આ આખી વાત મૂલ્યપરિવર્તનની છે. ‘પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ’ જેવી ઉક્તિઓ જ સમાજની વાસ્તવિક પરિસ્થિતિ પ્રતિબિંબિત કરે છે એ શું નકારી શકાય એમ છે? જોઈએ તો સારી રીતે સંસ્કૃતમાં કહો – યસ્યાતિ વિત્તમ્ સ નરઃ કુલીનઃ સ પંડિતઃ સ શ્રુતિમાન ગુણજ્ઞઃ – અને જે વિદ્યા વધારે ધન કમાવામાં મદદરૂપ થાય એ જ સાચી વિદ્યા એવું જાણ્યેઅજાણ્યે આપણે સૌ માનતા નથી થઈ ગયા? વળી એ પણ જોઈએ છીએ કે લક્ષ્મીની ઉપાસનામાં અડધું પોણું આયુષ્ય ગુમાવી દેનારને પણ અંતે તો અંતરમાં કશોક ખાલીપો વરતાય છે. સ્નેહાળ અને ચારિત્ર્યશીલ કુટુંબ માણસને જે અજબ સંતોષ આપે છે તેથી વંચિત રહેનાર વ્યક્તિઓ એકબીજાનો વાંક કાઢવામાં અને નિરર્થક હાયવરાળ કાઢવામાં ધૂમસમાં આથડનારની જેમ દિશાશૂન્ય થઈ જાય છે. જીવનનો સાચો આનંદ નથી માણી શકતી, નથી જાણી શકતી. અને એવુંયે નથી કે લક્ષ્મી અને સરસ્વતી એકબીજાનાં જન્મજાત શત્રુ છે. એ મૈત્રિણીઓ છે, એકબીજાની પૂરક છે અને માણસને બેય બાજુથી બાવડું ઝાલીને ઝુલાવવામાં એમને અનેરો આનંદ આવે છે. તકલીફ ત્યારે જ શરૂ થાય છે જ્યારે માણસને સમજ નથી પડતી કે એણે જરૂર પૂરતું કમાઈ લીધું છે કે નહીં. એષણા અને તૃષ્ણાના અતિરેકને કારણે જીવનનું સંતુલન ખોરવાઈ જાય છે અને ભવિષ્યની ચિંતા, પોતાના વારસદારોની ચિંતા, અનેક, આગામી પેઢીઓની ચિંતાના વિકરાળ વનમાં એ ખોવાઈ જાય છે. ક્યાં ગયો એ વિદ્યાવ્યાસંગ? સમકાલીન અને પૂર્વકાલીન મનીષીઓના વિચારમાંથી અને કલ્પનાશીલ ઉદયનોમાં સમભાવી-સહભાગી થવાનો સૂક્ષ્મ આનંદ? આજકાલ જ્યાં જુઓ ત્યાં જીવનના ઉચ્ચ ધોરણની વાત થતી સંભળાય છે. શું છે આ ઉચ્ચ ધોરણ? લોકોની આંખો અંજાઈ જાય એવી પહેરવેશ, રહેઠાણ, ખાણીપીણી અને પ્રવાસની ચમકદમક? એ ધોરણને આંબવા અને જાળવવા માટે કેટલો અથાગ પરિશ્રમ કરવો પડે છે આપણને? આ આંધળી દોટનો ક્યાંયે અંત દેખાતો નથી–પણ અટકી જવું કે પાછું વળવું તો અશક્ય જ છે મોટાભાગના લોકો માટે–નહીં? બચી જાય કોઈ વિરલા–નસીબવાળા! સૌથી સારી અને સલામત વાત તો એ છે કે આ જાનમાં જોડાવું જ નહીં. પણ દુઃખ એ કે પહેલેથી આ સૂઝતું નથી. સૂઝે ક્યારે? શૈશવથી જ સરસ્વતીનો કૃપાપ્રસાદ પામ્યા હોઈએ–ગળથૂથીમાંથી માતૃભાષાનું અમૃત સ્પર્શ્યું હોય, પૂર્વજોનો સંસ્કારવારસો વટભેર મેળવતાં અને જાળવતાં આવડ્યો હોય તો – અને તો જ – માત્ર અંગ્રેજી શા માટે, દુનિયાની અનેક ભાષાઓનો પરિચય પામ્યા છતાં આપણી સમતુલા ખોરવાય નહીં. આપણા પગ આપણી ધરતી પર મજબૂત રીતે ખોડાયેલા રહે અને દશે દિશામાં વાતા અન્ય ભાષાના સુગંધી વાયુ આપણને આહ્લાદ આપતા રહે, આપણી આંતરિક સમૃદ્ધિમાં વધારો કરતા રહે. એનાથી ઉત્તમ જીવનધોરણ બીજું કયું? આપણે કોઈની સાથે હોડમાં ઊતરવું નથી. પૂરા ઉલ્લાસથી આપણો વારસો માણવો છે. જેની ઇચ્છા હોય એને એમાં સહભાગી કરવા છે અને બીજી અનેક ભાષાઓની સમૃદ્ધિ આપણા પુરુષાર્થથી આપણી બનાવવી છે. આ કંઈ મુશ્કેલ નથી. માતૃભાષાનાં મૂળિયાં લગી પહોંચેલું બાળક અન્ય ભાષાઓ ઘણી ઝડપથી આત્મસાત્ કરી શકે છે એવો કેટલાયે કેળવણીકારોનો અભિપ્રાય અને અનુભવ છે. બાળકને એક વાર ઉત્તમ સાહિત્યનો રંગ લાગ્યો કે તે ગોળ અને ખોળ વચ્ચેનો તફાવત પોતાની મેળે શોધી કાઢશે. જીવનમાં શું મેળવવા જેવું છે અને શું છોડવા જેવું છે એ નાની વયથી જ સમજાઈ જાય તો તેને મોટપણે આ ઈર્ષ્યા, હિંસા, કૌભાંડ અને કલુષિતતાના વાતાવરણમાં જીવવાનો વારો ન આવે. ચિંતા ન કરતા – મને યાદ છે કે આ સાહિત્યપરિષદ છે અને આપણે સાહિત્યની વાત કરવાની છે, સમાજની નહીં. પણ મને કહો તો ખરા, સાહિત્ય શું વરસાદની માફક ઉપર આકાશમાંથી ટપકે છે? એ આ ભૂમિનું, અહીં જીવતા સમાજનું ફરજંદ નથી? સુંદર ગુલાબનું ફૂલ જોઈને મન આનંદથી લહેરાય પણ એ ફૂલ જેનું સર્વોત્કૃષ્ટ નજરાણું છે તે છોડ તંદુરસ્ત હોય, એનાં મૂળ જે માટીમાં વિસ્તર્યાં હોય તે માટી સ્વચ્છ અને કસદાર હોય એ શું જરૂરી નથી? હોમર, શેક્સપિયર, કાલિદાસ, ભાસ, ભવભૂતિ અને બાણની વાતો કરીને જ સંતોષ માનીશું કે એથીયે સવાયા સર્જકો અને લેખકો આ ગુજરાતમાં જન્મે અને એમને જાળવતાં આપણને આવડે એવી ઇચ્છા કરીશું? શા માટે આપણે ત્યાં એવા મહાન વિદ્વાનો અને લેખકો ન હોય કે જેમનું સાહિત્ય પામવા જગતના લોકોને ગુજરાતી શીખાનું મન થાય? તમને શું આ ઘેલું સ્વપ્ન લાગે છે? પણ માનજો, આજેય જ્યારે અન્ય ભાષી મિત્રો સાથે ગુજરાતનાં હીરચીરની ગાંસડીના એકાદ-બે તાકા ઉકેલું છું ત્યારે એમનાં નેત્રો આનંદાશ્ચર્યથી પહોળાં થઈ જાય છે. તેઓ કહે છે – ‘અરે! આ બધું અંગ્રેજી અનુવાદથી અમને સુગમ કરી આપો ને!’ હું જરા ઠાવકાઈથી જવાબ આપું છું, ‘થશે, એ પણ થશે – તોયે મારા સાહિત્યની અસલી સોડમ તો તમે પચીસ પચાસ ટકા જ પામશો, એના કરતાં જરાક મહેનત કરો ને! ગુજરાતી શીખી જાઓ અને તમારી મેળે જાણો અને માણો અમારા સમર્થ કવિઓ અને ગદ્યકારોને નરસિંહ મહેતાથી માંડીને આજ લગીના ઉત્તમોત્તમ કવિઓ કે ગોવર્ધનરામ અને એમની પછીના ગદ્યલેખકોની યાદી કરવા બેસું તો સમયનું બંધન નડે પણ અમારે ત્યાં અલગ અલગ મિજાજના ને વિદ્વત્તાનાં નાનાવિધ શિખરો સર કરેલા લેખકોની ખોટ નથી તમે વાંચશો ને તમને અનુકૂળ આવે તેઓને શોધી કાઢશો તો તમારો શ્રમ એળે નહીં જાય.’ આ તો જાણે નીવડેલાં મોતી – બીજાં તો કેટલાંયે સમુદ્રના પેટાળમાં હાલકડોલક થતી છીપમાં ધીરે ધીરે બંધાતાં આવે છે… એ આગામી ફાલની કિંમત અત્યારથી શાને કરીએ? એના પરખંદા અને મૂલવનારા પણ આવશે અને ગુર્જરગિરાની રસસમૃદ્ધિમાં મહાલશે. પરંતુ એ પહેલાં-અત્યારે અને આજે જ. આપણે એકાદ-બે ભયસ્થાનોથી ચેતવા જેવું છે. આપણે ગુજરાતીઓ એકંદરે સાલસ અને શાંતિપ્રિય પ્રજા! કોણી મારીને આગળ નીકળવાનું આપણું કામ નહીં. એ તો જાણે ઠીક, પણ દબાતા ચંપાતા રહેવામાં કોઈ વિશિષ્ટ સદ્ગુણ છે એ ભ્રમણામાંથી આપણે હવે છૂટવું ન જોઈએ? વિનય અને અહોભાવ મુગ્ધતાની નિશાની છે અને પ્રિય લાગે તેવી છે પણ એનો અતિરેક. આપણામાં લઘુતાગ્રંથિ ન જન્માવે એની તકેદારી તો રાખવી જોઈએ કે નહીં? મારું એક નિરીક્ષણ એવું છે કે અન્ય ભાષાના લેખકભાવક સાથે મળવાનું થાય ત્યારે આપણે ખુલ્લા દિલે અને ખુલ્લા અવાજે આપણું જે સારું છે તેનાં ગુણગાન ગાતાં અચકાઈએ છીએ. સરવાળે આપણી છાપ ‘હાં, ઠીક છે; ચાલે!’ એવી પડે છે. કોઈ મુરબ્બીવટથી આપણી પીઠ થાબડે ત્યારે આપણે પોરસાઈએ છીએ. તેમાંયે ખોટું નથી, જો મુરબ્બી ખરેખર મુરબ્બી હોય તો! પરંતુ આપણી સમકક્ષ અને ક્યારેક તો સહેજ ઊતરતી કક્ષાની વ્યક્તિઓ પોતાના સાહિત્યની અતિશયોક્તિભરી પ્રશંસા કરતી વેળા આપણી તરફ સહેજ તુચ્છકારભરી દૃષ્ટિ નાખે ત્યારે આપણે વિનયશીલ છતાં દૃઢ ભાવે એમ કેમ ન કહી શકીએ કે ભાઈ, અમારે ત્યાંયે આવાં જ રત્નો છે! આપણને કોણ અટકાવે છે? સજ્જનતાની છાપ રખે ને ઝાંખી પડે એવો ડર, કે મનમાં ક્યાંક ઊંડે સંતાઈ રહેલો તેનો દ્વેષ? મારી જ ભાષાનો આ કવિ કે સાહિત્યકાર વધારે પડતો – મારા કરતાંયે વધારે – પંકાઈ જશે તો? એવી અજ્ઞાત અસૂયા આપણી જીભને ઝાલી રાખે છે. નહીંતર બહેનોની ભાષામાં, ગામડાંની ભાષામાં કહું તો એવા પ્રસંગો ઊભા થાય ત્યારે મૂંગા કેમ રહો છો? મોઢામાં મગ ઓર્યા છે? લડાયક બનવાનું હું કહેતી નથી. જૂઠી આત્મપ્રશંસામાં રાચવાનુંયે કહેતી નથી પણ એટલું તો જરૂર કહીશ કે હવે આ હીનતાગ્રંથિથી છૂટો. ગમે ગુજરાતી છો અને ગુજરાતી હોવાનું ગૌરવ તમને હોવું જોઈએ. તમારાં બાળકોને તમારે એ વારસામાં આપવું જોઈએ. જરા વિચારો તો ખરા, આપણી પાસે શું નથી? હોમી ભાભા અને વિક્રમ સારાભાઈ સદેહે નથી પણ એમનાં કાર્યો જીવંત છે. જે. જે. રાવળ જેવા વિજ્ઞાનીઓ છે. સામ પિત્રોડા જેવા તેજસ્વી ગુજરાતીએ આખા દેશના સંદેશવ્યવહારમાં ક્રાંતિ આણી એ આપણે કેમ ભૂલી જઈએ? ભારતીય તબીબોએ પરદેશમાં નામના મેળવી છે. તાતા અને અંબાણીનું નામ આખા દેશમાં જાણીતું છે. આપણાં યુવકયુવતીઓ સાહસપ્રિય અને રમતગમતનાં શોખીન છે. અભિનય, નૃત્ય, શિલ્પ અને સ્થાપત્યને ક્ષેત્રે પણ આપણી પાસે ગણનાપાત્ર નામો છે. ફોટોગ્રાફીમાં આજે અશ્વિન મહેતાનું નામ સહેજે યાદ આવે. આવાં તો કંઈક રત્નો આપણા ગુજરાતમાં છે. શા માટે આપણે કોઈથી ઝંખવાઈએ કે નીચું જોઈ જઈએ? આજની યુવાન પેઢીમાં ‘ગુજ્જુ’ શબ્દ અવહેલનાપૂર્વક બોલાતો સાંભળ્યો છે. એક યુવતીએ તો ત્યાં લગી પ્રશ્ન કર્યો હતો કે મારાં બાળકોએ શા માટે આ નકામી ભાષા શીખવી જોઈએ અને ચાર માણસ વચ્ચે શરમાવું જોઈએ.’ ભાષા આપણા ઇતિહાસનું, આપણા સંસ્કારનું અને આપણાપણાના ભાવનું વાહન છે તે એને કેમ સમજાવાય.’ પિતાએ મૂકેલી અઢળક લક્ષ્મી બૅન્કના સુરક્ષિત ખાનામાં ફેરવાઈ હોય અને સંતાનો એની ચાવી જ ખોઈ નાખે તો એમને કેવી રીતે ખ્યાલ આવે કે એમણે શું ગુમાવ્યું છે? આ પરિસ્થિતિ ચલાવી ન લેવાય. મુન્શીજીએ જે અસ્મિતાની પ્રતિષ્ઠા કરેલી તે અસ્મિતાનો આજે હ્રાસ થવા બેઠો છે અને એ અંગે આપણે સભાન નથી એ કેવી દુઃખદ વાત છે! બાળકોને શૈશવમાં માતૃભાષાથી વંચિત રખાય તો એમના વિચારો લાગણીઓ અને અભિવ્યક્તિના સરળ ને નૈસર્ગિક વિકાસ આડે કેટલું મોટું વિઘ્ન આવી પડે છે તે આપણે હજીયે નહીં સમજીએ? એક તરફ માતૃભાષાના વિકાસની અને એના સાહિત્યની ઉચ્ચ કક્ષાની જાળવણી કરીએ અને બીજી તરફ એના ગૌરવની પુનઃપ્રતિષ્ઠા કરીએ એ બહુ જ જરૂરી છે અને એમાં હરકોઈ પોતાનો ફાળો આપી જ શકે. સાથે સાથે એક બીજી બાબતનો પણ વિચાર કરી લઈએ. આપણે માથે એક આક્ષેપ એવો મુકાય છે કે સાહિત્યક્ષેત્રે બહેનોને ઉચિત સ્થાન મળતું નથી. વર્ષો પહેલાં શ્રીમતી લીલાવતી મુન્શીએ ભારતીય લેખિકાઓનું એક સંમેલન બોલાવેલું અને તેમાં ઠરાવ રજૂ થયેલો કે સાહિત્ય અકાદમીમાં સ્ત્રીઓ માટે અનામત બેઠકો રખાવી જોઈએ. ત્યારે મેં વિરોધ કરેલો કે અનામતની માગણીથી આપણે આપણા ગૌરવને હાનિ શા માટે પહોંચાડવી જોઈએ? અકાદમીમાં જવું હોય તો આપણા સર્જનના જોર પર; નહીં કે સ્ત્રી હોવાને લીધે પુરુષોએ કરેલા દયાદાનને કારણે ઠરાવ તો ત્યારે ઊડી ગયો પણ મને આજ લગી મારા એ વિરોધ માટે પશ્ચાત્તાપ થયો નથી. નારીવાદી વલણ ધરાવનાર વ્યક્તિઓ મને પૂછે છે કે લેખિકાઓ પ્રત્યે ઓરમાયું વલણ રાખતા પ્રતિષ્ઠિત વિવેચકો અને નામાંકિત સાહિત્યકારો તરફ તમને ગુસ્સો નથી આવતો? ત્યારે હું તરત કહી દઉં છું – ના, નથી આવતો. કારણ કે એમનો શબ્દ અંતિમ છે એવું હું માનતી નથી. અને સાચું પૂછો તો આજે બહેનોના હાથમાં કલમ જે ત્વરાથી અને સુઘડતાથી ચાલવા માંડી છે તે જોતાં અવગણવાનો ભય અસ્થાને છે. વાચકવર્ગમાં તો બહેનોની બહુમતી છે કારણ કે એની પાસે સમય છે, શોખ છે અને સારુંનરસું પારખવાની બુદ્ધિ પણ છે. તેથી તે પોતાનો અભિપ્રાય-લેખિત અભિપ્રાય–આપવાનું સાહસ. એ કેળવાશે ત્યારે સુશિક્ષિત અને બુદ્ધિમતી સ્ત્રીઓ વિવેચનના ક્ષેત્રે રાજ ભોગવશે એ નિશ્ચિત છે. આજે જયા મહેતા, શરીફા વીજળીવાળા જેવાં નામ આદરથી લેવાય છે; કાલ સવારે બીજાં અનેક નામ ગાજશે અને તેમના નિષ્પક્ષ વિવેચનથી પુરવાર થશે કે લેખિકાઓ સામે કોઈને પૂર્વગ્રહ નથી, કોઈ તેમને હાંસિયામાં ધકેલવા માગતું નથી. ખરું જોતાં આ બાબત જ મનમાંથી કાઢી નાખવા જેવી છે. જે અપનાવવા જેવું છે તે સાહિત્ય પ્રત્યેનો દૃઢ અનુરાગ અને સતત શ્રમ કરવાની માનસિક તૈયારી. તપશ્ચર્યાનાં ફળ કોઈ વાર મોડાં મળે પણ ન મળે એવું ન બને માટે હું અમુક છું કે તમુક છું એ ખ્યાલ ખંખેરી નાખીને શુદ્ધ સાહિત્યના સર્જનમાં ખોવાઈ જાઓ એટલો અનુરોધ બહેનોને કરવાની હું રજા લઉં છું. અરે, બોલતાં તો બોલાઈ ગયું પણ ‘શુદ્ધ’ સાહિત્યની વ્યાખ્યા કરવી અઘરી છે. પંડિતો પણ મોહિત થઈ જાય અને માંહ્યોમાંહ્ય બાખડે એવો આ વિષય છે એટલે અત્યારે તો હું મારી દૃષ્ટિથી સારું સાહિત્ય શેને કહેવાય તે જણાવીશ અને જેઓ સંમત નહીં થાય તેમનો ઠપકો માથે ચડાવીશ–જે વાંચવાથી મન પ્રફુલ્લિત થાય, જ્ઞાનના સીમાડા વિસ્તરે, વૃત્તિઓ ઊર્ધ્વગામી બને, સૌંદર્યદૃષ્ટિ ખીલે અને અનુકંપા તથા સહાનુભૂતિ જાગે તેને હું સારું સાહિત્ય ગણું. આ મારો વૈયક્તિક અભિપ્રાય છે અને તે ભૂલભરેલો કે સીમિત હોઈ શકે પણ મને તો તે આજ લગી સારો કામ લાગ્યો છે. આજે પુષ્કળ પુસ્તકો પ્રસિદ્ધ થાય છે અને માત્ર સંખ્યાથી રાજી થઈ શકાતું હોય તો આપણે ખુશ થવું જોઈએ. પરંતુ એમાંથી કેટલાંયે પુસ્તકોનાં બાળમરણ થાય છે અને કેટલાંક મરેલાં જ જન્મે છે એ શું આપણે નથી જાણતાં? એને માટે જવાબદાર કોણ? લેખકો? પ્રકાશકો? કે સારો ઇરાદો ધરાવતા પણ જરાક નાસમજ દાતાઓ? આજે પુસ્તકો છપાય છે પણ બધાં વંચાતાં નથી. ચલણી નોટની પેઠે એક વખારમાંથી બીજી વખારમાં ફર્યા કરે છે અને આપણી સાહિત્યિક પ્રવૃત્તિ બહુ આગળ વધી રહી છે એવો ભાસ ઊભો કરે છે. એક પુસ્તક માણસની સામે મૂકો એટલે એની જિંદગીના ચાર-છ કલાક તમે માગી લો છો એનો તમને ખ્યાલ છે ખરો? જીવન તો અમૂલ્ય છે. કોઈના જીવનનો એક અંશ માગવો એ કેટલા મોટા સાહસનું કામ છે? બદલામાં તમે એને શું આપો છો? કશુંક યાદગાર કે મૂલ્યવાન આપી શકતા હો તો તો બરાબર, સોદો પ્રમાણિક કહેવાય. પણ તમારી પાસે આપવા જેવું કશું ન હોય માત્ર શબ્દોનું ભંડોળ અને આસાનીથી ચાલતી કલમ લઈને બેઠા હો તો પુસ્તક પ્રસિદ્ધ કરતાં પહેલાં સત્તર વાર વિચાર કરજો. મન માને પછી જ તમારું પુસ્તક પ્રજા સમક્ષ મૂકજો. આટલો આત્મસંયમ આકરો લાગે તોયે જરૂરી છે. એથી સમાજનું અને તમારું પોતાનું રૂડું જ થવાનું છે. હવે વાત આવી પ્રકાશકોની. તેમને પ્રલોભન ધંધો વિકસાવવાનું. પણ તે વિકાસ યોગ્ય દિશાનો છે? તમે જે છાપો છો તે સમાજને માટે જરૂરી છે? હાનિકારક તો નથી ને, એનો નિર્ણય કોણ કરે છે? પહેલાં એવો રિવાજ હતો કે પ્રકાશનસંસ્થાઓ પોતાની પાસે આવેલી હસ્તપ્રત વિદ્વાનો અને વિવેચકોની કસોટીમાં પસાર થાય ત્યાર પછી જ છાપવા લેતા. આજે આ નિયમનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તો બહાર પડતાં પુસ્તકોની સંખ્યામાં આશ્ચર્યકારક ઘટાડો થઈ જાય. એનું એક કારણ એ કે લેખકો પોતાના પૈસા આપીને પુસ્તક છપાવવામાં રુચિ ધરાવતા લાગ્યા છે. પ્રકાશકને તો નિરાંત. મૂડીરોકાણ નહીં અને વેચાણમાં ભાગ, શા સારુ ન છાપે? વળી કેટલાંક ટ્રસ્ટો અને દાતાઓ પણ પુસ્તકપ્રકાશન માટે દાન કરે છે. કંઈક નામનાનો મોહ, કંઈક સારી પ્રવૃત્તિ કર્યાનો સંતોષ. પણ આ બધાંનું એકંદરે પરિણામ એ આવે છે કે સારાં પુસ્તક શોધવાનું અને વાંચવાનું કામ કઠિન થતું જાય છે. સામાન્ય વાચકને એટલી સગવડ કે ફુરસદ ન હોય કે ઉત્તમ પુસ્તક શોધીને વાંચે. જે હાથવગું હોય તે વાંચે અને એના પરથી જ પોતાની રુચિ કેળવે. કેટલાંક વર્તમાનપત્રો ગ્રંથાવલોકનની કટાર ચલાવે છે તે ઉપયોગી બને, જો કટારલેખક બહુશ્રુત અને નિષ્પક્ષ હોય તો, પણ ઘઉં ઓછા ને વીણામણ વધારે એવી પરિસ્થિતિ તો નિવારવા લાયક છે જ એ અંગે વિચાર કરવો ઘટે. પુસ્તકોની કિંમત અને પુસ્તકાલયોની અછતનો પણ પ્રશ્ન મોટો થતો જાય છે. સારાં પુસ્તકાલયો યોગ્ય સંચાલનને અભાવે ઓછાં થતાં જાય છે એ એક વિષાદપ્રેરક હકીકત છે. પુસ્તકો ઝટ ખરીદવાની આપણને ટેવ નથી અને થોડી ઘણી આદત જેમને હશે તેઓ પણ વધતી જતી કિંમતને કારણે પાછા પડે છે. આકર્ષક સામયિકો મેદાન મારી જાય છે એટલે કાં તો સામયિકોની ગુણવત્તા સુધારવા પ્રત્યે લક્ષ્ય આપવું અથવા સારાં પુસ્તકો પોસાય તેવી કિંમતે આપવાના જે પ્રયત્નો મહેન્દ્ર મેઘાણી તથા એમના જેવા ભાઈઓ કરી રહ્યા છે એમને ઉત્તેજન આપવું એ બે ઉપાય છે. બીજાયે ઘણા હશે, વિચારતા રહીશું તો જડશે. ચાલો, નિરાશાપ્રેરક હકીકતો ઘડીવાર વેગળી મૂકીને આજના જમાનાની નવી નવી શોધોનો લાભ લઈએ. સાહિત્યપ્રચાર માટે આપણે કમ્પ્યૂટરની મદદ કેમ ન લઈએ? નવું શીખવા માટે કોઈ પણ ઉંમર વધારે નથી. સમયનો બચાવ, ક્ષતિરહિત રજૂઆત અને આપણે જમાનાની સાથે જ છીએ એ જાણ્યાનો રોમાંચ આપણા પૂર્વગ્રહો ન ઓગાળી શકે? ઇન્ટરનેટ પર ઉત્તમ સાહિત્ય મળી શકે. ગુજરાતી સાહિત્ય પરિષદની એક આધારભૂત વેબસાઇટ પણ આપણી પાસે હોવી જોઈએ. માહિતીને અભાવે અટકીને બેસી રહેવાનું આજના જમાનામાં આપણને ન પોસાય. જિંદગી ટૂંકી છે, કામ કરી શકાય એવાં વર્ષો ઓછાં છે અને ક્ષિતિજો રોજ વિસ્તરતી જાય છે માટે આધુનિક શોધખોળોનો પૂરેપૂરો લાભ લેવો જ જોઈએ. આપણી દુર્લભ હસ્તપ્રતો કાળગ્રસ્ત થઈ જાય તે પહેલાં એને બચાવી લેવાનાં સાધનો આજે ઉપલબ્ધ છે. તો ભવિષ્યની પેઢી આપણને ઠપકો આપે એવું શું કરવા થવા દઈએ? મૂળ વાત છે સાહિત્ય પ્રત્યેનો પ્રેમ. એ જો અકબંધ રહ્યો તો જખ મારે છે દુનિયા. આપણે જીવીશું, આપણું સાહિત્ય જીવશે અને ગુજરાતને કોઈ અલૌકિક સામર્થ્ય બક્ષશે. વચ્ચે તોફાનો થયાં, હિંસાનાં અનેક વરવાં રૂપ આપણે જોવાં પડ્યાં અને તેથીયે વરવા અપપ્રચારનો ભોગ પણ ગુજરાતને બનવું પડ્યું. આ બધું દુઃખદાયક તો છે જ, પણ ક્ષણજીવી છે. આજે આપણે સાહિત્યને નામે ભેગા મળ્યા છીએ. હિન્દુ ગુજરાતી, જૈન ગુજરાતી, મુસ્લિમ ગુજરાતી, પારસી ગુજરાતી, ખ્રિસ્તી ગુજરાતી એ વળી શું? ગુજરાતી માણસ એટલે ગુજરાતની સંસ્કૃતિનો છડીદાર, ગુજરાતી ભાષા વાપરનાર અને એને પ્રેમ કરનાર માણસ. એનો ધર્મ એની અંગત બાબત છે વિચારધારાને સ્વચ્છ અને સરળ ન રહેવા દઈને આપણે ઘણી બધી ગરબડ ઊભી કરી છે. એનાથી કોઈને સુખ નથી થતું. હમણાં જ એક પાંચ વરસની બાલિકાએ મુગ્ધભાવે પૂછ્યું હતું, ‘ગાંધીજી ખરેખર મરી ગયા છે?’ એની માએ કહ્યું, ‘હા, કેમ?’ બાલિકાએ થોડો વિચાર કરીને કહ્યું, ‘એટલે જ આ બધો કચરો ભેગો થયો છે, નહીં?’ એ તો રસ્તા પરના કચરાની વાત કરતી હતી. એના મનમાં ગાંધીજી એટલે સ્વચ્છતાના આગ્રહી એટલો જ ખ્યાલ હતો. પણ નિર્દોષતાથી કહેવાયેલા એના શબ્દોમાં કેટલું મોટું સત્ય છુપાયેલું છે? ગાંધીવિચારના લોપથી સમાજમાં કેટકેટલી જાતના કચરા ભેગા થયા છે! એને કાઢવાની આપણી ફરજ નહીં નિભાવીએ તો એક દિવસ એ કચરાના ઢગમાં આપણે જ દટાઈ જઈશું. ક્યારે આપણે એ છોકરીને અને એના જેવાં બીજાં અનેક બાળકોને કહી શકીશું કે હવે ગાંધીજી નથી પણ અમે છીએ ને, અમે કચરો સાફ કરીશું–તમે ચિંતા ન કરો! અને આપણે તો મોટું પર્વ ઊજવવા બેઠા છીએ : આપણે શતાબ્દીનો ઉત્સવ મનાવવો છે. મન મોકળું મૂકીને એકમેકનો હાથ ઝાલીને આપણે ઈશ્વરનો ઉપકાર માનવાનો છે કે આપણી વહાલી ગુજરાતી ભાષાને સમર્પિત થયેલી આ સાહિત્ય પરિષદ સો વર્ષ પૂરાં કરે છે! જ્યારે આપણે ઘેર કોઈ પણ શુભ પ્રસંગ આવે છે ત્યારે સ્ત્રીઓ ગાય છે – ‘શેરી વળાવી સજ્જ કરું હરિ આવો ને!’ આમાં આંગણું કે ફળિયું નહીં, આખી શેરી જ સ્વચ્છ કરવાની વાત આવે છે. આપણે પણ સૌથી પહેલાં બધી જાતની કલુષિતતા અને સંકુચિતતા દૂર કરીશું ને? પરિષદથી સકારણ કે અકારણ દૂર રહેતા સાહિત્યકારોને મનાવીને પાછા આપણી પાસે લઈ આવીએ તો જ આપણો અવસર શોભે ને! મેં શરૂઆતમાં જ તમને કહ્યું હતું ને, પરિષદ તમારા સૌની છે. ફક્ત રઘુવીર ચૌધરી કે ધીરુબહેન પટેલની નથી. એનાં તમામ કામ તમારે બધાંએ જ કરવાનાં છે. અમને ચીંધશો તે અમે પણ કરીશું. ચાલો, મોકો મળ્યો છે તો શતાબ્દીની ઉજવણીની મારી કલ્પના તમને કહી દઉં. શતાબ્દી નિમિત્તે આપણે પરિષદને પ્રજા સમીપ લઈ જવી છે. માત્ર અમદાવાદ, મુંબઈ જેવાં શહેરોમાં નહીં, અનેક નાનાં મોટાં શહેરો અને ગામડાંમાં ગુજરાતીઓ રહે છે, અન્ય પ્રાંતોમાં પણ ઘણાબધા ગુજરાતીઓ વસ્યા છે. આ તમામ સ્થળોએ પરિષદની પ્રવૃત્તિ ચાલવી જોઈએ. દરેક જગ્યાએ પરિષદ એક ખાસ મિત્રને નિયુક્ત કરે જે મુખ્ય કાર્યાલય સાથે સંપર્કમાં રહીને પ્રજા અને પરિષદ વચ્ચે સેતુનું કામ કરે. લોકોને એમ લાગવું જોઈએ કે પરિષદ અમારી છે, અમારી ભાષાનું, અમારા સાહિત્યનું કામ એની દ્વારા થાય છે. માટે અમે અમારો બનતો ફાળો જરૂર આપીશું. ભાષાનો પ્રચાર, સાહિત્યનો સંપર્ક અને ગુજરાતીપણાનું ગૌરવ એ અમારું ધ્યેય હશે અને એ ધ્યેય પાર પાડવાના પ્રયત્નોથી અમે સૌ એકબીજાની નિકટ આવીશું અને એક સુદૃઢ સંસ્કારી ગુજરાતી સમાજનું નિર્માણ કરીશું. આ મારું સ્વપ્ન છે. તમે ઇચ્છો તો એને આકાર આપી શકો, ધરતી પર ઉતારી શકો. શતાબ્દી નિમિત્તે આપણે વિશિષ્ટ અનુદાન આપનારા સો આજીવન સભ્ય ન બનાવી શકીએ જે માત્ર પૈસા આપીને ખસી ન જાય પણ પરિષદના કામને પોતાનું ગણી ઉત્સાહપૂર્વક માર્ગદર્શન આપે અને બીજા સાથીઓને લઈ આવે? ઝાઝા હાથ રળિયામણા–ચાળીસ જણની સમિતિ તે કરી કરીને કેટલું કરશે? આપણે તો આભને આંબવું છે. પણ તાડની માફક ઊંચા નથી વધવું. ધરોની માફક બધે ફેલાઈ જવું છે ને ધરતીને હરિયાળી કરવી છે. ગુજરાતીપણાની સુવાસ ફેલાવવી છે. આપણને વ્યાપારી માણસો તરીકે ક્યારેક ઓળખાવવામાં આવે છે. આમાં થોડો ઉપાલંભ રહેલો છે. આપણે જાણીએ છીએ છતાં એ ઓળખાણ સ્વીકારી લઈએ છીએ. હવે મને કહો કે જે વ્યાપારી ફક્ત આયાતમાં શૂરો હોય અને નિકાસમાં કાચો હોય એને આપણે બાહોશ ગણીશું કે? છતાં જુઓ કે સાહિત્યની બાબતમાં આપણે લગભગ એ જ કર્યું છે. અનુવાદ દ્વારા બીજી ભાષાનાં પુસ્તકો આપણે ત્યાં જેટલાં સુલભ કર્યાં છે તેટલા પ્રમાણમાં આપણા ઉત્તમ સાહિત્યકારોને બીજી ભારતીય અને પરદેશી ભાષામાં સુલભ કર્યા નથી. આપણે આવા નમ્ર કે શરમાળ રહીશું તો ‘શું શાં પૈસા ચાર’નું બિરુદ કાયમનું થઈ જશે. એ કંઈ આપણને શોભતી વાત નથી. આપણી પરિષદ અનુવાદની પ્રવૃત્તિ ચલાવી રહી છે તેને વેગ આપવા માટે વિવિધ ભાષાની ઉત્તમ જાણકારી હોય એવા ખંતીલા વિદ્વાનોની આપણને જરૂર છે. શતાબ્દીની ઉજવણીના એક ભાગ રૂપે આપણે અનુવાદનું મહત્ત્વ સ્વીકારીએ અને આયાતનિકાસની સમતુલા જાળવીએ તો જ આપણે સાચા વ્યાપારી. શતાબ્દી નિમિત્તે આપણે એક વર્ષમાં સો સાહિત્યિક કાર્યક્રમો ગોઠવવા જોઈએ. જુદાં જુદાં સ્થળોએ સ્થાનિક સાહિત્યકારો આયોજન કરે અને પરિષદ તરફથી એક કે બહુ તો બે વ્યક્તિઓ હાજર રહે એવું થાય તો પ્રજાને સાહિત્યનો સંપર્ક રહે અને ઉત્સાહ વધે. કવિસંમેલન, મુશાયરા, સાહિત્યના પ્રકારો વિશે પરિસંવાદ એવું તો સામાન્ય રીતે ગોઠવાય છે જ. તેમાં નવાં મૌલિક નાટકોનું નાટ્યપઠન, એક ટૂંકી વાર્તા લેખકને મોંએ સાંભળ્યા પછી તરત જ શ્રોતાઓ દ્વારા એની ચર્ચા, લેખનશિબિરો, પ્રાદેશિક બોલીઓ વિશે ચર્ચા, લોકસાહિત્યની વર્તમાન પ્રસ્તુતતા, બાળસાહિત્ય, પ્રકાશકના પ્રશ્નો, વર્તમાનપત્રની સાહિત્યિક કટારોનું મૂલ્યાંકન એવું ઘણુંબધું ઉમેરી શકાય. જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં કોઈ ને કોઈ સાહિત્યપ્રેમીએ કલમ ઉપાડી જ હોય. એમને માથે ભાર નાખી બાકીની પુરવણી આપણી સાહિત્યપરિષદ કરી શકે. પ્રશ્ન રહે ખર્ચનો, તો એમાંય ઘણીબધી કરકસર કરી શકાય. આપણે જાનૈયા નથી, સાહિત્યપ્રેમીઓ છીએ, એટલું યાદ રાખીએ તો આયોજકોનો શ્રમ અને ધનવ્યય ઓછો થઈ જાય. આ પરિષદના ભૂતપૂર્વ પ્રમુખ રામપ્રસાદ બક્ષીએ સાન્તાક્રૂઝમાં નાની સરખી સાહિત્ય સંસદ સ્થાપેલી તે આજે પણ ચાલે છે અને તાજેતરમાં એની પંચોતેરમી બેઠક ઊજવાઈ. સભ્યોના મહેમાનો માટે પાંચ રૂપિયાની પ્રવેશ ફી, વક્તાને પ્રવાસખર્ચ કે પ્રતીક-પુરસ્કાર એવું કશું જ ધરવાનું નહીં, માત્ર એક ધ્યાને સાંભળ્યા બાદ સ્પષ્ટ પ્રતિભાવ આપવાનો અને એક જ કલાકમાં આખો મામલો પતાવી દેવાનો એવી આ બેઠકોની રૂપરેખા છે અને થોડા ઘણા ફેરફાર સાથે અનેક સ્થળોએ આવી સાપ્તાહિક પ્રવૃત્તિ ચાલતી રહે તો સાહિત્યની આબોહવા બંધાવામાં ઘણી મદદ થાય એ નિર્વિવાદ છે. લેખન ચાલતું રહેવું જોઈએ અને લેખકોને પણ કૌટુંબિક જવાબદારીઓ હોય છે એ સ્વીકારાવું જોઈએ. તેમનું શોષણ ન થાય એ જોવાની જવાબદારી ગુજરાતી લેખક મંડળ જેવી સંસ્થાએ ઉપાડી લીધી છે અને ભારતમાં કદાચ પહેલી જ વાર એનો ટ્રેડ યુનિયન તરીકે સરકારી નોંધણી દ્વારા સ્વીકાર થયો છે એ ઘટનાની સહર્ષ નોંધ લેતાં શતાબ્દી વર્ષમાં આપણે આ દિશામાં વધારે આગળ વધીએ એવી ઇચ્છા અસ્થાને ન ગણાય. દરિયાપારના દેશોમાં વસતા ગુજરાતીઓ પોતાની ભાષા ભુલાઈ ન જાય એટલા માટે સભાન અને સઘન પ્રયત્નો કરી રહ્યા છે. સાહિત્યિક મંડળો ચલાવે છે, સામયિકો કાઢે છે, પુસ્તકો પ્રસિદ્ધ કરે છે, સ્થાનિક સર્જકો જનતા સમક્ષ પોતાની કૃતિઓ મૂકી શકે એને માટે સમારંભો યોજે છે અને ક્યારેક ગુજરાતમાં વસતા સાહિત્યકારોને પણ નોતરે છે. એ લોકોને મદદરૂપ થાય તે માટે ગુજરાતી ભાષાથી પરિચિત થવાય એવી નાની પુસ્તિકાઓ, સ્પષ્ટ ઉચ્ચાર અને સ્વરભાર શીખવતી કૅસેટ વગેરે શૈક્ષણિક સાધનો તૈયાર કરવામાં પરિષદ પોતાનો ફાળો આપી શકે. એ પણ એક કમાલની વાત છે કે જન્મભૂમિથી જેટલું ભૌગોલિક અંતર વધે તેટલી એ આપણા અંતરની વધુ નિકટ આવતી જાય છે. પોતાનાં મૂળિયાંથી વિખૂટા પડવાનો ડર સૌને સતાવે છે અને સોએ સો ટકા વિદેશી બનવામાં ત્યાંના પ્રજાજનોનો પૂર્વગ્રહ અને આપણી કેટલીક મર્યાદાઓ નડે છે એટલે વતનની ભાષાને ઝનૂનપૂર્વક વળગી રહેવાનો આગ્રહ અહીંથી ત્યાં ગયેલા લોકોની પહેલી પેઢીને તો હોય છે જ. કેટલીક વાર વયોવૃદ્ધ કે રોગગ્રસ્ત અથવા અન્ય કોઈ કારણને લીધે અર્થોપાર્જન માટે અશક્ત બની ગયેલા લેખકોની હાલત દયાજનક બની જતી હોય છે. પરિવારની ઉપેક્ષા અને ઉપાલંભ લેખકના ઊર્મિશીલ હૃદયને વસમાં લાગે એ બહુ સ્વાભાવિક છે. આવા સંજોગોમાં જો તેમના પ્રત્યે સહાનુભૂતિ અને આદરભર્યું વર્તન રાખી લેખકોની યુવાન પેઢી અવારનવાર મુલાકાત લે કે અન્ય રીતે સંપર્ક રાખી શકે તો કેવું સારું થાય! વળી આપણી સાહિત્યપરિષદ આ નિમિત્તે એક ખાસ નિધિ ઊભો કરી તેમને આર્થિક સહાય પણ આપી શકે અને તે એમનું સ્વમાન ઘવાય નહીં એવી રીતે, શતાબ્દી નિમિત્તે આ પણ એક કરવા જેવું કામ છે અને મને ખાતરી છે કે ગુજરાતના ધનાઢ્યો ધારે તો ચપટી વગાડતાં કરી શકે એટલું સહેલું છે. આપણા મુખપત્ર ‘પરબ’ને પણ આપણે છે એના કરતાં ઘણું વધારે આગળ વધારી શકીએ. ‘પરબ’ ગુજરાતી ઘરોમાં હોવું જ જોઈએ એવી એક હવા બંધાય તો બીજી બધી વિગતો એની મેળે ગોઠવાતી આવે. લેખકો એમ માને કે આપણી કૃતિ ‘પરબ’માં છપાય તો જ ‘પરબ’ આપણું, નહીંતર નહીં એ તો ન જ ચાલે ને? સાહિત્ય પરિષદના, સાહિત્ય જગતના બધા સમાચાર બરાબર મળતા રહે. પ્રવાહો કેણી ગમતા વહે છે તેની ખબર પડતી રહે અને ભલે ને, આપણું નહીં-બીજાનું, પરંતુ અદ્યતન મૌલિક સર્જન વાંચવા ને માણવા મળે એટલું બસ નથી? ચાલો, આપણે ‘પરબ’ને સમૃદ્ધ કરીએ, તંત્રી સાથે પત્રવ્યવહાર કરીને આપણી અપેક્ષાઓ જણાવીએ ને પત્રો ‘પરબ’માં છપાવા જ જોઈએ એવો આગ્રહ ન રાખીએ તો વિચારોનું આદાનપ્રદાન કરવામાં મુશ્કેલી ન નડે. એક મોકળી હવા વહેતી રહે જે કોઈ પણ સામયિકને માટે જરૂરી છે. આપણા મુખપત્ર માટે તો ખાસ. જ્યાં ઘણા ગુજરાતીઓ વસતા હોય અને એમનો સાહિત્યપ્રેમ આંખે ઊડીને વળગે એ રીતનો છલકાતો હોય ત્યાં પરિષદની શાખા પણ ઊભી થઈ શકે. આવી ઘણીબધી શાખાઓ વધવાથી પરિષદનું સ્વરૂપ જોખમાય નહીં પણ કબીરવડની પેઠે સન્માનને પાત્ર બની રહે એ જોવાની જવાબદારી આપણા સૌની. શતાબ્દીની ઉજવણી આ રીતે કરીએ તો બીજી શતાબ્દી વખતે વળી પાછું ઘણું ઘણું નવું અને તે જમાનાને અનુરૂપ કરી શકાય. વ્યક્તિના જીવનમાં સો વરસ એટલે મોટી વાત પણ સંસ્થાના જીવનમાં તો એ પાશેરામાં પહેલી પૂણી! આપણા સૌની વહાલી ગુજરાતી ભાષાની આ શિરમોર સંસ્થા હજી તો ઘણી શતાબ્દીઓ જોશે અને દિનપ્રતિદિન પ્રગતિ કરતી રહેશે એની આશા વ્યક્ત કરતાં હું આપ સર્વનો મારું પ્રવચન શાંતિથી સાંભળવા બદલ આભાર માનું છું. આમાંની કોઈક વાત તમને ગમી ગઈ હોય અને તમે એમાં સક્રિય મદદ કરવા તત્પર થાઓ તો તો મારા આનંદનો પાર નહીં રહે. યા દેવી સર્વ ભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ