સોરઠને તીરે તીરે/૮. હે... અલ્લા!: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૮. હે... અલ્લા!|}} {{Poem2Open}} સ્વપ્નું ચાલે છે: બખાઈલાલ અને અરબાણીલા...") |
(No difference)
|
Revision as of 10:31, 2 March 2022
સ્વપ્નું ચાલે છે: બખાઈલાલ અને અરબાણીલાલ વચ્ચે હીંચકો બાંધીને જાણે કોઈક મને ફંગોળી રહેલ છે. જાગ્યો. મછવો ડોલે છે. પાણીના હડૂડાટ થાય છે. હમણાં જાણે દરિયો ડાબી બાજુથી મછવા પર ચડી બેસશે. હમણાં જાણે જમણી બાજુથી જળ ભરાઈ જશે. કૂવામાં બોખ જેવી દશા એ નાનકડા મછવાની બની રહી હતી. ધડ: ધડ: ધડ: મછવાને તળિયે જાણે કોઈક હથોડા પછાડી રહ્યું છે. ઘડિયાળના સ્વયંપ્રકાશિત લીલા કાંટા સાડા ત્રણના આંકડા પર હતા. વિધાતાના જ લખ્યા એ જાણે આંકડા હતા. અંધારૂ ઘોર: તારાઓ સૂનમૂન: તરંગોના પછાડ: તળિયેથી કોઈ કુહાડાના પછડાટો: દૂર દૂર પોતાની કેફચકચૂર આંખને મીંચતો ને ધીરે ધીરે ખોલતો, ચાંચના ખડક પરનો નવો કંદેલિયો. મારી આંખો સામતને શોધતી હતી. સામતભાઈ, એકલો મૂંગો મૂંગો વાંસડો લઈને તળિયાના પથ્થરો સાથે જોર કરે છે, ઘડીક શઢનાં દોરડાં ફેરવી ફેરવી મછવાને ઉગારવા મથે છે. "સામતભાઈ, સામતભાઈ!" મેં પોકાર્યું: "આ શું થાય છે? આપણે ક્યાં છીએ?" સામતભાઈને ખુલાસો કરવાની વેળા નથી. દરિયો હડૂડે છે. વરૂ જેવાં વિકરાળ મોજાં એક તરફથી મછવાને થપાટો દઈ, બીજી બાજુએથી અંદર ચડવા આવે છે. ઘૂઘો પગી ઉઠ્યો: "એલા સામત, ક્યાં ભેખડાવ્યું?" ઉગાર સારુ મથી રહેલ સામતે દીન શબ્દે ઉત્તર વાળ્યો: "દાંતીમાં ભરાણો છે મછવો." બીજો વાંસડો લઈ ઘૂઘો કૂદ્યો. મથતાં મથતાં પૂછે છે: "કેમ કરતાં? ઝોલે ગ્યો'તો તું?" "અરે, ઝોલે શું જાઉં? પીરેથી મછવો પાછો વળ્યો, પણ સામી વીળ્ય દાંતીની ગાળીમાંથી નીકળવા જ દેતી નથી. બે વાર તો ઠેઠ ભેંસલે જાતો મછવાને નાખી દીધો. હેરિયાં કરી કરીને (શઢ ફેરવી ફેરવીને) આંઈ પાછો લાવું છું, પણ મારીને પાછો કાઢે છે. આ વેળ કાદાને માથે ચડી ગયા છીએ." "હવે શું થાય, હેં ઘૂઘાભાઈ?" વિદ્વાને પૂછયું. "કાંઈ નહિ, ભાઈ!" ઘૂઘો કહે છે: "તમે તમારે સૂઈ જાવ. અમે હમણે મછવાને બા'રો કાઢશું." સૂઈ જાવ! વિદ્વાનને આ મોતના મુખમાં સૂઈ જવાનું કહેનાર ખલાસી એ કાળી રાતનો કોઈ મૃત્યુંજય દેખાયો. "ના ના, ઘૂઘાભાઈ!" વિદ્વાને વ્યાકુળતા છુપાવવા માંડી: "હું તમને કશી મદદ કરી શકું તેમ છું?" "ના રે ના, સા'બ! તમે શી મદદ કરો!" એમ કહેતાં એ બે ખલાસીઓ પ્રકૃતિના આ કાવતરાની સામે ઊતરી પડ્યા. નીચે પગ ચીરી નાખે તેવા ધારદાર પથ્થરોની દાંતી હતી. મછવાને પછાડીને મોજાં હમણાં જ ચડી બેસશે એવો આખરી મામલો હતો. મછવાની અંદર એક જીવતા જીવનું, અમલદારોના ઓળખીતાનું, ઘડીકમાં ગભરાઈ જાય અને ફડકે ફાટી પડે તેવી વાણિયા જ્ઞાતિના રતનનું જોખમ હતું. "હે....અલ્લા! હે....અલ્લા! હે....અલ્લા!" શ્વાસે શ્વાસે એ કરુણ રાગના અવાજ દેતા, બેઉ નાવિકો જહેમત કરતા હતા. સામે મોજાં ઘૂરકતાં હતાં. નીચે દાંતી દાંત ભરાવતી હતી. આઘે આઘે શિયાળ અને ચાંચની ધરતી કોઈ વિરાટ શબો જેવી સૂતી હતી. ભૂતના ભડકા કાઢતો કંદેલિયો ચાંચને પાછલે છેડે હાંફતો હતો. કાળી રાત હતી, કાળાં નીર હતાં. ભેંસલો ખડક જાણે વાટ જોતો હતો કે ક્યારે મછવાના કટકા થાય! એ બધી કાળાશ વચ્ચે, એ સૂનકાર રાત્રિના ખા...ઉં! ખા...ઉં! બોલતા લોઢરૂપી ચુડેલો વચ્ચે, જીવનમરણનો જંગ ખેડતા બે ધીર મર્દોની એ વાણી કેવી સંભળાઈ હશે - "હે....અલ્લા! હે....અલ્લા! હે....અલ્લા!" એમાં તીણી ચીસો નહોતી. બુલંદ પોકાર નહોતો. જેને સંળાવવું છે તે જાણે કે પોતાની નજીક, પોતાની બાજુએ જ આવી ઊભો હોય એવો હળવો, મીઠો ને આખરી વેળાનો છતાં કાકલૂદી વગરનો, સાચા પુરુષાર્થનો એ અવાજ હતો. એ રાગણી મૃત્યુ સુધી સાંભરે તેવી હતી, એ પ્રાર્થના પવિત્ર હતી, કેમ કે પુરુષાર્થના કંઠની એ પ્રાર્થના હતી. કાદા ઉપરથી મછવો ભરદરિયે કાઢીને પાછો સામતભાઈ બહાર નીકળવા ચાલ્યો ત્યાં ને ત્યાં: મોતના મોંમાં. "હેં ભાઈ!" મેં અંદરની આકુલતાને ડહાપણની વાણીમાં વીંટાળીને કહ્યું: "વીળ્ય ઊતરી જાય ત્યાં લગી લોથારી નાખીને મછવો હોદારી આંહીં જ પડ્યા રહીએ તો શી હરકત છે? મારે કાંઈ પોટે પોગવાની ઉતાવળ નથી." (ભાષા મેં પકડી લીધી હતી!) "અરે ના રે, ભાઈ!" સામતે નોક બતાવ્યો: "એમ કાંઈ બીને આંઈ પડ્યા રે'વાશે?" એ ચોથી વાર સામતે દાંતીમાંથી મછવાને પાર કરી દીધો.
"કાં સામતભાઈ!" ફરી વાર ઊંઘમાંથી બકીને મેં પડકાર્યો એને: "વળી કેમ મછવાનું તળિયું ભટકાય છે?" "ના ભાઈ, હવે તો પાધરો હાલ્યો જાય છે." સુકાન પર ગૂંચળું વળીને બેઠેલ ખલાસીએ ઝોલાંમાંથી જવાબ વાળ્યો. મછવો આ વેળા ‘કાદા' ઉપર નહિ, એટલે કે ખડક ઉપર નહિ પણ ‘ડાંડાં' ઉપર (રેતાળ જમીન ઉપર) ભટકાતો હતો. "સામત, તું થાકો છો, મુંણે સોખવાણ દે. તું સૂઈ જા." ઘૂઘા પગીએ સુકાન લીધું. ખાડીનાં પાછાં વળતાં પાણી પ્રભાતે બડબડિયાં બોલાવીને મને પૂછતાં હતાં: "કાં મિસ્તર! બાપડા આવા ભૂખલ્યા કંઠાળ દરિયામાંય એક રાતનો અનુભવ મહાન કોઈ પરાક્રમનો પ્રસંગ લાગી ગયો? આવી કંગાલ વાત કરી કરીને ધરતીનાં લોકોની વચ્ચે વીરમાં ખપશો કે?" માથું નમાવીને મેં ઉત્તર દીધો: ‘હે સાગર! અભિમાનનો વિષય નહિ બનાવું; પણ આ એક રાત્રિના એક પ્રહર પરથી ત્રિરાશી બાંધીને નાવિકોના ધીર જીવનસંગ્રામની વેદના સમજાવીશ.' બાદી એ લેખકનો એક મહાન ગુણ છે. અપ્ટન સિંકલેર પોતાની આત્મકથામાં લખે છે કે જ્યારે અમુક સ્ત્રીઓએ મને ‘ઓહો! એ તો લેખક છે!' એ શબ્દોમાં કોઈ ભવ્ય પ્રાણી તરીકે પ્રશંસ્યો, ત્યારે તે બિચારીઓને ખબર નહોતી કે લેખક એટલે તો સદાની કબજિયાતથી પિડાતું પ્રાણી! સિંકલેર જો અત્યારે આ મછવામાં હોત તો પોતાના એ દુર્ભાગ્યને કેવું સૌભાગ્ય સમજત! એ ગુણની સાચી મહત્તા તે પ્રભાતે મપાઈ ગઈ. દસ વર્ષની લેખનસાધના પછી પણ એ પરમસિદ્ધિથી વંચિત રહી ગયેલા આ અધૂરા ગ્રંથકારે મછવાની અંદર સર્વત્ર નિરીક્ષણ કરી-કારવીને લાચાર મોંએ પૂછ્યું: "ઘૂઘાભાઈ, ઝાડે ફરવાનું શું સાધન છે આંહીં?" ઘૂઘો પગી મૂંઝાયો; ઉભો થયો: "જુવો સા'બ!" એમ કહેતો મછવાની પછવાડે ઉતર્યો. સુકાનનો ડાંડો બે હાથે ઝાલ્યો. સુકાનનો પાણીમાં રહેતો જે પંખાનો ભાગ, તેની ઉપર વાંદરાની પેઠે પગનાં આંગળાં ભરાવીને ‘દસ્ત-આસન' વાળ્યું: પછી બોલ્યો: "અમે તો, ભાઈ, આ રીતે કળશીએ બેસીએ. બીજો ઉપાય ન મળે." ઠીક છે. વાંદરા પણ આપણા વડવા જ હતા ને! જળસમાધિ ન લેવાઈ જાય તો તો અડચણ નથી, એમ વિચારીને હું પણ મછવાની પાછળ ઊતરવા લાગ્યો. "ભાઈ, બેસી શકશો?" "કંઈ નહિ, તરતાં આવડે છે." કહેતે બે પગે ને બે હાથે સુકાનના ડાંડાને મર્કટ-શૈલીએ ચોંટી પડી, ચાલતે મછવે હાજત પતાવી. પોર્ટ વિક્ટરના વિશાળ ખાળામાંથી ખળખળીને દરિયા-જળ પાછાં વળતાં હતાં. કુંજડાં પંખીની પંક્તિઓ ને પંક્તિઓ, નીલ આકાશમાંથી વિખરાયલ કોઈ કાબરચીતરાં મોતીની મોતવાળ જેવી, મેરામણ ઉપર ઊડી આવતી હતી. કાઠિયાણીના કંઠ-શા એના લંબાયમાન આનંદ-સૂરો મને એક કાઠી લગ્ન-ગીતની, છ વર્ષો પર સાંભળેલી પંક્તિઓ સંભારી દેતા હતા: લાંબી ડોકે કુંજડ રાણી! અને તારાં મધદરિયે મનડાં મોહ્યાં રે, કુંજડ રાણી!
કાળી પાંખે કોયલ રાણી! અને તારાં આંબલિયે મનડાં મોહ્યાં રે! કોયલ રાણી!
રાતે ચૂડે સોમબાઈ રાણી! અને તારાં જેતપર ગામે મનડાં મોહ્યાં રે! હો વહુરાણી!