સોરઠને તીરે તીરે/૧૦. નાવિકોના લોકગીતો: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૦. નાવિકોના લોકગીતો|}} {{Poem2Open}} આથમતા કાળની ભૂખરી પ્રભામાં અમ...") |
(No difference)
|
Revision as of 10:46, 2 March 2022
આથમતા કાળની ભૂખરી પ્રભામાં અમે એમને દીઠી: જેમના ચારિત્ર્યની ગિલા - નિંદા ડગલેપગલે સાંભળી હતી તેમને: કતપર ગામની ખારવણ બાઈઓને. ઊંચા ઊજળા મનાતા વર્ણોને મુખે સાંભળ્યું હતું: બગડેલ ગામ! ભ્રષ્ટ શિયળ! વેશ્યાવડો! એ લોકોને બ્રહ્મચર્ય ન મળે! ધારણા રાખી હતી કે હશે: ફૂલફગરના ઘેરદાર ઘાઘરા, આછકલી ઓઢણીઓ, પાતર-શી ઓળેલી લલાટ-પાટીઓ, વશીકરણનાં નખરાં, છાકટાઈ, મોજીલાં જીવન, મદોન્માદી મુખબોલ - એવું એવું બધું હશે. તેલ-અરીસા હશે, ભોગની સાહેબી બધીયે હશે, નવરાશ હશે: છકેલીઓ નિર્દોષ શહેરને વણસાડી રહી હશે. પણ અમે સાચોસાચ શું દીઠું? ગામ ખાલી દીઠું. છૂટાછવાયા હતા તેઓને પૂછ્યું: "ક્યાં ગયાં લોકો?" "મરદો દરિયાની ખેપે, ને બાઈઓ મ'વે મજૂરી કરવા." (મહુવા કતપરથી બે ગાઉ થાય.) "ક્યારે પાછી આવે છે બાઈઓ?" "દી આથમ્યે." "રોજ સવારે ચાર મૈલ જાય, ને રોજ રાતે ચાર મૈલ ચાલતાં આવે?" "હાસ્તો, નીકર ખાય શું? પથરા?" સંધ્યાની ભૂખરી પ્રભામાં અમે એ હીણાયેલીઓનાં ટોળેટોળાં વળી આવતાં દીઠાં: ખેડૂતોની વહુદીકરીઓ પહેરે છે તેવાં ધીંગાં, ગૂઢા રંગના થેપાડાં ને ઓઢણાં, ક્યાંય રંગોની ભભક નહોતી. નમણી, નિસ્તેજ, થાકેલી, રજે ભરેલી, વાજો..વાજ વહી આવે છે. એને નખરાં, હાવભાવ અને કામબાણ છોડવાની વેળા ક્યાં છે! શક્તિ ક્યાં છે! વેપારીઓનાં કારખાનાંઓમાં પોતાના બળજોર નિચોવીને તો એ બાપડી ચાલી આવે છે. ભૂખી હશે. ઘેર જઈ રાંધશે ત્યારે ખાવા પામશે. પરોઢના ચાર બજતાં તો પાછી ફફડીને જાગશે. હાથમાં, ખંભે, કાખમાં કે ખોળામાં નાનું અક્કેક બાળ લીધું છે: કોઈ બે જ મહિનાનું, કોઈ બારનું, છાતીએ ધવરાવતી આવે છે; રમાડતી, હિલોળતી, ચૂમતી આવે છે. ગોરજ વેળાએ હીંહોરા દેતું, ઘેર ખીલે બાંધ્યાં વાછરુંને માથે જાણે ઘેનુઓનું ધણ ધસ્યું આવે છે. એના ચહેરા ઉપર શું શું લખાયેલું હતું? વિલાસની રેખાઓ હતી? ના, ના, એ તો હતી વેદનાની, રોટલાના ઉચાટની, ધણીઓના ચિરવિજોગની કપાળ-કથાઓ. આખે માર્ગે એ ધણેધણ માનવ-ગાવડીઓ ધૂળનાં ડમ્મર ચડાવતી ચાલી આવતી હતી. વેપારીઓની ઊન ફોલતાં વૃંદેવૃંદ દીઠાં એનાં. આઠ વરસની કુમારિકાઓથી લઈ સાઠ વરસની ડોસીઓ: માથાનાં પિંખાયેલાં જીંથરકાંમાં ઊનની કીટી અટવાયેલી: કામ કરતાં કરતાં ભૂખ્યું પીંજર લૂખા રોટાલાંનાં બટકાં ચાવે: ઝોળીમાં સુવાડેલ છોકરાં ઉપર ઓઢાડવા હોય છે ઊનના લચકા! આ બગડેલીઓ - ને આપણે ઘેર સતીત્વના ઈજારા! અમે દીઠા એના ઘેરા ને ધેરા બંદર પર કામ કરતા: વહાણોમાંથી માંગલોરી નળિયાં, મલબારી લાકડાં ને ગૂણીઓના કોથળા વહે છે. ગાણાં ગાય ને થાક વીસરે છે. ગાળો ખાય ને હસી નાખે છે. ગૂઢાં વસ્ત્રો, ગંભીર ચહેરા, પગની પિંડીઓ ઉપર વહાણ-આકારનાં છૂંદણાં. એકાએક સાંભળે કે વહાણે ચડેલ ધણી, દીકરો અથવા ભાઈ અમુક દરિયે ડૂબી મૂઆ. "પછી બાઈ, તમને વહાણના માલેકો કંઈ જિવાઈ-બિવાઈ આપે ખરા?" "અરેરે ભાઈ, છોકરાના હાથમાં એક પાયલીયે નહિ. ને પછી અમે એને આંગણે જઈને અમારું કાળું મોઢું શું બતાવીએ?" આ ભ્રષ્ટાઓ - ને આપણે ગાદીખુરશીના બેસતલ ચારમણિયા ચરબીવંતો પવિત્ર! હવસની પૂતળીઓ ન્હોય આવી. વિલાસના મંદિરો ત્યાં ઊભાં હશે - ધનવંતોએ બંધાવેલાં. એ દ્રવ્યમંદિરોની દેવદાસીઓ કોણે બનાવી આ ખારવણોને? કોણે એનાં કલેવરો વેચાતાં લીધાં? કોણ ફસાવનાર? ને કોણ ફસાયેલ? જવાબ પૂછવાથી જડાશે નહિ. પોતાની કાળપ ઢાંકવા પરાયાને કાળું કહેનાર આપણે ઉજળિયાતો! પેટના ખાડા પૂરાવા સારુ પોતાનાં ખોળિયાં વેચનારાંને આપણાં નીતિ – અનીતિનાં ત્રાજવાં નહીં તોળી શકે. એનાં જીવતરમાં તો ચીરા પડ્યાં છે: જીવનની શૂન્યતાને પૂરવા કદાચ એ પરાયાં ક્લેવરો સેવતી હશે, પણ એ એનું સાચું જીવન નથી. એના જીવના- પડછાયા તો સાચા ને સુરેખ અંકાયા છે એનાં લોકગીતોમાં. જેવું છે તેવું, વણછુપાવ્યું જિગર એણે ગીતોમાં વહાવ્યું છે – જોબનિયાં મારાં મલબારી પંથમાં હાલ્યાં, જોબનિયાં કાલ્ય આવતાં રે’શે! જોબનિયાં તમે દારૂ પીને ગાંડાં થિયાં, જોબનિયાં કાલ્ય આવતાં રે’શે! ઊનને કારખાને ઉના ફોલતી બાઈઓને વીનવી કે, તમારા નાવિક-જીવનનો પડઘો ઝીલતાં કોઈ લાક્ષણિક ગીતો ગાશો? “અરે ગાશે, જરૂરા ગાશે, ભાઈ!” ગામલોકોએ કહ્યું. “એલી એય બાયું, આંહીં ભેળાં થઈને ભાઈને ગીત સંભળાવો. ચાલો, ઝટ કરો.“ મેં કહ્યું: “ના, દબાણ કરીને નથી ગવરાવવું. એને કશો સંકોચ ન હોય, ને જો લહેરથી ગાય તો જ સાંભળીએ.” “એને સંકોચ હોય જ નહિ. એને તો ઊલટી મોજ આવે. હાં, ચાલો બાઈઓ ગાવા માંડો!” -ને પછી નાનીમોટી પંદર-વીસે ઉપાડયું એ વહાણવટીને વિદાય દેતી વેળાનું ગીત: જોબનિયાં મારાં મલબારી પંથમાં હાલ્યાં, જોબનિયાં કાલ્ય આવતાં રે’શે! જોબનિયાં તમે દારૂ પીને ગાંડાં થૈયાં. – જોબનિયાં૦ જોબનિયાં તમે લીલે ગલાસે લાણું કરિયું. – જોબનિયાં૦ જોબનિયાં તમે ગુલાબી દારૂ લાવો. – જોબનિયાં૦ “બાઈઓ, તમારાં ગીતમાં દારૂ કેમ આટલો ઉગ્ર પદે દેખાય છે?” “જુઓ ભાઈ, અમારા જણ જ્યારે વા’ણે ચડવાના હોય ત્યારે ઘરના વિજોગની પીડા વિસરવા સારુ અમે એને ખૂબ દારૂ પાયીં. પછી એને અમે બધાં બંદરે મૂકવા જાયીં, તયેં પણ રસ્તામાં ગાતાં ગાતાં એને સીસામાંથી પાતાં પાતાં એના દિલને હુલ્લાસમાં રાખીઈં, પછી કેફમાં ને કેફમાં ઈ ઝટ ઝટ વા’ણને હંકારી મેલે, લે’રમાં ને લે’રમાં ખાડી વટાવી જાય, અને મોટે દરિયે પોગે એટલે પછી એને બહુ ન સાંભરે. આ સાટુ અમે એને દારૂડે ગાંડાં કરીએં, ભાઈ! શું કરીએ? તમારી કને દારૂનાં ગાણાં ગાતાં લાજીએ અમે.” “લાજવાની જરૂર નથી. મારે તો એ જ સાંભળવું છે, માટે ગાઓ છૂટથી.” ( મનમાં થયું કે સાચા જીવન પર ફૂલ-ચાદર ઓઢાડનારાં ગીત તો અમે ઘણાંય રચીએ છીએ!) જોબનિયાં મારાં નાકુંની નથડી મેલી, જોબનિયાં કાલ્ય આવતાં રેંશે. જોબનિયું મારું વેકરિયાની ખાડીમાં હાલ્યું, – જોબનિયાં૦ જોબનિયાં મારાં, પીછેલી સટા છોડ્યા. – જોબનિયાં૦ [એટલે કે શઢના દોર પાછળથી છોડ્યા ને શઢ ખુલ્લા મૂક્યા] જોબનિયાંને મુંબીનાં પંથ લાગ્યા દોયલા. – જોબનિયાં૦ જોબનિયાંને મારાં મુંબીની ગોદિયુંમાં માં’લે – જોબનિયાં૦ જોબનિયું મારું જથ્થેલું પીઠે હાલ્યું – જોબનિયાં૦ જોબનિયું મારું નાનેથી ગાંડું થૈયું – જોબનિયાં૦ જોબનિયાં મારાં, જેવો તેવો દેશી દારૂ સારો – જોબનિયાં૦ જોબનિયાં મારાં, ઘાસલેટનો દારૂ નથી સારો. – જોબનિયાં૦ જોબનિયાંને પેટુંમાં અગની ઊઠે– જોબનિયાં૦ જોબનિયાં મારાં વાંસેલા ગોરસ પીશે, જોબનિયાં કાલ્ય આવંતાં રે’શે. "આ તમે ઘાસલેટના દારૂનું શું કહ્યું? કંઈ સમજ ન પડી." "આપણા રાજે દારૂની તો બંધી કરી છે ને એટલે હવે અમારા જણ ભડકિયું કરીને પીવે છે." ‘ભડકિયું' એટલે શું? કે અસ્પિરિટ (સ્પિરિટ) આવે છે ને, એને પાણીનાં ઠામમાં રેડીને પછેં માથે એક દીવાસળી સળગાવે એટલે આકરો નશો બળી જાય, પછી સહુ ઈ પાણી પીવે. ઉપર ગોરસ પીને પેટની આગ ઓલવે. પણ ઈ પીવાથી પુરુષાતણ વયું જાય. 'ગુલાબી દારૂડાના લીલા ગલાસો ભરી ભરી લાણીઓ' કરનાર નાવિકોની જીવન-સમસ્યા તો આમ છે ત્યારે! વેદના ભૂલવાનું પીણું! પેટમાં સ્પિરિટના ભડકા ઠલવવાનું રહસ્ય તો આવું નીકળી પડ્યું. જીવતરમાં કોઈ બીજો સંસ્કાર નથી, રસ નથી, ભણતર નથી; ને સામે ઊભેલ છે સદા મોત - ભૂંડા હાલનું મોત, એનો સામનો કરવા સારુ આ દયામણી શરાબી! એને સારુ બાયડીએ બાપડીએ - જોબનિયાં મારાં! નાકુંની નથડી મેલી, જોબનિયાં કાલ્ય આવતાં રે'શે. પોતાના ધણીને સુરા પાવા માટે અંગ પરનાં આછાં આભરણ વટાવ્યાં. ગાઈ ગાઈને મનડું મનાવે કે ‘જોબનિયાં મારાં કાલ્ય આવતાં રે'શે!' સુધારકો! તમારી સામે આ સમસ્યા ઉકેલ માગે છે.
'મકાન બંધાતું હતું. એક જુવાનડી, બે આધેડ ને પાંચ બુઢ્ઢીઓ ચૂનો ખાંડતી ખાંડતી ગાવા લાગી. પૂછે છે કે હરિનાં કીર્તનો ગાઈએ? કહ્યું કે ના, એ તો ઘણાં ગવાય છે અમારાં મંદિરોમાં; એની તો હવે હદ થઈ છે. ત્યારે પછી આવાં ગીતો ઉપાડ્યાં: આંબેથી કેરિયું મગાવિયું, રે કાઢ્યો રંગાડામાં રસ રે
ભત્રીજે જાણ્યું કે કાકો તેડશે! રે દોડી મરડી નાખી ડોક રે!
લખી કાગળ વજેસંગ મોકલે, રે દાદુભા દરિયો પૂજવા હાલ્ય રે! "એ બધાં રજવાડી હત્યાઓનાં, ઝેર-પ્રયોગોનાં, ગરાસને સ્વાર્થે સગા ભાઈ-ભત્રીજાઓને છેક પારણાંમાં હણ્યાંનાં ગીતો પણ, બાઈઓ, મેં ઘણાં સંઘર્યા છે. મારે તો સાંભળવાં છે તમારાં વહાણવટી-જીવનનાં વેદના-ગીતો." "ઓહોહો ભાઈ!" ડોશીમાએ કહ્યું: "એવાં તો મારા કોઠામાં છલોછલ ભર્યાં છે. હાલો, અમે ભીંતે ટીપણ ટીપતાં ટીપતાં બેસીને ગાશું. ઈ ગીતો આમ ચૂનો ખાંડવામાં નૈ ફાવે. મારા તરફ પીઠ વાળી, ટક, ટક, ટક, દીવાલની સિમેન્ટ ટીપતી ટીપતી, રુદનને સૂરે, કશા તાલ વગર, એ આઠ જણીઓ ગાવા લાગી: પોતાના વા'લાનું વહાણ ડૂબતું હોય તે સમયનું ગીત: લે'ર તો લાગી ને બેડી બૂડવાને લાગી, ઘેલા સમદરિયામાં, આખરની રે મને લે'ર લાગી.
મધરે દરિયામાં વા'લા વાણલાં હોદર્યાં.[૧] મડદમડદ: [૨] નાખીને પાણી લ્યોને માપી! ઘેલા સમદરિયામાં - આખરની રે૦
મધરે દરિયામાં વાલા, મામલા મચાયા, ઘાયલ ટંડેલિયાની માયા લાગી! ઘેલા સમદરિયામાં - આખરની રે૦
વા'લા! તજને કારણિયે મેં તો વાવડી ગળાવી; પાણીડાંની મસે એક વાર આવી જાની! ઘેલા સમદરિયામાં - આખરની રે૦
વા'લા! ઘરની અસતરી સાથે નેહ રે થોડેરો; ત્રણ રે રૂપિયા સાટુ જીવડો ખોવો! ઘેલા સમદરિયામાં - આખરની રે૦ વા'લા! તજને કારણિયે મેં તો માંડવા રચાવ્યા, ચોરી બાંધીને ફેરા ફરતો જાની! ઘેલા સમદરિયામાં - આખરની રે૦ વા'લા! હથેળીમાં જીવડો લઈને જા મા! ઘેલા સમદરિયામાં - આખરની રે૦ "બસ ડોશીમાં આ જ જાતના ગીતો હું માગું છું." "તયેં ઠીક, ભાઈ, ગાસું." કશી બનાવટી વીરતા વગરની, સાચી ઊર્મિઓ ઊઠી છે આ ગીતમાં: હથેળીમાં જીવ લઈને જા મા: ત્રણ રૂપિયાની કમાણી સારુ જીવડો ખોઈ નાખવા તું જા મા! ને જો જવું જ હોય તો મારી જોડે પરણીને પછી જા. અરેરે, તારો ઘરની સ્ત્રી સાથેનો સ્નેહ ઓછો થઈ ગયો છે. અને એ વહાણના પ્રીત-ઘાયલ ટંડેલની માયા લાગી ત્યાં તો એ વહાણ હંકારી ગયો, ને ઘેલા સમદરની આખરી લહેરોએ મામલા મચાવીને એની બેડલી (નૌકા) ડુબાવી નાખી. [૩] પાંચ વાણુંનો કાફલો, એલા! પાંચ વાણુંનો કાફલો; તેમાંલો એકલો હકરાણો, જવાનડા! એકલો હકરાઈશ મા, એલા હકરાઈશ મા; કાચા હૈયાના ધણી! એકલો હકરાઈશ મા! વાવડાનું જોર છે, એલા! વાવડાનું જોર છે; હેમત રાખીને સટા છોડજે, જવાનડા! સટે વાવડ મેલજે, એલા, સટે વાવડ મેલજે; બારે આવીને નગારું કરજે, જવાનડા! ધામસનું જોર છે, એલા, ધામસનું જોર છે; હેમત રાખીને ધામસ કાઢજે, જવાનડા! નથી તારે માવડી એલા નથી તારે બેનડી; પડીશ તો ચાકરી કોણ કરશે, જવાનડા! મંબી તું જાજે, એલા! મંબી તું જાજે; એલા આઘે બંદર તું જાશ મા, જવાનડા! મલબારે જાશ મા, એલા, મલબારે જાશ મા! મલબારી પંથ તો લાગે દોયલા, જવાનડા! લીલૂડી પીઠનાં, એલા, લીલૂડી પીઠનાં લીલાં લવિંગડાં તું લાવજે જવાનડા! રૂપાળી ગોત્ય મા, એલા, રૂપાળી ગોત્ય મા; રૂપાળી બાવડાં બંધાવશે, જવાનડા! છેટાંની ગોત્ય મા, એલા, છેટાંની ગોત્ય મા; છેટાંની છેતરી જાશે, જવાનડા! પડખાની ગોત્ય મા, એલા, પડખાની ગોત્ય મા; પડખાની પતળી જાશે, જવાનડા! કુંવારી ગોત્ય મા, એલા, કુંવારી ગોત્ય મા; કુંવારી છે નાણાંની લાલચુડી, જવાનડા! ફળિયામાં ફર્ય મા, એલા, ફળિયામાં ફર્ય મા; હાલતો ચાલતો નજરે ચડ્ય મા, જવાનડા! વાડયે તું હાલ્ય મા, એલા, વાડયે તું હાલ્ય મા, વાડયે હાલીને વાંકા બોલ્ય મા, જવાનડા! [અર્થ: પાંચ વહાણનો કાફલો છે તેમાંથી હે, મારા પ્રીતમ, તું તારું વહાણા એકલું તારવીને હંકારજે. હે કાચી છાતીવાળા જુવાન! તું એકલો કાં પડી જા? પવન જોરથી ફૂંકે છે, માટે તું હિંમત રાખીને સરખા પ્રમાણમાં શઢ છોડજે, હે જુવાન! તું શઢમાં પવન ભરાવા દેજે ને પછી બંદરમાં પહોંચ ત્યારે નગારું વગાડજે, એટલે અમને તારા આવ્યાની જાણ થાય. તારા વહાણમાં પાણી (ધામસ) જોરથી ભરાવા લાગ્યું છે, એને તું હિંમતા રાખી ઉલેચવા માંડજે. હે જુવાન, તારે મા કે બહેન નથી; તું માંદો પડીશ તો તારી ચાકરી કોણ કરશે? હે જુવાન, તું મુંબઈથી વધુ દૂર જઈશ મા; મલબારના પંથ ઘણાં દોહ્યલાં છે. તું લીલા-પીળાં લવિંગડાં મોતી લેતો આવજે. તું લગ્ન કર તો બહુ રૂપાળી કન્યા ન ગોતજે, કેમ કે એ તને કોઈક દિવસ કેદમાં નખાવશે. દૂરની કન્યા ન ગોતજે; એ તને છેતરીને ચાલી જશે. બહુ નજીકની કન્યા પણ ન ગોતજે; એ વીફરી જશે. કુંવારી ગોતીશ મા; એ નાણાંની લાલચુ હોય છે.]
કોઈ દૂરના પંથથી વહાણ હંકારીને ઘર તરફ ચાલ્યા આવતા જુવાનને સંબોધેલું આ ગીત દરિયાનાં વાવાઝોડાં, વહાણમાં ભરાઈ રહેલ પાણી ઈત્યાદિ સંકટોની કલ્પનાઓ આલેખે છે. એ કલ્પના કરનાર કોઈ નાવિક માશૂક છે. ગાતાં ગાતાં ડોશીઓ સંકોકા પામતા હતાં. કહે કે, ભાઈ, અમે બુઢ્ઢી ઉમ્મરે આવાં શોખનાં ગીતો ગાતાં લાજીએ છીએ, મેં ખાતરી આપી કે, હું શોખનાં ગીતો તરીકે એમાંથી મજા લેવા નથી માગતો, મારે તો તમારા જીવન-સંસારની સાચી વેદનાઓ ને આકાંક્ષાઓ પકડવી છે. ચોથું ગીત પણ એવું જ સાચું ચિત્ર આપે છે: [૪] વા’ણે ચડયે રે, એલા, વા’ણે ચડયે, મારા મામાના માલિયા, વા’ણે ચડ્યે! મારા મામાના માલિયા, વા’ણે ચડ્યે!
મંબી જાજે રે, એલા, મંબી જાજે; મારા મામાના માલિયા, મંબી જાજે! મોતી લાવજે રે. એલા, મોતી લાવજે; મારા મામાના માલિયા, મોતી લાવજે! કેવાં લાવું રે, એલી, કેવાં લાવું; મારી ફીબાની દીકરી, કેવાં લાવું? લીલાં લાવજે રે, એલા, પીળાં લાવજે; મારા મામાના માલિયા, રાતાં લાવજે! ખાતર પાડ્યું રે, ઈણે, ખાતર પાડ્યું; મારા મામાના માલિયે, ખાતર પાડ્યું! શું શું ચોર્યું રે, ઈણે શું શું ચોર્યું; મારા મામાના માલિયે, શું શું ચોર્યું? હાર ચોર્યો રે, ઈણે ઝૂમણાં ચોર્યાં; મારા મામાના માલિયે હાર ચોર્યો. બાંધી વારો રે, ઈને બાંધી વારો; મારા મામાના માલિયાને બાંધી વારો. હેડ્યમાં પૂરો રે, ઈને, હેડ્યમાં પૂરો; મારા મામાના માલિયાને હેડ્યમાં પૂરો. છોડી મેલો રે, ઈને છોડી મેલો, મારા બાળુડા જીવડાને છોડી મેલો. માયા રાખો રે, થોડી દિયા રાખો; મારા નાનુડા જીવડાની માયા રાખો. રમવા દેજો રે, ઈને ભમવા દેજો; મારા બાળુડા જીવડાને રમવા દેજો. માયા રાખો રે, થોડી દિયા રાખો; મારા નાનુડા જીવડાની માયા રાખો. રમવા દેજો રે, ઈને ભમવા દેજો; મારા બાળુડા જીવડાને રમવા દેજો. આ લોકો તો મામા-ફૂઈનાં વેરે-પરણે ખરાં ને, એટલે પરણેલી પોતાના પરણ્યા નાવિકને (અથવા કોઈ અપરિણીતા પોતાના વિવાહિત વરને) ‘મારા મામાના માલિયા!’ એવું ટીખળી સંબોધન કરતી કહે છે કે, વહાણે ચડીને તું મુંબઈ જા, ત્યાંથી મારે સારું મોતી લાવજે. મારે ભરતકામ કરવું છે. નાવિક જુવાનડો સામું ટીખળ કરે છે: હે મારી ફઈબાની છોકરી, તારા સારુ કેવાં કેવાં મોતી લાવું? લીલાં પીળાં ને રાતાં લાવજે. કંગાળા ખારવો પોતાની પરણેતરને સારુ મોતી મેળવવા માટે ચોરી કરે છે. કોઈ ધનવાનનો હાર ચોરે છે: પકડાય છે. પરણેલીને પ્રથમ તો મોજ આવે છે! એ ચોરને કેદમાં પૂરો! પણ પોતાના પિયુને ખરેખર કેદ બનેલો દીઠા પછી સાચી ઊર્મી આવે છે: એને છોડી મેલો: એ હજુ બાળુડી ઉમ્મરનો છે: એના ઉપર દયામાયા રાખો, સા'બ! એને છૂટો રમવા-ભમવા દ્યો! આ પછીનું ગીત ભેદક છે. તે ઉપરાંત સોરઠના ઉગમણા કિનારાનું એક ઐતિહાસિક તત્ત્વ પણ રજૂ કરે છે. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વહીવટ દરમ્યાન ગોરાઓની સાથે ફસાવાના કેટલાંક પ્રસંગો બંગાળના ગામડાંની સુંદર સ્ત્રીઓને પડ્યા હશે, તેનું ચિત્ર બંકિમચંદ્રે પોતાની વાર્તાઓમાં દોર્યું છે. સોરઠને કિનારે ફિરંગી કંપનીઓના થાણાંઓ પડ્યાં હતાં, તેના અવશેષો પૂર્વકાંઠાને અમુક ગામડે હજુ મોજૂદ છે. કળસાર ગામમાં ફિરંગીઓનું ધર્મદેવાલય ઊભું છે. સંત નિકોલાસ પરથી જેનું નામ પડ્યું હોવું જોઈએ તે ‘નિકલ' નામનું બંદર પણ હજુ છે. આમ સાગરતીરની એ પટ્ટી પર ફિરંગી ગોરાઓના અમુક અપહરણ પ્રસંગો બન્યા હશે તેનું વાતાવરણ આ ગીતમાં છલાયું છે: ગરીબ ખારવો ખેપે જાય છે. નિરાધાર ખારવણ પિતરાઈઓનું ને મોસાળિયાનું શરણ લે છે, પણ તેઓ એને દુઃખ આપે છે. પછી એક દિવસ એ બાઈ, બંદર પર તંબૂ તાણીને પડેલ'જાંગલા' અથવા ‘ટોપીવાળા'ના પ્યારમાં ફસાઈ ગઈ. [૫] તું તો મંબી હાલ્યો, તું તો મલબાર હાલ્યો; નાણાંની રે ખોટ્યે, ખરચીની રે ખોટ્યે.
અધવચમાં મેલ્યાં, અધવચમાં મેલ્યાં, કોઈ તડનાં નથી, ઘરબારનાં નથી! છેટાનાં રે છૈંયેં, આઘાનાં રે છૈયેં, રાખો તો રે રૈયેં, રાખો તો રે રૈયેં.
કાકાના રે કારૂ, મામાના રે મૂરૂ; દુઃખડલાં રે દેવે, દુઃખડલાં રે દેવે.
જાંગલો રે આવ્યો, ટોપીવારો આવ્યો; પીથલપરને પાધર, કેરાળાને પાધર.
તંબુડા રે તાણ્યા, તંબુડા રે તાણ્યા; પીથલપરને પાધર, કેરાળાને પાધર.
રખમાઈ પાણી હાલી, રખમાઈ પાણી હાલી; ઝીલણીયે રે તળાવ, ઝીલણીયે રે તળાવ.
વાંસે જાંગલો હાલ્યો, વાંસે જાંગલો હાલ્યો, રખમાઈને લેવા, રખમાઈને લેવા.
ફેરા ફરવા દે ને! જવતલ હોમવા દે ને! પછેં તમારાં છૈયેં, પછેં તમારાં છૈયેં.
વંટોળો રે આવ્યો, વંટોળો રે આવ્યો; ચૂંદલડી રે ઊડી, પાંભલડી રે ઊડી ચૂંદલડી રે ઊડી, પાંભલડી રે ઊડી. ટોપિયાને ઘેરે પોઢી, જાંગલાને ઘેરે પોઢી. હે પિયુ, તું તો ઘરખર્ચને અભાવે મુંબઈ અને મલબારની સફરે ચાલ્યો ગયો. મને તેં પરણ્યા વિનાની, રઝળતી સ્થિતિમાં મૂકી. મારે ન મળે કોઈ કિનારો, ન મળે ઘરબાર. હે કાકાના અને મામાના પુત્રો! હું બહુ દૂરની રહેનારી છું. તમે આશરો આપો તો હું પડી રહું. પણ કાકા-મામાના દીકરા તો રૂખમાઈને દુઃખ દેવા લાગ્યા. એક દિવસ એ પીથલપર અને કેરાળા ગામને પાદર ‘ટોપીવાળા જાંગલા' ફિરંગીઓએ પડાવ નાખ્યા. રૂખમાઈ તળાવ પર પાણી ભરવા જતી હતી. એની પછવાડે પછવાડે ફિરંગી સાહેબ પણ ચાલ્યો. રખમાઈને એ ઉઠાવી જવા માગતો હતો. જ્યારે એને ફિરંગીએ પકડી ત્યારે એ કાલાવાલા કરવા લાગી કે, હું હજુ અવિવાહિત છું, મને કલંક લાગશે; માટે હું એક વાર મારા ધણી જોડે લગ્નના ફેરા ફરી લઉં ને લગ્નવેદીમાં જવતલ હોમી દઉં એટલી અવધ તું મને આપ; પછી હું તારી જ બનીશ. પરંતુ પછી તો વંટોળ વાયો, રૂખમાઈની ચૂંદડી ઊડી પડી. એની ચૂંદડી ઊડી, ને એ તો ટોપીવાળાના ઘરમાં પોઢી ગઈ.
આ રીતે અનેક નાવિક પુત્રીઓ આ પરદેશીઓની હવસ-જાળમાં ફસાઈ પડ્યાના કરુણ કિસ્સાઓ બન્યા હશે, ને તેમાંથી આવાં ગીતો દ્રવ્યાં હશે. તમે આ ગીત સાંભળો તો તો તમને ખાતરી થશે કે આ મલિન ગમ્મતનું કે સામાજિક કટાક્ષનું નહિ પણ અસહાયતાની આહ દર્શાવતું રુદન-ગીત છે. બંકિમબાબુની ‘ચંદ્રશેખર' નામની કથામાં એ જ રુદન ઠલવાયું છે. બેવફાઈ ઉપર અફસોસ દર્શાવતું આ તે પછીનું ગીત: [૬] રે ખાડીમાં મછવો, એલા! રે ખાડીમાં મછવો; એકને મેલી બીજાને નીસવ્યો, જવાનડા! રે દરિયામાં લીલ છે, એલા! રે દરિયામાં લીલ છે; સાચી નજરું ને ખોટાં દિલ છે, જવાનડા! રે કાપડામાં હીર છે, એલા! રે કાપડામાં હીર છે; ગાંગલો મેઘુરિયો મારો વીર છે, જવાનડા! રે દરિયામાં ઝીલું, એલા! રે દરિયામાં ઝીલું; કાપડું લીધું રે મારું લીલું, જવાનડા! રે નેરાં ને ખાતરાં, એલા! રે નેરાં ને ખાતરાં; જાડા દિવસનાં પડ્યાં વાંતરાં, જવાનડા! રે ઓઢેલી ઘાંટડી, એલા! રે ઓઢેલી ઘાંટડી; આઠ્યે દા'ડે જોઉં તારી વાટડી રે, જવાનડા! રે ખેતરમાં ઓઘો, એલા! રે ખેતરમાં ઓઘો; વાણ આવે ને કરું મોંઘો રે, જવાનડા! રે હાથુમાં સૂપડું, એલા! રે હાથુમાં સૂપડું; શ્યારો આવે ને વા'ણ ઊપડ્યું રે, જવાનડા! રે ઢીંસાંમાં ભટિયાં, એલા! રે ઢીંસાંમાં ભટિયાં; હવે વિંખાણા મારાં ઝંટિયાં રે, જવાનડા! રે હાથુમાં સોટી, એલા! રે હાથુમાં સોટી; હવે કરીશ મા મને ખોટી રે, જવાનડા! રે ખોળામાં ખારકું, એલા! રે ખોળામાં ખારકું; ખારને દરવાજે તારું પારખું રે, જવાનડા! રે ખેતરમાં બોરડી, એલા! રે ખેતરમાં બોરડી; મ'વે આવીને લેશું ઓરડી રે, જવાનડા! [અર્થ:જુવાન ખલાસી! હજુ તો તારો મછવો ખાડી પાર કરીને નીકળ્યો નહોતો ત્યાં તો તારી માશૂકે તને મૂકીને બીજા સું પ્રેમ બાંધ્યો. હે જુવાન! દરિયા માયલી લીલ જેમ દેખાવમાં રૂપાળી પણ અનુભવમાં લપસણી છે, તેમ જ પ્રેમીઓની નજરમાં પ્રેમ દેખાય છે પણ અંદરમાં દિલ ખોટાં હોય છે. હે જુવાન, હું સાચું જ કહું છું કે ગાંગલો મેઘૂરિયો નામનો નાવિક મારો ભાઈ જ છે; એની સાથે મારે સ્નેહ નથી. દરિયામાં જેમ ઊંડી ગાલીઓ હોય છે તેમ મારી-તારી વચ્ચે પણ ઘણા દિવસનું અંતર પડી ગયું છે. ઘાંટડી (ચૂંદડી) ઓઢીને હું આજ આઠમે દિવસે તારી વાટા જોઉં છું. આપણા ખેતરમાં અનાજનો ઓઘો (ઢગલો) ખડકાઈ ગયો છે. હવે તો તારું વહાણ ઘેરે આવે એટલે હું તને અત્યંત મોંઘો (મહિમાવંતો) કરું; ખૂબ પ્રેમ કરું. મારા હાથમાં સૂપડું હતું. શિયાળો, કે જે સહજીવનની ઋતુ છે, તે આવતાં જ તારું વહાણ તો ઊપડી ગયું. રેતીના ઢગલામાં એટલા બધાં ડાભોળિયાં (કાંટા જેવું ઘાસ) છે કે ખેતરમાં કામ કરતાં કરતાં એ કાંટા ભરાઈ ભરાઈને મારાં ઝંટિયાં (વાળ) વીંખાઈ ગયાં છે. હવે તું મને વાટ ન જોવરાવ. શહેરને બંદર-દરવાજે તારી પ્રીતિની પરીક્ષા થઈ જવાની. તું આવીશ એટલે આપણે મહુવા શહેરમાં એક ઓરડી ભાડે રાખશું ને ત્યામ્ સ્વતંત્ર રહેશું.]
- હોદર્યાં: થંભાવ્યાં (હંકારવું ને હોદારવું)
- સીસાનું શંકુ આકારનું વજન રસીને છેડે બાંધેલું, જે દરિયામાં ફેંકતા ફેંકતા ખારવા માપતા જાય છે કે પાણીની ઊંડાઈ કેટલાં વાંસ છે.