અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સરસ્વતીચંદ્રનો સંન્યાસ: Difference between revisions
HardikSoni (talk | contribs) (Created page with "<poem> “દીઠાં છોડી પિતા-માતા; તજી વહાલી ગુણી દારા ગણ્યા ના ધર્મ ભેદાતા;...") |
(No difference)
|
Revision as of 11:47, 17 June 2021
“દીઠાં છોડી પિતા-માતા; તજી વહાલી ગુણી દારા
ગણ્યા ના ધર્મ ભેદાતા; લીધો સંન્યાસ એ ભ્રાતા! ૧
પિતા કાજે તજી વહાલી, ન માની વાત મેં તારી!
ગણ્યા ના ગાઢ નિઃશ્વાસ, લીધો સંન્યાસ એ, ભ્રાત! ૨
થયો દારૂણ મનમાન્યો, વિફળ થઈ સ્નેહની સાનો,
હવે સુકુમાર ઉર ફાટી જતું જોવું રહ્યું બાકી. ૩
રુએ તે દેવી રોવા દે! અધિકારી ન લો’વાને!
પ્રિયાનાં આંસુ હું, ભાઈ; ન એ રહેવાય જોવાઈ! ૪
અહો ઉદાર વ્હાલી રે! ટકાવી દેહ રાખી રે;
ન ભૂલાતું તું ભૂલી દે; વિધિનું ધાર્યું વેઠી લે! ૫
અહો ઉદાર વ્હાલી રે! સતી તું શુદ્ધ શાણી રે!
ન જોડાતું તું જોડી દે! છૂટેલાને તું છોડી દે! ૬
અહો ઉદાર વ્હાલી રે! સતી તું શુદ્ધ શાણી રે!
છૂટે ના તે નિભાવી લે! પડ્યું પાનું સુધારી લે! ૭
અહા ઉદાર વહાલી રે! દીઠું તે સ્વપ્ન માની રે;
ન ભૂલાતું તું ભૂલી દે! દીસે તેને નિભાવી લે! ૮
અહો ઉદાર વહાલી રે! ન નિવારાયું ભાવિ રે!
ન ભૂલાતું તું ભૂલી જા — વિધિનું પાયું તે પી જા! ૯
અયિ ઉદાર ઓ વહાલી! સખા! વહાલા! ખરા ભાઈ!
અમીની આંખ મીંચો ને! જનારાને જવા દો ને! ૧૦
ગણી સંબંધને તૂટ્યો, ગણી સંબંધને જૂઠો,
કૃતઘ્નીને વિસારો ને! જનારાને જવા દ્યો ને! ૧૧
હતી લક્ષ્મી! હતા ભ્રાત! હતી વહાલી! હતો ભ્રાત!
નહીં!—ત્યારે—નહીં કાંઈ, ન લેવું સાથ કંઈ સાહી. ૧૨
અહો તું ભાઈ વહાલો રે! ભૂલી સંસ્કાર મારા રે!
બિચારો દેશ આ આર્ય!—કરે તે કાજ કંઈ કાર્ય. ૧૩
અહો તું ભાઈ-ભાઈ રે તું-રૂપી છે કમાઈ રે,
બિચારા દેશને, તેને ગુમાવે શોધી શેં મુને! ૧૪
મૂકી દે શોધવો મુંને! મૂકી દે શોચવો મુંને!
પ્રિયાની આ દશા દેખું, નથી સંસારમાં રહેવું! ૧૫
હવે પાછો નહીં આવું! મૂક્યું પાછું નહીં સ્હાઉં!
રહ્યું તેયે ત્યજી દેવું — શું છે સંસારમાં લેવું? ૧૬
અહો તું જીવ મારા રે! દીધો શો દંશ દારાને?
ગણી ના પ્રાણપ્યારી તેં! ઠગી તેં મુગ્ધ વહાલીને! ૧૭
અહો તું જીવ મારા રે! દીધો શો દંશ દારાને?
થશે શું પ્રાણપ્યારીને? હણી મુગ્ધા કુમારી તેં? ૧૮
હવે, ઓ ક્રૂર ઉર, ફાટ! અહો રાત્રિ વહો ધાર,
અભાગી નેત્ર મારાને! ઘટે નિરાંત તે શાની? ૧૯
અહો ઓ જીવ મારા રે! દઈ આ દંશ દારાને,
ઘટે ના વાસ સંસારે, ઘટે સંન્યાસ તો ત્હારે! ૨૦
અહો ઓ જીવ મારા રે! દઈ દંશ દારાને,
ઘટે ના ભોગ-સંસારે, ઘટે ના શાંત સંન્યાસ! ૨૧
શરીરે ભસ્મથી છાયો, ઉરે અત્યંત સંતાપ્યો
ઊંડો જ્વાળામુખી જેવો, – હવે સંન્યાસ આ તેવો! ૨૨
તજી તેં ત્યાં પડી છૂટી, સરિતા અબ્ધિમાં સૂતી!
ગિરિ એ સાંકળી તુંને નહીં તોડી કદી તૂટે! ૨૩
જડાઈ ભૂમિમાં સ્થિર, ઊંચે આકાશ ઉદ્ગ્રીવ!
થઈ તારે રહ્યું જોવું, નદીનું અબ્ધિમાં રોવું! ૨૪
હવે સ્વચ્છંદચારી હું! યદૃચ્છાવેશધારી હું!
પતંગો ઊડતી જેવી, હવે મારી ગતિ તેવી! ૨૫
ઉડે પક્ષીગણો જેમ, હવે મારે જવું તેમ;
સમુદ્રે મોજું રહે તેવું, હવે મારેય છે રહેવું. ૨૬
નહીં ઊંચે-નહીં નીચે, મળે આધાર, ઘન હીંચે.
નિરાધાર-નિરાકાર—હવે મારીય એ ચાલ. ૨૭
સ્ફૂરે પોતે, ન દેખાય, કુમુદની ગંધ ગ્રહી વાય,
અરણ્યે એકલો વાયુ! જીવન એ ભાવિ છે મારું. ૨૮
જહાંગીર-ફકીરી એ! લલાટે છે લખાવી મેં!
પ્રજાએ હું ‘નૃપાળે’ હું! ઉરે, ઓ એકલી, તું—તું!” ૨૯