મોહન પરમારની વાર્તાઓ/૫. હેડકી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૫. હેડકી|}} {{Poem2Open}} આ છોકરાનું ભલું પૂછવું; વાવાઝોડાની જેમ આવી...")
(No difference)

Revision as of 06:47, 8 March 2022

૫. હેડકી

આ છોકરાનું ભલું પૂછવું; વાવાઝોડાની જેમ આવી ચડશે. પછી એને ઉખેડવો અઘરો. જરાય ચસકે જ નહિને. ઘરની ઓસરીમાં ખાટલી ઢાળીને પગ પર પગ ચઢાવીને બેસી પડે. નટુને તે ગમતું નહિ. નટુ ઘરની પાછળ ચોકડીમાં નહાવા બેઠો હતો. નટુ આવે તે પહેલાં એ જાય તો સારું. આજે તો એની સામે જોવું જ નથી તેવું કાંતાએ નક્કી કર્યું, ને ફટાફટ એ ઘરમાં જતી રહી. ઘરમાં જઈને કબાટમાં કપડાં ગોઠવવા લાગી. તોય નજર તો બહાર હતી. ચાલીના ચોકમાં ગૅસના બાટલાની રિક્ષાને આવતી ભાળીને ઘડીભર તો એ ફફડી ગઈ. બારણામાંથી સીધી નજર પોતા પર ન પડે તેમ ઘરના ખૂણામાં જઈને કશુંક આઘુંપાછું કરવા લાગી. થોડી ક્ષણો એણે અવઢવમાં પસાર કરી. પણ બહાર કોઈના બોલવાનો અવાજ આવ્યો, ને એનું હૃદય ધડકી ઊઠ્યું. એનો જ... એના લફારા નટુને નહિ ગમે. શું કરવું? એણે રસોડામાં જઈને બારીમાંથી ડોકું કરી લીધું. નટુ હજુ નહાતો હતો. ‘હાશ’ કહીને એણે છાતી પર હાથ મૂકી દીધો. એ બહાર આવી. તો જાળીના ઝાંપા આગળ એ ખોડાઈને ઊભો હતો. એ હચમચી ગઈ. તે દિવસે ખાટલી પર બેઠો બેઠો પોતાની જોડે ગપ્પા મારતો હતો ત્યારે નટુ ક્યાંકથી હાંફળોફાંફળો આવી ચડેલો. બિચ્ચારો નિર્દોષપણે પોતાના ઘરની વાતો કરતો હતો. નટુને શું સૂઝ્યું કે આવેશમાં આવી, એનો હાથ પકડીને ચોક સુધી મૂકી આવેલો. કાંતાને તે યાદ આવ્યું. એને થયું; નટુને ન ગમે તેવું કામ ઉપરવટ જઈને મારાથી શેં થાય? આજે તો એની સાથે હસીને વાત જ કરવી નથી તેવો નિરધાર કરીને મોં પર કડપ લાવી એ ઊભી રહી. પણ એ ડગ્યો નહિ. કાંતાની સામે એકીટશે જોઈ રહ્યો હતો. કાંતાએ એની સામે ડોળા કાઢ્યા. ‘કોનું કામ છે?’ ‘તમારું.’ ‘શું કામ છે?’ ‘બે દા’ડા પછી ગૅસવાળાની હડતાલ છે. આ વખતે લાંબી ચાલશે. તમે નોંધાવેલો તે બાટલો આવ્યો?’ ‘ના, નથી આવ્યો. પણ અત્યારે એનું શું છે?’ ‘મારી પાસે વધારાનો બાટલો પડ્યો છે. તમારે જોઈએ છે?’ એક પળ તો એને ‘ના’ પાડવાની ઇચ્છા થઈ આવી. નજર તો રસોડા સોંસરવી ચોકડીમાં જઈ જઈને મરણતોલ થઈ ગઈ હતી. પણ થાય શું? હમણાં બાટલા જલદી નથી આવતા. ને એમાંય હડતાલ પડે તો આવી જ બને... ને બિચ્ચારો કોઈને નહિ ને મને સામેથી બાટલો આપવા આવ્યો છે. આ તક ગુમાવવા જેવી નહોતી. પણ તક ઝડપવામાં મુશ્કેલીઓનો પાર નહોતો. હું ‘હા’ પાડીશ એટલે તરત જ એ બાટલો લેવા દોડશે. બાટલો ભોંય પર નાખીને રગડશે. પછી પગ વડે ઠેલતો ઠેલતો સીટીઓ મારતો મારતો ઘરમાં આવશે. હું કહીશ ત્યાં એ ગોઠવશે. હું કહીશ કે પાણી પીવું છે, તરત ઓસરીમાં પડેલી ખાટલી પર પલાંઠી મારીને બેસી જશે. પછી વાતોના લફારા. હું એને ગમે તેટલો રોકીશ તોય એ રોકાશે નહિ પછી... કાંતાનું હૃદય ધડકવા લાગ્યું. એને આ બધું હમણાં સુધી તો ગમતું હતું, પણ જ્યારથી નટુએ એને ટોકવા માંડી ત્યારથી થોડું ઓછું કરી નાંખ્યું હતું. છોકરો પંદરેક વર્ષનો - રામજી એનું નામ. રાજસ્થાનના કોઈ ગામડામાંથી સગાની સાથે અહીં આવેલો. કાંતાને પહેલા ખોળાનો છોકરો હોત તો કદાચ આવડો જ હોત... શરૂ શરૂમાં તો નટુનેય એ ગમતો હતો. કાંતા હેત કરીને એને બેસાડતી, ચા પીવડાવતી, ક્યારેક ખાવાનો સમય હોય તો ખાવાનું પણ આપતી. રામજીને જોઈને કાંતાનું વાત્સલ્ય ઊભરાઈ જતું. તે દિવસે નટુ એને બહાર મૂકીને આવ્યો તે પછી એને ખોટું લાગી ગયેલું. થોડા દિવસ તો ઘર બાજુ ફરકેલો નહિ. પણ પછી બધું રાબેતા મુજબ થઈ ગયેલું. નટુય બધું ભૂલીને એને બોલાવવા મંડેલો. પછી તો છોકરાનો પગપેસારોય વધી પડેલો. નટુને કોઈએ ભરમાવેલો કે શું? નટુ બંને સામે શંકાભરી નજરે જોવા લાગેલો. કાંતાને નટુની આ રીત ગમતી નહોતી. તોય રામજી વિના એને ફાવતું નહિ. એને જોઈને મમતાનાં બધાં ઝરણાં છલકાઈ જતાં. છાતીમાં દૂધ ઊભરાઈ આવતું. કયો ઋણાનુબંધ હતો આ.... ન સમજાય તેવી ઘટના ઘટી રહી હતી. નટુના કઠોર હૃદયમાં કશાય પડઘમ વાગતા નથી તેવું કાંતાને લાગી રહ્યું હતું. નટુ નારાજ છે તેવું જાણવા છતાં એ રામજીને બોલાવતી. એક દિવસે રામજી સાથે બેઠી બેઠી હેતપૂર્વક વાતોએ વળી હતી. નટુ કારખાનામાંથી કંટાળીને આવી ચડ્યો. એ ચંપલ કાઢીને ઓટલા પર થાકીને બેસી ગયેલો, આડા દિવસે એ આવે કે તરત જ કાંતા પાણી આપતી. તે દિવસે ઊઠી નહિ, વધારામાં પૂરું બંને જણ લમણે હાથ દઈને બેઠેલા નટુની સામે જોઈ, હસી હસીને બેવડ વળી ગયાં. ને નટુનો પિત્તો ગયો. કાંતાને રાખધૂળ બોલી નાખ્યું. છોકરાને આંખો કાઢીને ડરાવી દીધો. બધું રફેદફે થઈ ગયું. વાત્સલ્યની ક્ષણો જ છીનવાઈ ગઈ. એ ક્ષણો પાછી સામે આવીને ઊભી હતી. કાંતાનો વાત્સલ્યભાવ ઊભરી આવ્યો. પણ નટુ! એને ઘરમાં જોશે કે તરત જ એ વીફરી બેસશે. ઘડીભર એ દ્વિધામાં અટવાયા કરી છોકરાના મોં સામે વધુ વખત એ જોઈ શકી નહિ. કદાચ પોતાનું હૃદય પીગળી જાય અને... છોકરાના મેલાઘેલા પગ સામે જોતી જ રહી ગઈ. એને હેતથી બોલાવીને ચાપાણી પીવડાવવાનું મન થયું. પાછળ ડોલ ખખડવાનો અવાજ આવ્યો, ને એને ના પાડવાની ઇચ્છા થઈ. પણ બેચાર દિવસ પછીયે બાટલો મેળવવાની રામાયણ તો ઊભી ને ઊભી... ને છોકરો કહે છે તેમ હડતાલ લાંબી ચાલી તો.... પળનોય વિલંબ કર્યા વિના રામજીની નજીક જઈને એ બોલી : ‘જા, લઈ આવ!’ એ દોડ્યો. બાટલાની રિક્ષામાંથી બાટલો ભોંય પર નાખીને પગ વડે ઠેલતો ઠેલતો એ આવી રહ્યો હતો. આ વખતે એની સીટીઓ સંભળાઈ નહિ. બાટલા ઘરમાં મૂકી આવ્યો. મૂંગોમંતર બહાર નીકળ્યો. કાંતાએ પાણી પીવાનું કહ્યું તોય ‘તરસ નથી’ એમ કહીને પૈસા લઈ ઘરની બહાર નીકળી ગયો. કાંતા આશ્ચર્યચકિત થઈને ઘડીકમાં બાટલા તરફ તો ઘડીકમાં બારણા તરફ જોતી જોતી ઊભી જ રહી ગઈ. નટુ ચોકડીમાંથી ટુવાલ વડે વાળ ઘસતો ઘસતો બહાર નીકળ્યો. તેટલી પળોમાં તો કાંતા સ્વસ્થ થઈ ગઈ. ‘કોણ હતું?’ ‘બાટલાવાળો’ ‘સવારના પહોરમાં મને આ સારું લાગતું નથી.’ નટુ મોં પર અણગમો લાવી, દેવીના ગોખલા આગળ બેસી ગયો. ન સમજાય તેવી વેદના કાંતાને થઈ આવી. રાતદિવસ એકની એક પળોજણ...આ ઘરેડમાંથી ક્યારે છૂટકારો થશે? મન વમળાવા લાગ્યું. છોકરો આજે પોતાના કહેવા છતાં પાણી પીવાય ન રોકાય તેનું એને મન ભારે દુઃખ હતું. કેમ આમ કર્યું એણે! કાંતાને કશું સમજાતું નહોતું. મેલાઘેલા પગ અને સાવ પડી ગયેલું મોં – કાંતાને ઘર બહાર નીકળી જવાનું મન થયું. નટુ પર ખીજ ચઢી. આ નટુય નકામો માણસ છે. અહીં આવીને બિચ્ચારો બેસતો, એના મોં પર સંતોષ જોઈને હું હળવી થઈ જતી. મારા હૃદયમાં સંઘરી રાખેલું હેત એના પર હું ઠાલવી દેતી, કેવી મજા પડતી હતી. એય બિચ્ચારો મને જોઈને કેવો લાડ કરતો. આવું થતું હતું એમાં શેની નટુને ઈર્ષા આવી? બિચ્ચારાને ડોળા કાઢીને કેવો ડરાવી દીધો હતો તે દિવસે... આમ જુઓ તો છોકરું જ કહેવાયને... એના માબાપ તો દૂર રહ્યાં. અહીં હેત ભાળીને બિચ્ચારો પાંચદસ મિનિટ વાતો કરતો હતો. એમાં નટુનેં ક્યાં ખેતર લૂંટાઈ જતાં હતાં. મૂઈ હું જ નસીબની ખૂટેલ છું. છોકરું તો ના થયું તે ના થયું. ઉંમરેય વહી ગઈ. આ એક છોકરા પર વરસી પડી, ને પોતાનું હોય એવું છોકરું લાગ્યું. આંખો મળતી ત્યારે બંને જણ કેવાં રાજી રાજી થઈ જતાં! બધુંય છીનવી લીધું આ નટીયાને – પોતાની તરફ પીઠ કરીને બેઠેલા નટુના ખભા પર કાંતાએ નફરત વેરી. હૃદય કાબૂમાં રહ્યું નહિ. ‘મારા ઘરનું પાણી રામજીએ કેમ ન પીધું?’ એવું મનમાં કશુંક ઊપસી આવ્યું. ને છાતીમાં ઘણુંબધું છલકાઈ જવા લાગ્યું. ‘મારાથી રિસાઈ તો નહિ ગયો હોય!’ કાંતાને ધ્રાસકો પડ્યો. લગભગ ઓસરીની બહાર એ નીકળી ચૂકી હતી. પગની એડી પર ઊંચી ઊંચી થઈને એણે ચોમેર નજર ઘુમાવી. ક્યાંય એનો પત્તો નહોતો. એ નિરાશ થઈ ગઈ. એક પગ ઓસરીમાં મૂકવા ગઈ ત્યાં પડોસણને આવતી જોઈને એ ઊભી રહી ગઈ. પડોસણ પ્લેટ પર સાડલાનો છેડો ઢાંકીને કશુંક આપવા આવી હતી. કાંતાને એના પર વહાલ ઊભરાઈ આવ્યું. ‘શું લાવ્યા?’ ‘પેંડા.’ ‘કાંઈ નવાજૂની છે કે શું?’ ‘હા, અમારો નરેશ બારમામાં પાસ થયો.’ ‘લો, સારું થયું.’ કાંતાએ પડોસણના હાથમાંથી પ્લેટ લઈ લીધી. પ્લેટ લઈને કાંતા ઘરમાં જવાનું કરતી હતી, ત્યાં પડોસણ એની પાછળ પાછળ આવવા લાગી. એની ચાલમાં લચક હતી. આંખો આડેધડ ફરતી હતી. કાંતાને હસવું આવ્યું. પણ પડોસણના પ્રશ્નથી હાસ્ય ગળામાં એવી રીતે અટવાઈ ગયું કે એનાથી કશું બોલી જ શકાયું નહિ, પડોસણ ફાંફે ચડી. ‘ત્યારે નટુભાઈ કેમ દેખાતા નથી?’ કાંતાએ દેવીના ગોખલા તરફ ઇશારો કર્યો, પડોસણ તે તરફ ડોકું કરીને કશુંક બોલવા જતી હતી, કાંતાએ હોઠ પર આંગળી મૂકીને એને ચૂપ કરી દીધી. કાંતાના હાથમાંથી ખાલી પ્લેટ ઝૂંટવીને પડોસણ છણકભણક કરતી ગઈ. કાંતાને લખલખું આવી ગયું. આવું તો ઘણીવાર બન્યું હતું. છતાં ક્યારેક કશું નવું બની જાય તો નવાઈ નહિ! રહી રહીને કાંતાને અભાવ સાલવા લાગ્યો. જાણે ઘર સૂનસૂનાકાર... પોતે બધાથી સાવ વિખૂટી – આધાર વિનાની ભવરણમાં ભૂલી પડી છે. પોતે કોઈનો આધાર શોધી રહી છે. પણ બધેથી જાકારો. એ પલંગમાં બેઠી, નટુ હજુયે દેવીના ગોખલા આગળ હાથ જોડીને બેઠો હતો. કાંતાને આ બધું કમોસમના વરસાદ જેવું લાગ્યું. જ્યાં હજુ ખોળો ઠર્યો નથી ત્યાં ચિત્ત ઠારીને શું કરવાનું? એ પલંગમાં આડી થવા ગઈ. બહાર કોઈનો અવાજ આવ્યો. એ સફાળી બેઠી થઈ ગઈ. રામજી હશે તેમ માનીને ઓસરીમાં આવી; તો કોઈ અજાણ્યો માણસ નટુને બોલાવવા આવ્યો હતો. ‘નટુભાઈ છે કે!’ ‘ઊભા રહો, બોલાવું...’ કાંતાએ આછેરો ટહૂકો કર્યો. નટુ કાંતા પર કાળઝાળ થતો બહાર નીકળ્યો. પેલા માણસને જોઈ એ હેબતાઈ ગયો. પેલો માણસ ઘરના બારણા આગળ અધડૂકો ઊભો હતો. કાંતાએ એને અંદર આવવા બેવાર કહ્યું, છતાં એ ત્યાં જ ઊભો રહ્યો. એણે જેવા નટુને જોયો કે તરત જ મોં પર ગજબનું રહસ્ય લપેટી લીધું. ‘નટુભાઈ, તમને શેઠ બોલાવે છે.’ ‘પણ આજે રજાના દિવસે?’ ‘એ તો તમે જાણો ને શેઠ જાણે, હું તો ચિઠ્ઠીનો ચાકર.’ ‘પણ અંદર આવો ને!’ ‘ના, મારે ઉતાવળ છે. જો તમે સાથે આવતા હો તો સ્કૂટર છે મારી પાસે...’ ‘તમે જાઓ, હું આવું છું.’ ‘પાછા ભૂલી ન જતા.’ એ નટુની હા કે ના સાંભળવાય રોકાયો નહિ. કાંતાને અચરજ થતું હતું. મીલ બંધ પડ્યા પછી નટુ જે ફેક્ટરીમાં જતો હતો તે વાતનેય આજે બાર વર્ષ થઈ ગયા હતા. નટુને શેઠનો માણસ પહેલીવાર બોલાવવા આવ્યો હતો. શું હશે? એણે નટુ સામે જોયું. એથી નટુને ચીડ ચડી. કાંતા દોડીને ઘરમાં જતી રહી. ત્યાં વચ્ચે પડેલા બાટલાની ઠેસ વાગી. ઠેસને એણે ગણકારી નહિ. એ પગનો અંગૂઠો જમીન પર દબાવીને કબાટ પાસે આવી. ખાલી ખાલી કપડાં ગોઠવવા લાગી. તે દરમિયાન નટુ ગયો. નટુના ગયા પછી ઘરમાં એને ન ગમ્યું. આ રજાના દિવસેય નટુને શેઠ બોલાવે તે સારું ન કહેવાય. પણ નટુ ઘેર હોય કે ના હોય – એથી શું ફેર પડે છે? કદીયે ક્યાંય લઈ જતા નથી. ને ઘેર હોય તો ટંટો-કંકાસ – કોઈ વાતે સુખ નહિ, રામજી કોઈવાર આવતો ત્યારે સારું લાગતું. નટલાએ તો એય બંધ કરાવ્યું. પણ છોકરો આજે મૂંગો કેમ? એનું રમતિયાળ મોં આજે કાળુધબ્બ કાં? – કાંતાના મનમાં અનેક પ્રશ્નો થયા. કંઈ હશે... બિચ્ચારો કહી શક્યો નહિ. તુંય કેવી છે? એને ઉદાસ ભાળીને તારાથી પૂછી ન લેવાય? પૂછવા જતી જ હતી ને! પણ ચોકડીમાં ડોલ ખખડી, ને હું ચૂપ થઈ ગઈ.... પછી તો કાંતા માટે સમય કાઢવો અસહ્ય થઈ પડ્યો. એણે ઘરમાં બધું ઠીકઠાક કરી લીધું. ઘરને તાળું વાખ્યું. બહાર નીકળી. ચાલીના ઝાંપા આગળ આવતાં આવતાં તો એ હાંફી ગઈ જાણે. ચાલીમાં તડકાએ પગપેસારો કર્યો હતો. કાંતાને પરસેવો વળવા જેવું થયું. ચાલીના ખુલ્લા ભાગમાં કચરાના ઢગલા પડેલા, તેમાંથી આવતી બદબૂને લીધે કાંતાએ નાક દબાવ્યું. એ ફૂટપાથ પર આવી. દૂર નજર નાખી. છોકરાનો ક્યાંય પત્તો નહોતો. ‘જતો રહ્યો હશે.’ એવી કાંતાને શંકા ગઈ. પણ રિક્ષામાં બાટલા તો ઘણા હતા. તે વહેંચવામાં વાર તો થઈ હશે. કદાચ ચાલીમાંથી નીકળ્યો જ નહિ હોય! એ ફાંફે ચડી. રોડ પર વાહનોના હોર્ન અને ઘરઘરાટીનો અવાજ એને અળખામણો લાગ્યો, એ પાછી ફરી. જાણે અંદરથી કશુંક નીચોવાઈ રહ્યું હતું. બધું ધૂંધળું લાગી રહ્યું હતું. એ આડેધડ ચાલવા લાગી. ઘેર જવાને બદલે એના પગ બાજુમાં આવેલી શકરા ઘાંચીની ચાલી તરફ ફંટાયા. નટુની માસી ઘરે જ હતાં. કાંતાને જોઈને ખુશખુશાલ થઈ ગયાં. ‘ઘણો દા’ડે આ બાજુ આવી!’ ‘તમારો ભાણીયો ઘરમાંથી નીકળવા દે તો ને!’ ‘એ તો છે જ એવો. હજુયે સુધર્યો નથી?’ કાંતાં કાંઈ બોલી નહિ. મોંમાં કશુંક મમળાવવા લાગી, માસીનું, નાનકડું ઘર છોકરાંની રોકકળથી ગાજતું હતું. તેમના બે છોકરાઓની વહુઓ લાજ કાઢીને ઘરમાં હરફર કરી રહી હતી. કાંતાને ઘરનો કલબલાટ આનંદ આપી ગયો. એક નાનકડી બેબી ભાંખડિયાં ભરતી ઘરમાં દોટમ્‌દોટ કરીને કિલકિલાટ કરતી હતી. કાંતાએ હાથ લાંબો કરીને એને ઊંચકીને ખોળામાં લઈ લીધી. માસીના નાનાની આ ત્રીજા નંબરની બેબી, ભારે રમતિયાળ, કાંતાના ખોળામાં ઊંચીનીચી થવા લાગી. કાંતાને અંતરમાં ગલગલિયાં થવા લાગ્યાં. એણે બેબીને ગલીપચી કરીને બરાબરની હસાવી. કાંતાનો ખોળો તરબતર થઈ ઊઠ્યો. આવો ‘મમતાળો ખોળો છતાં ખાલી કેમ?’ – એવું કશુંક ધસી આવતાં એ ખસિયાણી પડી ગઈ. માસી એની ક્રિયાઓ એકીટશે જોઈ રહેલાં. કાંતાએ શરમાઈને નીચું ઘાલી દીધું. અંતર વલોવાઈ રહ્યું હતું. કેમ કરીને માસી સામે હું આંખો મેળવી શકું? મારી આ છૂપી વેદનાને મારે હવે વહેવા દેવી છે. પણ કોની આગળ રોઉં... એનું અંતર રડવા લાગ્યું. તે દરમિયાન એના ખોળામાંથી બેબી છટકીને રસોડા તરફ વળી. આ વખતે કાંતાએ બેબીને ઊંચકવા પ્રયત્ન ન કર્યો. માત્ર તે દિશા તરફ નજર માંડીને બેસી રહી. માસીએ હાથ લંબાવીને એના ખભા પર મૂક્યો. ને ચમકી ગઈ. આંખોમાં ઝળઝળિયાં આવ્યાં.

‘ગાંડી, તું ના કહે તોય મને બધી ખબર છે. તું કોઈ વાતે ગભરાતી નહિ. હું તારી પડખે છું ને!’ 

‘પણ મને એમનો ભરોસો નથી.’ ‘નટલાની વાત કરે છે? એનો તો કાન આમળીને સીધો કરું એમ છું મને ખબર છે એ અવળા રસ્તે ચડ્યો છે તે...’ કાંતાને થોડી હૈયાધારણ બંધાઈ. તોય ડૂસકું નંખાઈ ગયું. નટુની માંજરી આંખો યાદ આવી. બેસવું હતું તોય બેસી શકી નહિ. ઊભી થઈને એ ભાગવા જેવું ચાલી. પોતાની ચાલીના ઝાંપામાં પ્રવેશતાં એને કાંઈનું કાંઈ થઈ ગયું. ઘરે આવીને જોયું તો નટુ બહાર ઓસરીમાં પાટલી પર લમણે હાથ દઈને બેઠો હતો. એને જોઈને કાંતાની છાતીમાં ધડક ધડક થયું. જાળી ખોલીને જેવો એણે ઓસરીમાં પગ મૂક્યો કે નટુ તાડૂક્યો. ‘ક્યાં ગઈ હતી?’ ‘માસીના ઘેર.’ ‘શું દાટ્યું હતું ત્યાં... કે પછી પેલા બાટલાવાળાની સાથે...’ ‘બોલવાનું ભાન રાખો જરા...’ ‘તારી માનું તગારુ... ક્યારનો બેઠો છું અહીં.’ કાંતા થોડી ફફડી ગઈ. ફફડતા હાથે એણે તાળું ખોલ્યું. ઘરમાં ગઈ. પાછળની બારી ખોલી. પાણી પીધું. બારણામાંથી ડોકું કર્યું. નટુ હજુયે લમણે હાથ દઈને ઘુરકિયા કરતો હતો. શું કરવું તેની કાંતાને કશી સમજણ ન પડી. પાણિયારે જઈને પાણીનો ગ્લાસ લઈને પાછી ફરી. નટુની સામે ધરતાં બોલી : ‘લ્યો પાણી પીને જરા ઠંડા પડો.’ ‘તે ઠંડો કરવામાં હવે બાકી શું રાખ્યું છે?’ ‘હવે બહુ થયું. ડાહ્યા થઈને છાનામાના ઘરમાં હેંડો!’ ‘શું કેતી’તી માસી?’ ‘તમારાં વખાણ.’ કાંતા બોલતાં તો બોલી ગઈ. પછી હસવું આવ્યું. એણે નટુનો હાથ પકડીને ઊભો કર્યો. નટુને સારું લાગ્યું. ઘરમાં જતાંની સાથે જ એણે કાંતાને બાથમાં ધાલી. નટુની પીઠ પર હાથ પસવારતાં એનાથી બોલાઈ ગયું. ‘સાચું કહેજો, તમે શેઠને ત્યાં ગયેલા?’ ‘તારે શું કામ છે?’ ‘બસ અમસ્તી પૂછું છું.’ ‘માસીએ ભરમાવી લાગે છે.’ નટુએ એને છોડી દીધી. વીફરેલાં મોંઢે એ ચોકડીમાં હાથપગ ધોવા ગયો. કાંતાને અસુખ જેવું લાગ્યું. એની નજર ઘરના ખૂણેખાંચરે સુખ શોધી રહી હતી. બધું અવાવરું - કાટ લાગ્યો હોય તેવું – નટલાના વીફરેલા મોંઢા જેવું. કાંતાના અંતરમાં એક વીફરેલી આકૃતિ રચાઈ અને પાછી ભૂંસાઈ ગઈ. એ હતાશ થઈને પલંગમાં બેસી પડી. નટુ થાક્યો હોય તેમ ભોંય પર પથારી કરીને આડો થઈ ગયો. કાંતાને તે ન રુચ્યું. ‘ભોંય પર કેમ સૂતા? અહીં આવોને!’ ‘તું તારે એકલી આળોટ્યા કર. હું અહીં સારો.’ ‘કેમ દોઢું બોલો છો?’ ‘હવે એવું જ થવાનું.’ કાંતા હોઠ ભીડીને અચરજ ગળવા લાગી. પણ અચરજ તો થોડા દિવસ પછી ગામડેથી ફોઈ કંઈ કામે આવી ચડ્યાં ત્યારે જ શમ્યું. કાંતાએ એમની આગળ બધીયે વેદના ઠાલવી દીધી. ને ફોઈએ નટુ પર પસ્તાળ પાડી : ‘મનઅ તો ઈમ હતુ કઅ આવો આ કાંક ઠર્યો હશીં. તારો તો ભવ બગડી જ્યો’લી કાંતાડી!’ કાંતા જરા હળવી થઈ ગઈ. ફોઈ રોકાયા ત્યાં સુધી નટુ બકરી બેં થઈ ગયો. ત્રણ દિવસ રોકાઈને ફોઈ ચાલીની બહાર નીકળ્યાંય નહિ હોય, ને નટુ કાંતા પર વીફરી બેઠો. ‘તારે લીધે બધું થયું.’ ‘શું થયું?’ ‘હવે તું ચૂપ મરીશ.’ કાંતાને માઠું લાગ્યું. ઘરના આગળના ભાગમાં વાવેલા બદામના છોડ પર બદામ નહોતી આવી તોય એને ખાવાની ઇચ્છા થઈ. નટુના મ્હેણાંટોણાં વેઠ્યાં જતાં નહોતાં. શેઠને ત્યાંથી આવ્યા પછી એનું મગજ ગરમ તો રહેતું હતું, ને એમાં ફોઈને લીધે ચસકવાનો સમય ન મળ્યો એથી એ રઘવાયો થયો હતો. કાંતાને લાગ્યું કે નટુ ચીડિયો બની ગયો છે. ચાલીનો રળિયામણો ચોક, મંદિરના ઓટલા પર છોકરાંનો કલશોર, ગામ-ગપાટા મારતી સ્ત્રીઓના ઠિઠિયારા – હવે એમાં ક્યાં કશો ફરક પડવાનો છે? નટુએ ના કહ્યું હોત તોય એ બધું સમજી ગઈ હતી. એક રવિવારની બપોરે ગરમ લૂ પગને દઝાડતી હતી. બારણા બંધ કરીને કાંતાએ લૂ રોકવા કોશિશ કરી. ચાલતાં ચાલતાં ઝાંઝરીના તાલબધ્ધ રણકાર વચ્ચે ભોંય પર આળોટી રહેલા નટુને બગાસું આવ્યું. નટુની આંખો કાંતા પર મંડાઈ કે તરત જ તે બોલી પડી. ‘શું થયું?’ ‘તને ખબર.’ ‘મને તો બધી ખબર છે. ને તમારી જાણ માટે કહું તો તમે કશું જાણતા નથી.’ ‘એટલે?’ એ કશું બોલી નહિ. ઉતાવળે ઉતાવળે એ વરંડામાં પેઠી, વરંડામાં બિલાડીએ પગલાં પાડ્યાં હતાં. તે ખૂણામાં માખો બણબણતી હતી. એને કશાકની વાસ આવી. એકાએક બારણા પર ટકોરા પડ્યા. એક તો ભારે બફારો, ને તેમાં ટકોરા. માંડ માંડ પવન વછૂટ્યો હતો. બારણું ખોલવા જવું જ નથી તેવો નિરધાર કરી એ વરંડામાં ટહેલવા લાગી. તે દરમિયાન નટુએ ઘોંટો પાડ્યો. એ છણકભણક કરતી કમરે સાથ મૂકીને નટુના માથા આગળ ઊભી રહી. ‘હું તમારી માન-મર્યાદા જાળવુ છું એનો અર્થ એમ ન કરતા કે હું તમારી ગુલામ છું.’ ‘બારણું ખોલવામાં મરી જવાની નથી.’ ‘એવું થાય તો ભગવાનનો પાડ માનું.’ નટુ ઊભો થયો. થોડો વાંકો વાંકો ચાલીને બારણા લગોલગ ગયો ત્યારે કાંતા હસી હસીને બેવડ વળી ગઈ. ‘રહેવા દો. ખોલશો નહિ!’

‘કેમ?’

‘તમને શેઠનો માણસ બોલાવવા આવ્યો હોય તેવું લાગે છે.’ ‘તને ક્યાંથી ખબર?’ ‘હું તમારી રગેરગ જાણું છું.’ ‘ડહાપણ બહુ સારા નહિ.’ કાંતા રસોડાના બારણાની વચ્ચોવચ ઊભી રહી. ફોઈ સાથે વીતાવેલા દિવસો તાજા થવા લાગ્યા. પોતે બધું જાણતી નથી તેવો મોં પર ભાવ લાવીને એ બોલી : ‘શેઠના તમે અંગત માણસ લાગો છો નહિ!’