પ્રવીણસિંહ ચાવડા/૪. કોઈના નસીબમાં શીઘ્રતા છે: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪. કોઈના નસીબમાં શીઘ્રતા છે|}} {{Poem2Open}} દેવશંકર મહારાજના હોઠ, ગ...") |
(No difference)
|
Revision as of 07:57, 11 March 2022
દેવશંકર મહારાજના હોઠ, ગાલ, નાક બધું રબ્બરનું હતું એટલે છીંકણી તાણે ત્યારે નાક ડાબા કાન પાસે પહોંચી જતું આજે આદિત્યવાર, કથાનું મુહૂર્ત બૃહસ્પતિવાર પહેલાં મળે એ સંભવ નથી, મારા પ્રિય શિષ્યો – એવું એ કૃષિકારો અને ગોપાલકોને કહેતા, જે સાંભળીને શિષ્યો ખુશ થતા અને દાંત કાઢતા. એ ભાષાના વેગમાં તણાતો કોઈ પૂછતો - તે હેં દેવશંકરબાપા, આ બધું બ્રહ્માજીની ડૂંટીમાંથી નીકળ્યું એ વાત હાચી? અસલની વારીમાં, કે’છે, પરથમી ઉપર બધે પોંણી જ હતું? આપણા જીવતાં પાછું બધું જળબંબાકાર થઈ જશે? દુકાનોના ઓટલા કે છાપરીવાળી હોટેલની પાટલીઓ શાસ્ત્રાર્થ માટે વર્જ્ય ગણાતી નહીં. જિજ્ઞાસુઓના પ્રશ્નોથી ઉત્તેજિત થયેલું રબ્બર ખૂબ હાલતું અને એમાંથી હાસ્ય નીકળતું. ઉત્તરના પ્રારંભે શિષ્યોને સંબોધન થતું – મૂરખાઓ! જ્ઞાનની આવી તડાતડી ચાલતી હોય ત્યારે વિસ્મય ઉપરાંત શ્રોતાઓના ચહેરા ઉપર હાસ્ય પણ ચોંટી રહેતું તે એક મોટી વિડંબનાની સભાનતાના કારણે. દેવુ મહારાજ, આપ સાચા, બ્રહ્માંડની ઉત્પત્તિ અને વિલય વિશે આપે આપેલી માહિતી આખા ગામને શિરોમાન્ય, ચોપડીઓમાં છાપી હોય એવી ભાષા તો સહુથી ઊંચું સત્ય, પણ આ બધાંમાં વાંકા, કાળા વાસુને ક્યાં ગોઠવવો તેનો ફોડ પાડી આપો. બ્રહ્માંડનાં એકાદ-બે રહસ્યો નહીં ઉકેલો તો ચાલશે. અરે વાસુભાઈ! ઓ વાસુદેવ મહારાજ! ચારે બાજુ આ નાના મહારાજનાં ખૂબ માન છે. ઓંય બિરાજો. કોઈ ચોટી ખેંચતા પૂછે છે – ચા પીવો છે? કોઈ પેટની ગોળીમાં આંગળી ખોસે છે. પેલું ગાઓને, વાસુ મહારાજ, ખડિયો મારો ખાલી કોઈ ના લાવે માગી. તરત બધું ભૂલીને વાસુદેવ મહારાજ પૂછે છે – કાંક થાળી કે ખોખા જેવું મળશે? વાદ્ય હાજર થાય પછી નીચું જોઈ, આંખો મીંચી, તીણા અવાજે, આખા શરીરને ખૂબ આવેગથી હલાવતાં ગાવા લાગે છે – મારા રોયા, રખડવાની ટેવ છે! ભૂવો ધૂણતો હોય એવું આ રૂપ જોઈને બધા હાથ જોડે છે. નાના અને મોટા, બેય મહારાજોનો જય હો! ગાયન પૂરું થાય એવો જ પરસેવો લૂછતો કલાકાર પુરસ્કાર માટે માગણી મૂકે છે. ચાનું કે’તા’તા તો પાઓ ને. અડધી આપો ને. ચના વિષયને પણે સંગીત સાથે જોડવામાં આવે છે. પેલું, ચા વિનો ઘેલો બન્યો હું, ચા વિના ચાલે નહીં, એ ગાઓ પછી ચા મળે. આ દરમિયાન શ્રોતાઓની છેલ્લી હરોળમાં રકઝક ચાલી રહી છે. અલ્યાં, એંઠી ના અલાય. ગમેતેમ તોય બામણનં ખોળિયું કે’વાય. અડધો કપ મૂર્તિની સામે આરતીની જેમ ફેરવાય છે. વાસુદેવ મહારાજ ઝાપટ મારી એને પકડવા જાય છે પણ કપ પાછો ખેંચી લેવામાં આવે છે. પહેલાં પેલી વાત કરો, રેશમડીવાળી વાત. મહારાજથી ચા ભુલાઈ જાય છે અને તેઓનું આખું શરીર શરમાવાની ક્રિયામાં વ્યસ્ત બની જાય છે. શાસ્ત્રો, સબૂર! થોડી ક્ષણો માટે અમને વ્યવહારુ વાતો કરી લેવા દો – એવું સ્વગત બબડીને કોઈ દેવશંકર મહારાજ સમક્ષ વાસુદેવનો ઉલ્લેખ કરે છે ત્યારે કોથળી જેવું નાક ઢીંચણ સુધી ખેંચી એને ધોતિયાના છેડાથી લૂછતાં તેઓ આટલું જ બોલે છે – બાળક છે, અપરિપક્વ છે. અરે, સર્વજ્ઞ માન્યા હતા તે તો સર્વવ્યાપી પણ નીકળ્યા! છેક અમદાવાદમાં કાળુપુરની આ પોળના સાંકડા મકાનમાં પેસીને તેઓ શું કરી રહ્યા છે? પગ ઉપર અર્ધપદ્માસને પગ ચડાવ્યો છે, ધોળી ટોપી ગડી કરીને ઢીંચણ ઉપર ચીવટથી ગોઠવી છે, કરંડિયાનું ઢાંકણું ખસ્યું એટલે ચોટીએ ફેણ ચડાવી છે, સામે જમીન ઉપર બેઠેલી બોખી વિધવાને કહી રહ્યા છે – તો, આમાં બીજી વિશેષ ચર્ચાની આવશ્યકતા, મને જણાતી નથી! વાટાઘાટોના પ્રારંભે જ ભાષાને તેઓ સમાપનનો લય આપી શકે છે. મેડીના બીજા ખૂણામાં ચોપડીઓ પાથરીને જાદુ કરતી હોય એમ આંખો જોરથી મીંચી હોઠ ફફડાવતી અને વળી નોટબુકમાં એ ગોખણને ઉતારી લેતી છોકરીને મા ઇશારાથી ખેંચીને રસોડામાં લઈ જાય છે. જો સાંભળ, મા છોકરીના ગાલે હાથ ફેરવે છે અને કાન પાસેના વાળ સરખા કરે છે. આમ ફરાક પહેરીને ઉઘાડે માથે બે ચોટલા ઉલાળતી હોળાયા જેવી સસરાની સામે હડીઓ કાઢે છે તે સારી લાગે છે? છોકરી લોકશાહીના લાભ વિશેનો નિબંધ અડધો મૂકીને આવી છે. બેધ્યાનપણે, હોઠના બાકીના ભાગ વડે સમાનતા વિશેનાં વાક્યો ગણગણતાં, એ પૂછે છે – કોના સસરા? માને આ ભોળપણ ઉપર ખૂબ હસવું આવે છે. ‘મારું કબૂતર, મારો હોલો. તું અહીં રસોડામાં બેસ. હું ચોપડીઓ લાવું છું તે ભણી લે રૂપાળું થોડા દા’ડા.’ બહારના ઓરડામાં જઈ પાછી એ ભીંત પાસે બેસી સાડલાનો છેડો આંખો ઢંકાય ત્યાં સુધી ખેંચતા ફરિયાદ કરે છે. ‘થોડી છોકરમત છે.’ સંતાનો વિશેની ફરિયાદમાં દેવશંકર મહારાજ પણ સામેલ થાય છે. સૂંઢ હલાવતાં તેઓ કહે છે – આપણા વાસુભાઈ પણ થોડા, જેને કહીએ ને, બિનવ્યવહારુ છે. આટલું બોલ્યા પછી તરત એ પ્રતિપક્ષ રજૂ કરે છે – પણ એટલું હું અવશ્ય સ્વીકારીશ કે શિક્ષણમાં થોડું ઓછું ધ્યાન આપ્યું. બાકી આળસ લેશમાત્ર નથી. સતત પ્રવૃત્તિશીલ રહે છે. હેઈ હેઈ! દેવશંકર મહારાજ એમના વાસુડા માટે ઠેઠ અમદાવાદથી વહુ લાવ્યા તે જોઈ? અહોહો, આવું રૂપ! શાબ્દિક સુધારો સૂચવાય છે. વાસુડાની વહુ ના કે’વાય. ગમેતેમ તોય ગોરાણી કે’વાય. આખું ગામ કહે છે, ગોરાણી. છાતી સુધી લાજ કાઢીને ગોરાણી ફરે છે, નેવાં નીચે બેસીને વાસણ માંજે છે, ગામકૂવેથી બેડું માથે મૂકીને બજાર સોંસરાં નીકળે છે. શાસ્ત્રોે અને વિદૂષકવેડા બંનેનો નકાર કરતું એ રૂપ છે. દેવાબાપાના ઘરમાં તો આટલાં વરસે અજવાળું થઈ ગયું. દિવસે અજવાળું થયું એ વાત સાચી, પણ રાતનું શું? રાત્રે દેવશંકર મહારાજ હાથ ઝાલીને વાસુદેવને આંગણામાં પોતાની પાસે બેસાડે છે. અહીં બેસો ખાટલામાં મારી પાસે અને હું કહું તે ધ્યાનથી સાંભળો. હવે તો આપણે સમવયસ્ક ગણાઈએ. હવે તમે બાળક નથી. પુરુષ છો અને પુરુષનો ધર્મ સમજો. શાસ્ત્રીયતાના ખેસ નીચે ઢાંકીને એ કેટલીક શિખામણો આપે છે તે ઊની-ઊની લઈને પુત્ર બારણું ઠેલી ઘરમાં જાય છે. જાય તો છે પણ બારણામાં ઊભોઊભો ફાનસના અજવાળામાં વહુને જોયા કરે છે. બંને પક્ષે અચરજ છે. ખૂણાના ખાટલામાં ઉઘાડે માથે બેઠેલાં ગોરાણી પણ પોતાના મહારાજને સસ્મિત નિહાળ્યા કરે છે. એમને પણ વિધવા માતાએ શિખામણોની પોટલી બાંધી આપી છે. એટલે ધર્મને સંભારતાં એ સ્વામીને નયનના અને હાથના ઇશારાથી આમંત્રણ આપે છે. એમનામાં આત્મવિશ્વાસ છે. સ્કૂલની પ્રાર્થનાસભાઓમાં એમણે છાતી ઉપર બે ચોટલા ઉછાળતાં અનેક વાર છટથી વક્તૃત્વની તલવાર વીંઝી છે. એ શક્તિની મદદથી અંધારાં ઉલેચાશે અને સંસાર તરી જવાશે એવી એમને શ્રદ્ધા છે. બહાર, ઓસરીના અંધારામાં ડોલતા દેવશંકર મહારાજને નીંદર આવતી નથી. વિકલ્પ એ નીંદરડી નામની, એક વાર્તામાંની દાસીને ઝંખે છે. હે નીંદરડી, તું આવ! પોતાની આ સ્થિતિથી એ લજાય છે અને પ્રસ્વેદ લૂછતાં થોડું આત્મનિરીક્ષણ કરી લે છે. વિદ્વાનને આવી ચંચળતા શોભા આપે છે? એનાં કારણો શું અને કારણો કદાચ પ્રગટ ન થાય તોપણ, ઉપાય શો? ઉપાય લગભગ મધરાતે વ્યક્ત થાય છે. ગભરાતો વાસુ બારણું ઠેલીને બહાર નીકળે છે અને ઉચ્ચાલનના કોઈ નિયમથી પ્રેરાઈને એ જ સપાટામાં દેવશંકર મહારાજ સાવ નાના બટુક બનીને અંદર સરકી જાય છે. પછી, ઓરડાના જુદાજુદા ખૂણાઓમાંથી જ્ઞાનના બુચકારા સંભળાય છે. ગોરાણીના દિવસો કંટાળાભર્યા નથી. ગામની જુવાનડીઓ ઝુંડ રચીને આવે છે. શહેરી હાથની લાલી તપાસે છે. પોતાના તરડાઈ ગયેલા નખવાળા હાથ રૂપવંતીના ગાલ ઉપર ફેરવે છે. આખા ગામને સંતોષ છે. ડોસીઓ કહે છે, અસ્સલ જાણે આપણાં મરનારાં ગોરાણીમા. અદ્દલ એ જ રૂપ. વાસુ મહારાજને આંતરીને સોડા-લેમનના ખોખા ઉપર બેસાડી એમની પાસેથી સ્ત્રૈણ ગીતો કઢાવનારા ઘસીને દાઢીઓ કરાવી, તેલથી નીતરતી લટો પ્રશ્નાર્થ અને ઉદ્ગાર જેવા વ્યાકરણના આકારોમાં કપાળ ઉપર ચોંટાડી તળાવે અને કૂવે ભટકે છે. અલ્યા, સીટી ના મરાય. ગમેતેમ તોય ગોરાણી કહેવાય ગોરાણી! લાજને વીંધીને ચમકતી ગોરાણીની આંખોમાં ખૂબ કુતૂહલ જાગ્રત થયું છે. કોઈ બપોરે વાસુને ઇશારો કરીને પોતાની પાસે બોલાવે છે. અહીં આવો, નાથ. બેસો મારી પાસે, શરમાઓ છો શાના? તમે તો મારા સ્વામી છો, બીક શાની લાગે છે? ચાલો, નાસીને અમદાવાદ જતાં રહીએ. મારો હાથ પકડી રાખજો. કાછોટો મારીને તમને દરિયો તરાવી દઈશ. બોલવાનું અડધે છોડી દેવું પડે છે, કારણ કે આ જેને કહેવું છે એ તો હેઈહેઈ કરતો પટ્ટી મારીને બજાર વચ્ચે પહોંચી ગયો છે. ભાઈબંધો એને ખેંચીને તળાવની ચાડમાં લઈ જઈ વાટાઘાટો આદરે છે. બોલ વાસિયા, સાટું કરવું છે? આ સાસરવાસ દરમિયાન બહારના વિશ્વમાંથી ગોરાણી ઉપર કુલ બે સંદેશા આવ્યા છે. પોસ્ટકાર્ડ ઉપર વિધવા માએ દીકરી અને જમાઈ વાસુદેવકુમાર બંને માટે એક મૌલિક સૂચના મોકલી છે – ડાહ્યા થઈને રહેવું. બીજો પત્ર નિષ્ઠુર છે. કોમલ નામની બહેનપણી લખે છે – ગર્લગાઇડના કૅમ્પમાં અમે બેંગ્લોર જઈ આવ્યાં. બેંગ્લોરથી અમે મૈસૂરના રાજાનો મહેલ જોવા ગયાં હતાં. ગયાં એટલે ત્યાંનો મશહૂર ગાર્ડન તો જોયા વગર રહીએ જ શાનાં? એક્ઝામનું થોડું ટેન્શન રહે એટલું, બાકી ટુરમાં મજા આવી અને જાણવા ઘણું મળ્યું. મૈસૂર જતાં અને આવતાં રસ્તામાં બધાંએ તને ખૂબ યાદ કરી કે અત્યારે શું કરતી હશે. સાથે હોત તો કેવી મજા આવત. જીજાજીને અમારી ખૂબ ખૂબ યાદ. આ જગ્યાએ પત્રનો અણઘડ અંત આવતો હતો. લખનારની સમજણ આડે કોઈ દીવાલ ઊભી થઈ હશે. જોકે ચિંતાનું કારણ નહોતું. કારાવાસમાંથી મુક્તિ માટેની તૈયારીઓ થઈ ચૂકી હતી. બનેસંગે એના ટ્રેક્ટરને શણગાર્યું હતું. ફૂંફાડા મારતા ટ્રૅક્ટરને બનેસંગે બાપ્પો-બાપ્પો કરીને થાબડતો. જાંબુડાવાળા ખેતરની ઓરડી સજાવવામાં આવી હતી. ખાસ ઑર્ડર આપીને નવો ઢોલિયો બનાવડાવ્યો હતો. ચારે બાજુ વાડોના છીંડાં પૂરીને એને અપારદર્શક બનાવી દેવામાં આવી હતી. ઉપરાંત, વધારાના રક્ષણ માટે, ત્રણ કૂતરા છૂટા મૂકવામાં આવ્યા હતા. ધમધમ કરતો બનેસંગ દિવસમાં સાત વખત દેવશંકર મહારાજના ઘર આગળથી, કૂવા પાસેથી અને તળાવેથી નીકળતો ત્યારે ટ્રૅક્ટર બેશરમ બનીને જીભ કાઢતું – બોલ, શું વિચાર છે? ટ્રૅક્ટર પંખી હતું. પંખીઓમાં તે ગરુડ હતું. એની વિશાળ પાંખોમાં બે બાજુ મુક્તિને લગતાં સૂત્રોનાં પાટિયાં લટકાવેલાં હતાં. જોઈ શું રહી છે, ગોરાણી? ઊઠ! એક બપોરે ખંજવાળ આવી હોય એમ ટ્રૅક્ટર વડ નીચે ધીમું પડ્યું. ગામકૂવાના થાળે લૂગડાં ધોતાં ગોરાણીએ દેવું મહારાજનું નિર્લજ્જ ધોતિયું અને વાસુદેવનો લાચાર લેંઘો હળવેથી બાજુએ ખસેડ્યાં, સાબુવાળા હાથ પાલવથી લૂછ્યા અને માથાનો છેડો છેક છાતી સુધી ખેંચી ઉઘાડા પગે ઠાવકાઈથી ચાલતાં જઈને ટ્રૅક્ટર ઉપર ચડ્યાં. કોઈ દિશામાં કોઈને, માણસોને કે કૂવા-તળાવને, આવજો-જજો કર્યું નહીં. ટ્રેક્ટર ઊડ્યું એ સાથે છેડો માથેથી અને છાતીએથી પણ ખસી ગયો. શહેર નહીં, ગામડું પણ નહીં, ખેતર. આવા પ્રાકૃતિક પરિવેશમાં ગોરાણીનું જીવન કેવું છે? રસ્તાથી દૂર નદીને કિનારે સાઠ વીઘાને ફરતે તારની અને થોરની એમ બેવડી વાડ છે. પ્રાણીઓમાં શ્વાન અને ટ્રૅક્ટર ઉપરાંત એક ઘોડી છે. ગોરાણીની સેવા અને રક્ષણ માટે એક દાસી છે. નવરો હોય ત્યારે બનેસંગ બહાર ખાટલામાં બેઠોબેઠો બંદૂકની નળી સાફ કર્યા કરે છે. સુંવાળાં ગોરાણીના માનમાં એ આંતરે દિવસે ઘોડે ચડીને જાય છે અને ગામની છાતી ઉપર ઊભો રહી ગણપત રાત પાસે દાઢી કરાવી આવે છે. બે-ત્રણ દિવસે પાટણ જાય છે અને શહેરી સ્ત્રી માટે પોતાની સમજ પ્રમાણે શિકાકાઈ સાબુ, ભૃંગરાજ તેલ અને બીજાં પ્રસાધનોના પર્વત ઉપાડી લાવે છે. સાથે દાબેલી કે ભાજીપાંઉ જેવું પણ કંઈક બંધાવતો આવે છે. તમતમારે લહેર કરો, ગોરાણી, કોઈના બાપની તાકાત છે! બીજાની હાજરીમાં અને મોટા ભાગે એકાન્તમાં પણ બનેસંગ એમને માનથી બોલાવે છે. છૂટથી એયને ફરવું. કોઈની સાડાબારી રાખવી નહીં. આમ નદી અને આમ પેલા જાબુડા સુધી તમારું રાજ છે. સરહદોને દૃષ્ટિથી તપાસતાં ગોરાણીને હસવું આવે છે. વિદ્યાર્થિનીની રમૂજવૃત્તિ વધારે સતેજ થઈ છે. એને માથું પછાડતા, આંગણામાં ટોળાની વચ્ચે બેસીને હાથ ઘસતા દેવુ મહારાજ દેખાય છે. દાસીનું નામ શારદા છે. કંઈ છુપાવવાનો રિવાજ નથી એટલે ગોરાણીને એનો ઇતિહાસ પણ જાણવા મળ્યો છે. ત્રણ વર્ષ ઉપર બનેસંગે એને ડીસાની બજાર વચ્ચેથી ઘોડી ઉપર ઉઠાવી હતી. આટલા સમયમાં ઘસારો લાગતાં એ કામિનીમાંથી કામવાળી બની ગઈ છે. કાળથી સ્વતંત્ર એવા આ ખેતરમાં એને ડીસાથી પાછળ કોઈ ભૂતકાળ નથી, બનેસંગ ન હોય ત્યારે ગોરાણી મેડીની પાછલી બારીએ બેસી રહે છે. અથવા શારદાના સંગાથમાં ચીકુની વાડીમાં, ઘઉં-રાયડાનાં ખેતરોમાં ધીમેધીમે ટહેલે છે. ઘઉંની ઉંબીઓ ઉપર હથેળી ફેરવતાં શરીર ધ્રૂજી જાય છે. ‘શારદા.’ શારદા કહે છે, ‘હા, ગોરાણીમા.’ ‘આ ખાલી કોરીકટ નદી ક્યાં જાય છે?’ ‘કચ્છના નાના રણમાં, ગોરાણીમા’ ‘દરિયો કેટલે છેટે હશે, શારદી?’ ‘એ તો ઘણો આઘો રહ્યો, ગોરાણીમા’ ગોરાણીના પ્રશ્નોના જવાબમાં હજુ કંઈક કહેવાનું રહી ગયું છે એમ માનીને શારદા ઉમેરે છે ‘– ઠાકોર જેન્ટલમૅન આદમી છે. જબાનના પક્કા છે. કૉંગ્રેસ સરકારની સામે પણ તોપ માંડે એવા ઝુઝાર છે.’ ગોરાણી કહે છે, ‘રાઇટ, શારદા, રાઇટ.’ જીપ આવીને ઊભી રહી. ‘ઠાકોર ક્યાં છે? તમે કોણ?’ પોલીસ ઇન્સ્પેક્ટરના પગમાં સ્ફૂર્તિ હતી. એ ખુરશીમાં બેસતો નહોતો. આંગણામાં સતત આંટા મારતો હતો. કૂતરા, સરકારી સત્તાને માન આપી, થોડે આઘે ઊભા રહીને ભસતા હતા. ‘ક્યાં છે બનેસંગ?’ મધ્યમ વય હતી. ફાંદને ચામડાના જાડા પટ્ટાથી ખાળી રાખી હતી. આંખો સત્તાપૂર્વક નાચતી હતી. ખભા ફરતે સાડી વીંટી ઠાવકાં થઈને બેઠેલાં ગોરાણીને હસવું આવ્યું. ‘શારદી, સાહેબને ચા આપ, નાસ્તો આપ. શારદી, સાહેબને કહે કે ઠાકોર ક્યાં જાય છે. એ કોઈને કહીને જતા નથી.’ ‘ક્યારે પાછા આવશે?’ ‘ક્યારે આવશે એ પણ મને પૂછીને નક્કી કરતા નથી. એ તો કહો, જમાદાર, ફરિયાદ કોણે લખાવી? કોને મારા જવાથી ઓછું આવ્યું? કોના મોકલ્યા તમે આમ પૂંછડી હલાવતા –’ ઇન્સ્પેક્ટરે હવામાં સોટી વીંઝી, ખૂબ ચપચપ કરે છે, છોકરી!’ ગોરાણી સટાક ઊભાં થઈ ગયાં. એમની ડોક ગુમાનથી ખેંચાઈ. ‘જબાન સંભાળીને વાત કરો. જમાદાર. ગોરાણી કહો ગોરાણી.’ ઇન્સ્પેક્ટરે હસીને હાથ જોડ્યા, ‘પાયલાગણ, ગોરાણીમા’ બીજી મુલાકાતે ચાર દિવસ પછી આવ્યો ત્યારે એણે પીળું ટી-શર્ટ પહેર્યું હતું. રમવા માટે હાથમાં ચળકતું લાલ સફરજન રાખ્યું હતું. વાતો કરતાં-કરતાં એની ઉપર જીભ ફેરવતો હતો અને થોડી-થોડી વારે શરારતી બટકું ભરી લેતો હતો. ‘ગોરાણી, તમે ગેબી છો, સમજાતાં નથી, પણ આ ઇન્સ્પેક્ટર આગળ ભલભલાના નકાબ ઊતરી ગયા છે. બોલો, શું વિચારો છો? અમદાવાદ સાંભરતું હશે. ઠાકોરસાહેબ ક્યાં પધાર્યા છે? મારું મૂળ વતન તો ઈડર.’ ‘ઠાકોર હાજર ન હોય ત્યારે જ તમારું સરકારી તંત્ર જાગ્રત બની જાય છે? જે દિવસે સામસામા આવવાનું થશે ત્યારે શું થશે? ધિંગાણું ક્યાં ખેલાશે, અહીં આ આંગણામાં કે નદીના પટમાં? તલવારોની તાળીઓ પડશે અને લોહીના મેઘ વરસશે ત્યારે મારે બે વીરોની વચ્ચે ઊભા રહી ભીંજાવું પડશે?’ એક બપોરે તીડ પડ્યાં. આંબા નીચે બેસી ગોરાણી કોઈ ચોપડીનાં પાન ફેરવતાં હતાં તે હળવેથી ઊભાં થયાં. ‘ગજબ કર્યો! શારદી, આ તો આખું ખેતર સાફ કરી નાખશે.’ વાડમાં કાણાં શોધીને કે પાડીને બધી પેઠી હતી અને મગ-ચોળાની શીંગો આખી ને આખી ગળી જતી હતી. અડધીએ ગોગલ્સ પહેર્યા હતાં. સૂર્ય સામે રક્ષણ માટે દુપટ્ટા માથે વીંટ્યા હતા. ટોળું આવીને ગોરાણી અને શારદાને ઘેરી વળ્યું. ‘શું નામ તારું, બહેન?’ દાંત વચ્ચે શીંગોના લોંદા દેખાતા હતા. ‘ક્યાં ગયો પેલો હરામી બદમાશ? જુઓને, બિચારી કેવી થઈ ગઈ છે!’ ગોરાણીએ કહ્યું, ‘ઠાકોર કોઈને પૂછીને નથી જતા પણ તમે બધીઓ છો કોણ?’ કોઈએ ચોપડો કાઢ્યો. કોઈએ ફાઈલ ઉઘાડી, ચાલ, નામ બોલ. ‘વિકાસગૃહ એટલે શું વળી?’ બધી એકસાથે હેતુ અને કાર્યો સમજાવવા લાગી. ‘શારદી, આ બાઈઓ બાપડી આઘેથી આવી છે. વળી, કેટલી સરસ ઊંચી વાતો કરે છે! એમને ચા પાઈશું?’ ચા પાયા પછી ગોરાણીએ ઊભા થઈને આળસ ખાધી, ‘ઉદ્ધારનું જાણે સમજ્યાં, પણ તમે ઘઉંની ઉંબીઓ અને ચીકુડીનાં કૂણાં પાંદડાં નહીં જોયા હોય. ચાલો, ચીકુ અપાવું. ખવાય એટલાં ખાઓ અને બીજાં લૂગડામાં ભરાય એટલાં ભરીને નાસો. દોટ મૂકો. ઠાકોર શિકારે ગયા છે તે હમણાં ખાઉં ખાઉં કરતા આવશે ’ વિદાયની ઔપચારિકતા વગર ભારે શરીરોએ ગતિ પકડતાં ધૂળ ઉડાડી અને છીંડામાંથી પહેલા નીકળવા એકબીજાનાં લૂગડાં ફાડી નાખ્યાં એ જોઈને શારદાને ખૂબ હસવું આવ્યું. જ્યારે આવે ત્યારે ઇન્સ્પેક્ટર આશ્ચર્યની સ્થિતિમાં હોય છે. ‘ગોરાણી રાણી, તમે હસો છો બહુ.’ ‘હસું છું? લો, મને તો ખબર નહોતી.’ ‘હજુ છોકરમત નથી ગઈ.’ ‘ઇન્સ્પેક્ટર, આ નદી ક્યાં જતી હશે?’ પાંચમી મુલાકાતે એક બપોરે આવ્યો ત્યારે ગાડી સરકારી નહોતી, સાથે પોલીસવાળો નહોતો. કૂવાના થાળા પાસે ગાડી ઊભી કરી. ‘શારદા, પાકાં વીણીને થોડાં ચીકુ લાવ.’ ‘ઉતાવળમાં છો, ઇન્સ્પેક્ટર? બીક લાગે છે? કંઈક શોધી રહ્યા છો?’ ‘અમદાવાદમાં બોપલમાં આઠમે માળે અઢીસો વારનો ત્રણ બેડરૂમનો ફ્લૅટ છે. આ એની ચાવી. ફૅમિલી કલોલમાં રાખ્યું છે. બોલો, શું વિચાર છે?’ ગોરાણી ઊભાં થયાં, ખોળામાં ચીકુ ભરીને દૂરથી આવતી દૂબળી શારદાની સામે હાથ ઊંચો કર્યો અને ગાડીમાં બેસી ગયાં. ઘઉં અને રાયડાને આંખોથી પસવારતાં ધીમેથી કહ્યું, ‘ચાલો.’ એ રાતે ગોરાણી બોપલના ફ્લૅટની બારી પાસે બેઠાં હતાં. માનું ઘર છોડ્યું ત્યારથી ખૂબ ચમત્કારો થતા હતા છેલ્લો જાદુ ફ્લૅટમાં પ્રવેશ્યા પછી તરત થયો તે એમણે નજરે જોયો હતો. ખેતર વચ્ચે સોટી ઘુમાવતા રાજકુમારે સ્ત્રીને લાવીને પોતાની ગુફામાં નાખી પછી બરમુદા અને ટી-શર્ટ પહેર્યા એ સાથે એનું વૃદ્ધત્ત વિદૂષકમાં પરિવર્તન થઈ ગયું હતું. કરચલીવાળું મોઢું, પેટ અને ગાલોની લટકતી કોથળીઓ જોઈને ગોરાણીને તાળી પાડવાનું મન થયું હતું. મધરાત વીતી ગઈ હતી. ઉઘાડા શરીરે બેઠોબેઠો ઇન્સ્પેક્ટર એકાગ્રતાથી વ્હિસ્કી અને સોડાનું મિશ્રણ તૈયાર કરી રહ્યો હતો અને ગોરાણી બારી પાસે ઊભાંઊભાં પૂર્વમાં કાળુપુરની એક શેરીની બરોબર ઉપર આકાશનો કયો ભાગ આવે એ નક્કી કરવા મથી રહ્યાં હતાં. દેવશંકર મહારાજના અને વાસના ભેગા ગણવામાં આવે તો તે ચુંમાલીસ વત્તા બનેસંગ બંકાના એકલાના છત્રીસ એમ કુલ એકંદર દિવસ થયા એંશી એમાં તો કાળુપુરની સાંકડી ઘાટીમાંથી પ્રગટ થઈ પહોંચી ગયા ઠેઠ બોપલના આઠમા માળનો લક્ઝુરિયસ ફ્લૅટમાં ગતિ ખૂબ હતી એટલે આજે તો ક્યાંયનાં ક્યાંય નીકળી ગયાં હશે.