બિપિન પટેલની વાર્તાઓ/૪. પિટિશન: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪. પિટિશન|}} {{Poem2Open}} રણછોડના હાથમાં કાગળ જોઈને મને થડકારો થયો....") |
(No difference)
|
Revision as of 07:41, 15 March 2022
રણછોડના હાથમાં કાગળ જોઈને મને થડકારો થયો. સરકારનો ફૅક્સ હશે. આ રણછોડેય ‘ઉપાડી ગાંસડી વેઠની રે..’ની જેમ કાગળ બે હાથથી મજબૂત અને વ્યવસ્થિત પકડી વિહ્વળ થતો, પરસેવે રેબઝેબ ઉતાવળે અવાજે ‘સાહેબ ફૅક્સ છે’ બોલીને અદબ વાળીને ઊભો રહ્યો. જાણે વળતો ફૅક્સથીય વિશેષ ઝડપે જવાબ વાળવાનો હોઉં. જોકે એમાં એનો સહેજેય વાંક નથી. આપણી ઇમ્પ્રેશન પહેલેથી જ એવી ટોટલ ઇન્વૉલ્વમેન્ટ. કેસ ગમે તેવો અઘરો કેમ ન હોય; પટ નિકાલ કરવાની ટેવ ઉપરવાળો કાકોય વળી જરૂરી, તાકીદનું, ચકાસણી કરીને મૂકશો – લખીને કાગળ પર ચિતરામણ કરશે ભાતભાતનું ને સહીમાં ચીતરશે મોટો ભમરડો. પછી ચડે આખું બ્રહ્માંડ ચકરડે! રણછોડે ‘સાહેબ, સાહેબ ફૅક્સ આયો છે.’ કહીને જ્યારે બૂમ મારી ત્યારે મેં ઊંચે જોયું, ફૅક્સને બદલે કોર્ટના લાલ સીલવાળો ઑર્ડર જોઈને હાશ થઈ, રણછોડને તતડાવ્યો, ‘અલ્યા લાલ ફૅક્સ ક્યાં જોયો?’ ઑર્ડર વાંચતાં જ ખુરશીમાંથી ઊછળી, ધૅટ્સ ઇટ, ધેટ્સ ઇટ, ઍફિડેવિટ કરવી પડશે, અંગ્રેજીમાં, અંગ્રેજીમાં. જોઈએ છીએ કયો બેટો કરે છે તે. રિજિયોનલ ઑફિસ છે. વીણી વીણીને નમૂના ભેગા કર્યા છે. લાવ, એક ધક્કો મારું લિટિગેશન સેલમાં. ત્યાં બેઠા છે બડેખાંઓ; કરો ઍફિડેવિટ. લોચા મારશે તો ખખડશે સરકારી વકીલને ત્યાં. પછી આવશે રેંકતા રેંકતા. આમ ઇમ્પોર્ટન્સ ક્રિયેટ થાય ત્યારે. એમ ઊંધું ઘાલીને કામ કર્યા કરીએ ને કોઈ ભૂતોભય ઓળખે નહીં – એ કેમનું ચાલે? તમારાથી શું છુપાવવું. ઇંગ્લિશ એમ ને એમ નથી આવડ્યું. રાતોની રાતો જાગ્યો છું. આઈ હેવ બર્ન્ડ ધ મિડનાઇટ ઑઇલ. શેરીની બત્તી નીચે, મિત્રોના ઘેર, મારું ઘર તો આશ્રમ હતો. બાએ એમનાં સગલાં હોય એટલાં ભર્યા હતાં એટલે રૂમમાં ખદબદ ખદબદ ચાલવાનીય જગા નહીં. રસોડામાં બેસી, એકાગ્ર થઈ, ચોટલી બાંધી સેવ્યું છે જ્ઞાનને. આમેય અમારી બાજુ ગણિત ને ગણતરનો મહિમા, ભાષાને નામે મોટું મીંડું, સાહિત્યનાં પુસ્તકોને ચોપડાં, લોપડાં ગણે. ટૂંકમાં, એમ સમજો ને કે આપણે ઉજ્જડ ગામમાં... જવા દો. ચવાઈ ગયેલો પ્રયોગ છે, પણ આમ તક મળ્યે પાછા જરી વહેમ મારી પણ લઈએ.
ધાણકસાહેબના પી. એ.નો ફોન આવ્યો. ‘સાહેબ યાદ કરે છે.’ મેં કહ્યું, ‘કેમ મારા નામની હેડકીઓ આવે છે કે શું?’ ચૅમ્બરમાં પહોંચતાં જ એઝ યૂઝવલ. ‘ક્યાં ખોવાઈ ગયા છો? ખોટું લાગ્યું કે શું? રણછોડ ચા લઈ આવ ફર્સ્ટ ક્લાસ, ઉત્તમભાઈ માટે, તમે ચા માટે હકદાર છો.’ મેં કહ્યું, ‘એ બધું ઠીક, કામ શું છે એ બોલો ને?’ કામ તો બીજું શું હોય? કોર્ટકચેરીનું એક કામ પડ્યું છે. મને ખબર છે, એ તમારા ટેબલનું નથી પરંતુ આપણે કુટુંબભાવનાથી હળીમળીને કામ કરવાનું છે. એમાં જ મજા છે.’ મેં પંચોલીને કાનમાં કહ્યું, ‘સાહેબને એમનું રિટાયરમેન્ટ ભીંતે લખેલું દેખાય છે. એટલે કુટુંબભાવના એકાએક પ્રગટી ઊઠી છે.’ હોય ત્યારે. આફ્ટર ઑલ બૉસ ઇઝ ઑલ્વેઝ રાઇટ અને આમ પણ હા કહીને કે ના કહીને કામ તો કરવાનું જ છે. વળી, ખડદિયાની આમાં કંઈ કૅપેસિટી નહીં. ‘સાદર રજૂ, એથી વિશેષ નહીં મારું ગજું. યોગ્ય તે આદેશાર્થે રજૂ’ કે પછી પત્ર અંગ્રેજીમાં હોઈ દફતરે કરીએ, એવું ગાડું-ઘેલું લખે. છેવટે ધાણકસાહેબના આગ્રહવશ કામ તો મારે જ કરવાનું ને? કોર્ટ-ઑર્ડર સ્પષ્ટ હતો, મેં સાહેબને પૂછ્યું, ‘શું કરવું છે? ઍફિડેવિટ ફાઈલ કરવાની છે. આમ તો ક્લાસ વન ઑફિસરની સહીથી જ થાય. પણ મહેતાસાહેબ ખેડાથી આવે છે તે સમયસર કરી શકશે? તમે કહો તો ડ્રાફ્ટ તૈયાર કરીએ. આજે આઠમી તારીખ થઈ. બારમીએ કોર્ટમાં હિયરિંગ છે.’ ‘જુઓને, કયા મુદ્દે સરકારનો બચાવ કરી શકાય તેમ છે?’ – સાહેબ ગૂંચવાયા હોય તેમ કહ્યું. બચાવ તો શું મારા સાહેબ, કહો તો સરકારને જિતાડી પણ દઈએ. આપણા કામમાં જોવું ના પડે, લાવો. ઑર્ડર આમ હતો : ઑફિસ ઇઝ ડાયરેક્ટેડ ટુ સેન્ડ ધ નોટિસ ટુ ધ પિટિશનર્સ ઇન્ટિમૅટિંગ ધેટ ધ પિટિશનર્સ શેલ એપિયર બિફોર ધ કોર્ટ ઇધર ઇન પર્સન ઔર થ્રૂ એન એડ્વૉકેટ ઑન ૧૨-૧-૨૦૦૧, ફેઇલિંગ વિચ ધ મેટર વિલ બી ડિસાઇડેડ ઇન ધેર એબસન્સ. ‘કેસ અઘરો છે. ટાઇમલિમિટ ઘણી ઓછી છે, પણ એ જોયું જશે. બધા વળ ઊકલી જશે ત્યારે ગૂંચ હતી જ નહીં, એમ લાગશે. માત્ર પંચોલીને મારી મદદમાં મૂકી દો એટલે પત્યું.’ ‘તમતમારે જે જોઈએ એ વ્યક્તિ, વસ્તુ, અરે! સરકાર આખી તમારી જ છે ને?’ દસ વર્ષ પહેલાંનો કેસ છે. એટલે મારા હાળાઓને શોધવા અઘરા પડશે. સરકારના જમાઈ છે. એક તો મામા-માસીનાઓને ઘુસાડી દીધા છે ને સાવ ઇરેગ્યુલર ભરતી. ધે હેવ વાયૉલેટેડ ઑલ પૉસિબલ રૂલ્સ, ને પછી આ બધી સુવાવડ આપણે કરવાની. ક્યાં શોધીશું પંચોલી, આ સાહેબોને? મને એક આઇડિયા આવ્યો. ચમન ચાવાળાનો કાકો પેલો વેલજી છે એને પકડીએ. એ જ મેઇન પિટિશનર છે. મોટો લીડર થયો છે તે શોધશે એના સાગરીતોને, મોંમાં કોળિયા ભરાવીએ ત્યારે. કોર્ટેય એમની થઈ ગઈ છે. સમાજમાં સહેજ ખળભળ થઈ નથી ને પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન ઠોકી દીધી નથી. રોજમદાર તરીકે નોકરીમાં લીધા. દયા ખાઈને બ્રેક ન આપ્યો તે પછી હવે ચડી બેઠા, અમને કાયમી કરો. એમને કાયમી કરવા એમને સાંભળો, ધીરજથી સાંભળો ને તેય પાછું ઓછું હોય એમ સાંભળવા માટે પાલખીમાં બેસાડી કોર્ટમાં લાવો. ચમનને બોલાવીને કહ્યું, ‘જો અમારે કંઈ લેવા-દેવા નથી. અમારો પગાર પઈએય ઓછો નથી થવાનો. આ તો તારા કાકાના લાભની વાત છે, આમેય કેસ હારેલા જ છો. દસ વર્ષથી કોણ રોટલા ખવડાવે છે? એક વાર તમારા વકીલને લઈને હાજર થશો તો કંઈક મેળ પડશે. જો, આ તો કોર્ટ છે. ચુકાદો ગમે તેની ફેવરમાં આવે. જેવો જેનો વકીલ, સરકારી વકીલ સરકારી રીતે કેસ લડશે. જોકે બંદાનું ઇન્વૉલ્વમેન્ટ જે કેસમાં હોય એની વાત જુદી છે પણ તોય તમારો વકીલ સ્ટ્રોંગ હશે તો મેળ પડી જશે. જેવી ભેટ ધરી હશે એવી શેષ પામશો. એટલે તારા કાકા ને એમના સાગરીતોને કોઈ પણ ભોગે હાજર કરવાના છે. ચા-પાણીજોગું હું આપીશ. મૂંઝાશો નહીં. એક વાર એમને અહીં મારી પાસે કાં હાજર કર, કાં આ કૉપીમાં બધાની સહીઓ કરાવ. પંચોલીએ મારું ધ્યાન દોર્યું : ‘પણ પટેલભાઈ, આવડો આ એક દિવસમાં બધાને ક્યાં શોધશે. વખત છે ને એકાદ બે ના મળ્યા તો? કોર્ટમાં ગાભા નીકળી જશે. આપણે ક્યાં જોખમ લેવું. પૂરા પાંચ જણાને ઝાલવાના છે. એના કરતાં બે જણાની સહીઓ લઈએ ને બાકીનાની કૉપીઓ એ વેલજીડો પહોંચાડશે એવું લેખિત આપે એટલે આપણે જગ નાહ્યા. ‘ધેટ ઇઝ ઇન્ટેલિજન્ટ પંચોલી! મને પહેલી વાર પંચોલી પર માન ઊપજ્યું. આપણે ઘણી વાર નાના ગણીને પૂછીએ નહીં પણ નાનો તોય રાઈનો દાણો. આ લોકોને પરત પકડી લાવવા મેં પંચોલીને સત્તા સોંપણી કરી.
એક તો, સાહેબના ઍક્સિડન્ટ ક્લેઇમની રજૂઆતનો ડ્રાફ્ટ અને પાછો અંગ્રેજીમાં! તમે સમજી ગયા હશો. વાક્યરચના આમતેમ કરવામાં ડૂબેલો હતો ત્યાં પંચોલી, ચમન, વેલજી ને મૂળજી સરઘસ આકારે મારા ટેબલ આગળ આવીને ઊભા, વેલજીના માથામાં આછા ભીછરા જેવા વાળ, મસોતા જેવી લાલ લુંગીથી મુશ્કેટાટ બંધાયેલા હતા. માથાના રહ્યાસહ્યા વાળની ખોટ પૂરી કરતી દાઢીના ફણગા જંગલી ઘાસની જેમ આડાઅવળા ઊગેલા હતા. મોટા ગાજમાંથી છૂટી નીકળેલાં, તૂટેલાં બટનોએ મુક્ત કરેલા રાખોડી આંગડીના છૂટા છેડામાંથી એની ગાગર બહાર નીકળવા મથતી હતી. મોટા પેટના સંકોચમાંથી બચવા મદદ કરતા પાના અડવાણા પગે, ટેબલના ટેકે વેલજી ઊભો રહ્યો. ચમન કોઈ પાર્ટીની ઓળખાણ આપતો હોય એમ ‘સાહેબ, આ વેલજીકાકા, તમે કીધું’તું તે, પકડી લાયો. સાહેબ કોંક કરજ્યો.’ મેં, ભારતીય નાગરિકને શોભે તેમ, ‘કરવાવાળો તો બેઠો છે ઉપર’ એમ કહી, હાથ ઉપર કરી મોટેથી કહ્યું, ‘બીજા ક્યાં?’ ‘બીજા તો સાહેબ, એક ઈનો ભત્રીજો છ. બાચી તો ખોનદેશ જતા ર્યા છ, ક પછી વખત છ ન ટપ થઈ જયા હોય. ઈમન ચ્યોંથી હોધવા. આ બે નઈ ચાલ?’ ‘મારું ચાલે તો બધાય વગર એક્સ પાર્ટી કેસ ચલાવી દઉં. ક્યાં સુધી તમારી પાછળ પાછળ ફર્યા કરીએ? સાલી કંઈ લિમિટ તો હોવી જોઈએ ને? સારું એ તો ચલાવી લઈશું.’ મેં પંચોલીને આંખ મારી, આ બંનેની સહી લઈ મેઇન પિટિશનર વેલજીને બાકીની કૉપીઓ પકડાવીને કહ્યું : ‘બીજાઓને એ પહોંચાડશે — એ મતલબનું લખાવી લો ને ચૅપ્ટર ક્લૉઝ કરી દો. પછી કાગળો ફાઈલ સાથે મને ફૉરવર્ડ કરી દો. ઍફિડેવિટ તો ડાબા હાથનો ખેલ છે અને હા, વકીલે મોકલેલો ઍફિડેવિટ ડ્રાફ્ટ સાવ બકવાસ ઇંગ્લિશમાં છે. દેશમાં સાલું કશેય ધોરણ જ ક્યાં રહ્યું છે? ને આપણી કોર્ટોને અંગ્રેજીમાં વહેવાર ચલાવવો છે. પછી ભલેને એમના વકીલો, અધિકારીઓને, એમના પિટિશનર્સને અંગ્રેજીનો અક્ષરેય ન સૂઝતો હોય. હા, રણમાં ક્યાંક મારી જેમ મીઠી વીરડી હોય એનો વાસ્તો તો જુદો છે.
કોર્ટરૂમ ચિક્કાર હતો. આવડો મોટો દેશ ને પાછી યુનિટી ઇન ડાઇવર્સિટીવાળો. એટલે ઝઘડાની પેટર્ન પણ ડાઇવર્સ, બૉર્ડ પર જોઈ લીધું હતું. અમારી સ્પેશિયલ સિવિલ ઍપ્લિકેશનનો ત્રીજો ક્રમ હતો. કોર્ટરૂમમાં છેલ્લે વેલજી ને તેના ત્રણ સાથીદારો બેઠા હતા. પંચોલીએ ઇશારો કરીને મને બતાવ્યા. મને લાગ્યું એમના વકીલ ઠક્કરને લઈને આવ્યા હશે. મેં પંચોલીને પૂછ્યું, ‘ઠક્કરને ઓળખો છો?’ ‘ના સાહેબ, કેમ ઠક્કરનું આપણે શું કામ છે?’ ‘ના, ના, આ તો ઠક્કર આવે ને મૅટર આગળ ચાલે. બાકી તો મુદતો પડે ને ધક્કા થાય. આપણું કામ વધે. આ બદમાશોને અટકાવવા પડે. સરકારશ્રીને કરકસર કરવી છે. આમની જગાઓ ક્યાંથી ઊભી કરીએ! સરકારશ્રી લોહી પીએ એ નફામાં.’ પંચોલીએ મને નચિંત કરી દીધો. એમણે જાણી લીધું હતું કે પૈસાનો લોભિયો ઠક્કર કેસના કાગળો લઈને અલોપ થઈ ગયો છે. આ લોકો પૈસાનો વેંત કરે તો આવે ને?’ પહેલા કેસના વકીલ માંદા હતા એટલે તરત બીજા નંબરની મૅટર ચાલી. એ મૅટરમાં વકીલે ટાઇમ માગ્યો ને જજની ભભકી, વકીલને તતડાવી નાખ્યો, હાઉ મચ ટાઇમ વુડ યુ રિક્વાયર ટુ કોમ્પ્રિહૅન્ડ સચ એ સિમ્પલ મૅટર? વન યર, વન લાઇફ, ટૂ લાઇવ્ઝ?’ મેં પંચોલીને કાનમાં કહ્યું, ‘સાત જનમ’ વકીલનો પરસેવો છૂટી ગયો. સર, સર કરતો ગોથાં ખાવા લાગ્યો. બીજી શેરીમાં ફસાયેલા કૂતરાની જેમ એના મોંમાંથી Sorry Sorry પછી અસ્પષ્ટ શબ્દો, પછી ઘરઘરાટી ને છેલ્લે વાણી ચાલી ગઈ હોય તેમ દયામણા થઈને – જજસાહેબ મૅટર ડિસમિસ ન કરશો એવા આજીજીભાવથી જોયા કર્યું. જજસાહેબને દયા આવી કે પછી કંટાળાથી નો મૉર નાવ, નેક્સ્ટ ટાઇમ યુ વિલ કમ ફુલ્લી પ્રિપેર્ડ, નેક્સ્ટ? કહીને નીચે બેઠેલા અધિકારી સામે જોયું. અમારા કેસની ફાઈલ મુકાઈ, સરકારી વકીલ ઊભા થયા. જજસાહેબે ફાઈલ કરેલી મારી ઍફિડેવિટ વાંચી. વન મિ. યુ. કે. પટેલ, સુપરિન્ટેન્ડેન્ટ, રિજિયોનલ સેન્ટર, એમેડાબાદ હિયરબાય સ્ટેઇટ ઑન સોલેમ્ન એર્ફમેશન ઍઝ અન્ડર. આઈ હેવ કૉલ્ડ ઑલ ધ પિટિશનર્સ પર્સનલી એન્ડ સર્વ્ડ ધ કોર્ટ ઑર્ડર ટુ ધ પિટિશનર્સ.
એમણે પહેલાં સરકારી વકીલ સામે જોયું ને પિટિશનરના વકીલ ન દેખાતાં પૂછ્યું, ‘વ્હેર ઇઝ મિ. ઠક્કર? ડિઝઅપિયર્ડ’ સરકારી વકીલ ગણગણ્યા. ‘પિટિશનર્સ ટુ સર.’
જજે ઓ. કે. કહીને કેસ ડિસમિસ કર્યો હોય તેમ ફાઈલ ડાબી બાજુ બેઠેલા અધિકારીને, ‘ડિક્ટેશન’ એમ કહીને આપી. હું અને પંચોલી કોર્ટની અદબ જાળવીને કોર્ટરૂમની બહાર નીકળ્યા. નીકળતી વખતે વેલજી ઍન્ડ પાર્ટી સામે જોયું. એ લોકો તો ભાવભરી નજરે જજસાહેબ સામે જોતા હતા. જજસાહેબ ધાણીફૂટ અંગ્રેજી બોલતા હતા. પેલાઓને કંઈ સમજાતું ન હતું પણ જજસાહેબમાં એમને અપાર શ્રદ્ધા હતી. સાહેબના ડ્રાઇવર જેવા ડ્રાઇવરે એમની ભલામણ કરી હતી! આજુબાજુ જોયું, પણ ડ્રાઇવર ક્યાંય ન દેખાયો. બહાર આવીને મેં પંચોલીને કહ્યું, બંદાના કોર્ટ કેસમાં આમ બીજી વાર બન્યું. અમને બહાર નીકળતા જોઈને વેલજી બહાર ધસી આવ્યો ને રણછોડની લગોલગ ઊભો રહ્યો. ફાઈલો લઈને ઊભેલા રણછોડે મને પૂછ્યું, ‘હવારના ધોડ ધોડ કર છ તે સાહેબ વેલજીનો મેળ પડી જશે ને?’ ‘હા, હા રણછોડ વેલજીનો ‘મેળ’ પડી ગયો’ એમ કહી હું સડસડાટ પગથિયાં ઊતરી ગયો.