બિપિન પટેલની વાર્તાઓ/૫. રંડી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૫. રંડી| }} {{Poem2Open}} આજકાલ કરતાં અઢાર વર્ષ થયાં, રણમલ અને મારે અફ...")
(No difference)

Revision as of 07:53, 15 March 2022

૫. રંડી

આજકાલ કરતાં અઢાર વર્ષ થયાં, રણમલ અને મારે અફેર થયે. બહુમાળી બિલ્ડિંગના નવમા માળની બારીએ રાઈટ દસ ને વીસે, ઝરૂખે ઊભેલી રાણીની જેમ ઊભી રહી જાઉં. રાણી તો હતી જ ને વળી, મારા રણમલની. બસમાંથી ઊતરતાં એની આંખો ચકળવકળ ફરતી ઊંચે જઈને દૃષ્ટોદૃષ્ટ મળે. એના ગ્રૂપને છોડી સડસડાટ ગેટ તરફ ધસે. ઉપરથી જોઈએ એટલે ટાંકણીના ટોપકા જેવડો દેખાય, પણ બધું મોઢે થઈ ગયું છે એનું. આજે મજેન્ટા રંગનું શર્ટ, ક્રીમ પૅન્ટ, કૉફી રેડ, પ્રેસ બક્કલવાળો બૅલ્ટ, રણમલ સહુમાં જુદો તરી આવે. નીચેથી સુપરમૅનની જેમ જાણે જંપ લગાવીને બારીમાં ઝૂલતો હોય ને મારું હસવું રોકાય નહીં. હું ચીસો પાડું, લાવ હાથ, લાવ હાથ ને રણમલ ગરક થઈ જાય દરવાજામાં. અઢાર વર્ષ પહેલાં આજના જ દિવસે સાંજના સાડા પાંચે આંધી આવી હતી. ફટાફટ બ્રાંચની બારીઓ પછડાઈ. ધૂળથી બધાંનાં માથાં ભરાઈ ગયાં. કાગળના ડૂચા ઊછળીને દોડવા લાગ્યા ટેબલ પર. વૈશાખની ધીખેલી ધરા પર ડેબા જેવડાં ફોરાંની તડતડાટી શરૂ થઈ ગઈ. નાક ભીની માટીની સુગંધથી ભરાઈ ગયું. મેં બારીમાંથી હથેળી ધરીને ફોરાં ઝીલ્યાં, હાથ લાલચોળ થઈ ગયા. પરવા કર્યા વગર આડીઊભી ઝીંકાતી વાછટ ઝીલવા ગાલ પણ ધરી દીધા, મોંમાંથી પંક્તિ સરી પડી. ‘આજ રોકાય ના આ વરસાદ, ચાલ ઘર સુધી પલળતાં જઈએ.’ ‘કોની સાથે જશો વંદનાબહેન?’ રણમલે પૂછ્યું, ‘મારા આત્મા સાથે વળી, કેમ?’ વંદનાએ જવાબ આપ્યો. રણમલે એકદમ રફલી કહ્યું. ‘આત્માફાત્માની વાતો કેવળ વેદિયાવેડા છે.’ એ દિવસે ઘેર જતાં હું ને રણમલ પાંચમા માળથી સાથે ઊતર્યાં, મેં સીધું ઝંપલાવ્યું વરસતા વરસાદમાં. પળમાં લથબથ થયેલી મારી પાછળ ઊભેલો રણમલ, ‘આજ ર૫ટ જાયે તો હમેં ના બુલૈયો.’ ગણગણતો હોય એવો ભાસ થયો. પાછળ જોયું તો રણમલ એકધારું મને તાકી રહ્યો હતો. બીજે દિવસે સવારે સાડા દસે રણમલે ઍનાઉન્સ કર્યું, ‘આજની ચા મારા તરફથી.’ ‘કેમ કોઈનો બર્થ-ડે કે પછી મૅરેજ ઍનિવર્સરી છે?’ ચોવટિયાએ પૂછ્યું, ‘ના એવું કશું નથી. બસ ખાલી ‘ડે’ છે. વરસાદમાં ભીંજાવાનો ‘ડે’. એના માનમાં.’ હું શરમાઈ ગઈ. ખુરશી ખેસવીને પગ સામે જોયા કર્યું. આંસુમાં, હર્ષનાં આંસુમાં પગની માછલીઓ તરતી હતી. ચાનો કપ મૂકી શકરાજીએ બૂમ પાડીને ‘ચા’ કહ્યું ત્યારે પાછી ફરી. જીભ દાઝતી હતી પણ એક જ ઘૂંટડે ચા પી ગઈ. ત્યાર પછી બધો ક્રમ સહજપણે ગોઠવાઈ ગયો. હું રણમલને રિસીવ કરવા કૉરિડોરની બારીમાં ઊભી રહું. રણમલ લિફ્ટની રાહ જોવા સિવાય દાદરા ચડીને હાંફતો હાંફતો મારી સામે હાજર થઈ જાય. મસ્ટરમાં સહી કરીને તરત ચા પીવા જવાનું એટલે જવાનું જ. ત્યાર પછીની બધી ચા એની સાથે જ. લંચ પૂરતો બહેનપણીઓ સાથે છેડો બાંધેલો પણ ભૂલથી એ બે રજા પર હોય તો તક ઝડપી જ સમજો, બ્રાંચમાં શુક્રવારી કરીએ તો મારી ડિશમાં મીઠાઈનો ટુકડો છેક સુધી રહેવા દઉં. રણમલને બહુ ભાવે. રણમલને એના દોસ્તારોનું સત્તે પે સત્તા પતે કે ઇશારો કરી રણમલને મીઠાઈ ધરું, રણમલને મારા ટેબલ પાસે આવતો જોઈને ચીમન, ‘દિયરને પણ હેતે જમાડતાં હો તો’ બોલ્યો. રણમલ એની સામે લાફો ઉગામી બોલ્યો, ‘એય ટેંટૂડા, એક ખાઈશ તો બીજી નહીં માગે.’ વાત વધે એ પહેલાં હું અર્ધો ટુકડો ચીમનને આપું. ધીમંત, ‘અહા, અન્નપૂર્ણા તે આનું નામ.’ બોલી, અદાથી ક્લૅપ આપતો એના ટેબલ પાસે ઊભો થઈ જાય, એક દિવસ રણમલે ઍડવાન્સમાં ફિલ્મ જોવાનું ગોઠવ્યું, રવિવારે. મેં એને કહ્યું, ‘ના બાબા ના. તારા ફૅમિલી સાથે મને ન ફાવે.’ ‘સાવ બુડથલ જેવી જ છે. હું કંઈ બોઘો છું કે દીવો કરીને દેખાડું અમારાં ઠકરાણાને.’ – ‘તો આવીશ’ એમ કહીને થિયેટર પર પહોંચી ગઈ. સ્ક્રીન પર ફિલ્મ શરૂ થઈ ન થઈ ને રણમલે મારો હાથ પકડી લીધો. ઝણઝણાટી થઈ આવી. રણમલ ઘડીકમાં ચીસ નીકળી જાય એમ હાથ દબાવે તો ઘડીક હથેળીમાં અમુક રીતે આંગળી ફેરવીને સંકેત આપે. હું હાથ ખેંચી લઉં. ફરી એનો હાથ મુકાઈ જાય મારા હાથ પર. ફિલ્મ મારા વાલાએ એવી પસંદ કરી હતી કે હરતાં ને ફરતાં હીરો હીરોઇનને ચુંબન ચોડી દે. હીરોઇન પણ ગાંજી જાય એવી ન હતી. એય મારી બેટી વેલની જેમ ચોંટી રહે એના વાલીડાને. મેં કૌતુક ખાતર ગણવાં માંડ્યાં ચુંબન. ઇન્ટરવલ સુધી અગિયાર તો થઈ ગયાં. ઇન્ટરવલ વખતે હું ચૂપચાપ બેસી રહી. ચોરીછૂપીથી રણમલને જોઈ લેતી. રણમલ પણ બાજ પક્ષીની જેમ અંધારું થાય ને શિકાર ઝડપવા સજ્જ થઈને બેઠો હતો. પાસે એનાં ઠકરાણાં બેઠાં હોય એમ ખસીને સોડમાં ભરાયો. મેં ગણતરી ચાલુ રાખી. સત્તર બોલું મનોમન ત્યાં તો રણમલના હોઠ ભિડાઈ ગયા ચપોચપ. હું કંઈ સમજું કરું એ પહેલાં તો સિસકારો સરી પડ્યો! રોમેરોમ પરસેવો થઈ આવ્યો. પગે પરસેવાના રેલા ઊતરતા હોય એમ લાગ્યું. પર્સમાંથી નેપ્કિન કાઢી હોઠ લૂછ્યા. રણમલ હાથ પકડીને ‘રહેવા દે એ નિશાની’ એમ કાનમાં ગણગણ્યો. મેં ગળું અને બ્લાઉઝનો અંદરનો ભાગ લૂછ્યો. રણમલ બિનધાસ્ત સીટી વગાડતાં પગ હલાવતો રહ્યો. પછીનું પિક્ચર કોણે, મારી બલારાતે જોયું છે! રણમલના બેય હાથ પકડી મૂકી દીધા મારી છાતી પર. મારી પકડમાંથી છૂટીને એ ભારપૂર્વક હાથ મૂકવા ગયો ને મેં છાંછિયું કર્યું, ‘આ થિયેટર છે, સહેજ સીધો બેસ.’ ઓ. કે. તો ફ્રેન્ડના બંગલે પ્રૉમિસ ને?’ મેં કહ્યું, ‘વિચારીને કહીશ’ ફિલ્મ પતે પછી. ફિલ્મ પૂરી થતાં પેલી પંક્તિ ગણગણવા લાગી. ‘એક હી પલ મેં અચાનક દી હૈ નઈ દુનિયા, દી હૈ નઈ ખુશિયા.’ મનમાં ખાસ્સું ઘમસાણ મચ્યું. પરણેલા પુરુષને તાબે આમ થવાય? હવે એ ક્યાં રહ્યો છે અજાણ્યો મારા માટે. ‘અમે અજાણ્યાં ક્યાં લગ રે’શું કહો તમારા ઘરમાં? કહો તમારા ઘરમાંથી વળી તબો-તમાકુ પંડ ઊઠીને ક્યારે લેશું? કહો તમારા ઘરમાં.’ એમ રણમલ સપનામાં કહેતો હતો. પણ હું તો છડેછડી છું ને? મારે ક્યાં કશી જવાબદારી છે? અને હું કંઈ એનું ઘર માંડવાની છું? કે પછી એનું ઘર ભાંગવાની છું, આ તો ખાલી ખેલ દેહ અને દેહીના અને એ આટલો બધો કુરબાન છે મારા પર પછી એને આમ ધૂત્કારી કાઢું? ખાલી વાતોનાં વડાં જ કરવાનાં. બધા પુરુષો સરખા. સૂંઘતાં સૂંઘતાં આવી ઢૂકે તમારી પાસે ને પછી સુગંધ ઊડી જાય એટલે ‘રાત ગઈ ફિર બાત ગઈ’ની જેમ ચાલી જાય. પણ ના, અમારો પ્રેમ જુદો જ છે. એના બોલે બંધાતી જાઉં છું. લાઇટ કલરની બધી સાડીઓ પોટલું વાળીને મૂકી દીધી. દરરોજ ફાસ્ટ કલરની સાડીઓ જ પહેરવાની. રણમલ કહે ગુજરાતણો એક તો બૉડી બિલ્ડરો ને પાછી સાવ નીચી. બ્રાન્ચમાં બેત્રણ હોય તો પેન્ગિવીન ફરતાં હોય એવું લાગે. કાનનાં લટકણિયાં, નાકની હીરાની ચૂની, બોલો મેં તો મંગળસૂત્રનું પૅંડલ પણ ‘આર’નું જ પહેર્યું છે. બધા એ જોઈને મહેણાં મારે છે. ‘કુંવારીને આ શોભતું હશે? મારી બાઈ લાજતીય નથી.’ મેં તો ધોઈ પીધાં છે બધાંને અને પ્લેઝર ઇઝ ઑલ ધેટ મૅટર્સમાં હું પહેલેથી માનું છું. અમે એના ફ્રેન્ડના બંગલે પહોંચ્યાં. રૂમમાંથી તીવ્ર સેન્ટની સુવાસ આવતી હતી. સૉફ્ટ મ્યુઝિક વાગતું હતું. રણમલને એટલી બધી ઉતાવળ આવી ગઈ હતી કે રાહ જોયા સિવાય બસ વરસી પડ્યો. મેં કહેવા ધારેલી પંક્તિઓ હૈયામાં જ રહી ગઈ. હલકે હાથે તે નાથ! મહીડાં વ્હોલવજો, મહીડાંની રીત ન્હોય આવી રે લોલ. ગોળી નંદાશે નાથ! ચોળી છંટાશે, નાથ! મોતીડાંની માળા તૂટશે રે લોલ. ત્યાંથી નીકળ્યા ત્યારે રણમલના મનમાં જે ચાલતું હોય તે પણ મારા મનમાં તો ઉત્સવ ફિલ્મનું પેલું ગીત ગુંજ્યા કરતું હતું, ‘મન ક્યોં બહેકા રે બહેકા આધી રાત કો...’ આ દિવસ પછી સાચું કહું છું – સંયમ, વિવેકના બધા બંધ છૂટી ગયા. હું વહેલી બસમાં નીકળી દસ સવા દસે ઑફિસે પહોંચી જાઉં. રણમલ પણ આવે શાર્પ એ જ સમયે. શકરાજી પાણીનું પૂછે, હું ના કહું. પર્સમાંથી લુકિંગ ગ્લાસ કાઢીને નિખાર જોઈ લઉં. ચહેરો ખરડાય નહીં ને મેક-અપ લુછાય નહીં એમ નેપ્કિનથી સહેજ સહેજ દબાવીને પરસેવો લૂછું. કાંસકાથી વાળ સરખા કરું. હમણાંથી બૉબ્ડ હૅર કરાવ્યા છે. ઘરનાં સહુ મારા આ ફેરફારને શંકાથી જોવા લાગ્યાં છે પણ કશું વાંધાજનક પ્રમાણ નથી મળ્યું એટલે ચૂપચાપ બેસી રહ્યાં છે. કૂલર પરથી ઠંડું પાણી ભરી લાવું. રણમલના ટેબલ પર મૂકું. એ ઘૂંટ ભરી મારી તરફ ખેસવે. હું સહેજ પીને એની તરફ. એમ રમત ચાલ્યા કરે. બ્રાન્ચ મેમ્બર્સ આવે ત્યાં સુધી ક્યારેક બે ગ્લાસ પણ થઈ જાય. લંચ વખતે હવે જગ્યા પર બેસી રહે, બહેનપણીઓ ચિડાય, સલાહ આપે. હવે એય થાકી, કોણ જાણે ક્યાંથી સૂઝે છે આટલી બધી વાતો. લખી લખીને આવતું જતું કોઈ જોઈ જાય એની પરવા કર્યાં વગર ‘અબ તો બાત ફૈલ ગઈ’ની જેમ એકબીજાના ટેબલ પર ચિઠ્ઠીઓ નાખીએ. મેં તો કાગળના ડૂચાના સળેસળ ઉકેલી રાખી છે એ બધી ચિઠ્ઠીઓ પર્સનલ ફાઈલમાં. રણમલનું રણમલ જાણે. વાત મારા ઘેર પહોંચી. પપ્પા-મમ્મીએ પાસે બેસાડીને મને પાછા ફરવા સમજાવી. પણ મેં તો સામે લેતાં પડીને, એમને ટોણા માર્યાં, ‘તે શોધી લાવવો હતો ને મુરતિયો.’ ભાભીએ પણ સમજાવી જોઈ. ‘તમે ક્યાંય હા જ નહોતાં પાડતાં તો ક્યાંથી લાવીએ બત્રીસલક્ષણો?’ આમ પરણેલા પુરુષ સાથે બિનધાસ્ત ફરો છો એ શોભતું નથી. અટકો તો સારું છે.’ મેં કહ્યું એકલી રહીને કોઈની કંપની મળે એય તમને કઠે છે? નિર્ણય જણાવી દીધો. એકલા રહેવાની તૈયારી છે. બાકી રણમલને છોડવાનું સ્વપ્નમાં પણ ન વિચારું. ઑફિસમાં એક સામટી રજાઓ આવે ત્યારે હું આકળવિકળ હોઉં. લૅન્ડલાઇન પર ફોન કરવાની હિંમત તો ન કર્યું. રણમલનો છોકરો ઉપાડે તો કદાચેય ચાલી જાય, પણ ઠકરાણાં ઉપાડે તો આવી જ બને. મોબાઈલ પર ફોન કરવો સેઈફ ખરો પણ રણમલે કહી રાખ્યું હતું, ક્યારેક હું આઘોપાછો હોઉં તો પુષ્પા પણ ઉપાડે, એના કરતાં રહેવા દે. એ દિવસે એક કાવ્ય વાંચવામાં આવ્યું હતું. એમાં પ્લેટોનિક લવની હાંસી ઉડાવી હતી. ને દેહધર્મનો – શરીરના માહાત્મ્યનો મહિમા કર્યો હતો. મને થયું રણમલને એસ. એમ. એસ. કરું. બે પંક્તિઓ મોકલી, છેલ્લે પંચ લાઇનમાં love you incessantly એમ લટકામાં ઉમેર્યું. ફોન ઠકરાણાં પાસે, એમણે એમની બહેન પાસે વંચાવ્યું ને વીજળી પડી. બીજે દિવસે રણમલ કહેતો હતો, ‘યાર દંગલ થઈ ગયું. તારાથી એટલો સંયમ નથી રહેતો? એ વારંવાર તારા માટે રંડી, રંડી શબ્દ વાપરે એ મારે માટે અસહ્ય થઈ ગયું. હાથ ઉગામાય નહીં, કારણ કે હું વાંકમાં હતો. ત્યાર પછી અમે સાચવવા માંડ્યાં. જોકે ઑફિસમાં અને એના મિત્રના બંગલે ભરપૂર મજા લૂંટતાં. એક વાર રણમલ ખતરનાક મૂડમાં હતો. મને તે દિવસે મલમલનાં સફેદ સ્કર્ટ-ટોપ પહેરીને આવવા કહ્યું. હમણાં હમણાં શરીર ભરાયું છે એટલે ફિટ લાગતાં વસ્ત્રોમાં હું મોહક લાગતી હોઈ તે પ્રવેશતાં જ ‘મેશ જોઈ મેં રાતી, મઘમઘ મેશ જોઈ મેં રાતી, મખમલ જળમાં મધરાતે એક પરી જોઈ ન્હાતી! મેશ જોઈ મેં રાતી... આંખ ભૂલી ગૈ આંખપણું ને આંગળીઓથી દીઠી. કમખામાંની વાત ખોલી દઈ હથેળીઓથી પીધી! શમણાંને છૂટ્ટાં મેલીને હીરની દોરી ગાતી મેશ જોઈ મેં રાતી... પગરનું એક હલેસ વાગે, મસ્તક લસરક વ્હેતું; મોરલીઓનો શ્વાસ ઉપરથી સર્યો જતો’તો સેતુ. મણિ ચૂસતો નાગ, નાગની ફેણ મને કૈં પાતી, મેશ જોઈ મેં રાતી... આનંદના ઉછાળનું પણ ભરતીઓટ જેવું. જે ઊછળે તે ભોંય પછડાય ને પછડાય જ. શેક્સપિયરે નથી કહ્યું, a course of true love never did run smooth અમારું આમ એકબીજામાં ખોવાઈ જવું સરકારી માણસોથી સહન ન થયું. બાથરૂમમાં અમારા માટે ગ્રાફિટીઝ ચીતરાય એ તો મારા ભઈ સમજ્યાં, પણ આ લોકોએ હદ છોડી હતી. બધી લિફ્ટમાં રણમલ-વંદના, રણમલ-વંદના કોતરી કાઢ્યું’તું. પાછા ચીતરમાં કંઈ ભલીવાર નહીં, રણમલને વિકરાળ વાઘ જેવો ચીતરેલો ને મને બે ફૂમતાંવાળી ઝીણકી. ડોબાઓને એટલી ખબર નથી પડતી કે એના કરતાં આઠ વર્ષ મોટી છું. જોકે બાપડા ભુલાવામાં પડે એ સ્વાભાવિક છે. મારાં દાદી સિત્તેરે પણ લાલ ટામેટા જેવા લાગતાં, આખું ડિપાર્ટમેન્ટ એવું ખેધે પડી ગયું કે અમારી બદલી કરાવીને જંપ્યું, પહેલાં રણમલને બ્લૉક નં. ૧૪માં ટ્રાન્સફર કરાવ્યો સાહેબની કાનભંભેરણી કરીને. હું રહી ગઈ એકલી બ્લૉક નં. ૧માં. મેં સાહેબને રજૂઆત કરી તો પતિ-પત્નીને એક જગ્યાએ રાખવાની વાત હોય તો બરાબર, પણ તમે તો... શું થાઓ રણમલનાં’ કહીને ખી...ખી...ખી... હસીને એના પીળા દાંત બતાવીને જોઈ રહ્યો મને ને ઉપરથી પાછી તતડાવી, ‘તમને સેન્સ ન હોય પણ અમારે તો ઑફિસ ડેકોરમ જાળવવાનું કે નહીં?’ રણમલનાં ઠકરાણાંએ અરજી કરી હોય તો તો સમજ્યાં મારા ભાઈ! આપણે મન મનાવી લઈએ, પણ આ તો ઈર્ષ્યાખોર, ચૂગલીબાજોના પેંતરા. એ લોકોનું શું લૂંટાઈ જતું હશે? છૂપો અસંતોષ, બીજું શું? જે નથી કરતા, નથી કરી શકતા એ બીજા કોઈને ન કરવા દેવું. પાછા વાઘા પહેરાવે નીતિના, ડગલે ને પગલે નેતિ નેતિ ફેસ કરીને હતાશા આવી જાય છે જીવનમાં. અમે ગમે તેમ કરીને મળવાનો સમય કાઢી લેતાં. નૉન ટ્રાન્સફરેબલ જૉબ છે એટલે બદલી બદલીને કોઈ આ પચીસ બ્લૉકની બહાર તો નાખી શકવાનું નથી. હા, વ્હાલમ મારો પળ પ્રતિપળ હૈયા સામે ને સામે હોય ને આમ ઠેઠ પરદેશ જેટલો દૂર હોય એનો ફેર તો ખરો જ ને? એ દિવસોમાં રણમલ મારા પર બહુ ચિડાયેલો રહેતો. કોણ જાણે ક્યાંથી પહોંચી જતા એને સમાચાર. રાખ્યો હશે કોક દોસ્તને જાસૂસી કરવા. ‘આજે તારી બહેનપણી સાથે એક અજાણ્યો પુરુષ હતો? હું સમજાવું કે એ તો ગીતાબહેનના મિસ્ટર હતા. તો અકળાઈને બોલે, એ ક્યાંથી નવરો પડી ગયો? લીમડે ચા પીતાં કોની સાથે હા...હા...ઠી...ઠી.... કરતી’તી? હું મન મનાવતી. મળવાનું ઓછું થયું છે એટલે ખિજાયેલો રહે છે પણ દિવસે દિવસે એનો ઉત્પાત વધતો જતો હતો. મારે કામનું પ્રેશર રહેતું એટલે કોઈક વાર મળવામાં બેત્રણ દિવસ થઈ જતા. એ પછી મળવાનું થાય ત્યારે તો આવી જ બન્યું? જુઓને એ દિવસે અમારો ‘ડે’ હતો. સાથે હતાં ત્યારે રણમલના ફરમાન પ્રમાણે સાડી સારી એવી નીચી પહેરી હોય. લોકટ સ્લીવલેસ બ્લાઉઝ જરા ટાઇટ ફિટિંગવાળો, ડાયમંડ સેટ, સેન્ટ ને ઊંચી એડીવાળાં નવાંનક્કોર ચંપલ. સવારે યાદ કરીને આમ ખાસ સજાવટ-શણગાર કર્યો તો ખરો પણ કોના માટે? કેમ લંચમાં તો મળવાનાં ને? પણ સવારે બાવરી બાવરી રાહ જોવાનું એ નસીબ ક્યાંથી લાવવું? હશે ત્યારે, મન ગણગણ્યું, ‘એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી.’ બ્રાન્ચમાં આવીને બેસું એ પહેલાં ચોવટિયાની નજર ગઈ. મૂવો ભૂખી નજરે જોતો હતો. ચીમનના કાનમાં ગણગણ્યો, હજી નીચે હજી નીચે લગા ગા ગા લગા ગા ગા ‘બેશરમ થઈ ગયો છે આખો સમાજ.’ ચીમન રોમિયોની અદામાં હાથમાં ગુલાબની છડી લઈ, ‘ફૂલ તુમ્હેં ભેજા હૈ ખત મેં, ફૂલ નહીં મેરા દિલ હૈ’ કરતો મારી સામે ઊભો રહી ગયો. બોલ્યો, ‘દેવી સ્વીકાર કરો.’ ગુસ્સો તો એવો આવ્યો ને પણ સમસમીને બેસી રહી. અદબ વાળી દીધી. એ છોડે એમ નહોતો. કેમ રણમલ જેટલો પ્યાર નથી અમારા દિલમાં? ગાવા લાગ્યો. ‘નફરત કરનેવાલોં કે સીને મેં પ્યાર ભર દૂં’ ગાતાં ગાતાં ઝૂકી ઝૂકીને સલામ કરવા લાગ્યો.’ મેં થાકીને કહ્યું, પ્લીઝ ચીમન, બસ લઈ લઉં છું ગુલાબ શુભેચ્છાના પ્રતીક તરીકે, ‘ધેટ્‌સ લાઇક અ ગૂડ ગર્લ’ બોલ્યો ને આખી બ્રાન્ચ ખડખડાટ હસી પડી. બધાં ચીમનને વળગી પડ્યાં. આજે પાર્ટી હો જાય. આખી બ્રાન્ચને ચા-નાસ્તો કરાવી દે. આમ તો મૂડ નહોતો. ક્યાંથી હોય? પણ બ્રાન્ચ સાથે રહેવું પડે એટલે મેં કહ્યું, પાર્ટી ચીમન નહીં આપે, હું આપીશ. ‘બહોત બઢિયા’ કહીને ચીમન ઊછળી પડ્યો. મેં એની સામે આંગળી તાકીને કહ્યું, કોઈ અવળો અર્થ લેવાની જરૂર નથી. આ તો ખુશીમાં પાર્ટી આપું છું, શકરાજીને બસ્સો રૂપિયા આપીને કહ્યું, આખી બ્રાન્ચને કસાટા આઇસક્રીમ ખવડાવો. પાર્ટી પત્યા પછી હું મારા કામમાં પરોવાઈ, સાહેબ પાસે બધા બ્રાન્ચ મેમ્બર ટોળે વળીને ઊભા રહ્યા. ગુસપુસ ને દબાયેલું હાસ્ય સંભળાતું હતું. બધા તોફાને ચડ્યા હતા. ચોવટિયા ચૅલેન્જ ફેંકતો હોય એમ બોલ્યો, ‘બોલ ચીમન તું વંદના, ના એમ નહીં વંદનાબાને કેન્ટીનમાં એકલો ચા પીવા લઈ જાય તો ખરો. ચીમને ચપટી વગાડીને કહ્યું, ‘એમાં શી મોટી વાત છે? રંડી તો આ શકરાજી જોડે પણ જાય.’ આ વાક્ય ઘણું ધીમેથી બોલાયું હતું, પણ મને બરાબર સંભળાયું. ખુરશીમાં બેઠાં બેઠાં જ ધ્રૂજી ઊઠી. ડૂસકું રોકી રાખ્યું. નેપ્કિનથી આંખો લૂછી. ધમણની જેમ શ્વાસ ચાલવા લાગ્યો. મનોમન નક્કી કર્યું. આજે તો રણમલને કહી દઉં ‘કાં લગ્ન કરી લે ને કાં આ ખેલ ખતમ.’ લંચમાં મળ્યાં. લંચબૉક્સમાંથી પેસ્ટ્રી કાઢી એની સામે ધરી. ‘પેસ્ટ્રી પછી. પહેલાં એ વાતનો જવાબ આપ. બ્રાન્ચમાં આજે રંગરેલિયા મનાવતી’તી?’ ‘તારા વગર કઈ રીતે મનાવું?’ ‘કેમ પાર્ટી તો તેં આપી હતી. પાછો કસાટા આઇસક્રીમ.’ ‘ભૂલી ગઈ કે આપણે બે સાથે હોઈએ તો જ કસાટા..’ ‘એમાં શું થઈ ગયું! આપણો ‘ડે’ હતો તે ઊજવ્યો.’ રણમલ હવે ગુસ્સે થઈને બોલ્યો, સાલી સવારના પહોરમાં શેની ભૂખી થઈ ગઈ હતી? પેલા ચીમન પાસે કંઈ ગુલગુલાલ થઈ ગઈ’તી આજ! સાલો તરગાળાની જેમ અદા કરતો કરતો તારી પાસે આવે ને તું એના હાથે ગુલાબની છડી લઈ લે ને પાછી બોનસમાં પાર્ટી આપે. ‘ડે’ની ઉજવણી કરે એ પણ મારા સિવાય ને પાછી એમાં શું થઈ ગયું એમ કહે છે. સાલી રંડી? હું રણમલ રણમલ બોલતી રહી, પેલો ચીમન પણ મને રંડી કહે ને તું પણ? રણમલ કંઈ સાંભળ્યા વિના, પાછું વળીને જોયા વગર પગ પછાડતો નીકળી ગયો. આજે કેટલાં વર્ષ થયાં હશે એ વાતને? કદાચ સત્તર કે પછી અઢાર.