પન્ના ત્રિવેદીની વાર્તાઓ/પમ્મી-ભપ્પીની વાર્તા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પમ્મી-ભપ્પીની વાર્તા|}} {{Poem2Open}} પમ્પીએ રેડિયોની સ્વિચ ઑફ કરી....")
(No difference)

Revision as of 10:40, 23 March 2022

પમ્મી-ભપ્પીની વાર્તા

પમ્પીએ રેડિયોની સ્વિચ ઑફ કરી. ગીતનો છેલ્લો શબ્દ તરડાતો તરડાતો છેવટે ચૂપ થઈ ગયો. પરંતુ આખો પ્રોગ્રામ અંદર ફરીફરીને રિપિટ થવા લાગ્યો. રાવલ અટકધારી એક મહારાજ સંસારમાં અટકેલા-ભટકેલા લોકોની સમસ્યાઓનું નિરાકરણ કરી રહ્યા હતા. આ ઘોર કળિયુગમાં જીવતા બિચારા શ્રોતાઓ પ્રશ્નો પૂછી લેતા, જવાબ અપાઈ જતા ત્યાર પછી એમની ભાવનાઓને અનુરૂપ ગીત આવતું હતું. છેલ્લી શ્રોતાએ પૂછ્યું હતું કે તેને શક છે કે તેનો પતિદેવ કોઈક ‘વો’ની જાળમાં ભરવાઈ પડ્યા છે. જવાબ આપતાં પહેલાં મહારાજે પોતે જે સવાલો કરે તેના સાચ્ચા જવાબ આપવાનું વચન લીધું. ભગવદ્‌ ગીતા પર હાથ મૂકાવ્યા સિવાય. પછી પ્રશ્નોનો વરસાદ વરસાવ્યો હતો. ભર ઉનાળે રસોડું કઈ બાજુ છે? ડ્રોઈંગ રૂમ? પૂજારૂમ? બેડરૂમ? ના. બાથરૂમનું સ્થાન નહોતું પૂછ્યું, ખોટું શું કામ બોલવું? આ બધાના જવાબ સાંભળી લીધા પછી તેમણે સમાધાન, મનનું સમાધાન કરી દીધું. એ પણ ઇન્સ્ટન્ટ. એમના આરોહ-અવરોહયુક્ત અવાજમાં કહ્યું – સાચ્ચો, એકદમ સાચ્ચો છે તમારો શક. ઘરની રચના વાસ્તુશાસ્ત્ર મુજબ નથી અને તમે તમારા ઘરની રચના વિશે જે મુજબ મને જણાવ્યું તે પ્રમાણે પતિના વ્યભિચારી હોવાના ચાન્સીસ રહે ખરા. પણ ગભરાશો નહીં. બધા ઉપાય છે આપણી પાસે. સંસારની જટિલમાં જટિલ સમસ્યાઓનું નિરાકરણ અહીં જ મળી રહેશે. આપણને અને પછી એમણે એ નિર્દોષ, માસુમ બહેનને પતિ પાછો અપાવવા એક પછી એક ઉપાયો સૂચવવા માંડ્યા અને ગીત વાગી ઊઠ્યું – હમારી થોડી સી બેવફાઈ... આખા પ્રોગ્રામને મનમાં વાગોળી દીધા. પછી પમ્મીની સ્વગત કૉમેન્ટ્રી શરૂ થઈ : ‘ટાયલાં બધાં નવરાઓનાં. પૈસા કમાવવાના પેંતરા, બીજું શું? આવા ઉપાયોથી બીજા કોઈનું ભલું થાય ના થાય, એમનું તો થાય જ. શક ઘાલી ઘાલીને ચાલે એમનાં ધંધા-પાણી. કોઈના રહેવાનાં જ ઠેકાણાં ન હોય ત્યાં શું અગ્નિ ને શું ઈશાન? ચૂલો ખડકાવ્યો જ્યાં, એ જ અગ્નિ બાપડાંને!’ સામાન્ય રીતે એ રોજ બપોરે ચાર વાગ્યે ચા બનાવતી હોય છે ત્યારે સાહજિકતા હોય છે એક પ્રકારની. આજે એની ચાલમાં તેજી વર્તાતી નહોતી. ગેસ પર ચાનું પાણી ઉકાળવા મૂકી એણે આખા ઘરમાં એક આંટો ઝડપથી મારી લીધો. રસોડામાં પાછી ફરી ત્યારે ચાનું પાણી ખાસ્સું એવું બળી ગયું હતું. ઝડપભેર થોડું વધારે દૂધ નાખી ચા બનાવી લીધી. યંત્રવત્‌ ગાળી લઈને ડ્રોઈંગરૂમમાં ગોઠવાઈ ગઈ. એક ઘૂંટડો ભરતાં જ એના ચહેરા પરની રેખાઓ બગડી ગઈ – ખાંડ વિનાની. એણે ભપ્પીનું વર્તન યાદ કરી જોયું. દિવસભરની એક-એક ક્રિયાઓ યાદ કરી જોઈ. છેલ્લે કોઈ બગીચામાં, રેસ્ટોરાં કે પિક્ચર જોવા ક્યારે લઈ ગયેલો? એની જાતે સાડી ક્યારે લાવેલો? પિયર જવાનું થાય ત્યારે મૂકવા-લેવા ક્યારે આવેલો...? જેમ જેમ એ યાદ કરતી ગઈ તેમ તેમ એનો ચહેરો રડવા જેવો થવા લાગ્યો. એણે એકવાર ફરીથી આખું ઘર માપી લીધું. આ ઘર બની ગયા પછી જ્યારે પહેલી જ વાર જોવા આવી હતી ત્યારે જેવી રીતે ખૂણેખૂણા માપ્યા હતા તેવી રીતે. ડ્રોઈંગ રૂમમાં પડેલો કપ લઈને એ રસોડામાં ગઈ. કપ વીછળતી પમ્મીનો હાથ ધીમો પડી જઈ ડિઝાઈન પર ફરવા લાગ્યો. મનમાં શબ્દોની ટાંકણીઓ ભોંકાવા લાગી – કદાચ ભપ્પીને પણ... પછી તરત જ તેણે મનને ધિક્કાર્યું – છી... છી... શક નહીં... ‘ફટ’ હાથમાંથી કપ છટકી ગયો. બરાબર ડિઝાઈન પાસેથી જ બે ટુકડા થઈ ગયા. કપનું નાકું ઉછળીને સ્હેજ આઘે પડ્યું. જાણે બાંડું-બૂચું એ પમ્મી સામે એકધારું જોતું ના હોય! પમ્મીને અંદરથી એની એવી નજર ખેંચી પણ તરત એણે મનને વાળી લીધું – મૂઓ ફૂટ્યો! શુકન કે’વાય. એ પછી પમ્મીએ ટી.વી. ચાલુ કર્યું. સામયિકો ઉથલાવ્યાં. ગૃહશોભા, સ્ત્રી... પહેલાંથી છેલ્લાં પાનાં ફેરવી લીધાં. શું વાંચ્યું ને શું જોયું એવું કોઈ પૂછે તો એને જ ખબર નહીં હોય. ના, એ કંઈ પ્રોફેસર નથી કે ભૂલી જાય બધું ઘડીએ ને પડીએ. પણ આ અજંપ પમ્મી બધી પ્રવૃત્તિઓ બંધ કરી સૂનમૂન પડી રહી થોડીવાર. એને એકાએક સારું લાગ્યું. અઠવાડિયા પહેલાં જ સાંભળેલો એક પ્રોગ્રામ યાદ આવ્યો. પણ એને ક્યાં ખબર હતી કે અણીના સમયે એને આવો કામ લાગશે? જેમાં એક વિશેષજ્ઞ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી કે લગ્નનાં ત્રણ-ચાર વરસમાં જ લગ્નજીવન નીરસ બની જાય છે. એટલીસ્ટ, શરૂઆત તો થવા જ લાગે છે. જાણે રસ વિનાના શેરડીના સાંઠા જેવું...! એને તરોતાજા રાખવાનો ઉપચાર છે અભિવ્યક્તિ તમારા ભાવો, અણગમાને લખીને પરસ્પર પાઠવો વગેરે... એ સાંજે એણે બહુ ભારે નહીં છતાં રોજ કરતાં નવી સાડી પહેરી. રોજ તો સવારે પણ લગાડવાનું યાદ નથી રહેતું એને, આજે યાદ કરીને ફેર એન્ડ લવલી ક્રિમ લગાડ્યું. પ્રસંગોપાત લગાડે છે એવા દસ રૂપિયાવાળા ચાંદલાના પત્તામાંથી ડાયમન્ડવાળો મેચિંગ ચાંદલો લગાડ્યો અને આયનામાં નખશિખ પોતાને એકવાર જોઈ લેવાને બદલે પહેલું કામ એને રિમોટ સંતાડી દેવાનું જરૂરી લાગ્યું, તે કર્યું. સાંજે ભપ્પી આવ્યો ત્યારે પૂછ્યું : ‘ક્યાંય બહાર ગઈ હતી?’ પછી રાબેતા મુજબ જ કામે લાગી ગયો. પમ્મી ધુંધવાઈ – કેવી લાગું છું એવું કહેવામાં જોર પડે છે? એના કરતાં તો બહાર નીકળીને, ખાલી ઊભી રહી હોત તો ચંદ્રાબહેનેય કૉમેન્ટ કરી હોત. સ્ત્રી સ્ત્રીની પ્રશંસા ભાગ્યે જ કરતી હોય છે તો ય એટલો વિવેક તો તેમણે દાખવ્યો જ હોત, કમ સે કમ... – ‘તો ચંદ્રાબેનને જ પૂછી લેવાય ને? મારી રાહ શું કામ જોવાય?’ કહેતો હસતો હસતો ભપ્પી અંદરના રૂમમાં જતો રહ્યો. પમ્મી રડમસ થઈ ગઈ. ભપ્પીને રિમોટ મળતું નહોતું તો થોડોક બબડાટ કરીને વહેલો સૂઈ ગયો. દીકરા રોહનને સૂવડાવી પમ્મીએ ડ્રોઈંગરૂમમાં આવી કાગળ લખવો શરૂ કર્યો. – ‘પ્રિયે’ નહીં લખું. અચાનક કાલે એક પ્રોગ્રામ સાંભળતાં સાંભળતાં મેં આપણા જીવન વિશે વિચાર કર્યો તો મને પણ લાગ્યું. હા, આપણે નીરસ, ભાવ વગરનું જીવી રહ્યાં છીએ. એમણે જ કહેલું કે જેવું પણ હોય તેવું છતાં સાચ્ચે સાચ્ચું જ લખવાનું. તને પણ નથી લાગતું, ભપ્પી, આપણે વાસી જીવતા થઈ ગયા છીએ? એકમેક વિશે સંગ્રહી રાખેલું બધુંય, જેવું હોય તેવું, ઠાલવીને તરોતાજાં થઈ જઈએ... – અરે હા, પહેલાં જ કહી દઉં. ટી.વી.નું રિમોટ મેં સંતાડી દીધું છે. (ખબર છે ગુસ્સામાં તારું મોં કેવું થતું હશે. પણ રિલેક્સ!) તું આખો દિવસ ક્રિકેટ જ જોયા કરે છે. લાઈવ ના આવતી હોય તો રમાઈ ગયેલી મેચો જુએ છે ને ત્યારે એવો તો ગુસ્સો ચડે કે ટી.વી. જ ફોડી નાખું. પણ ટી.વી. ના હોત તો કેટલાય આઈડિયા જ ના મળત. ફરી સાંજે આવીશ ત્યારે પણ નથી જ આપવાની. ટી.વી. નહિ, બીવી જ જોવી પડશે. ડોન્ટ માઇન્ડ. પણ કહું? તું પહેલાં કેટલો સારો હતો! એકવાર તને મળવાની લ્હાયમાં ભૂલભૂલમાં ઊંધી સલવાર પહેરી નાખેલી. તો ય મારા પૂછતાં પહેલાં જ (લીમડા નીચે ઊભેલાં છતાંય) તે કેટલી મીઠાશથી કહ્યું હતું – ખૂબ સરસ લાગે છે તું. ને આજે? નવી સાડી પહેરેલી. ચાંદલો જોયો હતો? ડાયમંડવાળો હતો (પણ જે પત્નીને ન જોઈ શકે તેવાં નયન શા કામનાં?) હવે તું કેટલો બદલાઈ ગયો છે, ભપ્પી! પહેલાં તો તારા પંદરસો રૂપિયાના પગારમાંથી રૂપિયો રૂપિયો બચાવીને, સીટી બસમાં હડસેલા ખાઈ ખાઈને પણ એકાદ સાડી તો લઈ જ આવતો. મારા ગમતા રંગો વિશે જાણવા તો તેં કેવા કેવા પાપડ વણેલા. (પહેલાં હસી લઉં થોડું) નેવું કિલો વજનવાળી મારી જાડી બહેનપણી સાથે દોસ્તીય કરેલી. (તને ધરાર ભદ્દી અને ગંદી લાગતી તો ય)ને શરૂશરૂમાં મારા માટે પહેલો ગિફ્ટ લેવા માટે (તને શરમ આવતી હતી તો ય) તું એને લઈને બજારમાં પણ ગયેલો. દુકાનમાં જઈને ‘સાડી બતાવો ને સારી’ એવું બોલતાં બોલતાં લાલલાલ થઈ જઈને પરસેવો પરસેવો છૂટી ગયો હતો તારો. (તેં ના પાડી હતી તો ય જાડીએ બધું જ કહી દીધેલું મને.) અને હજી કહું? તમને બંનેને જોઈને દુકાનદાર કેવો છોભીલો પડી ગયો હતો ઘડીભર. એ પણ ખબર છે મને. ભપ્પી, હવે એવા દિવસો આવી ગયા કે મારે ખાસ દિવસો પણ યાદ કરાવવા પડે! બધા પુરુષો એક જેવા જ હોય છે. ગુસ્સે ના થતો. આ તો સાચ્ચું જ લખવાનું છે એટલે ભપ્પી... પણ મેં જન્મદિન કે લગ્નદિન ભૂલી જવાની ફરિયાદ કરી છે કોઈ દિવસ? જાણું છું કે આપણે કોઈ ફિલ્મી હિરો-હિરોઈન નથી, પણ, ભપ્પી, ખાલી એક વાર તેં કહી દીધું હોત કે પમ્મી, તું ખરેખર આજે સરસ લાગે છે તો તારો કયો ખજાનો લૂંટાઈ જાત, બોલ? અને પોતાની સગી પત્નીને (હસવું આવ્યું ને તને?) યાદ અપાવતાં રહેવું કે તું મારા માટે ખાસમખાસ છે, તો કોઈ તને ફાંસીએ નહોતું ચડાવવાનું... (પણ નહીં, તું તો કહે જ શાનો? નર્યો વાણિયો જ રહ્યો...! શબ્દ વાપરતાં પણ કેવી કંજૂસાઈ કરે છે, જાણે તિજોરી ખાલી થઈ જવાની હોય તારી!) અને હા, ભૂલી જઉં એ પહેલાં કહી દઉં. તે દિવસે (કઈ તારીખ, કહું? એક્ઝેક્ટલી ૨૪ એપ્રિલ) મને જરા પણ નહોતું ગમ્યું. (સામેવાળાં રમાબેન... રમાબેન શેનાં ? રમલી. હા, તો રમલીને ટીકી ટીકીને જોતો’તો એ દિવસે) મને ખબર છે એ સારી લાગે છે, પણ તેં એનાં કપડાં જોયાં? મોંઘી મોંઘી કલકત્તી, બનારસી ને ભાગલપુરી પહેરીને લટર-પટર કરતી નીકળે છે એના એક્ટિવા પર. મને પણ ખૂબ મન થાય છે, ભપ્પી, કે હુંય મોંઘી મોંધી સાડીઓ પહેરીને પર્સ ઝૂલાવતી નોકરી પર નીકળી પડું (એક્ટિવા તો તું ના જ લઈ આપે. તારું બસ ચાલે તો ભંગારની દુકાનનું લ્યૂના શોધીને લઈ આપે. એ પણ સેકન્ડહેન્ડ. પછી ફોસલાવીને કહેત કે તારા જેવી પાતળી પરમારને તો આ જ શોભે. ફોસલાવતાં તને કેટલું સરસ આવડે છે! એમાં જ તો ભેરવાઈ પડી!) જો કે, કૌંસનું છેલ્લું વાક્ય ગંભીરતાથી ના લેતો. હું કહેતી હતી કે મારું ગણિત કાચું, અંગ્રેજી પણ કાચું. (તારા જેવા ફાંફા નથી મારતી. ગુસ્સો ના કરતો. પણ એક દિવસ દસમા-બારમાની માર્કશીટ જોઈ લીધેલી છાનીમાની. એ ઉપર તારી પ્રગતિની વંશાવળી જાણવા પાંચમા ધોરણથી લઈને બધાં રિઝલ્ટ જોઈ લીધાં. ખબર છે મને, શું ધોળ્યું’તું...) પરંતુ ગુજરાતી, સમાજ તો પાક્કાં છે. વિજ્ઞાન પણ ખરું (પૂછી જોજે દસ જણને) પહેલો નંબર ભલે ના આવતો હોય, તો ય કૉમ્પિટિશનમાં તો ખરી જ. મારા માર્ક્સ જાણવાની તાલાવેલી રહેતી સહુને. કોઈક પ્રાઇવેટ સ્કૂલ કે કોચિંગ ક્લાસમાં જવું ગમે. ઘરેલું થઈને બેસી રહેવું ને ડુંગળી-લસણના ભાવોની વાતો કર્યા કરવી મને સ્હેજ પણ નથી ગમતી, ભપ્પી, પણ કોઈક દિવસ મેં આ કહ્યું હતું તને? કોને માટે ભપ્પી? તારે જ ખાતર તો! એકવાર થેન્ક્યુ કહેવું જોઈએ ને? ગમે. પ્લીઝ, ડોન્ટ માઇન્ડ, પણ જો પોઇન્ટ ટુ બી નોટેડ... તારો ચા-નાસ્તો, રોહનનું લંચ-બૉકસ ભરીને તેને સ્કૂલે મોકલવા સુધી ને તને ઑફિસ રવાના કરવા સુધી ફરતી રહું ઘરમાં, બે હાથમાં અષ્ટહસ્તની તાકાત ભરતી. ઈન મીન-તીનનું કામેય કેટલું, એમ મન મનાવી મનાવીને કામવાળીના પૈસાય બચાવું છું. દાળ, ચોખા, ઘઉં, મસાલાની સિઝન ભરવાથી લઈને તારા હાથ રૂમાલ ખરીદવા સુધી દોડતી રહું છું. (...ને કહેશે કે તારા પગે વાઢિયા નર્યાં... તે પડે જ ને પછી! ક્રેક ક્રીમ પણ બેઅસર. તું તો મોજાં પહેરીને ફરતો રહે છે.) તારા ઘેર જ્યારે નવી નવી આવેલી ત્યારે મારા હાથની રસોઈ કેટલી ભાવતી હતી! (ચાટુડિયો!) રમલી કંઈક બનાવીને આપી જાય તો સત્તરવાર વખાણ કરશે. મને છેલ્લે ક્યારે કહ્યું હશે પણ યાદ નહીં હોય. તને યાદ છે, પહેલો એક મહિનો લાગલગાટ ચા બનાવીને તેં જ પીવડાવી છે મને? (હવે હાથમાં ખંજવાળ આવે છે કેમ?) એક રવિવારે તો...! મહિનામાં કામવાળી પણ એક બંક મારી લે (તારી મા, સૉરી, સાસુમા આવે છે ત્યારે તો દોડી દોડીને બનાવે છે...!) અને ભપ્પી, એક વાત કહું? એક દિવસ (એક્ઝેટલી કહું તો પાંચેક મહિના પહેલાં) કપડાં ધોતી વખતે તારા પેન્ટના ખિસ્સામાંથી પિક્ચરની ટિકિટ નીકળેલી. બોલ, મને કેવું લાગ્યું હશે ત્યારે? (એના કરતાં વધારે દુઃખ એ વાતનું થયેલું કે તેં મને કીધું પણ નહોતું.) એક વાત કહું? સિક્રેટ, તું જોવા આવવાનો હતોને જ્યારે મને, ત્યારે મેં તો તારું નામ સાંભળીને જ ઘરનાને જોવાનીય ના પાડી દીધેલી – ભૂપેન્દ્ર! કેટલું જૂનવાણી નામ! પણ સાચ્ચું જ લખવાનું છે એ આ નુસખાની પહેલી શરત છે. એટલે કહું છું કે તું જોતાંવેંત જ મને ગમી ગયેલો. પહેલીવાર કેવો ભોળો ને નિર્દોષ લાગતો હતો! મેં એમ પણ સમજાવી કે તને ‘ભોપો’ કહીશ. ચીડ નામ તરીકે, પણ તું જરાય ભોળો નથી, પાક્કા કાતરા જેવો છે સાવ! ચાર વરસ પછી મારો ભપ્પી આમ ખોવાઈ જશે, બદલાઈ જશે, ખબર નહોતી મને. (એક મિનિટ, રડવું આવે છે. ગુસ્સે ના થતો. કહેતો હશે કે તું વાતેવાતે રડી પડે છે. પણ શું કરું? આવી જ છું હું) ધોમ તડકામાંય જ્યારે તું મળવા આવતો ત્યારે છાંયડા જેવો લાગતો. (હવે ઘરમાંય બપોરના તડકા જેવો સાવ... તપેલો રહે છે. શું સતત ઠોબરું સામે રહેતું હશે માટે? કે સંબંધ વિશે તું સુરક્ષિત થઈ ગયો હશે માટે? કેમ આમ થતું હશે, ભપ્પી?) જાણું છું, આ પત્ર હાથમાં લેતાં ભૂકંપ જેવું ફીલ થયું હશે, હેં ને? (મને ખબર છે અત્યારે તું એમ જ બબડતો હશેઃ લગ્નના ભૂકંપ જેટલો આંચકો નથી લાગ્યો.) કાગળ ઑફિસની ફાઇલમાં મૂકું છું. બધું જ સમજાઈ જતું હોવા છતાં ક્યારેક કહેવું કેટલું જરૂરી બની જતું હોય છે! પ્રિય પમ્મી, તારા ખરાબ અક્ષરોમાં લખાયેલ કાગળ મળ્યો. (જોયું? તારા અક્ષરો કેટલા ખરાબ થતા જાય છે! એક સર્વે મુજબ સામાન્ય રીતે સ્ત્રીઓના અક્ષર પુરુષોના અક્ષરો કરતાં વધુ સારા હોય છે. છતાં તારા એટલા ખરાબ? માંડ ઊકેલ્યા.) જો, રડી ના પડતી પહેલેથી જ કહું છું. સાચે જ, આંચકો જ લાગ્યો તારા કાગળથી. અને આમ ફાઇલમાં મૂકી દેવાય? ત્યાં, હાથમાં લીધો ત્યારે કેવું અજુગતું બધું કલ્પી લીધેલું મેં! ખેર, મારે જો તને કંઈક ના ગમતું કહેવાનું હોય તારા વિશે તો પહેલી જ બાબત એ કે યાર તું કોઈની પણ વાતોમાં બહુ જલદી આવી જાય છે. બધું સાચું માની લે છે. (જોયું? પ્રોગ્રામવાળાની વાતોમાં પણ આવી ગઈ ને?) તમે પણ બધી સ્ત્રીઓ એક જેવી જ છો. (ક્યાંક વાંચ્યું હતું કે સ્ત્રી, પુરુષને પહેલાં એ જેવો છે તેવો સ્વીકારે છે. પછી બદલવા મથે છે અને જ્યારે એ બદલાઈ જાય છે ત્યારે કહે છે કે તું હવે પહેલાં જેવો નથી રહ્યો!) તને ખબર છે, કાલે રિમોટ ના મળવાથી મને કેટલો ગુસ્સો આવતો હતો! તું જ કહેતી હતી કે સમાચારો માટે છાપાં છે, સિરિયલો અને એવું-તેવું જોવામાં વચ્ચે આવતી અમુક પ્રકારની જાહેરાતોથી રોહન પર ખરાબ અસર પડે, તેં જ કહ્યું હતું ને, કે મૅચ જુઓને? કોણ ના પાડે છે? ને હવે તું જ... (તું જ્યારે વેફર ખાતી ખાતી મારી સાથે મૅચ જોતી’તી ને, ત્યારે કેટલી ખુશી થતી મને?) તને ફિલ્મ જોવા નહોતી લઈ ગયો. હા પમ્મી, પણ કહું? યાદ કર તો જરા... જ્યારે જ્યારે પણ લઈ જતો ત્યારે તારા પહેલા શબ્દો કયા હોય છે? – પૈસા પડી ગયા ને ત્રણ કલાક માથું પાક્યું તે અલગ. (હવે તારા માટે થઈને કોઈને સત્યજીત રે બનવાનું તો ના કહેવાય ને! ને કોઈને બનવું હોય તો બીજા બનવા પણ ન દે. ટ્રેન્ડ જ આવો છો. શું કરું?) તને પિયર મૂકવા આવવાનું કહું તો, તારા જ ગમતા શબ્દમાં, આ બધા ‘ટાયલાવેડા’. મારે પણ તને એક સિક્રેટ કહેવાનું છે. તું મને ભપ્પી કહે છે ને, તે મને જરાય ગમતું નથી. (ભપ્પી લહેરી યાદ આવી જાય છે. મારું વજન એટલું છે કંઈ? કોઈ સાંભળે તો કેવું લાગે?) આમ તો તારું નામ પણ જૂનવાણી છે – પ્રેમીલા. મેં તો તને કેવું રૂપકડું નામ આપ્યું છે – પમ્મી! ભપ્પી નામ નહોતું ગમતું તો ય મેં કહ્યું હતું તને? ખાલી એટલા જ ખાતર કે એવું બોલતી વખતે તારું જેવું મોં થાય છે ને, તે જોવાનું મને ખૂબ ગમે છે, પમ્મી! અને ગુલામ અલીની એક પણ કેસેટ લાવ્યો છું હું? એ જાણ્યા પછી કે તને જગજિતસિંગ ગમે છે. તેં મને એ માટે થૅન્ક્સ કહ્યું? તારી રસોઈ... હમણાં હમણાંની કેટલી બગડી ગઈ છે! (કદાચ તારી જીભ જ બગડી ગઈ છે. સ્વાદ પારખી નથી શકતી, લૂલી!) પહેલાં મને પૂછી પૂછીને બનાવતી. સાચી વાત કહું તને? મારી મા બનાવે છે ને, એવી રસોઈ તારી પહેલેથી જ નહોતી. (ને એવું તને કહ્યું હોત તો તું મને કેટલુંય સંભળાવત. પણ મેં જૂઠ્ઠું બોલ્યા કર્યું કે તું ખૂબ પ્રેમથી કેટલી સારી રસોઈ બનાવે છે! થયું કે તારો ઉત્સાહ વધશે અને જૂઠ પર જૂઠ બોલવા બદલ ચિત્રગુપ્તના કેટલા ચોપડા ભરાઈ ગયા હશે મારા કેસમાં!) નવી નવી વાનગીઓ શીખવાના તારા થનગનાટમાં મેં તને કેટલો સપોર્ટ કર્યો! (કેટલા એક્સપરીમેન્ટ સહ્યા છે, સિતમગર!) કેક બનાવવાની દુનિયાભરની રેસિપિ અજમાવી જોઈ. પરિણામ શું આવ્યું? (કૂતરાઓને મિજબાની) ઘી, દૂધ, મલાઈ, બટર, કોકો, બેકિંગ પાઉડર, મિલ્કમેડ ને કોણ જાણે શું શું! પૈસાની બરબાદી... હું કહેતો કે રહેવા દે પમ્મી, ઍગલેસ કેક એ-વન ક્વોલિટીની લાવી આપીશ, પણ તું? કેટલી જિદ્દી બની ગઈ છે! કહે છે, હમણાં હમણાંથી સાડીઓ નથી લાવતો. તું પણ, પમ્મી, બીજી સ્ત્રીઓની જેમ એકદમ ડિમાન્ડેબલ બની ગઈ છે. કોઈની સરસ સાડી જોઈ નથી કે ક્યાંક સેલનું પાટિયું જોયું નથી કે તૈયાર. તું જ કબૂલ કરે છે ને કે મોજાંથી લઈને મસાલા સુધી ને હાથરૂમાલથી લઈને ટુવાલ સુધી બધું તું જ લાવે છે ઘરમાં... તો બોલ, મારા માટે છેલ્લું ટી-શર્ટ ક્યારે આવ્યું આ ઘરમાં? આ મોંધવારી ને ઉપરથી આપણો આ મોંઘેરો રોહન... મૅનેજ કરવું પડે, અને હજી કહું? પહેલાંની જેમ ‘મારે કંઈ જોઈતું નથી. તમે જ મારે મન સર્વસ્વ છો... ધારો કે છેક એવું ના કહે ને થોડું શરમાઈને, થોડી નજાકતથી કહે તો બંદા આજેય લોકલ બસમાં, ટ્રેનમાં ગોદા ખાવા રેડી. તું મને કહે છે કે હું ઊકળેલો રહું છું. હા. તારા કાગળ પછી રિયલાઇઝ થયું કે હું નાની અમથી વાતોમાં કાબૂ ગુમાવી દઉં છું, પણ પમ્મી, પ્રેમથી કહેવાનું તો તું પણ ભૂલી ગઈ છે, હેં ને? જાણે અદાવત રાખવાની હોય જનમોજનમની, એમ તારી ઘસાઈ ચૂકેલી કૅસેટ જેવા અવાજમાં હૂકમબાણ છોડતી રહે છે. (તને ખબર છે, તું એવા પૉઝમાં કંઈક માગે છેને ત્યારે, તારા પહેલાં જેવા દાડમની કળી જેવા દાંત નથી દેખાતા હવે! સાઇડ પર સડી ગયેલો દાંત ચોખ્ખો દેખાઈ આવે. તારી મોટી આંખો ખૂબ સારી લાગે છે પણ ક્યારેક લીંબુની ફાડથીયે મોટી, દસ રૂપિયાની ચાર નાની નારંગીઓ મળે છે ને એટલી મોટી થઈ જાય છે ત્યારે તારો ફોટો પાડીને તને બતાવું તો તુંય બી જાય એની ગેરંટી!) હા, તો હું એમ કહેતો હતો કે હમણાંથી તારા બોલવામાં છણકા વધી ગયા છે જરીક. મેં ના કહ્યું? તારી જીભ જ બગડી ગઈ છે. લે, આ વાક્ય બે મુદ્દાઓ માટે કામ આવ્યું. બીજોય અર્થ નીકળ્યો! સાડી ઉપરથી યાદ આવેલું હમણાં, લખતાં લખતાં, પાણી પીવા ઊઠ્યો ત્યાં રહી ગયેલું. રમાબેનને ટીકી ટીકીને નહોતો જોતો. હા, જોઉં છું એ માટે કે એક વસવસો જીવતો રાખી શકું. વસવસો એ વાતનો કે પમ્મી, તને કદી એવી સાડીઓ અપાવી શક્યો નથી. તું પણ એવી સાડીઓ પહેરીને નીકળે, થોડો મેક-અપ બેક-અપ કરે, અરે, ડ્રેસ પહેરેને તો મને ગમે હોં! પાતળી પરમારને ડ્રેસ કેવા સરસ લાગે. મારી નજરને પૂછ. જો કે સાડીય સારી લાગે છે હિરોઈન જેવી (પણ સાઇઠના દાયકાની.) અને તારા કામને હાથનો જ વિચાર કરીને મારી ઑફિસના કોઈ મિત્રોને જમવાનું પણ નથી કહેતો. (હા, ઘણાને ત્યાં કેટલીય વાર હું જમી આવીને તને રાહત આપતો રહું છું એ વાત જુદી છે.) અને ઑફિસમાં એ માટે બધાનાં મહેણાં પણ સાંભળી લઉં છું. તારા રઘવાટની મને ખબર છે. (નાનપણનું તારી માએ તારું નામ બરાબર જ પાડ્યું છે - લપલપિયો કાચબો.) સાચું લખવાનું કહ્યું છે એટલે કબૂલવું જ પડે કે મારું ગુજરાતી તારા ગુજરાતી જેટલું સારું નથી ને તારા જેવા શબ્દો ગોઠવતાંય મને નથી આવડતું એટલે મારું લખેલું તને વધારે હાર્શ લાગશે. ખોટું ના લગાડતી અને તારી આદત મુજબ રડી પણ ના પડતી. (બોલ રડે છે ને અત્યારે?) એટલે જ વાત કહેતો નહોતો. ઘણીવાર થતું પમ્મી, એક દિવસ તને કહું આ બધું પણ વાત આપણી મઝધારે જ રહેતી. કિનારે પહોંચતી જ નહીં ને, શું કરું? તું રડવાનું શરૂ કરી દેતી ને તારાં આંસુ જોવાતાં જ નહીં... છેલ્લે એક સાચ્ચી વાત લખવી છે (એટલે કે ઉપરની બધી સાચ્ચી જ છે આમ તો) પણ હવે ચોવીસ કેરેટની વાત. તારો આ નુસખો મને ખૂબ ભાવ્યો છે, પમ્મી, થેન્ક્સ. એટલા માટે કે લખતાં લખતાં મને પણ અનુભવાયું કે પતિ -પત્ની બની ગયા પછી આપણે ઘણું ભૂલી ગયાં છીએ, જે આપણે હતાં અને જે રહેવું જોઈએ! ફરીથી જીવીએ હવે? અને તેં મને કડવો લીમડો કહ્યો એટલે મને પણ થયું કે આ ચિઠ્ઠી મરચાંના ડબ્બામાં મૂકી દઉં ને પછી ઑફિસથી ફોન કરીને કહું. (કહું કે તારા સ્વભાવ જેવા એક મસાલામાં સંતાડી છે, વાંચી લેજે પટ્ટણી મરચી!) પણ છેવટે રેડિયો પાસે જ મૂકું છું. એ સાંજે ભપ્પી આવ્યો. પમ્મી રડતી હતી એકધારું. ભપ્પીએ એને સંભાળવાનો, છાનો રાખવાનો ખૂબ પ્રયાસ કર્યો. પણ પમ્મી કેમેય ચૂપ રહેતી નહોતી. છેવટે એણે લાડભર્યા રોષ સાથે કહ્યું : ‘અરે, સાચું માની લીધું બધું? મેં ના કહ્યું? યાર, તું કોઈની પણ વાતોમાં બહુ જલ્દી આવી જાય છે! બધું જ સાચું માની લે છે. મારું પણ...’ અને પમ્મી એકાએક હસી પડી. બોલી : ‘મને ખબર છે. સાવ પાક્કા કાતરા જેવો છે તું!!!’