પન્ના ત્રિવેદીની વાર્તાઓ/નથ્થુનું મોત: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નથ્થુનું મોત| }} {{Poem2Open}} કારણ કે નથ્થુ મર્યો હતો એટલે આવી વાતો...") |
(No difference)
|
Revision as of 10:42, 23 March 2022
કારણ કે નથ્થુ મર્યો હતો એટલે આવી વાતો થવી તો તદ્દન સ્વાભાવિક હતી. નથ્થુ! આ એ જ નથ્થુ કે જે રોજ પરોઢિયે એના અકાળે સફેદ થઈ ગયેલા, સૂક્કા-ઝાંખરા જેવા ઓળ્યા વગરના વાળ, ઊપસી આવેલી હાડકાંની પાંસળીઓવાળી છાતી અને ઊંઘરેટી આંખો લઈને પગ કરતાં મોટાં ખાસડાંના ‘ઠઈડ... ઠઈડ...’ કર્કશ અવાજ સાથે ટાંટિયા ઘસેડતો ઘસેડતો રૉયલ પાર્ક આવી પહોંચતો અને સ્હેજ પણ મોડું કર્યા વગર છાપું નાંખીને કોઈની બેસ્વાદ ચાને વધુ લિજ્જતદાર કરી આપતો; તો કોઈની રોકાઈ પડેલી હાજતને સરળ બનાવી આપતો. આજે સવારથી જ રૉયલ પાર્કના ઘરોની મોટા ભાગની પુરુષ આંખો અને તેમના બરમૂડા પહેરેલા અધખુલ્લા ટાંટિયા ઘડીએ ઘડીએ બહાર લટાર મારી આવતા હતા. છેક આઠ થવા આવ્યા હતા ને તો ય હજી નથ્થુ દેખાયો નહોતો. જો કે માત્ર પુરુષ-આંખો જ નહીં, પણ કેટલીક સ્ત્રી-આંખો પણ બેચેન થઈ ઊઠી હતી. કારણ કે જો આજે નથ્થુ છાપું નાખવા નહીં આવે તો મિસિસ નિરંજનના ડાઇનિંગ ટેબલ પર મૂકાયેલ કોરો કાગળ સાવ કોરો જ પડી રહેશે. પૂર્તિમાં આવતી નવી નવી વાનગીઓના અખતરા માટે મંગાવાની ચીજવસ્તુઓનું લિસ્ટ તૈયાર નહીં થઈ શકે. ફેશન ડિઝાઈનિંગમાં ‘ટુ મચ ઇન્ટ્રેસ’ દાખવતી મિસિસ મહેતાના મોંએ એકવાર પણ એવો બબડાટ નહીં નીકળી શકે : ‘ફિશ! શુક્રવારની બોલિવૂડ પૂર્તિ તો સાવ નકામી! કોશા માટે નવી પેટર્નના ડ્રેસની ડિઝાઈન દોરવા માટે જ પૂર્તિ હાથમાં લઉં છું, પણ આ એક્ટ્રેસો? શું દોરું? તન પર કપડાં હોય તો ને?’ અને મિસિસ ચેટર્જીની આંખે આજે ખંજવાળ આવતી રહેશે, કેમકે તેમને સોનાના ભાવનો સૂરમો આંજવા નહીં મળે. પણ સૌથી કફોડી હાલત તો મિસ્ટર પટેલની હતી. પેટ ચૂંકતું હતું ક્યારનું ને હજી છાપું આવ્યું નહોતું. પેટ પર હાથ ફેરવતો ફેરવતો તે બહાર આંટો મારવા આવ્યો ત્યારે મિસ્ટર શાહ, ચેટર્જી, દીવાન, ગુપ્તા, બેનર્જી, સૈયદ, અગ્રવાલ, મહેતા બધાએ શાહના ઘર સામે મંડળી જમાવી હતી. પટેલ પણ તે તરફ વળ્યો. તેના મોં પરની રેખાઓ જોઈને બેનર્જીને થોડું હસવું આવી ગયું. તેણે મહેતાને ઇશારો કર્યો. મહેતા જરા જોરથી હસી પડ્યો. – ‘અરે યાર! તમારે તો છાપાંના પ્રેસની અડોઅડ જ ઘર રાખવું જોઈતું હતું. પહેલી જ તાજી કોપી તમારે ત્યાં ને પછી તમેય તાજા!’ – ‘હા... હા... હા...’ – ‘આ કંઈ હસવાની બાબત છે? આવી આદતનો પ્રોબ્લેમ તમને હોત તો ભાન પડત. આજે સાલો નથ્થુ કંઈ મરી ગયો છે?’ – ‘આજે નહીં, કાલે મરી ગયો. સાંજે...’ – ‘દરેક વાત પર શું મજાક માંડી છે?’ – ‘મજાક નથી કરતો. સાચે જ. નથ્થુ તો કાલે સાંજે મરી ગયો. આપઘાત કર્યો.’ – ‘મરે સાલો. પણ આજ સવાર પછી મર્યો હોત તો શું ખાટું-મોળું થઈ જવાનું હતું એનું! મરવા જ ધાર્યું હતું તો આજ ને કાલ... મને કબજિયાતમાંથી આજે રાહત તો રહેત!’ – ‘...પણ ખબર કેમ પડી કે નથ્થુ મરી ગયો?’ – ‘બાબુલાલને સવારે ફોન કર્યો હતો. કહ્યું, છાપું નાખવા નથી આવ્યો નથ્થુ! પહેલાં તો એટલો અકળાઈને જવાબ આપ્યો : કહેતા હો તો ઉપરથી બોલાવું છાપું નાખવા? મેં પણ તુમાખીથી કહી દીધું : કોની સાથે આટલા ઊંચા અવાજે વાત કરો છો કંઈ ભાન પડે છે તમને? ત્યારે વળી જરા ઢીલો પડ્યો. કહે : માફ કરજો સાહેબ, પણ સવારથી નથ્થુના નામની પોક સાંભળી સાંભળીને હુંયે કંટાળ્યો છું. નથ્થુની રામાયણ કેટલાને સંભળાવું ને કેટલાને જવાબ દઉં? એ સાલાને સાંજે જ મરવાનું સૂઝ્યું’તું! કમબખ્ત, સવારે છાપું નાખીને મર્યો હોત તો આખા દિવસમાં બીજા કોઈ માણસની વ્યવસ્થા પણ ક્યારની કરી નાખી હોત. એટલો મોટો એરિયા કવર કરતો હતો કે બધેથી રાડ પડી છે. કમસે કમ મને તો જરીક જણાવીને મરવું હતું!’ – ‘બિચારો! નથ્થુ મર્યો એમાં બાબુનો શું વાંક?’ – ‘તે... સાચે જ? સ્યૂસાઇડ?’ – ‘હાસ્તો! ઝેર પી લીધું.’ – ‘રોજ બીડી પીતો’તો તો. કાલે ઝેર પીધું... ન્યૂ ટેસ્ટ. માણસ સ્ટંટબાજ નીકળ્યો!’ – ‘હા...હા...હા...’ – ‘લ્યો! હવે નથ્થુ જેવા લોકોનેય ડિપ્રેશન હોય!’ વાતો ચાલતી જ હતી ત્યાં એકાએક કૂતરું ભસવાનો અવાજ આવતાં બધાનું ધ્યાન તૂટ્યું. – ‘ચેટર્જી આવતા લાગે છે.’ – ‘તને કેમ ખબર પડી?’ – ‘કૂતરો હોય એટલે ચેટર્જી હોય જ. એમને કદી એકલા જોયા છે?’ – ‘ભાઈ, બધે જ થોડાં કંઈ કૂતરા સાથે ફેરવાય છે? ને આવી મંડળીઓમાં તો ભૂલેચૂકેય નહીં. ક્યાંક વિદ્વાન થઈ જાય તો તકલીફ!’ ‘હા... હા... હા...’ – ‘અરે ઓ ચેટર્જીસા’બ... કૂત્તે કો ઘૂમા લાયે હો તો તનિક ઇધર ભી આઇએ ઔર ઈસ મહેફિલ કી શાન બઢાઈએ...’ સફેદ ટી-શર્ટ પહેરેલા પાંસઠેક વરસના ચેટર્જી એવી જ સફેદ, અમલદારી મૂછો આમળતા આમળતા બધા બેઠા હતા તે તરફ વળ્યા. કૂતરાની જોડાજોડ એની પણ મોર્નિંગ વૉકની કસરત થઈ ગઈ હતી. ચહેરો પરસેવાથી રેબઝેબ હતો. મિસ્ટર શાહ ઘરમાં જઈને એક વધારાની ખુરશી બહાર ખેંચી લાવ્યા. ચેટર્જી બેઠા પણ તેમનો આલ્શેશિયન કૂતરો ત્યાં બેઠેલા સહુ કોઈના પગ સૂંઘવા લાગ્યો. પટેલ અકળાઈ ગયો. ચેટર્જીએ સાંકળ ખેંચી કૂતરાને પોતાની વધુ નજીક ખેંચ્યો. કૂતરો જોરથી ભસ્યો... ચેટર્જીએ ‘ચલ, ચૂપ થઈ જા... અહીં આવ...’ કહી બુચકારીને શાંત પાડ્યો. કૂતરો એક પછી એક એમ સહુના મોંને તાકવા લાગ્યો અને પછી પૂંછડી પટપટાવી ચેટર્જીના પગને લાગીને ઊભો રહ્યો. – ‘ઇતને લોગ એક સાથ ઇકઠ્ઠા? ક્યા બાતેં ચલ રહી હૈ સુબહ સુબહ?’ – ‘નથ્થુ મર ગયા તો આજકે દિન કા અખબાર કા માતમ મના રહે હૈ... ઔર ક્યા?’ – ‘બાપ રે! તબ તો પટેલ કી હાલત બિગડ ગઈ હોગી. જુલાબિયત સે જુદાઈ કા ગમ...’ – ‘વાહ! કમાલ કરી ચેટર્જીએ! શું શબ્દ આપ્યો છે? જુલાબિયત... આહાહા....’ – ‘અરે ચેટર્જી, તમે આ શબ્દ દિવાનજી આગળ ખોટો બોલી ગયા... હવે એની શેરો-શાયરીમાં ક્યાંક આવ્યો જ સમજવો...! અર્થની પરવા કર્યા વિના રંગીન તબિયત-ઇબિયત જેવા શબ્દ સાથે જોડી દઈને કાફિયા મેળ પાડી દેશે... તમારો કૉપી રાઇટ તો ગયો સમજો.’ – ‘હા...હા...હા... ઇસકા કૉપીરાઇટ તો મૈને પટેલ કો દિયા, જાઈએ. વૈસે... કલ શામ નથ્થુ કી બીવી આઈ થી દૌડતી હુઈ. કહ રહી થી નથ્થુને ઝહર પી લિયા હૈ. સા’બ કુછ કરો; કુછ કરો... બડી મિન્નતેં કર રહી થી બેચારી.’ નથ્થુની વહુની વાત સાંભળતા જ ગુપ્તાની આંખ સામે એક શામળો પણ નમણો ચહેરો તરવરી ઊઠ્યો. અણિયારું નાક ને આખેઆખા માણસને ડૂબાડી દે એવી આંખો. એક દિવસ એને નથ્થુ સાથે જ જોઈ હતી તેણે. ત્યારે પહેલી જ વાર નથ્થુની ઈર્ષ્યા થઈ આવી હતી – નથ્થુ જેવા રોંચાને આવી બાયડી? વાહ રે નથ્થુની કિસ્મત... કહેવું પડે! – અને એને સદાની માંદી એવી, પથારીમાં પડી રહેતી, ક્ષીણ થઈ ગયેલી પોતાની વહુના ઉધરસના ઠહાકા સંભળાયા. ગુપ્તાએ ઊભાં ઊભાં જ ઉબકા આવવા જેવું અનુભવ્યું. એ નથ્થુ પાસે ઊભો રહ્યો અને નથ્થુની વહુ સામે જોઈને કહ્યું હતું : ‘નથ્થુ, આનેય ક્યાંક ઘરકામ માટે મોકલતો હોય તો?’ નથ્થુએ બીડી બુઝાવીને દીવાલને ખૂણે ફેંકતા કહેલું : ‘મોકલી તો દઉં સાહેબ, ને એ પણ કહે છે, પણ જુઓને સાહેબ, સારા માણસોનાં ઘર પણ કોઈ મળવા જોઈએ ને?’ ત્યારે નથ્થુની વહુ પોતાના ધણીનો લાચારીનો ભાવ જોતી રડમસ ચહેરે ઊભી હતી. એ જોઈને એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના ગુપ્તાએ તરત જ કહ્યું હતું : ‘અરે ભલા માણસ. જરા વાત તો કરવી હતી. અહીં તો બધા જ સારા માણસોનાં ઘર છે તે તું ક્યાં નથી જાણતો? લે ને, એક મારું જ ઘર છે. તારી સાથે એ સવારથી આવી જાય ને સાંજ લગી કામ હોય તે કર્યા કરે પછી છૂટ્ટી... તારા જેટલા બે પગાર પડી રહેશે...’ સામેની ચારેય આંખો હરખથી ચમકી ઊઠી હતી. નથ્થુની વહુ હસુહસુ થતાં બોલી હતી : ‘હાં સા’બ, કાલથી જ આવી જઈશ.’ ચેટર્જીનો કૂતરો સળવળ્યો. વાતો હજી લાંબી ચાલશે એવું સમજીને થોડુંક ભસીને બેસી ગયો. ચેટર્જીની વાત હજી ચાલુ જ હતી. – ‘... પર મૈં ભી ક્યા કરતા? મેરે ટૉમી કો થોડી ખરોચ આઈ થી, પતા નહીં, કહાં સે કરવા લાયા? દેખો, યે દેખો...’ ચેટર્જીએ નીચે ઝૂકીને કૂતરાનો પગ સહેજ ઊંચો કરીને બતાડ્યો. એકીસાથે ‘હંમ્મમ... અરેરે... ત્ચ ત્ચ ત્ચ ત્ચ...’ના અવાજો હવામાં વેરાઈ રહ્યા. – ‘કૂતરાં તો કૂતરાં જ બાપ. કદી જંપે તો ને? તમે કદી પણ એને ચાલતાં જોયાં છે? કાં તો ધીમી ગતિએ કાં તો ઝડપથી... દોટ જ મૂકશે.’ – ‘જાણે ટ્રેન પકડવાની હોય!’ – ‘હા... હા... હા...’ – ‘... પર મુજે તો મેરે ટૉમી કો અસ્પતાલ લે જાના થા. મૈેં કર ભી ક્યા સકતા થા બાવજૂદ ઇસકે? મૈંને થોડા વક્ત નીકાલકર ઉસકી બીવી કો સમજાયા કિ જાઓ, જલ્દી સે કિસી સરકારી અસ્પતાલમેં લે જાઓ... ખરચા કમ લગેગા ઔર પુલિસ કેસ ભી બનેગા...’ – ‘આ લોકો સાથે માથાફોડ કરવાથી ઝાઝું કંઈ વળવાનું નહીં... ને સમયનું પાણી થાય તે અલગ. દારૂડિયો તો હતો જ ને નથ્થુ! એની વહુનો ખરચ બચશે હવે. થિંક પોઝિટિવ.’ – ‘પણ કહે છે કે બીડી-દારૂની એક જ બુરી લત હતી. એની જ વહુ કહેતી હતી કે માણસ લાખ રૂપિયાનો છે.’ – ‘હા, ને એની બસ્તીનો કાસમ પણ કહેતો હતો કે પાઈ પાઈ એક કરીને દીકરાને અફસર બનાવવા મહેનત કરે છે. છાપાં નાંખ્યા પછી તો કંઈ કેટલીયે છૂટક મજૂરી કરતો હતો. બસ એ રાતે જ ‘ટુન’ થઈને પડ્યો રહેતો પછી પણ કહે છે એનો છોકરોય ભણવામાં હોશિયાર છે. આપણા કક્કડના છોકરાને ત્રણ-ત્રણ ટ્યુશનના માસ્તરો જે ના શીખવાડી શક્યા તે એને એકીબેઠકમાં જ શીખવી દીધેલું.’ બેનર્જીનો કૂતરો એકદમ ઊભો થઈ ગયો. એક નાનકડો ઠેકડો મારીને બંને કાન ફડફડાવ્યા. બેનર્જીએ ફરી પુચકાર્યોઃ ‘મેરા અચ્છા બચ્ચા... ટોમી... સીટ ડાઉન!’ કૂતરો તરત બેસી ગયો. – ‘તમારો ટોમી ખાસ્સો અલમસ્ત છે, નહીં?’ – ‘હા. સો તો હૈ. ખુરાક કૈસી દેતે હૈ નવાબ કો!’ – ‘બાકી અમુક તો સાવ બચોળિયા જેવા લાગે ને અમુક વધારે પડતા ડાઘિયા જેવા.’ – ‘પોમેરિયન અને બુલડોગ તો હવે સાવ કોમન થવા લાગ્યા છે. મને તો ગ્રેહાઉન્ડ લાવવાની બહુ ઇચ્છા છે.’ – ‘કેમ? એમાં શું ખાસિયત છે?’ – ‘કહે છે કે એ દોડવામાં સૌથી ઝડપી હોય છે.’ – ‘એમ કે? પણ આપણે ક્યાં મેરેથોન યોજવાની છે?’ – ‘હા...હા...હા...’ – ‘પણ તમે બધા આટલા કૂતરાઘેલા કેમ છો? આઈ રિયલ ડૉન્ટ અન્ડરસ્ટેન્ડ!’ – ‘એ તો શાહને પૂછો. બાકી હું તો એટલે જ રાખું છું કે ભાઈ, હવે આજકાલ તો નાના માણસોનેય ખખડાવી શકાતા નથી ને ઉપરથી મિસિસ પણ ગરમમિજાજ. કૂતરા પર તો ઊભરો ઠાલવી શકાય કમસે કમ!’ – ‘મને તો કૂતરો રાખવો જ વધારે પરવડે. માણસને સાલું, માણસ વગર ચાલે જ નહીં, ને ઉપરથી પ્રેમ કરવાય જોઈએ. એનો તો સ્વભાવ જ એ. પણ એમાં પ્રોબ્લેમ એ જ થાય કે જરાક પ્રેમ દેખાડવા જાવ કે સામાની અપેક્ષા વધતી જ રહે. ના પરવડે! એ કરતાં કૂતરાને જ પ્રેમ કરો, અપેક્ષાની કંઈ ઝંઝટ જ નહીં.’ – ‘ભલે અમારે સંતાન નથી, પણ મારાં મિસિસ તો અમારી કૂતરીને કોઈ ભૂલભૂલમાંય કૂતરી કહી દે તો આવી બન્યું જ સમજો. ઘરમાં ન પેસવા દે બીજીવાર. એને દીકરીથી કંઈ કમ નથી ગણતાં...’ – ‘તો તો તમે તમારા ઘરનું વીલ કૂતરીના નામે જ કરવાના ને?’ – ‘હા... હા... હા...’ – ‘અરે, ગમ્મત ખાતર નથી કહેતો. ખરેખર કેટલાક લોકો કૂતરાં-બિલાડાંના નામે વીલ કરતા જાય છે. જાણે પોતે મરી જઈને આવતે ભવે કૂતરાંરૂપે અવતરવાના હોય!’ – ‘જો જો. તમે કૂતરી, સૉરી, તમારી છૈલીના નામે તમારા ઘરનું વીલ કરવાના હોય તો મારા કૂતરાનું માગું લઈને આવું તમારે ત્યાં.’ – ‘અરે સૈયદસાહેબ, કબૂલ. ચાલો... છૈલીનાં બે તો ઘર થશે. ખાઈ-પીને હંમેશ ભરાવદાર રહેશે.’ – ‘પણ તો તો તમારે એના નિકાહ પઢવા પડશે.’ – ‘હા...હા... હા... પણ કોઈ મૌલવી જાનવરોના નિકાહ પઢવા તૈયાર જ નહીં થાય ને!’ – ‘ના... ના... હું શું કામ મારી છૈલીના નિકાહ પઢવાઉ? લગ્ન તો હિન્દુવિધિએ જ કરાવીશ. એ પણ અમારા જ ગોરમહારાજના હસ્તે.’ – ‘ના. એમ નહીં બને. આફટર ઓલ, અમે કૂતરાવાળા છીએ. નિકાહ ના પઢવાના હોય તો આ સંબંધ અમને મંજૂર નથી.’ – ‘મંજૂર નથી? તો અમેય મંજૂર ક્યાં કર્યો હતો? માગુ લઈને તો તમે સામે ચાલીને આવ્યા હતા! સંબંધ અહીં જ ફોક.’ એકાએક વાતાવરણ થોડું ભારઝલ્લું થઈ ગયું. પટેલ ઊભો થઈને બે ચક્કર લગાવી આવ્યો અને પેટ પકડી પાછો બેસી ગયો. અગ્રવાલે જોરથી એક બગાસું ખાધું અને થોડે દૂર દૃષ્ટિ કરતાં બોલ્યો : – ‘અરે છોડો ને આ વાત હવે! કક્કડનું બારણું હજી સુધી બંધ કેમ છે?’ – ‘રાતની શિફ્ટ કરીને આવ્યો હશે. દેખરેખમાંય આંખો તો થાકે જ ને?’ – ‘પણ તો યે એને તો કંઈ ફેર જ નથી પડતો. દિવસે જો એ ઊંઘી જાય ને તમે ખખડાવો તો એક જ સેકન્ડમાં સફાળો જાગી જશે.’ – ‘એકદમ મારા કૂતરા પર ગયો છે!’ – ‘હા...હા...હા...’ – ‘અરે પણ બે દિવસથી તમારો કૂતરો કેમ દેખાતો નથી, અગ્રવાલ?’ – ‘બે દિવસ પહેલા ક્યાંકથી ગંદી આદત શીખીને લાવ્યો છે. વાસણમાં, રસોઈમાં મોં નાખી દઈ બોટી લે છે. શ્રીમતીજીની ઝપટમાં ચઢી ગયો. નજરકેદ!’ – ‘પત્યું ત્યારે તો! ખુદ જજસાહેબ છોડવાનો ચુકાદો આપે તો ય ન છોડાય હવે.’ – ‘પણ કહું? કૂતરાંઓને તો માર યાદ જ નથી રહેતો. ખૂબ ફટકારો ને પછી ખાવાનું ધરો તો ય બચારાં રાજીના રેડ થઈને ખાશે. એને લાકડીથી મારો તો ય એ તો એમ જ સમજવાના કે આ માણસ નહીં, લાકડી તેને મારે છે.’ – ‘હાથીનું તો સાવ ઊંધુ જ એનાથી. મહાવતે જરા ઊંચા અવાજે વાત કરી કે ગાળ આપી તો બે-ચાર દિવસ સુધી તો એના હાથનું અડશેય નહીં. અટ્ટહાસ્ય વેરાઈ ગયું. સૈયદ ચૂપ થઈ ગયો, અઠવાડિયા પહેલાં નથ્થુ છાપું નાંખવા આવ્યો હતો ત્યારે જ બહાર હીંચકા પર બેગમ સોનાની લગડી દેખાડતી હતી. બેગમે જ નથ્થુને બેસાડ્યો હતો ને કહ્યું હતું : ‘બેસ નથ્થુ, આમ તો તું મારું કેટલું ય નાનું-મોટું કામ કરી આપે છે. જોને, થાય કે તારી વહુ માટે એકાદ લૂગડું આપું જૂનું. પણ હું તો સાડી પહેરતી નથી એટલે ક્યાંથી આપું? બજાર તરફ જાય ત્યારે એક થેલો મારી બહેનને ઘેર પહોંચાડી આવજે. થોડો વજનદાર છે, પણ આટલાં છાપાં ઊંચકનાર માટે તો કંઈ ન કહેવાય! બેસજે, હું થેલો લઈ આવું.’ બેગમને ઘરની અંદર થોડી વાર થઈ ગઈ. નથ્થુ હીંચકા પાસે જ નીચે ઘાસમાં બેસી પડ્યો. સૈયદે હીંચકાની ગતિ થોડી ધીમી કરી નાખી હતી. નથ્થુને બીડી સળગાવવાની તીવ્ર ઇચ્છા થઈ આવી પણ સાહેબ સામે પીવામાં એમના મોભાની અવગણના થતી અનુભવાઈ. બેગમે થેલો આપ્યો અને વરસોથી છાપાં ઊંચકીને થોડા પહોળા થઈ ગયેલા હાથમાં તેણે લીધો. નથ્થુએ જવા માટે જેવો પગ ઊપાડ્યો કે બેગમની બૂમથી સૈયદનું મન થડકારો ચૂકી ગયેલું. લગડી ગાયબ હતી. શંકા સીધી નથ્થુ પર ગઈ. સૈયદે એના ગળી ગયેલા ગંધાતા ખિસ્સામાં હાથ નાખી ફંફોસી જોયાં, છેવટે ધોલધપાટ કરી પણ કંઈ વળ્યું નહીં. નથ્થુ કરગરતો હતો : ‘સાહેબ, એવું જ કરવું હતું તો આજ સુધી છાપાં શું કામ નાખતો હોત?’ ત્યાં તો બેગમ વચ્ચે પડી અને બોલી : ‘છોડો ને હવે. નથ્થુ, તું કંઈ ખોટું ના લગાડતો. બે રૂપિયાની વસ્તુ હોત તો ઠીક પણ આ તો જર-ઝવેરાત કહેવાય... પહેલી શંકા તો આવા જ ચોર-ઉચક્કા પર પડે ને? જા. તું તારે નિરાંતે જા. આ થેલો આજે ના લઈ જવાય તો કંઈ નહીં, નિરાંતે કાલે-બાલે...’ કાંપતા હાથે છાપાં પકડી થથરતા ટાંટિયે ઝાંપો ઓળંગતો નથ્થુ અને થોડે દૂર ઘાસમાં, ઊછળીને પડી ગયેલી લગડી શોધી લઈ ચૂપકેથી બતાવતી, ઝળાંહળાં થતી બેગમનો ચહેરો – બંને અત્યારે સૈયદને દેખાઈ રહ્યાં. પંદર નંબરનું બારણું ખૂલ્યું. કૂતરો સ્હેજ ચોંક્યો. થોડું ભસ્યો. ગાઉન પહેરેલાં મિસિસ શાહ બહાર નીકળ્યાં. તેમની કૂતરી પાછળ પાછળ આવી. ચેટર્જીનો કૂતરો ઊભો થઈ ગયો. એણે સામે જોયું અને એકાએક ગેલમાં આવી જઈ એકવાર આળોટી લીધું. કૂતરાના ખેંચાવાના પ્રયાસથી ચેટર્જીના હાથમાં પકડેલી સાંકળ ક્ષણિક ઢીલી પડી ગઈ પણ ચેટર્જીએ તરત સંભાળી લીધી. એ જોઈને બધાએ સૂચક હાસ્ય કર્યું. કૂતરી મિસિસ શાહની પાછળ લપાઈને ઊભી રહી ગઈ. – ‘જોને, છૈલીને જોઈને એની તબિયતનો રંગ જ કેવો બદલાઈ ગયો!’ – ‘છૈલી છે ય કેવી રૂપાળી! સાચુંખોટું રામ જાણે, પણ સાંભળ્યું છે કે કૂતરાં બે જ રંગને ઓળખે છે – સફેદ અને કાળો,’ – ‘તો તો ચેટર્જીના વાળ અને છૈલીના વાળ એને સરખા જ લાગતા હશે, નંઈ! અરે ચેટર્જી, બાલ બચાકે... હોં!’ – ‘હા...હા...હા... પણ એક વાત તો છે જ. આ કૂતરાં બાખડે બહુ.’ – ‘તે માણસો ઓછું બાખડે છે? પણ સી, આ કૂતરાંઓના બાખડવા પાછળનું એક સીધું લૉજિક છે. મોટા ભાગનાં કારણોના મૂળમાં કૂતરી હોવાનું તારણ હોઈ શકે છે. એ સમાજ કૂતરાપ્રધાન સમાજ છે. પાંચ-છ કૂતરાઓની સરખામણીએ એક કૂતરી હોય એટલે ઝઘડો થાય એ નોર્મલ બાબત કહેવાય.’ – ‘તો તો ભ્રૂણહત્યાનો પ્રશ્ન એમને તો નહીં જ નડતો હોય, કેમ?’ બધા ખડખડાટ હસી પડ્યા પણ ગુપ્તા અસ્વસ્થ થઈ ગયો. એણે બધાના ચહેરા સામે જોયું. એ લોકો ભસતા હોય એવું લાગ્યું. એણે એના નખ ખુરશીના હાથામાં બળપૂર્વક ખૂંપાવ્યા. પોતાના નખ કોઈ વિકરાળ ડાઘિયાના હોય એવું અનુભવ્યું. નથ્થુની વહુ! કેટલું ચોખ્ખું કામ કરતી હતી... અને આવતી હતી પણ કેવી ચોખ્ખી થઈને! એને જોઈને પથારીમાં પડેલી પોતાની વહુમાંથી એકાએક ગંધનો અનુભવ કરવા લાગતો અને હતાશ થઈ જતો. પાંચ-છ દિવસ તો પોતાની આંખોને પંપાળ્યા કરી પણ પછી અશાંત ટેરવાને શાંત કરવા તેણે કોઈક કામના બહાના હેઠળ પોતાના ઓરડામાં બોલાવી જ લીધી. ‘શું થયું સાહેબ?’ પૂછતી એ જેવી અંદર આવી કે તેણે તેની સાડી જ ખેંચી લીધી. હેબતાઈ ગયેલી એણે બૂમ પાડી કે તરત ગુપ્તાએ એનું મોં જ દાબી દીધું : ‘જાણે કોઈ કરોડપતિની બાયડી હોય એવો દમ દેખાડે છે ને તું તો! એક તો નથ્થુડાની વહુ અને તોર તો સાતમા આસમાને! બે ઘડીમાં શું બગડી જવાનું હતું તારું? એક તો સાહેબ થઈને તને વિનંતી કરું છું, તાબે ના થઈ તો કંઈ નંઈ, પણ આ છેડતીવાળી વાત અહીં કોઈનેય ના કરતી.’ ગુપ્તાએ પેન્ટના ખિસ્સામાં હાથ નાંખ્યો અને નીકળ્યા એટલા બધા રૂપિયા એની સામે ધરી દીધા, તો ય એને અડકવું તો દૂર, એણે એ તરફ જોયું ય નહીં. ગુપ્તા ધૂંધવાઈ ઊઠ્યો હતો : ‘સાલી બે કોડીની થઈને... ફેંકીને નીકળી ગઈ? આટલા સામટા રૂપિયા બાપજન્મારામાંય જોયા નહીં હોય તો ય...’ અત્યારે ગુપ્તાના મનમાં એક જ વાક્ય ઘોળાતું રહ્યું : જરાક જલ્દી કરી નાંખ્યું. બાકી તો.... મિસિસ શાહે બધાને ‘ઑફિસે પણ જવાનું છે આજે, હોં!’ કહીને સવેળા ઊઠવા સંકેત કર્યો. – ‘ભાઈ, આજે તો છાપું ઑફિસમાં જ જોઈ લેવું પડશે, જતાંવેંત જ.’ – ‘નથ્થુડાએ તો બહુ કરી.’ – ‘સવાર બગાડી, સાલાએ.’ – ‘...પણ નથ્થુડાની વહુને પાંચ-પચ્ચીસની મદદ કરવી જોઈએ... ક્યારેક.’ અગ્રવાલે ઊભા થતાં થતાં કહ્યું. ગુપ્તા વચ્ચે જ બોલ્યા : ‘એમ માનીને જ કામ પર રાખી હતી થોડા દિવસ પહેલાં, પણ કોઈક કારણોસર એને ના ફાવ્યું. પછી. તો દેખાઈ જ નહીં. ખોટું શું કામ બોલવું? બાપડીએ ના સામે ચાલીને રૂપિયા માગ્યા, ના નથ્થુ લેવા આવ્યો.’ – ‘ખરું કહો છો, ગુપ્તાજી. એક વાર મેંય એને રૂપિયા લેવા બોલાવી હતી પણ એક રૂપિયોય ન અડકી.’ ગુપ્તા પટેલને તાકી રહ્યો. પટેલ નીચું જોઈ ગયો અને તરત બેનર્જી સામે જોઈને બોલ્યો : – ‘ઊલ્ટું નથ્થુને ભેરવતી હતી કે રૉયલ પાર્કના એક પણ હરામીનો વધારાનો રૂપિયો લાવતો નંઈ.’ – ‘લે, સાલી આપણને ગાળ દઈ ગઈ.’ – ‘ધરમ કરતાં ધાડ પાડે તે આનું નામ....’ – ‘છોડ ને, આવ્યું ને ભોગવવાનું આખરે? ક્યાં જશે હવે?’ મહેતાએ આળસ મરડી. – ‘નથ્થુએ ઝેર પીધું તે કંઈ બ્રાન્ડેડ તો નહીં જ પીધું હોય...! એ સાવ ચાલુ જ ચડાવ્યું હશે...’ – ‘પણ ઓત્તારી! એ તો ગુણવત્તાવાળું નીકળ્યું!!’ – ‘ચીજવસ્તુઓનું ધોરણ સુધરી ગયું લાગે છે.’ – ‘હા...હા...હા....’ બેનર્જીનો કૂતરો પોતાની જગ્યા પર જ ગોળ ગોળ ફર્યો, એ જોર જોરથી હાંફતો હતો. એણે બધા સામે જોયું. જીભ બહાર કાઢી, થોડી લાળ દદડી. એકાએક ત્યાં ઊભેલાના પગ સૂંઘવા લાગ્યો અને એણે ભસવું શરૂ કર્યું...!!