પન્ના ત્રિવેદીની વાર્તાઓ/વચલી મેડી: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વચલી મેડી|}} {{Poem2Open}} તો પણ ચંદને સાસુની તેજ ફટકારને સાંભળી ન સ...") |
(No difference)
|
Revision as of 10:47, 23 March 2022
તો પણ ચંદને સાસુની તેજ ફટકારને સાંભળી ન સાંભળી કરી, પાછલી બારી ખોલી નાખી. સાસુ, કે જેને સહુ બાજી કહેતા હતાં, એ ક્યાંય સુધી કઉં કઉં કરતી રહી : ‘કમજાત, ખબર પણ છે તને? મધ બેઠું છે બારી ઉપરે, હા, હજારવાર ભસી છું તે ખબર તો હોય જ ને, તો ય જાણી જોઈને ખોલી એ બારી? કોઈક અળવીતરો કાંકરીચાળો કરશે કે ગલીના છોકરાઓનો દડો ક્યાંક ઊછળીને પડશે તો છંછેડાયેલી માખીઓ મેડીની મઈ ભરાઈ પડશે. હાય મારા ફૂટ્યા ભાગ... રાંડ, તું તો એમ જ ઇચ્છે છે ને કે બાજી મરી જાય... ખંજવાળી ખંજવાળીને લાલ ટેટી થઈ જાય... ઓ મા... આ છાપરીવાળી કંઈ કાળ ઘડીએ ભટકાઈ’તી મારા છોકરાને તે એનો તો જીવ લીધો ને હવે મારો લેવા બેઠી છે!’ ખાંસતી-છીંકતી, મોં મચકોડતી બાજી ખૂલેલી બારી તરફ બે ઘડી તાકી રહી અને પછી એકદમ મૂંગી થઈ ગઈ. નાક પર હાથ મૂકીને ચંદન ધીમેથી હસી, હસતી વખતે ચંદન તેના નાકને ઢાંકી દેતી. બાજી ભાંડવામાં ખેલાડી હતી અને ચંદન સાંભળવાની આદી. વાત એમ હતી કે બાજીનો મોટો છોકરો સાડીનાં પોટલાં બાંધી ફેરી કરતો. આસપાસનાં કેટલાંક ગામોમાં હજી બાપના વખતનાં ગણ્યાગાંઠયાં બાંધેલાં ઘરાકો હતાં ત્યાં કોઈક ગામે છાપરાંવાળા, નાનકડા ઘરમાં રહેતી ચંદન પર એ મોહી પડેલો. બાજીએ કચવાતા મને હા પાડેલી અને પરણીને ઘેર લઈ આવેલો એટલે બાજી ઘણીવાર ગુસ્સામાં તેને છાપરીવાળી કહીને બોલાવતાં, આમ કહી નાખીને ચંદનને તેની હેસિયત દેખાડી દીધાનો અપાર આનંદ તેમના મોં પર ફરી વળતો. ‘હાય હાય લે, તુંય ખરી ને ભાભી, મધ બેઠું છે એ બાજુ, ને તોય તે બારી ખોલી નાખી?’ કહીને ચંદનની નટખટ નણંદ બિંદુ ખડખડાટ હસી. આ ‘હાય હાય’ તેનો તકિયા-કલામ હતો. તેની મોટા ભાગની વાતો ‘હાય હાય’થી શરૂ થતી : ‘બાજીની આંખ જોેઈને બિચારી મધમાખીઓ થથરી થથરીને જ મરી જશે ને નંઈ મરે એ બધી પૂડામાંથી પડતું મૂકીને આપધાતે મરશે... હી.... હી.... હી... પણ બાજી, સારું જ થયું ને કે ભાભીએ બારી ખોલી નાખી, એ બધીઓ પણ એકવાર જોઈ લે કે એમના ડંખથીય ખતરનાક આ બાજીનો ડંખ છે. બધો ય મદ ઊતરી જશે પૂડામાં ને પૂડામાં અમનો... હી હી... હી...’ ‘પેટની જણી થઈને છાતીએ મગ દળવા બેઠી છે કમજાત કંઈની! મરી આ છાપરીવાળીની વાદે ચાલીશ તો લૂલી કરી નાખીશ જીભડી તારી... હમણાં હમણાંનું બહુ જોર વધ્યું છે, એનો મરીને ગ્યો ને તારો જીવતેજીવત ગ્યો... બે વરહથી મૂકી ગ્યો મારે માથે ને હવે તેડાવવાનું નામ નથી લેતો મૂઓ... છોડી દીધી તોય કદી ફૂટ્યા ભાગના નામે બે આંસુડાં ય નથી સારતી કમજાત, ઉપરથી હસવું આવે છે વંતરીને. ચલ જા, માર ઝાડુ-પોતાં! બે બટન ટાંકતાં જોર આવે, ફોલ બેહાડવાનું શીખતાં જોર આવે... આઘી મર!’ બાજી માથામાં ઊંડે ઊંડે સુધી આંગળીઓ ખોસીને ખંજવાળવા જતી’તી ત્યાં એની નજર ખુલ્લી બારી તરફ ગઈ કે તરત એણે આંગળીઓ કાઢી લઈ આગળથી વાળ સરખા કરી લીધા. ‘હાય હાય લે, છોડી દીધી તો શું થ્યું? બલા ટળી! જાન બચી સો લાખો પાયે. અઈ કોણ મરતું’તું એની સાથે જીવવા? ને બાજી, ગલી આખીય જાણે તારી જીભડી કેટલી લાંબી ને કાળી છે, તારી ગાળો વિના ન તો અમારો દિન ઊગે ન દિન આથમે...’ ગઈકાલે જ નવા ખરીદી લાવેલા પચાસ રૂપિયાવાળા અરીસાને બારી પાસેની ખીંટીએ લટકાવતી બિંદુ બોલી ગઈ. પીગળી ગયેલી લિપસ્ટિકને સહેજ આંગળીના ટેરવે લઈને હોઠે ફેરવી. બંને હોઠ દાબી રાખી લાલી એકસરખી કરી લીધી ને પછી ઓળેલા વાળમાં અંદર દબાઈ ગયેલી અડધી લટને બહાર કાઢી પોતાને અરીસામાં જોઈ રહી. ‘રાત દિવસ બસ છછુંદરીઓના ચોંચલાવેડા... ઘમ્મરઘોડો આખા ઘરમાં ચોગડધમ ફર્યા જ કરે! મૂઈ પાછી મા પર પડી છે, બાપ પર પડી હોત તો કંઈ ફિકર નો’તી. કોઈએ જોનારું ના હોત ડાચા ભણી, તાવડી જેવો રંગ લઈ ફરતી હોત... પણ મરી જ્યારે જુઓ ત્યારે લાલી-પાવડર... લટર-પટર... કોના વાસ્તે? ભવાં ચઢાવી બાજી બિંદુને તૈયાર થતી તાકી રહી. ‘હાય હાય... જાણે તું તો મને મોલમાંથી લેકમે રેવલનની લાલી અપાવતી હોય ને હું ઘરમાં લગાડી લગાડી રગડી નાખતી હોય એવું કરે છે! એક તો દસ વીસ રૂપિયાવાળી સસ્તી લાલી ઘસીએ એમાંય તું તો લાલ-પીળી...ને બેઠી બેઠી પાછી મારા ગોરા રંગ પર અપશુકનિયાળ નજર લગાડતી રહે છે! અરે, હું તો તારા કાળા પડવાની રાહ જોઉં છું, જવા દે હજી થોડાં દા’ડા કે વરસો... લોહી મરવા લાગશે ને ડાચું કાળું પડતું જશે પછી પૂછીશ કે કેવો હોય તાવડીનો રંગ...’ બિંદુ સહેજ ગુસ્સામાં બોલી ગઈ. ‘કાળું પડે તારી હાહુનું. બોલી મોટી!...એં.....તારી ઉંમરની હતી ને ત્યારે આ મો..ટી મો..ટી આંખોમાં આ...મ... મેંશ આંજું ને ગલીનું લોક બહાર...કાચ જેવી કાયા હતી તારી બાજીની! કેટલાં જતન કરવા પડતાં’તા તારા બાપાને મને હાચવવા ને તો ય...’ સામી બારીએ તાકતી સહેજ લજ્જાના ભાવ સાથે બાજી બેધ્યાનપણે નરમાશથી બોલી. પણ બીજી જ ક્ષણે રુક્ષતા લાવી કહ્યું : ‘ચલ જા, પહેલા દહીં વઘારી નાખ. રોટલી ને દહીં...’ પણ વળી તરત જ બિંદુને રોકતી તે ચંદન સામે જોઈને બોલી : ‘છોડ, ફૂવડ કંઈની... મૂઈમાં કશો ય ભઠિયો નથી... દહીંના ફોદાનું પાણી કરી મેલશે તો એક ટંકમાંથી ય રઝળીશું. જા, ચલ તો ચંદી, તું ઊઠ... ફોલ પછી મૂકજે.’ ચંદન અડધા ફોલે ઊભી થઈ ગઈ. થાળી બાજુમાં મૂકી અને સોય દેખાય તેમ ઉપર ખોસીને સાચવીને સાડી બાજુના ખૂણે મૂકી. પણ તેના મનના ખૂણે મા-દીકરીની વાતો ચાલતી હતી. ચંદને જોયેલું કે જ્યારે તેની આંખો બારીબહાર જોતી હતી ત્યારે બાજીની અને બિંદુની આંખો પણ બારીબહાર લટાર મારતી હતી. પહેલાં બાજી આગલી બારીએ બેસી રહેતી પણ એકાએક તેણે બિંદુની મદદ લઈ તેની સેટી પાછલી બારી આગળ મુકાવી દીધી. સફેદ ચાદર કાઢી, નવી ફૂલોવાળી ચાદર પાથરી દઈને એવી નિરાંત જીવે બેઠી કે જાણે હવે મેડીએ સાચુકલાં ફૂલોની કાયમની મઘમઘ રહેવાની હોય... આખી ગલીમાં એક બાજીનું જ ઘર હતું જે બીજાં બધાં ઘર કરતાં અલગ પડી જતું. કેમકે ગલીનાં બાકી ધરોને વધારેમાં વધારે બે મેડીઓ હતી પણ બાજીનું ઘર તો ત્રણ મેડીઓવાળું હતું અને દરેક મેડીની ત્રણેય બાજુએ ઝરૂખા જેવી મોટી મોટી બારીઓ પડતી હતી. એક બારીમાંથી બજારની ધમાધમી દેખાતી, બીજી બાજુની બારીમાંથી લીલાના ઘરની ધબાધબી દેખાતી હતી અને ત્રીજી બારી જે પાછલી બાજુએ પડતી હતી તેની સામેના ઘરમાં યશપાલની વિધવા રહેતી હતી. બાજીને તે દીઠી નહોતી ગમતી. યશપાલ જીવતો હતો ત્યાં સુધી બંને ઘરો વચ્ચે એવો ઘરોબો હતો કે કોઈ અજાણ્યું તો આંખ મીંચીને એમ જ કહે કે આ બે ઘરો નહીં પણ એક જ ઘર છે. જો કે યશપાલની વહુને તે વખતે પણ બાજી આંખના કણાની જેમ ખૂંચતી; પણ યશપાલનો કડ૫ જોઈ, ગમ ખાઈ જતી... જોકે, જ્યારે યશપાલ મરી ગયો ત્યારે બાજી પણ અંદરથી બીજી વારની મરી ગયેલી. યશપાલનને એક છોકરો હતો, સુનિલ; જે બાપના મૃત્યુ પછી બીજા શહેરમાં ભણવા જતો રહ્યો. કેટલાંય વરસો સુધી એને ગલીના એના ઘરમાં આવતા કોઈએ જોયો નહોતો પણ છેલ્લા થોડા દિવસોથી એ ઘરમાં પાછો ફર્યો હતો. હવા જ કૈંક જુદી વહેતી હતી અને વચલી મેડીની આંખો હવે એકમેકના ઝરૂખે બેરોકટોક આવ-જા કરી લેતી હતી. જમી-પરવારીને ચંદન ફરીથી અધૂરો ફોલ મૂકવા બેઠી ત્યારે પણ બિંદુએ ચંદનનો હાથ પકડી, ઉઠાડી દઈ બારી તરફ ખેંચી જતી બોલી : ‘હાય હાય... જો ને ભાભી... આ માખીઓ તો ઊડવાનું નામ જ નથી લેતી! મને એમ કે...પણ જો ને, એ તો મધપૂડો વધારતી ને વધારતી જ જાય છે...’ ‘...તે વધારતી જ જાય ને, મધ ક્યાં ઠાલવે બિયારી!’ ચંદન એક નિઃશ્વાસ સાથે ધીમેથી બોલી. તેણે પાછળ વળીને જોયું કે બાજીનું ધ્યાન સોપારી કાપવામાં લાગેલું હતું. તેણે જલદી જલદી બારીબહાર સહેજ આગળની તરફ ઝૂકીને તાજી હવા લેવાનો પ્રયાસ કરી લીધો. આંખ મીંચીને એક ક્ષણ સુખનો અનુભવ કર્યો અને બીજી જ ક્ષણે ખોલી ત્યાં તો લજ્જા અને ભયની મારી તેની નજર ઢળી ગઈ. એકાએક તેને ખ્યાલ આવ્યો કે બિંદુ બોલતાં બોલતાં અટકી પડી છે. ચંદને જોવું બિંદુની આંખો સામી બારીના ચહેરાને તાકતી હતી. સામી બારીની આંખો પણ તેમની બારી તરફ જડાયેલી હતી. ચંદન પાછી અંદર વળતી’તી ત્યાં જ બિંદુએ કોણી મારતાં, આંખ નચાવતાં કહ્યું : ‘તાજી હવા આવી ને? કેવી લાગી?’ બિંદુના આવા નખરાળા સવાલથી ચંદન ફફડી ગઈ – બાજીનું ફટકે તો અહીંથી જ ફેંકી દે નીચે! તેણે બિંદુને અંદર તરફ ખેંચી. પણ બંને આંખો-આંખોમાં જોઈ, ક્યાંય સુધી મોં દબાવી હસતા રહ્યાં. સોપારી કાપતી બાજીની આંખ માખીની જેમ એ લોકો પર જ ફરફરતી હતી : ‘મરેલીઓ, આ બાજુ આવો તો જરી. કોણ હગલો ઊભો છે તમારો..? ચલ બિંદી, બયડે બામ ઘસી આલ...એય છાપરીવાળી, ધંધોપાણી ખોટી ના કર...ચલ બેસી જા હંચે...ને માંડ સીવવા...લીલકીના કબ્જાની જોડાજોડ એક-બે મારા ય કબ્જા સીવી દેજે.’ ચંદન બાજીની સામે જોઈ રહી. કેમ કે તે જાણતી હતી કે સસરાના મર્યા પછી બાજી સફેદ રંગનાં જ કપડાં પહેરતી હતી, જોકે હમણાં હમણાંનું એમાં સહેજ છૂટ લઈને તેમણે પહેલાં આછો ક્રીમ રંગ અને પછી આછા આછા રંગો પણ અંગે પહેરવા-ઓઢવા માંડ્યા હતા. ‘આછા રંગનું કાપડ બજારમાંથી...’ ચંદન સહેજ બીતાં બીતાં બોલી ત્યાં જ અડધેથી સોપારીના વધારે ઝીણા ઝીણા કટકા કરતી તે બોલી : ‘તે લે, આ શું પડ્યું?’ ચંદને બાજુના કાપડના ઢગલામાંથી બાજીની આંખ જે બતાવતી હતી તે કાપડ નજર કરી ત્યારે તેની આંખ વધારે પહોળી થઈ ગઈ. વધારાની કાપેલી સોપારીઓ દાબડીમાં ભરતી બાજી બોલી : ‘ગુલાબી ને ફૂલગુલાબી... મોયું.... ઠઠાડવાનું જ કામ છે ને!...ને આમ આંખ ફાડી ફાડીને શું જુએ છે મને? તારા બાપના ઘરના ચીંથરામાંથી કબજો બનાવવાનું નથી કે’તી...’ ચંદન મૂંગા મોંએ કાપડ વેતરવા માંડી. બાજી પંચાવનની આસપાસની હતી, પણ જોર હજીય પચ્ચીસનું લાગતું હતું. અક્કડ હજી તેના કરોડરજ્જુની જેમ સીધીસટ હતી. બાજી પરણીને આવી ત્યારે ત્રણ મેડીઓવાળા એના ધણીના પૂર્વજોના ‘હવેલી’ જેવા ઘરમાં રૂઆબ ખંખેરતી હતી. એ ઘર એના ધણીને એના બાપદાદાના વારસામાં મળેલું. મિલકતના નામે આ એક ઘર જ હતું. હવે તો એ પણ ખખડી ગયું હતું. મેડીના ટેકા પડું પડું થતા ઊભા હતા. પહેલાં, બાજીના વરની બજારમાં સાડીઓની એક નાની દુકાન હતી પણ કોઈ તોફાનના છમકલામાં બીજી દુકાનો સાથે તેની દુકાન પણ બળી ગયેલી. તે દિવસથી એનો ધણી ધંધામાં કદી બેઠો થઈ શકેલો નહીં. આસપાસના ગામોમાં ફેરી કરતો. ત્રણ છોકરા ને એક છોકરી મૂકી, બહુ નાની ઉંમરે મરી ગયો. મોટા છોકરાએ બાપની ફેરીની જવાબદારી લઈ લીધેલી. બીજા બે છોકરામાંથી એકે ય સરખું ભણ્યા નહીં. એટલે અલાયદું ઘર લઈને રહી શકે એવું કોઈનું ગજું નહોતું. બાજીએ ત્રણેય છોકરાઓની વહુઓ માટે કેટલીય માનતા-બાધા રાખેલી કે ત્રણેય છોકરાઓ માટે આવી મેડીઓવાળી વહુઓ આવે. મંદિરોના ઓટલે માથું ઘસી ઘસીને કપાળ ઘસી નાખ્યું. પણ ત્રણેયે તેની આશા પર ઠંડી રાખ પાથરી દીધી. મોટો નબાપી છાપરીવાળીને લઈ આવ્યો હતો, વચલા અને નાના માટે ખૂબ શોધ કરી પણ છેવટે લૂગડાં-વાસણ લઈને ચાલી આવેલી વહુઓ મળી. વચલાની વહુ તડફડ કરી નાખતી એટલે બાજીએ ઉપરની મેડીમાં તેને જુદી કાઢી. હજી વરસ દા’ડો જેટલો સમય થયો હતો તેને ઘેર ઘોડિયું બંધાયે, પણ બાજી ન એના છોકરાને હુલાવતી; ન કદી કેડે નાખી વહાલ ઠાલવતી. કહેનારાં તો બાજી માટે કહેતા, મરદ બનાવતાં બનાવતાં ભગવાનથી ભૂલ ભૂલમાં બઈ બની ગઈ હશે. તેના ચહેરા પર હંમેશાં એક માથાભારે આદમીની તુમાખી પથરાયેલી રહેતી. નાનો છોકરો તો પહેલેથી જ એના મિજાજની હોડમાં ઊતર્યો હોય એવી તુંડમિજાજી હતો. નાનાને હાથે મીંઢળ બાંધે હજી પૂરા છ મહિના પણ નહોતા થયા કે નવીએ પણ ઘોંઘાટ મચાવવો શરૂ કર્યો હતો, એટલે નીચલી મેડી નાનાને આપી જુદિયારો બાંધી લીધો, મેડી પર ચઢવાના દાદર બહાર – જમણી બાજુએ એક લીટીએ હતા. જૂની ઢબની મેડીની છતો ઊંચી ઊંચી હતી... બાજી, વિધવા વહુ ચંદન અને પાછી દીકરી બિંદુ આ ત્રણેય સ્ત્રીઓ વચલી મેડીએ બાકી રહેલા દિવસો ગણતી હતી. બાજીનો કડપ ક્યાં કોઈથી છાનો હતો? ગલીનું લોક તો દાદર ચઢતાં જ થર થર કાંપતું. ચંદનની દયા ખાઈને એને કામ આપી જતાં; બાકી બાજીના નામે નીચે ઊતરીને થૂંકી નાખતાં. બાજી મેડીએ હોય ત્યારે તો વચલી મેડી અકારણ શ્વાસની હવાથી પણ કંપ્યા કરતી, ને પાછી હિસાબની તે એકદમ પાક્કી હતી. મોટા છોકરાના મરી ગયા પછી ચંદનને સિલાઈકામનો કોર્સ કરાવેલો, પઈએ પઈ એની વસૂલાત કરી કરી લીધી હતી. ઉપરથી રોજનો ચૂલો ચંદને સિવેલા કપડાંના રૂપિયાની આવકથી સળગાવતી. આડકતરી રીતે વચલા અને નાના છોકરા પાસેથી મેડીમાં રહેવાના ભાડા પેટે હાથ લાગ્યા રૂપિયા બેધડક માગી લેતી. એ રૂપિયા એક દાબડીમાં સંતાડી રાખી, ઉપર નાગણની જેમ ફૂંફાડા મારતી બેસી રહેતી. તે વિચાર્યા કરતી : કોઈ ઘડપણ ઉગારે ના ઉગારે... એકાએક કોઈકના દાદર ચઢવાનો અવાજ સંભળાયો. છએે આંખો દરવાજા તરફ મંડાઈ રહી, બિંદી બારણાંં નજીક હતી, પણ બાજીએ ચંદનને જ કહ્યું : ‘જા, ચંદી, ખોલ જોય બારણું...’ ચંદને બારણું ખોલ્યું. સુનિલ ઊભો હતો. એક સન્નાટો છવાઈ ગયો. જાણે દુશ્મનની છાવણીમાંથી શત્રુ સામે ચાલીને શરણાગતિ સ્વીકારીને સંધિ કરવા આવ્યો હતો. બાજીની તલવાર જેવી તીક્ષ્ણ આંખો સુનિલના ચહેરા પર ક્યાંય સુધી ફરતી રહી. પિત્તળની બંગડીની ખનકથી બાજીને એકદમ ધ્યાનમાં આવ્યું કે ચંદન હજી દરવાજે જ ઊભી છે. તે તરત તાડૂકી : ‘ચલ મૂઈ, પારકા આદમીઓ સામે આમ ખોડાઈ રહેવાનું? ... આદમી જોયો નથી કે...’ ને પછી સુનિલ તરફ જોઈને બોલી : ‘કેમ આવ્યો છે અહીં? શું લેવા? તારી માને પૂછીને આવ્યો?’ સુનિલ મંદ મંદ હસ્યો : ‘માને શું કામ વાંધો હોય? કેમ, ના આવી શકું તમારે ઘેર?’ બાજી જાણે ભોંઠી પડી ગઈ – અદ્દલ યશપાલ જેવો જ ચહેરો-મહોરો ને હસવું પણ... ‘પિવડાવ પાણી યશપાલના છોકરાને...’ બાજી એ રીતે બોલી કે જાણે ભવોભવનું કોઈ વેર વાળવાનું હોય! ચંદન પાણીનો ગ્લાસ ભરી લાવી. ત્યાં જ બાજીના મનમાં શું આવ્યું કે તેણે એકદમ ચંદનને રોકીને કહ્યું : ‘તું નહીં, ચલ ઊઠ બિંદી, ચંદીના હાથમાંથી ગ્લાસ લઈ લે તો! બધું કામ બિચારી ચંદીના હાથે જ કરવાનું? આ તારી નાજુક આંગળીઓને વેલીઓ શા કામની?’ બિંદુ ઉતાવળે પાણી લઈને સુનિલની તરફ ગઈ. પાણી પીધાની ઠંડક બાજીની આંખમાં દેખાઈ. બાજી હજી ટગર ટગર સુનિલના મોંને તાકતી બેઠી હતી. તેની અંદર રહી રહીને એ જ શબ્દો ઘૂંટાતા હતા – યશપાલનો છોકરો. લજ્જાથી તેની આંખો ભોંય તરફ જોઈ રહી. જાણે સામે યશપાલ બેઠો હોય. એ દિવસ ઘણી વાતો થઈ. બાજી વરસોનાં જૂના પોપડાં ઊખેડી ઊખેડી કોઈ કારણ વગર સુનિલની માને ક્યાંય સુધી ભાંડતી રહી. ને પાછી ઉમળકાભેર ભાતભાતની આગતાસ્વાગતા કરતી રહી. બાજીની અંદરનું જોમ બેવડાઈ ગયું જાણે : ‘ખાંજરે જાય તારી મા... કર્યું તો કર્યું, કંઈ એક હાથે તો તાળી નહોતી વાગી!... પણ તને નહીં સમજાય એ બધી વાતો. હવે કોઈને વે’વાર જ ના રાખવો હોય તો જીભ ખેંચાવી ખેંચાવી થોડું જ કોઈ બોલાવી શકે? ગમે તેમ તો ય તું તો યશપાલનો છોકરો! બાપ પર ગયો છે તે અકલમંદ છે. બાકી તારી મા તો...પહેલો સગો તે પાડોશી પણ તારી મા મૂઈને કોણ સમજાવે? જવા દે... અહીં કોને એની પડી જ છે તે! તારો બાપ ગયો કે બધું ગયું...’ બાજીએ એક ઊંડો નિશ્વાસ નાંખ્યો. બાજીની બાજ નજરે જોયું કે બિંદુ સુનિલને એકધારું તાકતી બેઠી હતી. તેને એવું લાગ્યું કે જાણે એ બિંદુ નહોતી પણ જુવાનીના દિવસોવાળી પોતે બેઠી હતી અને સામે સુનિલ નહીં પણ યશપાલ બેઠો છે. બાજીના હોઠ પર સહેજ મલકાટ પથરાઈ ગયો. તેણે તરત જ સુનિલને કહ્યું : ‘જો, બેરોકટોક આવતો જતો રહેજે. બાજીએ કહી દીધું કે ખલાસ... હવે બારીએ ઊભા રહેવાની જરૂર નથી. વચલી મેડીનો દાદરો સડસડાટ ચઢી જવાનો!’ જાણે ચોરી પકડાઈ ગઈ હોય એમ ક્ષોભના માર્યો સુનિલ નીચું જોઈ ગયો. બાજી ખડખડાટ હસી પડી. એક ખૂણે, ચંદન જૂનાં છાપાં પર કાપડ મૂકીને બ્લાઉઝનું કટિંગ કરતી હતી. તેની આંગળીઓ કાપડ પર ફરતી હતી. સાદું, રૂબિયાનું કાપડ હતું તોય જાણે મખમલનું હોય એવું એને લાગ્યું. ક્યાંય સુધી એ કાપડ પર પોતાની આંગળીઓ ફેરવતી રહી. એ પછી સુનિલ દિવસમાં એકવાર તો વચલી મેડીનો દાદર ચઢી લેતો. તેના આવવાથી વચલી મેડી રણકવા લાગી. મેડીની હવડ હવા ક્યાંય ગાયબ થઈ ગઈ હતી. તાજી હવાથી મેડી નવી નવી લાગતી હતી. સુનિલ આવતો ત્યારે બાજીની જીભ પરનું વખ ક્યાંય ઊડી જતું. ચાદર પરનાં ફૂલોની કોમળતા જાણે તેનાં અંગ અંગમાં ભરાઈ જતી. તેની જીભ પરથી આગ નહીં પણ ફૂલ ઝરી પડતાં. વાતો કરતી વખતે તે આખેઆખી ખીલી ઊઠતી. બિંદુના ઠહાકા, નખરાં અને સાજ-શણગાર વધી ગયાં હતાં અને ચંદનની કલાઈ પરની પિત્તળની બંગડીઓ વાતો કરી લેતી હતી કે ક્યારેક ગીતો ગણગણી લેતી હતી. પણ એક રાત એવી પણ આવી કે વચલી મેડી આખી રાત જાગતી રહી. ઉપલી મેડીમાંથી ટાબરાનો રડવાનો અવાજ સંભળાતો હતો અને નીચલી મેડી બહાર નાનાની વહુનું હાસ્ય દાદર ચઢીને છેક ઉપર ચંદનના કાનમાં રેડાતું હતું. ચંદન યાદ કરવા મથી રહી કે છેલ્લે પોતે આ રીતનું ક્યારે હસી હતી. અવાજ હવે વધારે ચોખ્ખો સંભળાતો હતો – છોડો ને...ખરા છો! શું કરો છો?..કોઈ જોઈ જશે..હી... હી... હી..અહીં બહાર જ ખુલ્લેઆમ... બેશરમ...હી હી હી.. ચંદન પડખું ફરી ગઈ. નાના છોકરાના રડવાનો અવાજ વધારે જોરથી આવ્યો. ચંદનનો હાથ તેના પેટ પર ફરવા લાગ્યો. જાણે નાના નાના પગ લાત મારી તેની સાથે વાતો કરતા હતા. પણ બીજી જ પળે સાત પાતાળનો ખાલીપો પેટમાં ઠલવાઈ ગયો હોય એવું લાગ્યું. ચંદનની આંખો ભીની ભીની થઈ ગઈ. બિંદુ જાગતી હતી. પણ બાજી પરાણે આંખ મીંચીને પડી રહી. બિંદુએ સહેજ વહાલથી ચંદનનો હાથ પકડ્યો અને ફૂસફૂસાતા અવાજે કહ્યું : ‘હાય હાય લે, તુંય જાગે છે ભાભી? બેશરમી સાંભળી?’ બોલીને બિંદુ મોંમાં ચાદરનો ખૂણો ઠૂંસી હસી. ચંદને જોરથી હાથ દાબીને કહ્યું : ‘સૂઈ જાવ. બાજી જાગશે તો...’ બિંદુએ બેઠાં થઈને ખાતરી કરી. બાજીની આંખો મીંચાયેલી હતી. તે ઘસઘસાટ ઊંઘતી હોય એવું લાગ્યું : ‘ના રે... બાજી તો ઘોરે છે. તે હેં ભાભી, સુનિલ કેવો લાગે છે તમને?’ અડધી રાત્રે આવા અણધાર્યા સવાલથી ચંદન અવાક્ થઈ ગઈ. વાત ઉડાવી દેતી તે બોલી : ‘કેવો એટલે કેવો?’ બિંદુએ સહેજ લટકા સાથે કાનમાં કહ્યું : ‘કેવો એટલે...એવો કે...’ બરાબર એ ટાણે બાજીનો ખોંખારો આવ્યો કે બિંદુ અડધી વાતે જ આંખ મીંચીને ઊંઘવાનો ડોળ કરતી પડી રહી. ચંદન હેબતાઈ ગઈ. બાજીની આંખમાં પણ ક્યાં ઊંઘ હતી? બિંદીની રગેરગને પારખતી’તી. રોજ રોજ નિરાંત જીવે જાગતી-ઊંઘરેટી આંખોથી અરીસામાં જોવાને બહાને બહાને સામે તાકતી, આંખોને ઉલાળતી બિંદીનો તમાશો જોતી બાજીની આંખ ઠરતી હતી. બીજો કોઈ હોત તો ક્યારનો એને ઢસડીને દાદર પરથી ફેંકી દીધો હોત પણ આ તો યશપાલનો છોકરો! અંધારામાં પણ બિંદુને જોઈને બાજીની આંખોમાં એક ચમક આવી ગઈ. તે એકલી એકલી હસી પડી – મૂઈ, અદ્દલ મા પર જ પડી છે! પણ બીજી જ સવારે વચલી મેડી રોજની જેમ શ્વાસ નહોતી લેતી. એ દિવસે બારીમાંથી અંદર આવેલો અજાણ્યો તડકો કોઈ જુદા જ સૂરજનો હતો. ચંદનના બોલે વચલી મેડી ધ્રૂજી ઊઠી. – ‘બાજી, એ લેવા આવે છે હમણાં.’ વાંકા વળીને બાજીના ચરણસ્પર્શ કરતી ચંદન ઊભી રહી : ‘એ...સુનિલ...’ બાજી ખોડાઈ ગઈ. તેની અવાક્ આંખો ચંદનના હસું-હસું થતા મોંને જોઈ રહી. બાજી ફૂટી પડી : ‘કુલટા... છાપરીમાંથી મેડીએ લાવ્યો મારો છોકરો, ને મેડી પર જ કલંક લગાડતા જીવ કેમનો ચાલ્યો તારો પાપણી? શું નથી કર્યું તારા માટે? બીજી કોઈ હોય તો દાદર ના ઊતરવા દીધો હોત. ગોંધી રાખી હોત મઈ... પણ તને સીવવાના ક્લાસ કરાવ્યા કે રંડાપે તારો બુઢાપો ના બગડે. કોઈ પાણી પાનારું હોય કે નહીં એમ વિચારીને, ને...’ – ‘બીજી કોઈ હોત તો કાતરથી વેતરી નાખી હોત તમારી જીભ! ને કઈ મેડીની વાત કરો છો તમે? જીવતેજીવત માણસ અવગતિયો બનીને ભમ્યા કરે એ મેડી? મારી જગ્યાએ બિંદુએ આવું કહ્યું હોત તો તમને એ જ વાતમાં પુણ્ય દેખાયું હોત! છતે ધણીએ બીજે જાત તો ય ...ને મેં તો લૂગડાં સીવી સીવી આંખ ફોડી ફોડી પેટ ભર્યું છે તમારું.’ – ‘લે, હાય હાય... ભાભી તો પેટની કેટલી ઊંડી નીકળી...? મેં તો આખું પેટ ઉલેચીને દેખાડી દીધું ને એણે તો ટેરવું ય ઢાંકેલું રાખ્યું? મને તો એમ કે બાજી તું અમથી અમથી જ...પણ..’ – ‘હા રે બિંદી.. લંગાર લાગશે તારી પછવાડે. ગલીથી લઈને દાદર લગીની...ખોટ છે અહીં આદમીઓની? પણ આ નકટીએ એટલું તો વિચારવું જોઈતું હતું કે મારો છોકરો જીવતો હોત તો.... – ‘તમારો છોકરો જીવતો હતો ત્યારે પણ તેણે મારા સુખનો વિચાર કર્યો હતો અને અત્યારે પણ તેણે મારા સુખનો જ વિચાર કર્યો હોત. સારું થયું કે તમારા પર નહોતો પડ્યો. ને ધાર્યું હોત ને બાજી, રાતના અંધકારમાં ક્યાંય નીકળી ગઈ હોત. પણ એમ મોં ઢાંકીને નહોતું જવું. કહીને જવું હતું, છડેચોક...’ બાજીની આંખમાં અંગારા વરસતા હતાં. તેને લાગ્યું કે એકસામટી હજારો મધમાખીઓ તેને ડંખી રહી છે. વચલી મેડીના મધપૂડામાંથી કોઈક મધ ઉલેચી રહ્યું છે ને ઉલેચનારનો એ હાથ.... બાજી કશું બોલવા જતી હતી ત્યાં જ ચંદને બાજીની નજીક આવીને ધીમેથી પણ મક્કમ અવાજે કહ્યું : ‘આખરે યશપાલનો છોકરો છે. સંતાડીને કશું શું કામ કરે....હેં ને બાજી?’ ચંદન હસી. આ વખતે હસતી વખતે તેનો હાથ નાક પર નહોતો. બિંદુની અવાક્ આંખો બાજીના ઊતરી ગયેલા ચહેરાને તાકી રહી. તેની ભીતર શબ્દો ચોળાતા હતા – તાવડીનો રંગ...