ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પન્નાલાલ પટેલ/પીઠીનું પડીકું: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} પાંજરામાં ઊભેલા એ જુવાન ગુનેગારની લાંબી તપાસ પછી ભાતીગળ રેશ...") |
(No difference)
|
Revision as of 05:13, 18 June 2021
પાંજરામાં ઊભેલા એ જુવાન ગુનેગારની લાંબી તપાસ પછી ભાતીગળ રેશમી (!) રૂમાલે બાંધેલી પોટલી ચીંધતાં ન્યાયાધીશે વળી સવાલ કર્યો: ‘એ તો બધું ઠીક, પણ આ રૂમાલમાં શું બાંધ્યું છે ’બ્યા?’
જુવાન એ પોટલી સામે ક્ષણભર તાકી રહ્યો. ન્યાયાધીશનેય દેખાય એટલા જોરથી શ્વાસ લેતાં જાણે સ્વગત બબડતો હોય તેમ એણે કહ્યું: ‘એ પોટલીની જ તો આ બધી રામાયણ છે, સાહેબ!’
‘પણ એમાં છે શું? પીઠીનું પડીકું, સાહેબ.’
‘ત્યારે તો એમ કે ને કે આ નવાં કપડાં પહેરીને વહેલમાં બેસીને પરણવા જ જતો’તો! ફેર એટલો કે વહેલને બદલે ચાર-બળદિયું ગાડું હતું ને જાનડિયોને બદલે ડાંગર ભરેલા પેલા થેલા હતા. બધા દિવસે જાય એને બદલે તું રાતે જતો’તો. બધા વાજાં વગાડતા જાય ત્યારે તું છાનોમાનો જતો’તો!’
‘જે કો’ એ ખરું સાહેબ!’ જુવાને ચોગમ ઊઠી રહેલા હાસ્ય વચ્ચે કહ્યું. શાંતિ પડતાં એણે જાણે દયાની માંગણી કરી: ‘આપ કો તો આ પીઠીના પડીકાની માંડીને વાત કરું, સાહેબ.’
સામી સરહદના ભાવ ખાવા અનાજની આવી નાનીમોટી ચોરીઓ કંઈ નવાઈની તો ન હતી, પરંતુ આમાં આ પીઠીના પડીકાએ સૌ કોઈ માટે કુતૂહલ જન્માવ્યું.
અને પેલા સરકારી વકીલે – પોલીસ પ્રૉસિક્યૂટરે, ‘અહીં કંઈ ડાયરો ઓછો છે કે તને વાત કહેવાની—’ આવા કંઈક શબ્દો માટે હોઠ ખોલ્યા ન ખોલ્યા ત્યાં તો ન્યાયાધીશે એને રજા આપી: ‘ઠીક છે. પણ જો, જે કહેવું હોય તે ટૂંકમાં જ પતાવજે. નહિ તો પંદર મિનિટથી ઉપર થશે તો આ સાહેબ તને નહિ બોલવા દે
ન્યાયાધીશની લાલબત્તી જુવાન માટે ઊલટાની ઉપકારક નીવડી. માટે જ તો, પોતાના આ પ્રણયકિસ્સા માટે ક્યાંથી શરૂ કરવું ને કયા શબ્દોમાં, કયા સૂરમાં કહેવું વગેરે લપછપમાં ન પડતાં, ટૂંકમાં જ સાહેબ!’ કહીને એણે પાધરું જ કહેવા માંડ્યું ને!?
આ ગયું ચોમાસું, એનું આગલું ને એનાથીય આગળના ચોમાસાની વાત છે સાહેબ.’
અને સાચે જ એની નજર સામે એ મેઘલી સાંજ આબેહૂબ ખડી થઈ રહી; નદી આસપાસનાં ખખડધજ ઝાડ ઉપર જાણે લળીઢળી જતી શ્રાવણની વાદળીઓ, કોઈ ભરી, તો કોઈ ઠાલી, કોઈ વરસતી તો કોઈ વરસ્યા વની! વહી રહેલાં નદીનાં નીર પણ કોઈ નીતર્યાં હતાં તો કોઈ વળી ભૂખરા રંગનાં—
જુવાન ક્ષણેક થંભ્યો ન થંભ્યો ને આગળ ચલાવ્યું: ‘નદીને સામે કાંઠે આખો દન ભાઠોડ ખેડડ્યા પછી દન આથમતા પે’લાં મેં બળદોની ખાંધે હળ ચઢાવ્યું ને ઘેર જવા નીકળ્યો. મારા ગામના ઢોર નદીના સામે કાંઠે નીકળી ગયાં’તાં ને પડોશી ગામનાં ઢોર અડધાં નદીમાં હતાં ને અડધાં આ કાંઠે હતાં. એ વખતે હુંય મારી નેગોળ (બળદોની કાંધે ચઢાવેલું હળ) સાથે કાંઠે જઈ પોંચ્યો, સાહેબ.
‘બેય ગામ છે તો જુદા જુદા રાજમાં, સાહેબ, પણ ચઢવા- ઊતરવાનો આ કેડો ભેગો જ છે. એટલે મને થયું કે આ ઢોર ઊતરી જાય પછી હું નેંગોળ પાણીમાં ઉતારું.
‘પણ સાહેબ, મેં જોયું તો નદીનાં પાણી ચઢતાં’તાં ને પેલા બે ગોવાળોને એનું ભાન કશુંય નો’તું. એમાં છોકરી હતી એ ભરભાદર જુવાન તો ન’તી પણ જોવનાઈને કાંઠે ઊભેલી કે’વાય ખરી, સાહેબ. ને બીજો એક આધેડ માણસ હતો. મને થયું કે હું આમને કહું કે ચઢતું પૂર લાગે છે, માટે ઉતાવળ કરો. ને કહ્યા પછી મેં પણ એમનાં ઢોર હાંકવા લાગ્યાં. પાછળ પેલો આધેડ માણસ પણ ભેંસોને હાંકતો હાંકતો પાણીમાં ઊતર્યો, પણ પેલી છોકરી, સાહેબ—’
સહેજ ગૂંચવાયો ન ગૂંચવાયો ને એણે આગળ ચલાવ્યું: મેં એને ઘણુંય કહ્યું કે, કીકી – એનું નામ કીકલી છે સાહેબ, કે પાણી ચઢી રહ્યાં છે ને તુંય આ ભેંસોનું પૂંછડું પકડીને નીકળી જા પાર, પણ એ તો ઊલટી મને હસવા લાગી. કે’છે, ‘હું તો પાણીમાં માછલી જાય એમ જઈશ, તમે શું કામ ફોગટની મારી લાય કરો છો?’ ’ જુવાનને જરાક સંકોચ થયો અને એટલે જ એણે હાથ જોડતાં કહ્યું: ‘કાંઈ બોલતાં ન આવડે તો માફ કરજો સાહેબ, પણ સાચું કહું છું; એકવડિયા બાંધાની એ હતીય માછલી જેવી!’
‘એટલે મેં કહ્યું, ‘સારું ભાઈ?’ ને મેં તો મારે નેંગોળ પાણીમાં ઉતારી દીધી. જતાં જતાં મેં એને ફેર કહ્યું, ‘અરે ભૂંડી! મારું કહ્યું માન ને મારા આ બળદનું પૂછડું પકડીને હેંડ મારી ભેગી!’
‘પણ આખરે તો અસ્ત્રીની જાત સાહેબ, ન માની તે ન જ માની. એ કાછડો ભીડવા લાગી ને હું મારે આગળ વધ્યો.
‘પણ આગળ તો ઘણો વધ્યો સાહેબ, પણ પાણીની તાણ જોઈને પગ આગળ ને જીવ પાછળ. અડધી નદીએ ગયો ને પેલીએ મેલ્યું પડતું પાણીમાં. શરૂશરૂમાં તો એને તરતી જોઈને હું મારા દોઢડહાપણ ઉપર શરમાઈ ગયો, હોં સાહેબ! પણ અડધે આવી ને– આડે વાયરે જેમ પીછાં ભરેલા મોરની દશા થાય એમ એનીય થવા માંડી. ને પછી તો માંડી તણાવા. મને થયું કે કાં તો અમથી કરતી હોય ને હું એને ઉગારી લેવા દોડું તો કાં તો મારે પછી બનવા વખત આવે.
‘પણ એને તણાતી જોઈ મારો જીવ ન ચાલ્યો ને, ‘બનવા વખત આવે તો આવ ત્યારે,’ આમ કરીને મેં પણ મેલી વે’ણમાં કાયા વે’તી!’
અહીંયાં જુવાને એની જીભને પણ લગભગ વહેતી જ મૂકી દીધી હતી— મુકાઈ ગઈ હતી: ‘ઘડીકમાં તો લગોલગ સાહેબ, એ દુઃખમાંય મારાથી પછી જવાયું: ‘કેમ માછલી! ઘેર આવવું છે કે જવું છે બારોબાર દરિયામાં?’ ત્યાં તો જવાબ આપવાને બદલે એ મને વળગી જ પડી, સાહેબ.
‘પેલી કે’વિતમાં કહ્યું છે કે, ‘મરતું મારે ને ડૂબતું ડુબાડે’ એ હિસાબે હું ચેતતો તો હતો જ, સાહેબ, ને મેં એને ચપ દેતીકને કેડમાંથી પકડીને બગલમાં દબાવી દીધી, ને સાહેબ—’
અહીં એણે જીભને ભલે પકડી લીધી, બાકી ભીતરમાં તો શરણાઈ ચાલુ જ હતી: ‘એ તો ભગવાન જાણે કે હું એને ભીડતો હતો કે મને બાથમાં ઘાલી રહેતી એ ‘માછલી’ મને ભીંસતી હતી! વળી એનીય ખબર ન હતી સાહેબ, કે એ તો પાણી કાપતા મારા અંગનું જ એવડું બળ હતું કે પછી જળદેવતાએ એની તાણ જ ઓછી કરી લીધી હતી!’
વળી એણે આ વાત પણ ન કરી: ‘કાંઠે નીકળ્યા પછીય ઘડીવાર સુધી ન મેં એને છૂટી કરી કે ન એણે મને બાથમાંથી મેલ્યો.’
અને મૂક્યા પછી જે રીતે ઓશિંગણભરી કીકી, એની સામે ટીકી રહી હતી એ તો આ ભરી કોર્ટમાંય જુવાન જાણે આબેહૂબ જોઈ રહ્યો હતો. તો પોતેય ક્યાં એ ભિંજાયેલાં કૂણાં કૂણાં અંગ-પ્રત્યંગ તરફ આંધળો નહોતો બની ગયો? પાણીભર્યાં એ કપડાં ને અંગ જોઈ એવું લાગતું, જાણે પાણી નહિ પણ ભગવાને નરી ‘મોહિની’ છાંટી!
અને એણે ને સાહેબથી અધૂરી મૂકેલી વાત આ રીતે જોડી લીધી: પણ એને કાંઠે ઉતારીને હું જેવો પગ ઉપાડવા જઉં છું એવું જ એણે સ્ટ કરતુંક ને મારું કાંડું પકડી લીધું, કે’છે: ‘આનો બદલો?’
‘આંસુથી ડબડબી ગયેલી એની આંખો જોઈને હુંય ઘડીકભર તો વિચારમાં પડી ગયો, સાહેબ. કાંઠે ચડીને અમને જોતા ને વાત સાંભળતા હોય તેમ પાછળ કાન રાખીને બળદ ઊભા હતા તોય હું એની આગળ જૂઠું બોલ્યો હોં સાહેબ, ‘અરે ભાઈ, તું મેલી દે ને. પેલા બળદ ક્યાંય ભેળણ કરશે કે હળ ભાંગી નાખશે. ને—’
‘આમ મેં એની વાતને ઘણીય રોળી-ટોળી નાખી પણ ન તો એણે મારો હાથ મેલ્યો કે ન મારો છાલ છોડ્યો: ‘ના બસ, આનો બદલો તો તમારે ભાળવો જ પડશે, લખમણ!’
‘ને આમ સાહેબ, નમાજ પઢતાં મસીદ કોટે પડી. મને થયું કે ભાઈ-ભોજાઈઓના પનારે પડેલી આ છોડી મને શું આપવાની છે? ને મારેય સાહેબ—’ અને એનો અવાજ સહેજ થરડાયો ન થરડાયો ને બોલવા લાગ્યો: ‘ને એ જ ઘડીએ સાહેબ, અમે પૂરે ચઢેલી નદીમાતાને કાંઠે ને આથમવા જતા સૂરજ બાવજીની શાખે એકમેકને વચન દીધાં: ‘પૈણીશ તો તને જ, નકર બીજાં બધાં મા ને બાપ, ભાઈ ને બુન!’ છેલ્લા શબ્દો બોલતાં એનું ગળું ભરાઈ આવ્યું. માંડ માંડ ઉમેરી શક્યો: ‘એ વાતને આજકાલ કરતાં આ ત્રીજુંય ચોમાસું પૂરું થયું સા…’ અને ‘હેબ’ને બદલે એનાથી આછું એક ડૂસકું જ નખાઈ ગયું.’
વાત પૂરી થઈ હોય તેમ તેણે આંસુ લૂછ્યાં ને નિસાસો નાખ્યો. સાથે સાથે જીવનશક્તિ હણાઈ ગઈ હોય તેવા લૂલા શરીરે પાંજરાનો ટેકો લીધો.
ન્યાયાધીશે એને પાણી પાવાનો હુકમ કર્યો. અને સાચે જ એ પાણી પીને કંઈક સ્વસ્થ પણ થયો.
‘એ બધી વાત તો અમે માની તારી, પણ એને ને આ પીઠીના પડીકાને શું લાગેવળગે? અનાજની ચોરી કરવા, ભેગું આ પડીકું શું કામ સાથે લીધું તેં?’
‘કહું તો ખરો સાહેબ, પણ–’ અને એણે, ન્યાયાધીશ સાહેબે શરૂઆતમાં જે સાહેબની લાલબત્તી હાથ ધરી હતી એમની સામે જોઈ કહ્યું: ‘જરા વાર લાગશે, સાહેબ!’
‘ભલે લાગે. પણ જો, જે કે’ એ સાચી વાત—’
લક્ષ્મણ વચ્ચે જ બોલી ઊઠ્યો: ‘એ વાત તો સાહેબ – આ કોરટ મને અરૂઢ થાય!’
અને એણે બે-પાંચ ક્ષણ થંભી અસલ વાતનો મિજાજ પકડી આગળ ચલાવ્યું: ‘એમ અમે વચન લીધાં-દીધાં સાહેબ, પણ નાતના રિવાજ પ્રમાણે ત્રણસોનો ચાંલ્લો તો મારે એના ભાઈઓને આપવો જ પડે ને? એય બચારા મારા જેવા ગરીબ માણસો છે. એટલે કીકીનું કહ્યું માનીને એમણે મને પરણાવવાનું તો કબૂલ્યું, પણ કાંઈ પૈસા મેલી દે? તોય એમણે તો બાપડે બુનના મોઢા સામે જોઈને કે ગમે તેમ પણ આ બે વરસ લગી એ સાપનો ભારો સંઘર્યો. હવે વાત એમ આવીને ઊભી છે કે બુનને લીધે એક ભાઈય કુંવારો લટકે છે; કારણ કે બુન પૈણે તો પૈસા આવે ને તો પેલા કુંવારાને પૈણાવવાનો ગજ ખાય, સાહેબ. ને એટલે એ બાઈ ઉપર હવે દાબ–’
‘પણ તો પછી તું પરણી કેમ નથી જતો?’ સવાલ પૂછનારને કારણ નહિ સમજાયું હોય.
‘એની જ તો રામાયણ છે, સાહેબ. પૈણી તો ઘણોય જઉં, પણ પેલા ત્રણસોની ઢગલી કરવી પડે એ?’ ક્ષણેક થંભી આગળ ચલાવ્યું: ‘અમારો તો ઘણો વિચાર હતો કે એ જ વરસે પૈણી જઈએ. એણે તો એમેય કહ્યું કે દરદાગીના ન મળે તો છેવટે ઊછીના. ઘેર આવીને પાછા કાઢી દઈશું. પણ સાહેબ, ભગવાન કે’ કે હું ઉતાવળો થઉં ને એ વરસે મેઘ મહારાજ હતા તે ભાદરવાથી જ જતા રહ્યા. ચોમાસુ પાકમાંથી તો, હું, મારી મા ને નાનો ભાઈ આટલાં ત્રણને મથીને બાર મહિને પોકે એટલું મળ્યું’તું ને ઉનાળું આવ્યું નહિ. એટલે એ વરસે તો સાહેબ, પેલા ત્રણસો વગર મનની બધી મનમાં જ રહી ગઈ.
‘હેંડો! આવતે વરસે–’ કહીને અમે મન મનાવ્યું ને એ વરસે તો પાક્યુંય ઠીક સાહેબ, બસોનું વેચાણ તો હતું જ પણ આ વખતે સાહેબ, વાણિયો વહેલો ઊઠ્યો ને–’
‘–લઈ ગયો. પછી? તારું પીઠીનું પડીકું તો હજુય—’
લક્ષ્મણ સાહેબની વચ્ચે જ બોલી ઊઠ્યો: ‘હવે એ જ આવે છે, સાહેબ’, ઝીણો અમથો ખૂંખારો ખાઈ એણે ગળું સાફ કર્યું. શ્રોતાઓએ પણ બેઠક ઠીકઠાક કરી જાણે કાન સરવા કર્યા.
લક્ષ્મણે બોલવા માંડ્યું: ‘બરાબર આ ગઈ ધનતેરસને દને જ સામે પૈણાવેલી મારા ગામની એક કુંવાશી, દિવાળી કરવા પિયરમાં આવી. હું એને મળ્યો ને હર ફેરા પૂછતો’તો એમ કીકીના સમાચાર પૂછ્યા. ને પે’લાં જ વેણ એનાં આવાં નીકળ્યાં: ‘આ વખત તો મારી આગળ ભાઈ, એ ઘણું ઘણું રોઈ – ખોબે ને ખોબે રોઈ!”
‘ને આ સાંભળી મને ‘ચયડ’ કરતો એવો સૈડકો પડ્યો સાહેબ, મેં જાણે નરી દેવતા પીધી!… ને આપ જ વિચાર કરો સાહેબ, એક તો જોવનાઈ ને બીજી પાછી ભોજાઈઓની કૂણીઓ. એ બધાથીય મોંઘું દુઃખ તો પોતે ન પૈયામાં કે ન કુંવારામાં એ હતું સાહેબ! પેલી બાઈએ ભાઈઓની ઉતાવળ ને ભોજાઈઓનાં મેણાં મને કહી સંભળાવ્યાં. પછી કે’છે: ‘માટે કીકીએ છેલ્લવેલું કે’વડાવ્યું છે કે, દિવાળી પછી લાગલું જ જો લગન રાખવું હોય તો આજકાલમાં પીઠીનું પડીકું મોકલજે, ને ‘ના’ હોય તો ઝેરનું!’
‘એ જ ઘડીએ મને થયું સાહેબ, કે હવે તો હદ જ આવી ગઈ છે. ગોઠે તો ઘર વેચું ને ગોઠે તો જાતે વેચાઈ જઉં, પણ બે દનમાં રૂપિયા ગાંઠે કરીને – પેલા સંદેશાનો ભાવારથ એમ તો ના’તો જ કે મારે સાચેસાચા પીઠીનું પડીકું મોકલવું. પણ મને થયું, આપણે તો ખરેખર જ પીઠીનું પડીકું પોંચતું કરવું – અરે એને હાથોહાથ દઈ આવવું.
‘આ ગોટાળામાં – સાચું કહું છું સાહેબ, દિવાળી ક્યાં આવી ને ક્યાં ગઈ એની મને ખબર નથી પડી. મારી પાસે વેચું તોય ને ખાઉં તોય ખળામાં પડેલી આ તરી-પાંતરી મણ ડાંગર જ હતી. ગામના વાણિયાને ભાવ પૂછ્યો તો એણે છેવટમાં છેવટ છ રૂપિયાનો ભાવ કહ્યો. ત્યારે સામા રાજમાં આઠ રૂપિયાનો ભાવ સાહેબ. વળી સામા રાજમાં તો સરકારી દુકાન. એટલે તોલમાંય ન તાણે. તાણે તોય પણ વાણિયા કરતાં તો ઘણું ઓછું, સાહેબ.
‘આમ દિવાળીને દન લોક રાવણાં માણતું’તું ને સુખડીઓ ખાતું’તું ત્યારે હું ખળામાં બેઠો બેઠો ડાંગરના દાણા મૂકી મૂકીને હિસાબ ગણતો’તો સાહેબ. સામે ગામ વેચું તો આટલી ડાંગરમાં બરાબર મારું લગન પતી જતું’તું ને ગામમાં વેચું તો એંશીની તૂટ પડે. ને પછી તો તૂટમાં તૂટ જ પડે, સાહેબ!’
શ્રોતાઓના હાથમાં વાતનો મુદ્દો આવી ગયો હતો છતાંય કોઈ કંઈ ન બોલ્યું. ન્યાયાધીશે પણ ન જ અટકાવ્યો.
લક્ષ્મણ બોલે જતો’તો: ‘મને થયું સાહેબ, કે મારું ધાન છે ને મારે વેચવું છે. એમાં વળી ગુનો શાનો? મને થયું સાહેબ, કે કૉંગ્રેસના રાજમાં સીમાડા ભૂંસી નાખ્યા છે પછી ગુનો ક્યાં? ને આવા આવા વિચારો પછી મેં ગામના વાણિયાને ત્યાંથી સવા પાશેર પીઠીનું પડીકુંય બંધાવી લીધું.
‘ને સાહેબ, બેસતા વરસની સાંજે લોક ગાયો ભડકાવતું’તું ને મઝા કરતું’તું ત્યારે હું ને મારો નાનો ભાઈ બિચારો ખળામાં કોથળા ભરતા’તા! મને હતું કે આજ તો પેલા ફરતા સિપાઈઓય ઝાયણી કરતા હશે. ને પાછલી રાતના મેં ભગવાનનું નામ લઈને ગાડું જોતરી દીધું. મારો આત્મા ‘ના’ તો કે’તો જ હતો. પણ મેં માન્યું કે આવું કામ કદી કર્યું નથી એટલે કાળજું તો થડકે ઉતાવળું, પણ સાહેબ—’ એનો અવાજ ઢીલો પડી રહ્યો હતો એનુંય એને ભાન કદાચ નહિ હોય. એ તો જાણે ભાંગ પીધી હોય, કશાક કેફમાં હોય તેમ બોલે જતો હતો: ‘જાણે ભગવાન જ રૂક્યો હોય એમ – આપણી હદ વટાવું છું, પેલી હદમાં હજુ પૂરો પેઠોય નથી, ને ત્યાં જ બંદૂકની ગોળી સરખો અવાજ સાંભળ્યો: ‘ખડે રો.’
મારા બધા જ મોતિયા મરી ગયા! પછી તો મેં એ સિપાઈઓને ઘણું ઘણું વીનવ્યા: “ભૂંડા! મારો આટલો ગુનો માફ કરો ને કે’તા હો તો હું ગાડું પાછું ઘર ભેગું કરી દઉં. ભલા ભાઈઓ, જરા વિચાર તો કરો! મારું ધાન ને હું જ લઈ જઉં છું,” ને પછી તો જરા આકરાં વેણ પણ કહ્યાં, સાહેબ: ‘તમે સરકારવાળાઓએ અમને લલચાવવા, ફસાવવા ને લૂંટવા જ પેલા રાજના કરતાં આટલો બધો ઓછો ભાવ રાખ્યો છે.’ પણ આપણું કોણ સાંભળતું હશે, સાહેબ? ઊલટા બે ગોદા ખાધા ને ગાળો તો- પરંતુ અહીં પણ એને ભેંસ આગળ ભાગવત જેવું જ લાગ્યું, અને ગળું સાફ કરતાં ન્યાયાધીશ સામે હાથ જોડીને છેલ્લી વિનંતી કરી જોઈ: ‘અમારું તો ભગવાન વગર બીજું કોઈ સાંભળનાર નથી સાહેબ, એ તો હવે, ચોકના વસી ગયા છે (નક્કી જ છે) કે મારું ગાડું, દાણા ને ચારેય બળદ હરાજ થઈ જશે ને મનેય જેલ મળશે. મારી પાછળ હાથે-પગે થઈ ગયેલાં મારાં ડોશી ને નાનો ભાઈ પણ જીવશે જીવવાનાં હશે તો; પણ મારી આપને – આ બધાય સાહેબોને એક આટલી અરજ છે કે પેલું પડીકું તો આપ – આ પેલો મારો કુટુંબી બેઠો છે એની સાથે પેલી અભાગણી બાઈ ઉપર જરૂર મોકલાવજો ને આટલાં મારા વેણ પહોંચાડજો કે—’ એનો અવાજ વધુ અને વધુ ઢીલો પડતો જતો હતો, શરીરનું ચેતન પણ ઓસરતું જતું હોય એમ લાગતું હતું.
‘કોને પાપે ને કયે ગુને એ તો ભગવાન જાણે, પણ આ ભવ તો… આપણે હવે નહિ… મળી શકીએ! આ પીઠીનું પડીકું મોકલું છું એ ચોળીને… કોક કોક ભાગ્યશાળીનો પનારો – ખોળી લેજે ને… ને તું તો—’ બેસી પડતાં માંડ માંડ એ બોલી શક્યો: ‘સુખી જ થજે!’ આ સાથે જ બાળકની જેમ તે ડૂસકે ડૂસકે રડી પડ્યો…
ન્યાયાધીશ, એ કમનસીબ જુવાનને રડતો મૂકી ઊભા થઈ ગયા. ચુકાદો આપવા માટે પૂરતો સમય હોવા છતાંય, ‘કાલ ઉપર મુલતવી’ કહી ચાલતા થયા, પાછળ બીજા પણ.
રહ્યા માત્ર પટાવાળા, પેલો પિતરાઈ ને પહેરાવાળા, એક આ અભાગી માણસ ને બીજું ભાતીગળ રેશમી રૂમાલ બાંધેલું પીઠીનું પડીકું પેલું, કે થોડાંક હતાં કબૂતર, આમતેમ ઊડતાં ને વળી પાછાં ચૂપ થઈ જતાં. જમાદારનીય – પઠાણ હતો છતાંય હિંમત નહોતી ચાલતી, રડતા ને ભાંગી પડેલા જુવાનને હુકમ કરવાની ને ઉઠાડવાની.
અલબત્ત હજુ ચુકાદો નહોતો આવ્યો છતાંય આવા અનેક કેસો જોઈ ચૂકેલા જમાદારને મન જાણે કશું જ અછાનું ન હતું. અને એટલે જ આ જુવાનને આશા ન બંધાવતાં ચુકાદો આવી ચૂક્યો હોય એ રીતે જ દિલાસો દઈ રહ્યો: ‘બહોત હુઆ દોસ્ત! અબ તો ઊઠ ઔર હિંમત રખ. રાજા હોતા તો ઉસકે પેર પડતે, લેકિન ઇસ લોકશાહી મેં – હમ સબકુછ જાનતે હૈં પ્યારે! લેકિન અગર ખુદા હોતા તો ભી તેરે બજાય મેં હી પૂછતા: ‘બતાઓ ભલા, ઉસ રાજ સે ઇસ રાજમેં ઇતના સારા કમ ભાવ રખના યહ કસૂર હૈ યા અપની મજૂરી કા ન્યાયી ભાવ ખાના વો?…’ દોસ્ત! તેરા કમાયા હુઆ અનાજ ઔર તું હી ચોર ઑર તેરી હી બરબાદી!… હમકો સબ કુછ માલૂમ હૈ પ્યારે, લેકિન-‘
અને, અશક્ત-બીમાર માણસની જેમ એ જુવાનને દમ ભરતો ને ઢીંચણે હાથ દઈ ઊભો થતો જોઈ એનાથી સ્વગત જેમ બોલી પડાયું: ‘ક્યા થા, ક્યા બનના થા ઔર કયા બન બેઠા! ક્યા સોને સી જિંદગી–’ અને એને ભળતે દરવજ્જે વળતો જોઈને ભાનમાં આણ્યો: ‘ઇસ નહિ, ઉસ દરવર્ક્સ મેરે દોસ્ત… અબ તો ભૂલ હી જા. સબ કુછ ભૂલ જા પ્યારે.વો નદી ભૂલ જા, કમનસીબ ઉસ લડકી કુ ભૂલ જા, દીયા હુઆ વચન ભૂલ જા, ઔર પીઠી કે ઉસ પુડીકે ભી – ઔર મેં કબું ભી ક્યા મેરે દોસ્ત – સબ કુછ ભૂલ જા!’